Home Blog Page 4915

કનિકા કપૂરને મળનારા મંત્રી દુષ્યંત સિંહે રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત બોલીવુડ સિંગર કનિકા કપૂરને મળવા અને તેની સાથે પાર્ટીમાં જોડાનારા કેટલાય લોકો પર કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. તેમને મળનારા લોકોમાં કેટલાક નેતાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક નેતાઓએ પોતાને આઈસોલેટ કરવા અને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની જાણકારી શેર કરી છે. આમાં જાણીતા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના દિકરા સાંસદ દુષ્યંત સિંહ સહિત અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. દુષ્યંત સિંહે થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં કેટલાક સાંસદો સાથે બ્રેકફાસ્ટ પણ કર્યું હતું. કોવિડ-19 થી સંક્રમિત સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં જોડાવાના સમાચાર સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કોરોના વાયરસને લઈને પોતાનો ટેસ્ટ કરવામાં આવ્યો, જ્યારે ગુરુવારના રોજ તેમની સાથે મુલાકાત કરનારા લોકો ભાજપના ત્રણ ધારાસભ્યોને પોતાને આઈસોલેટ કરી દીધા છે.

ભાજપ સાંસદ દુષ્યંત સિંહ કોરોના પીડિત સિંગરની કનિકા સાથે એક પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં દુષ્યંત સિંહે ઘણા સાંસદો સાથે મુલાકાત કરી હતી. ત્યાં સુધી કે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે નાસ્તો પણ કર્યો હતો. આ દરમિયાન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સાંસદ ઉપસ્થિત હતા. દુષ્યંત સિંહને મળ્યા બાદ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમણે કહ્યું કે 2 દિવસ પહેલા તેઓ દુષ્યંત સિંહ સાથે બેઠા હતા. આમ આદમી પાર્ટીના સંસદ સંજય સિંહ, કોંગ્રેસ નેતા દિપેન્દ્ર હુડ્ડા અને જિતિન પ્રસાદે પણ પોતાને સેલ્ફ ક્વોરેન્ટાઈન કરી લીધા છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની તમામ એપોઈનમેન્ટ રદ્દ કરી દીધી છે.

પોતાને ક્વારંટાઈન કરનારા નેતાઓ

  • કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ
  • ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ
  • રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના દિકરા દુષ્યંત સિંહ
  • ભાજપ ધારાસભ્ય અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના દિકરા પંકજ સિંહ
  • જેવરના ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહ
  • દાદરીના ધારાસભ્ય તેજ પાલ
  • આપ સાંસદ સંજય સિંહ
  • કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા અને જિતિન પ્રસાદ

ભાજપ 25 માર્ચ સુધીમાં એમપીમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં શુક્રવારે કમલનાથે ફ્લોર ટેસ્ટ થતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. હવે સમાચારો સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 25 માર્ચ સુધીમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. 23 માર્ચના રોજ ભાજપના ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. તો મધ્યપ્રદેશમાં ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ એકવાર ફરીથી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્ર સિંહ તોમર, નરોત્તમ મિશ્રા અને થાવર ચંદ ગહેલોતના નામો પર ચર્ચા ચાલી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાએ જણાવ્યું કે પાર્ટી પાસે યોજના છે. આશા છે કે કોઈ મુશ્કેલી નહી થાય. ભાજપ પાસે અનુભવી નેતૃત્વ છે. પરંપરાના આધાર પર નેતૃત્વની પસંદગી થશે. ધારાસભ્ય દળ નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે, આ પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં થશે. કર્ણાટકમાં પણ આવું જ થયું છે. પરંતુ શિવરાજને પાર્ટીની અંદર સાયલન્ટ ચેલેન્જીસ પણ મળી રહી છે. નરોત્તમ મિશ્રાથી લઈને નરેન્દ્ર સિંહ તોમર સુધીના નામો ચર્ચામાં છે. પરંતુ કોઈ સ્પષ્ટ રીતે કશું જ કહી રહ્યા નથી.

કમલનાથના રાજીનામા બાદ થોડા જ સમયમાં પત્રકારોએ જ્યારે કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પૂછ્યું કે તેઓ ભોપાલ જવા માટે તૈયાર છે તો તેમણે આ વાતનો કોઈ જવાબ ન આપ્યો. જ્યારે તોમરને પૂછવામાં આવ્યું કે તેઓ કેન્દ્રની રાજનીતિમાં રહેશે કે પછી રાજ્યની રાજનીતિમાં આવવા માટે તૈયાર છે? આ મામલે તેમણે કહ્યું કે પાર્ટીની બેઠક થવા દો પછી જોઈશું કે શું થાય છે.

કમલનાથ સરકાર ગયા બાદ ભઆજપ કેન્દ્રીય નેતૃત્વ સામે પડકાર બધાની સહમતીથી મુખ્યમંત્રી પસંદ કરીને રાજ્યમાં એક સ્થિર સરકાર પસંદ કરવાની હશે. સાથે જ આ તમામ ધારાસભ્યોને પણ સંતુષ્ટ કરવા પડશે કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે આવ્યા છે.

સોનુ નિગમ દુબઈમાં અટવાયો; કોરોના જશે પછી જ ભારત પાછો આવશે

મુંબઈઃ ગાયક સોનુ નિગમ એના પરિવાર સાથે હાલ દુબઈ ગયો છે. ત્યાંથી એ હાલતુરંત પાછો નહીં આવે. કોરોના વાઈરસના રોગચાળાને કારણે એણે હાલ દુબઈમાં જ રહેવાનું નક્કી કર્યું છે.

સોનુ અને એના પરિવારજનોએ કોરોનાથી બચવા માટે હાલ પોતાને આઈસોલેટ કરી દીધા છે.

સોનુએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ સામાન્યવત્ નહીં થાય ત્યાં સુધી પોતે ભારત પાછો નહીં ફરે.

પોતે ભારતમાં સત્તાવાળાઓને વધારે તકલીફમાં મૂકવા માગતો નથી, એવું તેણે કહ્યું છે.

સોનુનો પુત્ર નિવાન દુબઈની શાળામાં ભણે છે. દુબઈમાં હાલ બધી શાળાઓ બંધ છે.

સોનુએ જાહેરાત કરી છે કે પોતે દુબઈથી ભારતમાંના પોતાના ચાહકો માટે ઓનલાઈન પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ પોતે 22 માર્ચના રવિવારે જનતા કર્ફ્યૂના દિવસે કરશે.

વન સંરક્ષણની હરતી-ફરતી સંસ્થા એટલે ડૉ. રણજીતસિંહ

અમદાવાદ: 21 માર્ચ વિશ્વ વન (સંરક્ષણ) દિવસ. વન અને વન્યજીવ માટે જીવી રહેલા ૮૨ વર્ષીય ડૉ. એમ.કે. રણજીતસિંહે ‘વ્યક્તિની ઉંમર માત્ર એક સંખ્યા છે’ વાક્યને સાર્થક કર્યું છે.  ભારતના જંગલો આપણી રાષ્ટ્રીય સંપદા છે, પ્રાકૃતિક ધરોહર છે. વર્તમાન સમયમાં જંગલના મહત્વ વિશે સૌ કોઇ જાણકાર છે પરંતુ જો કંઇ ખુટે છે તો તે છે જંગલ સંરક્ષણ માટે માનવીના પ્રયાસો. સરકાર તો વનસંરક્ષણના પ્રયાસો કરે જ છે પરંતુ ક્યાંક જાગૃતિના અભાવે માનવી તેમા ઉણો ઉતરતો જણાય છે. યુવા વયથી વન અને વન્યજીવ સંરક્ષણ તરફ વળેલા ડૉ. રણજીતસિંહ ૮૨ વર્ષની ઉંમરે પણ સક્રીય છે. સ્વાતંત્ર્યોત્તર ભારતનો વનસંરક્ષણ વિષયક ઈતિહાસ ડૉ. રણજીતસિંહના ઉલ્લેખ વગર અધુરો છે.

મહારાજકુમાર રણજીતસિંહ (એમ. કે. રણજીતસિંહ) વાંકાનેર રાજવી પરીવારના સભ્ય છે. પ્રારંભિક અભ્યાસ રાજકોટમાં કર્યા બાદ તેઓએ સન ૧૯૫૯માં દિલ્હી ખાતે ઈતિહાસ વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. ડૉ. રણજીતસિંહ ‘વન્યજીવ નિવસનતંત્ર’ વિષયમાં વિદ્યાવાચસ્પતિની પદવી ધરાવે છે. વાંકાનેરની વનરાજી અને ત્યાનાં વન્યજીવોને કારણે બાળપણમાં રણજીતસિંહનું પર્યાવરણ શિક્ષણ સહજ બન્યું હતું.

ડૉ. રણજીતસિંહ સન ૧૯૬૨માં સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષા પાસ કરી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કલેકટર તરીકે નિમાયા. સન ૧૯૭૧ માં જંગલ અને વન્યજીવ પ્રત્યેની તેઓની રુચિ અને જ્ઞાનને કારણે તત્કાલીન વડાપ્રધાનના આદેશથી તેઓને કૃષિ વિભાગમાંથી તબદીલ કરી ભારત સરકારના વન અને વન્યજીવ વિભાગના નિયામક બનાવાયા હતા. આ દરમિયાન તેઓએ વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ-૧૯૭૨ ઘડવાની મહત્વપૂર્ણ કામગીરી કરી.

તેઓ જણાવે છે કે, બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવા છતા તેઓએ સંઘીય સેવા માટે દેશનું ૧/૪ થી વધારે વન વિસ્તાર ધરાવતું મધ્યપ્રદેશ રાજ્ય પસંદ કર્યું. તેઓના મતે વન સંરક્ષણ ભારતમાં ખુબ જ સરળ છે. બહુધા ભારતીયો વાઈલ્ડ અને ડોમેસ્ટિક મીટ (માંસાહાર)થી દુર છે. વૃક્ષ અને પ્રાણીઓને આપણે આદર આપીએ છીએ. ઘણા સમુદાયો-સંપ્રદાયો પણ વન અને વન્યજીવ સંરક્ષણને પોતાનું કર્તવ્ય સમજે છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓને કારણે પણ પ્રકૃતિ-વન સંરક્ષણ ભારતીયો માટે સહજ છે.

ડૉ. રણજીતસિંહના કહ્યા મુજબ જંગલ નિવસનતંત્ર તરીકે પ્રાણી જગત માટે સૌથી અગત્યનું છે. તેઓ કહે છે કે, ‘લાખ મરજો પણ લાખના તારણહાર ના મરજો’ કહેવત મુજબ જંગલ લાખો પશુ-પક્ષીની પ્રજાતિઓનું તારણહાર છે માટે તેનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે.

ડૉ. રણજીતસિંહ ભૂતકાળમાં ઝારખંડના પાલામાઉ જંગલમાં તેઓએ કરેલા વન સંરક્ષણ-સંવર્ધનના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહે છે કે, પાલામાઉમાં ગેરકાનુની વૃક્ષછેદન અને પશુચરાણ બંધ કરાતાવન આવરણ ગાઢ બન્યું અનેબે વર્ષના અંતે ચોમાસુ નદી- નાળા જેસપ્ટેંબર સુધી વહેતા તે ડિસેમ્બર સુધી વહેવા લાગ્યા, ડિસેમ્બર સુધી વહેતા નદી-નાળા માર્ચ સુધી વહેવા લાગ્યા અને માર્ચ સુધી વહેતા નદી-નાળા બારમાસી બની ગયા. જંગલની જળ સંગ્રાહક ક્ષમતા વધી ગઈ જેથી જંગલની બહારના વિસ્તારમાં પુરતું પેય અને સિંચાઇ જળ ઉપલબ્ધ બન્યું. આમ જંગલો માત્ર વન્યજીવો જ નહિં પરંતુ માનવો માટે પણ એટલા જ લાભકારી છે. તેઓ કહે છે કે તાજમહેલ કે લાલ કિલ્લો આપણા હેરીટેજ સ્થળો છે તેમ જંગલો પણ આપણા નેશનલ નેચરલ હેરિટેજ છે.

તેઓ કહે છે કે, વનસંરક્ષણ અને વિકાસને એકબીજાના પ્રતિકૂળ ગણવામાં આવે છે જે ખોટુ છે. પર્યાવરણ-પ્રકૃતિ સંરક્ષણના લક્ષ્ય સાધીને પણ વિકાસના સોપાનો સર કરી શકાય છે.

તેઓના જણાવ્યા મુજબ, આઝાદી બાદ રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણ વખતે જ્યારે તેઓના પિતા વાંકાનેર નરેશ શ્રી પ્રતાપસિંહના શિકારગાહ રામપરા જંગલનું વિલિનીકરણ કરવાનું થયું ત્યારે એક પણ વૃક્ષ કાપીને વેચ્યા વગર જ રામપરા જંગલ સહિત વાંકાનેર સ્ટેટનું વિલીનીકરણ પ્રતાપસિંહે કર્યું હતું.

ડૉ. રણજીતસિંહનો ફીલ્ડ માર્શલ સેમ માણેકશૉ સાથેનો પ્રંસંગ રસપ્રદ છે. સન ૧૯૭૦માં ડૉ. રણજીતસિંહે લદ્દાખ પ્રવાસ દરમીયાન સરહદી વિસ્તારમાં લદ્દાખી આઇબેક્સ (જંગલી ઘેટા)ના શિકાર થતા જોયા આ બાબતની ફરિયાદ તેઓએ દિલ્હીમાં એક બેઠક બાદ ફીલ્ડ માર્શલ સેમ માણેકશૉને કરી, એફ. એમ. સેમ માણેકશૉએ તરત જ રાઈટરને બોલાવી મેમો લખાવ્યો અને સૈન્ય મથકે તાર કર્યો.

મધ્યપ્રદેશના મંડલા જીલ્લાના કલેક્ટર તરિકે તેઓએ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી માનવ વસાહતના સ્થાનાંતરણનો પ્રથમ સફળ પ્રયોગ હાથ ધર્યો હતો. ઉપરાંત તેમણે ત્યાંની બારાશીંગાની પ્રજાતીને વિલુપ્ત થતા બચાવી હતી. મધ્યપ્રદેશના વન-સચિવ તરીકે તેઓએ ૧૧ નવા અભ્યારણ્ય અને ૮ નવા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપનામાં મહત્વની ભૂમીકા ભજવી હતી. તેમના જ પ્રયાસોથી રાજ્યના ૩ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો જેથી મધ્યપ્રદેશના રક્ષીત વન-વિસ્તારમાં ૧૨ હજાર વર્ગ ચો. કિલોમીટરનો ઉમેરો થયો હતો.

ભારતા સરકારના પ્રોજેક્ટ ટાઇગરના સભ્ય સચિવ રહી ચુકેલા ડૉ. રણજીતસિંહ વન અને વન્યજીવો પર ૨ (બે) દળદાર પુસ્તકો અને સેકડો અભ્યાસ-લેખ લખી ચુક્યા છે. તેઓના સન્માનમાં પૂર્વ ભારતમાં જોવા મળતી બારાશીંગાની એક વિશીષ્ટ પેટા-પ્રાજાતીનું વૈજ્ઞાનિક નામ Rucervusduvauceliiranjitsinhiiઆપવામાં આવ્યું છે.

ડૉ. રણજીતસિંહ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) અંતર્ગત સન ૧૯૭૫ થી ૧૯૮૦ સુધી એશિયા-પેસિફિક રિજીયનના પ્રાદેશીક સલાહકાર રહી ચુક્યા છે આ સમય દરમિયાન તેઓએ બાંગ્લાદેશ માટે વન સંરક્ષણ નીતી ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતમા પ્રાપ્ય વિવિધ પ્રકારના જંગલો માટે આધુનિક અગ્નિશમન તકનિકોના વિકાસ અને વન્ય-પ્રવાસન (Wildlife Tourism)ને નિયંત્રીત કરતી નીતી ઘડવાનો શ્રેય પણ તેઓના ફાળે જાય છે.ભારત સરકારના વન્યજીવ પ્રશિક્ષણ સંસ્થાન (wildlife Institute of India)ના તેઓ સ્થાપક છે. હાલ તેઓચિત્તાના પૂનર્વસન માટે નિમાયેલી ટાસ્ક ફોર્સના ચેરમેન છે અને ૮૨ વર્ષે પણ સક્રીય છે.

વર્ષો સુધી ગુજરાતની બહાર દેશ-પરદેશમાં જ વનસંરક્ષણ ક્ષેત્રે કાર્યરત રહેનાર અને બહુધા હિંદી અને અંગ્રેજીમાં વ્યવહાર કરનાર ડૉ. રણજીતસિંહે આજે પણ ગુજરાતી બોલતી વખતનો પોતાનો કાઠીયાવાડી રણકો ગુમાવ્યો નથી.

૨૧ માર્ચ વિશ્વ વન (સંરક્ષણ) દિવસ છે આ વર્ષની થીમ ‘જંગલ અને જૈવ વિવિધતા છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા-૨૦૧૯ અહેવાલ મુજબ ગુજરાત સરકારના પ્રયત્નોથી રાજ્યમાં વન આવરણમાં ૧૦૦ વર્ગ ચો.કિ.મી.નો ઉમેરો થયો છે.ડૉ. રણજીતસિંહમાંથી પ્રેરણા લઈ આપણે પણ જંગલ અને વન્યજીવોના સંરક્ષણ માટે સરકારના પ્રયસોમાં સહભાગી થઈએ, પ્રકૃતિના સંવર્ધન માટે કૃતનિશ્ચયી બનીએ….

રાશિ ભવિષ્ય 21/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે

પંચાંગ તા. 21/03/2020

કોરોનાના કેસની સંખ્યા વધીને 242 થઈ

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આ કોરોના વાઇરસના ઝડપથી પ્રસરી રહ્યો છે અને જીવલેણ છે, માટે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને સચેત રહેવા આહ્વાન કર્યું હતું. કોરોના વાઇરસ જે રીતે દેશનાં રાજ્યોમાં પ્રસરી રહ્યો છે, એને જોતાં વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનો કે રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરવાના છે.કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જેથી  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં પાંચ શહેરોમાં બધી ખાનગી દુકાનો, ઓફિસો પણ આજે રાતથી 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્દેશ કર્યો છે. દેશમાં કોરોના કેસની સંખ્યા 242 થઈ છે.

વડા પ્રધાન મોદીએ દેશને ગઈ કાલે સંબોધતાં ભારતીયોને અપીલ કરી હતી કે આગામી થોડા સપ્તાહ ઘરમાં જ રહો અને શક્ય હોય તો ઘરેથી જ કામ કરો. આ સાથે અનેક રાજ્યો કોરોનાને લઈને સાવચેતીનાં પગલાં ભરી રહ્યા છે. જે નીચે મુજબ છે.

દેશમાં કોરોના કેસ વધીને 242 થયા હતા, જેમાં 20 દર્દીઓ સાજા થયા

  • કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પાંચ થઈ હતી.
  • મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધીને 52 થયા
  • કેરળમાં કોરોનાના નવા 12 દર્દી સાથે કુલ 40 કેસ
  • ગુજરાતમાં કોરોનાના કેસ વધીને સાત થયા
  • દિલ્હીમાં કોરોના 16 કેસ નોંધાયા
  • ઉત્તર પ્રદેશમાં કોરોનાના કુલ 22 કેસ નોંધાયા
  • રાજસ્થાનમાં કોરોનાના કુલ 15 કેસ નોંધાયા
  • મહારાષ્ટ્ર જરૂરી સેવા છોડીને બધી સેવાઓ બંધ
  • મુંબઈ, પુણે, પિંપરી, ચિંચવડ અને નાગપુરમાં બધી દુકાનો-ઓફિસો બંધ
  • દિલ્હીમાં ત્રણ દિવસ 21થી 23 સુધી બધાં બજાર બંધ રહેશે
  • ઉત્તરાખંડમાં પર્યચકોના આવવા પર પ્રતિબંધ
  • દિલ્હીમાં પણ તમામ મોલ બંધ
  • લખનૌમાં તમામ ઓફિસો બંધ
  • ઉત્તર પ્રદેશમાં બધા શોપિંગ મોલ બંધ કરાવાયા

આમ દેશનાં રાજ્યો કોરાના વાઇરસને લઈને ખૂબ જ તકેદારીનાં પગલાં લઈ રહ્યાં છે.

મહેરબાની કરીને તમામ વાચકો વાત સમજી લો કે આ મજાકનો સમય નથી. તમારે શિસ્ત જાળવવાની જ છે. સવાર સાંજ વોક લેવાનું બંધ કરો, ઘરમાં રહો અને બાળકોને બહાર ના મોકલો. આ સમય ક્રિકેટ રમવાનો નથી કે પાર્કમાં ગપ્પાં મારવાનો નથી.

 

 

‘સેબી’એ વોલેટિલિટીને ધ્યાનમાં લઈ શોર્ટ સેલ્સ પર અંકૂશ મૂક્યો

મુંબઈઃ સતત તૂટતા અને તોફાની વધઘટવાળા (વોલેટાઈલ) શેરબજારના સંજોગોને ધ્યાનમાં રાખીને નિયમન સંસ્થા ‘સેબી’એ શુક્રવારે એક મહત્ત્વના નિર્ણયમાં શોર્ટ સેલ્સ (ખોટા વેચાણ-અર્થાત શેર હાથ પર ન હોય છતાં વેચાણ કરવું) પર મર્યાદિત અંકૂશ મૂક્યા છે.

આ બાબત ફ્યુચર્સ-ઓપ્શન્સ (ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ)માં પણ લાગુ થશે. આને કારણે ઈરાદાપૂર્વક મંદીનો ગેરલાભ લેવા શોર્ટ સેલ્સ કરતા  સટોડિયા વર્ગ પર અંકુશ આવી શકશે.

આ નિયમ ફોરેન ઈન્વેસ્ટરોને પણ લાગુ થશે. આને પરિણામે બજારના ઘટાડાને સ્પીડ બ્રેકર લાગી શકવાની અશા રાખી શકાય. કમસે કમ સોમવારથી આની અસર જોવા મળી શકે.

અહીં એ નોંધવું જરૂરી છે કે અન્ય કેટલાંક દેશોના બજારોમાં નિયમન સંસ્થાઓએ  શોર્ટ સેલ્સ પર અમુક દિવસો પહેલાં જ  અંકૂશ મૂકી  દીધા હતા.

સેબીએ આ સાથે ડેરિવેટિવ્ઝમાં ઓપન ઈન્ટરેસ્ટ (ઊભા ઓળીયા)  પર પણ મર્યાદા મૂકી દીધી છે. આની  અસર આગામી સપ્તાહમાં જોવા મળી શકે.

પાંચ-છ લોકોની એક લોબીથી ન્યાયતંત્રને ખતરો: રંજન ગોગોઈ

નવી દિલ્હી: રાજ્યસભાના સભ્યપદે શપથ ગ્રહણ કર્યા બાદ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ભારતીય ન્યાયતંત્ર અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. રંજન ગોગોઈએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 5-6 લોકોની એક લોબીથી ન્યાયતંત્રને ખતરો છે જે જજોને તેમની ઈચ્છા અનુસાર નિર્ણય સંભળાવવા મજબૂર કરે છે અને જો જજ એવુ ન કરે તો તેને બદનામ અને કલંકિત કરે છે. આ ગેંગ એક લોબીની જેમ કામ કરીને ન્યાયતંત્રને નબળુ પાળી રહી છે. આથી, તેનો ખાતમો કર્યા સિવાય ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર નહીં થાય.

જોકે પૂર્વ ચીફ જસ્ટિસે જાણકારી ન આપી કે તેઓ કઇ લોબીની વાત કરી રહ્યા છે, જે ન્યાયતંત્રમાં ખંડણી આપી રહ્યા છે?  ગોગોઇએ આગળ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો અર્થ છે કે આ પ્રકારની લોબીની પકડને તોડી પાડવી. જ્યાં સુધી આવી લોબીનો ખાતમો નહીં થાય ત્યાં સુધી ન્યાયતંત્ર સ્વતંત્ર નહીં બને. જો કોઇ કેસ એમની મરજી પ્રમાણે નથી ચાલતો તો ખંડણી આપીને કેસ રોકી લે છે. તેઓ સંભવ તમામ રસ્તાઓ અપનાવી જજોની કાર્યવાહીને નડતરરુપ થવાના પ્રયત્ન કરતા રહે છે. ગોગોઇ મુજબ જજો માટે તેમના મનમાં એક પ્રકારનો ડર છે. જજ આવું નથી ઇચ્છતા અને શાંતિથી નિવૃત થવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યા અને રાફેલ કેસનો નિર્ણય કેન્દ્ર સરકારની પક્ષમાં ગયો હતો, જે પછી કોંગ્રેસ અને વિપક્ષ દળોએ આરોપ લગાવ્યા હતા કે “રાજ્યસભાનું સભ્યપદ” કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇને ભેટ છે. જેની પર ગોગોઇએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

કોરોનાનાં ડર વચ્ચે ઓલિમ્પિક જ્યોત જાપાન પહોંચી

ટોકિયોઃ પવિત્ર ઓલિમ્પિક જ્યોત આજે જાપાન પહોંચી ગઈ છે. ટોકિયો શહેરમાં નિર્ધારિત ઓલિમ્પિક-2020 ગેમ્સ શરૂ થવાને આડે માત્ર ચાર મહિના જ બાકી રહ્યા છે, પણ કોરોના વાઈરસે ભયંકર ગભરાટ ફેલાવ્યો છે એવા સંજોગોમાં ઓલિમ્પિક જ્યોતનું જાપાનમાં આગમન થયું છે. જ્યોતને ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભિક ગ્રીસ દેશના એથેન્સ શહેરથી લાવવામાં આવી છે.

જ્યોત સાથેનું ‘ધ ટોકિયો 2020 ગો’ નામના ચાર્ટર્ડ વિમાને આજે સવારે જાપાનના મિયાગી જિલ્લાના માત્સુશિમા શહેરના જાપાનીઝ એર સેલ્ફ-ડીફેન્સ ફોર્સ મથક ખાતે ઉતરાણ કર્યું હતું.

આ ઓલિમ્પિક જ્યોતની આગમન વિધિની બાદમાં ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાઈરસના ફેલાવાને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓના પરફોર્મન્સના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે.

જ્યોતની રીલે-સફરને ફુકુશીમાના ગામમાંથી 26 માર્ચે શરૂ કરાય એ પહેલાં એને 2011ના ભૂકંપ તથા સુનામીની આફતોમાં ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌથી વધારે અસરગ્રસ્ત એવા ત્રણ ઉત્તરીય જિલ્લાઓમાં લઈ જવામાં આવશે.

જ્યોતની રીલે સફર 26 માર્ચથી શરૂ થશે અને 24 જુલાઈએ ટોકિયો ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારોહ વખતે ઓલિમ્પિક હાંડાને પ્રજ્વલિત કરવા સાથે જ જ્યોતની સફરની પૂર્ણાહુતિ થશે.

ટોકિયો ઓલિમ્પિક્સ 24 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટે પૂરી થશે.

દરમિયાન, જાપાનીઝ ઓલિમ્પિક કમિટીના એક અધિકારીએ એવો અનુરોધ કર્યો છે કે ઓલિમ્પિક ગેમ્સને મુલતવી રાખવી જોઈએ. કોરોના વાઈરસને કારણે લોકો આનંદ માણી શકે એવી પરિસ્થિતિમાં ગેમ્સને યોજવી યોગ્ય નથી.

વળી, એથ્લીટ્સ પણ ગેમ્સ માટે પર્યાપ્ત રીતે સજ્જ થઈ શક્યા નથી.