Home Blog Page 4923

દેશમાં 142 કોરોનાના કેસઃ જાણો 10 મોટી વાતો…

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવવાની સાથે જ દેશમાં આ વાયરસથી પીડાતા લોકોની સંખ્યા 142 પર પહોંચી ગઈ છે. તાજેતરમાં બ્રિટનની યાત્રાએથી પાછા ફરેલા 18 વર્ષીય યુવકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ આ પશ્ચિમ બંગાળનો કોરોના વાયરસનો પ્રથમ કેસ બની ગયો છે. આ જાણકારી રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે યુવકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાવાના શરુ થયા અને બાદમાં અહીંયા બેલિયાઘાટ આઈડી હોસ્પિટલમાં તેને ભરતી કરવામાં આવ્યો. યુવક ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટન ગયો હતો અને તે રવિવારે ત્યાંથી પાછો આવ્યો હતો. ભારતમાં કોરોના વાયરસના કારણે મુંબઈના 64 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસથી દેશમાં મૃત્યુ પામેલાનો આ ત્રીજો કેસ છે.

અધિકારીઓએ જણાવ્યું કે કોવિડ-19 થી મહારાષ્ટ્રમાં મૃત્યુનો આ પ્રથમ મામલો છે જ્યારે મૃતકની પત્નીની હાલત સ્થિર છે. આ પહેલા કર્ણાટકના કલબુર્ગીમાં સાઉદી અરબની યાત્રા કરનારા 76 વર્ષીય વ્યક્તિનું કોરોના

  1. દેશમાં 22 વિદેશી નાગરિકો સહિત 142 જેટલા લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર, સ્વાસ્થ્યમાં સુધારા બાદ અત્યારસુધીમાં 13 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચૂકી છે, જેમાં કેરળના ત્રણ કેસો સામે આવ્યા છે. BMC ના પ્રમુખ પ્રવીણ પરદેશીએ કહ્યું કે, મુંબઈનો દર્દી શહેરના કસ્તુરબા હોસ્પિટલમાં ભરતી હતો. તેમણે જણાવ્યું કે મૃતક કોરોના વાયરસ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ પીડાતો હતો.
  2. ICMR ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, હવે તેઓ જલ્દી જ કોરોના વાયરસનો ટેસ્ટ પ્રાઈવેટ લેબમાં પણ શરુ કરવા જઈ રહ્યા છે. અહીંયા આ લોકોની તપાસ કરવામાં આવશે જેમણે પહેલા ભારતથી બહારની યાત્રા કરી છે.
  3. કોરોના વાયરસને રોકવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. પહેલી જરુર છે કે એક જગ્યા પર વધારે લોકો એકત્ર ન થાય. આ જ કડીમાં વેસ્ટર્ન રેલવેએ પ્લેટફોર્મ ટીકિટના ભાવ વધારી દીધા છે જેથી રેલવે સ્ટેશનમાં વધારે લોકો એકત્ર ન થાય. વેસ્ટર્ન રેલવે સ્ટેશન અંતર્ગત 6 ડિવીઝન આવે છે કે જેમાં મુંબઈ, વડોદરા, રતલામ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટ છે.
  4. કોરોનાના સંકટને ધ્યાને રાખતા દિલ્હી યૂનિવર્સિટીએ હવે ટીચર્સને પણ ઘરેથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે. ટીચર્સની માંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  5. ભાજપ સંસદીય દળની બેઠકમાં કોરોના વાયરસનો મુદ્દો છવાયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટ સત્ર આખુ ચાલશે. તેમણે કોરોના વાયરસને લઈને આવતા સમાચારો પર મીડિયાના વખાણ પણ કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, મીડિયાએ પોઝિટીવ સમાચારો બતાવ્યા છે. બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સાંસદોને કોરોના વાયરસ સામે લડવા માટે ભરવામાં આવેલા પગલાની પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.
  6. વડાપ્રધાને કહ્યું કે, 15 એપ્રીલ સુધી કોઈ આંદોલન ભાજપ ન કરે. તેમણે કહ્યું કે કોઈ મુદ્દો છે તો તેમના પર જાહેર ખબર આપી શકાય છે પરંતુ રોડ પર આંદોલન ન થાય. વડાપ્રધાન મોદીએ આની સાથે જ ભાજપના સાંસદોને કોરોના વાયરસ વિશે જાગૃતતા ફેલાવવા માટે આહ્વાન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંસદના બજેટ સત્રમાં કોઈ કપાત ન કરવામાં આવે.
  7. કર્ણાટકના કલબુર્ગીમાં ગત સપ્તાહે કોરોના વાયરસના ચેપથી જીવ ગુમાવનારા વૃદ્ધની સારવાર કરનારા ડોક્ટરને પણ ચેપ લાગ્યો હતો. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કર્ણાટકમાં ચેપના બે નવા કેસો સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. આમાં એક મૃતકનો પણ સમાવેશ થાય છે.
  8. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનુસાર, પહેલાથી નક્કી કાર્યક્રમ અનુસાર નોવેલ કોરોના વાયરસ માટે એક વેક્સિન પર પરિક્ષણ શરુ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, આ ઈતિહાસમાં સૌથી વધારે તેજ વિકસિત થનારી વેક્સિન છે. વેક્સિન બનાવનારી કંપની, મોર્ડને કહ્યું કે આ વેક્સિનને ટેસ્ટ કરવાના પહેલા સ્ટેપમાં એક વોલેન્ટિયર પર પ્રયોગ કરવામાં આવ્યો છે.
  9. પાકિસ્તાનમાં કોરોના વાયરસના ચેપના કારણે પ્રથમ મોત થયું છે જ્યારે દેશમાં આ વાયરસના દર્દીઓનો આંકડો 193 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે, અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના કારણે પ્રથમ મૃત્યુ લાહોરમાં થયું છે. તો સિંધમાં 155, ખૈબર પખ્તૂનખ્વામાં 15, બલૂચિસ્તાનમાં 10, ગિલગિત-બાલ્ટીસ્તાનમાં 5, ઈસ્લામાબાદમાં 2 અને પંજાબમાં 6 લોકોમાં ચેપ નોંધાયો છે.
  10. વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો 6000 સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસનો કહેર શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. રોજ દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. 24 કલાકમાં 12 નવા કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટી થઈ છે.

બેંગલુરૂ પહોંચેલા દિગ્ગીરાજાની અટકાયત અને છૂટકારો

બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા છે. જેમને મળવા માટે જ્યારે તેઓ સવારે હોટલની બહાર પહોંચ્યા તો કથિત રીતે પોલીસે તેમને રોક્યાં. જેના પગલે તેઓ હોટલની પાસે જ ધરણા પર બેસી ગયા. ત્યારબાદ સુરક્ષા કારણોસર પોલીસે દિગ્વિજય સિંહને અરેસ્ટ કરવા પડ્યાં. દિગ્વિજય સિંહે કહ્યું કે હું બળવાખોર ઉમેદવારોના પાછા ફરવાની આશા રાખી બેઠો હતો. પરંતુ અમે જોયું કે તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યાં છે. તેમના પરિવાર તરફથી પણ મેસેજ આવ્યાં. મેં પોતે આ અગાઉ તેમાંથી 5 ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી પરંતુ તેમણે જણાવ્યું કે તેમના ફોન લઈ લેવામાં આવ્યાં છે અને હોટલ બહાર પોલીસ તૈનાત છે. તેઓ 24 કલાક પહેરામાં છે.

અહીં આવવા અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાનો ઉમેદવાર છું. 26 માર્ચે મતદાન થવાનું છે. મારા ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા છે. તેઓ મારી સાથે વાત કરવા માંગે છે. પરંતુ તેમના ફોન છીનવી લેવાયા છે. પોલીસ મને તેમની સાથે વાત કરવા દેતી નથી. ધારાસભ્યોની સુરક્ષાને જોખમ છે.

જો કે પોલીસે તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકરોએ એમ થવા દીધુ નહીં. આ અગાઉ જ્યારે દિગ્વિજય સિંહ ત્યાં પહોંચ્યા તો કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે તેમની મુલાકાત કરી. ત્યારબાદ દિગ્વિજય સિંહ કોંગ્રેસના કાર્યકરોની સાથે બળવાખોર ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યાં.

આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. ભાજપે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જલદી  કરાવવા અંગેની માગણીવાળી અરજી કરી છે.

મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ મંગળવારે બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી. ધારાસભ્ય ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું કે કમલનાથજીએ ક્યારેય અમને 15 મિનિટ પણ સાંભળ્યા નથી. તો પછી અમારા વિસ્તારના વિકાસકાર્યો માટે અમારે વાત કોને કરવી? અન્ય એક ધારાસભ્ય ઈમરતી દેવીએ  કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે અને અમે તેમની પાસેથી ઘણું શીખ્યા છે. અમે હંમેશા તેમની સાથે રહીશું પછી ભલે અમારે કૂવામાં કૂદવું પડે.

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય બિસાહુલાલે સીએમ કમલનાથ પર નિશાન સાધતા કહ્યું કે કમલનાથે મધ્ય પ્રદેશનો નહીં પરંતુ ફક્ત છીંદવાડાનો વિકાસ કર્યો છે. મુખ્યમંત્રી સમગ્ર પ્રદેશના હોય છે, પરંતુ કમલનાથજી ફક્ત છીંદવાડાના સીએમ બનીને રહ્યાં.

અહીં અલગ અલગ ધારાસભ્યોએ પ્રેસને કરેલા સંબોધનમાં કહ્યું કે તમે અમને ખુલ્લા મને પ્રશ્નો પૂછી શકો છો. બંધક શબ્દને અમારાથી અલગ કરો. અમે લોકો મુક્ત થઈને ઘૂમી રહ્યાં છીએ. અમે કમલનાથજીને પણ અહીં આમંત્રિત કરી શકીએ છીએ.

બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે અમે બધા કમલનાથ સરકારથી નાખુશ છીએ અને અમે બધાએ રાજીનામા આપ્યાં છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ સમજી રહ્યાં છે કે દોઢ વર્ષમાં કશું કરી શક્યા નથી. સિંધિયા કમલનાથના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં જે સરકાર બની હતી તેની સાથે એક વચનપત્ર પણ બન્યું હતું. ત્યારે સિંધિયાએ કહ્યું હતું કે તેઓ રસ્તા પર ઉતરશે. આજે જેટલા પણ ધારાસભ્યો આવ્યાં છે, તેઓ પોતે જાતે આવ્યાં છે. સરકાર પાસે અમારા માટે જરાય સમય નથી. જો કે અમે ભાજપમાં જોડાયા નથી. અમે નક્કી કરીશું કે અમારે આગળ શું કરવાનું છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા છે. પરંતુ હજુ અમારા રાજીનામા મંજૂર થયા નથી. કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઈમરતીદેવીએ કહ્યું કે તેમની પાસે ધારાસભ્યો અને મંત્રીઓને મળવાનો સમય નથી. સિંધિયા અમારા નેતા છે પરંતુ ભાજપમાં જોડાવવા પર અમે વિચાર કરીશું.

નિર્ભયા કેસના અપરાધીની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી

નવી દિલ્હીઃ 2012ની સાલમાં દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની ‘નિર્ભયા’ પર ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાયેલા ચારમાંના એક અપરાધી અક્ષય સિંહ ઠાકુરની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી છે. અક્ષય તથા અન્ય ત્રણ અપરાધીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવાનું નિર્ધારિત છે, પણ અક્ષયની પત્ની પુનીતાએ અરજી કરી છે કે એના પતિને ફાંસી અપાય એ પહેલાં પોતે એની સાથે છૂટાછેડા લઈ લેવા માગે છે.

પુનીતાએ કહ્યું છે કે પોતે અક્ષયની વિધવા તરીકે જિંદગી જીવવા ઈચ્છતી નથી. એણે છૂટાછેડા માટે બિહારના ઔરંગાબાદની ફેમિલી કોર્ટના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ છૂટાછેડાની અરજી નોંધાવી છે.

એણે અરજીમાં લખ્યું છે કે એના પતિને 2012ની 16 ડિસેંબરના જીવલેણ ગેંગરેપ કેસમાં અપરાધી જાહેર કરી મોતની સજા ફરમાવવામાં આવી છે. પોતાનો પતિ નિર્દોષ છે એની પોતાને ખાતરી છે, પરંતુ પોતે અક્ષય સિંહ ઠાકુરની વિધવા તરીકે બાકીનું જીવન જીવવા ઈચ્છતી નથી.

મૃતક નિર્ભયા 23 વર્ષની હતી અને ફિઝિયોથેરપી ઈન્ટર્ન તરીકે કામ કરતી હતી. 2012ની 16 ડિસેંબરની રાતે દક્ષિણ દિલ્હીમાં એક દોડતી બસમાં એની પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. તે પંદરેક દિવસ બાદ મૃત્યુ પામી હતી.

આ ગુનો આચરવા બદલ છ જણની ધરપકડ કરવામાં આવી હતી. એમાંનો એક આરોપી સગીર વયનો હતો. રામ સિંહ નામના એક આરોપીએ કેસની કાર્યવાહી શરૂ કરાયાના અમુક દિવસો બાદ તિહાર જેલમાં આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. સગીર વયના આરોપીને સુધારણા ગૃહમાં 3 વર્ષ વિતાવ્યા બાદ 2015માં છોડી મૂકવામાં આવ્યો હતો.

પુનીતાનાં વકીલે કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ હેઠળ કોઈ સ્ત્રીનો પતિ બળાત્કાર સહિતના અધમ ગુના માટે અપરાધી જાહેર કરાય તો એની સાથે છૂટાછેડા મેળવવા માટે હકદાર બને છે.

અક્ષય સિંહ ઠાકુર બિહારના ઔરંગાબાદ જિલ્લાના લહંગ કર્મા ગામનો રહેવાસી છે. નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસમાં અક્ષય ઉપરાંત વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહને પણ ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.

આ ચારેય જણની દયાની અરજીઓ તથા રીવ્યૂ પીટિશનોને ન્યાયતંત્રએ ફગાવી દીધી છે. આ ચારેય જણે મોતની સજામાંથી બચવાના આખરી પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો સંપર્ક કર્યો છે.

ચારેયના ડેથ વોરંટના અમલને ત્રણ વખત મુલતવી રાખવામાં આવી ચૂક્યું છે. હવે નવું ડેથ વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.

પવન નામના જલ્લાદને તિહાર જેલમાં બોલાવી લેવામાં પણ આવ્યો છે.

મૂડીઝે ભારતનો GDP ગ્રોથ ફરી ઘટાડીને 5.3 ટકા અંદાજ્યો

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ઝડપથી પ્રસરી રહેલા  કોરોના વાઇરસની અસરને પગલે રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે વર્ષ 2020 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.3 ટકા કર્યો હતો. રેટિંગ એજન્સીએ ફેબ્રુઆરીના પાછલા અનુમાનની તુલનાએ 10 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો. આ પહેલાં મૂડીઝે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. રેટિંગ એજન્સીએ સ્પષ્ટ કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોરોના વાઇરસની અસર ભારતીય અર્થતંત્ર પર દેખાશે, કેમ કે આ રોગચાળાની ઔદ્યોગિક કામકાજમાં અડચણો આવશે.

વૈશ્વિક મંદીનું જોખમ વધ્યું

મૂડીઝે કહ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો જેટલો લાંબો ચાલશે એટલી વૈશ્વિક આર્થિક મંદીનું જોખમ વધુ રહેશે. એજન્સીએ કહ્યું હતું કે કેટલીય સરકારોએ અને કેન્દ્રીય બેન્કોએ નાણાકીય પેકેજ અને ધિરાણદરોમાં કાપ મૂકવા સહિતનાં અનેક પગલાં લીધાં છે.

આ પહેલાં મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર 6.6 ટકા અંદાજ્યો હતો, પણ હવે એ સતત ઘટતાં 1.3 ટકાનો કાપ મૂક્યો હતો. આ પહેલાં વર્ષ 2019માં દેશનો આર્થિક ગ્રોથ 5.3 ટકા રહ્યો હતો. જોકે વર્ષ 2018માં દેશનો જીડીપી ગ્રોથ 7.4 ટકા હતો.રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે ઘરેલુ વપરાશમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય નિકાસમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. જેથી ભારતીય અર્થતંત્રના ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડાની આશંકા છે. કોરોના વાઇરસની અસર જેટલી લાબી ચાલશે એટલી અર્થતંત્ર પર નકારાત્મક અસર પડશે, એમ એજન્સીએ કહ્યું હતું.

 

શા માટે અત્યારે તમારા હાથમાં રોકડ રકમ હોવી જરૂરી?

નવી દિલ્હી: કોરોના વાઈરસના ભય વચ્ચે શેર માર્કેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? શું આ તમારા માટે તક છે?  પહેલેથી ખરીદેલા શેરો વધુ ખરીદવા જોઈએ?… આવા બધા પ્રશ્નોનો તમારા મનમા ચાલતા હશે. સમગ્ર વિશ્વ જે માહામારીથી ડરી રહ્યું છે તે એટલી અલગ છે કે આપણે ક્યારેય જોયું નથી. આપણે એ વિચારવું પડશે કે આગળ શું કરવું….

કોરોના જેવી મહામારીના સમયે તમને તમારા નાણાની ચિંતા થવી સ્વભાવિક છે. શેરબજાર અને અન્ય જગ્યાએ તમારા રોકાણમાં ઘટાડતા મૂલ્યને લઈને ચિંતા થવી વાજબી છે પરંતુ આ ચિંતાને એક બાજુ મૂકી દો. અહીં આપણે જાણીશું કે, કોરોનાના વધતા જતા ભય વચ્ચે નફો કમાવવાને બદલે શું કરવું જરૂરી છે.

અત્યારે માત્ર એક જ વસ્તુ મહત્વની છે કે તમારા હાથમાં રોકડા રૂપિયા કેટલા છે? સતત ઘટતા જતા શેર બજારમાંથી નાણા ઉપાડવા કે તેમાં રોકાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમારી પાસે રોકડ ન હોય તો શેર બજારમાંથી નાણા કાઢી લો, ભલે તેમા નુકસાન થઈ રહ્યું હોય. જો બેંકમાં પૂરતી રોકડ છે, તો પૈસા બજારમાં રહેવા દો. રોકાણનો નિર્ણય લેવા માટે આ યોગ્ય સમય નથી. હાલ આપણે વોર ઝોનમાં છીએ જ્યાં જીવન બચાવવાને પ્રાથમિકતા છે. આ સ્થિતિમાં જરૂરી છે, તમારી પાસે ઓછામાં ઓછા ત્રણ મહિનાના ખર્ચ માટે રોકડા નાણા હોવા.

સોશિયલ મીડિયા પર કોરોના વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. પણ તમારે સોશિયલ મીડિયાને બાજુ પર મૂકી સરકાર જે સત્તાવાર જાહેરાત કરે તેના પર જ ધ્યાન આપવું જોઈએ. સરકારની દરેક સલાહને અનુસરો. અને સોશિયલ મીડિયાથી દૂર રહો.

કંપનીઓએ આ હેલ્થ ઈમરજન્સીને નિવારવા અનેક પગલાં લીધાં છે. આવી સ્થિતિમાં, કામકાજ બંધ કરી શકાય એમ નથી. કંપનીઓ દ્વારા ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દેશોમાં કામ કરવા જવાનું હાલના સમયે મુલતવી રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે કોઈ બિઝનેસ ચલાવી રહ્યા નથી ત્યાં સુધી કોઈ આર્થિક નિર્ણય ન લો. કોઈ સંપત્તિ વેચશો નહીં કે કોઈ નવું રોકાણ ન કરો.

લગભગ 15 દિવસથી બધે શટડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે વસ્તુની જમાખોરી શરૂ કરી દો. જો નવા કેસોમાં ઘટાડો થાય તો ટૂંક સમયમાં શટડાઉન સમાપ્ત થઈ શકે છે, નહીં તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે લંબાઈ પણ શકે છે.

તમારા વડીલોની સંભાળ રાખો. તેઓને તમારી જરૂર છે કે નહીં તે જુઓ. સોશિયલ મીડિયાની મદદ લો, જૂથમાં રહેવું સારું નથી લોકોને તેનાથી વાકેફ કરો.

કોરોના જેવી મહામારી વચ્ચે, તમારા રોકાણના મૂલ્યમાં ઘટાડો થવાની ચિંતા કરશો નહીં. કારણ કે સંપત્તિ અને આવકમાં તફાવત હોય છે. માર્કેટમાં રોકાણનું મૂલ્ય ઘટી ગયું છે, પરંતુ તમે જે કંપનીમાં કામ કરો છો તેની આવક વધુ મહત્વપૂર્ણ છે. તમારી નોકરી જાળવી રાખો તમારી આવકનું મૂલ્યાંકન કરો અને ખરાબ દિવસો માટે પહેલાથી તૈયારી રાખો. સંકટ સમયે તમારી સંપત્તિ કામ આવશે.

સંકટના આ સમયમાં, જો તમને કોઈ હોસ્પિટલમાં સ્વૈચ્છિક સેવા આપવા માટે કહેવામાં આવે છે, તો તેમાં ચોક્કસપણે જોડાવ. જો ખોરાકનો કચરો દૂર કરવા કહેવામાં આવે, તો તમે એક એપ્લિકેશન બનાવી શકો છો. જો ચેપગ્રસ્ત લોકોથી સંબંધિત બુલેટિન બોર્ડ તૈયાર કરવાનું કહેવામાં આવે, તો ચોક્કસપણે કરો. તમારું આ યોગદાન સમાજ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

એવું વિચારશો નહીં કે કોરોનાને લઈને તમારી આસપાસ જે દેખાઈ રહ્યું છે તે અવાસ્તવિક છે. જો કે, ગભરાવાની પણ જરૂર નથી. આ મહામારીથી બચવાનો હજુ સુધી કોઈ ચોક્કસ ઉપાય શોધાયો નથી. તેથી  તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ભારતની નજર સસ્તા ભાવની ક્રૂડ ઓઈલની ખરીદી પર

નવી દિલ્હી: ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાનો ફાયદો ઉઠાવવા ભારત પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે સાઉદી અરબ અને સયુક્ત અરબ અમીરાત પાસેથી સસ્તા ભાવે ક્રૂડની ખરીદી કરીને મોટા પ્રણાણમાં સ્ટોક કરવાની યોજના બનાવી છે. ચાલુ મહિને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. પહેલાથી આર્થિક સુસ્તી અને હવે કોરોનાને પગલે આ સ્થિતિ પેદા થઈ છે.

આ ઉપરાંત થોડા દિવસો પહેલા સાઉદી અરબ અને રશિયા વચ્ચે ક્રૂડના ઉત્પાદને લઈને કરાર ન થતા કિંમતોમાં વધુ ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ અને યુએઈ મોટાપાયે ઉત્પાદન ચાલુ રાખશે આ સ્થિતિનો ફાયદો ઉઠાવતા ભારત સસ્તી કિંમતે ઓઈલની ખરીદી કરીને ભવિષ્યની યોજના બનાવવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની ઘટતી જતી કિંમતોનો ફાયદો ઉઠાવવા ઓઈલ મંત્રાલય તરફથી નાણામંત્રીને પત્ર લખીને 48થી 50 અરબની માંગ કરી છે. ઓઈલ મંત્રાલયનું કહેવું છે કે, તે 8-9 મોટા ક્રૂઝમાં ક્રૂડ ઓઈલ ખરીદીને રાખશે જેથી ભવિષ્યમાં સસ્તા ભાવે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરી શકાય.

મહત્વનું છે કે, મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 31 ડોલર પર રહી. ખાડી યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે.

રાશિ ભવિષ્ય 18/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ તા. 18/03/2020

ટોકિયો ઓલિમ્પિક્સને સમયપત્રક અનુસાર યોજવા IOC મક્કમ

જિનેવા: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ એવો દાવો કર્યો છે કે કોરોના વાઈરસ એટલે કે COVID-19 જાગતિક રોગચાળાની અસરની ચિંતા વધી રહી હોવા છતાં આ વર્ષની ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક ગેમ્સ સંબંધિત હાલને તબક્કે કોઈ ધરખમ નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી.

કોરોના વાઈરસે ઊભી કરેલી કટોકટીનો સામનો કેવી રીતે કરવો એ વિશે ચર્ચા કરવા માટે IOCના એક્ઝિક્યૂટિવ બોર્ડે આંતરરાષ્ટ્રીય ફેડરેશનો સાથે આજે ટેલિકોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ એણે નિવેદન બહાર પાડ્યું હતું અને એમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

નિવેદનમાં જણાવાયું છે કે, ઓલિમ્પિક ગેમ્સ ટોકિયો 2020 યોજવા માટે IOC સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગેમ્સ શરૂ થવાને હજી ચાર મહિનાનો સમય છે તેથી હાલના તબક્કે ગેમ્સના આયોજન અંગે કોઈ ધરખમ નિર્ણયો લેવાની એને કોઈ જરૂર જણાતી નથી. વળી, હાલને તબક્કે કોઈ અફવાથી પણ નુકસાન થઈ શકે છે.

કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઓલિમ્પિક ગેમ્સ ટોકિયો 2020 માટેની તૈયારીઓને માઠી અસર જરૂર પડી છે અને તે અસર રોજેરોજ બદલાઈ પણ રહી છે. પરંતુ, IOCને વિશ્વાસ છે કે દુનિયાભરના સત્તાવાળાઓ જે પગલાં લઈ રહ્યાં છે તે કોવિડ-19 વાઈરસની પરિસ્થિતિને રોકવામાં મદદરૂપ થશે.

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ટોકિયો શહેરમાં યોજવાનું નિર્ધારિત છે.

કોવિડ-19 નું ફૂલ ફોર્મ પૂછતાં ચકરાવે ચડ્યા ભાજપના પ્રવક્તા

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં ભય ફેલાયો છે. ચીનના વુહાન પ્રાંતમાં જન્મેલા આ કોરોના વાયરસે હજારો લોકોના જીવ લઈ લીધા છે. લાખોની સંખ્યામાં લોકો અત્યારે કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. ઘણા ઉદ્યોગો ઠપ્પ પડી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસને મહામારી જાહેર કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. પોતાના દેશમાં અત્યાર સુધીમાં 127 જેટલા લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મોત પણ થયા છે. 19

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખતા સરકારે તમામ જરુરી પગલા ભર્યા છે. દિલ્હીમાં મહામારી એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત 50 થી વધારે લોકો એક જગ્યાએ હવે એકત્ર નહી થઈ શકે. તો અન્ય રાજ્યોમાં પણ આ રોગને ફેલાતો રોકવા માટે મોલ, મલ્ટીપ્લેક્સ, થીયેટર્સ અને તમામ એવી જગ્યાઓને બંધ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે કે જ્યાં લોકો એકત્ર થાય છે.

કોરોના વાયરસના સંકટની ચર્ચા મીડિયામાં મુખ્ય મુદ્દો બની ગઈ છે. આના પર રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે. વિપક્ષ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહી રહ્યો છે કે સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટેના યોગ્ય પગલા ભર્યા નથી. તો ભાજપ તરફથી પણ એ વાતનો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, સરકાર આ મુદ્દે ગંભીર છે અને આનાથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

આ મુદ્દે એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે ડિબેટ થઈ રહી હતી. કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધતા સંબિત પાત્રાને પૂછ્યું કે કોવિડ-19 નું ફુલ ફોર્મ શું છે પરંતુ સંબિત પાત્રા પ્રશ્ન સાંભળતા જ ભડકી ઉઠ્યા અને એંકરને કહેવા લાગ્યા કે આ લોકો આવું જ બધું કરશે. ડિબેટની એંકરે પણ કોંગ્રેસ નેતાને કહ્યું કે, તમે લોકો સંબિત પાત્રાનું જનરલ નોલેજ શા માટે ચેક કર્યા કરો છો.

રોહન ગુપ્તા એંકર અને સંબિત પાત્રાના વિરોધ છતા પોતાના પ્રશ્ન પર અડગ રહ્યા અને તેમને કોવિડ-19 નું ફુલફોર્મ પૂછતા રહ્યા. રોહન કુમારે એ કહેતા સંબિત પાત્રા પર પ્રહારો ચાલુ રાખ્યા કે આ ભાજપને લોકો કોરોના વાયરસ પર ગંભીર થવાની વાત કરે છે અને આ લોકો તો કોવિડ-19 ના ફૂલફોર્મ વિશે જાણતા પણ નથી.