Home Blog Page 4933

વડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો

ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે ભારતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસને લઈ મોદી સરકાર અત્યંત ગંભીર છે અને આ વાયરસ વધારે પ્રસરે નહી તે માટેનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી મોદીએ 21 અને 22મી માર્ચનો પોતાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ્દ કરી દીધો છે.

વડાપ્રધાન મોદીએ આ પહેલા પણ કોરોના વાયરસને કારણે બાંગ્લાદેશનો પ્રવાસ રદ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મુદ્દે ભારત સરકાર સતર્ક છે. અને રાજ્ય સરકાર કેન્દ્રનાં સંપર્કમાં છે. તો કોરોનાને કારણે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 21 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાન વડોદરામાં એક જાહેરસભાને સંબોધિત કરવાના હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું લોકાર્પણ કરવા સહિતના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ કોરોના વાયરસને ધ્યાને રાખતા ભીડ એકત્ર ન થાય તે માટે કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો છે. અને બાદમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

કોરોના વાઇરસથી જંગમાં મોટી સફળતા, HIVની દવાઓનું ઉત્પાદન વધારવાનો ઓર્ડર

નવી દિલ્હીઃ મેડિકલ જર્નલ લાંસેટના જણાવ્યા મુજબ ચીનમાં એન્ટિ HIV દવાઓ કોરોના વાઇરસના કેસમાં કેટલી અસરકારક છે એ વિશે પરીક્ષણ થઈ રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના મુખ્ય સાયન્ટિસ્ટે કહ્યું હતું કે આગામી થોડા દિવસોમાં એનાં અંતિમ પરિણામ આવી જશે. જોકે ભારતમાં HIVની બંને દવાઓ કોવિડ-19ના દર્દીઓ પર સારી અસર બતાવી રહી છે. ભારતમાં મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે. કોરોના વાઇરસ (covid-19)ની રસી બનાવવામાં વર્ષ દોઢ વર્ષનો સમય લાગશે. જોકે હાલ કોરોના વાઇરસગ્રસ્ત દર્દીઓની સારવાર દરમ્યાન એ વાત સામે આવી છે કે HIVની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા લોપિનાવિર અને રિટોનાવિર કોરોનાના દર્દીઓમાં અસરકારક સાબિત થઈ રહી છે. જેથી મોદી સરકારે ફાર્મા કંપનીઓને આ બંને દવાઓનું ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ફાર્મા કંપનીઓ સાથે બેઠક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફાર્મા કંપનીઓ સાથે લાંબી મંત્રણા કરી હતી. જેમાં કમિટી ઓફ એક્સપર્ટ્સે સિપ્લા, માઇલન, ઓરોબિંદો અને અન્ય ફાર્મા કંપનીઓને એન્ટિ HIVની દવાઓનું ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. લોપિનોવિર અને રિટોનોવિર એન્ટિ રેટ્રોવાઇરલ દવા છે. જે HIVને સ્વસ્થ કોશિકાઓમાં જતી અટકાવે છે. ભારત હાલ આ બંને દવાઓની નિકાસ આફ્રિકી દેશોથી કરે છે.

ઇટાલીથી આવેલાં દંપતી હવે સ્વસ્થ

ઇટાલીથી ભારત આવેલાં દંપતીની સારવારમાં લોપિનાવિર અને રિટોનાવિર કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દંપતી જયપુરમાં કોરોના વાઇરસગ્રસ્ત હતાં. દંપતીની સહમતીથી આ બંને દવાઓ તેમને આપવામાં આવી હતી, જેની અસર સારી થઈ હતી. 14 દિવસ પછી હવે તેઓ લગભગ સ્વસ્થ છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું હતું.

ચીનમાં કોરોનાની સ્થિતિમાં સુધારોઃ એપલે ફરી ખોલ્યા પોતાના 42 રિટેલ સ્ટોર્સ

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો છે. ત્યારે અમેરિકાની કંપની એપલે ચીનમાં સ્થિત પોતાના તમામ 42 રિટેલ સ્ટોર્સને ફરીથી ઓપન કર્યા છે. કંપનીએ 1 ફેબ્રુઆરીથી પોતાના તમામ રિટેલ સ્ટોર્સને ચીનમાં બંધ કરી દીધા હતા. માનવામાં આવી રહ્યું હતું કે સ્ટોર્સને 9 ફેબ્રુઆરીના રોજ રિઓપન કરી લેવામાં આવશે પરંતુ એવું ન થયું અને આની તારીખને લંબાવાઈ. ચીનમાં એપલના રિટેલ સ્ટોર્સ બંધ થવાથી ખૂબ મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. આનાથી આ ફોનના વેચાણ પર પણ અસર પડી હતી. પરંતુ હવે ચીને એ વાતની જાહેરાત કરી દીધી છે કે અહીંયાથી કોરોના વાયરસનું સંકટ ઓછું થઈ ગયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અનુસાર, ચીને ખૂબ કઠણ પ્રયાસો બાદ આ વાયરસને રોકવામાં અને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે. આ સુધારો આવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુશ્કેલીઓ અચાનક આવી જવાના કારણે iPhone 11 Pro અને 11 Max જેવા નવા એપલ ફોન્સનું વેચાણ પણ પ્રભાવિત થયું છે. અમેરિકાના રિટેલ સ્ટોર્સ પર આ બંન્ને ફોન્સ સ્ટોકમાંથી ખતમ થઈ ચૂક્યા છે. તો સ્ટોર્સને એ વાતની હજી કોઈ જાણકારી નથી કે તેમની પાસે નવો સ્ટોક ક્યાં સુધીમાં આવશે.

સેન્સેક્સમાં 1,325 પોઇન્ટની રિકવરી, નિફ્ટી 10,000ની નજીક

અમદાવાદઃ કોરોના કહેરને કારણે વિશ્વનાં બજારોમાં અફરાતફરીને પગલે ભારતીય શેરબજારો પણ ખૂલતામાં જ કડાકો બોલી ગયો હતો અને નીચલી સરકિટ લાગી હતી, જેથી 45 મિનિટ સુધી બજારમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યા હતા. જોકે એ પછી રોકાણકારોમાં ગભરાટ શમતાં નીચલા સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,325 પોઇન્ટ વધી 34,100ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 365 પોઇન્ટ વધીને 9,955ના મથાળે બંધ રહ્યો હતો.  

12 વર્ષ પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ

કોરોના વાઇરસને કારણે સ્થાનિક બજારમાં ભારે કડાકો બોલી ગયો હતો, જેથી 12 વર્ષ સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ લાગી ગઈ હતી અને 45 મિનિટ ટ્રેડિંગ અટકાવાયાં હતાં. સેન્સેક્સમાં 3200 પોઇન્ટ અને નિફ્ટીમાં 1100 પોઇન્ટ કડાકો બોલી ગયો હતો. આ પહેલાં 2008માં સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલી સરકિટ લાગી હતી. જોકે એ પછી રિકવરી થઈ હતી.

બેન્ક નિફ્ટી 5.54 ટકા સુધર્યો

બજારમાં કોરોના વાઇરસને લીધે જે ગભરાટ ફેલાયો હતો, એ શમતાં બજારમાં રિકવરી થઈ હતી, જેમાં બેન્ક નિફ્ટી 5.54 ટકા વધીને 25,346.50ના સ્તરે બંધ રહ્યો હતો. એ પહેલાં બેન્ક નિફ્ટી 11 ટકા તૂટ્યો હતો, જે ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો હતો. પીએસયુ બેન્ક 11.73 પોઇન્ટ, ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ છ ટકા, આઇટી ઇન્ડેક્સ બે ટકા અને મેટલ ઇન્ડેક્સ છ ટકા, ઓટો ઇન્ડેક્સ ત્રણ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો વધ્યા હતા.

સાપ્તાહિક રીતે સેન્સેક્સ  અને નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો

સાપ્તાહિક રીતે સેન્સેક્સમાં 9.6 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી પણ 10 ટકા ઘટ્યો હતો. આ સાથે મિડકેપ 11.2 ટકા, મેટલ ઇન્ડેક્સ 14.1 ટકા ઘટ્યા હતા, જ્યારે પીએસયુ ઇન્ડેક્સ 13.4 ટકા અને આઇટી ઇન્ડેક્સ 14.3 ટકા ઘટ્યા હતા.

 

 

 

ટ્વિંકલ ખન્નાએ કહ્યુંઃ મોટો ખુલાસો કરવાની છું એટલે મીડિયા સામે મોઢુ છુપાવ્યું હતું

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાનો તાજેતરમાં જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ એક પેપરથી પોતાનું ચહેરો છુપાવતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટ્વિંકલ કદાચ કોઈ સ્ટૂડિયોમાંથી બહાર આવી રહી છે પરંતુ તે જેવી મીડિયાને ત્યાં જોવે છે કે તરત પોતાનો ચહેરો પેપરથી છુપાવી લે છે. ગાડીમાં બેસી ત્યાં સુધી ટ્વિંકલે પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. ટ્વીંકલનો આ વીડિયો વાયરલ થયા બાદ ટ્વીંકલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે મેં શાં માટે ચહેરો છુપાવી રાખ્યો હતો. સાથે જ એ ઈશારો પણ કર્યો કે પોતાના આવનારા પ્રોજેક્ટને લઈને તે કંઈક મોટો ખુલાસો કરવાની છે. એક્ટ્રેસે લખ્યું કે, હું કંઈક નવું કરવા માટે મારી આઈબ્રો વધારી રહી છું… એક મોટા ખૂલાસાની રાહ જોવો.

સાત મહિના હિરાસતમાં રહ્યા પછી હવે સંસદમાં અવાજ ઉઠાવીશઃ ફારુક અબદુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાને છોડી મૂકવામાં આવ્યા છે. તેમના પર લગાવવામાં આવેલો પબ્લિક સેફ્ટી એક્ટ પણ દૂર કરવામાં આવ્યો છે. તેઓ આશરે સાત મહિનાથી હિરાસતમાં હતા. ફારુક અબદુલ્લાને તેમના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લા અને અન્ય નેતાઓની સાથે પાંચ ઓગસ્ટથી હિરાસતમાં લેવામાં આવ્યા હતા. કેટલાક દિવસો પહેલાં આઠ વિપક્ષી પાર્ટીઓઅ ભાજપના નેતૃત્વવાળી સરકારથી માગ કરી હતી કે કાશ્મીરમાં હિરાસતમાં લેવાયેલા નેતાઓને જલદી છોડવામાં આવે છે, જેમાંથી ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા, ઉમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તી  સામેલ હતા.

જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે એક નોટિફિકેશન દ્વારા તેમને છોડી મૂક્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર જન સુરક્ષા અધિનિયમ 1978ની કલમ 19ની પેટા કલમ એક હેટળ જમ્મુ-સરકાર 15 સપ્ટેમ્બર, 2019એ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને નજરકેદ રાખવામાં આવે છે.

ફારુક અબદુલ્લાએ કહ્યું કે હવે સંસદમાં અવાજ ઉઠાવીશ

ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે અમારી આઝાદી માટે અવાજ ઉઠાવનાર લોકોનું આભારી છું. મને બધા નેતાઓને છોડી મકાયા પછી આ આઝાદી પૂરી ગણાશે મને આશા છે કે ભારત સરકાર હવે બધા નેતાઓને છોડી મૂકશે. હવે હું સંસદમાં જઈશ અને લોકોનો અવાજ ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું.

કોરોના વાઇરસથી દેશની ટેક્સ વસૂલાત અને આર્થિક ગ્રોથ ઘટશે

નવી દિલ્હીઃ કોરાના વાઇરસને કારણે હવે દેશની ટેક્સ વસૂલાતમાં પણ ઘટાડાની આશંકા સેવાઈ રહી છે. શેરબજારમાં પાછલા 10 દિવસોમાં આશરે 9500 પોઇન્ટ ઘટી ચૂક્યા છે, ત્યારે કેટલીય સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં પહેલાની તુલનાએ ઓછું કલેક્શન છે. આ સાથે કોરોનાને કારણે ટેક્સ વસૂલાતમાં ઘટાડો થશે એ નક્કી છે, પણ કેટલો થશે એ કહેવું અત્યારે જરા વહેલું છે. આ વર્ષે નહીં પણ આવતા વર્ષના ટેક્સ વસૂલાતમાં પણ કોરોનાની અસર દેખાશે.વિશ્વનાં બે અર્થતંત્રોના ગ્રોથમાં ઘટાડો થશે

કોરોના વૈશ્વિક રોગચાળો છે, ત્યારે વિશ્વનાં બે મોટા અર્થતંત્રો- અમેરિકા અને ચીન પર એની અસર છે. વૈશ્વિક એજન્સીઓના અહેવાલ અનુસાર ચીનનો ગ્રોથ 0.4 ટકા, અમેરિકાનો ગ્રોથ 0.2 ટકા તથા ભારતનો ગ્રોથ 0.1 ટકા ઘટશે. કોરોનાથી ઔદ્યોગિક ઉત્પાદન અને વૈશ્વિક વેપારમાં ચોક્કસ ઘટાડો થશે.

દેશની નિકાસમાં 10 અબજનો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય ચીજવસ્તુઓની નિકાસમાં પાચલા વર્ષની તુલનાએ કમસે કમ 10 અબજ ડોલરનો ઘટાડો થવાની શક્યતા છે. જીએસટી વસૂલાતમાં પણ ત્યારે જ વધારો થશે, જ્યારે ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થાય. કોરોનાને કારણે માગમાં પણ ઘટાડાના સંકેત મળી રહ્યા છે.

કોરોનાની અસર ટુરિઝમ ઉદ્યોગ પર

કોરોનાને કારણે વિશ્વના દેશોએ સાવચેતીના ભાગરૂપે વિદેશી પ્રવાસીઓ પર પાબંધી લગાડી દીધી છે. જેથી કોરોનાની અસર રેસ્ટોરાં, હોટેલ અને ટુરિઝમ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે, જેથી સર્વિસ ક્ષેત્રે વસૂલાતમાં પણ ઘટાડો થશે. ભારતમાં માત્ર વિદેશી પર્યટકોથી 30 અબજ ડોલર (આશરે રૂ. 21 લાખ કરોડ)ની કમાણી કરે છે.

ચીનથી આયાતમાં ઘટાડો

ચીનની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ભારતીય આયાતકારોએ સાવચેતીરૂપે ચીનથી આયાતમાં કાપ મૂક્યો છે. જેથી જીએસટી વસૂલાતમાં ઘટાડો થશે. ફેબ્રુઆરીમાં આયાત ઘટાડાથી આઇજીએસટીમાં બે ટકા ઘટાડો આવ્યો હતો.

જીસએટી ટેક્સ લક્ષ્ય હાસલ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 1.15 લાખ કરોડ તો માર્ચમાં રૂ. 1.25 લાખ કરોડની વસૂલાતની જરૂર હતી, પણ ફેબ્રુઆરીમાં રૂ. 1.05 લાખ કરોડની વસૂલાત રહી હતી, જે લક્ષ્યથી રૂ. 10,000 કરોડ ઓછી હતી.

 

 

 

 

 

 

કેનેડાના વડાપ્રધાનની પત્નીને થયો કોરોના વાયરસ

નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીને પણ કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. કેનેડાના મીડિયાના મતે પીએમ ટ્રુડોની પત્નીના થોડાંક દિવસ પહેલાં જ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા અને હવ તે પોઝિટિવ આવ્યા છે.

કહેવાય છે કે સોફી ગુરૂવારના રોજ બ્રિટનમાં એક કાર્યક્રમથી પછા આવ્યા હતા ત્યાર બાદ તેમનામાં ફ્લૂ જેવા લક્ષણો દેખાયા હતા. તેમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે તેમનું પરીક્ષણ કરાયું હતું. તેમણે પોતાના ડૉકટરને તાવની ફરિયાદ કરી હતી ત્યારબાદ ડૉકટર્સે તેમની તપાસ અને ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા.

પીએમ ઓફિસે કહ્યું કે વડાપ્રધાન દરરોજની જેમ ગતિવિધિઓમાં ભાગ લેતા રહેશે. તેઓ ફોન કોલ્સનો જવાબ આપવા, વર્ચુઅલ મીટિંગ્સમાં ભાગ લેવા અને કોરોના વાયરસને લઇ ચર્ચા માટે કેબિનેટની મીટિંગમાં સામેલ થવા જેવા કાર્યક્રમોમાં ઉપલબ્ધ રહેશે. જો કે આ બધાની વચ્ચે વડાપ્રધાને કેનેડાના પ્રૉવિન્સિયલ પ્રીમિયરની મીટિંગને રદ્દ કરી દીધી છે. વડાપ્રધાન સિવાય વિપક્ષના નેતા જગમીત સિંહ પણ અસ્વસ્થ થયા બાદથી ઘરેથી જ કામ કરી રહ્યા છે.

સિંહે કહ્યું કે તેઓ ડૉકટરના સંપર્કમાં છે. ડૉકટરોએ કહ્યું કે સિંહ પર કોરોના વાયરસની અસર નથી પરંતુ તેમ છતાંય જ્યા સુધી તેઓ પૂરી રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી લોકો સાથે સંપર્ક ઓછો કરવો જોઇએ. આ બધાની વચ્ચે કેનેડામાં લોકોને વિદેશ પ્રવાસ ન કરવાની અને 14 દિવસ માટે પોતાને અલગ રાખવાનો નિર્દેશ રજૂ કર્યો છે. સાથો સાથ 250થી વધુ લોકોની ભીડવાળા કાર્યક્રમોને રદ્દ કરવાની સલાહ આપી છે.

આખરે કેવી રીતે થઈ આઈબી ઓફિસરની હત્યાઃ આરોપીએ કરી કબૂલાત

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા દરમિયાન આઈબી ઓફિસર અંકિત શર્માની હત્યાના આરોપમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હસીન કુરેશી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર તેણે સ્વીકાર્યું છે કે તેણે ચાંદ બાગ પુલિયા પર અંકિતના શરીર પર ઘાતક ચપ્પાથી વાર કર્યા હતા. તેણે જણાવ્યું કે એ દિવસે કઈ રીતે અંકિત શર્માની હત્યા કરીને તેને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

કુરેશીને સ્પેશિયલ સેલે ગુરુવારના રોજ ધરપકડ કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે એ દિવસે તે પોતાના મિત્ર સમીર સાથે ઉપસ્થિત હતો. આશરે 2 વાગ્યે તેણે જોયું કે વિસ્તારમાં હિંસા શરુ થઈ છે તે તેઓ પણ તેમાં જોડાઈ ગયા. ભીડમાં જોડાઈને તેઓ પણ અન્ય સંપ્રદાયના લોકોના ઘરો પર પથ્થર ફેંકવા લાગ્યા. આ વચ્ચે કુરેશીએ ત્યાં મિઠાઈની દુકાન પાસેથી મોટું ચપ્પુ ઉઠાવી લીધું અને તાહિર હુસેનના ઘરની બહાર ઉભો રહી ગયો. હુસેન અને તેના ભાઈ શાહ આલમને શર્માની પત્નીની હત્યાના ષડયંત્રના આરોપમાં પકડવામાં આવી ચૂક્યા છે.

પોલીસની પૂછપરછમાં કુરેશીએ જણાવ્યું કે, ત્યાં થોડો સમય ફર્યા બાદ તેણે જોયું કે 20-30 લોકો એક વ્યક્તિને ઘસેડીને આ બાજુ લાવી રહ્યા હતા. કુરેશીએ દાવો કર્યો છે કે તે એ વ્યક્તિને ઓળખતો નહોતો. તેણે જોયું કે ભીડ તેને લાકડી, પથ્થર, અને બીજા હથિયારોથી નિર્દયતાથી મારી રહી હતી. આ દરમિયાન કુરેશીએ પણ અંકિત પર ચપ્પાથી ત્રણ વાર કર્યા અને લાત પણ મારી. તેણે પોલીસને જણાવ્યું કે થોડા સમય બાદ અંકિતનું શરીર ચાલતું નથી તે જોઈને તેણે નાળામાં ફેંકી દેવામાં આવ્યો.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાનના ઘરને નિશાન બનાવી હુમલોઃ સુરક્ષા વધારાઈ

લંડનઃ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના લંડન સ્થિત ઘર પાસે થયેલા હુમલા બાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઘરની પાસે પોલીસ કર્મચારીઓને તેનાત કરી દેવામાં આવ્યા છે. ગત સોમવારના રોજ થયેલા આ હુમલામાં ડેવિડ કેમરનના ઘર પાસે સ્થિત એક કોટેજ નષ્ટ થઈ ગયું હતું. આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેમરનના ઘરની પાસે રહેનારા એક વ્યક્તિનો દાવો છે કે કોટેજમાં લાગેલી આગ ડેવિડ કેમરન અને તેમની પત્નીના કોટેજને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાનું પરિણામ છે, જે તેમણે 19 વર્ષ પહેલા ખરીદ્યો હતો. જો કે આ હુમલો નિષ્ફળ રહ્યો. અત્યારે, ઘટના બાદ સુરક્ષાને ધ્યાને રાખતા કેમરનના ઘરની બહાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના ઘરને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં પોલીસે નોર્થહેમ્પટનશાયરના નોઈંગબોરોના એક 33 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી અને બાદમાં મેન્ટલ હેલ્થ અંતર્ગત તેની ધરપકડ કરી.

પોતાના ઘરને નિશાન બનાવીને કરાયેલા હુમલા બાદ ડેવિડ કેમરને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ ખૂબ ભયાનક છે. સોમવારે જ્યારે આ ઘટના થઈ તો હું મારા ઘરે તે સમયે હાજર નહોતો. મને જ્યારે ખબર પડી બાદમાં તુરંત જ હું ત્યાં પહોંચ્યો. જે કોટેજ નષ્ટ થયું છે તેમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી પરંતુ એક વર્ષ પહેલા જ તે ત્યાંથી જતી રહી હતી. મને ખ્યાલ છે કે એક વ્યક્તિની આ મામલે ધરપકડ કરી છે.