Home Blog Page 4935

સિંધિયા મુદ્દે રાહુલ બોલ્યાઃ કોઈના આવવા જવાથી ફરક નથી પડતો

નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષપલટા મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું  કે, કોઈના આવવા જવાથી કોઈ ફરક નથી પડવાનો. હું જ્યોતિરાદિત્ય સિંધિયાને સારી રીતે ઓળખું છું. તેમની સાથે મારી જૂની મિત્રતા છે. અમે બન્ને કોલેજમાં સાથે ભણતા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, સિંધિયા તેમના રાજનૈતિક ભવિષ્યથી ચિંતિત હતા. એટલે તેમણે પોતાની વિચારધારા ખિસ્સામાં મુકી અને RSS સાથે ચાલ્યા ગયા. જોકે તેમણે જે કર્યું છે, તેનો તેને ટુંક સમયમાં જ અનુભવ થશે. ત્યાં તેમને સન્માન નહીં મળે.

કોરોના વાયરસને લઇને પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મે પહેલા કહ્યું હતું કે કોરોના વાયરસને ગંભીરતાથી લેવો જોઇએ, પરંતુ સરકાર આને ગંભીરતાથી નથી લઇ રહી. મોદી વિચારધારા અર્થવ્યવસ્થાને નષ્ટ કરી રહી છે. નિર્મલા સિતારમણને અર્થવ્યવસ્થાની વધારે ખબર નથી.

હિંદુસ્તાનની અર્થવ્યવસ્થાને સરકારની નિતીઓએ બગાડી છે. અર્થવ્યવસ્થા બગડવાની હજુ તો શરૂઆત થઈ છે. અર્થવ્યવસ્થા પરની માઠી અસરો હજુ દેખવાની બાકી છે. હાલ સ્થિતિએ અર્થતંત્રમાં સુનામીનો માહોલ છે. અમે અર્થવ્યવસ્થાને સારી રીતે જાણીએ છીએ. અર્થવ્યવસ્થા પર PM મોદી કંઈ બોલી નથી રહ્યા. દેશની નબળી અર્થવ્યવસ્થાથી દેશવાસીઓને અસર પડશે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશના આર્થિક સ્થિતિને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. આજે શેર માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં જે થયું, તે સૌની સામે છે. શેર માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં સતત કડાકો નોંધાઇ રહ્યો છે.

કોંગ્રેસ છોડીને આવેલાં પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ રાજ્યસભાની ટિકિટ આપી

મુંબઈઃ કોંગ્રેસ સાથે વિવાદ થયા બાદ એ પાર્ટી છોડીને શિવસેનામાં આવી ગયેલા પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ રાજ્યસભાની ટિકિટ આપી છે. રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની છે.

શિવસેનાએ પોતાના ક્વોટામાંથી રાજ્યસભાની સીટ પરથી પ્રિયંકા ચતુર્વેદીની ઉમેદવારીની જાહેરાત કરી છે.

જોકે ચતુર્વેદીએ હજી સુધી ઉમેદવારી પત્ર ભર્યું નથી.

ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં સામેલ થયા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય ઠાકરે માટે પ્રચાર કર્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અત્યાર સુધી ચતુર્વેદીને કોઈ મોટી જવાબદારી સોંપી નથી, પરંતુ હવે એમણે ચતુર્વેદીને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે.

અગાઉ એવી ચર્ચા હતી કે ઔરંગાબાદના ભૂતપૂર્વ સંસદસભ્ય ચંદ્રકાંત ખૈરેને શિવસેના રાજ્યસભાની સીટ આપશે, પરંતુ હવે પ્રિયંકાનું નામ પસંદ કર્યું હોવાથી શિવસેનાના જૂના અને વરિષ્ઠ નેતાઓ કદાચ નારાજ થાય એવી સંભાવના છે.

રાજકારણમાં ઝુકાવતાં પહેલાં પ્રિયંકા ચતુર્વેદીએ જનસંપર્ક અને મિડિયા ક્ષેત્રોમાં કામ કર્યું હતું. એ મિડિયામાં જુદા જુદા પ્રકાશનો માટે લેખ પણ લખે છે. તેઓ MPA કન્સલ્ટન્સી કંપનીનાં ડાયરેક્ટર છે. તેઓ 2010માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયાં હતાં. એ વખતે એમને કોંગ્રેસ પાર્ટીએ ભારતીય યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નીતા અંબાણીને 10 પ્રભાવશાળી મહિલાની યાદીમાં સ્થાન

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની ફ્રેન્ચાઇઝીનાં માલિક નીતા અંબાણીને ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સની સાથે 2020 માટે સ્પોર્ટ્સમાં 10 સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. નીતા અંબાણી ભારતનાં સૌથી વધુ ધનિક ગણાતા મુકેશ અંબાણીનાં પત્ની છે અને જૂન, 2014થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં બોર્ડમાં સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તેમની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ ચાર વાર ટ્રોફી જીતી છે.

સ્પોર્ટ્સ બિઝનેસ નેટવર્ક આઇસ્પોર્ટકનેક્ટએ એની વર્ષ 2020 માટેની ‘ઇન્ફ્લુએન્શિયલ વિમેન ઇન સ્પોર્ટ’ની યાદી જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, “શરૂઆતમાં 25 મહિલાઓની પસંદગી કર્યા પછી અમારા નિષ્ણાતોની પેનલ પાસેથી અભિપ્રાયો મળ્યાં પછી ટોપ 10ની પસંદગી થઈ છે.” આ પેનલમાં ટેલ્સ્ટ્રાનાં ગ્લોબલ સેલ્સ હેડ અન્ના લોકવૂડ, વાય સ્પોર્ટનાં મેનેજિંગ પાર્ટનર અને વિમેન ઇન સ્પોર્ટનાં પૂર્વ ચેરમેન સેલ્લી હેન્કોક, આઇસીસી માટે મીડિયા રાઇટ્સનાં હેડ આરતી ડબાસ અને આઇસ્પોર્ટકનેક્ટનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  વર્મા સામેલ હતા. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, “અંબાણી આઇપીએલનાં ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સનાં માલિક છે અને દેશમાં વિવિધ રમતોમાં ઘણા સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં સંકળાયેલા છે.” આઇસ્પોર્ટેકનેક્ટે જણાવ્યું હતું કે, મૂળ શોર્ટલિસ્ટ યાદીમાં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિથાલી રાજ સામેલ હતા.

આ યાદીમાં “દુનિયામાં સૌથી મહાન એથ્લેટ પૈકીની એક અને સ્પોર્ટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સતત વધારવાનું પ્રતિનિધિત્વ કરતાં” સિમોન બાઇલ્સ તથા પોતાના વિશે અને સામાજિક મુદ્દાઓ પર સાહસિકતા સાથે વાત રજૂ કરનાર ફૂટબોલર મેગન રેપિનો સામેલ છે.

આ યાદીમાં ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકાનું નામ પણ સામેલ છે, જેમાં ફોર્મ્યુલા 1નાં માર્કેટિંગ અને કમ્યુનિકેશન્સના ડાયરેક્ટર એલી નોર્મન, ડબલ્યુએનબીએનાં કમિશનર કેથી એન્જલબર્ટ, ફિફાનાં જનરલ સેક્રેટરી ફાતમા સમૌરા, સ્પેશ્યલ ઓલિમ્પિક્સનાં સીઇઓ મેરી ડેવિસ અને વિમેન્સ ક્રિકેટ ઇસીબીનાં મેનેજિંગ ડાયરેક્ટર ક્લેર કોન્નોર સામેલ છે.

દિલ્હીમાં થિયેટર અને શાળાઓ 31 માર્ચ સુધી બંધ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. સાથે જ દિલ્હીનાં તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોરાના વાયરસનાં સંકટને જોતા દિલ્હીનાં સિનેમાઘરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત જે સ્કૂલો અને કૉલેજોની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે તેને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસનાં સતત કેસ વધી રહ્યા છે જેના કારણે દિલ્હી સરકારે આ પગલું ઉઠાવ્યું છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસનાં 73 કેસ સામે આવી ચૂક્યા છે. ગુરૂવારનાં ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્રથી કેટલાક નવા કેસ સામે આવી રહ્યા છે.

દિલ્હી સરકારનાં આ નિર્ણયથી ફિલ્મો પર પણ ઘણી અસર પડશે. 13 માર્ચનાં ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રીલીઝ થવાની છે. 20 માર્ચનાં ‘સંદીપ અને પિંકી ફરાર’ રીલીઝ થવાની છે અને 24 માર્ચનાં અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ રીલીઝ થવાની છે, પરંતુ દિલ્હીમાં સિનેમાઘરો બંધ થવાથી ફિલ્મોની કમાણી અને દર્શકોનાં મનોરંજન પર ઘણી જ અસર પડશે.

ઉલ્લેખનીય છે કે હોલીવુડ એક્ટર ટોમ હેંક્સ અને રીટા વિલસનનાં કોરાના વાયરસ કેસ પોઝિટિવ આવ્યા છે. ટોમ હેંક્સે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. ત્યારબાદ આખા વિશ્વનાં સિનેમા પર આનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. બોલીવુડનાં પણ અનેક સ્ટાર્સે પોતાના વિદેશ પ્રવાસ રદ્દ કર્યા છે. વિદેશ પ્રવાસ રદ્દ કરનારા કલાકારોમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુંઃ અમારા કોઈ મંત્રી વિદેશ નહી જાય

નવી દિલ્હીઃ વિશ્વ બાદ ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 73 કેસ સામે આવી ચુક્યા છે. કેરલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં ભર્યા છે. વિદેશથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તો ભારત સરકારે ગઈકાલે વિદેશથી આવતા લોકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરવાનો પણ નિર્ણય લીધો હતો. હવે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમારા મંત્રીઓ પણ વિદેશ પ્રવાસ કરશે નહીં. તમે પણ જરૂર ન હોય તો વિદેશ પ્રવાસ કરવાનું ટાળજો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રી વિદેશ યાત્રાએ જઈ રહ્યાં નથી. હું મારા દેશવાસીઓને વિનંતી કરીશ કે જો જરૂરી ન હોય તો વિદેશ યાત્રા ન કરો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે સભાઓમાં જતાં બચવું જોઈએ. આ રીતે આપણે કોરોનાને ફેલાતો રોકી શકીએ છીએ.

ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને લોકસભામાં આ વિશે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર સતત દરેક રાજ્ય સરકારના સંપર્કમાં છે અને દરરોજ વિસ્તૃત રિપોર્ટની આપ-લે કરી રહી છે. આ સિવાય ભારત સરકાર તરફથી વિદેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

ડો. હર્ષવર્ધને કહ્યું કે, સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કેરલમાં જ્યારે શરૂઆતી ત્રણ કેસ આવ્યા, ત્યારથી અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. દરેક રાજ્ય સાંજે સંપૂર્ણ જાણકારી કેન્દ્ર સાથે શેર કરે છે.

લોકસભામાં મંત્રીએ જાણકારી આપી કે અમે વિદેશથી આવેલા લોકો પર નજર રાખી રહ્યાં છીએ. સ્ક્રીનિંકમાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી. 17 જાન્યુઆરીથી દિલ્હી-મુંબઈ-બેંગલુરૂ-કોચી- જેવા એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ થયું હતું, પરંતુ હવે 30 એરપોર્ટ પર તપાસ થઈ રહી છે.

મધ્યપ્રદેશઃ ભાજપની ફ્લોર ટેસ્ટની માંગ

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 22 વિધાનસભ્યોએ રાજીનામું આપ્યા પછી ભાજપ 16મી માર્ચે વિધાનસભામાં કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી રહી છે, એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું. બીજી બાજુ  વિધાનસભાના સ્પીકર એન. પી. પ્રજાપતિએ કોંગ્રેસના 22 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે, જેમાં શુક્રવાર સુધી તેમની સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું છે અને તેમને સ્પષ્ટતા કરવા પણ કહ્યું છે કે તેમણે આ રાજીનામું સ્વૈચ્છિક રીતે આપ્યું છે કે પછી કોઈના દબાણ હેઠળ આપ્યું છે.

15 મહિના જૂની કમલનાથ સરકારના 22 કોંગ્રેસી MLAsએ રાજીનામાં આપતાં સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. જેથી અમે ગવર્નર અને વિધાનસભાના સ્પીકરને 16મી માર્ચે રાજ્યના બજેટ સેશન શરૂ થાય ત્યારે ફ્લોર ટેસ્ટ કરવા વિનંતી કરવાના છીએ.

જયોતિરાદિત્ય ભાજપમાં જોડાવાથી પક્ષને લાભઃ અમિત શાહ

ભાજપમાં જોડાવાના એક દિવસ પછી મધ્ય પ્રદેશના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. ગૃહપ્રધાને કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાતાં ભાજપને લાભ થશે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમને પાર્ટીમાં સામેલ કરવાથી સિંધિયાની જનતાની સેવા કરવાના ભાજપના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. સિંધિયા ગુરુવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને પણ અલગથી મળ્યા હતા.

ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત

જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં પહોંચ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સિંધિયા આરએસએસ સાથે ગયા : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ એક વિચારધારાની લડત છે, એક તરફ કોંગ્રેસ અને બીજી બાજુ ભાજપ-આરએસએસની વિચારધારા છે. હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારા જાણું છું, તે મારી સાથે ક કોલેજમાં હતા. હું તેમની સારી રીતે ઓળખું છું. તેઓ તેમના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત થયા છે અને  તેમણે તેમના ભવિષ્ય માટે તેમની વિચારધારા છોડી દીધી અને આરએસએસ સાથે જવાનું પસંદ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સિંધિયાને ભાજપમાં માન-સન્માન નહીં મળે.

તબીબોએ કરી વર્લ્ડ કિડની ડે ની ઉજવણી

અમદાવાદઃ શ્રીમતી જીઆર દોશી અને શ્રીમતી કે.એમ મેહતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) એકિડની અને તેની સાથે સંબંધિત રોગોના નિવારણ, નિદાન, પુનર્વસન અને સારવારમાં વિશેષતા ધરાવતા દેશના તૃતીય અગ્રણી તબીબી વિશેષતા કેન્દ્રએ આજે વર્લ્ડ કિડની ડે 2020ની ઉજવણી કરી હતી. આ વર્ષની થીમ, ‘દરેક જગ્યાએ દરેક માટે કિડની આરોગ્ય- કાળજી માટે તપાસથી સમાનતા સુધી નિવારણ’, જે ક્રોનિક કિડની ડિસીઝ અને નિવારણ માટેના જોખમી પરિબળોની માન્યતા પર કેન્દ્રિત છે.

કેમ્પસ ખાતે વિશ્વ કિડની દિવસ 2020ની ઉજવણીની સાથે આઇકેડીઆરસીએ જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતુ. કિડની રોગએ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) છે અને હાલમાં તે વિશ્વભરના આશરે 850 મિલિયન લોકોને અસર કરે છે. દસ પુખ્ત વયના લોકો પૈકી એકને ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) હોય છે.

ક્રોનિક કિડની ડિસીઝ થવા પાછળ હાયપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા, ધુમ્રપાન અને દર્દ નિવારક દવાઓનો વધુ પડતો ઉપયોગ મુખ્ય કારણો છે. પુખ્ય વયની 8થી 10% વસ્તી કિડની ક્ષતિના કેટલાંક રૂપ ધરાવે છે અને દર વર્ષે ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) સંબંધિત જટિલતાઓથી લાખો લોકો અકાળે મૃત્યુ પામે છે.

આ પ્રસંગે આઇકેડીઆરસી-આઇટીએસના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું, “ક્રોનિક કિડની ડિસીઝ(સીકેડી)થી પ્રભાવિત લોકોની સંખ્યા વધી રહી છે. ગંભીર સીકેડી ધરાવતા ઘણા લોકો માટે કિડની પ્રત્યારોપણને સૌથી સારી સારવાર માનવામાં આવે છે, કારણ કે તે જીવનની ગુણવત્તા પ્રદાન કરે છે. જોકે, દાન માટે ઉપલબ્ધ અંગોની અછત છે. અનેક લોકો જેઓને કિડની પ્રત્યારોપણની જરૂરિયાત હોય છે, તેઓને પ્રત્યારોપણ પ્રતિક્ષા યાદીમાં મૂકવામાં આવે છે અને જ્યાં સુધી કોઇ અંગ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ડાયાલિસીસ કરાવવું પડે છે.”

તેઓએ વધુમાં જણાવ્યું, “અમે નિરીક્ષણ કર્યું છે કે સ્ત્રીઓ માટે કેડેવર અને જીવંત દાતાઓની તીવ્ર અછત છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષો માટે જીવંત દાતાઓ કિડની દાન માટે આગળ આવે છે કારણ કે સમાજ માને છે કે મહિલાઓ કરતા પુરૂષમાં પ્રત્યારોપણ કરાવવું જોઇએ કારણ કે તે પરિવાર માટે જીવાદોરી સમાન છે.”

ડૉ. મિશ્રાએ જણાવ્યું કે આઇકેડીઆરસી દ્વારા 2019માં 390 કિડની ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં 318 પુરૂષો અને 72 મહિલાઓ હતી. કુલ 87 કેડેવર ટ્રાન્સપ્લાન્ટ હતા, જેમાં 63 પુરૂષો અને 24 મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, કુલ 303 જીવંત કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા, જેમાં 255 પુરૂષો અને 48 મહિલાઓનો સમાવેશ થાય છે. આઇકેડીઆરસીએ દાતાઓની સંખ્યા વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે અને લોકોને કિડનીની બિમારી અને બચાવના ઉપાયો વિશે જાગૃત કરવા માટે વિવિધ પગલા ઉઠાવ્યા છે.

ઉન્નાવ રેપ કેસઃ કોર્ટમાં કુલદીપ ફરી કગર્યો

નવી દિલ્હીઃ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની ન્યાયિક હિરાસતમાં મોતને મામલે દોષી જાહેર કરવામાં આવતાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગર ફરી કોર્ટમાં કગર્યો હતો. તેણે તીસ હજારી કોર્ટમાં સજા પર ચર્ચા દરમ્યાન આજીજી કરતાં દયાની ભીખ માગતાં કહ્યું કે જો મેં કંઈ ખોટું કર્યું હોય તો મને ફાંસીએ લટકાવી દો. મારી આંખોમાં એસિડ નાખી દો.કુલદીપે કોર્ટમાં શું કહ્યું

દિલ્હીની કડકડડુમા કોર્ટમાં જસ્ટિસ ધર્મેશ શર્માની સામે જેવી ચર્ચા પર દલીલો શરૂ થઈ કે તરત દોષી કુલદીપ સિંહ સેંગર દયાની આજીજી કરતાં રડી પડ્યો હતો. તેણે કહ્યું હતું કે હજૂર, મને ન્યાય આપો…. આ મામલામાં હું નિર્દોષ છું. કુલદીપે જજ સમક્ષ ન્યાયિક હિરાસતમાં પીડિતાના પિતાના મોત પર કહ્યું કે મેં કંઈ પણ ખોટું નથી કર્યું. જો એવું કંઈ હોય તો મારી આંખોમાં એસિડ નાખી દો અથવા મને ફાંસીએ લટકાવી દો. મને આ મામલાની પૂરી માહિતી પણ નથી.

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ઉન્નાવ સામૂહિક પીડિતાના પિતાની ન્યાયિક હિરાસતમાં થયેલી મોતના મામલે થઈ રહેલી દલીલો થઈ હતી. કોર્ટમાં કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલે દોષી કુલદીપ સિંહ સેંગર સહિત સાત લોકોને આકરી સજા આપવાની માગ કરી હતી. આ કેસમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને જજ શુક્રવારે 10 વાગ્યે સજા સંભળાવશે.

આ સાત લોકોને સજા સંભળાવાશે

  1. ઉન્નાવના ભૂતપૂર્વ વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગર, 2સબ ઇન્સ્પેક્ટર કામતા પ્રસાદ, 3 SHO અશોક સિંહ ભદોરિયા, 4 વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા, 5 જય સિંહ ઉર્ફ અતુલ સિંહ, 6 વીરેન્દ્ર સિંહ ઉર્ફે બઉવા સિંહ અને 7 શશિ પ્રતાપ સિંહ ઉર્ફે સુમન સિંહ.

 

 

ઈરાકમાં રોકેટ હુમલોઃ 3 લોકોના મોત

નવી દિલ્હીઃ ઈરાકના મિલિટ્રી મેઝ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં 2 અમેરિકી સૈનિક અને એક બ્રિટિશનું મોત થયું છે. અમેરિકી અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બગદાદના ઉત્તરમાં તાજિયા બેઢ પર રોકેટ ફેંકવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈરાકમાં અમેરિકી સેનાના પ્રવક્તા માઈલ્સ કેગિન્સે જણાવ્યું કે ઈરાકના તાજી બેઝ કેમ્પ પર 15 રોકેટ ફેંકવામાં આવ્યા હતા. જો કે તેમણે આ મામલે વધારે જાણકારી ન આપી. તો એક અન્ય અમેરિકી અધિકારીએ કહ્યું કે ટ્રક લોન્ચરથી 30 રોકેટ ફેંકવામાં આવ્યા જેમાં 18 બેઝ પર પડ્યા.

જો કે અધિકારીઓએ આ મામલે કોઈ જાણકારી નથી આપી કે કયા ગ્રુપે આ રોકેટ હુમલો કર્યો છે. એક અન્ય રિપોર્ટ અનુસાર, હુમલાખોરોએ 15 રોકેટ ફેંક્યા કે જેમાં એક ડઝનથી વધારે લોકો ઘાયલ થયા. અમેરિકાના એક અધિકારીએ વાતની પુષ્ટી કરતા કહ્યું કે માર્યા ગયેલા અમેરિકીઓમાંથી એક સૈનિક હતો અને અન્ય એક કોન્ટ્રાક્ટર હતો. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.

63 મૂન્સ ટેક્નૉલૉજીસનો વિજયઃ કંપનીના બોર્ડને સુપરસીડ કરવાની સરકારની અરજી ફગાવી દેવાઈ

મુંબઈ: નૅશનલ કંપની લૉ ઍપલેટ ટ્રિબ્યુનલે (NCLAT) 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – એફટીઆઇએલ)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને સુપરસીડ કરવા માટેની કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયની અરજીને ગુરુવારે ફગાવી દેતાં કંપનીનો મહત્ત્વનો કાનૂની વિજય થયો છે. કંપનીઝ લૉની કલમ 397 હેઠળ મંત્રાલયે ઉક્ત અરજી કરી હતી.

આ ચુકાદા સાથે ઍપલેટ ટ્રિબ્યુનલે 63 મૂન્સના વર્તમાન બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ગેરવહીવટના તમામ પાયાવિહોણા આક્ષેપોમાંથી સંપૂર્ણપણે દોષમુક્ત જાહેર કર્યા છે. આ બોર્ડમાં ચાર ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, સર્વોચ્ચ અદાલતના એક ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, મુંબઈ વડી અદાલતના એક ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એક આઇઆઇએમ-અમદાવાદના સ્નાતક, એક જાણીતા અર્થશાસ્ત્રી અને બે ભૂતપૂર્વ સીનિયર બૅન્કર્સનો સમાવેશ થાય છે.

NCLATના ચુકાદા સંબંધે 63 મૂન્સના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ એસ. રાજેન્દ્રને કહ્યું હતું કે અમારી પેટા કંપની નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)માં સર્જાયેલી પૅમેન્ટ ડિફોલ્ટની કટોકટી સંબંધે કંપનીના બોર્ડને સુપરસીડ કરવાની કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયની અરજીને ઍપલેટ ટ્રિબ્યુનલે ફગાવી દીધી એ બાબત અમારા માટે આનંદદાયક છે. આ આદેશ પરથી પુરવાર થાય છે કે 63 મૂન્સના વર્તમાન બોર્ડ ઑફ ડિરેક્ટર્સે પોતાના શેરધારકોના હિતની વિરુદ્ધ કોઈ ખોટું પગલું ભર્યું નથી.

જિજ્ઞેશ શાહ

જો કે, એસ. રાજેન્દ્રને એ બાબતે આઘાત અને આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી છે કે ઍપલેટ ટ્રિબ્યુનલે 63 મૂન્સના અમુક ભૂતપૂર્વ ડિરેક્ટરો વિરુદ્ધ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની ચેન્નઈ બેન્ચે આપેલા નિર્ણયને બહાલ રાખ્યો છે. તેમનું કહેવું છે કે મંજય શાહ અને દેવાંગ નેરાલા એનએસઈએલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ ન હતા, છતાં તેમની સામે કંપનીઝ કાયદાની કલમ 388બી હેઠળ નિર્ણય અપાયો હતો, જે બહાલ રખાયો છે. ઉપરાંત, જિજ્ઞેશ શાહની સામે પણ આ કલમ રહેવા દેવામાં આવી છે. ખરી રીતે તો કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે 2015માં અરજી કરી ત્યારે તેમાં આ બાબતે કોઈ દાદ માગવામાં આવી ન હતી.

એનએસઈએલની વિરુદ્ધ કલમ 397 હેઠળ કોઈ કાર્યવાહી શરૂ કરાઈ નથી તથા એનએસઈએલના બીજા કોઈ ડિરેક્ટર વિરુદ્ધ કલમ 388બી બહાલ રાખવામાં આવી નથી. ફક્ત ત્રણ ભૂતપૂર્વ ડિરેક્ટરો બાબતે કલમ 388બી હેઠળ નિર્ણય અપાયો એ તેમાં રહેલી વિસંગતતા છે.

એનએસઈએલની પૅમેન્ટ કટોકટી યુપીએ સરકારના બીજા કાર્યકાળમાં ઘડાયેલા રાજકીય ષડ્યંત્રને લીધે ઊભી થઈ હતી. તેના મારફતે યુપીએ સરકારના એક વગદાર રાજકારણી તથા તેમના વફાદાર સરકારી અમલદારો દ્વારા જિજ્ઞેશ શાહને નિશાન બનાવવામાં આવ્યા છે. એ સ્થાપિત રાજકીય હિતોએ પોતાની જવાબદારી નિભાવી નહીં અને સરકારને ગેરમાર્ગે દોરીને ઉદ્યોગ માટે આવાં અનેક નકારાત્મક પગલાં ભર્યાં.

એસ. રાજેન્દ્રને કહ્યું છે કે NCLATના ચુકાદાના અમલી હિસ્સા વિશે સમીક્ષા થઈ રહી છે અને કાનૂની સલાહ પ્રમાણે યોગ્ય પગલાં ભરવામાં આવશે. અમને ખાતરી છે કે આખરે સત્યનો વિજય થશે અને ન્યાય તોળાશે.