Home Blog Page 4938

બ્રેન ડેડ દીકરીના અંગોનું દાન કરી કર્યા અજવાળાં

સુરતઃ શહેરના લેઉવા પટેલ સમાજની એક દિકરીનું અકસ્માતમાં મૃત્યુ થયું અને પરિવારે પોતાની દીકરીના કીડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને જીવન  આપ્યું છે. આ પરિવારે માનવતાની સોડમ પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતથી પ્રથમવાર કિડની અને લિવરને ગ્રીન કોરીડોરના માધ્યમથી અમદાવાદની કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા. સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલ સુધીનું 260 કિલોમીટરનું અંતર 2.55 કલાકમાં કાપીને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરવામાં આવ્યું છે.

૯ માર્ચના રોજ યેશા નામની આ દીકરી શાળાએથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે ૬.૧૫ કલાકે હીરાબાગ ગંગેશ્વર સોસાયટી, ડેરી ડોન આઈસ્ક્રીમ પાસે રમતા રમતા ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા મગજમાં ફ્રેકચર અને તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવી.

ન્યૂરોસર્જન ડૉ. ધવલ પટેલ, ન્યુરોફીજીશિયન ડૉ.રવિશા શેઠ, ફીજીશિયન ડૉ.નીખીલ જરીવાલા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચંદ્રેશ ઘેવારીયાએ યેશાને બ્રેનડેડ જાહેર કરી હતી. વિનસ હોસ્પીટલના ICU રજીસ્ટાર ડૉ.જયદીપ ટોપીવાલાએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી યેશાના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બેન અવની સાથે રહી યેશાના માતા-પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસીકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.

યેશાના પરિવારજનોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. આજે જયારે અમારી લાડકવાયી દીકરી બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિતજ છે ત્યારે તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું.

અમદાવાદની IKDRC ના ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓના હાલ કેવા છે? જાણો…

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ સર્જનાર જ્યોતિરાદિત્ય સિંધિયા છેવટે ભાજપમાં સામેલ થયા છે. તેઓ મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં કોંગ્રેસ છોડીને કેટલાય નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. જોઈએ હાલ તેમની રાજકીય તાકાત કેટલી વધી છે અને તેમની શી સ્થિતિ છે. જાણીએ….

જ્યોતિરાદિત્ય સિંધિયા- મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર

રીતા બહુગુણા જોશી

કોંગ્રેસનાં ભૂતપૂર્વ દિગ્ગજ નેતા 2016માં ભાજપમાં સામેલ થયાં હતા. તેમણે 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લખનૌ કેન્ટથી ચૂંટણી લડી હતી. તેમણે મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવને હરાવીને અહીંથી જીત મેળવી હતી. રીતાને યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પ્રયાગરાજ (અલાહાબાદ)થી ઉમેદવાર બનાવ્યાં હતાં, તેઓ અહીંથી સંસદસભ્ય છે.

હેમંત બિશ્વા શર્મા

પૂર્વોત્તર વિસ્તારના આ મોટા ગજાના નેતાએ 2015માં ભાજપપ્રવેશ કર્યો હતો. તેમનું મહત્ત્વ એ રીતે આંકી શકાય કે પૂર્વોત્તર રાજ્યમાં જ્યારે પણ કોઈ જોખમ ઊભું થાય ત્યારે શર્મા પક્ષમાં સક્રિય થઈ જાય છે. આસામમાં પાર્ટીના વિશ્વાસપાત્ર ચહેરાઓમાંના એક છે. આસામમાં શર્મા પાસે નાણાં, શિક્ષણ અન સ્વાસ્થ્ય વિભાગ છે.

જગદમ્બિકા પાલ

ઉત્તર પ્રદેશમાં એક દિવસના મુખ્ય પ્રધાન રહેલા જગદમ્બિકા પાલ 2014માં ભાજપમાં સામેલ થયા. તેઓ સતત બે વાર ભાજપની ટિકિટ પર ડુમરિયાગંજથી સંસદસભ્ય છે.

બિરેન્દ્ર સિંહ ચૌધરી

 

બિરેન્દ્ર સિંહ ચૌધરી 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તેમણે મોદી સરકાર-એકના કાર્યકાળમાં સ્ટીલ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં બિરેન્દ્ર સિંહે રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામું આપ્યું હતું.

રાધાકૃષ્ણ વિખે પાટિલ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ પાછલા વર્ષે કોંગ્રેસ છોડીને ભાજપપ્રવેશ કર્યો હતો. પાટિલે જે સમયે રાજીનામું આપ્યું હતું, ત્યારે તેઓ વિદાનસભામાં વિપક્ષના નેતા હતા. હાલ ભાજપમાં ખૂણામાં ધકેલાઈ ગયા છે. તેમની મહા વિકાસ અઘાડીમાં સામેલ થવાની અટકળો છે.

નારાયણ રાણે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના અગ્રણી નેતા નારાયણ રાણે પાછલા વર્ષે ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસ છોડ્યા બાદ તેમને ભાજપે રાજ્યસભામાં ચૂંટી કાઢ્યા હતા. જોકે ભાજપે હજી સુધી કોઈ મોટી જવાબદારી નથી આપી.

એસ. એમ. કૃષ્ણા

Shri S.M. Krishna in his office after taking charge as Minister of External Affairs, in New Delhi on May 25, 2009.

ભૂતપૂર્વ વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણા 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. કર્ણાટકના આ દિગ્ગજ નેતા પાસે હાલ કોઈ મહત્ત્વની જવાબદારી નથી.

 

 

 

 

 

 

 

 

 

કોંગ્રેસે કર્ણાટકમાં ડી.કે.શિવકુમારને સોંપી જવાબદારી

ભોપાલઃ કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. આ જવાબદારી માટે પાર્ટીએ ડી.કે.શિવકુમાર પર ભરોસો મૂક્યો છે. સંકટમોચક કહેવાતા શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ તરીકે દિનેશ ગુંડુરાવની જગ્યાની કમાન સંભાળશે. તો તેમની સાથે ઈશ્વર ખાંદ્રે, સતીશ જારકીહોલી અને સલીમ અહમદને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ડી.કે.શિવકુમાર 2009 માં કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. માત્ર આટલું જ નહી તેઓ સિદ્ધારમૈયાની સરકારમાં ઉર્જા મંત્રી પણ રહેલા છે. જ્યારે એચ.ડી કુમારસ્વામીની સરકારમાં જળ સંસાધન મંત્રી પણ રહ્યા છે.

રિસોર્ટ ટુરીઝમઃ કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા

જયપુરઃ મધ્ય પ્રદેશમાં ધારાસભ્યો ખેંચાવાની શક્યતાઓ વધી ગઈ છે. આ જ કારણે કોંગ્રેસના 80 જેટલા ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા છે. આ ધારાસભ્યો ભોપાલથી વિશેષ વિમાનમાં જયપુર એરપોર્ટ પર પહોંચ્યા.

કોંગ્રેસના ધારાસભ્યોને લેવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પોતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના સિવાય મહેશ જોષી, ઉપ પ્રમુખ મહેન્દ્ર ચોધરી, પરિવહન મંત્રી પ્રતાપ સિંહ અને અન્ય નેતાઓ પણ એરપોર્ટ પહોંચ્યા હતા. પૂર્વ સાંસદ રહેલા સિંધિયાના નજીકના ગણાતા 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. આનાથી કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યોને લેવા પહોંચેલા સીએમ ગહેલોતે ભાજપ પર આરોપો લગાવ્યા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ સિંધિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકોને પહેલા જ પાર્ટી છોડી દેવી જોઈતી હતી. કોંગ્રેસે 18 વર્ષ સુઘી ઘણું આપ્યું છે. સમય આવવા પર આ લોકોએ બગાવત કરી છે. લોકો તેમને પાઠ ભણાવશે. ભાજપ પર આરોપ લગાવતા ગહેલોતે કહ્યું કે, દરેક લોકો જોઈ શકે છે કે કેવી રીતે લોકતંત્રની હત્યા થઈ છે. ધારાસભ્યો જયપુર આવ્યા છે, તમે જોઈ શકો છો કે ત્યાં હોર્સ ટ્રેડિંગના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવું ક્યારેય જોવા મળ્યું નથી કે જેવું સત્તામાં બેસેલા લોકો કરી રહ્યા છે. આપણે એકજુટ રહીશું.

મધ્યપ્રદેશઃ શું હવે બળવાખોર કોંગ્રેસીઓ સિંધિયાથી પણ નારાજ?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજકારણમાં હાલ T20 મેચ જેવું સસ્પેન્સ છે. રાજ્યમાં બહુ ઝડપથી રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપનારા કમસે કમ આઠથી નવ બળવાખોર કોંગ્રેસી વિધાનસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાથી નારાજ હોવાના અહેવાલ છે. સિંધિયા ભાજપમાં સામેલ થયા છે. જેથી તેઓ તેમનાથી નારાજ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિધાનસભ્યો ના તો રાજીનામું આપવા ઇચ્છતા હતા કે ના તો ફરી ચૂંટણી લડવા ઇચ્છતા હતા. બેંગલુરુમાં હાજર કોંગ્રેસ વિધાનસભ્યોએ એક મેસેન્જરના માધ્યમથી પક્ષ સાથે સંપર્ક કર્યો છે. પક્ષે વિશ્વસનીય સંકટમોચન ડીકે શિવકુમારને વિધાનસભ્યો પરત લાવવાની જવાબદારી સોંપી છે, એમ સૂત્રો કહે છે.

સિંધિયાને રાજ્યસભાની સીટ ના મળે ત્યાં સુધી

કોંગ્રેસે દાવો કર્યો હતો કે વિધાનસભ્યોને બેંગલુરુમાં ત્યાં સુધી એકસાથ રાખવા માટે કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સિંધિયાને રાજ્યસભાની ચૂંટણી માટે સીટ ના મળે. શિવકુમારે મિડિયાને કહ્યું હતું કે વિધાનસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે અને સંકટ લાંબો સમય નહીં રહે.

કમલનાથના માસ્ટરસ્ટ્રોકની રાહ

મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન પી.સી. શર્માએ કહ્યું હતું કે હવે કમલનાથ ક્યારે  માસ્ટરસ્ટ્રોક લગાવે છે, એ જોવાનું રહે છે. કોંગ્રેસ સોદાબાજી ના થાય એટલે વિધાનસભ્યોને જયપુર લઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસે એ પણ દાવો કર્યો છે કે ભાજપના ડઝનથી પણ વધુ વિધાનસભ્યો તેના સંપર્કમાં છે.

આંકડાનું ગણિત ભાજપના પક્ષમાં

હાલમાં તો આંકડાનું ગણિત ભાજપના પક્ષમાં છે. ભાજપ પાસે હાલ 107 વિધાનસભ્યો છે અને વિધાનસભામાં કુલ સંખ્યા 228ની છે. જેમાં બહુમતનો આંકડો 115 છે, પણ 20 વિધાનસભ્યોએ રાજીનામાં આપતાં વિધાનસભાની સીટ 208 થઈ છે અને ભાજપને 104 વિધાનસભ્યોની જરૂર છે. જ્યારે કોંગ્રેસે ભાજપને હરાવવા માટે કમસે કમ 15 વિધાનસભ્યોની જરૂર છે.

કોંગ્રેસ એક બાજુ પોતાના વિધાનસભ્યોને પરત લાવવાની તજવીજ કરી રહી છે અને બીજી બાજુ ભાજપના કેટલાક વિધાનસભ્યોને પણ પાલો બદલવા લાલચ આપી રહી છે.

 

 

 

કોરોના વાઇરસને કારણે પોપ મેડોનાએ ફ્રાન્સ કોન્સર્ટ રદ કરી

લોસ એન્જેલસઃપોપ દિવા મેડોન્નાને વિશ્વભરમાં કોરોનો વાઇરસ ફેલાવાને કારણે ફ્રાન્સમાં યોજનારા તેના બે શો રદ કરવાની ફરજ પડી છે. કોરોના વાઇરસ ઝડપથી ફેલાવાને કારણે ફ્રાન્સે 1000થી વધુ લોકો માટેની મોટી ઇવેન્ટ્સ યોજાવા પ્રતિબંધ મૂકી દીધા પછી મેડોન્નાએ તેના શો રદ કરી હોવાના અહેવાલ આવ્યા હતા.

સિંગર મેડોન્નાની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા તેના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેનો માર્ચે પેરિસમાં યોજાનારો શો રદ કરવામાં આવ્યો છે. ફ્રાન્સ સરકારની સત્તાવાર સૂચના –કે જેમાં 1000થી લોકોની હાજરીવાળી તમામ ઇવેન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એ પછી મેડમ Xનો લાઇવ પર્ફોર્મન્સ (લાઇવ શો) રદ કરવામાં આવ્યો છે અને આ શોની ટિકિટોનાં નાણાં તમે ખરીદી કરી હોય એ પર્ચેઝ પોઇન્ટથી રિફન્ડ મેળવી શકશો, એમ તેણે એક નિવેદનમાં જણાવ્યું છે.  ચાહકોને આ શો રદ થવાને કારણે વ્યાપેલી નિરાશા બદલ અમે ખેદ અનુભવીએ છીએ.

ચીનના વુહાન શહેરમાંથી ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ કોરોના વાઇરસની ઉત્પત્તિ થઈ હતી અને ત્યાંથી વિશ્વભરમાં ફેલાયો હતો.વિશ્વભરમાં રવિવાર સુધીમાં કોવિડ-19ના 1,05,586 કેસો નોંધવામાં આવ્યા છે, જેમાં 3,656ના કેસોનો વધારો થયો છે અને તેમાં ચીન બહારના 3,610 નવા કેસોનો સમાવેશ થાય છે.  કોરોના વાઇરસને કારણે વિશ્વભરની અનેક મ્યુઝિકલ કોન્સર્સ અને ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યા છે.

 

માનવ અધિકાર અને જવાબદારીઓ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન

અમદાવાદઃ શહેરમાં આવેલી “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા વિદ્યાર્થીઓ  માટે આ શૈક્ષણિક વર્ષ માટેના અંતિમ “થોટ લીડર્સ સ્પિક સિરીઝ” ના  ભાગરૂપે “સામાજીક વિભિન્નતામાં માનવ અધિકાર અને જવાબદારીઓ”  વિષય પર લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન ફોરેન સર્વિસના ભૂતપૂર્વ સિનયર અધિકારી અને હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય તરીકે  કાર્યરત ડૉ. જ્ઞાનેશ્વર  મુલે દ્વારા ઉપરોક્ત વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.ડૉ. જ્ઞાનેશ્વર  મુલે ભારતીય  વિદેશ  મંત્રાલયમાં તેમના સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ “પાસપોર્ટ  મેન  ઓફ  ઇન્ડિયા” તરીકે  પણ  જાણીતા  છે. માનવાધિકારનો વ્યાપક અર્થ સમજાવતા ડૉ.મુલેએ માનવ અધિકાર અંગેના ભારતીય મહાકાવ્યોના ઐતિહાસિક ઉદાહરણો અર્થપૂર્ણ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. રાજ્યો અને દેશમાં તાજેતરમાં થયેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે  જણાવતા તેમણે કહ્યુંકે માનવ અધિકારના ચાર આધારસ્તંભો “રાઇટ ટુ લાઇફ, લિબર્ટી, સમાનતા અને ગૌરવ” માનવાધિકારને અસરકારક અને અર્થપૂર્ણ બનાવવા માટે એક સાથે સુનિશ્ચિત થવા જોઈએ. બહુ ભાષા નિપુણ ડૉ. મૂલેએ માનવ અધિકારના વિશાળ પરિપ્રેક્ષ્યના ભાગ રૂપે માતૃભાષાના અધિકાર પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ ભારતીય ઉપ-ખંડોમાં બોલાય છે અને આ ભાષાકીય વિશિષ્ટતાને જાળવવા અને ઉજવવા આપણે બધાજ  પ્રયન્ત કરવા જોઈએ.

જિનપિંગે કહ્યુંઃ જીવલેણ કોરોના પર કાબુ મેળવાયો

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસ સતત કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસથી અહીં વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 3136 થઈ ગયો છે. કોરોનાના કહેર વચ્ચે રાષ્ટ્રપતિ શિ જિનપિંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાના મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં આ જીવલેણ વાયરસ પર કાબુ મેળવી લેવાયો છે. પાકિસ્તાનમાં પણ કોરોનાના વધતા કેસોથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં જીવલેણ કોરોના વાયરસના નવ મામલા એક દિવસમાં સામે આવ્યા છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસનો પ્રકોપ સામે આવ્યા બાદ પોતાની પ્રથમ યાત્રા પર વાયરસ પ્રભાવિત વુહાન શહેર પહોંચ્યા હતા. સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહાસચિવ જિનપિંગે આ મહામારીના નિવારણના ઉપાયોની તપાસ માટે વુહાન પહોંચ્યા હતા. આ પ્રવાસ પર તેમણે જાહેરાત કરતા કહ્યું કે કોરોના વાયરસના મુખ્ય કેન્દ્ર વુહાનમાં તેના પર કાબુ મેળવી લેવાયો છે. જિનપિંગે કહ્યું, ‘હુબેઈ અને વુહાનમાં આ વાયરસને કાબુ કર્યાં બાદ હવે સ્થિતિને સામાન્ય કરવામાં પ્રારંભિક સફળતા મળી છે.’

ચીની અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના 19 નવા મામલાની પુષ્ટિ થઈ છે અને સોમવારે તેનાથી વધુ 17 લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (એનએચસી)એ જણાવ્યું કે, હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં આ 17 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં મૃત્યુઆંક ચાર હજારથી વધુ પહોંચી ગયો છે. ચીનમાં આ વાયરસથી વધુ 17 લોકોના મોત થયા છે. 100થી વધુ દેશોમાં ફેલાયેલા આ વાયરસથી મૃતકોની સંખ્યા 4,011 પહોંચી ગઈ છે જ્યારે તેનાથી 110,000થી વધુ લોકો પ્રભાવિત છે.

પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં જીવલેણ કોરોનાના એક દિવસમાં નવ કેસ સામે આવ્યા છે. સર્વાધિક પ્રભાવિત પ્રાંત સિંધમાં આ બીમારીના વધુ બે મામલા સામે આવ્યા છે. આ સાથે દેશમાં આ બીમારીનો શિકાર કુલ લોકોની સંખ્યા હવે 18 થી ગઈ છે. તેમાંથી 15નો સંબંધ સિંધ સાથે છે અને તેમાં પણ મોટા ભાગના રાજધાની કરાચીના રહેવાસી છે. કેનેડામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે.

અમિતાભે હોળી પર ‘ફોટો’ શેર કરીને વાગોળી જૂની યાદો

નવી દિલ્હીઃ  હોળીના તહેવાર નિમિત્તે જ્યાં અનેક સેલેબ્સ ફોટો શેર કરી રહ્યા છે, ત્યારે અમિતાભે બચ્ચને પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના જૂના ફોટો શેર કરીને યાદોને વાગોળી હતી. તેમણે જે ફોટો શેર કર્યો હતો, એમાં બે દિગ્ગજ કલાકારોની સાથે તેઓ નજરે ચઢે છે. અમિતાભનો આ ફોટો એ વીતેલા જમાનાનો છે, જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ચાલતા હતા. આ ફોટોમાં બિગ બી બોલિવુડના બે મોટા સ્ટાર્સની સાથે મસ્તી કરતા દેખાય છે.

જ્યારે તમે પહેલી વાર આ ફોટો જોશો તો કદાચ ઓળખી નહીં શકો કે બિગ બીની સાથે કયા સ્ટાર્સ છે. આ ફોટોમાં અમિતાભ બચ્ચન રાજ કપૂર અને શમ્મી કપૂરની સાથે ઊભા છે. આ ફોટો આરકે સ્ટુડિયોનો છે.આ પહેલાં પણ અમિતાભે અલગ-અલગ ફોટોઝનું એક કોલાઝ શેર કર્યું હતું, જેમાં તેઓ પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, જિતેન્દ્ર, શમ્મી કપૂર અને રાજ કપૂર નજરે ચઢી રહ્યા છે. જયા અન અભિષેકની સાથે બિગ બી તેમના ઘરે પ્રતિક્ષામાં હોળી ઊજવી રહ્યા છે, જ્યારે બાકી બધા સાથે તેઓ આરકે સ્ટુડિયોમાં ધુળેટી ઊજવતા નજરે ચઢી રહ્યા છે.

અમિતાભ બચ્ચન સિવાય કાર્તિકા આયર્ન અને શબાના આઝમીએ પણ હોળીના તહેવારના જૂના ફોટો શેર કર્યા છે.

 

 

 

 

 

 

 

હવે એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી નથી

નવી દિલ્હીઃ સોમવારે શેરબજારમાં આવેલા કડાકાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. જેથી રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટવાથી મુકેશ અંબાણીના પર લાગેલું એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિનું લેબલ અલીબાબાના જેકમા પાસે ચાલી ગયું હતું. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં જેકમાએ મુકેશ અંબાણીને પાછળ ધકેલી દીધા છે. 11 માર્ચે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં જેક મા જ્યાં 18મા સ્થાને છે, ત્યાં મુકેશ અંબાણી 19મા સ્થાને આવી ગયા હતા.મુકેશ અંબાણી અને જેકમાની સંપત્તિ

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર જેકમાની કુલ સંપત્તિ જ્યાં 45.7 અબજ ડોલર છે, ત્યાં મુકેશ અંબાણીની સંપત્તિ 42.3 અબજ ડોલરની રહી છે. વિશ્વભરના અબજોપતિની યાદીમાં એમેઝોનના જેફ બેઝોસ ટોચ પર છે. તેમની સંપત્તિ 117 અબજ ડોલર છે.

મુકેશ અંબાણીની નેટવર્થમાં થયેલો ઘટાડો

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર આ વર્ષે અત્યાર સુધી મુકેશ અંબાણીની નેટવર્થમાં 16.3 અબજ ડોલરનો ઘટાડો જોવાયો હતો. જોકે આજે રિલાયન્સમાં આવેલા ઝડપી ઉછાળાને કારણે તેમની નેટવર્થમાં વધારો થયો હતો.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 10 લાખ કરોડથી ઘટીને રૂ. સાત લાખ કરોડ રહ્યું છે.