Home Blog Page 4919

સેન્સેક્સ 581 પોઇન્ટ તૂટ્યો : નિફ્ટી પણ નીચલી સપાટીએ

અમદાવાદઃ ભારતીય શેરબજાર બજાર સતત ચોથા દિવસે ઘટીને બંધ રહ્યાં હતાં. કોરોના વાઇરસના પ્રકોપને કારણે વૈશ્વિક બજારમાં વ્યાપેલી મંદીની અસર સ્થાનિક શેરબજાર પર પડી હતી. બજાર ખૂલતામાં જ 2600 પોઇન્ટ જેટલું તૂટી ગયું હતું. નિફ્ટી ઇન્ડેક્સ પણ 38 મહિનાના તળિયે પહોંચ્યો હતો. મેટલ ઇન્ડેક્સ 11 વર્ષના તળિયે પહોંચ્યો હતો, જ્યારે ઓટો ઇન્ડેક્સ છ વર્ષના તળિયે પહોંચ્યો હતો. જોકે ગભરાટ શમતાં નીચા મથાળેથી શેરોમાં નીચા મથાળેથી બજાર ઊંચકાયું હતું અને છેલ્લે સેન્સેક્સ 581 પોઇન્ટ તૂટીને 28,288 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 205 પોઇન્ટ તૂટીને 8,263ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે મિડકેપ 531 પોઇન્ટ તૂટીને 12,065 અને બેન્ક નિફ્ટી 497 પોઇન્ટ તૂટીને 20,084 બંધ થયો હતો. જોકે વીકલી એક્સપાયરીને લીધે બજારમાં ભારે શોર્ટ કવરિંગ થયું હતું.  

ડોલર સામે રૂપિયો 75ને પાર

ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો ડોલર સામે વધુ નબળો પડ્યો હતો અને ગુરુવારે જ ડોલર સામે 75ની સપાટી પાર કરી ગયો હતો અને આજે કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં અને સ્થાનિક શેરબજારમાં મંદી વધુ વકરતાં રૂપિયો વધુ નબળો પડ્યો હતો. ઇન્ટરબેન્કફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 74.96ના મથાળે ખૂલ્યો હતો અને 75.12ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જે ગઈ કાલના બંધથી 79 પૈસા નબળો પડ્યો હતો અને 75.07ના મથાળે બંધ રહ્યો હતો.

ઇન્ટ્રા-ડે દરમ્યાન સેન્સેક્સ સાડાસાત ટકા તૂટ્યો

નિફ્ટી50 ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડે દરમ્યાન 7,900નું લેવલ અને સેન્સેક્સે 27,000નું મથાળું તોડ્યું હતું. સેન્સેક્સ જાન્યુઆરીના રેકોર્ડ હાઇથી 36 ટકા તૂટી ચૂક્યો છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમ્યાન એક તબક્કે સાડાસાત ટકા તૂટ્યો હતો, જેથી એક જ દિવસમાં રોકાણકારોએ રૂ. આઠ લાખ કરોડની સંપત્તિ ગુમાવી હતી. આમ અત્યાર સુધીમાં ચાલી મંદીના તબક્કામાં બીએસઈએ માર્કેટ કેપમાં રૂ. 50 લાખ કરોડ કરતાં વધુનું ધોવાણ થયું છે. જ્યારે 250 શેરોએ રેકોર્ડ લો બનાવ્યો હતો.

 

50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે: કેન્દ્રનો કોરોનાલક્ષી નિર્ણય

નવી દિલ્હી:  કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરમાં લોક ડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસને ધ્યાને રાખતા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આદેશ આપ્યો છે કે B અને C શ્રેણીના 50 ટકા કર્મચારીઓ રોજ કાર્યલય આવશે અને બાકીના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. કર્મચારીઓને કામના કલાકોમાં ફેરફાર કરી શકાશે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આદેશ અનુસાર તમામ કર્મચારીઓ વૈકલ્પિક રીતે ઘરેથી અને ઓફિસથી કામ કરશે. કર્મચારીઓ પર આ આદેશ 4 એપ્રિલ સુધી લાગૂ રહેશે. જે કર્મચારી કોરોના વાઈરસથી જોડાયેલ કોઇ કામમાં લાગેલ હોય તો તેના પર રોસ્ટર લાગૂ નહીં થાય. તેઓ પોતાનું કામ યથાવત રાખી શકે છે.

 

મહત્વનું છે કે, દેશમાં કોરોના વાઈરસના કારણે આજે પંજાબમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દેશમાં ગુરુવારે કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 177 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 5, ચંદીગઢ અને છત્તીસગઢમાં 1-1 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ચંદીગઢમાં 23 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફરી છે.

ઓસ્ટ્રેલિયાએ કોરોનાની દવા શોધી હોવાનો દાવો

નવી દિલ્હીઃ કોરોના સામે ઝઝુમી રહેલી દુનિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચીન બાદ હવે ઓસ્ટ્રેલિયાની એક જાણીતી લેબે કોરોના વાયરસની દવા તૈયાર કરી છે. બે દવાઓને મીલાવીને બનાવવામાં આવેલી આ દવાના ઉત્સાહજનક પરિણામો આવ્યા બાદ તેનું મનુષ્યો પર પરિક્ષણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ બંન્ને દવાઓ પહેલા એઈડ્સ અને મેલેરિયાની સારવામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી.

આ દવાઓએ લેબમાં કોરોના વાયરસનો ખાત્મો કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં આ દવાઓનું કોરોના દર્દીઓ પર પરિક્ષણ શરુ કરી દેવામાં આવશે. આ આખા પરિક્ષણ માટે વિશ્વભરમાંથી દાતાઓએ પૈસા આપ્યા છે. ક્વીન્સલેન્ડ યૂનિવર્સિટીના ક્લિનિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડેવિડ પીટર્સને કહ્યું કે, આ દવાઓથી પહેલા ઓસ્ટ્રેલિયામાં દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને તે સફળ રહી છે. જો કે આ નિયંત્રિત અને તુલનાત્મક રીતે કરવામાં આવી છે.

પીટર્સને કહ્યું કે, અમે આખા ઓસ્ટ્રેલિયામાં અત્યારે મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ કરવા ઈચ્છીએ છીએ કે જે 50 હોસ્પિટલમાં થશે. અમે એ જોઈશું કે એક દવાની સામે બીજી દવા એમ બંન્ને દવાને સાથે આપવાથી શું અસર થઈ રહી છે. આ વચ્ચે સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીએ કહ્યું કે, મેલેરિયાના ઉપયોગમાં પહેલા આપવામાં આવનારી દવા ક્લોરોક્વિનના સિંપાપુરમાં સારા પરિણામો સામે આવ્યા છે.

એ વાતના પણ પૂરાવા સામે આવ્યા છે કે એઈડ્સ થયા બાદ આપવામાં આવનારી દવાના પણ ચીનમાં સારા પરિણામો આવ્યા છે. જો કે ચીને આ પરિક્ષણના ડેટા ઉપ્લબ્ધ કરાવ્યા નથી. જો કે ક્લોરોક્વિનથી 12 હજાર દર્દીઓ ચીનમાં સાજા થયા હોવાનો દાવો ફગાવી દેવામાં આવ્યો છે. પીટર્સને કહ્યું કે, પ્રયોગશાળામાં થયેલા પરિક્ષણમાં આ બંન્ને દવાઓને આપવામાં આવી તો એવા સંકેત સામે આવ્યા કે જેનાથી ખ્યાલ આવે છે કે કોરોનાનો ઈલાજ મળી ગયો છે.

મુંબઈમાં પશ્ચિમ-મધ્ય રેલવેની એસી લોકલ ટ્રેનો 31 માર્ચ સુધી રદ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય, બંને રેલવેના વહીવટીતંત્રએ લોકલ એરકન્ડિશન્ડ ટ્રેન સેવાઓને આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લીધો છે અને તે 31 માર્ચ સુધી રદ રહેશે.

વહીવટીતંત્રએ 31 માર્ચ સુધી એસી લોકલ ટ્રેનની જગ્યાએ નોન-એસી લોકલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારે કરેલી વિનંતીને પગલે પશ્ચિમ રેલવેએ એસી લોકલ ટ્રેન સેવા બંધ કરવાનું નક્કી કર્યું છે. આને લીધે પ્રવાસીઓને કોઈ તકલીફ નહીં પડે. વળી, નોન-એસી લોકલ ટ્રેનોની સંખ્યા પણ ઓછી કરવામાં નહીં આવે.

પશ્ચિમ રેલવે ચર્ચગેટ અને વિરાર વચ્ચે રોજ 12 એસી ટ્રેન સેવા ઓપરેટ કરે છે. દિવસ દરમિયાન આ ટ્રેનો ખાલી દેખાતી હોય છે, સવાર-સાંજ ધસારાના સમયમાં એ ભરચક રહેતી હોય છે.

રેલવે, મેટ્રો રેલવે, બસ સેવાઓમાં 50 ટકા કર્મચારીઓથી જ કામ ચલાવવાની સૂચના આપવામાં આવી છે.

મધ્ય રેલવેના પ્રવક્તાએ કહ્યું છે કે થાણે-વાશી-પનવેલના ટ્રાન્સ-હાર્બર કોરિડોર પર માર્ચના અંત સુધીમાં એસી લોકલ ટ્રેન સેવા બંધ રહેશે. એની જગ્યાએ નોન-એસી લોકલ ટ્રેનો ચાલુ રખાશે.

એવી જ રીતે, થાણે-વાશી/નેરુલ/પનવેલ લાઈન ઉપર પણ 20-31 માર્ચ સુધી 16 એસી લોકલ ટ્રેન સેવા બંધ રખાશે.

મુંબઈમાં 31 માર્ચ સુધી શાળા-કોલેજો, શોપિંગ સેન્ટરો-મોલ્સ, થિયેટરો, જાહેર સ્થળો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈમાં પણ ઓડ-ઈવન નિયમ અનુસાર દુકાનો ખુલ્લી રખાશે

મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ આદેશ બહાર પાડ્યો છે કે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે શહેરના અમુક વિસ્તારોમાં ઓડ-ઈવન પદ્ધતિ લાગુ કરાશે, જે અંતર્ગત દુકાનો ખુલ્લી રહેશે, પણ ઓડ તારીખોએ અમુક દુકાનો ખુલ્લી રહેશે અને ઈવન તારીખોએ બીજી દુકાનો ખુલ્લી રહેશે.

આની સાથે જ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તથા બીએમસી કમિશનર પરદેસીએ મુંબઈની તમામ ખાનગી કંપનીઓને પણ અપીલ કરી છે કે તેઓ એમને ત્યાં વધુમાં વધુ 50 ટકા કર્મચારીઓથી જ કામ ચલાવે. શક્ય હોય ત્યાં સુધી કર્મચારીને એમના ઘેરથી કામ કરવાની તક આપવી જોઈએ.

આ હોસ્પિટલોમાં થશે કોરોનાની સારવાર

અમદાવાદ: કોરોનાથી સમગ્ર વિશ્વ ભયના માહોલ વચ્ચે છે ત્યારે આ મહામારીનો સામનો કરવા ગુજરાત પણ સજ્જ થઈ ગયું છે.  ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે અધિકૃત હોસ્પિટલોના નામ જાહેર કર્યાં છે. કોરોના માટે 127 હોસ્પિટલ નક્કી કરવામાં આવી છે અને 635 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

શંકાસ્પદ દર્દીઓ માટે રીલિઝ કરાયેલા આ યાદીમાં હોસ્પિટલોની સાથે સાથે ડૉક્ટરોના મોબાઈલ નંબરની પણ વિગતો આપવામાં આવી છે.

 

શૂટીંગ બંધ છે, પણ “બીગ બોસ”ની આ ક્ષણો તો ચાલુ જ…

નવી દિલ્હીઃ બિગ બોસ 13 ના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સીઝનને બીજીવાર શરુ કરવામાં આવશે. બિગ બોસની આ સીઝન અત્યાર સુધીની સૌથી પોપ્યુલર સીઝન રહી છે. આ શો ને મળેલી ટીઆરપીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. શો માં સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ વચ્ચેના યુદ્ધને લઈને શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી દર્શકોને જોવા મળી હતી. આટલું જ નહી પરંતુ શો માં જ હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝનો લવ એંગલ પણ શરુ થયો હતો. બિગ બોસની આ જ ક્ષણોને દર્શકો ખૂબ મિસ કરી રહ્યા છે. શો પૂર્ણ થયા બાદ તરત જ શહનાઝ ગિલ અને પારસ છાબડાને લઈને નવો શો “મુજસે શાદી કરોગે”શરુ થયો હતો પરંતુ આ શો દર્શકોને પોતાની તરફ આકર્ષવામાં નિષ્ફળ ગયો. આ શો સફળ ન થવાનું કારણ એપણ હતું કે બિગ બોસના ઘરમાં જ શૂટ કરવામાં આવી રહ્યો હતો અને શો નું ફોર્મેટ પણ સરખું જ હતું. કદાચ આ જ કારણે દર્શકોએ આ શોને વધારે પસંદ ન કર્યો.

કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે આખી ટીવી ઈન્ડસ્ટ્રી બંધ થઈ ચૂકી છે અને તમામ એક્ટર્સ પોત-પોતાના ઘરોમાં બંધ છે. ત્યારે ચેનલે નિર્ણય કર્યો છે કે બિગ બોસની પ્રસારિત ન કરવામાં આવેલી ક્ષણો અથવા તો પ્રસારિત થયેલી છતા લોકોને ખૂબ ગમેલી એવી કેટલીક ક્ષણોને ફરીથી પ્રસારિત કરવામાં આવશે. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની કેટલીક સ્પેશિયલ ક્ષણોને પણ પ્રસારિત કરવા પર વિચાર ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મેકર્સે બિગ બોસ 14 ની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે ત્યારે ફરીથી બીગબોસ 13 ને પ્રસારિત કરવું તે સીઝન 14 માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું શેરબજાર થોડા દિવસ બંધ થશે?

અમદાવાદઃ કોરોના વાઇરસના પ્રકોપને કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ભારે ગભરાટભર્યું વાતાવરણ છે. શેરબજારોના ઇતિહાસમાં આવો ગભરાટ ક્યારેય જોવા નથી મળ્યો. ફોરેન ફંડો છેલ્લા કેટલાક દિવસથી સતત મોટા પાયે વેચવાલી કરી રહ્યા છે અને જે રીતે બજાર તૂટી રહ્યાં છે એ બજાર હજી કેટલું તળિયું બનાવશે એ જોઈ કહેવું મુશ્કેલ છે. જેથી રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. વળી આજે લીધેલા શેરો બીજા દિવસે ઓર ઘટે છે અને નીચી કિંમતે મળી રહ્યા છે. જેથી રોકાણકારો નવું કંઈ પણ ખરીદવાથી દૂર થયા છે. બજારમાં શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે એની અટકળો તો ચાલી રહી છે, પણ મુંબઈ શેરબજાર 10 દિવસ માટે બંધ કરવાના સાચાખોટા અહેવાલ પણ ફરી રહ્યા છે.

શેરબજારની  અંદર સક્રિય એક બ્રોકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કોરોના વાઇરસનોનો ડર દેશમાં ખૂબ વધી રહ્યો છે અને તેના કારણે સ્ટોક માર્કેટમાં રોજ 1500થી વધુ પોઈન્ટ્સનો કડાકો બોલી જાય છે. આ તમામ પાસાઓને જોતા બજારને એક સપ્તાહ અથવા તો 10 દિવસ માટે બંધ કરવાની ચર્ચા થઇ રહી છે. જોકે હજી સુધી તો સત્તાવાર રીતે આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી પણ જો આવું થાય તો તે ભારતીય શેરબજાર માટેનો ઐતિહાસિક નિર્ણય ગણાશે.

આ અઠવાડિયું હોર્સ ટ્રેડિંગ માટે સોનાની ખાણ સમાન: સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષને પૂછ્યું કે શું તેઓ બેંગ્લોરમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે તેમ છે?  સ્પીકરે ધારાસભ્યોને જાતે રાજીનામાંની પુષ્ટિ કરવા જણાવ્યું હતું, પરંતુ સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરીમાં ધારાસભ્યોએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે, આ ધારાસભ્યોના રાજીનામાને કારણે જ રાજ્યની કમલનાથ સરકાર ઓક્સીજન પર આવી ગઈ છે. બળવાખોર ધારાસભ્યોનો આક્ષેપ છે કે કોંગ્રેસ તેમને રાજીનામું પાછું ખેંચવા મજબૂર કરવા પ્રયાસ કરી રહી છે અને આ કારણે તેઓ પર ભારે દબાણમાં છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું, અમે બેંગલુરુ અથવા અન્ય કોઈ સ્થળે સુપરવાઈઝરની નિમણૂક કરી શકીએ છીએ…તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમારો સંપર્ક કરી શકે છે, અને પછી તમે નક્કી કરી શકો છો…”

મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે અંતિમ નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ પાસે બે સપ્તાહનો સમય માંગ્યો છે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મને નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપો…બળવાખોર ધારાસભ્યોને મધ્યપ્રદેશમાં તેમના ઘરે પરત ફરવા દો… તેઓ તેમના પરિવારથી દૂર રહી રહ્યા છે…વિડિઓ કોન્ફરન્સિંગનો વિચાર મારી ચિંતાઓની પુષ્ટિ કરે છે…

આ મુદ્દે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે, આ અઠવાડિયું ખરીદ-વેચાણ માટેના સોનાની ખાણ સમાન છે. તેથી જ ફ્લોર ટેસ્ટના ઓર્ડર આપવા માટે કોર્ટ કાર્યવાહી કરી રહી છે… ફ્લોર ટેસ્ટ જલ્દીથી કરાવવાનો વિચાર છે, જેથી ખરીદ વેચાણ ટાળી શકાય.

કોરોનાને કારણે લોકડાઉનઃ બોલીવૂડને 800 કરોડની ખોટ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ આખા વિશ્વમાં જનજીવનને સ્થગિત કરી દીધું છે. એનાથી ભારત અને બોલીવૂડ પણ બાકાત નથી. તાજા અહેવાલ મુજબ, ભારતમાં COVID-19ના નોંધાયેલા કેસોની સંખ્યા વધીને 173 થઈ છે.

ભારતમાં આ રોગચાળો ફેલાય નહીં એટલા માટે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં થિયેટરો, શોપિંગ મોલ્સ તથા અન્ય જાહેર સ્થળોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફિલ્મી પ્રવૃત્તિઓ બંધ કરાવી દેવામાં આવી હોવાથી મનોરંજન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. નવી ફિલ્મોની રિલીઝ મુલતવી રાખવી પડી છે, અનેક ફિલ્મો તથા ટીવી સિરિયલોનું શૂટિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ શૂટિંગ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યા છે.

ફિલ્મ-ટીવી સિરિયલના નિર્માતાઓને ઘણી આર્થિક ખોટ સહન કરવી પડશે, પરંતુ સૌથી વધારે માઠી અસર રોજના પગાર પર જીવતા કામદારો, સ્પોટબોય, મેકઅપ આર્ટિસ્ટ્સ, જુનિયર આર્ટિસ્ટ્સ જેવા કોન્ટ્રાક્ટ પર રહેલા કામદારોને તત્કાળ માઠી અસર થશે.

અહેવાલો અનુસાર, હિન્દી ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલીવૂડને આ લોકડાઉનને કારણે રૂ. 800 કરોડની આર્થિક ખોટ જશે.

દેશભરમાં 3,500થી વધારે સ્ક્રીન્સને બંધ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, બિહાર અને પંજાબ રાજ્યોમાં પણ થિયેટરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપી દેવાયો છે.

ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાનું કહેવું છે કે ‘બાગી 3’ ફિલ્મના નિર્માતાઓને રૂ. 25-30 કરોડની ખોટ જઈ શકે છે. થિયેટરો બંધ થવાથી ‘અંગ્રેજી મિડિયમ’ ફિલ્મના બિઝનેસને પણ ફટકો પડશે.

અન્ય ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે, મનોરંજન ઉદ્યોગ પર આ કોરોના વાઈરસની મોટી અસર પડશે. ફિલ્મો હાલ રિલીઝ નહીં થાય અને નિર્માતાઓને બધી ફિલ્મી પ્રવૃત્તિઓને બંધ કરી દેવી પડી છે. એમને કરોડોની ખોટ જશે.

કોરોના વાઈરસને કારણે ‘બ્રહ્માસ્ત્ર’, ‘સૂર્યવંશી’ની રિલીઝ, ઉધમ સિંહ બાયોપિકનું શૂટિંગ અને જેમ્સ બોન્ડ સિરીઝની નવી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’, ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરયસ 9’ જેવી હોલીવૂડની ફિલ્મોની રિલીઝને મુલતવી રાખી દેવામાં આવી છે.

ટીવી ઉદ્યોગને 100 કરોડની ખોટ જશેઃ જમનાદાસ મજિઠીયા

રંગભૂમિ, ટીવી સિરિયલોના જાણીતા અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક જમનાદાસ મજિઠીયા (જે.ડી.)નું કહેવું છે કે કોરોના વાઈરસને કારણે પ્રવૃત્તિઓ બંધ કરી દેવાતાં ટીવી ઉદ્યોગને આશરે રૂ. 100 કરોડ જેટલી ખોટ જવાનો સંભવ છે. પરંતુ, અમારે ધંધા કરતાં સલામતીનું વધારે ધ્યાન રાખવાનું છે.

મુંબઈમાં કોરોનાને કારણે જેવું એક મરણ થયાનું જાહેર થયું કે તરત જ ગોરેગાંવ (ઈસ્ટ)સ્થિત ફિલ્મસિટીને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બધું બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું હતું. મોટા ભાગના ટીવી શો અને સિરિયલોનું શૂટિંગ અહીં દરરોજ ચાલતું હોય છે. આ બધું ઓચિંતા નિર્ણયને પગલે હાલ ઠપ થઈ ગયું છે.

જેડી મજિઠીયા ટીવી એન્ડ વેબ ઓફ ધ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન પણ છે. એમણે કહ્યું કે ટીવી ઉદ્યોગને ખોટ જશે, પરંતુ તમામ પ્રવૃત્તિઓને કામચલાઉ બંધ રાખવાનો અમારો નિર્ણય જરૂરી છે. ઉદ્યોગમાંના કર્મચારીઓની સલામતીનું ધ્યાન રાખવું જ પડે. પરિસ્થિતિ જ્યારે નિયંત્રણમાં આવી જશે તે પછી નિર્માતાઓ કામકાજ ફરી શરૂ કરશે. લોકોના જાનને જોખમમાં મૂકી ન શકાય. દરેક જણની સલામતીને ધ્યાનમાં લઈને જ શૂટિંગ તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

હરિદ્વારમાં ગંગા આરતી માટે શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ

હરિદ્વાર: ઉત્તરાખંડમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા પ્રશાસને બુધવારે અહીં હર કી પૌડી પર દરરોજ થતી ગંગા આરતીમાં લોકોને સામેલ થવા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ગંગા સભાના પદાધિકારીઓ દ્વારા 31 માર્ચ સુધી ગંગા આરતી કરવામાં આવશે જેમાં સામાન્ય લોકો નહીં જોડાય.

લોકોની સુવિધા માટે ગંગા સભા દ્વારા આરતીનું લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ ઈન્ટરનેટ પર લાઈવ જોઈ શકશે. મહત્વનું છે કે, આ પહેલા આંધ્રપ્રદેશના તિરુપતિ તિરુમાલામાં પણ શ્રદ્ધાળુઓને પણ લાઈનમાં ઉભા રહેવાની મનાઈ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 166એ પહોંચી ગઈ છે. જેમાં 141 ભારતીય અને 25 વિદેશી નાગરિક સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. 15 લોકોની સારવાર કરી દેવામાં આવી છે અને દેશમાં કોરોના વાઈરસના કારણે મોતની સંખ્યા 3 થઈ ચૂકી છે.