Home Blog Page 4927

કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી માર્કેટબંધ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.

અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ હાથ ધોવા માટે મોબાઈલ સેવા શરુ કરવામાં આવશે. સોસાયટી તેમજ ગલી-મહોલ્લાઓની બહાર સેનેટાઈઝર ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. 50 થી વધારે લોકો જેમાં જોડાવાના હોય તેવા કાર્યક્રમને મંજૂરી આપવામાં નહી આવે. કેજરીવાલે લોકોને અપીલ કરી કે, જો શક્ય હોય તો લગ્ન પ્રસંગો અત્યારે ટાળો. પરંતુ આના પર રોક લગાવવામાં આવી નથી. કેજરીવાલે કહ્યું કે, મોલ પર અત્યારે રોક લગાવવામાં આવી નથી. પરંતુ જો જરુર પડશે તો એક-બે દિવસમાં આ મામલે વિચાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના વાયરસથી બચવા માટે દિલ્હી સરકાર શક્ય તમામ પગલા ભરી રહી છે. આ જ ક્રમ અંતર્ગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવ પણ બેઠકમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા દિલ્હી સરકારે 31 માર્ચ સુધી તમામ શાળા-કોલેજો અને થીયેટર્સને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

કોરોના હાઉથી સેન્સેક્સ વધુ 2,713 પોઇન્ટ ઘટ્યો

અમદાવાદઃ ભારતીય શેરબજારો સપ્તાહના પ્રારંભે ભારે ઘટાડા સાથે ખૂલ્યાં હતાં. બજાર પર કોરોના વાઇરસનો ડર ભારે હાવી છે. મુંબઈ શેરબજારના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના પણ તમામ ઇન્ડેક્સમાં પણ નરમાઈ પ્રવર્તતી હતી. આમ શેરોમાં સાર્વત્રિક વેચવાલી ચાલુ રહી હતી.

સ્થાનિક બજારોમાં મેટલ ઇન્ડેક્સ આશરે આઠ ટકા, જ્યારે નિફ્ટી બેન્ક સાત ટકા તૂટ્યો હતો. આ સાથે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ છ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ આઠ ટકા તૂટ્યા હતા. ઓટો અને એફએમસીજી અને આઇટી ઇન્ડેક્સમાં 5.5 અને 6.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારે આજે રૂ. 6.25 લાખ કરોડનું નુકસાન કર્યું હતું. આ સિવાય માર્ચની શરૂઆતથી અત્યાર સુધીના 16 સેશનમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ રોકાણકારોના રૂ. 16 લાખ કરોડ ધોવાયા હતા.

ફેડે વ્યાજદર પણ ઘટાડ્યો અને રાહત પેકેજનું એલાન કર્યું

કોરોના વાઇરસ રોગચાળા માટે ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરો એક ટકા ઘટાડીને લગભગ ઝીરો કરી કરી દીધા હતા. આ ઉપરાંત ફેડે 700 અબજ ડોલરના રાહત પેકેજની પણ જાહેરાત કરી હતી. બીજી બાજુ જાપાન, યુરોપ સ્વિટઝર્લેન્ડ અને સાઉથ કોરિયાની મધ્યસ્થ બેન્કોએ મોટાં પગલાં લીધાં હતાં.ચીનમાં પણ દરોમાં કાપ આજથી લાગુ થશે.

એસબીઆઇ કાર્ડનો ઇસ્યુ ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ

એસબીઆઇ કાર્ડ્સનો ઇસ્યુ પણ લિસ્ટિંગ પણ 13 ટકા નીચે ડિસ્કાઉન્ટમાં થયું હતું. એસબીઆઇ કાર્ડના શેરોનું બીએસઈ પર રૂ. 658 અને એનએસઈ પર રૂ. 661ના ભાવે લિસ્ટિંગ થયું હતું. જોકે બજાર બંધ થવાના સમયે શેર રૂ. 25 વધીને રૂ. 683.20ના મથાળે બંધ રહ્યો હતો. જોકે ઇસ્યુ કિંમતથી આ શેર રૂ. 71.80ના ભાવે બંધ થયો હતો.

 

 

 

BSE એસએમઈ પ્લેટફોર્મ પર 319મી કંપની એસએમ સ્ટેમ્પિંગ લિસ્ટ થઈ

મુંબઈ તા.16 માર્ચ, 2020: આજથી બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર 319મી કંપની એસએમ ઓટો સ્ટેમ્પિંગ લિમિટેડ લિસ્ટ થઈ છે.

એસએમ ઓટો સ્ટેમ્પિંગ લિમિટેડે તેના રૂ.10ની મૂળ કિંમતના 38.40 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.18ના ભાવે મળીને કુલ રૂ.691.20 લાખના શેર્સ ઓફર કર્યા હતા. કંપનીએ 5 માર્ચ, 2020ના રોજ સફળતાપૂર્વક તેનો પબ્લિક ઈશ્યુ પાર પાર પાડ્યો હતો.

એસએમ સ્ટેમ્પિંગ લિમિટેડ મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની હેડ ઓફિસ નાશિક ખાતે છે. કંપની ઓટો કંપોનન્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં ક્લચીસ, બ્રેક્સ, એન્જિન્સ માઉન્ટિંગ્સ, ચેસિસ, શાફ્ટ ડ્રાઈવ, બોડી ટ્રિમ્સ, બેરિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સનો વપરાશ પેસેન્જર કાર્સ, કમર્શિયલ વેહિકલ્સ અને ટ્રેક્ટર્સમાં થાય છે. કંપનીનાં ડીપ ડ્રાઉન અને કંટ્રોલ પેનલ્સ કંપોનન્ટ્સનો વપરાશ ઈલેક્ટ્રિક ઉદ્યોગમાં પણ થાય છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 319 કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે બજારમાંથી રૂ. 3,311.13 કરોડ એકત્ર કર્યા છે. આ કંપનીઓનું અત્યારે કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.16,289.79 કરોડ છે. આ ક્ષેત્રે બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

27 વર્ષની થઈ આલિયા ભટ્ટ; એને SOTY સાથે કારકિર્દીનો આરંભ કરવો નહોતો

મુંબઈઃ ‘રાઝી’, ‘હાઈવે’, ‘ઉડતા પંજાબ’, ‘ગલીબોય’ જેવી ફિલ્મોમાં કરેલી ભૂમિકાઓ બદલ એવોર્ડ જીતનાર આલિયાએ રવિવારે તેની સહેલીઓ અને પરિવારજનોની સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. એ પાર્ટીમાં તેની ખાસ સહેલી આકાંક્ષા રંજન કપૂર, માતા સોની રાઝદાન, બહેન શાહિન ભટ્ટે પણ હાજરી આપી હતી.

બર્થડે પાર્ટીમાં એક કરતાં વધારે કેક કાપવામાં આવી હતી. આલિયાની બહેન શાહિને કેક-કટિંગના વિડિયો પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા.

આલિયા જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે.

1993ની 15 માર્ચે મુંબઈમાં જન્મેલી આલિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી કરી હતી. એ પહેલી જ ફિલ્મથી તે છવાઈ ગઈ હતી. એ પછી એણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને લગભગ બધી જ ફિલ્મોમાં એની એક્ટિંગની પ્રશંસા થઈ છે, દર્શકોએ એનો અભિનય વખાણ્યો છે. જેમ કે, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’.

ઘણાયને કદાચ ખબર નહીં હોય, પણ 1999માં, ‘સંઘર્ષ’ ફિલ્મમાં અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાનાં બાળપણનું પાત્ર આલિયાએ ભજવ્યું હતું. આમ, કેમેરા સમક્ષ અને રૂપેરી પડદા પર એ સૌથી પહેલાં એક બાળ કલાકાર તરીકે ઉપસ્થિત થઈ હતી, પણ રોમેન્ટિક ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એણે પોતાને એક અભિનેત્રી તરીકે સાબિત કરી હતી.

આલિયાને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મ સાથે પોતાની કારકિર્દી શરૂ કરવી નહોતી. એને તો એનાં પિતા મહેશ ભટ્ટ નિર્મિત ‘દિલ હૈ કી માનતા નહીં’ અને ‘હમ હૈ રાહી પ્યાર કે’ જેવી ફિલ્મ સાથે જ બોલીવૂડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી કરવી હતી. પરંતુ ત્યારે એની ઉંમર બહુ નાની હતી. એટલે એને પોતાનું સપનું પડતું મૂકી દેવું પડ્યું હતું અને કરણ જોહરની ‘SOTY’માં કામ કરીને ફિલ્મલાઈનમાં ઝંપલાવવું પડ્યું હતું.

આલિયા છેલ્લે ‘કલંક’ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં એ વરુણ ધવન, માધુરી દીક્ષિત, સંજય દત્ત, આદિત્ય રોય કપૂરની સાથે ચમકી હતી.

આલિયાની આવનારી ફિલ્મો છે – ‘તખ્ત’, ‘સડક 2’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘બ્રહ્માસ્ત્ર’.

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 2020ની 11 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. આ ફિલ્મ હુસૈન જૈદીની નવલકથા ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે.

આલિયા ‘બાહુબલી’ના દિગ્દર્શક રાજામૌલીની નવી ફિલ્મ ‘આરઆરઆર’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષની 30 જુલાઈએ રિલીઝ થવાની છે. એમાં આલિયાનો હિરો છે રામ ચરણ.

આલિયા તેનાં પિતા મહેશ ભટ્ટના જ દિગ્દર્શનમાં બની રહેલી ‘સડક 2’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષની 10 જુલાઈએ રિલીઝ થવાનું નિર્ધારિત છે. આ ફિલ્મમાં આલિયા તેની મોટી બહેન પૂજા સાથે પડદા પર જોવા મળશે. ‘સડક’ ફિલ્મમાં પૂજા અભિનેત્રી હતી.

આલિયા – ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં

‘હાઈવે’ ફિલ્મમાં

‘ઉડતા પંજાબ’માં

‘રાઝી’માં

‘કલંક’માં

‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં વરુણ ધવન સાથે

કોરોના ઈફેક્ટ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડોના નુકસાનનો ડર

નવી દિલ્હી: કોરોના વાઈરસની ભારતીય બજાર પર અસર જોવા મળી રહી છે. હવે બોલીવુડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આમાંથી બાકાત નથી રહી. કોરોના વાઈરસથી બચવા રાજ્યસરકારોએ સિનેમાઘરોને બે અઠવાડિયા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે અત્યાર સુધીમાં 3500થી વધુ સ્ક્રીન બંધ કરી દેવામાં આવી છે. હિન્દી ફિલ્મો માટે મુખ્ય કેન્દ્ર માનવામાં આવતા મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને બિહારમાં સિનેમાઘર બંધ છે. તો બીજી તરફ આગામી દિવસોમાં રિલીઝ થનારી ફિલ્મોને તારીખ પાછી ખેંચી લેવામાં આવી છે, આ ઉપરાંત ટીવી શોના શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

કોરોના વાઈરસને કારણે સ્થિતિ ઝડપથી કાબૂમાં નહીં આવે તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 500થી 800 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. ફિલ્મ નિર્માતા ઉપરાંત નિચલા સ્તર પર કામ કરી રહેલા સિનેમાઘરના માલિકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ફિલ્મ ક્રિટિક અને મલ્ટીપ્લેક્સના માલિક રાજ બંસલના જણાવ્યા અનુસાર, જો સમગ્ર ભારતના સિનેમાઘર બંધ રહેશે તો થિયેટર્સના માલિકોને એક સપ્તાહમાં અંદાજે 40થી 50 કરોડનું નુકસાન થશે. જો કે, આ બંધ કયા સુધી રહે છે તેના પર નુકસાનીનો આંકડો વધ ઘટ થઈ શકે છે. જો એક મહિનો સળંગ બંધ રહેશે તો 500 કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.

કોરોના વાઈરસને કારણે સૌથી વધુ નુકસાન માલિક અને નિર્માતાને થઈ રહ્યું છે. આગામી બંધને લઈને  ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન 26 માર્ચે સરકાર સાથે રિવ્યૂ મીટિંગ કરશે ત્યારપછી આગળની રણનીતિ પર કામ કરવામાં આવશે.

કોરોના વિશ્વની કેટલીય એરલાઇન્સને દેવાળું ફૂંકાવશે

 નવી દિલ્હીઃ જો સરકારો અને ઉદ્યોગો આ રોગચાળામાં કોઈ નક્કર પગલાં ના લે તો કોરોના વાઇરસની અસરે મેના અંત સુધીમાં વિશ્વની કેટલીય એરલાઇન્સ દેવાળું ફૂંકે એવી સંભાવના છે, એમ એક એવિયેશન સલાહકારે આ વિશે વિશ્વને ચેતવણી આપી છે.  કેટલીય એરલાઇન્સો પહેલાંથી જ ટેક્નિકલરૂપથી નાદારી થવામાં અગ્રેસર છે અને દેવાંમાં ડૂબેલી છે, એમ સિડની બેઝ્ડ કન્સ્લ્ટન્સી કાપા (CAPA)  સેન્ટર ફોર એવિયેશને સોમવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી.

તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે એરલાઇન્સ ઝડપથી પોતાની રોકડનું ફંડ ઓછું કરી રહી છે, કેમ કે એમનાં વિમાન ઊડી નથી રહ્યાં અથવા જે ઊડી રહ્યાં છે, એ અડધાં ખાલી રહે છે. CAPAએ કહ્યું હતું કે જો એરલાઇન્સને મોટા નુકસાનથી બચાવવી હોય તો સરકારો અને ઇન્ડસ્ટ્રીએ જોડે મળીને પ્રયાસો કરવા પડશે. CAPAએ કહ્યું હતું કે જો આવું નહીં થાય તો આ સમસ્યાનો સામનો કરવા માટે એક યુદ્ધના મેદાનમાં ઊતરવા જેવું હશે. CAPAએ કહ્યું કે અમેરિકા, ચીન અને મધ્ય-પૂર્વની કેટલીક એરલાઇન્સે સરકાર પાસે મદદ માગી છે. અથવા તેમના માલિકોની મદદથી સર્વાઇવ થઈ રહી છે.

કોરોના વાઇરસના પ્રકોપને લીધે વેપાર-ધંધામાં એવિયેશન ક્ષેત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ રોગચાળાને લીધે એર ટ્રાફિકમાં ભારે ઘટાડો થયો છે. અમેરિકન એરલાઇન્સ ગ્રુપથી માંડીને ઓસ્ટ્રેલિયાના Quntas એરવેઝ લિમિટેડ સુધી વાહક ક્ષમતામાં ઘટાડો આવ્યો છે, જ્યારે સ્વીડનની SAS AB જેવી એરલાઇન્સે મોટા ભાગના હંગામી કર્મચારીઓને દૂર કર્યા છે. બીજી બાજુ યુરોપની સૌથી મોટી એરલાઇન્સ Flybe પહેલેથી જ ધ્વસ્ત થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અનુસાર એરલાઇન્સને આ વર્ષે  આશરે 113 બિલિયન  ડોલરની આવકનું નુકસાન થવાની શક્યતા છે.

 

 

રાજસ્થાન: મહારાણા પ્રતાપની કર્મભૂમિમાં બનશે ફિલ્મસિટી

ઉદયપુર: રાજસ્થાનમાં કોરોના વાઈરસથી પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ ઉદયપુર માટે એક મોટી ખુશખબરી પણ છે, જે આવનારા સમયમાં પર્યટન વ્યવસાયને નવી ઉંચાઈઓ આપશે. ઉદયપુરમાં ફિલ્મસિટી બનશે, જેના માટે મહારાણ પ્રતાપની કર્મભૂમિને પસંદ કરવામાં આવી છે. આગામી સમયમાં ગોગુંદા વિસ્તારના પડાવલી ગામમાં ફિલ્મસિટીનું નિર્માણ કામ શરુ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મસિટી માટે 300 વિઘા જમીન ફાળવણીને લઈને પ્રક્રિયા ચાલી છે. સામૂહિક પ્રયાસો થકી ઉદયપુરમાં ફિલ્મસિટીની સ્થાપનાનો માર્ક મોકળો થયો છે.

અધિક જિલ્લા કલેક્ટર ઓપી બુનકરનું કહેવું છે કે, ફિલ્મસિટીના નિર્માણ માટે જમીન પસંદગી થઈ ચૂકી છે. ફિલ્મસિટી માટે જમીનની ફાળવણી અંગે રાજ્ય સરકાર તરફથી માર્ગદર્શિકા લેવામાં આવી છે, આ જમીનનો માલિક કોણ રહેશે અને અહીં ફિલ્મ સિટીના નિર્માણની જવાબદારી કોની હશે?

અખિલ રાજસ્થાન ફિલ્મ સમિતિના પ્રમુખ મુકેશ માધવાણી કહે છે કે ફિલ્મ સિટીની માલિકી અને નિર્માણ માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. તેમને વિશ્વાસ છે કે જમીનની ફાળવણીની સાથે અહીં ફિલ્મ સિટીના નિર્માણનો માર્ગ મોકળો થશે.

સરકાર 50 મોટા ડિફોલ્ટર્સના નામ જણાવેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર પર દેશની 50 મોટી બેંકના દેવાદારોને બચાવવાનો આરોપ લગાવ્યો તો નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ નેતા મુદ્દા પર રાજનીતિ કરી રહ્યા છે અને કેટલાક લોકો પોતાના પાપોને બીજા માથે મઢવાના પ્રયત્નો કરી રહ્યા છે કે જે અમે નહી થવા દઈએ. રાહુલ ગાંધીને પ્રશ્નકાળમાં પ્રશ્ન ન પૂછવાની મંજૂરી ન આપવા પર કોંગ્રેસ સભ્યોએ વાંધો ઉઠાવ્યો અને આના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા.

સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચોધરીએ આના પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, આ ખરેખર અન્યાય છે કે રાહુલ ગાંધીને પૂરક પ્રશ્ન નથી પૂછવામાં આવી રહ્યો કે જ્યારે પ્રશ્નકાળ સમાપ્ત થવામાં હજી થોડો સમય બાકી હતો. બાદમાં કોંગ્રેસ સભ્યોએ આના વિરોધમાં સદનમાંથી વોકઆઉટ કર્યું. આ પહેલા પૂર્વ નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે દેશમાં તમામ બેંક સુરક્ષિત છે અને યસ બેંકના ગ્રાહકોના પૈસા પણ સુરક્ષિત છે.

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે આમની સરકારે પૈસા આપીને લોકોને દેશની બહાર ભગાડ્યા છે પરંતુ મોદીજી એ જ પૈસા પાછા લાવી રહ્યા છે. મોદી સરકાર જ ભાગેડુ આર્થિક આરોપી સંબંધિત વિધેયક લાવી છે. આવા આર્થિક ગુનેગારોની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ જ ક્રમમાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે, તેઓ આ ચર્ચામાં પેઈન્ટિંગ ખરીદવા વેચવાની વાત નથી કરવા ઈચ્છતા કારણકે તેમની ઈચ્છા આ મુદ્દે રાજનીતિ કરવાની નથી.

રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, વ્યવહારિક રુપથી જોવા જઈએ તો બેંકિંગ સિસ્ટમ કામ નથી કરી રહી. તેમણે કહ્યું કે, આનું મુખ્ય કારણ મોટી સંખ્યામાં લોકો બેંકોના પૈસા ચોરીને ભાગી રહ્યા છે તે છે. તેમણે સરકાર પાસેથી દેશના ટોપ 50 ડિફોલ્ટરર્સના નામ જણાવવાની માંગ કરી. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર તેમના પ્રશ્નોનો ફેરવી-ફેરવીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું હતું કે જે લોકોએ બેંકોના પૈસા લઈ લીધા છે અને પાછા નથી આપ્યા તેવા લોકોને પકડીને લાવશે પરંતુ તેમની સરકાર મોટા 50 ડિફોલ્ટર્સના નામ પણ નથી જણાવી રહી.

ગ્રંથના પંથના અપૂર્વયાત્રી હતા યશવંત દોશી

અમદાવાદઃ ‘ગ્રંથના દરેક પાને એ પોતાનો સ્પર્શ આપતા, પણ ક્યાંય પોતાનો અવાજ ન મૂકતા.’ આ શબ્દો હતા પ્રા. દીપક મહેતાના. સ્થળ હતું, અમદાવાદનું ગુજરાત વિશ્વકોશ ભવન. ગ્રંથ સામયિક દ્વારા ગુજરાતી ભાષામાં અભૂતપૂર્વ પ્રદાન આપનારા આપણા અવલોકનકાર યશવંત દોશીનું આ જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, એ નિમિત્તે વિશ્વકોશમાં દર મહિને યશવંત દોશી વિશે કાર્યક્રમોનો દૌર પણ ચાલી રહ્યો છે. ગત 14 માર્ચ શનિવારે ત્યાં યશવંત દોશી સાથે ‘ગ્રંથ’માં કામ કરવાનો અનુભવ ધરાવતા પ્રા. દીપક મહેતાનું વક્તવ્ય ગોઠવાયું હતું.

દીપકભાઈએ એમના વક્તવ્યમાં યશવંતભાઈના વ્યક્તિત્વને બખુબી આલેખતા એમની તમામ છબીઓ ઝડપી લેતા અનેક સ્મરણો વાગોળ્યા હતા. એમના જ શબ્દોમાં, અવલોકનકારને સંપાદક તરીકે કર્મઠ, નિષ્ઠાવાન યશવંતભાઈ વ્યક્તિ તરીકે એટલા જ સૌમ્ય, સત્યવક્તાને વિવેકી હતા. કામની બાબતમાં આગ્રહી ખરા, પણ હઠાગ્રહી નહીં. પ્રામાણિકતાની એવી શાખ કે નવા નવા સંપાદક તરીકે પણ ઉમાશંકર જોષીને કનૈયાલાલ મુનશી જેવા દિગ્ગજોના પુસ્તક-સંપાદનને વખોડી કાઢતાં જરીકે ન ખચકાય.

યશવંતભાઈનું મહત્વપૂર્ણ યોગદાન એટલે ગ્રંથ સામયિક. આ સામયિકની વિશિષ્ટતાઓ વિશે જણાવતાં દીપકભાઈએ કહ્યું કે ગુજરાતીમાં માત્ર પુસ્તક અવલોકનોને વરેલું આવું ગુણવત્તાસભર સામયિક ‘ગ્રંથ’ પહેલાં કોઈ હતું નહીંને કદાચ હવે કોઈ હશે નહીં. 22 વર્ષ ચાલેલા આ સામયિકમાં જેટલાં પુસ્તક અવલોકનો પ્રકાશિત થયાં છે એટલા ગુજરાતીમાં ક્યાંય નથી થયા. દસ હજારથી વધારે અવલોકનો એમાં છપાયા હતાને સાહિત્ય જ નહીં, જીવનને સ્પર્શતા તમામ વિષયનાં, તમામ ભાષાના અવલોકનો ભાષાંતરિત કરીને પણ યશવંતભાઈએ સતત છાપ્યાં હતાં. હવે આજે ખૂબ જરૂરી છે કે આપણે ગ્રંથ સામયિકની મુંબઈમાં સચવાયેલી ફાઈલ્સને વહેલી તકે ડિજિટલાઈઝ કરી આગલી પેઢી માટે ઉપલબ્ધ કરી આપીએ.

અમદાવાદના સી.એન. મહાવિદ્યાલયમાં ભણેલા યશવંત દોશી પર ત્યારે ભાઈલાલભાઈ શાહની કેટલીક પ્રાર્થનાઓનો ઊંડો પ્રભાવ રહ્યો હતો. આ અવસરે જાણીતાં સંગીતકારો સૌમ્ય મુનશી, આરતી મુનશી ને અલ્પા શાહ દ્વારા એ પ્રાર્થનાઓની સંગીતપ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ, ચંદ્રકાન્ત શેઠ, યશવંતભાઈના પુત્ર અભિજિત દોશી ને એમનો પરિવાર વગેરે અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દીપકભાઈએ અંતે કહ્યું હતું કે ચંદ્રકાન્ત શાહના શબ્દોમાં યશવંતભાઈએ ઓસરીમાં નહીં, અગાશી ઘોડો દોડાવવા જેવું કપરું કામ પાર પાડ્યું હતું. જીવનના અંતિમ તબક્કે યશવંતભાઈએ છેલ્લી મુલાકાત ‘ચિત્રલેખા સામયિક’ને આપી હતી, એમાં એમણે કહેલું કે કોઈ ફરિયાદ નથી રહી, હું તો ભરપૂર જીવ્યો છું.

(અહેવાલઃ સુનીલ મેવાડા, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

યસ બેન્ક ક્રાઇસિસઃ ED અનિલ અંબાણીની પૂછપરછ કરશે

નવી દિલ્હીઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટરે (ED) યસ બેન્કની નાણાકીય કટોકટી સંદર્ભે અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અનિલ અંબાણીએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપીને ED  પાસે કેટલોક સમય માગ્યો છે. હવે EDએ  તેમને બીજું સમન્સ જારી કર્યું હતું, નહીં તો રિલાયન્સના નાણાકીય અધિકારીઓને આ સપ્તાહે બોલાવવામાં આવશે. અનિલ અંબાણીને શનિવારે જ સમન્સ જારી કરવામાં આવ્યા હતા.નાણાકીય કટોકટીગ્રસ્ત યસ બેન્કે ડિસેમ્બર, 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 18,564 કરોડનું નુકસાન કર્યું હતું. ખાનગી ક્ષેત્રનું મેનેજમેન્ટ હાલ રિઝર્વ બેન્કના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યા છે. બેન્કે પાછલા વર્ષે આ સમયગાળામાં રૂ. 1000 કરોડનો નફો કર્યો હતો અને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 629 કરોડનું નુકસાન થયું હતું.

યસ બેન્કની ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં NPA 18.87 ટકા

યસ બેન્કની ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એનપીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના 7.39 ટકાથી વધીને 18.87 ટકા થઈ હતી. બેન્કની પાસેની રિઝર્વમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.