Home Blog Page 4936

ટ્રેડ વોર પછી અમેરિકા અને ચીન હવે આ મુદ્દે આમનેસામને

પેઇચિંગઃ અમેરિકા અને ચીન મુદ્દે ટેન્શન ઓછું થવાનું નામ નથી લેતું. અમેરિકા અને ચીન વચ્ચે હમણાં ટ્રેડ વોર માંડ શમ્યું છે, ત્યાં સમુદ્ર સીમામાં પેઇચિંગ અને અમેરિકા વચ્ચે ગરમાગરમી થઈ ગઈ છે. બંને વચ્ચે હાલ સાઉથ ચીન સી મુદ્દે વિવાદ વધી ગયો છે. ચીને અમેરિકા પર ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા જંગી જહાજવગર મંજૂરીએ એની સીમામાં ઘૂસી આવ્યા હતા. અમેરિકાએ આ સમુદ્રમાં મુક્તપણે ફરવાની આઝાદી છે, એમ કહ્યું છે.

અમેરિકા પર ચીન લાલઘૂમ

ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા સાઉથ ચીન સીમાં અમેરિકાએ જંગી જહાજ મોકલીને ભડકાવવાની કામગીરી કરી છે. અમેરિકાનું USS મૈકકેમ્પબેલ જંગી જહાજ પારાસેલ દ્વીપની પાસે મંગળવારે પસાર થયું હતું.  મિસાઇલ હુમલાને તોડી પાડનારું આ જહાજ દ્વીપ પાસે પસાર થવાથી ચીન લાલઘૂમ થયું હતું. પીપલ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે અમેરિકી જહાજ વગર મંજૂરીએ આ દ્વીપ પાસે પસાર થયું હતું.

સાઉથ ચીન સી એક વિવાદગ્રસ્ત જગ્યા

સાઉથ ચીન સી એક વિવાદગ્રસ્ત જગ્યા છે. જેના પર ચીન, તાઇવાન અને વિયેટનામ પોપપોતાના દાવા કરે રાખે છે. જ્યારે અમેરિકા આ સમુદ્રને મુક્ત સમુદ્ધ માને છે. અહીં નેચરલ ઓઇલ અને ગેસ રિઝર્વનો ભંડાર હોવાથી ઇન્ડોનેશિયા, મલેશિયા,ફિલિપિન્સ અને બ્રુનેઇ પણ દાવો કરી રહ્યા છે.

અમેરિકાએ પણ પુષ્ટિ કરી

અમેરિકી નેવીના સાતમા જહાજે સાઉથ ચીન સીમાં પોતાના જંગી જહાજની પુષ્ટિ કરી હતી. નેવીએ આ સમુદ્રમાં ફરવા આઝાદીનો મામલો ગણાવ્યો હતો. નેવીના પ્રવક્ત કમાન્ડર રેનન મોમસને જણાવ્યું હતું કે સાઉથ ચીન સીમાં ગેરકાનૂની દાવાથી આ ક્ષેત્રમાં સમુદ્રની આઝાદીને જોખમ ગણાવ્યું હતું.

 

 

યસ બેન્કની લોન સંપત્તિ વેચીને પણ ચૂકવીશું : અનિલ અંબાણી ગ્રુપ

નવી દિલ્હીઃ યસ બેન્કની નાણાકીય કટોકટી પાછળ રિલાયન્સ (ADAG) ગ્રુપનો પણ હાથ છે, એ મુદ્દે અનિલ અંબાણીના નેતૃત્વવાળા કોર્પોરેટ ગ્રુપે સ્પષ્ટતા કરી છે. રિલાયન્સ ગ્રુપે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે યસ બેન્કે ગ્રુપને આપેલી લોન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને એ સામાન્ય વેપાર-ધંધા માટે લેવામાં આવી છે. દેવાંગ્રસ્ત રિલાયન્સ ગ્રુપે કહ્યું હતું કે એ બેન્કથી લીધેલી લોન ચૂકવવા માટે તત્પર છે. જૂથ તેમની સંપત્તિઓ વેચીને પણ યસ બેન્કની લોન ચૂકવી દેશે.

 રાણા કપૂર સાથે કોઈ સંપર્ક નહીઃ રિલાયન્સ ગ્રુપ

યસ બેન્કના ભૂતપૂર્વ CEO રાણા કપૂર અને તેમના પરિવારની સાથે સંબંધો લઈને ઊભા થઈ રહેલા સવાલોનો પણ રિલાયન્સ ગ્રુપે ખુલાસો કર્યો હતો. ગ્રુપે કહ્યું હતું કે યસ બેન્કના CEO રાણા કપૂર, તેમનાં પત્ની અને પુત્રીઓ અથવા તેમના પરિવાર દ્વારા કરવામાં આવતા બિઝનેસ સાથે અમારે કોઈ લેવાદેવા નથી.

યસ બેન્ક પર નિયંત્રણો પછી એસ્સેલ અને રિલાયન્સ ગ્રુપનું નામ

રિઝર્વ બેન્કે યસ બેન્ક પર નિયંત્રણો લાદ્યાં પછી નાણાપ્રધાન નિર્મલા સીતારામને મિડિયાને જણાવ્યું હતું કે સુભાષ ચંદ્રાની એસ્સેલ ગ્રુપ અને અનિલ અંબાણી ગ્રુપના રિલાયન્સ ગ્રુપનું નામ લીધી હતું. નાણાપ્રધાને કહ્યું હતું કે જે કોર્પોરેટ ગ્રુપોએ યસ બેન્કથી લોન લીધી હતી, એમાં રિલાયન્સ અને એસ્સેલ ગ્રુપ મોખરે છે.

કુલ 10 કોર્પોરેટ ગ્રુપોની 44 કંપનીઓ પર યસ બેન્કના રૂ. 34,000 કરોડના લેણાં

દેશનાં 10 મોટાં કોર્પોરેટ ગ્રુપોની 44 કંપનીઓ પર યસ બેકન્વી રૂ. 34,000 કરોડનાં લેણાં છે. જેમાં અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ગ્રુપની નવ કંપનીઓ પર રૂ. 12,800 કરોડનાં લેણાં છે. એસ્સેલ ગ્રુપ પર રૂ. 8,400 કરોડનાં લેણાં છે. આ બે સિવાય  DHFL ગ્રુપ, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, જેટ એરવેઝસ કોક્સ એન્ડ કિંગ્સ અને ભારત ઇન્ફ્રા સામેલ છે.

 

કરીનાના સિમ્પલ પણ એટ્રેક્ટિવ લૂકે ફેન્સને આકર્ષ્યા

મુંબઈઃ ગરમીની સીઝન હવે આવવાની છે. ત્યારે આ સીઝનમાં લોકો સામાન્ય રીતે બ્રીઝી અને પ્રિટી પેસ્ટલ કલર્સ જ પહેરવાનું પસંદ કરે છે. જો કે, આ પ્રકારની સીઝનમાં ઘણીવાર કલરપોપ પણ એક ઓપ્શન હોય છે. આ કારણે આપ આપના ફેશન ક્લોસેટમાં વધારે ઓપ્શન્સને એડ કરી શકો છો. બોલીવુડ સ્ટાઈલ આઈકન કરીના કપૂરની જેમ જ આપ પણ ગરમીની સીઝનમાં પોતાની ફેશન ક્લોસેટને ટ્વિસ્ટ આપી શકો છો. તાજેતરમાં જ તે મુંબઈમાં સ્ટાઈલિશ હોટ લકરપોપ ટ્રાઉઝરમાં દેખાઈ હતી. આપ પણ પોતાની સ્ટાઈલને કરીના કપૂરની જેમ જ ટ્વિસ્ટ આપી શકો છો.

કરીના કપૂર સિંપલ સ્ટાઈલિંગમાં ખૂબ જ સુંદર દેખાય છે. તેના ટોપની વાત કરીએ તો ભલે તે સિંપલ છે પરંતુ વર્ટિકલ સ્ટ્રિપ્સ અને કૈપ-સ્લીવ્સ આને સુંદર લૂક આપે છે. કરીનાએ પોતાના લૂકને સામાન્ય મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે.

કરિના કપૂર એક રિયલ ફૈશનિસ્ટાની જેમ પોતાના અલગ-અલગ લુક્સની સાથે હંમેશા ચર્ચામાં રહે છે. આ પ્રથમવાર નથી કે જ્યારે તેણે પોતાના લૂકથી બધાને આકર્ષિત કર્યા હોય. તે ખૂબ સરળ રીતે કોઈપણ આઉટફીટને કેરી કરે છે કે હંમેશા ફેન્સનું દીલ જીતી લે છે.

ભાજપે આ રીતે લાલુ વિરુદ્ધ એક મુદ્દો ગુમાવ્યો

પટણાઃ બિહારથી રાજ્યસભામાં એનડીએના જે ત્રણ ઉમેદવાર જશે તેમના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. નીતિશ કુમારના જનતા દળ યૂનાઈટેડે હરિવંશ અને રામનાથ ઠાકુરને એકવાર ફરીથી નોમિનેટ કર્યા છે. તો ભાજપાએ બે વાર રાજ્યસભાના સભ્ય રહેલા અને વરિષ્ઠ નેતા ડો. સી.પી.ઠાકુરના દિકરા વિવેક ઠાકુરને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યાં જનતા દળ યૂનાઈટેડે બે વાર મોકલવાની પોતાની પરંપરા અંતર્ગત હરિવંશ અને રામનાથ ઠાકુરના નામોની જાહેરાત કરી અને એ તર્ક આપવામાં આવ્યો કે રાજ્યસભામાં ઉપસભાપતિનું પદ મળ્યું છે એટલા માટે હરિવંશને ફરીથી સભ્ય બનવું જરુરી છે.

તો રામનાથ ઠાકુર ન માત્ર પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર છે પરંતુ પછાત વર્ગથી આવે છે જે નીતિશ કુમાર અને જનતા દળ યૂનાઈટેડના મુખ્ય વોટ બેંક છે. પરંતુ ભાજપાએ વિવેક ઠાકુરને ટીકિટ આપીને ન માત્ર તેમના પિતા ડો.સીપી. ઠાકુરને ખુશ રાખ્યા છે પરંતુ તેઓ જે જાતિ ભૂમિહારમાંથી આવે છે તેમનો પણ વિશ્વાસ જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ પિતા બાદ પુત્રને ટિકીટ આપીને ભાજપાના બિહારના નેતા માને છે કે તેમણે વંશવાદનો એક મુદ્દો બિહારની રાજનીતિમાં ખાસ કરીને રાજદ વિરુદ્ધ ખોયો છે.

બિહારઃ રાજ્યસભાની ચૂંટણીમાં RJD થી કોંગ્રેસ નારાજ

પટનાઃ બિહારમાં રાજ્યસભા માટે મહાગઠબંધનથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના જ બે ઉમેદવારો ઊભા થવાથી કોંગ્રેસ નારાજ છે. કોંગ્રેસ હવે RJD પર આરોપ લગાવી રહી છે. પક્ષ કહે છે કે એક સીટનું વચન આપ્યું હતું. બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં મહાગઠબંધનના મતભેદો સપાટી પર આવ્યા છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે જ્યારે તેજસ્વી અત્યારથી એક પણ વચન નથી નિભાવી રહ્યા તો તેમની પાસે ભવિષ્યમાં કેવી રીતે અપેક્ષા રાખી શકાય.

RJDએ વચન ના નિભાવ્યું

કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય પ્રેમચંદ મિશ્રાએ કહ્યું હતું કે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે તેમણે કોંગ્રેસનાં પ્રમુખ સાથે વાત કરીને પછી ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમની વાત કદાચ સાચી પણ હોય, કેમ કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ સીટો આપવાનું વચન આપ્યું હોય. જોકે તેજસ્વી યાદવે રાજ્યસભાની સીટ માટે કરવામાં આવેલા વાયદાને પણ જણાવવા જોઈએ. તેમણે કોંગ્રેસને એક બેઠક આપવાનું વચન આપ્યું હતું. તેમણે આ વચન નથી પાળ્યું તો વિધાનસભાની ચૂંટણીમાં આપેલું વચન કઈ રીતે પાળશે.?

RJD ઉમેદવારના નામાંકનમાં કોંગ્રેસની ગેરહાજરી

RJDએ રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી હતી. RJDના બંને ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું. મજાની વાત એ છે કે અમરેન્દ્ર ધારી સિંહના પ્રસ્તાવક સુધીનાને RJD જ કેટલાય વિધાનસભ્યો નહોતા ઓળખતા. બીજી બાજુ કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે વિધાનસભ્ય RJDના નામાંકનમાં નહોતા આવ્યા.

 

 

 

 

 

 

 

 

 

 

ટે

 

 

 

 

 

આઈપીએલ પર કોરોના સંકટઃ વિદેશી ખેલાડીઓ નહીં આવી શકે

નવી દિલ્હીઃ આઈપીએલના આયોજન પર કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. કોરોના વાયરસના કારણે ટૂર્નામેન્ટના આયોજનને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. 29 માર્ચથી શરુ થવા જઈ રહેલી આઈપીએલની શરુઆતની મેચોમાં વિદેશી પ્લેયર્સ જોડાઈ શકશે નહી.

પ્રાપ્ત વિગતો અનુસાર ટુર્નામેન્ટમાં આવનારા વિદેશી પ્લેયર્સના વિઝા પર 15 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે અને બાદમાં જ કોઈ વિદેશી લોકો ભારત આવવાના વિઝા મેળવી શકશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી પ્લેયર્સના ભાગ લેવા પર હજી કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ વર્ષે થનારી આઈપીએલ 29 માર્ચથી શરુ થઈ શકશે કે નહી તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

ભારત સરકારે કોરોના વાયરસના વધતા સંકટથી સતર્ક થઈને ભારતમાં આવનારા વિદેશી મહેમાનને 15 એપ્રીલ સુધી વિઝા ન આપવાનો નિર્ણય કર્યો છે. અત્યારે બીસીસીઆઈએ આ મામલે કંઈ કહ્યું નથી. તેમણે આ મામલે રાહ જોવાની અને આ પોલીસીને યોગ્ય રીતે જાણ્યા બાદ જ કંઈક કહેવાનો નિર્ણય કર્યો છે.

ભારત સરકાર દ્વારા વિદેશી મહેમાનોને આપેલા વિઝા પર 15 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે. આ મામલે બીસીસીઆઈ આવનારા કેટલાક દિવસો સુધી રાહ જોયા બાદ જ કોઈ નિર્ણય લેવાની વાત કહી છે. દેશમાં વધી રહેલા કોરોના વાયરસના મામલાને જોતા ભારતીય સરકારે આ કડક નિર્ણય લીધો છે.

કોંગ્રેસ છોડવાના સિંધિયાના 10 કારણ અને 10 પડકાર

હોળી ધૂળેટી દરમિયાન ભાજપનું રંગપંચમી અભિયાન મધ્યપ્રદેશમાં સત્તાનો રંગ લાવશે તે ઉત્તરાયણ પછી જ સ્પષ્ટ થઈ ગયું હતું. આમ છતાં, કોંગ્રેસના સિનિયર નેતાઓ પવન પડવા લાગ્યો તે પછીય પોતપોતાના પતંગ ઉડાવતા રહ્યા હતા. ધૂળેટીના દિવસે આખરે ધાર્યા પ્રમાણે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના કેસરિયા રંગે રંગાવાનું નક્કી કર્યું. કેટલાક હવે એવું કહી રહ્યા છે કે સિંધિયા માટે આ કેસરિયા કરવા જેવું જ છે. તેમના માટે કોંગ્રેસમાં અસ્તિત્વ બચાવવાનો સવાલ હતો. રાજકીય અસ્તિત્વ બચાવવા ભાજપમાં ગયા છે, પણ ત્યાંય તેમણે ટકી જવા સંઘર્ષ કરવાનો થશે.
બુધવારે બપોરે ઉદ્વેગ ચોઘડિયામાં આખરે ભાજપમાં તેમનો સત્તાવાર પ્રવેશ થયો ત્યારે આવકાર આપવા માટે અમિત શાહ હાજર રહ્યા નહોતા. માત્ર સત્તાવાર રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો. બિનસત્તાવાર અને અસલી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવ્યા નહિ, એટલે પ્રથમ દિવસે જ ‘મહારાજા’ને એક પગથિયું નીચે ઉતારીને ‘ખંડિયા રાજા’ બનાવી દેવાયા. તે પછી માત્ર રાજ્યસભાના ઉમેદવાર બનાવીને મધ્યપ્રદેશના રજવાડાથી બહાર મોકલી દેવાયા એટલે રાજામાંથી હવે માત્ર ભાજપ માટે લડનારી એક ટુકડીના ‘સેનાપતિ’ બની ગયા.

ભાજપના મુખ્યાલય પર પત્રકારોને નાનકડું સંબોધન કર્યા પછી ભાજપના નેતાઓ તેમને ઘેરીને અંદર લઈ ગયા હતા, જેથી પત્રકારો સાથે વાર્તાલાપ ના કરી શકે. ભાજપના સભ્ય બન્યા પછી અડધો કલાકમાં જ તેમની બોલવાની આઝાદી પણ લઈ લેવામાં આવી. મધ્યપ્રદેશની સરકાર વાયદા પાળતા નથી માટે મારે સડક પર ઉતરવું પડશે એવું તેમણે જાહેર સભામાં કહ્યું હતું. હવે પત્રકારોને ખાનગીમાં પણ સિંધિયા ભાજપની સરકાર રોજગારીનું વચનપાલન નથી કરી રહી તેવું કહી શકશે નહિ. જે નેતાની પોતાની રોજગારી પક્ષપલટો કરીને મળી હોય તેઓ બીજાને ક્યાંથી રોજગારી આપી શકે?
ભાજપે પોતાના પ્રવક્તા ઝફર ઇસ્લામને સિંધિયાના ઘરે મોકલ્યા હતા અને ત્યાંથી સિંધિયાને લઈને તેઓ મુખ્યાલય પર આવ્યા હતા. ભાજપમાં શું બોલવું તેના પાઠ નેતાને ભણાવાતા હોય છે. તેથી ઝફર ઇસ્લામે તેમને તાલીમ આપી દીધી અને તે પ્રમાણે તેમણે પોતાનું નિવેદન પત્રકારો સમક્ષ આપી દીધું. પક્ષપલટા માટે કોંગ્રેસની નિષ્ફળતાના કારણો તેમણે આપ્યા, પણ આપણે હવે જોઈએ કે અસલી 10 કારણો કયા હતા. સિંધિયાના કોંગ્રેસ છોડવાના 10 કારણો સાથે ભાજપમાં તેમની સામે 10 પડકારો કયા હોય શકે તે પણ જોતા જઇશું.

કારણઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ના બનાવાયા
2018ની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણીપ્રચારમાં જ્યોતિરાદિત્ય છવાયેલા હતા. રાજસ્થાનમાં સચિન પાયલટ ધૂમ મચાવી રહ્યા હતા અને છત્તીસગઢમાં પણ નવા નેતાઓનો ફાલ ઉત્સાહથી પ્રચારમાં લાગ્યો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ પણ પોતાના પ્રચારમાં સિંધિયાનું નામ લેતી હતી. ‘માફ કરો મહારાજ, હમે ચાહિએ શિવરાજ’ – એવું સૂત્ર ભાજપનું પણ હતું. તેથી એવું લાગતું હતું કે જો સત્તા મળી તો કોંગ્રેસમાં નવી પેઢીના નેતાઓ આગળ વધશે. તેવું થયું નહિ. મધ્યપ્રદેશમાં કમલનાથને જ મુખ્યપ્રધાન બનાવાયા. રાજસ્થાનમાં સચિને સમાધાન કરીને ડેપ્યુટી સીએમપદ લઈ લીધું, પણ સિંધિયાએ સમાધાન ના કર્યું.

પડકારઃ મુખ્યપ્રધાન બનવું મુશ્કેલ
હાલમાં તો મુખ્યપ્રધાન નથી બનવાનું તે નક્કી થઈ ગયું છે. છ વર્ષ રાજ્યસભામાં હોવાથી આગામી ચૂંટણી પછીય તેમના માટે મુખ્યપ્રધાન બનવાનું શક્ય નહિ હોય. શિવરાજસિંહની જગ્યાએ ભાજપ કોને મુખ્યપ્રધાન બનાવે છે તે જોવાનું રહે છે. નવા મુખ્યપ્રધાન હશે તેમન જ આગામી ચૂંટણીમાં ચેહેરો બનાવાશે, તેથી સિંધિયા માટે એક દાયકો મુખ્યપ્રધાન બનવાનું મુશ્કેલ બની શકે છે.

કારણઃ સાથીઓને પ્રધાનમંડળમાં ઓછા મહત્ત્વનાં ખાતાં
સિંધિયાને મુખ્યપ્રધાન ના બનાવાયા, પણ તેમને શાંત પાડવા તેમના જૂથના 6ને પ્રધાનો બનાવાયા હતા. જોકે તેમને સારાં ખાતાં અપાયા નહોતા તેનો અસંતોષ સિંધિયા જૂથમાં હતો. નાણા, ગૃહ, મહેસૂલ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ જેવા સારા ખાતાં સિંધિયા જૂથના નેતાઓને ના મળ્યા.

પડકારઃ 

ભાજપની સરકાર બનશે તેમ માની લઈએ તો નવી સરકારમાં પણ તેમના બધા સાથીઓને સારા ખાતાં મળે તેવી શક્યતાઓ ઓછી છે. ભાજપમાં પણ છુપા જૂથો છે જ. શિવરાજસિંહની જગ્યાએ નરેન્દ્રસિંહ તોમર કે વિજયવર્ગીયને મુખ્યપ્રધાન બનાવાય તો શિવરાજસિંહના ટેકેદારોને સારા મંત્રાલય આપવા પડે. સુમીત્રા મહાજન જેવા નેતા પણ નારાજ બેઠા છે, તેમનેય સમાવાના. તેથી સિંધિયાના બધા ટેકેદારોને પ્રધાનો પણ નહિ બનવા મળે, ત્યારે સારા મંત્રાલયની ચર્ચા જ અસ્થાને રહેશે.

કારણઃ ટેકેદારોને ટિકિટ ના મળી
આ તો જીત પછીની વાત થઈ, પણ પહેલેથી જ સિંધિયાને કાબૂમાં રાખવા માટે દિગ્વિજય અને કમલનાથ સંપી ગયા હતા. ટિકિટોની વહેંચણીની વાત આવી ત્યારે સિંધિયાના ટેકેદારોને ઓછામાં ઓછી ટિકિટો મળે તે માટેના પ્રયાસો થયા હતા. બે મોટા જૂથો સંપી ગયા હતા એટલે સિંધિયાના ગમે તેટલા પ્રયાસો છતાં બધા ટેકેદારોને ટિકિટ અપાવી શક્યા નહિ. ઘણી જગ્યાએ ટેકેદારોને ધારી બેઠક અપાવી શક્યા નહિ. ટિકિટ મામલે ગરમાગરમી થઈ ત્યારે દિલ્હીમાં હાઇકમાન્ડે નેતાઓને બોલાવ્યા. સિંધિયા બેઠકમાંથી નારાજ થઈને જતા રહ્યા, પણ સરવાળે તેમના ટેકેદારોને ઓછી ટિકિટો મળી.

હાલમા જેટલા ધારાસભ્યો રાજીનામાં આપશે તેમને મોટા ભાગને ફરીથી ભાજપની ટિકિટ મળી શકશે. પરંતુ તેમાંય કર્ણાટકની જેમ અપવાદ રહેવાના. બેથી ચાર ધારાસભ્યોને ટિકિટ ના પણ મળે, કેમ કે ભાજપ પોતાના સ્થાનિક દાવેદારની અવગણના કરે તો ઉલટાની બેઠક ગુમાવવાની પણ આવે.

કારણઃ પત્નીને ટિકિટ ના મળી, પોતાની બેઠક ના બદલી

ટેકેદારો માટે વગ કામ ના આવી અને દિગ્ગીરાજા અને નાથના જૂથે મોવડીઓને મનાવી લીધા, તે પછી અંગત હિતની વાત આવી ત્યારે પણ તેમનું હાઇ કમાન્ડ સામે ચાલ્યું નહોતું. 2018માં વિધાનસભાની ચૂંટણીમાં જીત મળવાથી કોંગ્રેસમાં ઉત્સાહ હતો, પણ 2019ની લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીમાં હવા ફરી ગઈ હતી. છેલ્લે એર સ્ટ્રાઇકને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ જીતવું મુશ્કેલ લાગ્યું, ત્યારે સિંધિયાએ પણ ગુના બેઠક બદલવા માગણી કરી હતી. તેમને ગ્વાલિયરથી ચૂંટણી લડવી હતી, પણ મનાઈ કરી દેવામાં આવી. પોતાના બદલે પત્નીને ગ્વાલિયરની ટિકિટ મળે તોય ચાલે તેવો વચ્ચેનો રસ્તો પણ દિગ્ગીએ ચાલવા ના દીધો. દિગ્વિજયસિંહે પોતે અઘરી લડાઈ પસંદ કરી અને ભોપાલની બેઠક પર પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા. સિનિયર નેતાઓને સહેલી બેઠકો નહિ અપાય તેવી નીતિ જાહેર કરાઈ હતી.

પડકારઃ

ભાજપમાં પણ મનગમતી બેઠક મેળવવી મુશ્કેલ બનશે. ગ્વાલિયર ભાજપમાં સિંધિયા પરિવાર અથવા તો ગ્વાલિયર પેલેસના રાજકારણનો ભારે વિરોધ રહ્યો છે. પ્રભાત ઝાએ નારાજી વ્યક્ત પણ કરી છે. અત્યારે રાજ્યસભામાં મોકલ્યા છે, પણ ભવિષ્યમાં લોકસભા માટે મનગમતી બેઠક મેળવવી મુશ્કેલ બનશે. પત્નીને ટિકિટ અપાવવી પણ મુશ્કેલ થશે, કેમ કે પરિવારના એકથી વધુ સભ્યને ટિકિટ આપવાની આવે ત્યારે ભાજપમાં થોડી મુશ્કેલી રહે છે.

કારણઃ પ્રદેશપ્રમુખ બનવા ના મળ્યું
સિંધિયા જૂથ સંગઠન પર કબજો ના જમાવે અને વધુ ટિકિટો ના લઈ જાય તે માટે પ્રથમથી જ દિગ્વિજય અને કમલનાથ સાવધ હતા. તેથી 2018ની ચૂંટણી અગાઉ તેમને મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રમુખ બનવા દેવાયા નહોતા. તેમની જગ્યાએ કમલનાથને પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા હતા. ચૂંટણી પહેલાં અને ટિકિટોની વહેંચણી પહેલાં જ આ રીતે તેમનું ધાર્યું થયું નહોતું.

પડકારઃ પ્રદેશપ્રમુખ બનવાનું શક્ય નહિ બને
ભાજપમાં પણ પ્રદેશપ્રમુખ બનવું શક્ય નથી. ભાજપમાં સંગઠન પર સંઘની વધારે મજબૂત પકડ હોય છે. સંઘની પસંદગીના નેતાને જ પ્રમુખ બનાવાતા હોય છે. બીજું સંગઠન પર આરએસએસ દ્વારા નિમાયેલા પ્રચારક મહામંત્રીનું જ વર્ચસ્વ હોય છે. તેથી સિંધિયા પ્રદેશપ્રમુખ ના બની શકે અને બને તો પણ તેમનું ધાર્યું ના થાય, જે તેઓ કોંગ્રેસમાં કરવા માગતા હતા.

કારણઃ પ્રચારમાં સિંધિયાની અટકનો ફાયદો લેવાયો, પછી અવગણના
વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રદેશપ્રમુખ ના બનાવાયા તેની નારાજી હતી. તે નારાજી દૂર કરવા અને સ્ટ્રેટેજિક કારણોસર કોગ્રેસના મોવડીમંડળે તેમને વિધાનસભા ચૂંટણી વખતે પ્રચારસમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. સિંધિયા નામ હજીય નાનો મોટો ટેકેદાર વર્ગ છે અને ગ્રામીણ પ્રજા તે પરિવારના નામે મતો આપતી હોય છે. કોંગ્રેસે તેનો ફાયદો લીધો. ખાસ કરીને ગ્વાલિયર અને ચંબલ પ્રદેશમાં કોંગ્રેસને 34માંથી 27 બેઠકો પણ મળી. જોકે બાદમાં પક્ષે વળતર ના આપ્યું અને મુખ્યપ્રધાન બનાવ્યા નહિ.

પડકારઃ પ્રચારમાં સિંધિયાનો ચહેરો નહિ હોય
ભવિષ્યમાં શું થશે તે નક્કી નથી, પરંતુ હાલમાં ભાજપના પ્રચારમાં માત્ર એક જ ચેહેરો હોય છે – નરેન્દ્ર મોદી. ભાજપને બીજા કોઈ ચહેરાના નામે મતો માગવાની જરૂર નથી. બીજું સિંધિયા પરિવારના નામે ભાજપ મતો માગવા નીકળશે ત્યારે ગાંધી પરિવાર સામેની તેમની ટીકાની ધાર બૂઠી થઈ જવાની. એટલે અટકનો કોઈ ફાયદો મળશે નહિ કે તેના કારણે વિશેષ લાભ પણ મળશે નહિ.

કારણઃ અધિકારીઓ સાંભળતા નહોતા, નિમણૂકો થતી નહોતી
પોતાના વિસ્તારમાં માનીતા અધિકારોને મૂકાતા નહોતા તેની ફરિયાદ પણ હતી. સમગ્ર સરકારી તંત્ર પર કમલનાથ અને દિગ્વિજયસિંહની પક્કડ હતી. દિગ્વિજય સુપરસીએમ કહેવાય છે. સિંધિયા પરિવાર સાથે દોઢ સદી જૂની દુશ્મનાવટ દિગ્વિજયસિંહની છે. તેમના પરિવારની જાગીર રાધોગઢ હતી અને સિંધિયાના ખંડિયા રાજા હતા, પણ રાણી લક્ષ્મીબાઇને દગો દઈને જીવાજીરાવ સિંધિયાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો. તે વખતે રાઘોગઢ લક્ષ્મીબાઇ સાથે રહ્યું હતું અને સિંધિયા પરિવારનો કાયમ વિરોધ રહ્યો હતો. સિંધિયા કે તેમના પ્રધાનોના ધાર્યા કામ અધિકારીઓ કરતા નહોતા.

પડકારઃ અધિકારીઓ ભાજપના સીએમનું પણ સાંભળતા નથી
ભાજપનું મોવડીમંડળ અત્યારે દિલ્હીમાં બેઠાબેઠા અધિકારીઓ વડે જ આખું તંત્ર ચલાવે છે. ભાજપનું શાસન છે ત્યાં પણ મુખ્યપ્રધાને ખાસ કંઈ કરવાનું હોતું નથી. દિલ્હીથી સીધી અધિકારીઓને સૂચના જતી હોય છે. ગુજરાતમાં સીએમ કે ડેપ્યુટી સીએમ શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે, તંત્ર દિલ્હીમાં બેઠેલા મોવડીઓની ઇચ્છા અનુસાર શક્તિશાળી અમલદારો ચલાવતા હોય છે. સિંધિયાને કેન્દ્રમાં પ્રધાન બનવા મળશે તોય તેમના સચિવો તેમનું સાંભળવાના નથી.

કારણઃ પોતાના વિસ્તારને યોજનાઓ ના મળી
સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ કયા પ્રદેશમાં જશે તેનો નિર્ણય કમલનાથ અને દિગ્વિજય પોતાની રીતે કરી લેતા હતા. સિંધિયાના પ્રભુત્વવાળા પ્રદેશોમાં કોઈ વિશેષ યોજના આવતી નહોતી તેવી ફરિયાદ હતી. પોતાના વિસ્તારના ખેડૂતોને રાહત પણ ના મળી તેનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પડકારઃ પોતાના વિસ્તારને મહત્ત્વ આપવાનું શક્ય નથી
ભાજપમાં પણ પોતાના વિસ્તારમાં પ્રોજેક્ટ્સ લાવવાનું એટલું સહેલું હોતું નથી. ભાજપના સાંસદો અને પ્રધાનોની સંખ્યા મોટી છે. ઘણા બધા રાજ્યોમાં સત્તા છે અને રાજ્યકક્ષાના નેતાઓની પણ માગણીઓ હોય છે. બીજું કે ઉદ્યોગગૃહોને માફક આવે તે રીતે જંગી પ્રોજેક્ટ્સ આવતા હોય છે, ત્યાં નેતાઓની ઇચ્છા પ્રમાણે પ્રોજેક્ટ્સ પાસ કરાવવા મુશ્કેલ હોય છે.

કારણઃ અપમાનજનક સ્થિતિ
પક્ષમાં અવગણના થતી હતી. મોવડીમંડળને મળવાનું પણ મુશ્કેલ હતું. મુખ્ય પ્રધાન કમલનાથે સમાધાન માટે પ્રયાસો કર્યા નહોતા. વચનપાલન નહિ થાય તો પોતે રસ્તા પર ઉતરી પડશે એવું સિંધિયાએ જાહેરસભામાં કહ્યું હતું. તેના જવાબમાં કમલનાથે એટલું જ કહ્યું હતું – ‘ઉત્તર જાયેં’.

પડકારઃ માન મર્યાદામાં જ મળશે
ભાજપમાં જાહેરમાં ઓછું અપમાન થાય છે. જૂથબંધી પણ ખાનગીમાં વધારે ચાલે છે, તેથી અપમાનજનક સ્થિતિ નહિ થાય, પણ વધારે કોઈ માન મળશે નહિ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જલદી મળે નહિ, એ જ રીતે નરેન્દ્ર મોદી પણ કોઈને મળતા નથી. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર પણ સ્ક્રિપ્ટ પ્રમાણે જ મહેમાન કલાકાર તરીકે જ હાજરી પુરાવવા મળશે. તેમને આવકારવા અમિત શાહ પણ હાજર રહ્યા નહોતા તે ઉપર વાત કરી જ છે.

કારણઃ ભવિષ્ય નથી
કોંગ્રેસમાં પોતાના માટે કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસમાં નેતૃત્ત્વનો પ્રશ્ન આવીને ઊભો છે અને વિચારસરણીની પણ અવઢવ છે. પક્ષ કઈ દિશામાં જવા માગે છે તેની અનિશ્ચિતતા છે. તે સંજોગોમાં પોતાનું રાજકીય ભવિષ્ય શું હશે તેની અસ્પષ્ટતા ઊભી થઈ હતી.

પડકારઃ ભવિષ્ય અનિશ્ચિત
રાજકારણમાં કોઈ પણ નેતાનું ભાવિ અનિશ્ચિત જ હોય છે. આજનો અત્યંત મજબૂત નેતા કાલે હારી પણ જાય. કોઈને લોટરી લાગી જાય અને જૂથબંધીમાં અચાનક સીએમ પણ બની જાય. તે સંજોગોમાં ભાજપમાં જોડાયા પછી ભવિષ્ય સુનિશ્ચિત થઈ ગયું છે તેવું કહી શકાય નહિ. રાજ્યસભાની ટિકિટ મળી ગઇ છે, પણ કેન્દ્રમાં પ્રધાન બનવા મળશે તેમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ.

RBL, સાઉથ ઇન્ડિયન અને કર્ણાટક બેન્કે અફવાઓ પર સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ યસ બેન્કની નાણાકીય કટોકટી પછી કેટલીય અન્ય ખાનગી બેન્કો વિશે સોશિયલ મિડિયા પર અનેક અફવાઓ ચાલી રહી છે. જેથી આરબીએલ બેન્ક કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્કે સ્પષ્ટતા કરવી પડી હતી. આ ત્રણે બેન્કોએ પોતાના ગ્રાહકોને અફવાઓ વિશે કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ મજબૂત અને સ્થિર છે. કોઈ પણ પ્રકારની અફવાઓ ખોટી છે અને સત્યથી વેગળી છે.

રિઝર્વ બેન્કે પણ ટ્વીટ કર્યું

આ પહેલાં રિઝર્વ બેન્કે પણ એક પછી એક બે ટ્વીટમાં જણાવ્યું હતું કે કેટલીક અન્ય ખાનગી બેન્કોને લઈને અફવાઓ ચાલી રહી છે, જે સદંતર ખોટી છે. ડિપોઝિટર્સના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ટીવી ચેનલના અહેવાલે અફવા પ્રસરી

એક ટીવી ચેનલે આરબીએલ બેન્ક, કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્કની મૂડી અને કુલ રકમ જમા વિશે ઉલ્લેખ કર્યો હતો. જેથી આ અહેવાલ સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. ત્યાર બાદ ત્રણ બેન્કોએ તેમની સ્થિતિ વિશે સ્પષ્ટીકરણ જારી કર્યું હતું. આરબીએલ બેન્કે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ મજબૂત છે. અને કોઈ પણ પ્રકારની અફવા નિરાધાર છે. કર્ણાટક બેન્કે પણ કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ પણ ઘણી મજબૂત છે અને રોકાણકારોએ કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. આ જ રીતે સાઉથ ઇન્ડિયન બેન્કે પણ કહ્યું હતું કે એનો કેપિટલ ટુ રિસ્ક એસેટ્સ રેશિયો જાન્યુઆરીના અંતે 13.12 ટકા હતો, જે આરબીઆઇના નિયમો કરતાં પણ વધુ છે.

 

એરપોર્ટ પર સ્ક્રિનિંગમાં બેદરકારીની શક્યતા નથીઃ સ્વાસ્થ્ય મંત્રી

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરુ થયું છે. લોકસભામાં આજે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે સ્ક્રિનિંગમાં બેદરકારીની કોઈ શક્યતા જ નથી. 30 એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યમાંથી રોજ હેલ્થ રિપોર્ટ મંગાવાઈ રહ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈરાનમાં પણ લેબ બનાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં લોકોને સંકટમાં ન નાંખી શકીએ એટલે કોરોનાને લઈને જાગૃતતા લાવવામાં મદદ કરો. 51 લેબમાં કોરોનાને લઈને ટેસ્ટ ચાલી રહ્યા છે. ઈટલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓના સેમ્પલ લાવવામાં આવી રહ્યા છે.

લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, એરપોર્ટ પર બહારથી આવેલા યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. કેટલાક લોકોને તે જ સમયે અલગ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે લોકો પર શંકા હોય છે તેમનો તમામ ડેટા NCDC પાસે દિલ્હી મોકલી દેવામાં આવે છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

સરકારે કહ્યું કે, કોરોના વાયરસના કારણે ફેલાયેલા ડર વચ્ચે એરપોર્ટ પર આવનારા વિદેશી યાત્રીઓના આંકડામાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસના કારણે આ આંકડો 70,000 થી 62,000 પર પહોંચી ગયો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે લોકસભામાં કહ્યું કે, કોરોના વાયરસને જોતા વિદેશોથી જલ્દી જ ભારતીયોને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, મેડિકલ ટીમને વિદેશ મોકલવામાં આવશે. ઈરાનમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. ઈરાનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે તેમના પરિજનોએ મુલાકાત કરી. વિદેશમાં રહેનારા ભારતીય એમ્બેસીનો સંપર્ક કરે.

ઉલ્લેખનીય છે કે સત્રના પ્રથમ દિવસથી દિલ્હી હિંસાએ બંન્ને સદનોની કાર્યવાહીને પ્રભાવિત કરવામાં આવી છે. વિપક્ષનો વિરોધ શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. લોકસભામાં તો કોંગ્રેસી સાંસદોને સપ્સેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ વિરોધની તપાસ માટે કમીટીની રચના પણ કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, કોરોના વાયરસના મુદ્દે સંસદને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ નથી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં કહ્યું કે, આ આંકડામાં વધારે ઘટાડો આવી શકે છે અને આ આશરે 40,000 સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

સેન્સેક્સમાં 3000 પોઇન્ટ અને નિફ્ટીમાં 900 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાઇરસને WHOએ વૈશ્વિક સ્તરે રોગચાળો જાહેર કર્યો હતો. વળી, કોરોના વાઇરસના કેસના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, એ જોતાં વૈશ્વિક બજારમાં ભાગે ગભરાટ ફેલાયો હતો. ભારત સહિત અનેક દેશો સાવચેતીરૂપે તેમના દેશમાં ફોરેનર્સના આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેથી વૈશ્વિક અર્થતંત્રને લઈને અસમંજસતાભર્યો માહોલ છે. જેને લીધે વૈશ્વિક શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. જેથી સેન્સેક્સ 3000 પોઇન્ટ  નિફ્ટી ઇન્ડેક્સ પણ 900 પોઇન્ટ તૂટ્યા હતા.

BSE-500- એક મહિનામાં 98 શેરોએ નકારાત્મક રિટર્ન આપ્યું

શેરબજારો પર કોરોનો વાઇરસનો ઓછાયો છે, ત્યારે BSE-500 ઇન્ડેક્સ એક મહિના દરમ્યાન 3,149 પોઇન્ટ તૂટ્યો છે. આ ઇન્ડેક્સમાંના 500 શેરો પૈકી 492 શેરોએ નકારાત્મક વળતર આપ્યું છે અને આ શેરો 64 ટકા સુધી તૂટ્યા છે.

બે કલાકમાં રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ સ્વાહા

મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ 2800 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો છે, ત્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1,26,12,428 કરોડ થઈ ગયું છે, જે ગઈ કાલે આ કંપનીઓનું માર્કેટ કેપ 1,37,13,558.72 કરોડ હતું. આમ માત્ર બે કલાકમાં જ રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ સાફ થઈ ગયા હતા.

ડોલર સામે રૂપિયામાં ધોવાણ

ફોરેક્સ માર્કેટમાં ડોલરની સામે રૂપિયા બજાર ખૂલતાની સાથે જ 74.50 થયો હતો. પ્રારંભમાં ડોલર સામે રૂપિયો 82 પૈસા તૂટ્યો હતો. કોરોના વાઇરસને કારણે આર્થિક મંદીને કારણે ડોલર સામે રૂપિયામાં ભારે ધોવાણ થયું હતું. ડોલર સામે રૂપિયો 17 મહિનાની નીચી સપાટીએ હતો.