Home Blog Page 4921

રાશિ ભવિષ્ય 19/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ તા. 19/03/2020

સેન્સેક્સ-નિફ્ટી ત્રણ વર્ષના તળિયે, ક્રૂડ ઓઇલ 17 વર્ષના તળિયે

અમદાવાદઃ ચીનથી કોરોના વાઇરસ નીકળીને વિશ્વભરમાં ફેલાઇ ગયો છે. જે પછી વિશ્વમાં કેટલાય દેશોમાં ઇમર્જન્સી સ્થિતિ આવી ચૂકી છે. જેથી સ્થાનિક બજારો ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા છે. બીજી બાજુ શેરબજારોમાં ચાલી રહેલા બ્લડબાથને લીધે ક્રૂડ ઓઇલ પણ 17 વર્ષના તળિયે પહોંચ્યું હતું. જે છ ડોલર તૂટીને પ્રતિ બેરલ 25 ડોલરે પહોંચ્યું હતું.  આજે સેન્સેક્સ 1709 પોઇન્ટ અને નિફ્ટી ઇન્ડેક્સ 425 પોઇન્ટ તૂટ્યો હતો. બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 43.34 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ધોવાણ

પાછલા એક મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 11,759 અને નિફ્ટી 3524 પોઇન્ટ તૂટી ચૂક્યા છે. આ સાથે નિફ્ટી બેન્ક 9,982 પોઇન્ટ અને બીએસઈ 500માં 4,4417 પોઇન્ટનો ઘટાડો થયો છે, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 4,284 પોઇન્ટ તૂટ્યો છે.

રોકાણકારોને 45 લાખ કરોડનો ચૂનો

19 ફેબ્રુઆરીએ બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1,58,71,065.31 કરોડ હતું, જે  18 માર્ચે બજાર બંધ થયું ત્યારે ઘટીને રૂ. 1,13,63,705.55 કરોડ થઈ ગયું હતું. આમ એક મહિનામાં શેરમાં રોકાણ કરવાવાળા રોકાણકારોને રૂ. 45.07 લાખ કરોડનું નુકસાન થયું છે.

આજે ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્સ, રિયલ્ટી, ઓઈલ-ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ઘટીને બંધ રહ્યા હતા.

આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક 23.90 ટકા, પાવરગ્રીડ 11.29 ટકા, કોટક બેન્ક 11.23 ટકા, બજાજ ફાઈનાન્સ 11.11 ટકા, HDFC બેન્ક 9.92 ટકા, NTPC 8.08 ટકા, હીરો મોટોકોર્પ 7.86 ટકાનો સમાવેશ થાય છે.

આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં ONGC 9.83 ટકા, ITC 0.97 ટકાનો સમાવેશ થાય છે.

 

કોરોના વાઈરસ સામે ભારતમાં લોકોની સાવચેતી વધી…

દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ રોગચાળા સામે સુરક્ષિત રહેવા માટે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. લોકો વારંવાર સાબુથી હાથ ધોતા રહીને, મોઢા પર માસ્ક પહેરીને રસ્તે ચાલતા, કામ કરતા કે પ્રવાસ કરતા જોવા મળ્યા છે. રોગચાળાનો ફેલાવો રોકવા ભારતવાસીઓએ લીધેલા પગલાંથી વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રભાવિત થઈ છે. ઉપરની તસવીરમાં તૃણમુલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુવા મોઈત્રા દિલ્હીસ્થિત સંસદભવનમાં એમનાં હાથ સેનિટાઈઝર્સથી સ્વચ્છ કરી રહ્યાં છે.


કોળીકોડ શહેરમાં એક એસટી બસની અંદર મહિલા પ્રવાસીઓ મોઢા પર માસ્ક પહેરીને બેઠી છે. એક પ્રવાસી સેનિટાઈઝર વડે પોતાનાં હાથ સ્વચ્છ કરી રહી છે.


નવી દિલ્હીમાં એક સ્વયંસેવક એક ઓટોરિક્ષા પર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો છે.


કોલકાતામાં હાથરિક્ષા ચાલકે પણ મોઢા પર માસ્ક પહેરીને પોતાને કોરોના સામે સુરક્ષિત કરી દીધો છે.


નવી દિલ્હીમાં એક સ્વયંસેવક ડીટીસી કંપનીની એક બસની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો છે


મુંબઈમાં કસ્તુરબા હોસ્પિટલની બહારના રસ્તા પર એક યુગલ મોઢા પર માસ્ક પહેરીને જઈ રહ્યું છે.


જમ્મુ રેલવે સ્ટેશન ખાતે મોઢા પર માસ્ક પહેરેલા પ્રવાસીઓ ટિકિટ માટેની લાઈનમાં ઊભા છે.


આસામના બક્સામાં ભારત-ભૂટાન સરહદ નજીક તબીબી ટીમના સભ્યો થર્મલ સ્ક્રીનિંગ સાધન વડે લોકોનું ટેમ્પરેચર માપે છે.


ઓડિશાના યાત્રાધામ બોધ ગયાના મહાબોધી મંદિરમાં કર્મચારી જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો છે.


ગુવાહાટી સ્ટેશન ખાતે ઉભેલી એક ટ્રેનની અંદર એક મહિલા પ્રવાસી મોઢા પર પ્રોટેક્ટિવ માસ્ક પહેરીને બેઠી છે.


આસામના એક ગામમાં એક આદિવાસી મહિલા પ્રોટેક્ટિવ માસ્ક પહેરીને પોતાનું વણાટકામ કરી રહી છે.


સુરતમાં હીરાના વેપારીઓ મોઢા પર માસ્ક પહેરીને બેઠા છે.


આસામના ઉત્તરપારા ગામમાં સ્વયંસેવકો ગામવાસીઓને હાથ કેવી રીતે સ્વચ્છ રાખવા એ શીખવે છે.


રાંચીમાં અધિકારીઓ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના હાથ પર અધિકારીઓ સેનિટાઈઝર છાંટી રહ્યા છે.


કમલનાથ સરકાર રાજકીય વમળમાં: દિગ્વિજય સિંહની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોથી ન્યાયાધીશોની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ફગાવતાં ટિપ્પણી કરી હતી કે વિધાનસભામાં જવું કે ના જવું એ વિધાનસભ્યો પર નિર્ભર છે, પણ તેમને બંધક બનાવીને ના રાખી શકાય. જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની બનેલી ખંડપીઠે કોંગ્રેસના 22 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાંને પગલે મધ્ય પ્રદેશમાં આવી પડેલા રાજકીય સંકટ મામલે આવેલી અરજીની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરતાં કહ્યું હતું. કોર્ટ વિધાનસભા દ્વારા લેવાયેલા એ નિર્ણયની વચ્ચે નહીં પડે કે વિધાનસભામાં કોની પાસે વિશ્વાસ છે, પરંતુ કોર્ટે એ સુનિશ્ચિત કરવાનું છે કે એ 16 વિધાનસભ્યો સ્વતંત્રરૂપે પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

કોર્ટની ખંડપીઠે આ વિધાનસભ્યોની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને એ કહેતાં ફગાવી દીધી કે આવું કરવું ઉચિત નહીં હોય. આટલું જ નહીં, રજિસ્ટ્રારે જનરલને પણ આ બળવાખોર વિધાનસભ્યો પાસે મોકલવાનો ઇનકાર કર્યો હતો. ખંડપીઠે આની સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના નવ વિધાનસભ્યોની સાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસ વિધાનસભ્ય દળની અરજીઓ પર સુનાવણી ગુરુવારે સવારે સાડાદસ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

બીજી બાજુ કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની બળવાખોર વિધાનસભ્યોથી મળવાની અરજી પણ ફગાવી દીધી હતી. દિગ્વિજય સિંહે આ અરજીમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસ વિધાનસભ્યોથી મળવાની અનુમતિ માગી હતી.

દિગ્વિજય સિંહ વિધાનસભ્યોને મળવા બેન્ગલોર પહોંચ્યા

બેન્ગલોરની એક હોટલમાં રોકાયેલા કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોને મળવા દિગ્વિજય સિંહ પહોંચ્યા હતા, જ્યાં તેમને રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેઠા હતા. એ પછી પોલીસ તેમને સાવચેતીરૂપે અટકાયમાં લીધા હતા. જોકે થોડી વાર પછી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એ પછી દિગ્વિજય સિંહે તેમનૈ મળવા માટે હાઇકોર્ટમાં રિટ કરી હતી, પણ એ અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

બળવાખોર નેતાનો દિગ્વિજયને સંદેશ

કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોએ એક વિડિયો જારી કરીને કહ્યું હતું કે રાછલા એક વર્ષથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા હતા પણ અમારી રજૂઆત સાંભળવા કોઈ તૈયાર નહોતું. તેમણે કહ્યું હતું કે અમે અમારી મરજીથી રાજીનામાં આપ્યાં છે અને કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરવામાં અમને કોઈ રસ નથી.

 

 

 

 

 

 

 

ગણપત યુનિવર્સિટીએ ઘરે બેઠા ભણવાની વ્યવસ્થા કરી

ગાંધીનગરઃ વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ જોવા મળ્યા છે જેને લઈને ભારત સરકારે સાવચેતીના અને સારવારના અનેક મોટા પગલા ભર્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ 29 માર્ચ સુધી શાળા અને કોલેજો બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર ન પહોંચે એટલા માટે ગણપત યુનિવર્સિટી દ્વારા તેમના દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ ડેવલપ કરી વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસરુમની આધુનિક સુવિધા પૂરી પાડી છે.

ગણપત યુનિવર્સિટીની એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેનેજમેન્ટ સ્ટડીઝ, કોમ્પ્યુટર એપ્લીકેશન્સ, ફાર્મસી, સોશિયલ સાયન્સ એન્ડ હયુમેનિટિઝ, સાયન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ તેમજ આર્કિટેક્ચર, ડિઝાઈન એન્ડ પ્લાનિંગ સહિતની કુલ આઠ ફેકલ્ટીનાં ચૂનંદા પ્રોફેસર્સને ખાસ તાલિમ આપીને વિદ્યાર્થીઓને ઓન-લાઈન લેકચર આપવા તેમજ ઇન્ટરએક્ટિવ સંવાદ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને મેઈલ અને મોબાઈલ મેસેજ દ્વારા તેમના લેક્ચર્સનું ટાઇમ ટેબલ આગોતરું મોકલી દેવામાં આવે છે અને તે મુજબ ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓ લોગ-ઓન થઈ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હાજર થઈ જાય છે. વિદ્યાર્થી જયારે ઘેર બેઠાં એના મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ઉપરથી વર્ચ્યુઅલ લર્નિંગ સિસ્ટમ સાથે જોડાય ત્યારે તેના પ્રોફેસર બોલે તે તો એ સાંભળી જ શકે છે પરંતુ સાથે સાથે એમના શબ્દો સ્ક્રીન ઉપર નીચે સ્ક્રોલ સ્વરૂપે લખાતા પણ જાય છે, જેથી વિદ્યાર્થીને સાંભળવામાં કઈ ચૂક થાય તો વાંચીને પણ લેકચરને સમજી શકે છે.

આખું લેકચર રેકોર્ડ કરવાની પણ સિસ્ટેમમાં વ્યવસ્થા હોવાથી તેની લિંક વિદ્યાર્થીને મોકલીને લેકચરનો ઓડિયો પણ સુલભ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થી તેના અનુકૂળ સમયે રીવિઝન પણ કરી શકે છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમની આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને સુલભ કરાવવા માટે ગૂગલના “હેંગઆઉટ ટૂલ”નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

IPL: ફ્રેન્ચાઇઝીઓ વિદેશી ખેલાડીઓને એકાંતવાસમાં રાખવા તૈયાર

નવી દિલ્હી: કોરોના વાઈરસને પગલે વિદેશ પ્રવાસ સંબંધી સરકારની ચેતવણીને લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝીઓ, વિદેશી ખેલાડીઓને 14 દિવસ માટે એકાંતવાસમાં રાખવા તૈયાર છે. પરંતુ અત્યારે ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓને વિઝા મળવાની રાહ જોઇ રહી છે. 31 માર્ચ સુધી સરકારે કેટલાક દેશોના લોકોને ભારતમાં પ્રવેશ સ્થગિત કરી દીધો છે.

સોમવારે સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર યુએઈ, કતાર, ઓમાન, કુવૈતથી ભારત આવતા લોકોને ઓછામાં ઓછા 14 દિવસ એકાંતવાસમાં રાખવામાં આવશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનના સભ્ય દેશો, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, તુર્કી અને ગ્રેટ બ્રિટનના લોકોને પણ ભારત આવતા રોકવાનું કહેવામાં આવ્યું છે.

એક આઈપીએલ અધિકારીના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટના ભવિષ્યને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ અંગે દર સપ્તાહે બેઠક મળશે અને વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા પહેલા તેમને પાંચ દિવસનો બ્રેક આપવામાં આવશે.

સુપ્રીમઃ ઓમરને મુક્ત કરવા હોય તો જલ્દી કરો, નહીંતર…

જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મુક્ત કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે કેન્દ્રને આગામી અઠવાડિયા સુધીનો સમય આપતા કહ્યું કે, ઓમર અબ્દુલ્લાને કસ્ટડીમાંથી મુક્ત કરી રહયા છો? તો જલ્દીથી જ તેને મુક્ત કરો નહીંતર અમે કસ્ટડી વિરુદ્ધ તેની બહેનની અરજી પર સુનાવણી હાથ ધરીશું. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને સવાલ પૂછ્યો કે શું તેઓ જાહેર સલામતી કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવેલા ઓમર અબ્દુલ્લાને મુક્ત કરવાની કોઈ યોજના બનાવી છે? આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબ્દુલ્લાની અટકાયત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં તેમની બહેને અરજી દાખલ કરી હતી. તેમની બહેન સારા અબ્દુલ્લા પાયલટે અરજીમાં જણાવ્યું છે કે, ઉમરની અટકાયત તેમની અભિવ્યક્તિના અધિકારનું હનન છે. સરકાર દ્વારા તેમના વિરોધીઓના અવાજ દબાવવાનો પ્રયાસ છે.

 

અમિતાભે ‘હોમ ક્વોરન્ટીન’ વિશે જાગૃતિ ફેલાવી; મુંબઈ મહાપાલિકા પ્રભાવિત થઈ

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર હાથની તસવીર શેર કરી છે જેમાં ‘હોમ ક્વોરન્ટીન’નો થપ્પો મારેલો છે.

‘હોમ ક્વોરન્ટીન’નો થપ્પો મારેલા હાથની તસવીર અમિતાભે ગઈ કાલે મોડી રાતે ટ્વીટ કરી હતી.

એ સાથેની કેપ્શનમાં એમણે લખ્યું હતું: ‘T 3473 – મુંબઈમાં વોટર શાહી સાથે હાથ પર થપ્પો મારવાનું શરૂ કરવામાં આવ્યું છે… સુરક્ષિત રહો, સાવચેત રહો, જો નિદાન થાય તો આઈસોલેટ રહેજો.’

સ્પષ્ટતા એ કરવાની કે અમિતાભને કોરોના વાઈરસ લાગુ પડ્યો નથી, પરંતુ લોકો સાવચેત રહે અને અનિવાર્ય ન હોય તો પ્રવાસે જવાનું ટાળે અને ઘરમાં જ રહે એ વિશેનો આ એક પ્રકારનો જનજાગૃતિ સંદેશ છે.

હોમ ક્વોરન્ટીન વિશે જનજાગૃતિ ફેલાવવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અમિતાભ બચ્ચનનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે બચ્ચન કોરોના વાઈરસ અંગે સોશિયલ મિડિયા પર સક્રિય રીતે સલાહ-સૂચન આપતા રહે છે. હાલમાં જ એમણે કોરોના વાઈરસ ઉપર એક કવિતા લખી હતી અને એનું પઠન કરતો વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. મુંબઈમાં જુહૂ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને એમણે એમના પ્રશંસકો સાથે એમની સાપ્તાહિક રવિવારની મીટિંગ યોજવાનું પણ રદ કરી દીધું છે.

પીઢ અભિનેતા દિલીપ કુમારે પણ પોતાને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટે આઈસોલેટ કર્યા છે. પોતાને આ વાઈરસનો ચેપ જરાય ન લાગે એટલા માટે એમણે પોતાને સંપૂર્ણપણે ક્વોરન્ટીન કરી દીધા છે. 97-વર્ષીય દિલીપ કુમારે આ જાણકારી પોતે જ ટ્વિટર મારફત આપી હતી.