Home Blog Page 4895

લોકડાઉનમાં કર્મચારીઓને મોટી રાહતઃ ઘણી કંપનીઓએ એડવાન્સ પગાર આપ્યો

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આખો દેશ ઝઝૂમી રહ્યો છે, 21-દિવસનું લોકડાઉન અમલમાં છે, ઘણા લોકો ઘેરથી પોતપોતાની ઓફિસોનું કામ કરી રહ્યા છે ત્યારે ઘણી કંપનીઓએ એમના કર્મચારીઓને રાહત આપી છે. તેમણે કર્મચારીઓને એડવાન્સમાં પગાર આપી દીધો છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઈન્ડિયા બુલ્સ વગેરે જેવી કંપનીઓએ માર્ચ મહિનાનો પગાર એમના કર્મચારીઓના ખાતામાં જમા કરી દીધો છે.

ટીસીએસ, ઈન્ડિયા બુલ્સ, મેરિકો, મેટ્રો કેશ એન્ડ કેરી, એસબીઆઈ જનરલ જેવી કંપનીઓએ એમના કર્મચારીઓને માર્ચ મહિનો પૂરો થાય એ પહેલા જ માર્ચનો પગાર એમના ખાતામાં જમા કરી દીધો છે, જેથી લોકડાઉનને કારણે એમને રાહત થાય.

ટીસીએસ કંપનીએ 27 માર્ચે પગાર આપી દીધો હતો. કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં કંપનીએ જણાવ્યું છે કે, કોરોના વાઈરસના રોગચાળાને કારણે તેમજ દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કંપનીએ નક્કી કર્યું છે કે આપ સહુનો માર્ચ-2020નો પગાર 27 માર્ચે જ આપી દેવો.

સામાન્ય રીતે ટીસીએ કંપની એના કર્મચારીઓને મહિનાનો પગાર મહિનાના આખરી વર્કિંગ દિવસે આપતી હોય છે.

એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત 21-દિવસના લોકડાઉનને પગલે ટીસીએસ કંપનીના દેશભરમાં 85 ટકા કર્મચારીઓ પોતપોતાના ઘેરથી કંપનીનું કામ કરી રહ્યા છે. અન્ય કંપનીઓ કેમ્પસમાં જ રહીને કામ કરે છે.

મેરિકો કંપનીએ જાહેરાત કરી છે કે એણે માર્ચ મહિનાનો પગાર કર્મચારીઓના ખાતામાં એક અઠવાડિયા પહેલા જ જમા કરાવી દીધો છે.

ઈન્ડિયા બુલ્સ કંપનીએ 26 માર્ચે એના કર્મચારીઓને પગાર ચૂકવી દીધો છે.

લોકડાઉનથી પેટ્રોલ-ડીઝલની માગ ઘટી

નવી દિલ્હીઃ કોવિડ-19થી લોકડાઉનને કારણે પેટ્રોલ અને ડીઝલની માગ સામાન્ય દિવસની તુલનાએ 10થી 20 રહી ગઈ છે. જેથી છેલ્લા 14 દિવસથી પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ બદલાવ આવ્યો નથી. દેશભરમાં પેટ્રોલ પમ્પો પર નીરવ શાંતિ છે. પેટ્રોલ અને ડીઝલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઇન્વેન્ટરી વધી ગઈ છે. એટલા માટે કંપનીઓ ક્રૂડ ઓઇલ લઈ આવેલાં જહાજને પાછાં વાળી રહી છે.

લોકડાઉનને કારણે આયાત બિલ ઘટશે

નિષ્ણાતોનું માનવું છે કે જો 21 દિવસના લોકડાઉનને વધારવામાં આવશે અને આશરે ત્રણ મહિના સુધી લોકડાઉન રહેશે તો સરકારની આશરે રૂ. બે લાખ કરોડ બચત થશે, કેમ કે સરકારના આયાત બિલમાં મોટો ઘટાડો નોંધાશે. લાંબા સમય સુધીના લોકડાઉન (ત્રણ મહિના)ને લીધે આયાત બિલમાં 30 ટકાનો ઘટાડો થવાનો સંભવ છે.

દેશમાં 78,000 પેટ્રોલ પમ્પ પર સન્નાટો

દેશભરમાં આશરે 78,000 પેટ્રોલ પમ્પ છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 10 કરોડ લિટર પેટ્રોલનું વેચાણ થાય છે અને આશરે 32 કરોડ લિટર ડીઝલનું વેચાણ થાય છે. આટલા મોટા પેટ્રોલ-ડીઝલના વપરાશકર્તા દેશમાં 80 ટકાથી વધુ આયાત પર નિર્ભર રહે છે. આવા સમયે પેટ્રોલ-ડીઝલની માગ ઘટીને એક તૃતીયાંશથી પણ ઓછી છે, જેથી આયાત બિલમાં ઘટાડો થશે. નાણાકીય વર્ષ 2018-19માં આયાત બિલ આશરે 7.8 લાખ કરોડ રૂપિયા હતું, જે લોકડાઉનને કારણે આ વર્ષે આશરે રૂ. બે લાખ કરોડ ઓછું રહેવાની શક્યતા છે.

સરકારને એક્સાઇઝનું નુકસાન

લોકડાઉનને કારણે માગ ઘટવાથી સરકારને એક્સાઇઝ ડ્યૂટીનું પણ નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી હતી, પરંતુ જ્યારે માગ જ નથી તો વેચાણમાં 80-90 ટકાનો ઘટાડો આવી ચૂક્યા છે. સામાન્ય દિવસની તુલનાએ સરકારને પ્રતિ દિન પેટ્રોલ પર રૂ. 206 કરોડ અને ડીઝલ પર રૂ. 550 કરોડનું નુકાસન થઈ રહ્યું છે. આમ સરકારને પ્રતિ દિન પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રૂ. 750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

 

 

UP: મનરેગા મજૂરોના ખાતામાં રૂ. 611 કરોડ ટ્રાન્સફર થયા

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટુ પગલું લેતાં 27.5 લાખ મનરેગા મજદૂરોના એકાઉન્ટમાં રૂ. 611 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. કોરોના રોગને નાથવા માટે લોકડાઉનમાં સૌથી વધુ મુશ્કેલી દાડિયા મજૂરોને પડી રહી છે. તેઓ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ ફાંફાં પડી રહ્યા છે. આ પહેલાં મુખ્ય પ્રધાન યોગીએ 20 લાખથી વધુ મજૂરોનાં ખાતાંમાં રૂ. 1000 ટ્રાન્સફર કર્યા હતા.

મુખ્ય પ્રધાન આદિત્યનાથે લખનૌથી એક ક્લિક કરીને સાડા 27 લાખ મનરેગા મજૂરોનાં ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કેન્દ્ર સરકારે મનરેગા મજૂરોની મજૂરી રૂ. 182થી વધીને રૂ. 202 કરી દીધી હતી. કેન્દ્ર સરકારે વધારેલી મજૂરી હેઠળ યોગી સરકારે મનરેગા મજૂરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મજૂરો સાથે વાત

મુખ્ય પ્રધાન યોગીએ વિડિયો કોન્ફન્સિંગ દ્વારા પ્રદેશના મનરેગા મજૂરોથી વાત પણ કરી હતી. મુખ્ય પ્રધાન યોગીએ મજૂરોના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમણે ગભરાવાની જરાય જરૂર નથી. સરકાર લોકોને ત્રણ મહિનાનું કરિયાણું પણ મફત આપશે. આ પહેલાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના 20 લાખથી વધુ દૈનિક મજૂરોનાં અકાઉન્ટમાં રૂ. 1000 ટ્રાન્સફર કર્યા હતા.

યોગી આજે દિલ્હીમાં રોકાશે, મજૂરોથી વાત પણ કરશે

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દિલ્હીથી પરત ફરી રહેલા મજૂરોનાં દુઃખ-દર્દ સમજવા માટે નોઇડા જવા રવાના થયા છે. તેઓ દિલ્હી સ્થિત કન્ટ્રોલ રૂમનુ નિરીક્ષણ કરશે. યોગી આજે રાત્રે દિલ્હીમાં રોકાશે અને આવતી કાલે મેરઠ અને ગાજિયાબાદની મુલાકાત લેશે. તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર લખીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ યુપીમાં રહેતા દિલ્હીવાસીઓનું ધ્યાન રાખશે. તેમણે દિલ્હીમાં રહેલા યુપીના લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવા આશા વ્યક્ત કરી હતી.

 

કોરોના: અદાણી ફાઉન્ડેશનનું રૂ. 100 કરોડ કરતાં વધુનું દાન

અમદાવાદઃ દેશ કોરોનો સામે જંગ લડી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કર્યું છે. વડા પ્રધાને આ જંગમાં લડવા માટે PM CARES FUNDની રચના પણ કરી છે અને લોકોને આ રોગચાળા માટે દાન આપવાની વિનંતી કરી છે. આ જંગમાં સામેલ થતાં અમદાવાદસ્થિત અદાણી ફાઉન્ડેશને રૂ. 100 કરોડથી વધુ દાનની જાહેરાત કરી છે. તેમણે PM CARES FUNDમાં રૂ. 100 કરોડ આપવાની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાનના રાહત નિધિ ફંડમાં રૂ. પાંચ કરોડ અને મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ફંડમાં રૂ. એક કરોડનું દાન આપ્યું છે.

આ ઉપરાંત, દેશમાં અદાણી ફાઉન્ડેશન સામાજિક રીતે પણ સહાય કરશે એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન કોરોના સામેના જંગમાં નીચેની સામાજિક પ્રવૃત્તિઓ કરશે…

  • અમદાવાદની SVP હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓ અને ડોક્ટરો માટે વ્યક્તિગત સુરક્ષા કિટ આપવાનું પણ ફાઉન્ડેશને નિર્ણય કર્યો છે.
  • ફાઉન્ડેશન દ્વારા ઝારખંડના ગોડાના જિલ્લા વહાવટી તંત્રને એક લાખ માસ્ક મફત આપવામાં આવશે. આ માસ્ક અદાણી જૂથની ફૂલો જાનો સક્ષમ આજીવિકા સખી મંડળ (PJSASM)ની 100 મહિલા દ્વારા તૈયાર કરવામાં આવશે.
  • વળી, છત્તીસગઢના સુરગુજામાં અદાણી ફાઉન્ડેશનની મહિલા ઉદ્યમી બહુદ્દેશીય સહકારી સમિતિ 15,000 માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ માસ્કની વહેંચણી 10 ગામોમાં હેન્ડવોશની સાથે કરવામાં આવશે.
  • અદાણી ફાઉન્ડેશનના કર્મચારીઓ મુંદ્રામાં પ્રતિ દિવસ 1000 ફૂડ પેકેટ્સ દૈનિક મજૂરી કરતા મજૂરો અને ટ્રક ડ્રાઇવર્સ માટે તૈયાર કરી રહ્યા છે
  • આ ઉપરાંત ફાઉન્ડેશન કેરળના વિંઝિજામમાં ઓટો રિક્શા ડ્રાઇવર્સ, ટેક્સી ડ્રાઇવર્સ અને પોલીસ કર્મચારીઓને માસ્કનું વિતરણ કરશે. આ ઉપરાંત ફાઉન્ડેશને અહીંના વિવિધ સ્થળોએ હેન્ડવોશિંગ સ્ટેશનનો પણ સ્થાપ્યાં છે.

 

 

1 એપ્રિલથી 10 બેન્કોનો વિલયઃ ગ્રાહકો માટે બદલાશે બેન્કિંગ

નવી દિલ્હીઃ દેશભરમાં 21 દિવસના લોકડાઉન છતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છે કે બેન્ક એની વિલીનીકરણ યોજના મુજબ આગળ ધપશે, જેમાં 10 જાહેર ક્ષેત્રની બેન્કો વિલીનીકરણ થઈને ચાર મોટી બેન્કો બનશે.  પહેલી એપ્રિલથી દેશમાં મેગા બેન્ક મર્જરનો અમલ થવાનો છે. આ મેગા મર્જર હેઠળ ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેન્ક (PNB)માં, સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં અને અલાહાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્કમાં વિલીનીકરણ થશે.

આ વિશે રિઝર્વ બેન્ક દ્વારા નોટિફિકેશન જારી થઈ ગયું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે એક એપ્રિલ, 2020થી અલાહાબાદ બેન્કની બધી શાખાઓ ઇન્ડિયન બેન્કની શાખાઓ તરીકે કામ કરશે. આ જ રીતે ઓરિયેન્ટલ બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓ પંજાબ નેશનલ બેન્કના રૂપમાં, સિન્ડિકેટ બેન્કની શાખાઓ કેનેરા બેન્કની શાખાઓ તરીકે અને આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કની શાખાઓ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના રૂપમાં કામ કરશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામનના ગુરુવારના નિવેદન પછી રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે મેગા બેંકના એકત્રીકરણ યોજના ટ્રેક પર છે અને એ 1 એપ્રિલથી જ અમલમાં આવશે.

કેટલીક શાખાઓ બંધ થવાની શક્યતા

બેન્કોના વિલીનીકરણને લીધે બેન્કોની કેટલીક શાશાઓ બંધ થવાની શક્યતાઓ છે. આ એવી પરિસ્થિતઓમાં થશે, જેમાં વિલય થનારી બેન્ક અને મુખ્ય બેન્કની શાખા પાસે-પાસે હોય.

IFSC અને MICR કોડ બદલાઈ જવાની શક્યતા

જે બેન્કોનું વિલીનીકરણ થશે, એમની અંડરટેકિંગ્સ એ બેન્કોને હસ્તગત કરનારી બેન્કો એટલે મુખ્ય બેન્કને ટ્રાન્સફર થઈ જશે. આમાં બેન્કનો પૂરો બિઝનેસ, હક, ટાઇટલ, ક્લેમ, લાઇસન્સ, મંજૂરીઓ વગેરે અને અન્ય પ્રિવિલેજીસ અને બધી મિલકત, બધાં બોરોંગ્સ, લાયાબિલિટી અને ઓબ્લિગેશન્સ સામેલ છે. આવામાં એ પણ સંભાવના છે કે વિલય થવાવાળી બેન્કોની શાખાઓના IFSC કોડ, બ્રાંચ કોડ  અને MICR કોડ બદલાઈ જાય.

એકાઉન્ટ નંબર અને કસ્ટમર IDમાં પણ પરિવર્તન

આમાં મર્જ થનારી બેન્કોના ગ્રાહકોને મુખ્ય બેન્ક મુજબ એક નવું એકાઉન્ટ નંબર, અને કસ્ટમર ID મળી શકે છે. ATM, નેટ બેન્કિંગ વગેરેમાં પણ પરિવર્તન થવાની શક્યતા છે.

લોકડાઉનનો સમય વધારવાનું પ્લાનિંગ નથીઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે કેટલાક સમાચારો એવા પણ આવી રહ્યા છે કે લોકડાઉનનો સમય લંબાઈ શકે છે. ત્યારે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ કહ્યું છે કે લોકડાઉન વધારવાનો કોઈ વિચાર નથી.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ વચ્ચે ઘણા પ્રકારની અફવા સામે આવી રહી છે કે, સરકાર 21 દિવસ બાદ લોકડાઉન ફરીથી આગળ વધારશે.

રાજીવ ગોબાએ લોકડાઉન આગળ વધારતા સમાચારોને ફગાવતા કહ્યું કે, હું આ પ્રકારના રિપોર્ટને જોઈને અચંબિત છું. લોકડાઉનને વધારવાની કોઈ યોજના નથી.

દેશમાં કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન લોકડાઉનના કારણે લોકોને થઈ રહેલી તકલીફ માટે ક્ષમા માંગી છે. આ દરમિયાન વડાપ્રધાને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો સાથે વાત કરી હતી.

લોકડાઉન એક પ્રકારની સંકટ સમયમાં લાગુ કરવામાં આવેલી વ્યવસ્થા છે કે જે કોઈ આપત્તિ અથવા મહામારીનાન સમયમાં સરકારી રીતે લાગૂ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દવા અને અનાજ જેવી જરુરી વસ્તુઓ લેવા માટે બહાર નિકળવાની મંજૂરી હોય છે.

દીવાનખંડમાં કરૂણાની કથા, રસ્તા પર કરૂણતાની…  

ગુનાહ પાસપોર્ટ કા થા, દર-બદર રાશનકાર્ડ હો ગયે…લોકડાઉન પછી શરૂ થયેલા પરપ્રાંતીય મજૂરોની વતન ભણી હિજરત પછી વહેતું થયેલું આ વિધાન પરિસ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. 

કેમ સર્જાઇ આ પરિસ્થિતિ? વાંચો, અહીં…

(કેતન ત્રિવેદી)

———————————————————–

યે શહેરોં કા સન્નાટા બતા રહા હૈ

ઇન્સાનોનેં કુદરત કો નારાજ બહુત કિયા હૈ

પ્રસિદ્ધ ગીતકાર ગુલઝારના નામે આ શેર આજકાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કોરોના એ માનવીની ભૂખની પેદાશ છે કે કુદરતની નારાજગીની એ તો ખબર નથી, પણ ચોવીસે કલાક સતત દોડતા, હાંફતા અને માનવજાતના વિકાસના મિથ્યાભિમાનના પ્રતીક એવા આપણા શહેરોમાં સન્નાટો જરૂર છવાઇ ગયો છે. મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નઇ કે આપણું અમદાવાદ, કોઇપણ શહેરમાં આજકાલ સૂમસામ પડેલી સડક પર ફિલ્મ શોલેનો એ જ ડાયલોગ સંભળાય છેઃ ઇતના સન્નાટા ક્યું હૈ?

ના, આ સન્નાટો ફક્ત બહાર જ છે એવું નથી. એક એવો જ સન્નાટો આપણી ભીતરમાં પણ છવાયેલો છે. આ શહેરોમાં વસતા તમામેતમામ લોકોની ભીતર. ડરનો સન્નાટો. કશુંક થવાનો સન્નાટો. આ સન્નાટો ન તો વર્તમાન પેઢીએ એમના જીવનકાળમાં જોયો છે, ન તો કદાચ બીજી વાર જોશે. સદીઓમાં એકાદ વખત જ જોવા મળે એવી આ મહામારીએ જાણે દેશ અને દુનિયાને અંદરથી હચમચાવી મૂકી છે. થરથરાવી દીધી છે. કંપાવી દીધી છે.

આવી જ કંપારી છૂટે છે, હાઇવે પર ઉમટેલાં ગરીબ-મજદૂર વર્ગના ટોળાં જોઇને. એમાં પણ સન્નાટો છે, ટોળાંનો સન્નાટો. કોઇ બસમાં, કોઇ ટ્રકમાં, કોઇ શબવાહિની મળી તો શબવાહિનીમાં તો કોઇ ચાલતાં નીકળેલાં ટોળાં. ગુજરાતના સુરત જેવા શહેરમાંથી ગામડે જવા નીકળેલાં ટોળાં હોય કે દિલ્હીથી બિહાર-ઉત્તર પ્રદેશમાં વતનની વાટ પકડતા પરપ્રાંતીય મજૂરોના ટોળાં, છેવટે એ શું દર્શાવે છે? એવી કઇ મજબૂરી આવી પડી કે જે શહેરમાં સપનાં લઇને આવ્યા હતા એ જ શહેર એમને અચાનક પારકું લાગવા માંડયું? એવું તે ક્યું કારણ હતું કે સરકાર, સ્થાનિક પ્રશાસન, પોલીસ, સેવાભાવી સંગઠનના કાર્યકર્તાઓ આ બધાના સમજાવવા-ધમકાવવા છતાં આ લોકો કોઈનું ય માન્યા વગર રસ્તે રઝળતા થઇ ગયા?

ના, આ ફક્ત લોકડાઉનની વહીવટી નિષ્ફળતા તો નથી જ. અહીં ફક્ત ઇરાદાપૂર્વક લખ્યું છે. એનો મતલબ એમ છે કે લોકડાઉનની વહીવટી નિષ્ફળતા તો છે જ, પણ એ સિવાય પણ કેટલાંક કારણો છે આ પરિસ્થિતિ સર્જાવાના.

પ્રસિધ્ધ ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક ગુસ્તાવે લી બોન કહે છે કે, માણસ ટોળાંમાં ભળે ત્યારે પોતાનું વ્યક્તિત્વ અને સામાજિક જવાબદારી ભૂલીને મન ફાવે એમ વર્તવા ટેવાયેલું હોય છે. ટોળાનું આ પહેલું લક્ષણ છે કે એક વ્યક્તિ કરે એમ બીજો કરે. બીજો કરે એમ ત્રીજો કરે અને પછી લાઇન લાગે. આ કિસ્સામાં પણ એક પરિવાર જવા નીકળ્યો એટલે બીજો અને ત્રીજો અને પછી લાઇનો લાગી. આમ પણ, ડરના સમયમાં માણસમાત્ર સલામતી ગોતે છે. આ લોકોને એમના વતનમાં સલામતી દેખાય છે. ના, એમને મરવાની બીક નથી એવું નથી, પણ મરવું પડે તો આ અજાણ્યા લોકોની વચ્ચે, અજાણ્યા શહેરમાં એમને મરવું નથી. મરવું જ પડે તો એમને વતનમાં, પોતાના લોકોની વચ્ચે મરવામાં વાંધો નથી.

એવું નથી કે, એમને કોરોનાની પડી નથી. પડી જ છે, પણ કોરોના કરતાં એમને બે ટાઇમની રોટીની વધારે પડી છે. સરકાર અને પોલીસ એમને સમજાવે છે, પણ એમનો ભરોસો આ સરકાર અને આ સિસ્ટમ પરથી ઉઠી ગયો છે. અત્યાર સુધીમાં સરકારે આપેલા વચનો પાળ્યા નથી એટલે આ વખતે પણ સરકાર રોજી-રોટી જળવાઇ રહેશે એવું વચન આપે છે એમ છતાંય એમને ભરોસો પડતો નથી. તમે (સરકાર) નથી એમને કામ આપી શકતાં, નથી રોટી આપી શકતા તો પછી એ તમારું માનીને અહીં રોકાય શું કામ? સેવાભાવી સંસ્થાઓ વધીવધીને દસ-પંદર દિવસ ખવડાવશે, પછી એમની ય મર્યાદા આવશે. એમને નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ભરોસો હોય તો પણ આ સિસ્ટમ પર તો નથી જ. અને માણસ જ્યારે અંદરથી ડરેલો હોય ત્યારે એને કોઇના પર ભરોસો પડતો નથી. એ માત્ર કોઇની પાસેથી આશ્વાસન શોધે છે અને એ આશ્વાસન આ લોકોને ફક્ત એમનું વતન, એમનો પરિવાર જ આપી શકે છે.

બીજું આજકાલ સરકારથી માંડીને પ્રશાસન, તબીબો, સમાજસેવી સંસ્થાઓ, સેલીબ્રીટીઓ બધા જ સોશિયલ ડિસ્ટન્સિંગ… સોશિયલ ડિસ્ટન્સિંગ મંડી પડયા છે. એ ખોટું કહે છે એવું નથી, પણ અલ્યા, હકીકત એ છે કે ભારત જેવા દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તમે ધારો છો એટલું સહેલું અને શક્ય નથી. વસતિની ઘનતા તો જૂઓ. બાલ્કનીમાં નીકળે તો ય અથડાય એટલા નાના ઘરોમાં કરોડો લોકો રહે છે. પશ્ચિમની પ્રજા તો ટેવાયેલી છે એકાંકી અને એકલસૂડા બનીને જીવવા માટે. આપણે નહીં. આપણે કમ્યુનિટી લાઇફમાં જીવવા ટેવાયેલા છીએ. અરે, આપણે ત્યાં ગૃહિણીઓ બહાર ખરીદી કરવા નીકળે તો ય સાથે નીકળે છે અને પડોશમાં રસોઇ પણ એકબીજાની સાથે થાય છે. જીવનના નાના-મોટા તમામ પ્રસંગો પડોશીઓ અને સ્વજનોની સાથે હળી-મળીને ઉજવવા ટેવાયેલી પ્રજા છીએ આપણે. વળી, ડરના આ માહોલમાં જ્યારે પરિવાર અને મિત્રોની સૌથી વધારે જરૂર હોય તે સમયે તમે એમને એકલા રહેવાનું કહો એ કેમ ગળે ઉતરે? અંધારામાં નીકળેલો માણસ પણ સીટી વગાડીને કે ગીત ગાઈને અવાજનો સહારો શોધતો હોય છે. આ તો કોરોના નામનું ભૂત સામે દેખાય છે. સરકાર કહે છે કે તમને કોરોનાના લક્ષણો દેખાય તો તમે ક્વોરન્ટાઇમાં રહો. અલાયદા રૂમમાં રહો. આ દેશની માઇબાપ સરકારને ખબર નથી કે દેશની કેટલા ભાગની વસતિ પાસે કાં તો રહેવા માટે છાપરૂં નથી અને કાં તો એક રૂમ-રસોડાની ઘોલકીમાં આખો પરિવાર રહે છે? ક્વોરન્ટાઇન ક્યાંથી કરે? કોરોનાથી બચવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન કદાચ આ લોકોને ધ્યાનમાં રાખીને બનાવાઇ જ નથી.

ચેન્નઇસ્થિત મહિલા મનોવૈજ્ઞાનિક સુજાતા કુમાર સાચું જ કહે છે કે, અત્યારે પ્રત્યેક માણસ ડરેલો છે. જે રીતે અત્યારે શહેરમાંથી ગામડા તરફ રિવર્સ-માઇગ્રેશન થઇ રહયું છે એ આ ડરનું જ પરિણામ છે. ડર માણસની વિચારશક્તિને હણી નાખે છે. જનતા કરફ્યૂનું જ ઉદાહરણ લ્યો. વડા પ્રધાને સાંજે પાંચ વાગ્યે થાળી વગાડવાનું કીધું એટલે ડરના કારણે આખો દિવસ ઘરમાં બેસીને કંટાળેલો માણસ પાંચના ટકોરે થાળી વગાડવા શેરીઓમાં નીકળી પડયો. કદાચ એ આખા દિવસના ફ્રસ્ટ્રેશનનું પરિણામ હતું. કોના માટે, ક્યા કારણથી થાળી વગાડવાનું વડા પ્રધાને કીધું છે એ કોઇને યાદ ન રહયું. બસ, વડા પ્રધાને કીધું છે એટલે વગાડવાની છે. આમ કરીને ખરેખર તો બધા અંદર પેસી ગયેલા ડરને ભગાડવા માગતા હતા. ગુજરાતમાં તો કહેવાતા ભણેલા-ગણેલા લોકો ય થાળી વગાડવા રસ્તા પર નીકળી પડયા હતા અને મજાની વાત એ છે કે એ જ વર્ગ આજે વતન જઇ રહેલા પરપ્રાંતીયોના ટોળાંને જોઇને એમ માને છે કે એમનામાં સમજણ નથી!!

ના, સવાલ ફક્ત સમજણનો જ નથી. સવાલ મજબૂરીનો પણ છે, સવાલ ડરનો પણ છે અને સવાલ સિસ્ટમ પરથી ડગી ગયેલા વિશ્વાસનો પણ છે. આપણું તંત્ર જ એવું છે કે, દરેક ડિઝાસ્ટર વખતે નવેસરથી જાગે છે અને બે-ચાર મહિના પછી આફતના આફ્ટરશોક્સ બંધ થાય પછી નવેસરથી સૂઇ જાય છે. દેશના 130 કરોડ લોકો સુધી સાચી માહિતી-સાચી જાણકારી પહોંચે એવી અસરકારક કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ત્યાં છે? સરકાર અને વહીવટીતંત્ર પાસે સોશિયલ મિડીયાનું નવું રમકડું આવ્યું છે એના આધારે એમણે માની લીધું કે, એક મેસેજ મોકલી દીધો એટલે બધાએ વાંચી લીધો, સમજી લીધો અને પાલન કરી લીધું. લાખો માઇગ્રન્ટ્સ જે રીતે ભીડની પરવા કર્યા વિના નીકળી પડ્યા એ બધાને મેસેજ પહોંચ્યા નહોતા? પહોંચ્યા હતા, પણ એમને એ મેસેજ કરતાં વધારે વિશ્વાસ વતન અને સ્વજનો પર હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સરકાર, સમાજસેવી સંગઠનો, મિડીયા, સોશિયલ મિડીયા આ બધુ હોવા છતાં આ વર્ગ હજુ એમની પહોંચની બહાર છે. એમનો અવાજ આ વર્ગ સુધી પહોંચતો નથી અને આ વર્ગનો પોતાનો કોઇ અવાજ નથી.

એટલે જ, લોકડાઉનમાં લાખો માઇગ્રન્ટ્સ જ્યારે રસ્તા પર રઝળતા હતા ત્યારે મોદી સરકારના મંત્રી રામાયણ સિરિયલ જોતા હોય એવી તસવીર ટ્વિટર પર શેર કરીને ફરજ બજાવ્યાનો સંતોષ માનતા હતા! અંદર કરૂણાની કથા ચાલતી હતી, બહાર કરૂણતાની.

લૉકડાઉનમાં ઘરે જ બનાવો તણાવને દૂર કરતું પીણું!

લૉકડાઉનમાં ઘેરબેઠાં એકધારું કામ કરીને તમે તાણ અને થાકનો અનુભવ કરી રહ્યા હો, તો અહીં તમને બતાવીએ છીએ એવા પીણાંની રીત જે તમારા શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. કોરોના વાયરસનું સંક્રમણ આખા વિશ્વમાં ફેલાઇને ભારતમાં પણ પગપેસારો કરી ગયું છે. તેથી આપણા દેશમાં 21 દિવસનો લૉકડાઉન ઘોષિત કરવામાં આવ્યો છે. આ દિવસોમાં ઘણા લોકોને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે રહીને કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

 

સંચારબંધી ને કારણે બહાર બહાર જવાનું નથી. તો ઘેર બેઠા કામ કરીને પણ લોકો કંટાળી તો જાય જ છે. સાથે માનસિક તાણ પણ રહે છે. ઘણા લોકો નોકરી અર્થે પોતાના પરિવારથી દૂર બીજા શહેરમાં એકલા રહેતા હોય છે. આવી વ્યક્તિ વધારે તાણ અનુભવે છે.

એક એવું પીણું છે જે તમારી તાણ ઓછી કરી શકે છે, હેલ્ધી પણ છે અને આ લૉકડાઉનના સમયમાં તે માટેની સામગ્રી સહેલાઈથી મેળવી શકાય એમ છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ના રીસર્ચ પ્રમાણે મધ એક એવો ઔષધીય ગુણ ધરાવે છે, જેના સેવનથી અનેક પ્રકારની માનસિક સમસ્યાઓમાં રાહત મળે છે.

 મધમાં મગજની કાર્યપ્રણાલીને સક્રિય રૂપે કાર્ય કરવાનો ગુણ છે સાથે તાણ પણ દૂર કરે છે. મધને હુંફાળા દૂધમાં મેળવીને પીવાથી એનો વિશેષ લાભ મળે છે.

સામગ્રી:
1 ગ્લાસ દૂધ
1 ટે.સ્પૂન મધ

રીત:
દૂધને સરખું ગરમ કરી લો. દૂધને ગ્લાસમાં રેડી લો. દૂધ હૂંફાળું થયા બાદ તેમાં એક ટેબલસ્પૂન મધ મિક્સ કરી લો. હવે આ પીણાંનું સેવન તમે કરી શકો છો.

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 69 પર પહોંચી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. આજે કુલ 6 કેસ નોંધાયા છે જેમાંથી એકલા ભાવનગરમાંથી જ નવા 5 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અમદાવાદમાં એક નવો કેસ નોંધાયો છે. 69માંથી 6નું મોત થયુ છે. બચેલા 63 લોકોમાંથી 2 જણા સાજા થયા છે.

દેશભરમાં આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લોકાડાઉનની અસર જોવા મળી છે. જોકે ઘણા ભાગો હજી પણ એવા છે જ્યાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છે કે 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીના કુલ 69 કેસો નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 6 લોકોના કોરોનાથી દર્દનાક મોત નીપજી ચૂક્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ દરરોજની જેમ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં ગઇકાલથી અત્યાર સુધીમાં નવા છ કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે.

આજે ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ સ્થાનિક સંક્રમણમાં આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસ છે. જેમાંથી 6 લોકોના મોત થયા છે, 63 લોકો હોસ્પિટલમાં હતા તેમાં બે દર્દી સાજા થઈ ગયા છે. બે લોકો હજી વેન્ટિલેટર પર છે. જ્યારે 59 સ્ટેબલ છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી. 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યના 744 લોકો સરકારી અને 18 હજારથી વધુ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. આજે નોંધાયેલા તમામ કેસો લોકલ ટ્રાન્સમિશનનો હોવાનું સામે આવ્યું છે. જેથી એવું કહી શકાય કે ગુજરાતમાં હવે લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પોઝિટીવ દર્દીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના 59 દર્દીની તબિયત સ્થિર છે અને 2 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે બે લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

 

કોરોના કેસની સંખ્યા વધીને 1,071: 29 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 1,071 કેસ થયા છે. આ રોગને લીધે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયાં છે. આ રોગથી અત્યાર સુધી કુલ 49 વિદેશી પણ રોગના સંકજામાં આવી ગયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ રોગથી 100 દર્દીઓ સાજા થયા છે. આ રોગના ચેપને અટકાવવા માટે સરકાર લોકડાઉન , સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાં ભરી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 106 નવા નવા કેસ, છનાં મોત

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 106 કેસ સામે આવ્યા છે અને છ જણનાં આ રોગથી મોત થયાં છે. કોરોના વાઇરસથી દેશભરમાં કરવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનને આગળ વધુ વધારવાનો કોઈ યોજના નથી, એમ સરકારે કહ્યું હતું.

દેશનાં રાજ્યોમાં અત્યાર સુધી કોરોના કેસની યાદી નીચે મુજબ છે.