વોશિંગ્ટનઃ કોરોના વાઈરસ સામેની લડાઈઃ અમેરિકાએ ભારત માટે 29 લાખ ડોલરની નાણાકીય સહાય જાહેર કરી. અન્ય દેશોને 17 કરોડ 40 ડોલરની સહાયતા કરશે.
ભયાનક કોરોના વાઈરસ સામે લડવા માટે અમેરિકાએ દુનિયાના ઘણા દેશોને પોતાના તરફથી નાણાકીય સહાય જાહેર કરી છે. ભારતને એ 29 લાખ ડોલરની સહાય કરશે.
કુલ 64 દેશો માટે અમેરિકાએ 17 કરોડ 40 લાખ ડોલરની સહાયતા જાહેર કરી છે.
અમેરિકાએ ગયા ફેબ્રુઆરીએ જાહેર કરેલી 10 કરોડ ડોલરની સહાયતાની ઉપરાંતની આ સહાયતા છે.
જે દેશો કોરોના વાઈરસ રોગચાળાના સૌથી વધારે જોખમમાં મૂકાઈ ગયા છે ખાસ એમને માટે આ ભંડોળ છે.
અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે લેબોરેટરી સિસ્ટમ્સ તૈયાર કરવા, કોરોનાનાં કેસ શોધવા માટેની તપાસ યંત્રણાને એક્ટિવેટ કરવા તથા પ્રતિસાદ અને સજ્જતા માટે સપોર્ટ ટેકનિકલ નિષ્ણાતો પૂરા પાડવા માટે ભારત સરકારને મદદરૂપ થવા માટે અમેરિકા 29 લાખ ડોલર પૂરા પાડશે.
અમેરિકાએ કોરોના વાઈરસ સામે લડવા માટે શ્રીલંકાને 13 લાખ ડોલર, નેપાળને 18 લાખ ડોલર, બાંગ્લાદેશને 34 લાખ ડોલર અને અફઘાનિસ્તાનને 50 લાખ ડોલરની સહાયતા જાહેર કરી છે.
યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના નાયબ વહીવટકાર બોની ગ્લિકે કહ્યું કે છેલ્લા અનેક દાયકાઓથી અમેરિકા દુનિયાના દેશોને જાહેર આરોગ્યની સંભાળ લેવા માટે આર્થિક મદદ કરતું આવ્યું છે. આમ કરીને અમેરિકાએ અનેક લોકોનાં જાન બચાવ્યા છે, અનેક લોકોને રક્ષણ પૂરું પાડ્યું છે, આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું છે અને સમાજો તથા દેશોની સ્થિરતા જાળવવામાં મદદ કરી છે.
મધ્ય પ્રદેશના એક ધ્યાન ખેંચતા સમાચાર પહેલા જોઈએ. કમલ નાથે 20 માર્ચે બપોરે પત્રકાર પરિષદ બોલાવી હતી. ધારણા પ્રમાણે જ તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમણે ગૃહમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહુમતી પુરવાર કરવાની હતી. છેક સુધી લડત આપ્યા પછી લાગ્યું કે બહુમતી સાબિત થઈ તેમ નથી, તેથી રાજીનામું આપ્યું.
અઠવાડિયા પછી ખબર આવ્યા કે કમલ નાથની એ પત્રકાર પરિષદમાં હાજર પત્રકારો માથે કોરોનાનું જોખમ છે. આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદમાં હાજર બધા જ પત્રકારો અને વીડિયો-જર્નલિસ્ટની તપાસ કરીને અને ટેસ્ટિંગ પણ કરાવ્યા. તેમાંથી એક પત્રકારનો ટેસ્ટ પોઝિટિવ પણ આવ્યો. હકીકતમાં તે પત્રકારના એક સગા વિદેશથી આવ્યા હતા. તેના કારણે ચેપ લાગ્યો હતો અને પ્રેસ કૉન્ફરન્સમાં હાજર અન્ય પર જોખમ હોવાથી કાળજી લેવાઈ હતી. પત્રકારોએ તોફાનો હોય કે રખમાણો હોય, કુદરતી આપત્તિ હોય કે યુદ્ધ હોય હંમેશા જીવના જોખમે કામ કર્યું છે. પણ આ જોખમ નવા પ્રકારનું આવ્યું છે અને તેમાં પણ તબીબો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, હોસ્પિટલોનો સ્ટાફ, પોલીસની સાથે પત્રકારો પણ ફરજ બજાવી રહ્યા હતા.
રવિવારના જનતા કર્ફ્યુ પછી સોમવારે હકીકતમાં વાતાવરણ વળી ઢીલું થઈ ગયું હતું. બસ કામ પતી ગયું તેમ માનીને લોકો વળી હરવાફરવા લાગ્યા હતા. દેશભરમાં હવે કોરોનાના સમાચાર જોર પકડી રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં કમલ નાથની જગ્યાએ કોની સરકાર બનશે તેનો નિર્ણય તાત્કાલિક લેવાયો નહોતો. ભાજપમાં હજીય ખેંચતાણ ચાલતી રહી હતી, પણ તે સમાચારો હવે મધ્ય પ્રદેશ પૂરતા જ મર્યાદિત થઈ ગયા હતા. બાદમાં સૌને ખબર પડી કે શિવરાજસિંહ જ ફાવ્યા છે. સોમવારે રાત્રે 9 વાગ્યે રાજભવનમાં જ બહુ ઝડપથી અને સાદાઈથી તેમની શપથવિધિ કરી દેવાઈ.
સોમવારથી જે રીતે સમગ્ર દેશનું ધ્યાન કોરોના ક્રાઇસિસ તરફ જતું રહ્યું હતું, તેની વચ્ચે મધ્ય પ્રદેશની ભાજપની આંતરિક ખેંચતાણ બહુ મહત્ત્વની બને તેમ નહોતી. દિલ્હીસ્થિત ભાજપના શિર્ષસ્થ નેતાઓ માટે પણ હવે કોરોનાની ચિંતા વધારે હતી, શિવરાજસિંહનું જૂથ ફાવે કે ના ફાવે તેની અગ્રતા નહોતી. જોકે એવું પણ નહોતું કે શિવરાજસિંહના વિકલ્પ માટે વિચારાયું નહોતું. વિકલ્પો પર વિચાર અને ચર્ચા વિચારણા થઈ હતી, પણ આખરે લાંબું ખેંચવાના બદલે સોમવારે સાંજ સુધીમાં શિવરાજસિંહ એક માત્ર વિકલ્પ બચ્યો હતો.
સોમવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક કરીને નેતાની પસંદગી કરવાની હતી. પણ તે બધી કામગીરી હવે વીડિયો કૉન્ફરન્સથી થઈ. ભાજપના મધ્ય પ્રદેશના પ્રભારીઓ કે ટોચના કોઈ નેતા ભોપાલ ગયા નહોતા. નીરિક્ષકો તરીકે નિમાયેલા અરુણ સિંહ અને વિનય સહસ્રબુદ્ધેએ પણ વીડિયો કૉન્ફરન્સથી જ મધ્ય પ્રદેશના નેતાઓ સાથે ચર્ચાઓ કરી લીધી. દિલ્હી ખાતે મધ્ય પ્રદેશના નેતાઓના બંગલે 20 તારીખથી હલચલ ચાલી રહી હતી, પણ હવે તેનો અર્થ રહ્યો નહોતો. વિધાનસભ્યોને પૂછી લો અને વાત પૂરી કરો ત્યાં મામલો અટક્યો. અહીં જ શિવરાજસિંહ ફાવ્યા, કેમ કે હજી પણ મધ્ય પ્રદેશના વિધાનસભ્યોમાં તેઓ સૌથી વધુ લોકપ્રિય છે. હરિફ જૂથનું જોર આ વર્ષમાં એટલું વધ્યું નહોતું.
કેટલાક બીજા પણ કારણો અને પરિબળો હતો કે આખરે ચોથી વાર ચૌહાણને જ ભાજપે મુખ્ય પ્રધાન બનવા દીધા. મધ્ય પ્રદેશમાં પ્રથમવાર સત્તા મળી ત્યારે ઉમા ભારતી મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ તેઓ લાંબું ટકી શક્યા નહિ. બાબુલાલ ગૌર તેમની જગ્યાએ આવ્યા, પણ 15 મહિનામાં તેમને હટાવી દેવાયા. તેમના સ્થાને નવેમ્બર 2005માં ચૌહાણ પ્રથમવાર સીએમ બન્યા. પછીની બંને ચૂંટણી તેમની આગેવાનીમાં જીતી એ રીતે તેઓ 12 વર્ષ સીએમ રહ્યા. હવે ચોથીવારના ચાર વર્ષ સાથે તેઓ 16 વર્ષ જેટલો સૌથી લાંબો સમય સત્તામાં રહેનારા ભાજપના સીએમ બનશે. તેમણે છત્તીસગઢના રમણસિંહનો 15 વર્ષનો રેકર્ડ પહેલા તોડવાનો છે. તે પછી 2023ની ચૂંટણીમાં શું થશે તે કહેવું વહેલું ગણાશે, પણ જો ત્યાં સુધી ટકી ગયા અને બીજા પાંચ વર્ષ પૂર્ણ કર્યા તો 16 વત્તા પાંચ 21 વર્ષ સાથે ટોપ 7 સીએમમાં સ્થાન પામશે.
પરંતુ તે જો અને તો વચ્ચે ઘણું બનશે, કેમ કે શિવરાજસિંહને હાલમાં કોરોના કકળાટમાં રાહત મળી છે અને છ મહિના પછી પેટાચૂંટણીઓમાં જીતવાનો પડકાર છે. ત્રણેક મહિના કોરોનાના કાળઝાળ પસાર થાય તે પછી થનારી પેટાચૂંટણીઓને કારણે પણ આખરે શિવરાજસિંહને જ પસંદ કરવા પડ્યા છે. 2018માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે શિવરાજસિંહને રાષ્ટ્રીય ભાજપ તરફથી સહયોગ નહોતો મળ્યો તેવી પણ વાતો ચાલી હતી. પ્રચારમાં નરેન્દ્ર મોદીને વધારે મહત્ત્વ આવું કે ચૌહાણને તેની પણ ખેંચતાણ હતી. આ બધા વચ્ચે ત્રણ રાજ્યોમાં ભાજપને હાર મળી, પણ મધ્ય પ્રદેશમાં બહુ થોડા માર્જિનથી હાર મળી હતી. કર્ણાટકમાં તોડફોડની કોશિશ થઈ, મહારાષ્ટ્રમાં પણ મધરાતે શપથવિધિ થઈ તેવી હલચલ ભાજપ તરફથી ના થઈ અને મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની કોશિશ ના થઈ. ચૌહાણને પણ લાગ્યું કે થોડો સમય રાહ જોવી વધારે યોગ્ય છે.
કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારને પાડી દેવા માટે યેદીયુરપ્પા સતત મથતા રહ્યા હતા. દિલ્હીના મોવડીઓ બહુ પ્રોત્સાહન નહોતા આપતા તો પણ તેઓ મચ્યા રહ્યા હતા. તેની સાથે શિવરાજસિંહે લોકસંપર્ક જાળવી રાખવાનો, વિપક્ષના નેતા તરીકે સક્રિય રહેવાનો પ્રયાસ જ વધુ કર્યો હતો. આખરે કોંગ્રેસમાં જ વિખવાદ વધ્યો અને ભાજપને તક મળી ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઓપરેશન થઈ ગયું. જોકે હજીય એ નક્કી નહોતું થતું કે ભાજપમાંથી મુખ્ય પ્રધાન કોને બનાવવા. એક તબક્કે એવું લાગતું હતું કે માત્ર રાજ્યસભાની એક બેઠક જવા ના દેવી અને સિંધિયાને લઈ આવવા તેટલી જ વાત હતી. કોંગ્રેસના ધારાસભ્યોનું રાજીનામું કોંગ્રેસમાંથી આવેલા સ્પીકર સ્વીકારશે નહિ, પણ આ સભ્યો રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસવૉટિંગ કરશે તેમ લાગતું હતું. ક્રોસ વૉટિંગ પછી ગેરલાયક ઠરાવવાની કોઈ જોગવાઈ નથી એટલે કોંગ્રેસની સરકાર માટે જ્યાં સુધી ગૃહમાં બહુમતી સાબિત કરવાની વાત ના આવે ત્યાં સુધી ચાલતી રહે.
દરમિયાન પરિસ્થિતિ પલટાઇ. સમગ્ર દેશમાં રાજકીય હલચલ કરતાંય કોરોનાની હલચલ મહત્ત્વની બનવા લાગી હતી. સાથે જ તેના કારણે આવનારી આર્થિક આફત સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા. કેન્દ્રમાંથી કોઈ નેતાને મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવે અને કેન્દ્રના પ્રધાનમંડળમાં ફેરફાર થાય તે વાતો હવે શક્ય રહી નહોતી. કેન્દ્રમાં રહેલા બે નેતાઓનું નામ શિવરાજના વિકલ્પ તરીકે લેવાતું હતું – એક નરેન્દ્રસિંહ તોમર અને બીજા કૈલાસ વિજયવર્ગીય.
છેલ્લી ચૂંટણીમાં શિવરાજે થોડા માર્જિનથી સત્તા ગુમાવી દે પછી સંગઠનમાં પણ તેમનું માર્જિન ઓછું કરવા કોશિશ ચાલી હતી. તેમની જગ્યાએ વિજયવર્ગીયને આગળ કરાતા રહ્યા હતા. જોકે વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. અમિત શાહના માનીતા નેતા અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વિજયવર્ગીય પશ્ચિમ બંગાળના પ્રભારી છે. તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ તેઓ રાષ્ટ્રીય સ્તરે ચમકતા રહ્યા છે.
બંગાળમાં હવે નવા કોઈ પ્રભારી મોકલવા ભાજપને ફાવે નહિ અને બંગાળમાં તેમના જેવા વિવાદો જગાવનારા નેતાની જ વધારે જરૂર છે. તેથી તેઓ રેસમાં આમ તો ખાસ જોડાયા પણ નહોતા. મધ્ય પ્રદેશમાં તેમના વિધાનસભ્ય પુત્રે જાહેરમાં ધોકાબાજી કરીને બાપ કરતાંય મોટો વિવાદ ખડો કર્યો હતો. એ બધાને કારણે તેઓ સ્પર્ધામાં બહુ આગળ રહી શકે તેમ નહોતા. ભાજપના આંતરિક વર્તુળો પણ કહે છે કે સ્પર્ધામાં વિજયવર્ગીય પોતે નહોતા, ભલે તેમનું નામ ચાલતું હોય. તેમના કરતાં વધુ શક્યતા નરેન્દ્રસિંહ તોમર માટેની હતી.
દિલ્હીમાં જે કંઈ હલચલ થઈ રહી હતી તે નરેન્દ્રસિંહ તોમરના બંગલે જ થઈ રહી હતી. આખરે તેમણે જ છેલ્લે એવા અણસાર આપ્યા કે પોતે દિલ્હીમાં જ રહેવા માગે છે, ભોપાલ જવા માગતા નથી. તેનું એક કારણ એ પણ છે કે તેઓ વ્યક્તિગત રીતે ચૌહાણના સ્પર્ધક બનવા માગતા નહોતા. મધ્ય પ્રદેશના જાણકારો કહે છે કે તોમર અને ચૌહાણ વચ્ચે વર્ષોથી સારા સંબંધો રહ્યા છે. ચૌહાણને નુકસાન કરીને તોમર સત્તા પર બેસવા માગતા નહોતા. જો ચૌહાણને સીએમ ના જ બનાવવા તેવું નક્કી થાય અને અન્ય વિકલ્પો તૈયાર થાય ત્યારે તોમર સ્પર્ધામાં રહેવાના હતા ખરા. તોમરને લાગ્યું કે પોતાને આગળ કરીને ચૌહાણની બાદબાકી કરવાની હોય તો તે રીતે પોતાનો ઉપયોગ થવા દેવો નહિ.
તોમરના બંગલે બેઠકોથી મોવડીમંડળ પણ સાવધાન થયું હોવાનું કહેવાય છે. કેન્દ્રમાં પ્રધાન તરીકે રહેલા ધર્મેન્દ્ર પ્રધાન પણ તેમાં સક્રિય હોવાની ચર્ચાઓ ચાલી હતી. એક સરપ્રાઇઝ ઉમેદવાર રીતે ધર્મેન્દ્ર પ્રધાન પણ આવે તેવી વાતો વચ્ચે તેઓ તોમરને આગળ કરી રહ્યા હતા. ભાજપના જ એક મોટા નેતાના કહેવાથી ધર્મેન્દ્ર પ્રધાન તોમરને તૈયાર કરી રહ્યા હતા તેવી પણ વાત છે. જોકે તોમરને બેસાડવાની તૈયારી થઈ રહી છે તેવી વાત અન્ય જૂથ સુધી પહોંચી ત્યારે તે જૂથ પણ સક્રિય થયું હતું. આવી જૂથબંધી અને વિવાદ વચ્ચે તોમર આગળ વધવા માગતા નહોતા. તોમરનું નામ પણ મીડિયામાં બહુ ચાલવા લાગ્યું હતું. તોમરનું નામ નક્કી છે તેવું ચલાવાયું તે પછી આખરે તેમણે જ પોતે સ્પર્ધામાં નથી તેવું પત્રકારોને જણાવ્યું હતું.
આ બે સિવાય બીજા બે નામો ચર્ચામાં હતા તે હતા ભાજપના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ વી. ડી. શર્મા અને નરોત્તમ મિશ્ર. નરોત્તમ મિશ્ર કોંગ્રેસને તોડવામાં અને સિંધિયાને લાવવાના ઑપરેશનમાં ઘણા સક્રિય હતા. તોમરના ખભે બંદૂક નહિ ફૂટે તેમ લાગ્યું તે પછીય પ્રયાસો ચાલતા રહ્યા હતા અને હવે શર્મા અને મિશ્રના નામ આગળ કરવામાં આવ્યા હતા. વિધાનસભ્યો આ બેમાંથી કોઈ એક નેતા માટે સહમત થાય તે માટેના પ્રયત્નો પણ થયા હતા, પણ કામ મુશ્કેલ લાગતું હતું. બીજી બાજુ સમય વીતવા લાગ્યો હતો અને વિધાનસભ્યોને હવે લાંબો સમય એકઠા રાખવાનું પણ શક્ય નહોતું.
હકીકતમાં વિધાનસભ્યોમાંથી જ કોઈ એક નામ સર્વસંમતિથી આવે તેવા પ્રયાસો મોવડીમંડળે અને કેટલાક નતાઓએ કરવા પડ્યા તેના કારણે જ આખરે શિવરાજસિંહ ફાવ્યા હતા. તોમર જેવા નેતા મુખ્ય પ્રધાનપદ મળતું હોય તો પણ ચૌહાણ સામે પડવા ના માગતા હોય, ત્યાં અન્ય વિધાનસભ્યો ચૌહાણની વિરુદ્ધ જાય તેવી શક્યતા ઓછી હતી. વિધાનસભ્યોમાંથી જ કોઈ નવું નામ આવે તેવા આ પ્રયાસોમાં આખરે ચૌહાણનું જ નામ આવ્યું. એક જાણકારના જણાવ્યા અનુસાર વિધાનસભ્યોને કોઈ એક નામ માટે પૂછવામાં આવ્યું ત્યારે બધાએ એક સાથે શિવરાજસિંહ ચૌહાણનું જ નામ લીધું. તે પછી પ્રભારી અને નિરીક્ષકોને પણ લાગ્યું કે અત્યારે હવે વિખવાદ વધે તેવું કરવું યોગ્ય નથી. નવી સરકાર ઝડપથી કોરોના સંકટ સામે કામે લાગે તે પણ જરૂરી હતું, કેમ કે સારી કામગીરી કરીને છ મહિના પછી પેટાચૂંટણીઓ પણ જીતવાની છે.
કોંગ્રેસમાં એવી ગપસપ ચાલે છે કે સિંધિયાને આમ પણ જતા કરવાના હતા. તેઓ જતા રહે, તેમના જૂથના નેતાઓ જતા રહે અને પેટાચૂંટણી આવે ત્યારે જોર કરીને ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં જ સિંધિયાને નબળા પાડવા. દિગ્વિજય અને કમલ નાથ બંનેનું જૂથ અત્યારે એક થઈ યું છે અને તે લોકો કાયમ માટે ગ્વાલિયર પેલેસનું રાજકારણ ખતમ થઈ જાય તે માટે ભેગા થઈને પેટાચૂંટણીમાં સિંધિયાના માણસોને હરાવવા માગે છે.
કોંગ્રેસનું વિશફુલ થિન્કિંગ એવું છે કે પેટાચૂંટણીમાં સારામાં સારો દેખાવ કરીને અને ભવિષ્યમાં ભાજપમાંથી જ કેટલાકને તોડીને ફરીથી સરકાર બનાવવી. એવું થવાનું નથી અને પેટાચૂંટણીમાં થોડી બેઠકો કોંગ્રેસ જીતે તો પણ સત્તા ભાજપની રહેવાની છે. ભાજપે સત્તા જાળવી રાખવી જરૂરી પણ છે, કેમ કે લોકતાંત્રિક પ્રણાલીઓને તોડીને સરકાર બનાવી હોય અને પેટાચૂંટણીમાં હાર મળે તે વધુ ભૂંડી લાગે. પેટાચૂંટણીમાં પણ સારા દેખાવ સાથે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉત્સાહથી ચૂંટણીમાં ઉતરે તેવો લાંબો વિચાર કરીને આખરે શિવરાજસિંહને જ પસંદ કરવામાં આવ્યા.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
આમ તો ઘરમાં રોજ સવારે છાપું આવે એ સામાન્ય ઘટના છે, પણ એક સર્જક માટે તો સામાન્ય એ જ અસામાન્ય અને અસામાન્ય એ જ સામાન્ય હોય!
આ જૂઓને, કોરોનાના કહેરમાં પ્રિન્ટીંગ અને વિતરણની મુશ્કેલીઓના કારણે મોટાભાગના અખબારોનું પ્રિન્ટીંગ બંધ છે અને વાચકો માટે હાલ ટેલિવિઝન ઉપરાંત ડિજીટલ અખબારો-વેબસાઇટસ એ જ સમાચારો મેળવવાનું માધ્યમ છે ત્યારે અમદાવાદસ્થિત કવિ તુષાર શુક્લ ઘેર બેઠાં બેઠાં છાપા વગર કેવીક ફિલીંગ અનુભવે છે એ વાત કવિએ કવિતાના જ માધ્યમથી વ્યક્ત કરી છે. માણો ત્યારે…
———————————————————
ઘેર બેઠાં
આટલાં બધાં તો અમે મંગાવતાંય નથી , ભૈ !
( e – newspaperનો ખડકલો થઇ જાય છે વોટ્સએપ પર )
એક મિત્રને ખખડાવ્યોય ખરો :
કેમ મોડું થયું આજે ? ? )
છાપાના હેવાયી આંખોને સારું તો લાગે છે
પણ
આંગળીઓને ઓછું આવે છે !
હોઠ પણ ભીના સૂકાય છે ,
ને જીભ સ્વાદ વગર.
કાન પણ તરસે છે
પાનું ફેરવવાના અવાજને !
નાક તો ક્યારનું રિસાઇને બેઠું છે,
પહેલી વાર ઉઘડતા પાનાની
શાહીની સુગંધ વગર !
પીડા, પ્રસન્નતા,
આનંદ , ક્રોધ,
વિરોધ, લાચારી,
ઇર્ષા, અણગમો
સંમતિ -અસંમતિ વચ્ચે
મનમાં ચાલતી દલીલબાજી – for and against-
સાવ નિર્લેપ , સાક્ષીભાવ પણ નહીં !
કામનું – નકામું
ગલગલિયા કરતું , નખોરિયાં ભરતું
કેટકેટલું લઇ આવે છે એ
મારા હીંચકે, મારા હાથમાં
ઘેર બેઠા!
છાપુ જૂનું ન ચાલે
શરાબ વિષે ભલે કૈં પણ કહેતા હોય !
છાપુ કેવળ છાપુ ક્યાં છે ?
એ તો છે પંચેન્દ્રિયનો પારાવાર !
મુંબઈઃ ભારતીય હવામાન ખાતા (IMD)એ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી પાંચ દિવસોમાં મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ તેમ જ તોફાન આવવાની શક્યતા છે. હાલમાં મહારાષ્ટ્રના નાસિક, કોલ્હાપુર, પૂના, મહાબળેશ્વર તથા સોલાપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને ઠંડા પવનો (મિની વાવાઝોડું) આવ્યું હોવાનું નોંધાયું છે. 25 માર્ચે પણ મહાબળેશ્વરમાં હલકાં કરાં પડ્યા હતાં, ત્યારે હવામાન ખાતાએ એની નોંધ લીધી હતી. મુંબઈના હવામાનની વાત કરીએ તો ગયા બુધવારે 25 માર્ચે રાત્રિએ મુંબઈ શહેરે છેલ્લાં 10 વર્ષમાં માર્ચ મહિનાનું તેનું લઘુત્તમ તાપમાન ઘણું ઊંચું નોંધાવ્યું છે. સાંતાક્રુઝ હવામાન વિભાગે ઓછામાં ઓછું તાપમાન 26° ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું, જે રોજ કરતાં 4° ડિગ્રી વધુ છે. જ્યારે કોલાબા વિસ્તારમાં 1.8° ડિગ્રી વધુ નોંધાયું.
હવામાન ખાતાના એક અધિકારીના જણાવ્યા મુજબ ‘ઉત્તર કર્ણાટકથી લઈને દક્ષિણી મધ્ય મહારાષ્ટ્ર વચ્ચે ચક્રવાતી તોફાન સર્જાવાને કારણે મહારાષ્ટ્રમાં વાવાઝોડાની આ સ્થિતિ નિર્માણ થઈ છે.’
વાવાઝોડાને લીધે ઘઉં, જુવાર અને બાજરીને નુકસાન
IMDના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે. એસ. હોસાલિકર જણાવે છે કે ‘મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં તોફાન આવવાને લીધે અનેક વિસ્તારોમાં થયેલા ઘઉં, જુવાર અને બાજરીના પાકને નુકસાન થયું છે.’ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં તોફાની ચક્રવાત થવાની, હવામાન ખાતાની ચેતવણીને લઈને લોકોએ પણ આ વિશે જાગ્રત રહેવું તેમ જ રોજિંદી હવામાન ખાતાની માહિતીની નોંધ લેવી.’
હાલમાં બદલાપુર, લોનાવાલા તેમ જ મુંબઈના અમુક વિસ્તારોમાં સામાન્ય હલકો વરસાદ નોંધાયો છે. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આગામી થોડા દિવસોમાં વાદળછાયું વાતાવરણ તેમ જ હલકો વરસાદ વરસે એવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર તાપમાનમાં આ વધારો બુધવારે સવારે દક્ષિણેથી ફૂકાયેલા ઉષ્ણ પવનને કારણે થયો હતો. પાંચ વર્ષ પહેલાં એટલે કે 28 માર્ચ 2015ના દિવસે સહુથી વધુ લઘુતમ તાપમાન 25.9° ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જોકે આગામી દિવસોમાં વાદળ ઘેરાવાની તેમ જ વરસાદની આગાહીથી લોકો થોડી હળવાશ જરૂર અનુભવશે!
ચંડીગઢઃ દુનિયાને જેણે સ્થગિત કરી દીધી છે તે કોરોના વાઈરસ સામેની લડાઈમાં સંકળાયેલા આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ તથા ગરીબ બાળકો સહિત 3.5 લોકોને મદદ કરવા માટે ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમોના ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે CRY સંસ્થા (Child Rights and You) સાથે હાથ મિલાવ્યા છે.
હરભજન સિંહે આની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી છે.
એણે લખ્યું છે કે, CRY સંસ્થા અને મેં કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન 3.5 ગરીબ બાળકો તથા આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને મદદરૂપ થવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. કૃપા કરીને આ તાકીદની સેવા માટે @cry_india સંસ્થાને મદદ કરો. તમે જે કંઈ પણ નાની મદદ કરી શકો એ કરો. cry.org/helpchildren
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે આપણા દેશમાં 21-દિવસ લોકડાઉન અમલમાં રહેશે. એમણે કહ્યું હતું કે કોરોના સામેની લડાઈને નિર્ણાયક સ્તરે લડવા માટે આ પગલું ભરવું જરૂરી છે. લોકોનાં જાન બચાવવા તે આપણી પ્રાથમિકતા છે.
વડા પ્રધાને હાથ જોડીને દેશવાસીઓને વિનંતી કરી હતી કે તમે જ્યાં પણ હો ત્યાં જ રહેજો. જો નાગરિકો આ 21 દિવસનું લોકડાઉન નહીં સંભાળે તો દેશ 21 વર્ષ સુધી પાછળ રહી જશે અને ઘણા પરિવારો બરબાદ થઈ જશે.
કોરોના વાઈરસને કારણે દેશ અને વિદેશોમાં તમામ ખેલકૂદ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિક્સ ગેમ્સને એક વર્ષ મુલતવી રાખવામાં આવી છે તો ઘરઆંગણે આઈપીએલનું ભાવિ ડામાડોળ છે. સરકાર 15 એપ્રિલ બાદ નવી જાહેરાત કરે તે પછી જ 13મી આઈપીએલ સ્પર્ધા રમાડવી કે નહીં તે નક્કી કરાશે.
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ 80-જી હેઠળ કરમુકિતને પાત્ર છે. મુખ્યમંત્રીના સચિવ શ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત રૂ. ૧ લાખની સહાય આ ફાળામાં આપી છે.
હવે કોરોના સામેના આ મહાયુદ્ધમાં ગુજરાતના મંદિરો પણ આગળ આવ્યા છે. અંબાજી મંદિર અને સોમનાથ મંદિર દ્વારા 1-1 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસની મહામારીને લઈ સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોમનાથ મહાદેહ મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે. લોકોની સુખાકારીને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ અંબાજી મંદિર દ્વારા પણ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 1 કરોડ 1 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો સંકટના આ સમયમાં માનવતા પણ મહેકી ઉઠી છે. મંદિરો દ્વારા દાન તો વહાવવામાં આવી જ રહ્યું છે પણ સાથે જ વતનની વાટે નીકળેલાં શ્રમિકો માટે પણ ફૂડ પેકેટ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
ત્યારે સંકટના આ સમયમાં માણસ બીજા માણસની સહાયમાં આગળ આવી રહ્યો છે. અને કોરોના સામેની જંગ જીતવા માટે તમે પણ સીએમ રાહતનિધિ ફંડમાં દાન કરી શકો છો. અને આ દાન કરવાથી તમને ઈન્કમટેક્સમાં પણ રાહત આપવામાં આવશે.
27 મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. નાટ્યકર્મીઓ અને નાટ્યશોખીનો માટે આ દિવસનું મહત્વ વિશેષ હોય, પણ પેલું કહે છે ને વિશ્વ આખું એક રંગમંચ છે અને આપણે બધાં આ રંગમંચના પાત્રો…. એ વાત વર્તમાન પરિસ્થિતિમાં ય બરાબર લાગુ પડે છે. કોરોના નામનું કોઇ અદશ્ય તત્વ અત્યારે આપણા આ રંગમંચને બરાબર રમાડી રહયું છે અને આપણી પાસે એની સ્ક્રીપ્ટ પ્રમાણે વર્તવા સિવાય કોઇ બીજો ઉપાય ય ક્યાં છે?
આ માહોલમાં ય જાણીતા હાસ્યલેખક મનુ શેખચલ્લી ને વિચાર આવે છે કે કોરોનામાં ય નાટકના બધા જ તત્વો છે! આવો, માણીએ આજના વિશ્વ રંગભૂમિ દિવસે ચિત્રલેખા.કોમ માટે આ વિશેષ…
આજે વર્લ્ડ થિયેટર ડે છે, પણ થિયેટરો બંધ છે…છતાં એક નાટક છેલ્લા બે મહિનાથી આખા વર્લ્ડના તખ્તા ઉપર જે અડીંગો જમાવીને બેઠું છે કે હટવાનું નામ નથી લેતું!
-એ છે કોરોના વાયરસ કા કહેર… નામનું ડ્રામા!
આમાં સસ્પેન્સ છે, થ્રિલ છે, ઈમોશન્સ છે, ડ્રામા છે (ડ્રામામાં ડ્રામા તો હોય જ ને?) અરે ટ્રેજડી તો છે જ, પણ સાથે સાથે કોમેડી પણ છે…
સસ્પેન્સ એ છે કે શું ખુદ ચીને જ આ વાઈરસ બનાવ્યો હતો? શું ખુદ ચીન પાસે ઓલરેડી એની દવા તૈયાર હતી? કે પછી CIA નો કોઈ એજન્ટ વૂહાનના પેલા વિચિત્ર ઈટેબલ જાનવરોના બજારમાં જઈને કોઈ ચીનના ફૂટી ગયેલા સાયન્ટિસ્ટ પાસે આ જીવાણુની ટેસ્ટ-ટ્યૂબનો સોદો કરવા ગયો હતો અને કોઈ વાંદરાની હડફેટે આવવાથી ટેસ્ટ ટ્યૂબ તૂટી ગઈ?…
થ્રિલ તો જબરજસ્ત છે… કોઈ કહે છે કે બે વરસ પહેલાં જ આની આગાહી સમાન મૂવી બની ગઈ હતી! કોઈ કહે છે કે નોસ્ત્રદોમસ આવું જ કહી ગયો હતો…
અને ખરી થ્રિલ તો પેલા વિડીયો જોવામાં આવે છે જ્યાં પોલીસો રખડુ નવરાઓને ડંડા મારે છે!
ઈમોશન્સ તો ભરપૂર છે… ઈટાલીમાં એક ચાઈનિઝ યુવાન હાથમાં પાટિયું લઈને ઊભો હતો કે વ્હાય હેટ મિ? આઈ એમ નોટ કોરોના વાઈરસ? બિચારા ઈટાલિયન લોકો ઈમોશનલ થઈ થઈને એને ભેટ્યાં!
થોડા જ દિવસોમાં ઈટાલીના હજારો લોકો કોરોનાના ભરડામાં ભરાયા, ત્યારે ઈટાલીના પ્રમુખ શહેરમાં, ટીવીમાં રડી પડયા.. બોલો, હજી કેટલાં ઈમોશન્સ જોઈએ?
ડ્રામા તો એવો છે કે બીજા ડ્રામા ખતમ થઈ ગયા.. ચાર મહિનાથી દિલ્હીના શાહિનબાગમાં ચાલતો ડ્રામા બંધ પડી ગયો. મધ્યપ્રદેશમાં કમલનાથનો હજી પહેલો અંક ચાલતો હતો ત્યાં પરદો પડી ગયો અને ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની સ્ક્રીપ્ટ જ પડતી મુકાઈ ગઈ.
ટ્રેજડીનો તો પાર જ નથી મહેનત-મજૂરી કરી ખાતાં ગરીબ પરિવારો બિચારાં બિસ્ત્રા-પોટલાં અને બાળકોને ખભે ઉપાડીને ચાલતા જવા માટે વતન તરફ નીકળી પડયાં.
બાકી ખરી કોમેડી ત્યાં થઈ કે મોદી સાહેબે ડોક્ટરો, નર્સો, અને પોલીસકર્મીઓનો આભાર માનવા માટે થાળી વગાડવાનું કહયું હતું એમા અમુક લોકો એમ માની બેઠા કે આનાં વાયબ્રેશન્સથી આપણો મહ-વિલન કોરોના બિચારો ધ્રુજી ધ્રુજીને ધરાશયી થઈ જશે!
શેક્સપિયરને કયાં ખબર હતી કે ધ હોલ વર્લ્ડ ઈઝ એ સ્ટેજ એવુ એનું વાક્ય ભવિષ્યવાણી સાબત થશે? ખેર, આ નાટકનો પણ હેપ્પી એન્ડિંગ લાવીને જ રહીશુ. હેપ્પી થિયેટર ડે.
લંડનઃ બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા પછી દેશને કોવિડ19ના ઇન્ફેક્શનથી બચાવવાના પ્રયાસોમાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે પોતાને કોરોનો થયો હોવાની ટ્વીટ કરીને માહિતી આપી હતી. જોકે તેઓ આ આફત સામે લડવા માટે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારનું નેતૃત્વ કરતા રહેશે બ્રિટનમાં અત્યાર સુધી 12,000 લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે, જેમાં 578 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
ચીફ મેડિકલ ઓફિસરની સલાહ પર PMએ ટેસ્ટ કરાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન બોરિસ જોન્સનમાં કોરોના ઇન્ફેક્સનનાં લક્ષણો જોવા મળ્યા હતાં, જેથી હાલ તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં સેલ્ફ આઇસોલેશનમાં છે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટીની સલાહ પર તેમણે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં પ્રિન્સ ઓફ વેલ્સના 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે હાલ તેમની સારવાર ચાલી રહી છે.
જોકે વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની પત્ની કામિલા, ડચેસ ઓફ કોર્નવોલની સાથે હતા, જેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ક્લેરન્સ ઓફ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું હતું કે સરકાર અને ડોક્ટરોની સલાહ અનુસાર તેમણે સ્કોટલેન્ડના ઘરમાં પોતાને આઇસોલેટ કકરી લીધા હતા.
બંકિગહેમ પેલેસે જણાવ્યું હતું કે બ્રિટનની મહારાણી એલ્ઝાબેથે બોરિસ જોન્સને 11 માર્ચે મુલાકાત કરી હતી. જેથી મહારાણી એલિઝાબેથ પોતાના આરોગ્યને લઈને સતર્ક થઈ રહ્યા છે અને જરૂરી પગલાં ભરી રહ્યાં છે.
ચીનના વુહાન શહેર કોરોનાનું ઉદગમ સ્થાન
કોરોના વાઇરસનું ઉદઘમ સ્થાન ચીનનું વુહાન શહેર છે. આ રોગચાળાએ વિશ્વ આખાને જકડી લીધો છે. વિશ્વભરમાં કોરોના વાઇરસના પાંચ લાખથી વધુ લોકો આ રોગચાળાની અસર હેઠળ આવી ચૂક્યા છે, જેમાં 20,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ, રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં રસોડા ચાલુ રાખી શકાશે, પણ ખાદ્યપદાર્થોની માત્ર હોમ ડિલીવરી જ કરી શકાશે. આ હોમ ડિલીવરી સેવાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા અંગેના સરકારી આદેશોને અનુરૂપ હોવી જોઈએ.
પવારે કહ્યું કે, રાજ્યમાં બજારો અને હોટલ-રેસ્ટોરન્ટ્સમાં માંસાહારી ચીજોના વેચાણ અને ખાવા પર કોઈ પ્રતિબંધ મૂકાયો નથી. લોકોએ માત્ર સ્વચ્છતાના આદેશોનું પાલન કરવાનું રહેશે.
તે ઉપરાંત કેળા, દ્રાક્ષ, કેરી, કલિંગર જેવા ફળોની બજારો પણ ખુલ્લી રહેશે.
પવારે કહ્યું કે, જનતાની સુવિધા માટે રાજ્યબરમાં હોટલ-રેસ્ટોરન્ટ્સને એમના કિચન ચાલુ રાખવા અને ખાદ્યપદાર્થો લોકોને એમના ઘર સુધી અથવા રહેણાંક સોસાયટીઓ સુધી પહોંચાડવાની પરવાનગી આપવામાં આવી છે. શરત એ કે ખાદ્યપદાર્થ બનાવનાર તથા એની હોમ ડિલીવરી કરનાર વ્યક્તિઓએ સ્વચ્છતા તથા કોરોના વાઈરસને લગતી સલામતીની યોગ્ય કાળજી લેવાની રહેશે.