Home Blog Page 4901

હવે અઢી કલાકમાં જાણી શકાશેઃ કોરોના છે કે નહી

નવી દિલ્હીઃ લગભગ આખી દુનિયામાં કોરોના વાયરસનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે અને તેની વેક્સિન બનાવવાની સાથે જ અત્યારે તેના ટેસ્ટની કીટ બનાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોના વાયરસની પુષ્ટીમાં લાગનારો સમય ઘટાડી શકાય. વર્તમાન સમયમાં કોવિડ-19ના દર્દીઓની પુષ્ટી કરવામાં બે દિવસ અથવા તેનાથી વધારે સમય લાગી રહ્યો છે. ત્યારે આવામાં જર્મનીની એક કંપનીએ દાવો કર્યો છે કે તેમના દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી ટેસ્ટિંગ કીટથી માત્ર અઢી કલાકમાં રોગની પુષ્ટી કરી શકાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે. જેનાથી મહામારી સામેના યુદ્ધમાં મદદ મળશે. તેમણે કહ્યું કે, સંક્રમિત દર્દીઓની ઓળખ તેજીથી કરી શકાશે અને તેમને જલ્દી જ આઈસોલેટ કરી શકાશે.

રિપોર્ટ અનુસાર, બોશે કહ્યું કે આ નવા ટેસ્ટમાં વાઈવાલિટિક મોલીક્યૂલર ડાયગનોસ્ટિક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જેને બોશની હેલ્થકેર ડિવીઝનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઈઝનો ઉપયોગ હોસ્પિટલો, લેબોરેટરીઓ તેમજ મેડિકલ પ્રેક્ટિસમાં ફ્લૂ તેમજ ન્યૂમોનિયા જેવી સી બેક્ટીરિયલ તેમજ વાયરલ બીમારીઓની ઓળખમાં પહેલેથી જ કરવામાં આવી રહ્યો છે. આ ડિવાઈઝ એપ્રીલ માસમાં જર્મનીમાં ઉપ્લબ્ધ થઈ જશે. અને આને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં આવશે.

સાહેબ, મને સતત એવો ભાસ થાય છે કે…

રાજકોટઃ: કોરોના વાયરસ તો માણસના શારીરિક સ્વાસ્થ્યનો શત્રુ છે પણ જે સ્થિતિ સર્જાઇ છે એને લીધે ધીમે ધીમે લોકોને માનસિક અસર પણ થઇ રહી છે. કાલ્પનિક ભય, સતત ચિંતા જેવી માનસિક પ્રક્રિયાઓમાં વધારો થયો છે. રાજકોટના મનોચિકિત્સકોના ફોન પર કે હોસ્પિટલમાં આવા કિસ્સા ધીમે ધીમે વધી રહ્યા છે.

પોલીસ કર્મચારી પણ ડર્યા

રાજકોટ નજીકની ઔદ્યોગિક વસાહતમાં ફરજ પર રહેલા ગ્રામ્ય પોલીસના એ કર્મચારી આજે સવારે મનોચિકિત્સક ડો. વિજય નાગેચાની હોસ્પિટલે ગયા હતા. એણે કહ્યું. ડોક્ટર સાહેબ મને ખૂબ ડરામણા વિચાર આવે છે. આંખ બંધ કરું તો ય અને ખુલ્લી આંખે પણ મને એમ ભાસ થાય છે કે ગામમાં, રસ્તા પર, શેરીમાં પોલીસની લાશો જ પડી છે……ડોક્ટરે પૂછ્યું આવું કેમ થાય છે? તો કહે, અમને ડ્યૂટી કરવામાં કોઇ વાંધો નથી. તહેવારોમાં પણ કરીએ જ છીએ. પણ સાહેબ, અત્યારે બહાર નીકળવાની મનાઇ છે તો ય લોકો નીકળે છે. એમને ક્ન્ટ્રોલ કરવા અધરું કામ છે.

એ કહે, કારખાનામાં કામ કરી રહેલા પંદર મજુર ગઇકાલે આવ્યા, અમને કહે જમવાની વ્યવસ્થા કરી દો. સાહેબ અમે પોલીસ સ્ટેશનમાં ક્યાંથી જમવાનું બનાવીએ, બધા બંદોબસ્ત કર્યા છે પણ આમાં બીક લાગે છે.

સાઇકિયાટ્રીની પરિભાષામાં એને ફોબેટિક એન્કઝાઇટી કહેવાય છે. એટલે કાલ્પનિક ભયને લીધે વધતી ચિંતા. પરંતુ દવા માટે લોકોની જાગૃતિ કેવી હોય એવા ખલા પણ બની રહ્યા છે.

સાઇકલ પર 150 કીલોમીટર દૂરથી રાજકોટ આવ્યા

આ જ ડો. નાગેચાને ત્યા ગઇકાલે સવારે સાડા નવ વાગ્યે દરદી આવ્યા. પેશન્ટ તો પત્ની છે પરંતુ દર વખતની જેમ એના પતિ એને લઇને આવ્યા. ડોક્ટરને તો ખબર કે આ તો બહારગામ થી આવે છે. પૂછ્યું, તમે આવ્યા કેવી રીતે? વાહનો તો બંધ છે. પેલો ભાઇ કહે, સાહેબ સાઇકલ ઉપર…..આને હિંમત કહેવી? પ્રેમ કહેવો કે ચિંતા? આ દરદી પોરબંદર પાસેના કુતિયાણા ગામ નજીકના નાના એવા ગામડાં તરખાઇથી આવ્યા હતા અને એ પણ સાઇકલ પર, ડબલ સવારી. સાથે હતી પાણીની એક પ્લાસ્ટીક બોટલ. ખબર હતી કે રસ્તામાં કંઇ ખાવાનું પણ નહોતું મળવાનું અને કોઇ સેવા પણ નહોતું કરવાનું. રાત્રે બે-અઢી વાગ્યે એ બન્ને સાઇકલ પર નીકળ્યા. સવારે અહીં પહોંચ્યા. દવા લઇને જતા રહ્યા. આશરે દોઢસો કીલોમીટરનું આ અંતર છે. (ગૂગલ કહે છે 162 કીલોમીટર થાય.)

હું મરી જઇશ તો દીકરીનું શું થશે?

રાજકોટના અન્ય સિનિયર સાઇકિયાટ્રીસ્ટ ડો.પરેશ શાહનો ફોન ગઇકાલે રણક્યો. સાહેબ, રણુજાથી બોલું છું. (રાજકોટ નજીકનો વિસ્તાર) મને બહુ બીક લાગે છે. મારે ત્રણ વર્ષની દીકરી છે. મને કોરોનાની અસર થશે અને હું ગુજરી જઇશ તો એનું શું થશે, ફોન પર ડોક્ટર દવા લખાવે છે. અને કહે છેઃ બહેન શાંત થાઓ. કંઇ નહીં થાય. તમે બસ સરકારના આદેશનું પાલન કરો. તકેદારી રાખો. બહાર ન નીકળતા. ડરવાની જરુર નથી.

ડો.પરેશ શાહ ચિત્રલેખા.કોમ સાથે ત કરતાં કહે છે. શહેરી વિસ્તાર કે નગરોમાં ધીમે ધીમે આવા કિસ્સા વધી રહ્યા છે. હમણાં એક દરદીનો ફોન હતો કે હું બાબરાથી આવ્યો છું. મને પોલીસે રોક્યો છે. પછી મેં પોલીસ સાથે વાત કરી અને કહ્યું કે પેશન્ટ છે. એને જવા દો. એની પણ આ જ તકલીફ હતી. સતત ચિંતા. લોકડાઉન અનિવાર્ય છે. પરંતુ જેમને નવરા રહેવાની ટેવ જ ન હોય એમને આવું થાય. મગજ નવરું પડે એટલે રિપિટ એન્કઝાઇટી-સતત એકના એક વિચાર આવ્યા કરે એવું થાય. ઘણા લોકો એવા છે જેઓ સતત હાથ ધોયા રાખશે. અમારી ભાષામાં એને ઓબ્સેઝિવ કમ્પલઝીવ ડીસઓર્ડર કહેવાય. જરુર હોય કે ન હોય એ હાથ ધોવે, રુમાલથી હાથ સાફ કરે…

એક તો કામ કરતા હોય એના બદલે સતત નવરા થઇ જવું અને એમાં વળી આ વાતાવરણ અને સતત એક જ વાત. એટલે અસર વધારે થાય. કોરોના,કોરોના…સતત વાંચી સાંભળીને મન પર એની અસર થયા વગર ન રહે. અત્યારે હોસ્પીટલ તો બંધ છે. અમે સરકાર પાસે ટેલિમેડીસીનની મંજુરી માંગી છે.

અત્યારે શું કરવું?

  • – બને તો કોરોનાને લગતા સમાચારો ઓછા જોવા-વાંચવા
  • – કોમેડી સિરીયલ જોવી.
  • – સોસિયલ મીડિયા પર પણ કોરોનાને લગતા સમાચારો-વિગતો કરતાં અન્ય બાબતો વાંચવી
  • – હસવાથી મગજમાં એન્ડોર્ફીન વધે જે ડીપ્રેશન દુર કરે છે.
  • – સંગીત સાંભળવું.
  • – શક્ય હોય તો ખુલ્લામાં-અગાસીમાં થોડો સમય ગાળવો, ચાલવું.

 

(જ્વલંત છાયા-રાજકોટ)

કોરોનાના સંકટ વચ્ચે પુણેથી રાહતના સમાચાર

પુણેઃ મહારાષ્ટ્રમાં એક તરફ જ્યાં કોરોના વાયરસના કેસો સતત વધતા ચિંતાનો વિષય બન્યા છે. ત્યાં જ પૂણેમાં સારવાર બાદ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો રાહતના સમાચાર લઈને આવ્યો છે. પુણે એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં અત્યારસુધી કોરોના વાયરસના 10 જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

પુણે નગર નિગમના સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટર રાજેન્દ્ર હુંકારે જણાવ્યું કે, નાયડુ હોસ્પિટલમાં ભરતી થયેલા કોરોના વાયરસના બે વધારે દર્દીઓનું રિપીટ સેમ્પલ નેગેટિવ આવ્યું છે. બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પુણે જિલ્લામાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32 થઈ ચૂકી છે, જેમાંથી 10 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પહેલા પૂણેના પિંપરી ચિંચવાડ નિગમના કમિશ્નર શ્રવણ હાર્દિકરે જણાવ્યું હતું કે 3 લોકોના રિપીટ સેમ્પલમાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આજે ત્રણેય લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે અન્ય મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના મામલાઓની સંખ્યા 127 થઈ ગઈ છે.

દેશમાં તમામ ડોમેસ્ટિક, ખાનગી વિમાન સેવા 14 એપ્રિલ સુધી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે જાહેર કરેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન તમામ ડોમેસ્ટિક, નોન-શેડ્યૂલ અને ખાનગી ફ્લાઈટ્સનું સસ્પેન્શન 14 એપ્રિલ સુધી લંબાવી દીધું છે.

તમામ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ 14 એપ્રિલ સુધી સસ્પેન્ડ રહેશે એવી ડીજીસીએની જાહેરાતના એક દિવસ બાદ આજે આ નવી જાહેરાત આવી છે.

ડીજીસીએ એજન્સીએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે ભારતમાં શેડ્યૂલ, નોન-શેડ્યૂલ અને ખાનગી વિમાન સેવાનું સંચાલન કરતા તમામ ડોમેસ્ટિક એર ઓપરેટરો માટેનું સસ્પેન્શન 14 એપ્રિલ, રાતે 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.

સર્ક્યૂલરમાં જણાવાયું છે કે, અમે એવો નિર્ણય લીધો છે કે તમામ શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર વિમાન સેવા તો 14 એપ્રિલ, 2020ના સાંજે 6.30 વાગ્યા સુધી બંધ રહેશે. તે છતાં આ નિયંત્રણ ડીજીસીએ દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ ઈન્ટરનેશનલ કાર્ગો વિમાન સેવા તથા ફ્લાઈટ્સને લાગુ નહીં પડે.

આને પગલે એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે એર ઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ વિમાન સેવા 14 એપ્રિલ, 2020 સુધી રદબાતલ રહેશે.

કોરોના સામે લડવા સચિન મેદાનમાંઃ આર્થિક મદદની જાહેરાત

મુંબઈઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરે કોરોના વાઇરસ સામેની લડાઈમાં રૂ. 50 લાખની રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. પાછલા ઘણા દિવસોથી ક્રિકેટપ્રેમીઓમાં અને સામાન્ય લોકો અને સોશિયલ મિડિયામાં ચર્ચા ચાલી રહી હતી કે કરોડો-અબજો રૂપિયા કમાનારા ક્રિકેટરો, ફિલ્મ અભિનેતાઓ-અભિનેત્રીઓ, રાજકારણીઓએ કોરોનાના પ્રકોપ સામે ડોનેશન કેમ જાહેર નથી કર્યાં. જોકે મોડે-મોડે પણ સચિન તેન્ડુલકરે બધાને સંદેશ મોકલ્યો છે.

સચિનની દાનની રકમ સ્પોર્ટ્સ ક્ષેત્રે સૌથી વધુ

ભારતીય સ્પોર્ટ્સ હસ્તીઓ દ્વારા કોરોનાની સામેની લડાઈમાં સચિન તેન્ડુલકરની ડોનેશનની રકમ સૌથી વધુ છે. આ જાહેરાત અંતર્ગત સચિન રૂ. 25-25 લાખની રકમ વડા પ્રધાન રાહત ફંડ અને મુખ્ય પ્રધાન ફંડમાં આપશે. તેમના નિર્ણય વિશે માહિતી સૂત્રે જણાવતાં કહ્યું હતું કે સચિન બંને ફંડોમાં તેમનો ફાળો આપવા ઇચ્છતા હતા.

સચિન હંમેશાં ચેરિટી કામોથી જોડીયેલા રહે છે અને કેટલાય પ્રસંગોએ તેણે સામાજિક કાર્યોમાં આર્થિક યોગદાન આપ્યું છે. જોકે સચિનને હંમેશા સામાજિક કાર્યોનું શ્રેય લેવાનું પસંદ નથી. સચિન પહેલાં પઠાણબંધુઓ, પહેલવાન બજરંગ પૂનિયા સહિત અનેય ખેલાડીઓએ પોતપોતાના હિસામે રકમ દાન કરવાની જાહેરાત કરી છે.

સેલિબ્રિટીઝ દાન આપવામાં હજી પાછા પડે છે

વિશ્વઆખું કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગ 195 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિકસિત દેશ  અમેરિકામાં અનેક વેપારજગત અને હોલિવુડની અનેક હસ્તીઓએ દાનનો ધોધ વહેડાવ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આપણા ક્રિકેટ જગતના ખેલાડીઓ, બોલિવુડ કે પછી ઉદ્યોગજગત, રાજકારણીઓ, રાજકીય પક્ષો કે દેશભરમાં આવેલાં મંદિરો દાનની જાહેરાત કરવામાં આટલા ઊણા કેમ ઊતરે છે અથવા તો તેમની પાસેના કરોડો રૂપિયા હોવા છતાં તુચ્છ રકમ કેમ આપે છે?

આશા રાખીએ કે સચિનની જેમ અનેક હસ્તીઓ દાન આપવામાં પાછળ નહીં પડે.

 

 

 

જીવનું જોખમ છે ને એ નિકાહ પઢવા નીકળ્યા…

દેશમાં કોરોના વાઇરસના કેસમાં પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. કોરાના ચેપગ્રસ્તોની સંખ્યા કુલ 724 થઈ ગઈ છે. આજે દેશઆખામાંથી 30 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસને કારણે 17 લોકોનાં મોત થયાં છે. દેશ આખામાં સંપૂર્ણ લોકડાઉન છે. વડા પ્રધાન મોદીએ સૌ દેશવાસીઓને ઘરે રહેવાના નિર્દેશ આપ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા કહ્યું છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે કેટલાય લોકોએ પોતાનાં લગ્ન રદ કરી દીધાં છે, પણ કેટલાક લોકો લોકડાઉનનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. જેથી પોલીસે કડક કાર્યવાહી કરવી પડે છે.

પોલીસ મંજૂરી વિના નિકાહ કરવા જાન કાઢી, પોલીસે કરી ધરપકડ

ઉત્તરાખંડમાં લોકડાઉન દરમ્યાન વગર મંજૂરીએ લગ્નની જાન તો કાઢી, પરંતુ પોલીલે કાજી અને વર સહિત આઠ લોકોની ધરપકડ કરી લીધા હતા. તેમણે પોલીસ પાસેથી મંજૂરી નહોતી લીધી અને નિકાહ (લગ્ન) કરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતાં કાજી અને વરને પોલીસ સ્ટેશને પકડીને લઈ આવી.

પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યાં નિકાહ થઈ રહ્યા હતા. ત્યાંથી આઠ લોકોને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સંવેદનશીલ બાબત છે. તેમણે નિકાહ માટે કે જાન કાઢવા માટે મંજૂરી પણ નહોતી માગી.

કોરોનાના જોખમને જોતાં બુધવારથી દેશઆખામાં સંપૂર્ણ લોકડાઉન છે. સરકારે પણ આ લોકડાઉન માટે રૂ. 1.7 લાખ કરોડની PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ પણ ગરીબ, નિમ્ન વર્ગ, મહિલાઓ, જરૂરિયાત વર્ગ, દિવ્યાંગો સહિત બધા વર્ગોને રાહત આપવા માટે જાહેર કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકારના પ્રયાસો છે કે કોઈ પણ ગરીબ ભખ્યો ના રહે. આ સિવાય સરકારે લોકડાઉનમાં અસરગ્રસ્તો માટે અનેક જાહેરાતો કરી હતી.

ટ્વિટર પર માનવતાનો ટહુકો થયો ને…

અમદાવાદ: આફત, એ પછી કુદરતી હોય કે માનવસર્જિત, હંમેશા માનવતાના મૂલ્યોને કસોટીની એરણે મૂકે છે. આવા સમયમાં માનવીય વર્તનના બન્ને સ્વરૂપ જોવા મળે છેઃ સારા અને નરસા.

આપણે ભૂતકાળમાં પણ આ જોયું છે. પ્લેગ હોય કે વાવાઝોડું, કચ્છનો ભીષણ ધરતીકંપ હોય કે કોમી રમખાણો, નરસા ઉદાહરણોના વચ્ચે, કપરામાં કપરા સમયમાં પણ કેટલાક એવા સુખદ અપવાદો જોવા મળે છે, જેમાં એક માણસ નાત-જાત-રાગ-દ્વૈષ એ બધું ભૂલીને બીજા માણસને મદદ કરવા નીકળી પડે છે.

આવું જ એક ઉત્તમ ઉદાહરણ હમણાં અમદાવાદમાં જોવા મળ્યું. થયું એવું કે, સમાજ માટે નિસબત ધરાવતા અમદાવાદના કેટલાક યુવાન મિત્રો કુમાર મનીષ, માધીશ પરીખ, નદીમ જાફરી, રાકેશ ગોસ્વામી, રિતેશ શર્મા અને અમદાવાદ ગ્લોબલ શેપર્સ નામના સંગઠનના કેટલાક વોલન્ટીઅર્સ મિત્રોનું એક ગ્રુપ છે. આ ગ્રુપ સોશિયલ મિડીયામાં પણ ખાસ્સું એવું સક્રિય. સોશિયલ મિડીયાની આ એક એવી કમ્યુનિટી છે, જે આ મિડીયાના ઉપયોગથી સમાજમાં કાંઇક સારૂં થાય એ માટે સતત પ્રયત્નશીલ હોય છે.

આ મિત્રોને વિચાર આવ્યો કે, એકવીસ દિવસના આ લોકડાઉન સમયમાં જે લોકો ખાધેપીધે સુખી-સંપન્ન છે એમને તો વાંધો નહીં આવે, પણ રોજનું લાવીને રોજ ખાનારા ગરીબ-મજદૂર વર્ગનું શું? કામધંધા તો ઠપ્પ છે એટલે આવકનો તો સવાલ જ નથી. આ વર્ગ બિચારો જશે ક્યાં? એમણે તો કોરોના અને ભૂખ એમ બન્ને મોરચે લડવાનું હતું…

એમના માટે આ યુવાનોએ સોશિયલ મિડીયામાં એક નવો મોરચો ખોલ્યો- ક્રાઉડ ફંડીગનો. #Ahmedabadfightscorona નામે હેશટેગ ક્રિએટ કરીને એમણે ટ્વિટર પર લોકોને ડોનેશન આપવા માટે અપીલ કરી. જોતજોતામાં ટ્વિટર પર આ મેસેજ વાઇરલ થયો અને ડોનેશન આવવાનું શરૂ થયું. કુમાર મનીષ ચિત્રલેખા.કોમ ને કહે છે એમ, ‘ફક્ત 48 કલાકમાં જ એમની પાસે રૂપિયા 1.35 લાખનું ફંડ એકત્રિત થઇ ગયું. આ ડોનેશન ઇન્કમટેક્સની કલમ 80-G હેઠળ કરમુક્તિને પણ પાત્ર છે.’

આ બધા જ મિત્રો વળી પાછા કોઇક ને કોઇક સ્વયંસેવી એટલે વોલન્ટીઅર્સ ગ્રુપ સાથે ય જોડાએલા છે એટલે જોતજોતામાં આવા સેવાભાવી સ્વયંસેવકોની ટીમ ય તૈયાર થઇ ગઇ. અમદાવાદ શહેર અને નજીકના વિસ્તારોમાં ક્યાંયથી પણ મેસેજ આવે કે, આ જગ્યાએ કોઇ પરિવારને રાશનની જરૂર છે તો તરત જ નજીકના સ્થળેથી એમને રાશન અથવા તો તૈયાર ફૂડ પહોંચી જાય.

પછી તો બસ, ટ્વિટર પર જેમ જેમ વાત ફેલાતી ગઇ એમઃ લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા…

જો કોઇ એમાં પોતાનો ફાળો આપવા માગતા હોય તો આ લિન્કનો ઉપયોગ કરી શકે છેઃ

www.bit.ly/helpahmedabad

PayTM: 9016558924

Paypal: connect@madhish.com

વેલ, ટ્વિટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ પણ થઇ શકે એ વાત તો આ ઉદાહરણમાંથી શીખી જ શકાય છે, સાથે સાથે આ મિત્રો અને મુશ્કેલીના સમયમાં આવા જરૂરિયાતમંદોને મદદ કરતા એમના જેવા બીજા અનેક લોકો એ વાત પણ પૂરવાર કરે છે કે, આફતના સમયમાં એક માણસ બીજા માણસને કોઇપણ સ્વાર્થ વિના મદદ કરે એનાથી ઉત્તમ માનવીય ઘટના બીજી કોઇ ન હોઇ શકે.

તમે કહો છો એ લોકડાઉન ક્યાં છે? અહીં તો નથી જ!

લોકડાઉનના આ સમયગાળામાં પણ ગુજરાતમાં શહેરોમાંથી ગામડામાં અને પરપ્રાંતીયોની વતન તરફની હિજરત શરૂ થઇ ચૂકી છે.

ચિત્રલેખા ના સુરતના પ્રતિનિધિ ફયસલ બકીલી આ પરિસ્થિતિમાં સુરત શહેરથી કામરેજના રસ્તે મુસાફરી કરીને એનો જે ચિતાર વર્ણવે છે એ ઘણું બધું કહી જાય છે…. 

————————————————————

સુરત : લોકડાઉન પછી સુરત શહેરમાં તો કરફ્યુ જેવી જ સ્થિતિ જ છે. દરેક નાકે પોલીસ છે અને રસ્તા ઉપર આવશ્યક સેવાના વાહનો અને સેવામાં જોડાયેલા લોકોની સેવા કરવા નીકળેલા સમાજ સેવકો છે. મજૂર કે ભિખારી ફૂટપાથ કે બ્રિજની નીચે રહેતા નિરાધારો ભૂખ્યા સૂઈ ન જાય તેની ચિંતા કરતા લોકો સતત ફરતા રહે છે, પણ શહેરમાં નીરવ શાંતિ છે, અજંપાભરી શાંતિ.

પણ જેવા તમે સુરતના જ એક બીજા ખૂણામાં પહોંચો તો આ જ નીરવ શાંતિ એક અલગ જ પ્રકારના અજંપા અને કોલાહલમાં બદલાઈ જાય છે. આ વિસ્તાર છે વરાછા રોડનો. મહત્તમ સૌરાષ્ટ્રવાસીઓના આ વિસ્તારમાં રસ્તાની એક તરફ લોકો સતત ચાલી રહ્યા છે. કામરેજ તરફ જતા લગભગ 15 કિલોમીટર લાંબા આ માર્ગ ઉપર લોકોનું કિડિયારું ઉમટયું છે જાણે.

હ્યદયને હચમચાવી દે એવા દ્રશ્યો છે. આખે આખા પરિવાર પગપાળા ચાલે છે. માથે સામાન છે, કોખમાં બાળક છે ને વાટ વતનની છે. રસ્તામાં સેવાભાવી લોકો આ પદયાત્રીઓને પાણીની બોટલ આપે છે, નાસ્તો ય આપે છે. સખત ગરમી છે એટલે નાના વરાછાના મુસ્લિમો લીંબુ સરબત પીવડાવે છે. આવું આખા રસ્તે છે, નેશનલ હાઇવે ઉપર પણ. સુરતની અંદર વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રસ્તે ચાલતા લોકોને જે વાહન મળે તેમાં બેસાડી કામરેજ પહોંચાડવામાં મદદ કરે છે. લોકોને નાકે ભેગા કરીને ચાલતા ન જવા પણ તાકીદય કરે છે, પણ લોકો રોકાતા નથી. એમણે તો ચાલીને કામરેજ પહોંચવું છે.

કામરેજ જ કેમ?

કામરેજ એ નેશનલ હાઇવે પર આવેલું સુરતનું પ્રવેશદ્વાર છે. ચાલતા જનારા લોકોને આશા છે કે એ કામરેજ પહોંચશે તો એમને કોઈ ને કોઈ વાહન એમના વતન જવા માટે મળી રહેશે. આ વતન એટલે મોટાભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત. કોઈને સૌરાષ્ટ્રના અમરેલી કે ભાવનગર જવું છે તો કોઈ દાહોદનું છે એને દાહોદ તરફ જવું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે બિહારના લોકો પણ એમાં છે. બધા એક જ આશા અને આસમાં કામરેજ પહોંચી રહ્યા છે કે એમને ત્યાંથી કોઈ વાહન મળી રહેશે.

ના, એમને સરકારી જાહેરાત, આર્થિક પૅકેજ, વડાપ્રધાન કે મુખ્યમંત્રીની ઘરે રહેવાની અપીલ એ કશાની ખબર નથી. કાં તો એમને એના પર ભરોસો ય નથી અને એની પડી ય નથી. એમને તો ભરોસો છે વતન પર. વતનમાં વસતા પરિવાર પર. એ કોઈ વાતે અટકવા તૈયાર જ નથી. કામ બંધ છે તો ખાઈશું શું? એ ચિંતા જ એમને સતત ચાલતા રાખે છે. રસ્તામાં સેવા કરતા સેવાભાવી સમાજના લોકો એમને કેટલા દિવસ ખવડાવશે એ પણ પ્રશ્ન છે, જે એમના મનમાં સતત ઉઠે છે.

આ કાફલામાં ફક્ત ચાલીને જતા લોકો જ નથી, વરાછા રોડ ઉપર અમને મોટર સાયકલ ઉપર જતા અનેક લોકો પણ મળ્યા. આગળ પેટ્રોલની ટાંકી ઉપર બાળક બેઠું હોય, પાછળ પતિ-પત્ની વચ્ચે કે પત્નીના હાથમાં નાનું બાળક હોય. પાછળ એક બેગ બાંધી છે એટલે પ્રવાસ લાંબો છે એની ખાતરી થાય છે. આખાને આખા પરિવાર અને મિત્રો ગ્રુપ બનાવીને માદર-એ-વતન જઈ રહ્યા છે.

વળી, ચાલતા જતા શ્રમજીવી લોકોની સરખામણીએ આ બધા તો નોકરી કરીને જીવતા લોકો છે. આર્થિક સંકડામણ ય એટલી બધી નથી કે પલાયન કરવું પડે. આમ છતાં, બધા રસ્તા ઉપર આવી ગયા છે. સેંકડો બાઈક નીકળી પડી છે, સૌરાષ્ટ્ર તરફ જવા.

અમે એક ગ્રુપ સાથે વાત કરી. એ 12 પરિવાર હતા. બધા જ શિક્ષિત. નામ પૂછ્યું તો પત્રકાર છે એમ જાણીને વિગત ના આપી, પણ એ ભાઈ વ્યવસાયે વરાછા રોડની એક ખાનગી શાળાના શિક્ષક છે. પત્ની અને માત્ર બે વર્ષની બાળકીને લઈને સુરતથી બગસરા જવા, લગભગ 475 કિલોમીટરનું અતર કાપવા નીકળ્યા છે. આવા સેંકડો પરિવારો જીવ બચાવવા જીવના જોખમે હાઇવે ઉપર રાત્રિ મુસાફરી કરી રહ્યા છે. આ વાત 1994ના ‘પ્લેગ’ની યાદ અપાવે છે, જ્યારે લોકો આવી જ રીતે સુરતને છોડીને જતા રહ્યા હતા.

કામરેજ ચાર રસ્તા ઉપર પહોંચીને જે દ્રશ્યો નજર સામે આવ્યા એ સાથે તો મન ખીન્ન થઇ જાય એમ હતું. નિર્ધનો, શ્રમજીવી, ગરીબ, લાચારની લાચારી અને નિઃસહાયતા શું હોય એની ખબર ના હોય તો અહીં આવીને જોઇ લ્યો. બધું ગુમાન ઉતરી જશે. જેના ખભે ઉભા રહીને સુરત બીજા કરતા ઊંચું દેખાઈ છે, ખૂબસુરત બન્યું છે એ મજૂરોને જોનાર કે મુશ્કેલીના આ સમયમાં એમને હૂંફ આપનાર જાણે કોઈ જ નથી!

હીરા ઉદ્યોગમાં તો મહત્તમ લોકો સૌરાષ્ટ્રના છે, પણ એ સિવાય કાપડ અને બાંધકામ ઉદ્યોગ સહિતના વ્યવસાયના લોકો પણ આ રસ્તા ઉપર આવી ગયા છે. કેવી રીતે એ લોકો પહોંચશે એની ન તો એમને કોઇ ખબર છે કે ન તો કોઇ સમજ. હાઇ વે ઉપર નીકળતા દરેક વાહનને એ પૂછે છેઃ ક્યા જવાનું છે? પોતાના વતનના દિશા દેખાય એટલે ચડી જવાનું. એક બંધ ટ્રકમાં અનેક લોકો પરિવાર સાથે બેસી રહ્યા છે. મેં પૂછ્યું તો કહે મુરાદાબાદ (ઉત્તરપ્રદેશ) સુધી જશે. ખીચોખીચ ભરેલી ટ્રક. ન હવા. ન ઉજાસ. આવી રીતે એ લોકો 1300 કિલોમીટર પ્રવાસ કરશે. સાથે જેટલું ભોજન-પાણી હશે એના આધારે.

સવાલ એ છે ક્યાં છે લોકડાઉન? ક્યાં સંતાઇ ગયા છે વારે-તહેવારે સામાજિક મેળાવડાઓમાં ગાજતા સુરતના ભામાશાઓ?

લોકડાઉન, સરકાર અને આ ભામાશાઓ-આ ત્રણેયની અહીં ગેરહાજરી છે. કોઈએ એમને અટકાવ્યા જ નહીં હોય એટલે જ હાઈવે સુધી પહોંચી ગયા. ઉંચી ઈમારતો બનાવનાર મજૂરો રસ્તે છે એમને આ મૂક લોકસેવકોની રસ્તે મળતી સહાય છે, બસ. પોલીસકર્મીઓ બહુ સંયમથી આ મજબૂરોને મદદ કરી રહ્યા છે. એ રસ્તેથી પસાર થતા વાહનોને ઉભા રાખીને લોકોને બેસાડવાનું કામ કરે છે.

સ્થિતિ બહુ કફોડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ કે લોકડાઉન અમને આ ૩૦ કીલોમીટરની યાત્રામાં જોવા ન મળ્યું. જોવા મળી તો લોકોની લાચારી અને માનવતા. આ બધામાં સરકાર તો ક્યાંય દેખાતી જ નથી. વારતહેવારે પોતાને “ભામાશા” જેવા કે એનાથી પણ મોટા દાનવીર હોવાના ગાણા મીડિયા પાસે ગાતા સમાજસેવકો તો અત્યારે જ સોશિયલ ડિસ્ટન્સિંગમાં છે. એસી ઓરડામાં પૂરાઈ ગયેલા શહેરના આ કહેવાતા ભામાશાઓમાંથી ક્યાંય કોઈ મદદ માટે આગળ આવ્યુ હોવાનું દેખાતુ નથી. એ લોકો ભૂલી ગયા છે કે લોકડાઉન પછી આ મજૂરો જ એમના માટે મજૂરી કરીને કરોડો કમાઈને આપશે. આજે એમને જરૂર છે ત્યારે જો એમને નહીં સાચવો તે એમની અને એમના પરિવારની કકડતી હોજરી એમને માફ નહીં જ કરે.

અને, આ સ્થિતિ કંઈ એકલા સુરત નજીકના હાઈવેની નથી, સમગ્ર દેશમાં છે. મજબૂરી બહુ સમાજવાદી હોય છે. બધા ગરીબો માટે એકસરખી લાગુ થાય છે. બધા માલેતુજાર, સામાજીક આગેવાનો ચૂપ છે અને એમના જ સમાજના લોકો રસ્તા ઉપર છે. અજબનો સામાજિક ખેલ છે, કરૂણા અને કરુણતાથી ભરેલો ખેલ.

 

લોકડાઉનમાં ઘરે બેઠાં ફિટનેસ તાલીમ!

અમદાવાદઃ કોરોના વાયરસ તીવ્ર ગતિએ ભારતમાં ન ફેલાય એ માટે લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરાયો, વિનંતીઓ કરાઇ અને ક્યાંક કાયદાની કડકાઇ પણ જોવા મળી. એક તરફ ચેપી રોગનો ભય બીજી તરફ, નવરાશ અને ખાલીપો માણસોને વિચલિત કરી નાંખે છે.  જોકે આવા કપરા સમયનો ય કેટલાક લોકો યોગ્ય ઉપયોગ કરી સમય વ્યતિત કરે છે. મનની શાંતિ અને તંદુરસ્ત રહેવા મોટી સંખ્યામાં લોકો યોગા અને પ્રાણાયામ કરતા હોય છે.

સમાજનો એક વર્ગ એવો છે જે જીમમાં જાય છે, પર્સનલ જીમ ટ્રેઇનર પણ રાખે છે. વર્તમાન પરિસ્થિતિમાં જીમ અને ફિટનેસ સેન્ટરો બંધ છે. પણ તન મનને સજ્જ રાખવા કેટલાક લોકો પોતાના અંગત ફિટનેસ ટ્રેઇનર પાસેથી ઓનલાઈન માર્ગદર્શન મેળવી રહ્યા છે. વ્હોટસેપ વિડીયો કોલિંગ જેવી એપની મદદથી ટ્રેઇનરની સૂચના પ્રમાણે કસરતો કરી ફિટનેસની જાળવણી કરી રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા સાત વર્ષ કરતા વધારે સમયથી ફિટનેસ ટ્રેઇનર તરીકે કામ કરતાં સાહિબસિંહ ચિત્રલેખા. કોમ ને જણાવે છે કે, અત્યારે દિવસ દરમિયાન દસ કરતાં વધારે લોકોને વિડીયો કોલિંગ કરી ટ્રેઇનિંગ આપુ છું.  જીમ ચાલુ હોય ત્યારે, સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકોને પર્સનલ ટ્રેઇનિંગ પણ આપું છું. અત્યાકે કોરોનાની દહેશત અને સામાજિક અંતર રાખવાની પરિસ્થિતિમાં  મોબાઈલના માધ્યમથી ક્લાયન્ટસને તંદુરસ્ત રાખવા પ્રયાસ કરું છું. વિડીયો ફોન કરી મારી સૂચના અને પધ્ધતિ પ્રમાણે લોકો શરીરની માવજત કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બાર કલાકમાં એકપણ કેસ નહીઃ પણ સંટક હજી ટળ્યુ નથી

અમદાવાદઃ કોરનાને લઇને અત્યારે મોટાભાગનું વિશ્વ લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાક દરમિયાન એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતા આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 44 પોઝિટિવ દર્દીઓ પૈકી ના 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે.

ક્વૉરેન્ટાઈન વ્યક્તિઓને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

જયંતી રવિ એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ 50 લાખ 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.