Home Blog Page 4899

રેલવે ટ્રેકના સહારે વતન જવા મજબૂર મજૂરો

અમદાવાદઃ શહેરમાંથી પોતાના વતન તરફ જતા અસંખ્ય લોકો માર્ગો પર જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી જ શહેરના ચાંદલોડિયા વિસ્તારથી કલર કામ કરતા કારીગરોનો એક જથ્થો રેલવે ટ્રેક ઉપર પગપાળા પોતાના ગામ તરફ જવા રવાના થયો હતો. મૂળ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કલર કામના અસંખ્ય કારીગરો પેટિયું રળવા ગુજરાત રાજ્યમાં આવતા હોય છે. કોરોના વાયરસની મહામારીથી ફેલાયેલી દહેશત અને સરકારી ફરમાનો વચ્ચે ઘણાં શ્રમિકો શહેરોમાં ફસાયેલા છે. કેટલાક મહામુસીબતે વતન પહોંચી ગયા તો હવે મહામારી અને મારની બીકે શ્રમિકો આંતરિયાળ રસ્તા પર કે રેલવે ટ્રેક પર પગપાળા જતા જોવા મળી રહ્યા છે. મૂળ ઉત્તર ભારતના આ શ્રમિકો ચિત્રલેખા.કોમને કહે છે કે, અહીં હાલ કામ નથી, પૈસા વગર જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે રઝળપાટ કરવી પડે અને વતનમાં પરિવારને ચિંતા થાય એના કરતાં પરિવહન મળે કે ના મળે ચલતે ચલતે હમેં બસ ઘર જાના હૈ….!

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોનાઃ આ ફીયર સાઇકોસિસને કેવી રીતે દૂર કરવો?

સંજય પટેલનો મિલનસાર સ્વભાવ છે, પણ આજકાલ લોકડાઉનના સમયમાં તેઓ સોસાયટીની બહાર જઈ નથી શકતા. તેઓ ઘરમાં બંધ થઈ ચૂક્યા છે. જેથી તેઓ અકળાઈ જાય છે. તેઓ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાવાળી વ્યક્તિ છે. તેમનો સમય ઘરમાં કેમે કરીને જતો નથી. તેઓ કોરોનાના દરેક સમાચાર પર ધ્યાન રાખે છે. તેઓ થોડા-થોડા સમયે સોસાયટીના ઝાંપા પર આંટો મારી આવે છે. જોકે તેમની આંખોમાં બેચેની છે. તેમની પ્રકૃતિ કામમાં વ્યસ્ત રહેવાની છે અને અચાનક નવરાધૂપ થવાથી તેમને કંટાળો થવા માંડ્યો છે. તેઓ કહે છે કે આ 21 દિવસ કેમના જશે? આને લીધે તેઓ સોસાયટીમાં આમતેમ ફર્યા કરે છે. તેમને અંદરથી ગોઠતું નથી અને બહાર જવાતું નથી. તેમને ટેન્શન થઈ ગયું છે. તેઓ જ્યારે ફ્લેટની બહાર નીકળે છે ત્યારે કુટુંબના સભ્યો ખાસ્સા નારાજ થઈ જાય છે. લોકો દહેશતમાં જીવી રહ્યા છે કે હવે શું થશે? કેટલાક લોકો હતાશ થઈ ગયા છે, તેમને ડર છે કે લોનનો હપતો કેવી રીતે ભરીશું. તેઓ વેપારમાં મોટા નુકસાન થવાનો ડર છે. તેમને ક્રેડિટ કાર્ડનો હપતો ક્યાં અને કેવી રીતે ભરાશે. આ ઉપરાંત તેમને કોરોના થઈ જવાનો પણ ડર સતાવી રહ્યો છે. વળી, જીવનાવ્યશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાશે તો શું કરીશું. આવા કાલ્પનિક ડરથી તેઓ ધ્રૂજી ઊઠે છે. આને લીધે તેઓ હાલ સાવચેતી રીતે કરિયાણાા, દૂધ અને શાકભાજીનો વધુ પડતો જથ્થો લાવીને મૂકી દે છે. પણ શું આ લોકો ડરીને ઘરમાં કરિયાણું કે દવા વગેરેનો વધુ પડતો જથ્થો તો સંગ્રહ નથી કર્યોને?

વેલ, આ બધા ફીયર સાઇકોસિસના સંકેત-લક્ષણ છે.

શું છે ફીયર સાઇકોસિસ? અને તેનાં લક્ષણો

સરળ શબ્દોમાં કહેવું હોય તો ફીયર સાઇકોસિસનાં લક્ષણો એટલે વધુ પડતી સાવચેતી અથવા ડર, નિરાશા, ભય, કંટાળો અને ચીડિયાપણું. આ વાતને વધુ સારી રીતે સમજાવતાં ગુજરાતના જાણીતા સિનિયર સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ ચિત્રલેખા.કોમને કહ્યું હતું કે દેશભરમાં હાલ કોરોના વાઇરસને લીધે સંપૂર્ણ લોકડાઉન છે. એટલે આ દિવસોમાં મોટા ભાગના લોકો ઘરમાં નજરકેદમાં છે. સદા કામમાં વ્યસ્ત રહેતા લોકો હાલ નવરાધૂપ થઈ ગયા છે. એટલે ઘણા લોકો કાલ્પનિક ડરથી પણ દુખી થાય છે કે આ કોરોનાનો ચેપ મને તો નહીં લાગી જાયને. એમ વિચારીને વારંવાર હાથ ધુએ છે.

ક્યાંક મને તો કોરોના નહીં થાયને?

કેટલાક લોકો સ્વચ્છતાના બહુ આગ્રહ (વધુ પડતો) કરતા હોય છે. તેઓ પણ ઘરને ચોખ્ખુંચણાક કરી દે છે. તેઓ વારંવાર હાથ, મોં ધુએ છે. તેમને બીક પેસી જાય છે કે તેમને તો ક્યાંક કોરોના નહીં થાયને? ઘણા લોકોને સામાજિક વિકૃત ચિંતા થાય છે કે હવે શું થશે?

ઋતુનો સંધિકાળ

ડો. પ્રશાંતભાઇ કહે છે કે બે ઋતુનો સંધિકાળ છે એટલે આમ પણ લોકોને સામાન્ય શરદી, ખાંસી કે ફ્લુ થતા હોય છે. વળી કેટલાક લોકોને એલર્જિક સમસ્યા હોય છે. આમ પણ આવી બેવડી સીઝનમાં કોઈ પણ ભારતીયને શરદી-ખાંસી તો થતી જ હોય છે. આવા લોકોને નકારાત્મક વિચારો આવી જાય છે કે મને તો કંઈ નહીં થઈ જાયને. આવી વધુપડતી ચિંતા કરવાને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. અકારણ ગુસ્સો કરવા લાગે છે.

વળી હાલ દેશમાં કોરોના વાઇરસનો ભય બહુ મોટો છે, જેથી અસામાન્ય સંજોગોમાં વ્યક્તિ નર્વસ થાય એ સ્વાભાવિક છે, પણ કેટલાક લોકોને ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડર (OCD) પણ હોય છે. એ લોકોને આવા સમયે ડિસઓર્ડર ખૂબ વધી જાય છે. આવી વ્યક્તિઓ વધુ ટેન્શનમાં આવી જાય છે. આવી વ્યક્તિઓને એકલતા, નિરાશા, ભય, કંટાળો અને ચીડિયાપણું આ જાય છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ વધી જાય છે.નાની-નાની વાતે આવા લોકો અસામાન્ય વર્તન કરે છે.

આવી પરિસ્થિતિમાં ડોક્ટર સંયમ રાખવાનું કહે છે. 

માનસિક ડર બીમારી નોંતરે છે

એ વાતનું ધ્યાન રાખો કે તમે વાતનું વતેસર તો નથી કરતા ને? તમે અકારણ ગુસ્સો નથી કરતા ને? તમારો સ્વભાવ શોર્ટ ટેમ્પર તો નથી થયા ને? લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે. કાલ્પનિક ડર લાંબો સમય રહે તો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ (વિચારોમાં નકારાત્મકતા) વધશે. જો સ્થિતિ રહે તો બ્લડ પ્રેશર અને શુગર લેવલ વધી જવાનું જોખમ રહેલું છે.

હાલના સમયમાં યોગ કરો, કેરમ, ચેસ રમો, મિત્રો સાથે સંવાદ કરો

આ સમયે યોગ કરવાથી શાંતિ મળે છે. હાલના સમયમાં તમે ઘરે રહીને કેરમ રમી શકો છો, ચેસ રમી શકો છો. તમે તમારા મિત્ર, સગાંવહાલાં સાથે ફોનમાં તો વાત કરી જ શકો છો. તમને લાગે કે ટેન્શન વધી રહ્યું છે તો તે તમારા અંગત મિત્ર કે સગાં કે કાઉન્સિલરને જણાવો.

તમને કોઈ તમાકુ કે દારૂનું સેવન કરતા હો તો એ જાણી લો કે આનાથી ટેન્શનમાં વધારો થશે. તમને અકારણ ગુસ્સો કે ચીડિયાપણું થાય તો ન્યૂઝ કે સોશિયલ મિડિયામાં વ્યસ્ત રહો.

શું તમે આ યુવતીની જેમ માનસિક અસ્વસ્થ તો નથીને? કોરોનાના વધુ પડતા ડરને કારણે આત્મહત્યા

કેટલીક વાર વાસ્તવિકતાં કરતાં તેનો કાલ્પનિક હાઉ વધારે હાનિ પહોંચાડે છે. એક 19 વર્ષીય યુવતી વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. તેને કોરોના વાઇરસથી વિશ્વથી વિખૂટા પડી જવાનો ડર લાગતો હતો, જેથી તેણે તેનું જીવન ટૂંકાવી દીધું. જોકે તેની બહેને કહ્યું હતું કે તેને ઉચ્ચ પ્રકારની માનસિક (ઓટિઝમ) બીમારી હતી. તે કોરોના વાઇરસના કહેરથી માહિતગાર હતી અને વધુ ને વધુ લોકોને આ રોગ સામે લડવા જાગ્રત કરતી હતી,  પણ પોતે અંદરથી માનસિક તૂટી ગઈ હતી. તેને સમાજથી દૂર થઈ જવાનો ભય સતાવતો હતો. જેથી તે આ રોગચાળોનો સામનો કરવામાં અસમર્થ હતી. તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તે મૃત્યુ પામી હતી, એમ તેના પરિવારે કહ્યું હતું.

દુનિયા આખી તમારી સાથે છે

વર્તમાન કપરો સમય તમારા એકલા માટે નથી આવ્યો. એમ કહેવાય છે કે આ સમય પણ જતો રહેશે. જે સૌનું થશે એ આપણું થશે. માટે હંમેશાં પોઝિટિવ વિચારો અને સ્વસ્થ રહો. હાલના સમયમાં તમે સોશિયલ મિડિયા, ન્યૂઝ ચેનલોમાં વ્યસ્ત હોય. જો તમને એ પણ ના ગમતું હોય તો ઓનલાઇન નાટક કે ફિલ્મ જુઓ, પણ ખોટા અને કાલ્પનિક ભયથી ડરો નહીં.

 

 

 

 

 

 

 

કોરોના સામે લડવા ટ્રમ્પનું $ 2.2 ટ્રિલિયનનું રેસ્ક્યુ પેકેજ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસથી મંદીગ્રસ્ત અર્થંતંત્ર માટે 2000 અબજ ડોલરના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. ટ્રમ્પે વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે હાઉસે આ આર્થિક પેકેજને તત્કાળ મંજૂર કર્યું હતું. ટ્રમ્પે અમેરિકનોના જીવને બચાવવા માટે અને અર્થતંત્રને ઉગારવા માટે આ રાહત પેકેજ આપ્યું હતું. અમેરિકાના કોંગ્રેસ હાઉસમાં બંને પક્ષના સભ્યોની બહુમતીથી આ આર્થિક પેકેજ મંજૂર કર્યું હતું.

અમેરિકા કોરોનાને મામલે ચીનથી આગળ

તેમણે કહ્યું હતું કે આ ફંડ દ્વારા અમેરિકા નાના અને મોટા વેપાર-ધંધાને સક્ષમ બનાવશે. બ્લુમબર્ગના અહેવાલ મુજબ આ યોજના હેઠળ ફંડ ઠાલવતાં મોટી કંપનીઓ, નાના વેપરીઓ અને એવા લોકોને મદદ મળશે, જેમની આવક વાઇરસને કારણે અટકાવવા માટેનાં લેવાયેલા પગલાંને કારણે અટકી ગઈ છે. અમેરિકા કોરોના વાઇરસના નવા કેન્દ્ર તરીકે ઊપસ્યું છે. કોરોનાના સંક્રમણ મામલે અમેરિકા હવે ચીનથી પણ આગળ નીકળી ગયું છે.

S&P 500 3.4 ટકા અને ડાઉ જોન્સ ચાર ટકા તૂટ્યા

અત્રે એ નોંધવું જઈએ કે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયાં હતાં. રોકાણકારોએ આર્થિક પેકેજ પહેલા ભારે નફારૂપી વેચવાલી કરી હતી. આ સમયગાળામાં એસ એન્ડ પી 500માં 3.4 ટકા અને ડાઉ જોન્સમાં 4.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કોંગ્રેસે પેકેજ મંજૂર કર્યું

ટ્રમ્પે જાહેર કરેલા આર્થિક પેકેજને મંજૂર કર્યું હતુંય. આ પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ મહેનતુ પરિવારો અને નાના વેપારીઓને નાણાકીય મદદ કરે. અર્થતંત્ર પર પડનારી આ ઘેરી અસરને જોતાં ટ્રમ્પ ફેડરલ ગાઇડલાઇન્સમાં છૂટછાટ આપવા વિચાર કરી રહ્યું છે. જોકે કેટલાય ગવર્નર્સ, પબ્લિક હેલ્થ એક્સપર્ટ અને તેમની સરકારના કેટલાક સભ્યો પણ પ્રતિબંધ લાંબા સમય સુધી રાખવાના પક્ષમાં છે.

કોરોનાનો અંત 29 મેએઃ ભારતીય ટેણીયાની આગાહી

અમદાવાદઃ યુટ્યુબ ચેનલ કોન્શિયન્સ (અંતરાત્માના અવાજ) પર 22 ઓગસ્ટ, 2019એ 14 વર્ષીય અભિજ્ઞા આનંદે ભવિષ્ય ભાખ્યું હતું કે વિશ્વ નવેમ્બર, 2019થી એપ્રિલ, 2020ના દરમ્યાન કપરા તબક્કાનો સામનો કરશે. આ છ મહિનાના સમયગાળામાં વૈશ્વિક રોગચાળો ફેલાશે અને વિશ્વમાં મોટું ટેન્શન ઊભું થશે. વળી ,31 માર્ચે આ રોગચાળો તેની ચરમસીમાએ પહોંચશે અને વિશ્વભરના ટેન્શનમાં ઓર વધારો થશે. જોકે 29 મેએ આ ધરતી પરથી આ મુશ્કેલ સમયગાળો દૂર થશે, પૃથ્વી પરથી આ વૈશ્વિક રોગચાળામાં ઘટાડો થશે અને આ રોગને નાથવા માટેની અસરકારક કામગીરી કરવામાં આવી હશે.

આનંદનું વિલક્ષણ બુદ્ધિચાતુર્ય જન્મજાત

આનંદ એક જન્મજાત ટેલેન્ટેડ કિશોર છે અને અનેક મેગેઝિનોમાં તેના વિશે ઘણુંબધું લખાઈ ચૂક્યું છે. અત્રે એ ઉલ્લેખનય છે કે 2013માં ભારતનો આવનારો સમય કેવો રહેશે એ માટે તેની ભવિષ્ય ભાખવાની કુશળતા (જ્યોતિષ કળા)નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેના જ્યોતિષ વિદ્યા (એસ્ટ્રોલોજી)ના જ્ઞાન (નોલેજ) પર ઘણાબધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કેમ કે લોકો આ બાળકના હજી રમવાકૂદવાના દિવસો માનતા હતા. તેણે જ્યોતિષ વિદ્યાના ઉપયોગ કરીને સોના-ચાંદીના ભાવ અને ભારત સંબંધિત અન્ય પ્રવૃત્તિઓની આગાહી કરી હતી.

કોરોના વાઇરસની આગાહી

કોરોના વાઇરસ વિશે તેણે કહ્યું હતું કે એ એક વૈશ્વિક યુદ્ધ હશે. એ યુદ્ધ વાઇરસ અને માનવતા વચ્ચેનું હશે અને આ યુદ્ધમાં સરકારો પણ સામેલ હશે એમ તેણે ભાખ્યું હતું, પ એક વાત સ્ફષ્ટ છે કે આ યુદ્ધ અજાણ્યા શત્રુ (વાઇરસ) સામે હશે, એમ તેણે ઉમેર્યું હતું.

ગ્રહોની માયાજાળ

આનંદે જ્યોતિષ વિદ્યાને આધારે અનુસાર 31 માર્ચે ચરમસીમા કેમ માની રહ્યો હતો- તેણે કહ્યું હતું કે મંગળ શનિ અને ગુરુ એકસાથે આવશે અને ચંદ્ર અને રાહુની પણ યુતિ થશે. વળી રાહુ ચંદ્રના ઉત્તર બાજુ રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ એક દુર્લભ ઘટના છે, કેમ કે મંગળ, શનિ અને ગુરુ સૌથી શક્તિશાળી ગ્રહો છે- એમ માનવામાં આવે છે, કેમ કે આ બધા ગ્રહો સોલર સિસ્ટમની બાહ્ય ધરી પર છે, જેથી તેમનો પ્રભાવ આ સમયગાળામાં પૃથ્વી પર પ્રચંડ રીતે પડશે.

ચંદ્ર અને રાહુની યુતિ

બીજી બાજુ ચંદ્ર અને રાહુની યુતિ પણ છે. એ પણ એક શક્તિશાળી યુતિ છે (એટલે મોટી ખાનાખરાબી સર્જી શકે ) કેમ કે ચંદ્ર એ પાણીનો (મનનો કારક ગ્રહ) પ્રભાવિત ગ્રહ છે. એની સાથે રાહુ પણ પૃથ્વીને પ્રભાવિત કરનારો ગ્રહ છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ સમયગાળા દરમ્યાન પાણીના રોગથી (શરદી, ખાંસી અને તાવ)થી આ રોગચાળોનો ફેલાવો થશે, એમ તેણે ભાખ્યું હતું. આ સમય દરમ્યાન એકકમેકથી સામાજિક અંતર મહત્ત્વપૂર્ણ રાખવું પડશે. તેણે આ સમયગાળો 31 માર્ચથી એક એપ્રિલ આસપાસનો કહ્યો હતો.

જ્યોતિષ શાસ્ત્રની સમજ મુજબ 29 મેએ આ ગ્રહોની યુતિ તૂટશે અને આ રોગને નાથવા (સારવાર) માટેની સારવાર (દવા) શોધાશે. આ સમયગાળાથી આ રોગચાળામાં ઘટાડો થશે. અર્થતંત્રની વાત કરીએ તો આર્થિક મંદીનો અંત નવેમ્બર, 2021માં આવશે.

 

 

 

 

 

 

એક તરફ ઘરમાં રહેવાની અપીલ, બીજી તરફ ઘરે જવાની ઉમ્મીદ…

‘સાહેબ, કાલથી તો કાંઇ ખાવા-પીવાનું ય મળ્યું નથી. નથી કોઇ અહીં મદદ કરનાર. કાંઇપણ કરીને હવે રસ્તો કરોને…’

ગયા બુધવારે, એટલે કે 25 માર્ચે, સવારના સમયે અમદાવાદમાં રહેતા બિઝનેસમેન દીપક અગ્રવાલનો ફોન રણક્યો અને સામે છેડેથી ડ્રાઇવરે આમ કહયું ત્યારે અમદાવાદ સહિત આખું ય ભારત લોકડાઉન હેઠળ કેદ થઇ ચૂક્યું હતું. ઘરની બહાર ઉંબરો ઓળંગવાની ય મનાઇ હતી એ માહોલમાં અસાધારણ સ્થિતિમાં ફસાયેલો એક ટ્રક ડ્રાઇવર દીપકભાઇ પાસે મદદની જુહાર કરી રહયો હતો.

વાત એમ હતી કે હેવી માલ-સામાન ભરેલો એક ટ્રક મોરબીથી નીકળીને અમદાવાદ આવી રહયો હતો. દીપકભાઇને એ માલ-સામાન અમદાવાદની એક ફાર્માસ્યુટીકલ કંપનીને સપ્લાય કરવાનો હતો. જીવનજરૂરી ચીજો હેઠળ સમાવેશ થતો હોઇ એમની પાસે પરવાનગી ય હતી. મોરબીથી ફૂલ માલ-સામાન ભરેલો ટ્રક લઇને ડ્રાઇવર ઉદયભાઇ ઠક્કર ગયા શનિવારે, એટલે કે 21 મી માર્ચે, અમદાવાદ આવવા નીકળ્યા ત્યારે કદાચ કોઇને ય પરિસ્થિતિ આટલી ગંભીર બનશે એવો અંદાજ નહોતો.

અને ભારેખમ વજનથી લાદેલો ટ્રક લઇને અમદાવાદ આવવા નીકળેલા ઉદયભાઇને પણ એવો અંદાજ નહોતો કે, જીવનનું સૌથી મોટું સંકટ બગોદરા પાસે રાહ જોઇને બેઠું હતું! મોડી રાત્રે બગોદરાથી બાવળા તરફના રસ્તે નવેક કિલોમીટર એ પહોંચ્યા હશે ત્યાં ટ્રક ખોટવાયો. આ માહોલમાં દિવસે ય ટ્રાફિક ન હોય તો અડધી રાત્રે કોણ મિકેનીક મળે? બીજે દિવસે તો રવિવાર હતો એટલે આમ પણ બધું બંધ અને સોમવારથી તો પરિસ્થિતિ વણસવા લાગી એટલે ઉદયભાઇ માટે હાલત વધારે કફોડી થઇ ગઇ. ટ્રક રિપેર કરવા માટે ગેસ-કટરના મશીનની જરૂર હતી, પણ આવી હાલતમાં તો મિકેનીક ય મળતો નહોતો, મશીનની ક્યાં વાત કરવી? બાકી હતું તે, ખિસ્સામાં જે કાંઇ થોડી ઘણી રકમ હતી એ પણ ચા-નાસ્તામાં ખર્ચાઇ ચૂકી હતી. એકબાજુ, વડા પ્રધાન સહિત આખું ય સત્તા-તંત્ર (અને આરામદાયક ઘરમાં બેઠેલી સેલીબ્રીટીઝ) લોકોને ઘરમાં બેસવાની અપીલ કરી રહયા હતા ત્યારે ડ્રાઇવર ઉદયભાઇ રસ્તા પર રઝળતાં હતાં, એ ઉમ્મીદથી કે કોઇક એમને મદદ કરે તો પોતે ય ઘરે પહોંચી શકે!

બુધવાર સવાર સુધી ક્યાંયથી મદદના કોઇ એંધાણ ન મળ્યા એટલે હારી-થાકીને ઉદયભાઇએ જેમનો માલ-સામાન ભરીને આવતા હતા એ દીપકભાઇને ફોન લગાડ્યો. દીપકભાઇ જરૂરી ખાવા-પીવાની સામગ્રી લઇને પોતાની કારમાં બગોદરા જવા રવાના ય થયા, પણ સરખેજ સર્કલ સુધી પહોંચ્યા એટલે પોલીસે અટકાવ્યા. દીપકભાઇએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પોલીસ છે તે એમ માને?

દીપકભાઇ ચિત્રલેખા.કોમ ને કહે છેઃ મેં એ પછી પોલીસ કંટ્રોલના નંબર પર અને બીજા ઓળખીતા-પાળખીતા મારફત ઘણા પ્રયત્નો કર્યા કે કોઇક રીતે પોલીસની મદદ મળે, પણ સ્વાભાવિક રીતે પોલીસની પ્રાથમિકતા ય જૂદી હતી. મને ટ્રકની કે માલની ચિંતા નહોતી. ટ્રક તો અઠવાડિયું રસ્તા પર ક્યાંક પાર્ક થઇ શકે, પણ ડ્રાઇવરનું શું?

સવાલ એ હતો કે આ સ્થિતિમાં હવે શું થઇ શકે?

પણ જે થવાનું હતું એ હવે જ થવાનું હતું!

એક પછી એક એમ મોબાઇલ નંબરો જોડતાં જોડતાં દીપકભાઇની વાત કન્ટેન્ટ રાઇટર અને સોશિયલ મિડીયામાં સક્રિય એવા નિશા અને અર્પિત સાથે થઇ. નિશાએ ડ્રાઇવરની ગંભીર પરિસ્થિતિને સમજીને મદદ માટે ટ્વિટર પર ટહેલ નાખી. ટ્વિટર પર સક્રિય રહેતા સોશિયલ મિડીયા કન્સલ્ટન્ટ કુમાર મનીષ સહિત મિત્રોને ટેગ કર્યા. બસ, વાત ડેપ્યુટી કલેક્ટર કુંજલ શાહ સુધી પહોંચી ગઇ. એમણે તરત જ ટ્વિટર પરથી આખી વાત જાણીને બગોદરા પીએસઆઇ મેહુલ ચૌહાણને જાણ કરી.

દીપકભાઇની નવાઇ વચ્ચે ટ્વિટ કર્યાની ફક્ત પચાસ મિનીટની અંદર તો પીએસઆઇ મેહુલ ચૌહાણ અને એમની ટીમ ટ્રક ડ્રાઇવર ઉદયભાઇ ઠક્કર પાસે પહોંચી ચૂકી હતી. એ તો ઠીક, બગોદરા પોલીસના આ ફરજનિષ્ઠ કર્મીઓએ ભૂખ્યા-તરસ્યા ડ્રાઇવરને પહેલા તો ચા-નાસ્તો કરાવ્યા. જમાડ્યા અને ગેસ કટરનું કામ કરી આપનાર મિકેનીકને પણ શોધી આપ્યા. ટ્રક રિપેર થાય ત્યાં સુધી એમની પડખે રહયા અને ટ્રક અમદાવાદ પહોંચાડવામાં જરૂરી વ્યવસ્થા ય કરી આપી. પીએસઆઇ મેહુલ ચૌહાણ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં બહુ સહજ રીતે જ કહે છે કે, આ સંજોગોમાં કોઇ માણસ ભૂખ્યું હોય એ તો આપણાથી કેમ જોવાય?

બસ, એમના આ શબ્દોમાં જે પડઘાય છે એને જ માનવતા કહેતા હશે.

સાર એ પણ છે કે, સોશિયલ મિડીયાનો એક સારો ઉપયોગ કેવી રીતે એક વ્યક્તિને આફતમાંથી ઉગારી શકે છે.

(કેતન ત્રિવેદી)

લૉકડાઉનમાં શું કરવું એનો ઉપાય વલસાડ પોલીસે બતાવ્યો

વલસાડઃ નોવેલ કોરોના વાયરસ જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. એની ભયાનકતાની હવે બધાને ખબર છે. તા.૨૪/૦૩/૨૦૨૦ ના રોજ ૨૧ દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉન અમલમાં મુકવામાં આવેલ છે. એ પછી ઠેર ઠેર પોલીસના માનવતાવાદી કાર્યોની ચર્ચા અને પ્રશંસા બધી તરફ છે. તેવા સમયે આ ૨૧ દિવસ ઘરમાં રહેવાના સમયનો કલાત્મક અને રચનાત્મક સદ્ઉપયોગ વલસાડ જીલ્લાની પ્રજા કરે એવી પહેલ વલસાડ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ લોકડાઉનની પરિસ્થિતીમાં વલસાડ જિલ્લા પોલીસ પ્રજાની સેવામાં ખડે પગે ફરજ પર તૈનાત અને કટીબદ્ધ છે. ત્યારે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી ચિત્રલેખા.કૉમ સાથે વાત કરતા કહે છે, પ્રજાના સમયનો સદ્ઉપયોગ થાય તે માટે આ સમય દરમ્યાન સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃતિ થકી વ્યકિતગત પ્રતિભા વિકસે અને લોકો ઘરમાં રહી પોતે તેમજ દેશવાસીઓ સંક્રમણથી બચે તે હેતુથી “સર્જન-૨૧” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએસપી સુનીલ જોશી કહે છે, અમે જ્યારે વિચાક કર્યો ત્યારે દરેક ઉંમરના લોકો ઘરમાં રહીને કશુંક સર્જનાત્મક કરે અને લૉકડાઉનના સમય દરમ્યાન એમનું માનસિક સ્વાસ્થય જળવાયેલું રહે એ માટે આ પ્રવૃતિઓનો વિચાર આવ્યો છે. પ્રવૃતિ માટે જે સાધનાે, પુસ્તકો લોકોને મોકલવાના છીએ એને દવાખાનાઓની મદદથી સંપૂર્ણ સેનેટાઈઝ કરીને મોકલવામાં આવશે.

વલસાડ પોલીસની આ પહેલમાં ૨-૩ પોલીસ કર્મીઓ કાર્યરત રહેશે. લોકો જે સર્જન મોકલશે એની તપાસવા માટે શિક્ષકો અધ્યાપકોની મદદ લેવામાં આવશે. ટૂંકમાં લૉકડાઉન દરમ્યાન તમે સાહિત્ય સર્જન કરો, ચિત્ર બનાવો, વિડીયો બનાવો તો પોલીસને જાણ કરો, આ લૉકડાઉન દરમ્યાન કૅરમ-ચેસ લેવાની ઈચ્છા થાય કે પુસ્તકો વાંચવાની ઇચ્છા થાય તો વલસાડ પોલીસને જાણ કરો. તમારા સર્જનનું મુલ્યાંકન થશે અને લૉકડાઉન પછી વિજેતાઓને પ્રોત્સાહીત કરાશે. આ લૉકડાઉન દરમ્યાન ગુજરાત પોલીસના માનવતાવાદી અને સર્જનાત્મક ચહેરા સામે આવી રહ્યા છે.

વલસાડ જીલ્લામાં રહેતી કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે.

કઈ અને કેવી સ્પર્ધા થશે? આ રહ્યા વિગત અને નિયમો.

(૧) સાહિત્ય-કલા સ્પર્ધા
(૨) કેરમ બોર્ડ તથા ચેસ વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધા
(૩) વિડીયો કૃતિ સ્પર્ધા
(૪) ટેસ્ટ પેપર સિરીઝ
(૫) સંગીતના સાધનોની વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધા
(૬) પુસ્તકોની વિતરણ વ્યવસ્થા (નિઃશુલ્ક)

“સર્જન-૨૧” માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા મો.નં.૮૩૨૦૩૦૩૫૧૧ ઉપર તમારૂં નામ, સરનામું, ઉંમર (જન્મતારીખ સહિત), મો.નંબર (વોટ્સએપ યુઝ) વિગેરે માહિતી વોટ્સએપ મેસેજથી મોકલવી.
(૧) સાહિત્ય-કલા સ્પર્ધાઃ-
સાહિત્ય વિભાગઃ-
૧. નિબંધ લેખન
ર. કાવ્ય લેખન
૩. ગઝલ-શાયરી લેખન
૪. વાર્તા લેખન
કલા વિભાગઃ-
૧. ચિત્રકલા
(૨) કેરમ બોર્ડ તથા ચેસ વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધાઃ-
૧. કેરમ
ર. ચેસ
• લોકડાઉનના ૨૧ દિવસના અંતે કેરમ બોર્ડ તથા ચેસ રમતની સ્પર્ધાનું વયજૂથ પ્રમાણે જાહેર આયોજન કરવામાં આવશે.
• લોકડાઉનના સમય દરમ્યાન પ્રેકટીસ કરવા માટે કેરમ બોર્ડ તથા ચેસ સેટ બજાર કિંમતે માંગણી પ્રમાણે આપના રહેઠાણના સ્થળે સેનેટાઇઝ્ડ રીતે વેચાણથી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

(૩) વિડીયો કૃતિઃ-
• સ્પર્ધકે પોતાની વ્યકિતગત પ્રતિભા પ્રદર્શિત કરતા વધુમાં વધુ ત્રણ મિનિટ સુધીનો વિડીયો બનાવી વોટ્સએપના માધ્યમથી મોકલવાનો રહેશે.
જેવા કે નૃત્ય, સંગીત(ગાયન,વાદન), નાટક, એકપાત્રીય અભિનય, મિમિક્રી, કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા અંગે જનતાને સંદેશ આપતા તેમજ પ્રેરતા વિડીયો વિગેરે.
(૪) ટેસ્ટ પેપર સિરીઝઃ-
• ધોરણ-૮ થી ૧૦ ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની ટેસ્ટ પેપર સિરીઝ
• ધોરણ-૧૧ અને ૧૨ ના JEE, NEET તેમજ GUJCET ની ટેસ્ટ પેપર સિરીઝ
(૫) સંગીતના સાધનોની વિતરણ વ્યવસ્થા અને સ્પર્ધાઃ-
• ગીટાર, માઉથ ઓર્ગન અને કી-બોર્ડ(કેશીયો/ઓર્ગન)ની બજાર કિંમતે માંગણી પ્રમાણે આપના રહેઠાણના સ્થળે સેનેટાઇઝ્ડ રીતે વેચાણથી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
(૬) પુસ્તકોની વિતરણ વ્યવસ્થાઃ-
• જાહેર કરવામાં આવનાર લિસ્ટ પૈકીના ઉપ્લબ્ધ પુસ્તકો સંપુર્ણપણે નિઃશુલ્ક વહેલા તે પહેલાના ધોરણે આપના રહેઠાણના સ્થળે સેનેટાઇઝ્ડ રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે લિસ્ટ વોટ્સએપ પર જાહેર કરવામાં આવશે.

(ફયસલ બકીલી)

ઇટાલીમાં કોરોના સામે જંગ લડતા 51 ડોક્ટરોનાં મોત

રોમઃ કોરોના વાઇરસ રોગચાળાનો હબ બની ચૂકેલા ઇટાલીમાં 51 ડોક્ટરોનાં મોત થયાં છે. આ બધા ડોક્ટરો કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા, એ જરમ્યાન તેમને પણ આ રોગનો ચેપ લાગ્યો હતો. અત્યાર સુધીમાં ઇટાલીમાં કોરોના વાઇરસથી માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 9,134 થઈ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.વિશ્વમાં કોરોના કેસોની સંખ્યામાંં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કોરોનાની સંખ્યા વધીને પાંચ લાખને પાર થઈ છે.

છેલ્લા 24 કલાકમાં ઇટાલીમાં 1000 લોકોનાં મોત

ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં આશરે 1000 લોકોનાં મોત થયાં છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 299 લોકોનાં મોત થયાં છે. જ્યારે અમેરિકામાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે.

સૌથી પહેલાં ડોકક્ટરોની સુરક્ષા કરવાની માગ

ઇટાલીમાં કકોરોના વાઇરસથી 51 ડોક્ટરોનાં મોત થયાં છે, જેમનાં સારવાર દરમ્યાન મોત થયાં છે. ઇટાલીના ડોક્ટરના સંઘના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ આ જોખમને જોતાં ડોક્ટરો માટે વધુ સુરક્ષા ઉપકરણોની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે સૌથી પહેલાં કામ ડોક્ટરોની સુરક્ષી માટે થવું જોઈએ. જેથી તેઓ કોરોનાની ઝપટમાં ના આવી જાય.

ઇટાલીમાં કોરોના કેસ ચીન કરતાં પણ વધુ

ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં ઇટાલીમાં 970 લોકોનાં મોત થયાં છે. આ સાથે ઇટાલીમાં અત્યાર સુધી આ રોગથી કુકલ 9,134 લોકોનાં મોત થયાં છે. અહીં કોરોના પોઝિટવ લોકોની સંખ્યા 86,498 પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે માત્ર 10,950 લોકો રોગમુક્ત થયા છે.

વિશ્વમાં 201 દેશોમાં કોરોના રોગથી 5,12,701 લોકો ચેપગ્રસ્ત

ચીનના વુહાનથી કોરોના વાઇરસ વિશ્વભરમાં ફેલાઈ ગયો છે. અત્યાર સુધી વિશ્વવી કુલ 201 દેશોમાં કોરોના વાઇરસ ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કોરોના કુલ કેસોની સંખ્યા 5,12,701 થઈ છે. ચીનમાં આ રોગના 82,093 કેસો, ઇટાલીમાં 80,539 કેસો, અમેરિકામાં એક લાખ કેસો, સ્પેનમાં 56,188 કેસો, જર્મનીમાં 42,288 કેસો અને ફ્રાન્સમાં આ રોગના 28,786 લોકો ચેપગ્રસ્તા થયા  છે.

 

 

દૂરદર્શન પર આજથી “રામાયણ” અને “મહાભારત” શરુ

દર્શકો આનંદો!

સોરી વાચકમિત્રો, આજે દુનિયા તેમજ દેશ પર છવાયેલા કોરોના વાયરસના પ્રકોપમાં આનંદો લખવું ઘણું અજૂગતું છે. પરંતુ વાત જ કંઈક એવી છે!

કોરોના વાયરસનો ચેપ વધુ લોકોમાં ના ફેલાય, એ હેતુથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશમાં 21 દિવસ માટે લૉકડાઉનનો આદેશ આપ્યો છે. તો આ દિવસોમાં મહિલાઓ તો ઘરકામમાં વ્યસ્ત થઈ જાય છે. પ્રશ્ન છે, નાના બાળકો, યુવાનો તેમજ નોકરિયાત પુરુષોનો, જેઓ ઘરમાં રહીને કંટાળી જાય છે.

તો સહુ માટે સારા સમાચાર એ છે કે, 28 માર્ચ, 2020 શનિવારથી રોજ સવારે અને રાત્રે રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ના એક એક એપિસોડ દૂરદર્શનની નેશનલ ચૅનલ પરથી પ્રસારિત કરવામાં આવશે જેને એક એપિસોડ આપણે બધાએ આજે જોયો.

લૉકડાઉન નિમિત્તે ઘરે રહેલાં કેટલાંક યુઝર્સે સોશિયલ મીડિયા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી.આર.ચોપડાની ‘મહાભારત’ સિરિયલનું ફરીથી પ્રસારણ કરવાની માગણી કરી અને એમની માગણી પૂરી થઈ!

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને જાહેરાત કરી કે, ‘અમને જણાવતાં ખુશી થાય છે કે, લોકોની માગણીને ધ્યાનમાં રાખીને અમે રામાયણ સિરિયલનું ફરીથી પ્રસારણ આજથી દૂરદર્શનની નેશનલ ચૅનલ પર સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી એક એપિસોડ અને બીજા એપિસોડનું પ્રસારણ એ જ દિવસે રાત્રે 9 વાગ્યાથી 10 દરમ્યાન કરવામાં આવશે.

રામાનંદ સાગરની ‘રામાયણ’નું પહેલું પ્રસારણ વર્ષ 1987માં પહેલીવાર દૂરદર્શન પરથી થયું હતું. તેમજ બી.આર.ચોપડાની ‘મહાભારત’નું પ્રસારણ વર્ષ 1988માં દૂરદર્શન પર પહેલીવાર થયું હતું. ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલ લોકો તલ્લીન થઈને જોતાં. એ સમય દરમ્યાન બહાર રસ્તાઓ પણ તદ્દન સૂમસામ થઈ જતા, જાણે કર્ફ્યુ ના લાગ્યો હોય! નેતાથી લઈને મોટા અધિકારીઓ સુદ્ધાં આ સમયે કોઈનો ફોન ઉપાડતા નહોતા!

‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયા જ્યાં પણ જતા ત્યાં લોકો એમને પગે લાગતા. આજે પણ દીપિકા ચિખલીયાને લોકો સીતાના રૂપમાં જ યાદ કરે છે. દારા સિંહને હનુમાનના પાત્રમાં લોકોનો સ્નેહ મળ્યો, તો અરવિંદ ત્રિવેદી પણ રાવણના પાત્રમાં ઘેર ઘેર પ્રચલિત હતા.

આ સાથે જ મહાભારત સીરિયલની પણ શરુઆત થઈ ગઈ છે. આ સીરિયલ રોજ બપોરે 12 વાગ્યે અને સાંજે  7 વાગ્યે દૂરદર્શન પર બતાવવામાં આવશે. બીઆર ચોપડાની મહાભારત સીરિયલ ટેલીવિઝન જગતના કેટલાક લોકપ્રિય ચહેરાઓ સાથે હતી કે જેમાં નીતિશ ભારદ્વાજ, પુનીત ઈસ્સર, રુપા ગાંગુલી, પંકજ ધીર, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે.

હવે જ્યારે દેશ 21 દિવસના લોકડાઉનમાં છે ત્યારે લોકપ્રિય સીરિયલ પોતાના દર્શકો માટે અલગ અલગ ઉપાયો કરી રહ્યા છે.

કોરોનાના કેસ વધીને 873: 79 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19 કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં કોવિડ-19 કેસો વધીને 873 કેસો થયા છે અને કોરોનાને લીધે મૃતકોની સંખ્યા 19 થઈ છે, એમ કેન્દ્રીય હેલ્થ મંત્રાલયે જણાવ્યું હતું.  છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 79 નવા કેસો નોંધાયા છે, જ્યારે વિશ્વમાં કોરોના વાઇરસને લીધે મોતની સંખ્યા વધીને 27,000 થઈ છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના છ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ કોરોના કેસ વધીને 53 થયા હતા.

કોરોના વાઇરસના કેસમાં સતત વધારો

દેશનાં 27 રાજ્યોમાં કોરોના કેસમાં ખાસ્સો વધારો થયો છે. દેશમાં કોરોના કુલ કેસ વધીને 873 થયા છે, જેમાં જેમાં 47 વિદેશી છે. જોકે 79 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી લોકોનો કોરોનાના ચેપ પ્રમાણે સતત જાગ્રત કરવામાં આવી રહ્યા છે છતાં લોકો આ રોગને ગંભીરતાથી નથી લેતા અને સરકારના નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરતા.

દેશમાં સંપૂર્ણ લોકડાઉન છતાં લોકોની ઠેર-ઠેર ભીડ

દિલ્હી-ઉત્તર પ્રદેશમાં લોકડાઉનમાં ફસાયેલી લોકો ઘેર જવા ઉતાવળા થયા છે. યોગી સરકારે યુપી પરિવહન નિગમને આદેશ આપ્યો છે. કે 28 અને 29 માર્ચે બસ ચાલશે  જેથી હજ્જારોની સંખ્યામાં લોકો પોતપોતાના ઘેર જવા ઉતાવળા થયા છે.

ગુજરાતમાં છ નવા કેસો સાથે કોરોના કુલ દર્દીઓની સંખ્યા વધીને 53 થઈ

રાજ્યમાં વધુ 6 નવા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. આરોગ્ય સચિવે આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે અમદાવાદમાં ત્રણ, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા એક-એક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પાંચ એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં નવ, રાજકોટમાં આઠ, ગાંધીનગરમાં આઠ, સુરતમાં સાત જ્યારે કચ્છ,  ભાવનગર અને મહેસાણામાં એક-એક કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કુલ કેસની યાદી, સવારે 9.30 કલાક સુધી

 

 

કોરોનાને નાથવા ઈમ્પેક્ટ એપની ઈન્ડોર #LockdownStepChallenge

દેશ આખાની સાથે સમગ્ર વિશ્વ આજે જીવલેણ એવા કોરોના વાઈરસ સામે જંગે ચડ્યું છે. આ રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે ભારતમાં 25 માર્ચથી 21-દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો પોતપોતાના ઘરમાં જ છે. આવા ચિંતાજનક અને નિષ્ક્રિય રીતે બેઠાડુ દિવસોમાં લોકો પોતાને તંદુરસ્ત અને આનંદિત રાખી શકે એ માટે ઈમ્પેક્ટ એપ દ્વારા એક અનોખી ચેલેન્જ શરૂ કરવામાં આવી છે – ‘લોકડાઉન સ્ટેપ ચેલેન્જ’.

મહાત્મા ગાંધીએ વિદેશી હકૂમતની રવાનગી અને અને ભારતની આઝાદી માટેની ચળવળના 1930ના માર્ચમાં દાંડી કૂચથી શ્રીગણેશ કર્યા હતા. તે કૂચ અહિંસક અને શાંતિપૂર્વક હતી. દાંડી કૂચ 24 દિવસની હતી.
પરંતુ હવે જીવલેણ કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની કેન્દ્ર સરકારે 21-દિવસનું ભારત લોકડાઉન લાગુ કરાવ્યું છે. આ લોકડાઉન એટલે વિદેશી વાયરસ – કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત થવા માટેની અહિંસક અને શાંતિપૂર્ણ લોકચળવળ.

2020ના માર્ચમાં ચાલો આપણે કરીએ ડિજિટલ દાંડી માર્ચ. આ છે 21-દિવસની અહિંસક ઈન્ડોર લોકચળવળ. ઈમ્પેક્ટ એપ દ્વારા ડિજિટલ દાંડી માર્ચ યોજવા માટે એક અનોખી ચેલેન્જ શરૂ કરવામાં આવી છે – ‘લોકડાઉન સ્ટેપ ચેલેન્જ’.

ઈમ્પેક્ટ એપની #LockdownStepChallenge માં તમે ભાગ લઈ શકો છો, એ માટે આ લિન્ક પર ક્લિક કરો. onelink.to/stepchallenge

લાખો કદમની સફર પર ચાલો – 21 દિવસ માટે… સાથે મળીને, પણ એકલા, પોતપોતાના ઘરમાંથી, ડિજિટલ કનેક્ટેડ રહીને…

જાણો આ અનોખી #LockdownStepChallenge વિશે…

લોકડાઉન નિરાશા ઉપજાવનાર હોય છે, પરંતુ આપણે એને એમ થવા નહીં દઈએ. ચાલો આપણે #LockdownStepChallenge માં જોડાઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને મજાનો અને આરોગ્યપ્રદ બનાવીએ.

તમારે માત્ર આટલું જ કરવાનું છે.

ઘરમાં જ તમે ચાલવાની, ટ્રેડમિલ પર દોડવાની, કૂદવાની, દોરડા કૂદવાની, નૃત્યુ કરવા જેવી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરો જેમાં પગલાંની ગણતરી કરાય અને સક્રિય રહેવાય. તમે ચાલેલા પગલાંની ગણતરી જાણો @impact.app પર… તમારા એપ સ્ક્રીન પર તમારી પ્રવૃત્તિની તસવીર લો, એને #LockdownStepChallenge સાથે દુનિયાની સાથે શેર કરો. @impact.app ને ટેગ કરો અને આવું કરવાનું તમારા વધુ પાંચ મિત્રોને આમંત્રણ આપો. અમે સૌથી વધારે રચનાત્મક આઈડિયાઝને અમારા પેજ પર દર્શાવીશું.

ઈમ્પેક્ટ એપ એક ફિટનેસ પ્લસ કાઈન્ડનેસ એપ છે. દરેક વર્કઆઉટ ટ્રેક થાય અને એમાંથી ઉપજે પૈસા, જેનો ઉપયોગ સામાજિક કામ માટે કરવામાં આવે છે. આમાં એપના કોર્પોરેટ ભાગીદારોની એને મદદ મળે છે. આઈસોલેશનના સમયગાળા દરમિયાન 480 હજારથી વધારે લોકોના સમાજના આરોગ્યની કાળજી લેવા માટે અમે 22 માર્ચના રવિવારે, જનતા કર્ફ્યૂના દિવસે ઈન્ડોર સ્ટેપ ટ્રેકિંગ ફીચર લોન્ચ કર્યું હતું. એપનાં યુઝર્સને એ ગમ્યું હતું અને એમના વર્કઆઉટ સ્ક્રીન્સને અમે અમારા સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા.

ઈમ્પેક્ટના એપની ટીમ પણ વર્ક-ફ્રોમ-હોમ અપનાવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ આપણા માટે સંવેદનાત્મક રીતે નિરાશાજનક છે. પણ આપણે આ આઈસોલેશનના સમયગાળાને થોડુંક હળવું બનાવી શકીએ છીએ અને સાથોસાથ, દરેક જણ માટે વધારે આરોગ્યપ્રદ પણ બનાવી શકીએ છીએ.

હવે અમે આપ સૌને 21-દિવસ #LockdownStepChallenge સ્વીકારવાનું આમંત્રણ આપીએ છીએ.

ભાગ લઈને તમે આ કરી શકશોઃ

૧. સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે જનજાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશો

૨. લોકડાઉનને દરેક જણ માટે થોડુંક હળવું અને આરોગ્યપ્રદ બનાવી શકશો.

૩. ગરીબ અને સેવાકર્મીઓ માટે ભંડોળ ઊભું કરવામાં મદદરૂપ થશો. (આ લખાતું હતું ત્યારે અમે કોરોના વાઈરસ સામે લડવા સામાજિક કાર્યોને સ્પોન્સર કરવા માટે અમારા કોર્પોરેટ ભાગીદારોને સમજાવવાની ખૂબ મહેનત કરી રહ્યા છીએ)

તો આ ચેલેન્જ શરૂ થઈ ગઈ છે. અને હવે તમારો વારો છે આમાં જોડાવાનો!

#LockdownStepChallenge #ImpactApp #21DayLockdown #Fitness #Wellness #StayIndoor #StaySafe #CoronavirusOutbreak #WalkFromHome #WalkForACause #SocialDistancing #India