Home Blog Page 4892

આજના દિવસે જ મીનાકુમારી દુનિયા છોડી ગઇ હતી

મુંબઈઃ દિલ્હી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેજડી ક્વિનના નામથી જાણીતી મીના કુમારી એ ફેમસ અભિનેત્રીઓમાં ગણામાં આવે છે કે જેમને આજે પણ લોકો યાદ કરે છે અને જેઓ આજે પણ દર્શકોના દિલમાં છે તે ન માત્ર પોતાની સુંદરતા પરંતુ પોતાની એક્ટિંગ અને ડાયલોગ્સ માટે પણ જાણિતી છે. ઓગસ્ટ, 1932 ના રોજ જન્મેલી મીના કુમારી આજના દિવસે એટલે કે 31 માર્ચના રોજ દુનિયાને છોડીને જતી રહી હતી.

મીના કુમારીનું નિધન 31 માર્ચ, 1972 ના રોજ નિધન થયું હતું. મીના કુમારીએ પોતાના 30 વર્ષના આખા કરિયરમાં 90થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. મીના કુમારીનો જન્મ થતા જ તેમના પિતાએ તેમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હતા. આવો જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો.

આખી દુનિયામાં આમતો મીના કુમારીના નામથી ઓળખાય છે પરંતુ તેનું અસલી નામ મહજબીન હતું. મીના કુમારી ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનું ઈચ્છતી નહોતી. તે બીજા બાળકોની જેમ શાળાએ જવા ઈચ્છતી હતી. પરંતુ પરિવારની સ્થિતિ સારી ન હોવાના કારણે તેમને શાળાની જગ્યાએ ફિલ્મોમાં કામ કરવું પડ્યું.

મીના કુમારીના પિતા અલી બક્શને પહેલા જ બે દીકરીઓ હતી. તેએ મીના કુમારીના જન્મથી નાખુશ હતા. કહેવામાં આવે છે કે જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. ત્યાં સુધી કે તેના પિતા પાસે ડોક્ટરની ફી આપવાના પણ પૈસા નહોતા. એટલા માટે તેના પિતા તેને કોઈ મુસ્લિમ અનાથાલયની બહાર મૂકી આવ્યા હતા. પરંતુ થોડા કલાક પછી તેને પાછા લઈ આવ્યા હતા.

સાનિયા મિર્ઝાએ જરૂરિયાતમંદોની મદદ માટે સવા કરોડ રૂપિયા એકત્ર કર્યાં

હૈદરબાદઃ કોરોના વાઈરસ સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. એણે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રૂ. 1 કરોડ 25 લાખની રકમ એકત્ર કરી છે.

કોરોનાને ફેલાતો રોકવા માટે ભારતમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને કારણે અનેક ગરીબ, મજૂરો, કામદારો તથા બેઘર લોકો ફસાઈ ગયા છે.

સાનિયાએ આ સવા કરોડ રૂપિયાની રકમ એક જ સપ્તાહમાં એકત્ર કરી છે. આ ઉપરાંત એણે હજારો લોકોને ભોજન મળે એ માટે વ્યવસ્થા પણ કરાવી છે. આની જાણકારી એણે ટ્વિટર પર કરી છે.

એણે ટ્વીટમાં લખ્યું છેઃ જરૂરિયાતમંદ લોકોને સહાયતા પ્રદાન કરવા માટે અમે ગત્ સપ્તાહમાં એક ટીમના રૂપમાં કામ કર્યું હતું. અમે હજારો પરિવારોને ભોજન પ્રદાન કર્યું અને એક અઠવાડિયામાં 1.25 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આ રકમ એક લાખ લોકોની મદદ કરશે. આ એક સતત પ્રયાસ છે અને અમે સૌ સાથે મળીને આવું કરી રહ્યાં છીએ.

સાનિયાએ રોજનું કામ કરીને પોતાનું પેટ ભરતા પણ કોરોના વાઈરસ ફેલાવાને કારણે નિઃસહાય સ્થિતિમાં આવી ગયેલા કામદારો-મજૂરોને ભોજન તથા અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે આ રકમ એકત્ર કરી છે.

લોકડાઉન અને કર્ફ્યૂને કારણે અનેક ઉદ્યોગ-ધંધા બંધ થઈ ગયા છે, પરિણામે દૈનિક પગાર પર નભતા લોકો તથા એમના પરિવારજનોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે.

સાનિયાએ ગયા અઠવાડિયે એક વિડિયો પોતાના સોશિયલ નેટવર્ક પર શેર કર્યો હતો જેમાં તેણે ‘સફા ઈન્ડિયા’ સંસ્થાને મદદરૂપ થવા અને દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ કટોકટીના સમયમાં ગરીબ અને મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા કામદારો માટે યોગદાન આપવાની લોકોને અપીલ કરી હતી.

UNSC : શાંતિ સૈનિકોની સલામતી અને બચાવ માટે સંકલ્પ

અમદાવાદઃ યુનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે (UNSC) કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખતાં સર્વસંમતિથી એક સંકલ્પ પસાર કર્યો છે. UNSCએ સૌપ્રથમ વાર આ પ્રકારનો સંકલ્પ પાસ કર્યો કર્યો છે. આ સંકલ્પ કોરોના રોગચાળાથી ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખતા કરવામાં આવ્યો છે. આ સંકલ્પ વિશ્વના વિવિધ દેશોમાં તહેનાત શાંતિ સૈનિકોની કોરોનાથી બચાવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધા ઉપાય કરવાના પ્રયાસ કરવાનો છે.

95.000થી વધુ શાંતિ સૈનિકો તૈનાત

UNSCના જણાવ્યાનુસાર 72 વર્ષોમાં સંયુક્કત રાષ્ટ્રના શાંતિ અભિયાનોએ વિશ્વના સળગતા મુદ્દાઓના રાજકીય સમાધાનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છએ. UNSCના જણાવ્યાનુસાર હાલના સમયમાં વિશ્વભરમાં 95,000થી વધુ શાંતિ સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. UNSCએ ભાર દઈને કહ્યું હતું કે આ ઓપરેશનોમાં શાંતિ સૈનિકોના પડકારો સતત વધી રહ્યા છે. પારંપરિક અને બિનપારંપરિક સુરક્ષા કારકોની સાથે શાંતિ સૈનિકોની સાલમતી માટે ગંભીર જોખમ હતાં. સંગઠને કહ્યું હતું કે આ વર્ષ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની 75મી વર્ષગાંઠ અને એના કાર્યકાળ માટે આ એક મહત્ત્વપૂર્ણ વર્ષ છે.

ચીને આ પ્રસ્તાવ મૂક્યો

ન્યૂઝ એજન્સી ઝિન્હુઆના જણાવ્યા પ્રમાણે UNSCએ એક નિવેદનમાં કહ્યું હતું કે શાંતિ સૈનિકોના બચાવ અને સુરક્ષા માટે આ પહેલો પ્રસ્તાવ છે. ચીન દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને ઇટાલી, કજાકિસ્તાન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, રશિયા, સ્પેન, તુર્કી અને વિયેતનામ સહિત 43 દેશોએ સમર્થન કર્યું હતું.

પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો સામેલ

આ સંકલ્પમાં પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય, ઔદ્યોગિકક અને ભાગીદારી જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો સામેલ કરવામાં આવ્યા છે. જેનો હેતુ પ્રશિક્ષણની પ્રણાલીને મજબૂત કરવાનો, આરોગ્ય સુરક્ષા અને રાહત ક્ષમતાઓમાં સુધારો કરવો સામેલ છે. યજમાન દેશોની સાથે સંદેશવ્યવહારને મજબૂત કરવાની સાથે બે દેશો વચ્ચે વિશ્વાસ વધારવો. એની સાથે શાંતિ મિશનના સમન્વય તંત્રની વ્યવસ્થાને મજબૂત કરવાનો છે

કોરોના દર્દીઓની સંખ્યા 7,40,235 થઈ

વિશ્વભરમાં કોરોનાની ઝપટમાં આવનારા દર્દીઓની સંખ્યા વધીને 7,40,235 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 35,035 થઈ છે. યુરોપમાં કોરોનાને કારણે 25,000 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં અત્યાર સુધી 1,43,025 કેસોની પુષ્ટિ થઈ છે, જ્યારે 2,509 લોકોનાં મોત થયાં છે.

 

 

શીખવા જેવુંઃ આ ગામમાં કોરોના સામે લડવા કડક નિયમો

નવી દિલ્હીઃ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર હાપુડ પાસે એક વડીલ પોતાનું રોજનું કામ કરી રહ્યા છે. ત્રણ નાના બાળકો ઝાડ નીચે ખાટલો અને ખુરશી પર બેઠા હતા. કદાચ પોતાના જૂના કિસ્સાઓની ચર્ચા એ લોકો કરી રહ્યા હતા. પાસે જ મહિલાઓ પણ કામ કરી રહી હતી. આ નજારો છે મસૂરી ગામનો, જે એનએચ 9 પાસે આવેલું છે.

આ રસ્તા પરથી મોટી સંખ્યામાં ઘરે પાછા આવનારા લોકોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. એકતરફ  જ્યાં આખો દેશ જ નહી પરંતુ આખી દુનિયામાં કોરોનાનું સંકટ છે, ત્યારે ડર છે અને ભવિષ્યને લઈને આશંકા છે. તો આ ગામમાં જ નહી પરંતુ આસપાસના ઘણાય ગામડાઓમાં નજારો બીલકુલ અલગ હતો, લોકો સાવધાન દેખાયા અને મિજાજ સકારાત્મક હતો.

નોએડાથી લાલકુઆ પાસે પહેલું બેરિકેડિંગ મળ્યું. પોલીસ લોકોનું કડક ચેકિંગ કરી રહી છે. ગામના લોકોએ જણાવ્યું કે વિદેશીઓ શહેરોમાંથી આવે છે અને તેઓ જ બિમારીઓ લાવે છે. ગામમાં બહારના લોકો ઓછા જ આવે છે. બીમારીની ખબર પડતા જ હવે ગામના લોકો પણ બહાર નિકળતા નથી. વધતી બિમારીને ધ્યાને રાખતા આ ગામના લોકોએ દિલ્હીમાં ભણતા પોતાના બાળકોને પણ પાછા બોલાવી લીધા છે. ગામના એક વ્યક્તિને મોકલીને જરુરી સામાન જનતા કર્ફ્યુ પહેલા જ એકત્ર કરી લેવામાં આવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું કે, અમે અત્યારસુધી ઠંડીમાં જ ગરમ પાણી પીતા હતા પરંતુ હવે ઉનાળામાં પણ ગરમ પાણી પીવાનું શરુ કર્યું છે. અહીંયા લોકો સફાઈ રાખે છે અને શાકભાજી અને દૂધ વધારી દીધું છે.

કનિકાનો પાંચમો ટેસ્ટ પોઝિટિવ, પણ તબિયત સુધારા પર

નવી દિલ્હીઃ સિંગર કનિકા કપૂરનો પાંચમો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે ડોક્ટર્સનું એ માનવું છે કે તેની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટવ દર્દીનો દરેક 48 કકલાક પછી કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવે છે અને કનિકાના પાંચ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ બધા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, છતાં કનિકામાં બીમારીનાં કોઈ લક્ષણો નજરે ચઢતાં નથી.

કનિકાને હાલ સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી છે. આ સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર આર. કે. ધીમાને કહ્યું હતું કે સિંગરની હાલત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કનિકા કપૂર અસિમ્પ્ટોમેટિક છે, એટલે કોઈ લક્ષણ નથી દેખાતાં. જોકે હાલત સ્થિર અને સારી છે. તે સામાન્ય વ્યક્તિની જેમ ખોરાક લઈ રહી છે. તેમણે મિડિયામાં તેમની ખરાબ હાલતના આવેલા અહેવાલને ખોટા ગણાવ્યા હતા.

ઘરવાળા નાખુશ

કનિકા કપૂરનો ચોથો ચેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેના ઘરના સભ્યોએ કનિકા કપૂરના વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરવાની ઇચ્છા દર્શાવી હતી. ઘરના સભ્યો વ્યવસ્થા તંત્રથી નાખુશ છે અને સારી રીતે કામ નહીં કરવા બદલ આરોપ લગાવી રહ્યા છે. આ પહેલાં તેમણે ડોક્ટર્સે આરોપ લગાવ્યો હતો કે કનિકા કપૂર સારવારમાં સાથ-સહકાર નથી આપતી. તે એક દર્દીને બદલે એક સ્ટારની જેમ વ્યવહાર કરી રહી છે.

કનિકા કપૂર નવ માર્ચે, લંડનથી પરત ફરી હતી અને એ પછી તેણે કેટલીય પાર્ટી અને સમારોહમાં હાજરી આપી હતી. ત્યાર બાદ કોરોના વાઇરસનાં લક્ષણો દેખાતાં 20 માર્ચથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના અત્યાર સુધી કોરોના પાંચ ટેસ્ટ થયા છે અને બધા પોઝિટિવ આવ્યા છે.

 

 

સરકારે SCને કહ્યું, ‘હવે એક પણ માઈગ્રન્ટ કામદાર રોડ પર નથી’

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી ભારતમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, પણ વીતી ગયેલા અમુક દિવસોમાં સ્થળાંતરિત કામદારો, મજૂરો, ગરીબો ઘણા રાજ્યોમાં રસ્તાઓ પર જોવા મળ્યા બાદ ઉહાપોહ મચી ગયો હતો.

લોકડાઉનને કારણે કામ છૂટી જવાથી તેમજ માલિકોએ કાઢી મૂકતાં દેશના અનેક શહેરો, નગરોમાં માઈગ્રન્ટ કામદારોની હાલત કફોડી થઈ ગઈ હતી. તેઓ પોતપોતાના વતન-ગામ જવા રવાના થયા હતા, પરંતુ ટ્રેન અને બસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હોવાથી તેઓ રસ્તાઓ પર ચાલતા જતા જોવા મળ્યા હતા. એ વિશેની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર જોવા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો.

એ મામલે સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો અને ગરીબ મજૂરો, કામદારોની કાળજી લેવાનો સરકારને આદેશ આપ્યો હતો. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે હવે દેશમાં કોઈ માઈગ્રન્ટ કામદાર રસ્તા પર નથી. સદ્દનસીબે, સરકારે આગોતરા અને પ્રતિબંધાત્મક પગલાં લીધા હતા એટલે રોગચાળો ભારતમાં ફેલાયો નથી. ભારત સરકારે ગયા જાન્યુઆરીથી જ કોરોના વાઈરસને રોકવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સોલિસીટર જનરલ તુષાર મહેતા

જો સ્થળાંતરિત કામદારો, મજૂરોને રોકવામાં આવ્યા ન હોત તો વાઈરસ ગામડાઓમાં પહોંચી જાત. દર 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગામડામાં વાઈરસને લઈ જાત, એમ મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું.

મહેતાએ સુપ્રીમ કોર્ટને વધુમાં કહ્યું કે, આંતર-રાજ્ય માઈગ્રેશન સંપૂર્ણપણે રોકી દેવાની રાજ્યોને કેન્દ્ર તરફથી કડક સૂચના આપવામાં આવી છે. મારી પાસે જાણકારી છે કે હવે એક પણ માઈગ્રન્ટ કામદાર રસ્તા પર નથી. જે લોકો રસ્તાઓ પર હતા, એમણે ઉપલબ્ધ આશ્રય મેળવી લીધો છે.

 

મહેતાએ કોર્ટને કહ્યું કે ભારતમાં પહેલો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો એની પહેલાથી જ દેશમાં એવા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેઓ વિદેશમાંથી પાછા ફર્યા હતા. વાઈરસને ફેલાતો રોકી શકાયો છે એનો અમને (સરકારને) ઘણો સંતોષ થયો છે. એરપોર્ટ તથા બંદરગાહો પર તમામ લોકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમનામાં કોરોનાનાં લક્ષણ જણાયા હતા એમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા અને જેમનામાં લક્ષણ જોવા મળ્યા નહોતા એમને 14-દિવસ સુધી સ્વૈચ્છિક-આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

 

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ એવો સવાલ પૂછ્યો હતો કે શું કોરોનાનાં લક્ષણ ન હોય એવી વ્યક્તિઓને જવા દેવામાં આવી હતી? એના જવાબમાં સોલિસીટર જનરલ મહેતાએ કહ્યું હતું કે એવી વ્યક્તિઓને પાછળથી જો કોઈ લક્ષણ જણાય તો સત્તાવાળાઓને જાણ કરવા માટે એક હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યો હતો.

કોવીડ-19 (કોરોના) માટેની ટેસ્ટ હાથ ધરવા માટે દેશમાં શરૂઆતમાં માત્ર એક જ લેબોરેટરી હતી, જે પુણેમાં છે, પરંતુ હવે દેશમાં 118 લેબ્સ છે. પુણેની લેબોરેટરીની ક્ષમતા પણ વધારી દેવામાં આવી છે.

અમેરિકામાં 10 લાખ લોકોની તપાસ થશેઃ યુદ્ધ સ્તરે તૈયારી

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે હાલ યુદ્ધ સ્તરે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે જણાવ્યું હતું કે અત્યાર સુધી 10 લાખ લોકોનાં કોવિડ-19ની તપાસ કરવામાં આવી છે, જે અત્યાર સુધૂ કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણથી વધુ છે. આગામી 30 દિવસ અમેરિકા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પની લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની અપીલ છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,800 લોકોથી વધુનાં મોત થઈ ચૂક્યાં છે.  

મોતના આંકડા વધવાની શક્યતા

અમેરિકી આરોગ્ય સચિવ એલેક્સ અજારે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટે પ્રતિ દિન એક લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના જણાવ્યાનુસાર સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર કોવિડ-19ના કેસોની સંખ્યા 1,50,000થી વધી થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2,828 સુધી પહોંચી ચૂક્યો છે. હાલમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે મોતના આંકડામાં ઓર વધારો થવાની શક્યતા છે, જે એક સપ્તાહમાં ચરમસીમાએ પહોંચશે.

બે લાખ લોકોના જીવ જવાની શક્યતા

કોરોનાથી અમેરિકામા બે લાખ લોકોના જીવ જાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આશંકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે દર્શાવી હતી. અમેરિકામાં મેલેરિયાની એક દવાના મર્યાદિત ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, જેથી વધુ લોકોના જીવ બચાવી શકાય. હાલ અમેરિકાના કેટલાંય શહેરોમાં લોકડાઉનનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે, જેથી કોરોના વાઇરસને સીમિત દાયરામાં રાખી શકાય.કોરોનાની સાંકળ તોડવી બહુ જરૂરી

કોરોના વાઇરસને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ચેપગ્રસ્ત લોકોને ઓળખવા માટે વધુ ને વધુ લોકોની તપાસ કરવામાં આવે. જો બધા ચેપગ્રસ્તોની ઓળખ કરવામાં આવે તો એની સાંકળને તોડી શકાય. આ સાંકડ તૂટ્યા પછી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. જેથી અમેરિકામાં વધુ ને વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાઇરસની તપાસમાં ઝડપ આવી ગઈ છે.

દેશમાં કોરોના વાઇરસથી 1,251 લોકો ચેપગ્રસ્તઃ 32નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,251 લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે અને 32 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ દેશમાં કોરોના વાઇરસના બીજા તબક્કામાં છે. જોકે આ રોગથી અત્યાર સુધી 102 લોકો મુક્ત થઈ ચૂક્યા છે. વિશ્વભરમાં અત્યાર સુધી 7.80 લાખ લોકોથી વધુ લોકો કોરોના વાઇરસના સંક્રમિત થઈ ચૂક્યા છે અને 33 ,000 લોકોથી વધુનાં મોત થઈ ચૂક્યાં છે.

મહિનામાં હાલત ખરાબ

પહેલી માર્ચે દેશમાં માત્ર ત્રણ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ પાંચમી માર્ચે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 29, 10 માર્ચે 45, 15 માર્ચે 98, 20 માર્ચે 236, 25 માર્ચે 606 અને 31 માર્ચે આ રોગના દર્દીઓની સંખ્યા વધીને 1,251 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાના કુલ 73 કેસ

મંગળવારે ગુજરાતમાં કોરોના વાઇરસના બે કેસમાં વધારો થયો છે. એટલે કે કુલ કેસ કેસ 73 થયા છે. 55 વર્ષના એક પુરુષ દર્દી અમદાવાદના છે, તો અન્ય એક અન્ય એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. 32 વર્ષના મહિલા ગાંધીનગરના છે. તો બીજી તરફ, પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં 18078 લોકો સેલ્ફ કોરોન્ટાઈનમાં અને 741 સરકારી કોરોન્ટાઇન કુલ 19000 લોકો છે, આ માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આપી હતી.

PM Cares ફંડમાં દાન કરી વખતે નકલી ખાતું ન હોય અ ધ્યાન રાખજો

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીથી ઉત્પન્ન ચિંતાનજક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ બાદ હવે લોકો પોતાની રીતે મદદ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષના નામથી બનાવેલા ટ્રસ્ટની બેંકની વિગતો પણ જાહેર કરી હતી કે જેમાં ભીમ એપ દ્વારા પણ મદદ કરી શકાય છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે ઠગ લોકોએ પીએમ કેર નામથી એક નકલી આઈડી બનાવી લીધું છે અને આ નકલી આઈડીને ફેલાવવામાં આવી રહ્યું છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ ટ્વીટ કરતા કહ્યું કે, લોકોએ આ પ્રકારના ઠગોથી સાવધાન રહેવાની જરુર છે.

પીએમ કેર નામ પર એક ફેક યૂપીઆઈ આઈડી ફેલાવવામાં આવી રહ્યું છે, તો જો તમે પણ દાન કરવા માંગતા હોય કો 100 ટકા સાચવજો, ક્યાંક ફેક આઈડીમાં તમે ભૂલથી ઠગ લોકોને પોતાની રકમ ન આપી દેતા. વડાપ્રધાન મોદીના પીએમ કેર્સ ફંડ #PMCaresfunds નું સાચુ યૂપીઆઈ આઈડી pmcares@sbi છે. વડાપ્રધાન આ ટ્રસ્ટના અધ્યક્ષ છે અને આના સભ્યોમાં રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આ કોષમાં લોકોને દાન આપવાની અપીલ કરી છે. અને વડાપ્રધાન મોદીની આ અપીલની અસર જોવા મળી છે અને લોકોએ દાન આપવાનું શરુ કરી દીધું છે.

પીએમ કેર ફંડમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ, બેંકિંગ યૂપીઆઈ (ભીમ, ફોન પે,એમેઝોન પે, ગૂગલ પે, પેટીએમ, મોબિક્વિક સહિતનો સમાવેશ થાય છે) આરટીજીએસ/એનઈએફટીના ઉપયોગથી પણ આપ દાન કરી શકો છો. આ કોષમાં આપવામાં આવતી રકમ પર કલમ 80(જી) અંતર્ગત ઈનકમ ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે. નાગરિક અને સંગઠન વેબસાઈટ પીએમ ઈન્ડિયા, જીઓવી આ સાઈટ પર જઈને આપ પીએમ કેર્સ ફંડમાં દાનની વિસ્તૃત જાણકારી મેળવી શકો છો.

પીએમ કેયર્સ ફંડમાં દાન કરો

  • અકાઉન્ટનું નામઃ-     પીએમ કેર્સ
  • અકાઉન્ટ નંબરઃ-      2121PM20202
  • આઈએફએસસી કોડઃ-     SBIN0000691
  • સ્વિફ્ટ કોડઃ-               SBININBB104
  • બેંકનું નામ અને બ્રાંચઃ-   સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી, મુખ્ય બ્રાંચ
  • યૂપીઆઈ આઈડીઃ-        pmcares@sbi
  • pmindia.gov.in નો ઉપયોગ કરીને આપ દાન કરી શકો છો.

નિઝામુદ્દીન મકરજ મામલો સામે આવતા યુપી સરકાર એલર્ટ

લખનઉઃ દિલ્હીના નિઝામુદ્દીન મરકજના જે લોકો કોરોના વાયરસના શંકાસ્પદ મળ્યા છે તેમાં આશરે 100 લોકો યૂપીના છે ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે દિલ્હીના નિઝામુદ્દીન મરકજથી યૂપી આવેલા દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. ડીજીપીએ મરકજથી ઉત્તર પ્રદેશ આવેલા લોકોનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.

દક્ષિણ દિલ્હીના નિઝામુદ્દીન પશ્ચિમ વિસ્તારમાં એકથી 15 માર્ચ વચ્ચે તબલીગ-એ-જમાતના કાર્યક્રમમાં 2 હજારથી વધારે લોકો જોડાયા હતા. આમાં ઈન્ડોનેશિયા અને મલેશિયાના લોકો પણ જોડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક લોકોના કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં લોકોમાં બીમારીના લક્ષણ દેખાયાના રિપોર્ટ બાદ દિલ્હી પોલીસ અને સીઆરપીએફના ઓફિસરો અને મેડિકલ ટીમો રવિવારે રાત્રે વિસ્તારમાં ગઈ હતી.

ઓછામાં ઓછા 100 લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આના રિપોર્ટ આજે આવી જાય તેવી શક્યતા છે. મુસ્લિમ સંગઠન તબલીગ-એ-જમાતના મુખ્યાલય અને ઘરો સહિત આખા વિસ્તારને અલગ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસ, સીઆરપીએફની મેડિકલ ટીમો લોકોની તપાસ કરી રહી છે અને તેમને નિર્ધારિત હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. ગત સપ્તાહે શ્રીનગરમાં આશરે 60 વર્ષીય વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયા બાદ ચિંતામાં વધારો શરુ થયો છે. આ વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાયો હતો. અધિકારીઓ અનુસાર, સંગઠનના મુખ્યાલયમાં મોટી સભા બાદ નાની નાની મંડળીઓમાં પણ લોકો બેસતા હતા.

નોંધનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસો પહેલા પ્રતિબંધો હોવા છતાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 1400 લોકો સામેલ હતાં. સોમવાર રાતે તેમાંથી 34 લોકોની તબિયત બગડી. ત્યારબાદ તેમને દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું. હવે નિઝામુદ્દીનમાં ભેગા થયેલા તમામ 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલાયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં છે. તેમના પર લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.