Home Blog Page 492

૦૨ નવેમ્બર ૨૦૨૫

સાચા વિચાર અને સાથીઓની પસંદગી…

સાચા વિચાર અને સાથીઓની પસંદગી એ કોઈપણ સંચાલકની સફળતાના મૂળમાં રહેલું સહુથી મહત્વપૂર્ણ તત્વ છે, કારણ કે નેતૃત્વની દિશા એ તેના વિચારોની શુદ્ધતા અને આસપાસના લોકોની નૈતિકતાથી નક્કી થાય છે.

મહાભારતના ઉદ્યોગપર્વમાં ભગવાન કૃષ્ણ જ્યારે શાંતિમંત્રણા માટે હસ્તિનાપુર આવે છે ત્યારે રાજા ધૃતરાષ્ટ્રને વિદુરની સચોટ સલાહ મળે છે કે ખરાબ વિચાર અને અહંકારી સાથીઓને કારણે રાજ્ય વિનાશ તરફ જઈ શકે છે.

વિદુર ધર્મ અને નીતિ બંનેમાં પારંગત હોવાથી તેમણે ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ કહ્યું કે જે લોકો પોતાના સ્વાર્થ માટે ખોટી સલાહ આપે છે, તેઓ રાજધર્મના શત્રુ સમાન છે. દુર્ભાગ્યે, ધૃતરાષ્ટ્રે વિદુરની વાત અવગણીને દુર્યોધન જેવા અહંકારી સલાહકારો પર વિશ્વાસ મૂક્યો અને પરિણામે મહાસંગ્રામનો જન્મ થયો. અહીંયા ધૃતરાષ્ટ્ર પુત્રપ્રેમના અતિરેકથી અંધ હતા તે દોષ પણ લાગે છે. કોઈ પણ સંચાલકે પોતાના ઉદ્યોગ કે વ્યાપારના સંચાલનમાં માત્ર પોતાના સગાં-વહાલાંની કાનભંભેરણીથી વશ નહીં થતાં વિદૂર જેવા વિષમ નિષ્ણાત અને તટસ્થ વ્યક્તિનો અભિપ્રાય પણ ગણતરીમાં લેવો જોઈએ.

આ કથા આજના કોર્પોરેટ અથવા પ્રશાસકીય સંચાલન માટે પણ એટલી જ પ્રાસંગિક છે. વિચારો અને સાથીઓની પસંદગી એ માત્ર પ્રતિભા કે બુદ્ધિની બાબત નથી, પરંતુ ઈમાનદારી, દૃષ્ટિ અને સંસ્થાના હિત માટેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. કોઈપણ સંચાલક જો વિચારવિમર્શ વિના ફક્ત ચાતુર્ય કે લાભના આધારે સલાહકારો રાખે, તો નિર્ણયોમાં નૈતિક સંતુલન ગુમાઈ જાય છે. ઉદાહરણ તરીકે, ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાએ હંમેશાં એવા સહયોગીઓ પસંદ કર્યા જેઓ માત્ર નફો નહીં પરંતુ મૂલ્યો સાથે વ્યવસાય ચલાવતા હતા; તેમણે એકવાર કહ્યું હતું કે “જો તમારી પાસે ખોટા લોકોની ટીમ છે, તો શ્રેષ્ઠ વિઝન પણ નિષ્ફળ જાય છે.” આ વિચાર વિદુરના સિદ્ધાંત સાથે જોડાયેલો છે.

વધુ એક ઉદાહરણ તરીકે, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું ટીમ સંચાલન જોવું – તેમણે વૈજ્ઞાનિક ટીમોમાં એવી વ્યક્તિઓની પસંદગી કરી કે જેઓ વિચારોમાં ઈમાનદારી અને દેશહિત માટે સમર્પિત હતા. એ જ કારણે તેઓએ અવકાશ અને મિસાઈલ વિજ્ઞાન બંને ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સંકલિત સફળતા મેળવી. વિપરીત રીતે, ઇતિહાસ દર્શાવે છે કે કેટલાક નેતાઓએ ખોટા સલાહકારો અને ગણતરીના લોભના કારણે દેશ અને સંગઠનોને અંધકારમાં ધકેલ્યા, જેમ કે એનરોન કંપનીનું વિઘટન, જે ખોટા અર્થતંત્રીય માર્ગદર્શન અને નૈતિકતાના અભાવનું સીધુ પરિણામ હતું.

સાચા વિચારવાળા સાથીઓ એ સંચાલનની આત્મા છે – તેઓ નેતાને સાચી દિશા બતાવે છે, ખરાબ સમયમાં પણ સત્ય બોલવાની હિંમત ધરાવે છે અને વ્યક્તિગત ફાયદા કરતાં સમૂહહિતને મહત્વ આપે છે.  આજની દુનિયામાં પણ એ જ સત્ય છે – સંચાલક માટે નફા કરતાં વિશ્વાસ, સ્પર્ધા કરતાં સહકાર અને રાજનીતિ કરતાં નૈતિકતા મહત્વની છે. સાચા વિચાર ધરાવતી ટીમ હંમેશાં સંસ્થાને લાંબા ગાળે ટકાઉ બનાવે છે, કારણ કે એવી ટીમ “હા સાહેબ” કહેતી નથી, પરંતુ યોગ્ય પ્રશ્નો પૂછવાની હિંમત રાખે છે.

અંતે કહી શકાય કે વિદુરની જેમ ધર્મ અને બુદ્ધિના સંગમથી વિચાર કરવો અને સાથીઓની પસંદગી કરવી એ માત્ર સંચાલનની જરૃરિયાત નથી પરંતુ સંસ્થાના અસ્તિત્વનું રક્ષણ કરનાર ધર્મ છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 02/11/2025

સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘લોહપુરુષ’ નાટકનો પ્રીમિયર શો યોજાયો

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી અવસરે, શુક્રવારે સાંજે રાજધાનીમાં ‘લોહપુરુષ’ નાટકનો પ્રીમિયર શો યોજાયો, જેમાં સરદાર પટેલના જીવનની ભવ્ય ઐતિહાસિક ઝલક જોવા મળી.

દિલ્હીની જાણીતી ગુજરાતી સંસ્થાઓ, ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્ર અને શ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘મારી ભાષા ગુજરાતી’ દ્વારા પ્રસ્તુત આ વિડીયો શોનું આયોજન શાહ ઓડિટોરિયમના નરસિંહ મહેતા હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં અભિનવ ભારત – આભાર પર્વનો સહકાર મળ્યો હતો.

આ સમારોહના મુખ્ય અધ્યક્ષ તરીકે રાજધાનીના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટ અને સમાજસેવક તેમ જ અભિનેતા હિતેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું કે, “સરદાર પટેલનું જીવન અને કાર્યો આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે એક રાષ્ટ્ર તરીકે ભારતને એકજૂટ કરવામાં જે યોગદાન આપ્યું છે, તે અભૂતપૂર્વ છે. આવા નાટકો દ્વારા તેમની વીરગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.”

કાર્યક્રમની શરૂઆત ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ વિરાટ શાહ દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. જાણીતા સાહિત્યકાર અને નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા લિખિત, અભિનિત અને દિગ્દર્શિત એકપાત્રીય નાટક ‘લોહપુરુષ’ની પ્રસ્તુતિ થઇ. કાર્યક્રમના અંતે, દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના મહાસચિવ વિજય પંચાલે આભારવિધિ કરી હતી.

‘લોહપુરુષ’ નાટક યુટ્યુબ ચેનલ લિંક https//t.ly/UUs7G પર નિહાળી શકાય છે.

સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘રન ફોર યુનિટી’

ચાંગા: ચારુસેટ યુનીવર્સીટીમાં 31મી ઓક્ટોબર, 2025 શુક્રવારે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યુનિટી, ઈન્ટીગ્રીટી, ફિટનેસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી ચારુસેટ એન એસ એસ યુનિટ દ્વારા ‘રન ફોર યુનિટી’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં ચારુસેટ યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, ડીવાયએસપી પાર્થ ચોટાલિયા, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા સંકલ્પ લીધો હતો.

ત્યાર બાદ પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને ડીવાયએસપી પાર્થ ચોટાલિયાએ ‘રન ફોર યુનિટી’ ને ફ્લેગ ઓફ કરાવી હતી. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

‘રન ફોર યુનિટી’ માં વિવિધ કોલેજોના અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મહેળાવ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પાક નુકસાનીનો CMએ તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે.  મુખ્યમંત્રીએ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને તેનો તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા વહીવટી તંત્રને કડક આદેશો આપ્યા છે.મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગોને ધ્યાને રાખી ખાસ સંવેદના દાખવીને ચીફ સેક્રેટરી, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તેમણે તમામ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોને સહયોગ કરવામાં વિલંબ ન થાય.ગાંધીનગર ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આ વિગતો જેટલી ઝડપથી મળશે, તેટલી જ ઝડપથી સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે સહાયરૂપ બની શકશે.’ આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓમાં નુકસાન અંગેની પ્રાથમિક વિગતો પૂરી પાડી હતી.

રાજ્યમાં છેલ્લા બે દાયકામાં આવો તીવ્ર કમોસમી વરસાદ નોંધાયો નથી. આ અણધારી આફતના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિકટ સમયે સરકાર ધરતીપુત્રોની સાથે છે અને સર્વેની કામગીરીમાં કોઈ ખેડૂતને અડચણ ન પડે તે સુનિશ્ચિત કરીને તેમને મદદ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

પત્ની ઉષા હિન્દુ રહેશે… ક્યારેય ધર્માંતર નહીં કરે, જે.ડી. વેન્સે આપી સ્પષ્ટતા

અમેરિકા: ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પોતાના એ નિવેદનનો બચાવ કર્યો છે કે જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને આશા છે કે તેમની પત્ની ઉષા વેન્સ, જે હિન્દુ છે, એક દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવશે. વેન્સે આ નિવેદન પર પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેમના પત્ની ઉષા હિન્દુ જ રહેશે. ઘણા વર્ષો પહેલા ઉષાએ જ મને મારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હતી. વેન્સે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, “મારી પત્નીએ મને મારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હતી. તે પોતે ખ્રિસ્તી નથી અને ધર્મ પરિવર્તન કરવાની તેની કોઈ યોજના નથી. પરંતુ ઘણા આંતરધાર્મિક લગ્નોની જેમ, મને આશા છે કે એક દિવસ તે વસ્તુઓને મારા જેવી જ જોઈ શકશે.” બુધવારે મિસિસિપીમાં ટર્નિંગ પોઇન્ટ યુ.એસ.એ. (TPUSA) રેલીમાં એક પ્રશ્નના જવાબમાં, વેન્સે કહ્યું કે તેઓ ખ્રિસ્તી ગોસ્પેલમાં માને છે અને આશા રાખે છે કે તેમની પત્ની એક દિવસ તેને એ જ રીતે સમજશે. તેમણે સમજાવ્યું કે ઉષા વેન્સનો ઉછેર હિન્દુ પરિવારમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર ખૂબ ધાર્મિક નહોતો. વેન્સે કહ્યું કે તેમની પત્ની દર રવિવારે પરિવાર સાથે ચર્ચમાં જાય છે, અને તેમના બાળકોનો ઉછેર ખ્રિસ્તી પરંપરામાં થયો હતો. તેમણે એમ પણ કહ્યું, “ઉષા મને બાપ્તિસ્મા આપનાર પાદરીની વધુ નજીક છે, કદાચ મારાથી પણ વધુ નજીક.”

જો કે, જૂનમાં એક મુલાકાતમાં, ઉષા વેન્સે સ્પષ્ટપણે કહ્યું, “હું કેથોલિક નથી અને ધર્મ પરિવર્તન કરવાનો કોઈ ઇરાદો નથી.” તેમણે સમજાવ્યું કે તેમના બાળકોને તેમનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. “અમે અમારા બાળકોને કેથોલિક શાળામાં મોકલ્યા, પરંતુ તેઓ બાપ્તિસ્મા લેવા માંગે છે કે નહીં તે તેમનો નિર્ણય છે. અમારા મોટા બાળકે બાપ્તિસ્મા લીધું છે, અને હવે અમે જોઈશું કે બીજું બાળક શું કરે છે.” ઉષાએ એમ પણ સમજાવ્યું કે બાળકોને હિન્દુ પરંપરાઓ સાથે જોડવા માટે, તેમને ધાર્મિક પુસ્તકો આપવામાં આવે છે, ભારતની યાત્રાઓ પર લઈ જવામાં આવે છે, અને ઘણા હિન્દુ મિત્રો અને સંબંધીઓ સાથે જોડવામાં આવે છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ પણ આ વિવાદનો જવાબ આપ્યો. ‘X’ પર લખ્યું, “જો તમારી પત્નીએ તમને તમારા ધર્મ સાથે ફરીથી જોડાવા માટે પ્રેરણા આપી હોય, તો શું તમે હિન્દુ ધર્મને સમજવાનો પ્રયાસ પણ કરી શકતા નથી? હિન્દુ ધર્મમાં કોઈને પણ તેના ધર્મનું પાલન કરવાની અથવા ધર્માંતર કરવાની જરૂર નથી. તે સમાવેશી અને બહુવચનવાદી છે.” HAF એ વધુમાં જણાવ્યું હતું કે ઉપપ્રમુખ તરીકે, વેન્સે હિન્દુ ધર્મના સકારાત્મક પ્રભાવ અને હિન્દુઓના તેમના ધર્મનું પાલન કરવાના અધિકારને પણ સ્વીકારવો જોઈએ.

ગુજરાતના પ્રભારી મંત્રીઓના નામ જાહેર, કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ?

ગાંધીનગર: તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ફાળવેલ જિલ્લાઓમાં પ્રભારી, સહ પ્રભારી મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ તેના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.

જીતુ વાઘાણી-હર્ષ સંઘવી પ્રવક્તા મંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

વહીવટી નિયંત્રણ અને અમલ પર ધ્યાન

રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રીઓ તેમના નિયુક્ત જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વિશેષ ધ્યાન આપશે. સરકારના આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે.

મંત્રી

જિલ્લાનું નામ

હર્ષ સંઘવી

વડોદરા, ગાંધીનગર

કનુ દેસાઈ

સુરત, નવસારી

જીતુ વાઘાણી

અમરેલી, રાજકોટ

ઋષિકેશ પટેલ

અમદાવાદ, વાવ-થરાદ

કુંવરજી બાવળિયા

પોરબંદર, દેવભૂમિ દ્વારકા

નરેશ પટેલ

વલસાડ, તાપી

અર્જુન મોઢવાડિયા

જામનગર, દાહોદ

પ્રદ્યુમન વાજા

સાબરકાંઠા, જૂનાગઢ

રમણ સોલંકી

ખેડા, અરવલ્લી

ઈશ્વર પટેલ

નર્મદા

પ્રફુલ પાનેસેરિયા

ભરૂચ

મનીષા વકીલ

છોટા ઉદેપુર

પરષોત્તમ સોલંકી

ગીર સોમનાથ

કાંતિ અમૃતિયા

કચ્છ

રમેશ કટારા

પંચમહાલ

દર્શનાબેન વાઘેલા

સુરેન્દ્રનગર

કૌશિક વેકરિયા

ભાવનગર, જૂનાગઢ ( સહ પ્રભારી )

પ્રવીણ માળી

મહેસાણા, નર્મદા ( સહ પ્રભારી )

જયરામ ગામિત

ડાંગ

ત્રિકમ છાંગા

મોરબી, રાજકોટ ( સહ પ્રભારી )

કમલેશ પટેલ

બનાસકાંઠા, વડોદરા ( સહ પ્રભારી )

સંજયસિંહ મહિડા

આણંદ, ભરૂચ ( સહ પ્રભારી )

પૂનમચંદ બરંડા

મહીસાગર, દાહોદ ( સહ પ્રભારી )

સ્વરૂપજી ઠાકોર

પાટણ

રિવાબા જાડેજા

બોટાદ

રેલવેનો મોટો નિર્ણય: હવે ટિકિટ બુક કરતા જ મળશે આ બે સુવિધા

નવી દિલ્હી: ભારતીય રેલવેએ મુસાફરોની  સુવિધામાં વધુ સુધારો કરવા માટે ટિકિટ બુકિંગના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. 2025થી અમલમાં આવનારા આ નવા નિયમોમાં લોઅર બર્થ ફાળવવા માટે નવી સિસ્ટમ, સ્પષ્ટ સૂવાનો સમય અને એડવાન્સ રિઝર્વેશન અવધિમાં ઘટાડો શામેલ છે. રેલવેનો ઉદ્દેશ્ય મુસાફરીને વધુ પારદર્શક અને અનુકૂળ બનાવવાનો છે.

લોઅર બર્થનો નવો નિયમ
રેલ્વેએ રેલવન એપ લોન્ચ કરી છે, જે એક જ પ્લેટફોર્મ પર રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની મંજૂરી આપે છે. આ એપ દ્વારા લોઅર બર્થ માટે પ્રાથમિકતા હવે સ્પષ્ટ થઈ ગઈ છે. વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ પહેલાથી જ લોઅર બર્થ માટે પાત્ર છે. જો બુકિંગ સમયે લોઅર બર્થ ઉપલબ્ધ ન હોય, તો ટ્રેન પેસેન્જર ટ્રેનને મુસાફરી દરમિયાન આવા મુસાફરોને ખાલી લોઅર બર્થ ફાળવવાનો અધિકાર છે.

વધુમાં, ઓનલાઈન બુકિંગમાં હવે “લોઅર બર્થ ઉપલબ્ધ હોય તો જ બુક કરો”નો વિકલ્પ શામેલ છે. આનો અર્થ એ છે કે જો લોઅર બર્થ ઉપલબ્ધ હોય તો જ ટિકિટ બુક કરવામાં આવશે; નહિંતર, બુકિંગ પ્રક્રિયા કરવામાં આવશે નહીં. આ સુવિધા એવા મુસાફરો માટે અત્યંત ઉપયોગી છે જેઓ નીચલા બર્થ વિના મુસાફરી કરવા માંગતા નથી.

સૂવાનો અને બેસવાનો સમય

રિઝર્વ્ડ કોચમાં હવે સૂવાનો અને બેસવાનો સમય સ્પષ્ટ કરવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફક્ત નિયુક્ત બર્થ પર જ સૂવાની મંજૂરી છે. દિવસ દરમિયાન, બધા મુસાફરોને તેમની બેઠકો પર પ્રવેશ મળશે. RAC ટિકિટ ધરાવતા મુસાફરો દિવસ દરમિયાન સાઇડ લોઅર અને સાઇડ અપર બર્થ શેર કરશે, પરંતુ રાત્રે ફક્ત ટિકિટ ધારકને જ નીચેની બર્થ પર પ્રવેશ મળશે.

IHME રિપોર્ટ: હાઈ BP અને ડાયાબિટિસ કરતા પણ ઘાતકી દિલ્હીની હવા

નવી દિલ્હી: દેશની રાજધાનીની હવાની ગુણવત્તા અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME)ના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે 2023માં દિલ્હીમાં 17,188 મૃત્યુ સીધા વાયુ પ્રદૂષણને કારણે થયા હતા. આનો સ્પષ્ટ અર્થ એ છે કે દિલ્હીમાં દર સાત મૃત્યુમાંથી એક માટે પ્રદૂષણ જવાબદાર હતું.PM2.5 મૃત્યુનું મુખ્ય કારણ

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (CREA)ના વિશ્લેષણ મુજબ, 2023માં દિલ્હીમાં થયેલા કુલ મૃત્યુમાંથી આશરે 15% મૃત્યુ ફક્ત પ્રદૂષણને કારણે થયા હતા. રિપોર્ટ દર્શાવે છે કે સૂક્ષ્મ હવા પ્રદૂષકો, જેને કણ પદાર્થ (PM2.5) કહેવાય છે, તે દિલ્હીમાં મૃત્યુનું મુખ્ય કારણ છે.

હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કરતાં વધુ ઘાતક

સૌથી આઘાતજનક વાત એ છે કે દિલ્હીની નબળી હવા ગુણવત્તા હવે પરંપરાગત આરોગ્ય જોખમો કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. પ્રદૂષણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવા અન્ય જોખમોને વટાવી દીધા છે.

2023માં દિલ્હીમાં મૃત્યુના મુખ્ય કારણો

જાહેર આરોગ્ય સંકટ

નિષ્ણાતો કહે છે કે દિલ્હીની હવા WHOના ધોરણો કરતા અનેક ગણી વધુ ઝેરી બની રહી છે. પ્રદૂષણનું આ સ્તર બાળકોમાં ફેફસાના રોગો, હૃદય રોગ, સ્ટ્રોક અને અસ્થમામાં ઝડપથી વધારો તરફ દોરી રહ્યું છે. CREA રિપોર્ટ ભાર મૂકે છે કે પ્રદૂષણ હવે ફક્ત પર્યાવરણીય મુદ્દો નથી, પરંતુ જાહેર આરોગ્ય સંકટ છે.આગળ શું કરવાની જરૂર છે?

નિષ્ણાતોએ ચેતવણી આપે છે કે જો દિલ્હીને આ ખતરાથી બચાવવી હોય, તો સરકારને વિજ્ઞાન આધારિત, નક્કર નીતિઓ અને કડક પગલાં લેવાની જરૂર છે. આમાં ઔદ્યોગિક ઉત્સર્જનને નિયંત્રિત કરવા, વાહનોના ઉત્સર્જનને કડક બનાવવા અને ગ્રીન ઝોન વધારવા જેવા પગલાંનો સમાવેશ થવો જોઈએ. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં આ આંકડો વધુ ચિંતાજનક બની શકે છે.