Home Blog Page 4920

માનવે બાથ ભીડેલી મહામારીઓ…

ત્યારના કોરોનાની જેમ જ માનવના ઈતિહાસમાં કોલેરા, પ્લેગ, શીતળા, ચેપી તાવ જેવી મહામારીઓએ ભૂતકાળમાં અનેકવાર વૈશ્વિક ભયનું વાતાવરણ  સર્જ્યું છે ને અનેકવાર ભારે વિનાશ પણ વેર્યો છે. શીતળાને લીધે આખા માનવઈતિહાસમાં ઓછામાં ઓછા 3થી 5 કરોડ લોકો મૃત્યુ પામ્યો હોવાનો અંદાજ છે. તો, એઈડ્સ, ચિકનગુનિયા, બર્ડ ફ્લુ ને ઈબોલા જેવી અમુક મહામારીઓએ છેલ્લાં વરસોમાં હાહાકાર મચાવ્યો હતો. જોકે પાછલા દાયકાઓના તબીબી વિકાસ તથા જાગ્રતિને લીધે હવે મહામારીમાં થતાં મૃત્યુઆંકનો દર ઘણો ઓછો કરી શકાયો છે.

કેટલીક અત્યંત ભયાનક નીવડેલી મહામારીઓ પર નજર કરીએ.

એચ.આઈ.વી. એઈડ્સ-

2005થી 2012 સુધી ટોચ પર રહેલો આ મહારોગ હજી મનુષ્યને ફફડાવી રહ્યો છે. 1976માં કોન્ગોમાં પહેલીવાર એચ.આઈ.વી.ના વાયરસ ઓળખાયા હતા. 1981થી અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં 3 કરોડ 60 લાખથી વધુ લોકો એઈડ્સથી મૃત્યુ પામી ચૂક્યા છે. આજે પણ વિશ્વમાં 3 કરોડ 50 લાખ જેટલા લોકો એઈડ્સગ્રસ્ત છે, જેમાંથી પચાસ ટકા આફ્રિકામાં છે. જોકે સમય સાથે એચ.આઈ.વી. સામે સુરક્ષાનાં પગલાં ને જાગ્રતિ વધ્યાં છે, પરિણામે એઈડ્સથી થનારાં મૃત્યુ ઘટ્યાં છે.

તબીબીવિજ્ઞાનીઓના મતે એચ.આઈ.વી. ચિમ્પાન્ઝીઓમાંથી માનવમાં પ્રવેશ્યો છે. એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારત્મક શક્તિ ભાંગી પડે છે એટલે એ દરેક નાનીમોટી બીમારી, વાયરસ કે ચેપનો સરળતાથી શિકાર થઈ જાય છે. એઈડ્સગ્રસ્ત વ્યક્તિની સારસંભાળ માટે ઘણા ઉપચાર શોધાયા છે ને રોગના વિકાસની ગતિ ધીમી કરી શકાઈ છે, પણ હજી આ રોગનો કોઈ ઈલાજ શોધી શકાયો નથી.

ધ હોંગકોંગ ફ્લુ

1968માં હોંગકોંગમાં નોંધાયેલો ફ્લુ એના હાહાકારને લીધે ‘ધ હોંગકોંગ ફ્લુ’ તરીકે ઓળખાયો હતો. માત્ર 17 જ દિવસમાં આ ચેપી તાવનો વાયરસ હોંગકોંગથી સિંગાપોર-વિયેતનામ અને બીજા ત્રણ જ મહિનામાં ફિલિપાઈન્સ, ભારત, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયો હતો. એ સમયે હોંકકોંગની કુલ વસતીના પાંચ ટકા લોકો(પાંચ લાખ) મળીને આ તાવને લીધે કુલ દસ લાખ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

પહેલો કોરોનાવાયરસ

અત્યારના કોરોના જેવો જ વાયરસ બે દાયકા અગાઉ ચીનમાં નોંધાયો હતો. 2002માં સાર્સ(એસ.એ.આર.એસ.-સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) પહેલીવાર ચીનમાં જોવા મળ્યો હતો, જેના કારણમાં હતો સાર્સ કોરોનાવાયરસ. અઠવાડિયામાં તો આ વાયરસ 37 દેશોમાં ફેલાઈ ગયો હતો. વિશ્વભરમાં આ વાયરસથી 8000થી વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા, જેમાંથી 800 જેટલા મૃત્યુ પામ્યા હતા. તબીબીવિજ્ઞાનીઓના મતે આ વાયરસના મૂળ ચામાચિડિયામાંથી આવ્યા હતા.

1918નો ભયંકર ફ્લુ

એ સમયે વિશ્વની ત્રીજા ભાગની લોકવસ્તીને ઝપટમાં લઈ લેનાર આ ચેપી તાવના વાયરસે 25 જ અઠવાડિયામાં અઢી કરોડ લોકોને મોતને ઘાટ ઊતારી દીધા હતા. ત્યારે કુલ પચાસ કરોડ લોકો આ તાવનો ભોગ બન્યા હતા ને એમાંથી પાંચ કરોડ મૃત્યુ પામ્યા હતા. આ ફ્લુ સૌથી જુદો એ માટે પડ્યો હતો કે એ બાળકો કે વૃદ્ધોને બદલે સ્વસ્થ યુવાનોને વધારે ઝડપથી ઝપેટમાં લેતો હતો.

1889-90નો ફ્લુ

એશિયાટિક કે રશિયન ફ્લુ તરીકે ઓળખાયેલા આ ફ્લુએ ત્યારે દસ લાખથી વધારે લોકોનો જીવ લીધો હતો.

1852-1860નો ત્રીજો કોલેરા

માનવઈતિહાસમાં કોલેરાની સાત મોટી મહામારી સર્જાઈ છે, એમાંથી સૌથી ઘાતક પૂરવાર થનારી 1852ની મહામારીમાં દસ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતથી શરૂ થયેલી આ મહામારીએ ત્યારે ખરા અર્થમાં વિશ્વભરને ચિંતામાં મૂકી દેતાં એશિયા, યુરોપ, અમેરિકા ને આફ્રિકા બધે ફેલાઈ ગઈ હતી. આ મહામારી શરૂ થવાનું કારણ પ્રદૂષિત ને ચેપી પાણી હતું.

1910-11નો કોલેરા છઠ્ઠો

ભારતમાંથી શરૂ થયેલી આ મહામારી ત્યારે મિડલ ઈસ્ટ, નોર્થ આફ્રિકા, યુરોપ ને રશિયા સુધી ફેલાઈ હતી. થોડાક જ મહિનાઓમાં આઠ લાખથી વધુ લોકો આ બીમારીનો ભોગ બની મૃત્યુ પામ્યા હતા. આ મહામારીની ઝપેટથી જ  અમેરિકામાં પણ કોલેરાનો રોગ ફેલાયો હતો ને હજારો લોકો ભોગ બનવા છતાં પણ ત્યાં ઝડપી તબીબી વિકાસને લીધે માત્ર આઠ મૃત્યુ થયા હતા.

14મી સદીનો પ્લેગ

આખી દુનિયાને ધ્રુજાવી દેનારી પ્લેગની મહામારી ઈતિહાસમાં કાળા મૃત્યુ(ધ બ્લેક ડેથ) તરીકે નોંધાયેલી છે. 1346થી 1353ના સાત જ વર્ષમાં આ પ્લેગથી યુરોપ, આફ્રિકા ને એશિયામાં હાહાકાર મચી ગયો હતો. એશિયાના શિપમેન્ટ્સમાં ઉંદરો ને માખીઓમાંથી જન્મેલા મનાતા આ રોગે ત્યારે સાડા સાત કરોડથી વીસ કરોડ જેટલા લોકોનો ભોગ લીધો હોવાનું મનાય છે.

બીજી ને છઠ્ઠી સદીના પ્લેગ

ઈ. સ. 165માં એશિયા માઈનર, ઈજિપ્ત, યુનાન ને ઈટાલીમાં ફેલાયેલા એન્ટનાઈન પ્લેગની મહામારી શેને કારણે ફેલાયેલી એ આજે પણ જાણી શકાયું નથી, પણ એને લીધે ઓછામાં ઓછા પચાસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

ઈ. સ. 541-542માં યુરોપમાં વ્યાપેલી ને જસ્ટિનિયન પ્લેગ તરીકે ઓળખાયેલી મહામારીએ ત્યારે એક જ વર્ષમાં યુરોપની પચાસ ટકા લોકવસ્તી સાફ કરી દીધી હતી. આ મહામારીએ કુલ અઢી કરોડથી વધારે લોકોને મૃત્યુને ઘાટ ઊતારી દીધા હતા.

માણસ સામેના બે મોટા પડકાર

ચેપી તાવ(ઈન્ફ્લુએન્ઝા)

2009-10માં લાખો લોકોને ઝપટમાં લેનાર બર્ડ ફ્લુ કે સ્વાઈન ફ્લુ જેવો ચેપી તાવ નવી વાત નથી. આ જ કેટેગરીમાં આવતા 1956-58ના એશિયન ફ્લુને લીધે ત્યારે ચીન, હોંગકોંગ, સિંગાપોર ને અમેરિકામાં વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. સદભાગ્યે 2009માં ચેપગ્રસ્ત લોકોમાંથી મૃત્યુનો દર એક ટકાથી પણ ઓછો રહ્યો હતો. હજી દર વર્ષે ઈન્ફ્લુએન્ઝાના વાયરસ જુદા જુદા સ્વરૂપે માનવજાત પર ત્રાટકે છે ને વર્ષે આશરે અઢીથી પાંચ લાખ લોકોનો ઈન્ફ્લુએન્ઝા ભોગ લે છે.

મલેરિયા

મચ્છરો દ્વારા લોહીમાં પ્રવેશતા આ રોગથી 2010માં બે કરોડ વીસ લાખ લોકો દર્દી બન્યા હતા ને 6 લાખ 60 હજાર જેટલા મૃત્યુ પામ્યા હતા. આજે પણ હજારો માણસોનો જીવ લેતો મલેરિયાનો રોગ માનવ સામેના મોટા પડકારોમાંનો એક છે, કારણ કે હજી એની કોઈ આધારભૂત રસી શોધી શકાઈ નથી.

(સુનીલ મેવાડા)

તેજસ્વી યાદવે ‘બેરોજગારી હટાવો’ અભિયાન શરૂ કર્યું

પટનાઃ  બિહારમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય  માહોલ જામતો જાય છે. પ્રાદેશિક પક્ષો બિહાર સરકારને અનેક મૂંઝવતા સવાલો પૂછી રહી છે અને સરકારની ખામીઓ લોકોને ગણાવી રહી છે. ત્યારે આ જ સંદર્ભે બિહારના ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે બેરોજગાર અભિયાન શરૂ કર્યું છે. તેમણે બિહાર સરકારને 18 સવાલ પૂછીને જવાબ માગ્યો છે. RJDના નેતાએ નીતીશ સરકાર યુવાનો પ્રત્યે ગંભીર ના હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે કરોડો બેરોજગાર યુવાનોના ભવિષ્યથી જોડાયેલા સંબંધિત સવાલોનો સરકાર જવાબ જરૂર આપશે.

રાજ્યમાં આઇટી પાર્ક કેમ નથી બન્યો?

પાર્ટીની ઓફિસમાં તેમણે એક પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે રાજ્યમાં આઇટી કંપનીઓ કેમ નથી આવી શકતી. આઇટી પાર્ક કેમ નથી બન્યો? તેમણે કહ્યું હતું કે માછલીનું ઉત્પાદન વધારીને દરેક જિલ્લામાં માછલી બજારની વય્વસ્થા કેમ નથી કરવામાં આવતી? 15 વર્ષમાં કેટલા ઉદ્યોગ લાગ્યા અને કેટલા જૂના બંધ થયા? RJDના નેતાએ પૂછ્યું હતું કે કેટલા બિહારી બિહારમાં અને કેટલા બહાર કામ કરી રહ્યા છે?  કેટલા લાખો-કરોડો લોકો શિક્ષણ અને સારવારને નામે અન્ય પ્રદેશોમાં ગયા છે? 15  વર્ષની સરકાર એ જણાવે.

પર્યટન કેન્દ્ર કેમ વિકસાવવામાં નથી આવતું?

તેમણે કહ્યું હતું કે બિહારમાં પર્યટનની અગણિત સંભાવનાઓ છતાં અત્યાર સુધી બિહારને પર્યટન કેન્દ્રના રૂપમાં કેમ વિકસિત નથી કરવામાં આવતું. તેમણે યુવકો માટે મિસ્ડ કોલ નંબર પણ જારી કર્યો હતો. તેમણે યુવાનોને મિસ્ડ કોલ કરીને ‘બેરોજગારી હટાવો’ અભિયાનથી જોડાવા અપીલ કરી

 

આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી

નવી દિલ્હીઃ દિલ્હીની તિહાડ જેલમાં નિર્ભયા મામલે ચાર દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદે તૈયારી અને અભ્યાસ પણ કરી લીધો છે. દોષિતોને જેલમાં આવતીકાલે ફઆંસી આપવામાં આવશે. તો દિલ્હી હાઈકોર્ટે એક દોષિતની અન્ય એક અરજીને ફગાવી દીધી છે. જેલના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારના રોજ મેરઠથી રાજધાની પહોંચેલા જલ્લાદે ફાંસી આપવા મામલે અભ્યાસ કર્યો હતો. આ દોરડાનો ઉપયોગ દોષિતોને ફાંસી પર લટકાવવા માટે થશે. તિહાડ જેલના ઈતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે, એક જ ગુના માટે એક સાથે એક સમય પર ચાર દોષિતોને ફાંસી આપવામાં આવશે. પવન જલ્લાદ પોતાના પરિવારમાં ત્રીજી પેઢીનો જલ્લાદ છે. તેમણે પહેલા કહ્યું હતું કે તેમના દાદાએ સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી પર લટકાવ્યા હતા. આ બંન્ને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના ગુનામાં ફાંસી આપવામાં આવી હતી. આ સિવાય તેમના દાદાએ કુખ્યાત ગુનેગાર રંગા અને બિલ્લાને પણ ફાંસી આપી હતી.

પાંચ માર્ચના રોજ એક નિચલી કોર્ટે મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું. ચારેય દોષિતોને 20 માર્ચના રોજ સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવશે. કોર્ટે ડેથ વોરન્ટને ત્રણ વાર એ આધારે ટાળઈ દીધું હતું કે દોષિતોના તમામ કાયદાકીય ઉપચાર સમાપ્ત થયા નથી.

દિલ્હીમાં 23 વર્ષની વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર 2012 ની રાત્રે એક ચાલતી બસમાં બર્બરતા સાથે સામૂહિત બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના 15 દિવસ બાદ પીડિતાનું સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાએ દેશ આખાને હચમચાવી દીધો હતો. પીડિતાને નિર્ભયા નામથી ઓળખવામાં આવી. આ મામલે 6 લોકો આરોપી હતા જેમાં એક નાબાલિગ પણ હતો. તો છઠ્ઠા ગુનેગાર રામ સિંહે મામલામાં સુનાવણી શરુ થયાના થોડા સમય બાદ આત્મહત્યા કરી લીધી હતી. નાબાલિકને 2015 માં છોડી દેવામાં આવ્યો હતો.

ભાજપનો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસની કમલનાથ સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતા, જેથી દિગ્વિજય સિંહે પણ બેંગલોર જઈને નારાજ વિધાનસભ્યોને મળવાના પ્રયાસો કર્યા હતા. બેંગલુરુમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સહિત પ્રદેશ કોંગ્રેસના પ્રધાનોને કર્ણાટક પોલીસ દ્વારા અટકાયતમાં લેવાની ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીં ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા સાંજે એકઠા થયા હતા અને સૂત્રો પોકાર્યાં હતાં. શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગઈ કાલે સાંજે ભાજપ કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગ્રેસના 58 કાર્યકર્તાઓની સામે કેસ નોંધ્યો છે. હબીબગંજ વિસ્તારમાં નગર પોલીસ અધિકારી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે  ભાજપના જિલ્લા અધ્યક્ષ વિકાસ વીરાનીની ફરિયાદને આધારે પોલીસે રાહુલ રાઠોર સહિત આઠ લોકોની સામે અને 50 અજાણ્યા લોકોની સામે કેસ નોંધ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે આ આરોપીઓની સામે IPCની કલમ 147, 323 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો   

પ્રદેશ ભાજપના પ્રવકતા રાહુલ કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકાર મધ્ય પ્રદેશમાં જવાની છે એટલે હતાશામાં તેમણે ભાજપ કાર્યાલય પર હુમલો કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું હતું કે અમે શાંતિથી બેઠા હતા, ત્યારે અચાનક કોંગ્રેસના લોકોએ પથ્થરો અને લાકડીઓથી અમારા પર હુમલો કર્યો હતો.

પોલીસે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી

ભાજપના કાર્યાલયની સામે કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા આવ્યા ત્યારે પોલીસે આ પ્રદર્શનકારીઓમાંથી કેટલાકની ધરપકડ કરી લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા નથી નથી. વળી કોઠારીના આરોપોનો ઇનકાર કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ભૂપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય શાંતિપૂર્ણ પ્રદર્શન માટે ગયા હતા, પણ વિરોધ કરતાં પહેલાં જ તેમને હિરાસતમાં લીધા હતા.

 

મધ્ય પ્રદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઃ જાણો 10 મોટી વાતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશમાં શક્તિ પરીક્ષણ મામલાને લઈને આજે ફરીથી સુનાવણી છે. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બાગી ધારાસભ્યો સાથે જસ્ટિસની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ઠુકરાવતા કહ્યું કે, વિધાનસભા જવું કે ન જવું તે ધારાસભ્યો પર નિર્ભર છે પરંતુ તેમને બંધક બનાવીને ન રાખી શકાય. જસ્ટિસ ધનંજય વાય ચન્દ્રચૂડ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની પીઠે કોંગ્રેસના 22 જેટલા બાગી ધારાસભ્યોના રાજીનામાના કારણે મધ્યપ્રદેશમાં ઉત્પન્ન રાજનૈતિક સંકટને લઈને દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી અને કહ્યું કે, તે વિધાનસભા દ્વારા આ નિર્ણય કરવા મામલે દખલ નહી કરે કોની પાસે સદનનો વિશ્વાસ છે પરંતુ તેણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આ 16 ધારાસભ્યો સ્વતંત્ર રુપથી પોતાના અધિકારનો ઉપયોગ કરે. પીઠે આ ધારાસભ્યો સાથે ચેમ્બરમાં મુલાકાત કરવાની વાતને એ કહેતા ફગાવી દીધી કે આવું કરવું યોગ્ય નહી હોય.

  1. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના 9 જેટલા ધારાસભ્યો સાથે જ મધ્યપ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળની અરજીઓ પર સુનાવણી ગુરુવારના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધી માટે સ્થગિત કરી દીધી છે. હવે આજે આ મામલે ફરીથી સુનાવણી છે.
  2. બાગી ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ મનિંદર સિંહે કોર્ટને કહ્યું હતું કે, એ વાત ખોટી છે કે ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે અને જબરદસ્તીના પણ તમામ આરોપો ખોટા છે. સિંહે કહ્યું કે, તેમણે પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા સ્વીકારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો.
  3. ભાજપે જોર આપતા કહ્યું કે, તે 16 બાગી કોંગ્રેસ ધારાસભ્યોને લાવી શકે છે અને ચેમ્બરમાં જસ્ટિસ ચંદ્રચૂડ અને ગુપ્તા સામે રજૂ કરી શકે છે અને જસ્ટિસ ધારાસભ્યોના વિચારો વિશે માહિતી મેળવી શકે છે.
  4. કોર્ટમાં કોંગ્રેસ દ્વારા વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, આજે અમે એક ગજબ પ્રકારની સ્થિતિમાં છીએ. રાજ્યની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો છે. સૌથી મોટી પાર્ટી વિશ્વાસ મત એ દિવસે જીત્યો હતો. 18 મહિલા સ્થિર સરકાર કામ કરી રહી હતી.
  5. કોંગ્રેસે આગળ કહ્યું કે, સ્પીકરને એ દર્શાવવાનું રહેશે કે રાજીનામા સ્વૈચ્છિક છે કે નહી. દવેએ કહ્યું કે, ધારાસભ્યોને કીડનેપ કરવામાં આવ્યા છે. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો જે આદેશ મોકલ્યો છે તે પૂર્ણ રીતે અસંવૈધાનિક છે.
  6. કોંગ્રેસે ગવર્નર પર સવાલ ઉઠાવતા તેમના પત્રનો હવાલો આપ્યો અને કહ્યું કે, ગવર્નર એવું કેવી રીતે કહી શકે છે અમારી પાસે બહુમત નથી જ્યારે બહુમત પરીક્ષણ પણ થયું નથી. કોઈપણ વિશ્વાસમત 16 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં થવો જોઈએ.
  7. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જ્યારે સ્પીકરે 6 રાજીનામાનો સ્વીકાર કર્યો તો શું તેમણે તમામ 22 ધારાસભ્યો પર પોતાના વિવેકનો ઉપયોગ કર્યો. આ મામલે દવેએ કહ્યું કે, આજે સૌથી મૂળભૂત મુદ્દો એ છે કે રાજ્યપાલ એક ફ્લોર ટેસ્ટ માટે કેવી રીતે નિર્દેશિત કરી શકે છે? તેઓ આ નક્કી ન કરી શકે. રાજીનામા પર નિર્ણય લેવા માટે રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી.
  8. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા મુકુલ રોહતગીએ તમામ બાગી ધારાસભ્યોને જસ્ટિસની ચેમ્બરમાં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેનો કોર્ટે અસ્વિકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વૈકલ્પિક ઉપાય અંતર્ગત કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ આજે આ બાગી ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે અને તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.
  9. મુકુલ રોહતગીએ કહ્યું કે, કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાં, જેમાંથી 6 રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારને એક દિવસ પણ સત્તામાં ન રહેવા દેવી જોઈએ. રોહતગીએ આરોપ લગાવ્યો કે 1975માં ઈમરજન્સી લગાવીને લોકતંત્રની હત્યા કરનારી પાર્ટી હવે આંબેડકરના ઉચ્ચ સિદ્ધાંતોના ઉદાહરણો આપી રહી છે.
  10. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં ગઈકાલે રાત્રે કોંગ્રેસ ધારાસભ્યોના દળની બેઠક થઈ હતી. આ બેઠકમાં બેંગ્લોર ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરવા ગયેલા કોંગ્રેસના નેતાઓને કર્ણાટક પોલીસ દ્વારા તેમને મળતા રોકવામાં આવ્યા, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અને બળપૂર્વક એરેસ્ટ કરવામાં આવ્યાને લઈને સર્વસંમતિથી નિંદા પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ચીનમાંથી જન્મેલા આ વાયરસે અમેરિકા, ઈટલી, યૂરોપ સહિતના અનેક દેશોમાં હાંહાકાર મચાવ્યો છે.  ભારતમાં કોરોના વાયરસની અસર થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી માર્ચના રોજ એટલે કે આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેની સાથે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી શું ખાસ જાહેરાત કરી શકે છે? શું સંદેશો આપી શકે છે? મહત્વનું છે કે અત્યારે દેશ કોરોનાના સ્ટેજ-2માંથી પસાર થઇ રહ્યો છે. પહેલું સ્ટેજ એ હોય છે જ્યાં વાયરસનું સંક્રમણ શરૂ થાય છે. બીજા સ્ટેજમાં ત્યાંથી સંક્રમિત વ્યક્તિ પોતાના ઘર/દેશમાં આવે છે. ત્રીજા સ્ટેજમાં સ્થાનિક સ્તર પર એકથી બીજામાં તેનો પ્રસાર થાય છે અને ચોથા સ્ટેજમાં આ મહામારીનું રૂપ ધારણ કરી લે છે. ઇટલી અને ચીન જેવા દેશ ચોથા સ્ટેજમાં છે.

ભારત હજુ બીજા સ્ટેજમાં છે. તેના પરથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તેને સ્ટેજ-3મા જતો રોકવા માટે પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. ચર્ચા એવી છે કે પીએમ મોદી આખા દેશને લૉકડાઉન કરવાની જાહેરાત કરી શકે છે. કોરોનાની સૌથી ડરામણી તસવીર તો યુરોપના ઇટાલીની છે. આ સ્થિતિમાં ઉત્તરી ઇટલી, ફ્રાન્સની સંપૂર્ણ ગતિવિધિઓને ધીમી કરતા બધાને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. ઓફિસના કામકાજને સંપૂર્ણપણે વર્ક ફ્રોમ હોમમાં ફેરવી દેવામાં આવે.

તેની સાથે જ વડાપ્રધાન મોદી ઝડપથી બદલાતા તાજા ઘટનાક્રમ અને તેને ઉકેલવા માટે સરકારની તરફથી ઉઠાવામાં આવેલા જરૂરી પગલાની માહિતી આપી શકે છે. કોરોના વાયરસના સંક્રમણના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 151 કેસ સામે આવી ચૂકયા છે.

વડાપ્રધાને આની પહેલાં બુધવારના રોજ એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી, જેમાં કોરોના વાયરસને ઉકેલવા અને આ બાબતની તૈયારીઓને મજબૂત કરવા પર ચર્ચા કરી. તેમાં તપાસની સુવિધા અંગે પણ વિસ્તારથી વાત કરાઇ.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના વધતા કેસને રોકવા માટે યુદ્ધસ્તરે તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દરરોજ તેની સમીક્ષા કરી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરા સામે લડવા માટે તંત્રને એલર્ટ રહેવા પર જોર આપ્યું છે. તેમણે અધિકારીઓ અને તકનીકી નિષ્ણાતોને આગળનું પગલું ભરવાને લઇ વિચાર કરવાનું પણ કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસનો મુકાબલો કરવામાં લાગેલી રાજ્ય સરકારો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, સેના અને અર્ધસૈનિક બળોની સાથે પણ અન્ય તમામનો આભાર માન્યો છે.

જેઠી મધનું સેવન કોરોના જેવા રોગોને રાખે દૂર

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારો કોરોના વાઈરસની ચર્ચા છે. બદલાતા હવામાન અને કોરોના વાઈરસ સામે લડવા માટે તમારી બોડીને મજબૂત બનાવવી છે તો તમારી રોજિંદી લાઈફમાં જેઠી મધ(મુલેઠી)નો સમાવેશ કરી લો. મધની સાથે મુલેઠી અથવા કેન્ડીની જેમ જેઠી મધને ચુસવું તમને જાહેર સ્થળ પર કોઈપણ પ્રકારના ચેપથી બચાવી શકે છે.

બદલાતા મોસમમાં મોટાભાગના લોકોનો રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આનું મુખ્ય કારણ સતત વધતુ-ઘટતુ તાપમાન હોય છે, જેની સાથે આપણા શરીરને સંતુલન જાળવવામાં મુશ્કેલી આવે છે. આ સ્થિતિમાં, શરીરને એક્સ્ટ્રા સપોર્ટની જરૂર હોય છે, જે તેને વધુ એનર્જી આપી શકે. જેઠી મધ એક એવી આયુર્વેદિક દવા છે, જે આપણા શરીરમાં પાવર બૂસ્ટરની જેમ કામ કરે છે…

એવું નથી કે આપણે કોઈ રોગનો ભોગ બન્યા હોય ત્યારે જ જેઠી મધનું સેવન કરવું જોઈએ. જો તમે ઇચ્છો છો કે તમે હંમેશાં સ્વસ્થ અને તંદુરસ્ત રહો, તો તમારે ચોક્કસ માત્રામાં નિયમિત રીતે જેઠી મધનું સેવન કરવું જોઈએ. જેઠી મધના સેવનથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને  હાનિકારક બેક્ટેરિયા અને વાઈરસ આપણા શરીર પર ઝડપથી હુમલો નથી કરી શકતા. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો કોરોના વાયરસથી બચવા માટે જેઠી મધના સેવનની ભલામણ કરી રહ્યા છે. તે લિક્યોરસ અને લિકરિસના નામથી પણ ઓળખાય છે.

જેઠી મધ ગળા, કાન, આંખો અને નાકમાં થતાં રોગોથી સુરક્ષિત રાખે છે. સામાન્ય રીતે આપણને જે ચેપ લાગે છે તે શ્વાસ અને ગળા દ્વારા થાય છે. જેમ કે ઉધરસ, તાવ, છીંક આવવી વગેરે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે તમે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં છો અને ગળા કે નાકમાં દુખાવો થઈ શકે છે, તો જેઠી મધના નાના ટુકડા પર મધ લગાવીને તેને ટોફીની જેમ ચૂસી શકો છો.

નિયમિતપણે જેઠી મધનું સેવન અસ્થમા જેવા રોગો સામે રક્ષણ આપે છે. કારણ કે તેમાં Expectorant ગુણ હોય છે. આ શરીરના હવાના માર્ગમાં કફના ઉત્સર્જનને સંતુલિત કરવાનું કામ કરે છે. આના સેવનથી વ્યક્તિ ગળામાં સોજો (બ્રોકાઈટિસ), અને અસ્થમા જેવા રોગોથી બચી શકે છે.

આ ઉપરાંત જેઠી મધનો તમારી રોજિંદી લાઈફમાં ઉપયોગ હ્રદય રોગ, અર્થરાઈટિંસ જેવી બિમારીઓથી બચાવે છે તો જેઠી મધમાં ગ્લાયસિરીઝિન અને કાર્બેનોક્સોલોન જેવા સક્રિય સંયોજનો હોવાને કારણે તેમારી પાચન શક્તિ વધારે છે.

સુવિચાર – ૧૯ માર્ચ, ૨૦૨૦

ભીડ ઘટાડો: મુંબઈની ‘બેસ્ટ’ બસોમાં ઊભીને પ્રવાસ ન કરવાની અપીલ

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો મુંબઈમાં વધુ ન ફેલાય એ માટે મહારાષ્ટ્ર સરકાર અને મહાનગરપાલિકા વહીવટીતંત્ર એકદમ સતર્ક છે. રેલવે સ્ટેશનો પર અને બસ સ્ટોપ્સ કે એસ.ટી. બસ ડેપો ખાતે લોકોની ભીડ ઓછી થાય એ માટે લોકોને જરૂર વગર પ્રવાસ ન કરવાની અને શક્ય હોય તો ઘેરથી જ પોતપોતાનું કામ કરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે.

મહાપાલિકા સંચાલિત ‘BEST’ કંપનીએ બસ પ્રવાસીઓને અપીલ કરી છે કે વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને બસમાં ભીડ ન કરવા અને આજથી ઊભીને પ્રવાસ ન કરવાની અપીલ કરી છે.

લોકલ ટ્રેનો તથા બસ જેવા જાહેર પરિવહન સેવાના સાધનો પર પ્રવાસીઓનો ભાર ઘટાડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવા સાધનો પર પ્રવાસીઓનો ભાર 50 ટકા જેટલો ઘટાડવાનું સરકારે નક્કી કર્યું છે.

ભારતમાં કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. કાલે સાંજથી પાંચ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કુલ 152 સંક્રમિત કેસો છે, આમાં 25 જણ વિદેશના છે. 14 જણ ઠીક થઇને ઘરે પહોંચ્યા છે, ત્રણના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં 45 કેસો નોંધાયા છે. આ રોગને કારણે મુંબઈમાં એક જણનું મરણ નિપજ્યું છે.

બેસ્ટ બસોને કોરોના વાઈરસના જંતુઓથી મુક્ત રાખવા માટે કંપની દ્વારા બસોમાં સતત સફાઈ કરાવવામાં આવી રહી છે. કર્મચારીઓ બસની સીટ તથા હેન્ડલ્સ વગેરેને સતત જંતુનાશકો વડે સ્વચ્છ કરતા રહે છે. (જુઓ આ તસવીરો)

પેટીએમ કેવાયસી નામે સાવધાન! ઠગનો ભોગ ન બનતા

નવી દિલ્હી: શું તમે ડિજીટલ પેમેન્ટ માટે પેટીએમ નો ઉપયોગ કરી રહ્યા છો? તો કેવાયસી (નો યોર કસ્ટમર) કરાવી લેજો નહીંતર તમે છેતપિંડીનો શિકાર બની શકો છો. કેવાયસીના નામે ઠગ લોકો તમારી પાસેથી તમારા બેંક ખાતાની માહિતી માંગી શકે છે. છેલ્લા થોડા સમયમાં અનેક એવા મામલાઓ સામે આવ્યા છે જેમાં ઘરે બેઠા કેવાયસીની સુવિધાના નામે લોકો સાથે છેતરપિંડી થઈ છે. જેથી તમારે પેટીએમ કેવાયસી ના નામ પર આવતા ફ્રોડ કોલ અને મેસેજથી સાવધાન રહેવાની જરૂર છે.

આ રાખો સાવધાની

  • જો કોઈ તમને પેટીએમ કેવાયસી વેરિફિકેશન માટે ફોન કે મેસેજ કરે તો, તેના પર ભરોસો ન કરો.
  • કોઈ અજાણી વ્યક્તિના કહેવા પર કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરો. ઠગ લોકો આ એપ્લિકેશન મારફતે તમારો ડેટા ચોરી શકે છે.
  • હંમેશા યાદ રાખો કે, ફોન કે મેસેજ દ્વારા કોઈપણ વોલેટ કંપની કેવાયસી વેરિફિકેશન નથી કરતી.
  • કંપની તેના ગ્રાહકોનું કેવાયસી માત્ર કંપની દ્વારા નિયુક્ત કરેલા એજન્ટ દ્વારા જ કરે છે.

મહત્વનું છે કે, કંપનીના એજન્ટો ગ્રાહકોની સામે જ તેનું કેવાયસી કરે છે. જો કે, ગ્રાહકોને એપ્લિકેશન મારફતે મિનિમમ કેવાયસીની સુવિધા આપવામાં આવે છે. સાયબર ઠગ કેવાયસીના અપડેટ કરાવવાના નામે ગ્રાહકોને ચૂનો લગાવી રહ્યા છે. જેથી કેવાયસી માટે તમને ફોન કે મેસેજ આવે તો સાવધાન રહેજો.