Home Blog Page 4914

પાકિસ્તાનમાં શું ભણવા ગયા હતા? ટ્વિટર પર ટીખળ

નવી દિલ્હી: કોરોના વાઈરસના વધતા જતા પ્રકોપ વચ્ચે વિદેશમાં રહેતા ભારતીયો પરત ઘરે ફરી રહ્યા છે. ભારતમાં તેને થોડા દિવસો અલગ રાખવામાં આવી રહ્યા છે. પંજાબનાં અટારી સ્થિતિ વાધા બોર્ડરથી 18 માર્ચની રાતે ભારત આવેલા 43 ભારતીયોને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામની કોરોના વાયરસની તપાસ કરવામાં આવશે. 43માંથી 29 લોકો ક્રિકેટ મેચ જોવા દુબઈ ગયા હતા, જ્યારે 14 ભારતીય વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા હતા.

પાકિસ્તાનમાં અભ્યાસ કરવા લયેલા ભારતીયો પરત ફર્યા છે એ વાતની જાણ થતા આ લોકોને ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને લોકો પાકિસ્તાનમાં તેમના ભણવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો ટ્વીટર પર પૂછી રહ્યા છે કે, આ લોકો પાકિસ્તાનમાં શેનો અભ્યાસ કરી રહ્યા હતા. અને એવો તો કયો અભ્યાસ છે જે ભારતમાં નથી અને પાકિસ્તાનમાં છે? ટ્વિટર પર #StudyinginPakistan હેશટેગ ટોપ ટ્રેન્ડ કરી રહ્યો હતો.

મહત્વનું છે કે, પાકિસ્તાનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ કશ્મીરના છે. 16 માર્ચ 2020ના એક મીડિયા રિપોર્ટ અનુસાર કશ્મીરથી 15 વિદ્યાર્થીઓ સહિત લગભગ 100 ભારતીયોને અટારી વાધા બોર્ડરના માધ્યમથી ભારતમાં પ્રેવશની મંજૂરી આપવામાં આવી હતી.

વર્ક ફ્રોમ હોમઃ કોઇ રસોડામાં કે ડ્રોઇંગરૂમમાં કે બાલ્કનીમાં…

કોરોના વાઇરસને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં સાવચેતીના ભાગરૂપે સરકારોએ કે કંપનીઓએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે મોકલી દીધા છે. અનેક દેશોએ તેમને ત્યાં લોકડાઉન કર્યાં છે. વડા પ્રધાને લોકોને સોશિયલ દૂર રહેવા માટે જનતા કર્ફયુનું આહવાન કર્યું છે. ઇટાલીમાં જ્યાં લોકડાઉન વધારવાની વાત કરવામાં આવી રહી છે. આમ કોરોના વાઇરસના મહા સંકટ સામે લાખ્ખો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે.

ચા-નાસ્તા વગર કામ કેમ થાય?

કોરોના વાઇરસથી બચવા માટે સૌથી વધુ જરૂરી સામાજિક દૂરી છે, જેથી અનેક સરકારોએ કોરોનાગ્રસ્ત શહેરમાં 144 લાગુ કરી દીધી છે, જેથી ચાર જણ ભેગા ના થાય, પણ લોકો માટે આ નવા અનુભવો છે. અનેક લોકો કહ્યું છે કે ચા-નાસ્તા વગર કામ કઈ રીતે થાય?  ડિજિટલ વર્કપ્લેસને સુધારવામાં આવી રહ્યું છે. એક વર્ચ્યુઅલ ઓફિસ સિસ્ટમ બનાવવામાં આવી છે. અહીં ઓનલાઇન મીટિંગ અને વર્કશોપ્સ કરવામાં આવી રહી છે. જોકે કામની વચ્ચે કોફી બ્રેક અને હેપ્પી અવરની પણ શરૂઆત થઈ છે. કર્મચારીઓ માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. જેને પાળવા બધા માટે જરૂરી હશે.

ઘરમાં ઓફિસ

કોરોના વાઇરસને કારણે ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ બંધ થવાનું છે. એટલા માટે ટ્રેડર્સે પોતાનાં ઇક્વિપમેન્ટ્સ કાઢવા માંડ્યા છે. હવે આ ટ્રેડર્સ ઘરેથી કામ કરવાના છે.

ક્યાંક રસોડામાંથી તો ક્યાંક યોટ પરથી કામ

Young woman in pyjamas using laptop in kitchen, full length

ઓસ્ટ્રેલિયાનાં કેટલાંય શહેરોના લોકોએ પોતાના ઘરેથી કામ કરવાના ફોટો શેર કર્યા છે. એક મહિલાએ પોતાના પતિનો કામ કરતો ફોટો શેર કર્યો છે, જેમાં તેની પુત્રી રડતી નજરે ચઢે છે. જ્યારે એક શખસ તો પોતાની વેનને જ ઓફિસ બનાવી લીધી છે. જ્યારે અન્ય એક મહિલા તો રસોડામાં ટેબલ પરથી કામ કરી રહી છે. તેનું કહેવું છે કે બોસ વિડિયો કોલ કરે છે તો બાળકો સામે આવી જાય છે. લોકએ પોતપોતાનાં ઘરોમાં એક ઓફિસ ટેબલ તૈયાર કરી લીધું છે.

ઘરને ઓફિસમાં વહેંચ્યું

સ્પેનમાં વર્ષોથી ઘરેથી કામ કરતા લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. 38 વર્ષથી ઘરેથી કામ કરતી માર્થા લોકોને કહી રહી છે કે બસ એવું માનો કે તમે ઘરેથી કામ નથી કરતા. ઘરના કોઈ કામ પર ધ્યાન ના આપો. સ્પેનના કેટલાંય ન્યૂઝપેપર પણ લોકો આ વિશે જાણકારી આપી રહી છે. એક કાર્ટૂનિસ્ટે તો પોતાના અપાર્ટમેન્ટને બે ભાગમાં વહેંચી દીધું હતું. એક હિસ્સો ઘર તો બીજો હિસ્સો ઓફિસ.

ચીનમાં છવાયેલું છે આ ટૂલ

ચીનમાં ઘરેથી કામ કરવામાં હવે લોકોની આદત બની ચૂકી છે. પેઇચિંગની એક ઇન્ટરનેટ કંપનીમાં કામ કરતા એક શખસનું કહેવું છે કે અમે ઓનલાઇન મીટિંગ કરી. ચીનની કંપની અલીબાબાએ હોમ ઓફિસની પૂરી સિસ્ટમ બનાવી. એક મોબાઇલ ટૂલ DingTalk, એક કરોડ બિઝનેસ કંપનીઓને ફ્રી ઓફર કરી. હાલ 60 લાખ સંસ્થાઓએ એનો ઉપયોગ કર્યો લોકોનું કહવું છે કે આ સોફ્ટવેરને કારણે ક્યાંયથી પણ કોઈ પણ સમયે કામ થઈ શકે છે. ચીનમાં શેનડોંગ પ્રાંતમાં કોર્ટે પણ વિડિયો કોલથી સુનાવણી કરી હતી. બાળકોએ પણ ઓનલાઇન ક્લાસ લીધા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરોના સંકટમાં પણ ટાટા કર્મચારીઓની પડખે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંકટને લઈને અનેક કંપનીઓ મુશ્કેલીમાં આવી ગઈ છે. વિશ્વની ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓના વેતનમાં ઘટાડાની જાહેરાત કરી છે. ત્યારે ટાટા ગ્રુપે કહ્યું છે કે, તે દેશભરમાં પોતાની ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ પર કામ કરનારા અસ્થાયી કર્મચારીઓ તેમજ રોજ પર કામ કરતા મજૂરોને પૂરું વેતન આપશે. ટાટાની કેટલીક કંપનીઓ જેવી કે ટાટા પ્રોજેક્ટ્સમાં મોટી સંખ્યામાં અસ્થાયી કર્મચારીઓ કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલા છે.

કોરોના વાયરસથી થનારી અસરને ઓછી કરવા માટે અન્ય કંપનીઓ પણ પોતાના તરફથી પહેલ કરી રહી છે. બજાજ સમૂહના રાજીવ બજાજે કહ્યું કે, કોઈપણ કર્મચારીને કામ પરથી કાઢવાની નોબત આવતા પહેલા તેઓ પોતાનો પગાર નહી લે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ દેશના સૌથી વધારે વેતન લેતા અધિકારીઓ પૈકી એક છે અને નાણાકીય વર્ષ 2019 માં તેમને 32 કરોડ રુપિયા જેટલો પગાર મળ્યો હતો.

ઓનલાઈન પેમેન્ટ એપ કંપની પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પોતાની ઓફિસના કર્મચારીઓની મદદ માટે પોતે બે મહિનાનો પગાર ન લેવાની જાહેરાત કરી છે. ગુરુવારના રોજ વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી કે કંપનીઓ આ કપરા સમયમાં પોતાના કર્મચારીઓના પગારમાં ઘટાડો ન કરે.

ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે, વર્તમાન સ્થિતિ સમાજના કમજોર સામાજિક-આર્થિક વર્ગના લોકો પર ગંભીર પ્રકારની આર્થિક અસર પાડી શકે છે. તેમણે કહ્યું કે, સંકટના આ સમયમાં અમારા ગ્રુપની કંપનીઓ અસ્થાયી કર્મચારીઓ તેમજ મજૂરોને માર્ચ અને એપ્રીલ મહિનાનું પૂર્ણ વળતર આપવા માટે કટિબદ્ધ છે, ભલે સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ કર્મચારીઓ કામ પર ન આવ્યા, સાઈટ ભલે બંધ હોય, કંપની બંધ હોય કે પછી કોઈ અન્ય કારણ હોય પરંતુ કર્મચારીઓને તેમનું વેતન તો પૂરતું જ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એરલાઈન કંપની ઈન્ડિગો એરલાઈન્સ, ગોએર, તેમજ એર ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓના પગાર તેમજ અન્ય સુવિધાઓમાં ઘટાડાની જાહેરાત કરી હતી. વિભિન્ન દેશો દ્વારા યાત્રા પર પ્રતિબંધ લગાવવાના કારણે સૌથી વધારે અસર એરલાઈન્સ કંપનીઓ પર પડી છે. જો કે, ટ્રાવેલ સ્ટાર્ટઅપ કંપની અભીબસના ફાઉન્ડર સુધાકર શેટ્ટીએ કહ્યું કે, તેઓ 50 ટકા ઓછો પગાર લેશે અને એક પણ નોકરી નહી જવા દે.

વિશ્વ કોરોના સામે લડે છે ને કિમ જોંગ મિસાઈલ પરીક્ષણ કરે છે

પ્યોંગયાંગ: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણ કરાવ્યું છે. આ મિસાઈલનોના પરીક્ષણ દરમ્યાન કિમ પોતે ત્યાં હાજર હતો.

કોરોનાની વચ્ચે ઉત્તર કોરિયાનુ મિસાઈલ પરીક્ષણ

ઉત્તર કોરિયાએ શનિવારના રોજ નાના અંતરની 2 બૈલિસ્ટિક મિસાઈલોનું ઉત્તર પ્યોંગ પ્રાંતથી પૂર્વી સાગરમાં પરીક્ષણ કર્યું. આ મિસાલ પરીક્ષણ એવા સમયે કર્યુ છે, જ્યારે સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે, ઉત્તર કોરિયાએ આ મહિનાની શરુઆતમાં ‘ફાયરિંગ ડ્રિલ’ ના ભાગરુપે ઘણી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

આ મિસાઈલોના પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાની સેનાએ શનિવારે કહ્યું કે, તે સ્થિતિ પર નજર રાખી રહી છે. ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે, તે 10 એપ્રિલે સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી સત્ર આયોજીત કરશે. આ જાહેરાત પછી મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે, આ બેઠકમાં લગભગ 700 નેતા સામેલ થશે.

મહત્વનું છે કે, ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમના દેશમાં કોરોના વાઈરસનો હજુ સુધી એકપણ કેસ નથી. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે કોરોના વાઈરસ પર કાબુ મેળવી લીધો છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ઉત્તર કોરિયા કોરોના સંકટને છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

કોરોનાઃ માહિતી છુપાવવા બદલ આ દંપતિ સામે કાર્યવાહી

ઓરંગાબાદઃ થાઈલેન્ડથી આવનારા એક દંપતિ વિરુદ્ધ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ દંપતિએ થાઈલેન્ડથી આવ્યા હોવાની વાત અધિકારીઓથી છુપાવી હતી અને બાદમાં જ્યારે આ મામલે ખ્યાલ આવ્યો ત્યારબાદ તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે.

(પ્રતીકાત્મક તસવીર)

વિદેશોથી આવનારા લોકોને કોરોના વાયરસના સંકટને કારણે જરુરી રુપથી એક અલગ રુમમાં પોતાને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે પછી ભલે તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય. જિલ્લા વહીવટી તંત્રની એક સર્વેક્ષણ ટીમે આ દંપતિ વિશે માહિતી મેળવી હતી, જેણે થાઈલેન્ડથી આવ્યા હોવાની વાત છુપાવી હતી. તેમણે કહ્યું કે, અમલનેરના ગજાનન નગર વિસ્તારમાં રહેનારા દંપતિ થાઈલેન્ડથી આવ્યું હતું. જ્યારે ટીમે તેમને તેમની યાત્રા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમે પુણેમાં અમારા દિકરા પાસે ગયા હતા.

જો કે, તપાસકર્તાઓને બાદમાં માહિતી મળી કે તેઓ થાઈલેન્ડ ગયા હતા. તેમણે જણાવ્યું કે, દંપતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની પ્રાસંગિક કલમો અને મહામારી રોગ નિયંત્રણ અધિનિયમ, 1897 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બંન્નેને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે અને તપાસ માટે તેમના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.

કોરોના સામેના જંગમાં એશિયાની સરાહનીય કામગીરી

લંડનઃ વિશ્વના 185 દેશો હાલમાં કોરોના વાઇરસના રોગચાળાનો સામનો કરી રહ્યા છે. કોરોનાની સામે ચાલી રહેલા જંગમાં પશ્ચિમી દેશોની હાલત ખરાબ છે ત્યારે એશિયાના કેટલાય દેશોએ પહેલેથી અગમચેતી વાપરતાં આ વાઇરસ પર મોટા ભાગે કાબૂ મેળવી રહ્યા છે. પશ્ચિમી દેશોએ કોરોનાથી બચવા લોકડાઉન કર્યું છે, ત્યારે એશિયા આ મહા સંકટમાં બચવામાં હજી સુધી તો સફળતા મેળવી છે.  

ચીન કરતાં ઇટાલીમાં વધુ મોત

કોરોના વાઇરસનો કહેર યુરોપ અને અમેરિકામાં છે. ઇટાલીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ચીનને પાર થઈ ગઈ છે. પશ્ચિમી દેશોએ લોકડાઉન કરી દીધું છે. આ મહાસંકટની વચ્ચે ચીનની બહુ નજીક તાઇવાન, સિંગાપુર જેવા એશિયાના દેશોએ આ રોગચાળા સામે પરિસ્થિત પર નિયંત્રણ મેળવ્યું છે.

કોરોનાને ગંભીરતથી લેવાની જરૂર

બીબીસીએ આરોગ્યના નિષ્ણાતોનો હવાલો આપીને જણાવ્યું હતું કે આ મહા સંકટ સામે જરૂરી છે કે મોટા પાયે પરીક્ષણ કરાવવામાં આવે અને જે લોકો આ રોગથી અસરગ્રસ્ત છે તેમને જુદા કરવામાં આવે. તેમની સાથેના લોકોને પણ સામાજિક રીતે દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આ પગલાં એશિયાએ ઝડપથી લીધાં એચલા ઝડપથી પશ્ચિમી દેશોએ ઉઠાવ્યાં નહોતાં. જેને કારણે તાઇવાન, સિંગાપુર અને હોંગકોંગ બચી ગયા છે,જ્યારે બ્રિટન, ઇટાલી અને અમેરિકા ઝટપમાં આવી ગયા.

વધુ ને વધુ લોકોની કોવિડ-19ની તપાસ

કોરોનાથી જંગમાં દક્ષિણ કોરિયામાં કેસો ઝડપથી વધ્યા, પણ એણે એક તપાસ વિકસિત કરી. જેમાં અત્યાર સુધી બે લાખ 90 હજાર લોકોની તપાસ કરી લીધી હતી. દક્ષિણ કોરિયા પ્રત્યેક દિવસે 10,000 લોકોની મફતમાં તપાસ કરે છે. જેથી આ રોગના દર્દીઓની ઓળખ ઝડપથી થઈ અને એટલે એને વધુ રોકવામાં સફળતા મળી.

દર્દીઓની ઓળખ પૂરતી નહીં, તેમને અલગ કરવા પણ જરૂરી

કોરોના વાઇરસના દર્દીઓની તપાસ પૂરતી નથી, પણ તેમને અલગ કરવા પણ જરૂરી છે. સિંગાપુરમાં જે લોકોની ઓળખ કરી જે કોરોના પીડિત છે, તેઓ જેમને મળ્યા તેમની પણ સીસીટીવીથી ઓળખ કરવામાં આવી. જે લોકોને અલગ રાખવામાં આવ્યા હતા, તેમને કેટલીય વાર ફોટો મોકલવા કહેવામાં આવ્યું. જેમણે આઇસોલેશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું તેમની સામે ભારે દંડ લગાડવામાં આવ્યો.
સોશિયલ ડિસ્ટસિંગ પર ભાર

કોરોના સામેના જંગમાં બહુ જરૂરી છે કે લોકો સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરે.અનેક દેશોએ કોરોનાના કેસ વધતાં નેશનલ લોકડાઉન કરી દીધું. લોકોને ભેગા થવા સામે પ્રતિબંધ મૂકી દીધો.

લોકોને માહિતી આપી

કોરોના સામેના જંગમાં સિંગાપોર, તાઇવાન અને હોંગકોંગએ લીધેલાં પગલાં વિશે લોકોને માહિતી પહોંચાડી, જેથી નીતિઓ લાગુ કરવામાં જનતનો પૂરો સહયોગ મળ્યો.

 

 

 

 

 

 

 

કોરોનાઃ કેવી રીતે રાખશો કાળજી?

અમદાવાદ: છેલ્લાં 31 વર્ષથી પીડિયાટ્રિશિયન, નિયોનેટોલોજિસ્ટ અને ચાઇલ્ડ કાઉન્સેલર તરીકે અમદાવાદમાં સેવા ડો. મોના દેસાઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે. 1984માં MBBSમાં અને 1987માં  MD (પીડિયાટ્રિક્સ)નું ભણેલાં મોનાબહેન સાઇકોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવનારા પહેલા MBBS છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેસનનાં 118 વર્ષના ઇતિહાસમાં પ્રમુખ હોદ્દો ધારણ કરનારાં તેઓ પહેલા મહિલા (PG) ડોક્ટર છે.
અહીં મોનાબહેન આ લોકજાગૃતિ માટે ચિત્રલેખા.કોમ સાથે કેટલીક બેઝીક, પણ અત્યંત મહત્વની વાત કરે છે. સાંભળીએ, શું કહે છે ડો. મોનાબહેન… 



હાલ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઇરસને લઇને ડરનો માહોલ છવાઇ ચૂક્યો છે ત્યારે આ મહામારી સામેની લડતમાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલોનો ફાળો મહત્વનો છે. સાથે સાથે, મહત્વની છે લોકજાગૃતિ.
(વિડિયોગ્રાફી પ્રજ્ઞેશ વ્યાસ)

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર: રાષ્ટ્રપતિ કરાવશે ટેસ્ટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ધીમે ધીમે વધી રહ્યો છે, જેને લઈને લોકોમાં ડરનો માહોલ પણ છે. કોરોના વાઈરસનો ભય હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવશે.

મહત્વનું છે કે, ભાજપના સાંસદ દુષ્યંત સિંહ બોલીવુડ સિંગર કનિકા કપૂરની એક પાર્ટીમાં સામેલ થયા હતા. કનિકા કપૂરને કોરોના વાઈરસ પોઝિટીવ છે. કનિકા કપૂરને મળ્યા બાદ દુષ્યંત સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયાના ત્રણ દિવસ પછી સાંસદ દુષ્યંતસિંહે 18 માર્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યુપી અને રાજસ્થાનના સાંસદો માટે નાસ્તા પાર્ટી રાખી હતી. આ કાર્યક્રમનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિ કોવિંદની પાછળ ઉભેલા જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કનિકા કપૂરને કારણે અનેક લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આમા સામેલ છે. રાષ્ટ્રપતિએ આગામી આદેશ સુધી તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આ ઉપરાંત દુષ્યંત સિંહ સાથે સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ અલગ કરવામાં આવી રહ્યા અને તે તમામના ટેસ્ટ કરવામાં આવશે

કોરોનાના કારણે વિશ્વ આખું ઠપ્પઃ WHO એ યુવાનોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા તેજીથી વધવા લાગી છે. આને જોતા આજે વિશ્વભરમાં કરોડો લોકોના વિકેન્ડની શરુઆત કામબંધી અને ઘરમાં બંધ રહેવા સાથે થઈ છે. યુવાનો પર આ વાયરસની અસરને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગંભીર ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓ ચેતવણી આપી છે કે યુવાનો પણ આ બિમારીની ઝપટે આવી જાય તેવી પૂર્ણ આશંકાઓ છે.

આ વૈશ્વિક મહામારીએ આખી દુનિયામાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. શાળા અને વ્યાપાર બંધ થઈ ગયા છે અને લાખો લોકો ઘરેથી કામ કરવા માટે મજબૂર બન્યા છે જ્યારે ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાત પર જોર આપ્યું કે, અમેરિકા વાયરસ વિરુદ્ધ યુદ્ધ જીતી રહ્યું છે પરંતુ અલગ-અલગ રાજ્યોમાં પ્રતિબંધો કડક કરી દેવામાં આવ્યા છે.

ન્યૂયોર્ક, ઈલિનોઈસ અને કેલિફોર્નિયાએ લોકોને તેમના ઘરમાં જ રહેવાના આદેશો આપ્યા છે. વિશ્વભરમાં વાયરસના કારણે મૃતકોની સંખ્યા 11,000 થી પણ વધી ગઈ છે. આમાં 4000 કેસો ઈટલીથી છે કે જ્યાં ખૂબ ભયંકર સ્થિતિ છે. અહીંયા એક સપ્તાહમાં રોજ મૃતકોની સંખ્યા અચાનક વધી ગઈ છે. વાયરસના કારણે વડીલો અને પહેલા અન્ય બિમારીથી પીડાતા લોકો સૌથી વધારે પ્રભાવિત છે.

ડબલ્યૂએચઓના પ્રમુખ તેદરોસ અદહાનોમ ગેબ્રેયસસે કહ્યું છે કે યુવાનો પણ આ બિમારી પ્રત્યે સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે હું યુવાનોને સંદેશ આપવા માંગુ છું છે કે, તમે બને તેટલી તકેદારી રાખો કારણ કે આ વાયરસ આપ લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવી શકે છે અથવા તો આપનો જીવ પણ લઈ શકે છે.

ગુજરાતમાં કોરોનાના 13 કેસ

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતભરમાં કોરોના વાયરસના કુલ 258 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 13 જેટલા દર્દીઓ નોંધાયા છે. આ 13 પૈકી 12 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ફોરેનની છે અને એક જ વ્યક્તિ અહીંયાનો લોકલ છે કે જેને કોરોના વાયરસની અસર થઈ છે.

વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દૂબઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે.

અત્યારે વિદેશથી આવેલા લોકો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, અનેક લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના એક નેતા હોમ કોરેન્ટાઈન થયા છે. થોડા દિવસ પહેલાં જ તેઓ વિદેશથી પરત ફર્યા હતા. દૂબઈ આવ્યા બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે.

ત્રણ સિનિયર આઈએએસ અધિકારીને જુદી જુદી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડોદરામાં સ્પેશિયલ ઓએસડી તરીકે સરકારે વિનોદ રાવની નિમણૂંક કરી છે. અમદાવાદમાં પંકજ કુમાર અને રાજકોટમાં ગુપ્તાની નિમણૂંક કરાઈ છે. ગુજરાતના 600 લોકો ફિલિપાઇન્સમાં ફસાયા છે. ફસાયેલા લોકોના વાલીઓએ રજૂઆત કરી છે. હાલ ફિલિપાઇન્સ આખો દેશ લોકડાઉન છે. લોકોને ત્યાંથી લાવવા મુશ્કેલ છે. ગુજરાતમાં જે લોકો એરપોર્ટ પર આવ્યા છે, જેમનામાં શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તેમને ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. તેમાંથી 90 ટકા લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી કે, 1200 બેડની સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ કોરોના પોઝિટિવ કેસોને સારવાર અપાશે. આખી હોસ્પિટલને આઇસોલેશન માટે રખાશે. આગામી 3-4 દિવસમાં અહીંયા તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરશે. આપણે કોરોના સામે લડવા નીકળ્યા છીએ, ડરવા નહિ. લોકો જનતા કરફ્યુમાં સહકાર આપે. ગુજરાતના 13 કેસોમાં અમદાવામાં 5 કેસ, સુરતમાં 3 કેસ, વડોદરામાં 3, રાજકોટ અને ગાંધીનગર 1-1 કેસ નોંધાયા છે. જેમાંથી 12 કેસ વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામેની ખરાબ સ્થિતિમાં પહોંચી વળાય તેવુ છે. આવામાં સ્વંય શિસ્ત જરૂરી છે. સુરતના એક વેપારી વિદેશ ગયા ન હતા, પણ દિલ્હી ગયા હતા. જેથી તેઓને કોરોના પોઝીટિવ આવ્યો છે.