અમદાવાદ : આંતરરાષ્ટ્રીય મહિલા દિને નોવોટેલ, અમદાવાદના ઉપક્રમે જાતીય સમાનતાના વિષયે બે પેનલ ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં વિવિધ ક્ષેત્રની મહિલાઓએ મહિલા અધિકારો, મહિલાઓએ સામનો કરવો પડતો હોય તેવા પડકારો, નેતૃત્વ તથા અન્ય મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી.
“કામકાજનાં સમાવેશી સ્થળો” (“Inclusive Workplaces”) વિષયે યોજાયેલી પેનલ ચર્ચામાં જે વકતાઓ સામેલ થયા હતા તેમાં નોવોટેલ, અમદાવાદના જનરલ મેનેજર, જયકૃષ્ણન સુધાકરન, પંડીત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સીટીની સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝના ડિરેકટર ડો. નિગમ દવે, સિમ્સ હૉસ્પિટલનાં ડિરેક્ટર કોમ્યુનિકેશન્સ, પ્રીતા ચગ, કેડીલા ફાર્માસ્યુટિકલ્સનાં એવીપી રેગ્યુલેટરી એફેર્સ મોના ગોગીયા અને વાય જે ત્રિવેદી એન્ડ કંપનીનાં પેટન્ટ એટર્ની ગોપી ત્રિવેદી સામેલ થયાં હતાં.
પેનલીસ્ટોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, પુરૂષો અને સ્ત્રીઓનુ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતુ કામકાજનુ સમાવેશી સ્થળ (Inclusive Workplac) બહેતર કાર્યક્ષમતા તરફ દોરી જાય છે તથા ઉત્પાદકતાને વેગ આપે છે. તેમણે કર્મચારીઓમાં અને ખાસ કરીને મહિલા કર્મચારીઓમાં અને ખાસ કરીને મહિલાઓમાં સંસ્થા સાથે જોડાયેલા હોવાનુ ગૌરવ પેદા થાય તે બાબતને મહત્વની ગણાવી હતી. પેનલીસ્ટોએ નોકરી આપનાર સમુદાય અને માલિકો તથા નોકરી કરનારની બદલાતી જતી માનસિકતાને કારણે કામ કરવનુ સ્થળ સાચા અર્થમાં સમાવેશી બની શકે છે.
બીજી પેનલ ચર્ચામાં તમામ પેનલીસ્ટ તરીકે મહિલાઓનો સમાવેશ થતો હતો. આ પેનલ ચર્ચાનો વિષય હતો “મહિલાઓ અને નેતૃત્વ”. પેનલીસ્ટોમાં ટોયફોર રેન્ટ સ્ટાર્ટ-અપનાં સ્થાપક નેહા માલુ, સિનિયર આઈટી મેનેજર, ડીશમેન કાર્બોજેન એમિક્સનાં સિનિયર આઈટી મેનેજર, નેહલ વ્યાસ, સિનિયર મેડિકલ એક્સપર્ટ ઓબટ્રેટિશિયન ગાયનેકોલોજીસ્ટ, ડો.ચૈતાલી બંસલ, નો યોર રાઈટસ ફાઉન્ડેશનનાં લીપી ખંધાર અને કેડીલા ફાર્માસ્યુટિકલ્સનાં એવીપી ઈન્ટરનેશનલ બિઝનેસ સંગીતા ઠાકરનો સમાવેશ થતો હતો. ચર્ચામાં સામેલ થયેલા પેનલીસ્ટોએ વિવિધ ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે મહિલાઓનુ નેતૃત્વ ધરાવતી સંસ્થાઓ સ્ત્રી-પુરૂષ સમાનતા બાબતે પરિવર્તનને પૂરક બની રહી છે. આ મહિલા અગ્રણીઓએ કોર્પોરેટ સંસ્થાઓના બોર્ડરૂમમાં અને મેનેજમેન્ટના વરિષ્ઠ પદ ઉપર, સંસદમાં તથા રાજયોની વિધાનસભાઓમાં મહિલાઓને અપૂરતા પ્રતિનિધિત્વ અંગે પણ વાત કરી હતી.
ચર્ચાનું સમાપન કરતાં જયકૃષ્ણન સુધાકરને જણાવ્યું હતું કે “વૈવિધ્યને કારણે પરફોરમન્સને વેગ મળે છે સર્વોચ્ચ સ્તરે પુરૂષો અને મહિલાઓને સાંકળવાનુ ખૂબ જ આવશ્યક છે.
અમદાવાદ: ગઈકાલે જ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેના કાર્યક્રમોનું આ દિવસે આયોજન કરવામાં આવે છે.
અમદાવાદમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ધ દૂરબીનના ઉપક્રમે “માણેક ટુ માણેક” હેરિટેજ વૉકનું ખાસ મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, સ્ત્રીશક્તિકરણ, વુમન હુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. 50થી વધુ મહિલાઓ વુમન ડે સ્પેશિયલ હેરિટેજ વૉકમાં ભાગ લીધો હતો.
નવી દિલ્હીઃ નિર્ભયાના ગુનેગાર મુકેશ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કયુરેટિવ પિટિશન ફરી વાર દાખલ કરવાની મંજૂરી માગી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 16 માર્ચે સુનાવણી કરવાની છે. જ્યારે બાકીના ગુનેગારોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે આગામી સપ્તાહમાં તેમના દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવશે અને ફાંસીને અટકાવવા માટે પ્રયાસ કરાશે. આમ નિર્ભયાના કેસના ગુનેગારો ફાંસીને અટકાવવા માટે તમામ ધમપછાડા કરી રહ્યા છે. જોકે કાયદાવિદો જણાવે છે કે હવે ફાંસીની તારીખ બદલાશે નહીં.
મુકેશના વકીલ એમએલ શર્મા દ્વારા અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર અને એમિક્સ ક્યુરી (કોર્ટ સલાહકાર)ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. તેણે અરજીમાં તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે 16 માર્ચ નક્કી કરી છે.
વિનય દ્વારા એપી સિંહ અરજી દાખલ કરશે
વિનય, અક્ષય અને પવનના વકીલ એપી સિંહે જણાવ્યું હતું કે વિનય તરફથી અરજી દાખલ કરવામાં આવશે, જેમાં તેની દયા અરજી કાઢી મૂકવામાં દિલ્હી સરકારની ભલામણને પડકારવામાં આવશે.
અક્ષય દ્વારા પણ અરજી
અક્ષય તરફથી પણ અરજી દાખલ કરવામાં આવશે. એપી સિંહે જણાવ્યું હતું કે પહેલી મર્સી પિટિશન અધૂરી હતી અને બીજી મર્સી પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે પેન્ડિંગ હતી. કોર્ટમાં સવાલ પૂછવામાં આવશે કે મર્સી પિટિશન પેન્ડિંગ રહેવા દરમ્યાન પાંચ માર્ચે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું હતું. આ મામલે પણ કોર્ટમાં અરજી અપાશે.
20 માર્ચે જ ફાંસી
કાયદાવિદ કરણ સિંહ જણાવે છે કે ચારે ગુનેગારની રિવ્યુ, ક્યુરેટિવ અને મર્સી પિટિશન કાઢી નખાઈ છે. છેલ્લી મર્સી પિટિશન કાઢી નખાયા બાદ 14 દિવસ પછી ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે કે 20 માર્ચે ફાંસી અપાઈ જવી જોઈએ.
આપણા દેશમાં સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત થયા બાદ લોકો પર્યાવરણ અંગે વધારે જાગૃત થયા છે. બેંગલોરમાં ઘન કચરામાં રહેલા વિવિધ ઘટકોનો અભ્યાસ કરતાં જણાયું કે ત્યાં દરરોજ ૯૦ ટન જેટલો સેનિટરી કચરો ઉત્પન્ન થાય છે, જેમાં સ્ત્રીઓ દ્વારા એમનાં માસિક દરમિયાન વપરાતા ડિસપોઝેબલ સેનિટરી નેપકીન્સ તેમજ નાના બાળકોમાં વપરાતા ડિસપોઝેબલ ડાયપર્સનો સમાવેશ થાય છે.
આ આંકડો ખૂબ ચોંકાવનારો છે. ‘શું આપણે કોઈ રીતે આ કચરાને નાબૂદ કરી શકીએ ખરા?‘ તેવા ચિંતનમાંથી ‘ગ્રીન ઘ રેડ’ ઝુંબેશની શરૂઆત થઈ.
ડિસપોઝેબલ સેનિટરી પેડ શા માટે ન વાપરવા જોઈએ?:
૧) તે મોંઘા છે.
૨) તેની બનાવટમાં પ્લાસ્ટિક અને ઝેરી રસાયણયુક્ત જેલ હોય છે. જે માસિકસ્ત્રાવથી ભીનું થતાં, તેમાંથી વાયુ સ્વરૂપે આ રસાયણો બહાર નીકળી યોનીમાર્ગમાં પ્રવેશી તે પહેરનાર સ્ત્રીનાં શરીરમાં પ્રવેશે છે. ડાયોક્સિન, ક્લોરીન, સ્ટાયરીન, એસિટોન વગેરે લોહીમાં ભળીને શરીરમાં અંતઃસ્ત્રાવની સમતુલા ખોરવી નાખીને ડાયાબિટીસ, થાઈરોઈડના રોગો, માસિકની અનિયમિતતા જેવી અનેક બિમારીઓને નોતરૂં આપે છે.
૩) ઘણાને એલર્જી, ખંજવાળ, પ્રજનનમાર્ગના ચેપ જેવી તકલીફો પણ આના ઉપયોગથી થતી હોય છે.
૪) આપણા દેશમાં ગટર બ્લોક થઈ જવાનું મુખ્ય કારણ આવા સેનિટરી નેપકીન્સ છે. એવી બ્લોક થઈ ગયેલી ગટરોને સાફ કરતી વખતે ઘણા સફાઈ કામદારો મૃત્યુ પામે છે.
૫) સેનિટરી નેપકીન્સને જો બાળવામાં આવે તો વાતાવરણમાં ઝેરી કેમિકલ્સ ભળે છે. જે હવાનું પ્રદુષણ વઘારે છે. જો તેને દાટવામાં આવે તો તેનો નાશ ૫૦૦-૭૦૦ વર્ષ સુધી થતો નથી, કારણ કે તે પ્લાસ્ટિકયુક્ત જ છે. ભીના કચરાની સાથે કચરાના ઢગલામાં રહે છે ત્યારે વરસાદના પાણીમાં ભળીને પાણીના સ્ત્રોતમાં પ્રદૂષણ ફેલાવે છે.
આમ સેનિટરી પેડ, શરીરની તેમજ પર્યાવરણની તંદુરસ્તી જોખમમાં મૂકતાં હોવાથી તેનો વપરાશ કરવો હિતાવહ નથી.
તો પછી આપણે માસિક દરમિયાન સ્વચ્છતા માટે શું કરવું?
આ માટે બે વિકલ્પ છે.
(1) કાપડનાં સેનિટરી પેડ: આપણે ત્યાં જૂના કોટન લૂગડાં, ગડી બનાવી માસિક દરમિયાન વર્ષો પહેલા વપરાતાં હતા. એને ધોઈને, ફરી વાપરી શકાતા હતા. પરંતુ માસિક સાથે સંકળાયેલા શરમ-સંકોચ, ગેરમાન્યતાઓને કારણે આવા કપડાં અંધારા ખુણામાં, બધાની નજરે ન આવે તેમ, સંતાડીને સૂકવવામાં/સાચવવામાં આવતા જેથી તેમાં ભેજ રહી જતો અને તેનાથી યોનીમાર્ગમાં ચેપ લાગવાની શક્યતા વધી જતી.
જો કપડાંના પેડ ધોઈને, સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવીને ઉપયોગમાં લેવામાં આવે તો એલર્જી કે ખંજવાળરહિત, સ્વાસ્થ્યપ્રદ, માસિક સ્વચ્છતા માટે પર્યાય પૂરા પાડે છે. આધુનિક સમયમાં PUL COATED IMPERVIOUS LAYER સાથેના કાપડનાં પેડ મળે છે. જે ૩-૫ વર્ષ (ફાટી ન જાય ત્યાં સુધી) ચાલે છે. જેનાથી ૧૦ વર્ષમાં અનેક રૂપિયાની બચત થાય છે.
ચોમાસામાં જ્યારે સૂર્યપ્રકાશમાં સુકવવાનું શક્ય ન બને ત્યારે ઘરમાં સૂકાવેલા કાપડનાં પેડનો ઉપયોગ ઇસ્ત્રી કરીને કરી શકાય. આ કાપડના બનેલા હોવાથી તેમજ ફરી ફરીને લાંબો સમય ઉપયોગમાં લેવાતા હોવાથી પર્યાવરણને નુકસાન કરતા નથી.
(૨) મેન્સ્ટ્રુઅલ કપ: સિલિકોનના બનેલા, યોનિમાર્ગમાં અંદર મૂકવામાં આવતા મેન્સ્ટુઅલ કપ સૌથી વધુ આરામદાયક, એલર્જીરહિત, ખંજવાળરહિત, સહેલાઈથી સાફ થઇ શકે તેવા અને 10-12 કલાક સળંગ ઉપયોગમાં લઈ શકાય છે. ખૂબ જ ઓછા પાણી વડે તેને સાફ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ૮-૧૦ વર્ષ સુધી એક જ મેન્સ્ટ્રુઅલ કપ ફરી ફરીને ઉપયોગમાં લઇ શકાય છે. ૬૦૦ થી ૧૫૦૦ રૂપિયા સુધીની કિંમતમાં ઓનલાઈન પર સહેલાઈથી ઉપલબ્ધ મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે ઉપયોગમાં લેવા તેનો વિડિયો પણ www.greenthered.in વેબસાઇટ પર જોઈ શકાય છે.
આપણા દેશમાં ઘણી સ્ત્રીઓ પોતાના પ્રજનનતંત્ર અંગેની જરૂરી માહિતીથી અજાણ છે. પછી પોતાની જાતે જ પોતાના યોનીમામાં મૂકવાના સાધનની વાત તેમને પચાવવાની થોડી અઘરી લાગે છે. પણ જેઓ આ વાતને સ્વીકારીને મેન્સ્ટ્રુઅલ કપ વાપરવા માંડે છે, તેઓ માસિક સાથે સંકળાયેલા પેઢાના દુખાવામાં પણ રાહતનો અનુભવ કરે છે. મેન્સ્ટ્રુઅલ કપ પહેરીને તરવું, દોડવું, રમવું, નૃત્ય કરવું જેવી ક્રિયાઓ આસાનીથી કરી શકાય છે જે સામાન્ય રીતે માસિક દરમ્યાન કરવામાં અગવડ પડે છે.
મેન્સ્ટ્રુઅલ કપ લગભગ ૨૪૦૦ સેનેટરી પેડને કચરાના ઢગલામાં જતા રોકે છે. આપણા દેશમાં ૧૫૫ મિલિયન સ્ત્રીઓને દર મહિને માસિક આવે છે. તેઓ સૌ પોતાની તેમજ પર્યાવરણની તંદુરસ્તીને લક્ષમાં રાખીને એક વાર વાપરીને ફેંકી દેવાતા સેનિટરી પેડને બદલે, ફરી ફરીને ઉપયોગમાં લઇને વર્ષો સુધી ચાલે તેવા કાપડના પેડ અથવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ માસિક દરમ્યાન કરવા માટેની સમજ કેળવે તે જ ‘GREEN THE RED’ ઝુંબેશનો ઉદ્દેશ્ય છે.
દેશભરમાં મારી જેવી અનેક સ્વયંસેવકો આ ઝુંબેશમાં કાર્યરત છે.
લીલો રંગ હરિયાળી એટલે કે પર્યાવરણનું પ્રતિક છે, જ્યારે લાલ રંગ ભય તેમજ માસિક દરમિયાન નીકળતા લોહીનું પ્રતિક છે. માસિક દરમિયાન યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને પર્યાવરણની જાળવણી કરીએ એવો GREEN THE REDનો નિર્દેશ છે.
સૌ ડોક્ટર મિત્રો આ બાબતની સમજ કેળવી તેમની સલાહ લેવા આવતા અગણિત બહેનોને સૌનાં હિત માટે માસિક સ્વચ્છતામાં શેનો ઉપયોગ કરવો યોગ્ય છે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપે અને આ ઝુંબેશમાં સાથ આપે એ જ અભ્યર્થના!
નવી દિલ્હી: સામાન્ય લોકોના બેંકોમાં જમા નાણાને લઈને ભારતીય રિઝર્વ બેંકે ખાતરી આપી છે કે, તે નાણા સુરક્ષિત છે કોઈ ખતરો નથી. આરબીઆઈએ ટ્વીટ કરીને કહ્યું કે, રિઝર્વ બેંકની નજર તમામ બેંકો પર રહે છે અને બેંકોમાં લોકોની જમા થાપણોને કોઈ ખતરો નથી.
હકીકતમાં પહેલા પીએમસી બેંકે દેવાળું ફૂંકતા અને હવે યસ બેંકના ખાતાધારકો પર આરબીઆઈએ રોકડ રકમના ઉપાડની લિમિટ નક્કી કરી દીધી છે જેને લઈને બેંક ખાતા ધારકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તેથી હવે આરબીઆઈ ટ્વીટ કરીને લોકોને તેમના નાણા સુરક્ષિત હોવાની ખાતરી આપી છે. આ ઉપરાંત આરબીઆઈએ અન્ય એક ટ્વીટ કર્યું છે. જેમાં મીડિયા દ્વારા બેંકોમાં નાણાની સુરક્ષાને લઈને વ્યકત કરવામાં આવી રહેલી ચિંતાની વાત કરી છે.
આરબીઆઈએ ટ્વીટમાં લખ્યું કે, કેટલાંક પ્રસાર માધ્યમોએ માર્કેટકેપના આધારે બેંકોની સોલ્વેન્સી બાબતે કરેલા અયોગ્ય વિશ્લેષણના કારણે બેંકોમાં રહેલી થાપણો અંગે ચિંતા ઊભી થઈ છે. બેંકોની સોલ્વેન્સી આંતરાષ્ટ્રીય સ્તર પર કેપિટલ ટૂ રિસ્ક વેટેડ એસેટ્સ (CRAR) પર આધારિત હોય છે ન કે માર્કેટ કેપ પર.
મહત્વનું છે કે, આરબીઆઈએ હાલમાં જ યસ બેંક પર એક મહિના માટે નાણા ઉપાડ પર 50 હજારની લિમિટ નક્કી કરી છે. તો એસબીઆઈના બોર્ડે બેંકમાં યસ બેંકમાં 49 ટકાની ભાગીદારી ખરીદવાને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
ઇસ્લામાબાદઃ આંતરાષ્ટ્રીય મહિલા દિવસે ‘ઔરત માર્ચ’ પર મુસ્લિમ કટ્ટરપંથીઓએ લાકડી-ડંડાઓ, પથ્થરો અને જૂતાથી હુમલો કર્યો હતો, જેમાં કેટલાક લોકોને ઇજા થઈ હતી. મહિલા સંગઠનો, માનવાધિકાર સંગઠનો અને લૈંગિક અલ્પસંખ્યકો દ્વારા ન્યાય અને ઇન્સાફની માગ સાથે કાઢેલા ઔરત માર્ચની વિરુદ્ધ કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. આ માર્ચ પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે હાલ ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં અરજી પણ આપવામાં આવી છે. માર્ચમાં લગાવવામાં આવેલાં સૂત્રોને બિનઇસ્લામી કહીને એનો વિરોધ કરવામાં આવ્યો હતો. અશ્લીલતાનો પણ આરોપ લગાડવામાં આવ્યો હતો, જોકે એને સાબિત નથી કરી શકાયો. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
કેટલાંય શહેરોમાં ‘ઔરત માર્ચ’
પાકિસ્તાનના કેટલાંય શહેરોમાં મહિલા દિવસના પ્રસંગે ઔરત માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામેલ લોકોએ મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં મૌલિક અધિકારોની માગ કરી હતી. જોકે કટ્ટરવાદીઓ એનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પહેલી વાર 2018માં ‘ઔરત માર્ચ કાઢવામાં આવી હતી.
હમ ઔરતે નામના સંગઠન દ્વારા આયોજિત આ માર્ચ લાહોર, મુલતાન, ફેસલાબાદ અને લરકાના સહિત એન્ય શહેરોમાં પણ કાઢવામાં આવી હતી.
આ વર્ષે કરાચી, ઇસ્લામાબાદ, લાહોર, મુલતાન અને ક્વેટા જેવાં શહેરોમાં ‘ઔરત માર્ચ’ કાઢવામાં આવી હતી. હાથોમાં તખતીઓ લઈને લોકો મહિલાઓની આઝાદીની માગ કરી રહ્યા હતા. ઇસ્લામાબાદના જિલ્લા ઉપાયુક્ત હમજા શફકાતે જણાવ્યું હતું કે લાલા મસ્જિદ બ્રિગ્રેડની અનેક મહિલાઓ અને પુરુષોએ ઔરત માર્ચને સમાંતર રેલી કાઢી હતી. જેમાં કેટલાંક સ્થાનિક આતંકી જૂથો પણ સામેલ હતાં.
મહિલાઓએ રેલી કાઢી અને ઇસ્લામી કાનૂન અનુસાર મહિલાઓને સંપત્તિમાં હક આપવાની માગ ઉઠાવી છે. જમાતે ઇસ્લામીના નેતા મૌલાના સિરાજુલ હકે કહ્યું કે ઔરત માર્ચની કેટચલીક વાતોથી તેઓ સહમત નથી, પણ એનો તેઓ વિરોધ પણ નહીં કરે, પણ સમર્થન કરશે
ભુવનેશ્વરઃ યસ બેન્કની કટોકટીમાં ભગવાન જગન્નાથના રૂ. 545 કરોડ સલવાયા છે. રોકડની અછતનો સામનો કરી રહેલી ઓરિસ્સા સરકારે પર ભગવાન જગન્નાથ મંદિરના રૂ. 545 કરોડ યસ બેન્કમાં જમા કરાવ્યા છેના વિરોધ પક્ષોના હુમલામાં ઘેરાઈ ગઈ છે, જેથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે. ઓરિસ્સા સરકારે કેન્દ્ર સરકારના શ્રદ્ધાળુઓનાં હિતમાં યસ બેન્કના ખાતામાંથી ભગવાન જગન્નાથના આ રૂપિયા છૂટા કરાવવા માટે હસ્તક્ષેપ કરવા આગ્રહ કર્યો છે.
ઓરિસ્સાના નાણાપ્રધાન નિરંજન પુરીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનને આ વિશે પત્ર લખ્યો છે. તેમણે કેન્દ્રીય નાણાપ્રધાનને આગ્રહ કર્યો છે કે તેઓ આ પૈસા કઢાવવા માટે રિઝર્વ બેન્કને ઉચિત નિર્દેશ જારી કરે.
આ પત્રમાં નિરંજને કહ્યું છે કે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરથી જોડાયેલા વિવિધ ફંડનું સંચાલન શ્રી જગન્નાથ મંદિરની સમિતિ કરે છે. આ ફંડમાં રૂ. 545 કરોડ ટીડીઆર તરીકે યસ બેન્કમાં જમા કરાવવામાં આવ્યા હતા. જે આ મહિને પૂરા થવાના છે.
ઓડિશાના નાણાપ્રધાને કેન્દ્રને જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક દ્વારા રૂ. 50,000થી વધુ રકમ કાઢવા પર પ્રતિબંધ લગાવાતાં આ પૈસા ફસાઈ ગયા છે. ભગવાન શ્રી જગન્નાથના ભક્તો માટે આ પૈસાનું ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખતાં એને રિલીઝ કરવા માટે રિઝર્વ બેન્કને નિર્દેશ આપવામાં આવે. જોકે કેન્દ્ર સરકારે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી.
પટના: બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો ખાલી જવા જઈ રહી છે. જેને લઈને કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) વચ્ચે તકરાર જોવા મળી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, રાજદ એ તેમને બિહારની એક રાજ્યસભા બેઠક આપવાનું વચન આપ્યું હતું. તો બીજી તરફ રાજદ એ આવું કોઈપણ વચન આપ્યું હોવાનો ઈનકાર કરી દીધો છે.
બિહાર કોંગ્રેસ પ્રભાવી શક્તિસિંહ ગોહિલે વિધાનસભાના નેતા તેજસ્વી યાદવને પત્ર લખીને રાજ્યસભાની બેઠક આપવાનું વચન યાદ અપાવ્યું છે. ગોહિલનો આ પત્ર રવિવારે મીડિયામાં જાહેર થયો. પાર્ટીનું કહેવાનું છે કે અમને આશા છે કે, રાજદ તેમનું વચન નિભાવશે અને તેમના કોટાની એક બેઠક અમને આપશે.
પત્રમાં ગોહિલે લખ્યું કે, યાદવ લોકસભા ચૂંટણી દરમ્યાન મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રાજદ એ તેમની એક બેઠક આપવાની વાત કહી હતી. સામા પક્ષે રાજદના ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ અમારી પાર્ટીએ આવું કોઈપણ વચન આપ્યું નથી.
તિવારીનું કહેવું છે કે, રાજદ એ રાજ્ય અધ્યક્ષ જગદાનંદ સિંહને પણ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. જોકે, રાજદ અધ્યક્ષ લાલૂજીને આ મામલે નિર્ણય લેવા અધિકૃત કરવામાં આવ્યા છે. બિહારની પાંચ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. વિધાનસભાની વર્તમાન સ્થિતિ અનુસાર જદયુ રાજદ બે બેઠકો અને ભાજપની એક બેઠક સરળતાથી જીતી શકે છે.
પોતાના રાજ્યસભા ઉમેદવારોને લઈને ચાલી રહેલી અટકળો પૂર્ણ વિરામ લગાવતા ગોહિલે કહ્યું કે, જો કોંગ્રેસને વચન અનુસાર એક રાજ્યસભા બેઠક મળે તો એ બેઠક પર તેમનો ઉમેદવાર બિહારના જ કોઈ નેતા હશે. મારા જેવો કોઈ નેતા જે બિહારનો મતદાતા નથી તે કોંગ્રેસનો ઉમેદવાર ન બની શકે.
નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોના કારણે હવે આઈપીએલના આયોજન પણ સંકટ મંડરાઈ રહ્યું છે. દેશની સૌથી ચર્ચિત ટી-20 લીગના શરુ થવામાં હવે 20 દિવસ કરતા પણ ઓછો સમય બાકી છે, ત્યારે આવામાં હવે તેમના આયોજનને લઈને ચર્ચાઓ થઈ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, આઈપીએલની 13 મી સીઝનના આયોજનને રદ્દ કરવામાં આવી શકે છે અથવા તો તારીખોમાં બદલાવ થઈ શકે છે. આટલું જ નહી દર્શકોથી ભરચક રહેનારા સ્ટેડિયમ પણ સૂમસામ બની શકે છે કારણ કે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આ વખતે મેચ બંધ દરવાજામાં કરાવવામાં આવશે. એટલે કે સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી ન આપવામાં આવે અને અધિકારીઓની ઉપસ્થિતીમાં માત્ર ખેલાડીઓ વચ્ચે મેચ કરાવવામાં આવશે અને તેનું પ્રસારણ કરવામાં આવે.
હકીકતમાં વિશ્વભરમાં ખતરનાક રુપ લઈ ચૂકેલા કોરોના વાયરસના કારણે લોકોને ભીડ વાળી જગ્યા અને એકબીજા સાથે અંતર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે આઈપીએલની મેચોમાં સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં દેશ-વિદેશના દર્શકો પહોંચે છે. આને ધ્યાનમાં રાખતા એક તરફ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ રમત-ગમત પ્રધાન સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કેટલીક ટીમોના સ્ટેક હોલ્ડર પણ બંધ બંધ દરવાજે મેચ કરાવવાની ભલામણ કરી રહ્યા છે.
જો કે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ આઈપીએલના આયોજનને નક્કી સમય પર જ કરાવવાની વાત કરી છે પરંતુ આમ છતા સ્વાસ્થ્ય મંત્રાલય બીસીસીઆઈ સાથે બેઠક કરશે અને અંતિમ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે આ વખતે આઈપીએલ 29 માર્ચથી શરુ થશે કે જ્યાં ઉદ્ઘાટન મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને-સામને હશે.
નવી દિલ્હીઃ મહિલા વર્લ્ડ કપ જીતવાનું હરમનપ્રીત કોરની ભારતીય ટીમનું સપનું ફાઈનલમાં મળેલી હારની સાથે જ તૂટી ગયું. ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 85 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાંચમીવાર મહિલા ટી-20 વર્લ્ડ કપ પ્રાપ્ત કર્યો અને ટીમ ઈન્ડિયાને નિરાશ થવું પડ્યું. ટૂર્નામેન્ટમાં ફાઈનલ પહેલા જે પ્રકારે પ્રદર્શન કર્યું હતું, તે જોતા દરેક વ્યક્તિને આશા હતી કે ટીમ ઈન્ડિયા જીતશે.
ટૂર્નામેન્ટના પોતાની શરુઆતી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પણ હતા પરંતુ ફાઈનલમાં ભારતીય ટીમ ઓછી જોશમાં હોય તેવું લાગ્યું. એમસીજી પર થયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 184 રનનો મોટો સ્કોર બનાવ્યો અને પછી ભારતીય ટીમને 99 રન પર ઢેર કરી હતી. ફાઈનલમાં ભારતીય ટીમ હારી જરુર પરંતુ તેણે ઓવરઓલ પોતાના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કર્યા છે. રિચર્ડ્સ અને સચિન તેંડુલકર સહિત ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટીમના વખાણ કર્યા.
વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સે પોતાના ટ્વીટમાં ભારતીય મહિલા ટીમને સંબોધિત કરતા લખ્યું કે, ક્યારેય હિંમત ગુમાવશો નહી. તમે ખૂબ સરસ રીતે રમ્યા છો અને એક દિવસ એવો આવશે કે જ્યારે તમારા હાથમાં પણ ટ્રોફી હશે. પોતાના પર વિશ્વાસ રાખો. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે મહિલા ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને શુભેચ્છાઓ આપતા ટીમ માટે લખ્યું કે, ભારતીય ટીમના પ્રદર્શન પર ગર્વ છે.
પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે પણ ભારતીય ટીમને હિંમત ન આપવા વિશે કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કેટલાક વર્ષ પહેલા સુધી કોઈને પણ કલ્પના નહોતી કે એક અબજથી વધારે વસ્તી વાળા દેશની નજર મહિલા ક્રિકેટ વર્લ્ડકપ પર આ રીતે કેન્દ્રીત થઈ જશે. કપ આવશે અને જશે પરંતુ આજે એ દરેક ભારતીય છોકરીની જીત થઈ છે કે જેણે તમામ વિષમ પરિસ્થિતીમાં અને સામાજિક બંધનો વિરુદ્ધ સાહસ દેખાડ્યું છે.