Home Blog Page 4960

એનસીપીનું નવું લક્ષ્ય – મુંબઈ મહાનગરપાલિકામાં જીત

મુંબઈઃ શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં સફળતા મળ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ હવે મુંબઈ મહાનગરપાલિકા (બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બીએમસી)ની ચૂંટણી જીતવા માટે અત્યારથી જ કમર કસવાનું શરૂ કર્યું છે.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 2022માં આવશે. એ માટે એનસીપીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે કહ્યું છે કે મુંબઈમાં રાષ્ટ્રવાદીના 60 નગરસેવકોને જીતાડવાનું અમારું લક્ષ્ય છે. બીએમસીમાં શિવસેના હાલ નંબર-1 પાર્ટી છે. એ અમારી સહયોગી પાર્ટી છે એટલે 2022ની ચૂંટણીમાં પણ એ જીતવી જોઈએ અને અમે બીજા નંબરે આવવાનો પૂરો પ્રયત્ન કરીશું.

હાલ મુંબઈ મહાનગરપાલિકામાં રાષ્ટ્રવાદીના 8 સભ્યો છે. હવે એ આંકડો 50-60 પર પહોંચાડવાનો અજીત પવારે નિશ્ચય કર્યો છે.

બીએમસીની 2022ની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવા માટે પક્ષના કાર્યકર્તાઓના એક કાર્યક્રમ (કાર્યકર્તા માર્ગદર્શન શિબિર)માં બોલતાં પવારે એમ પણ કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકાની હવે પછીની ચૂંટણી પણ ત્રણેય સાથી પક્ષ એમના ‘મહાવિકાસ આઘાડી’ ગઠબંધન તરીકે જ લડશે.

અત્યાર સુધી મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં પોતાની શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ શહેરમાં પોતાનો વિસ્તાર કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું. હવે આ પહેલી જ વાર અજીત પવારે આ મિશન નક્કી કર્યું છે.

એનસીપીની સ્થાપના થઈ તે અત્યાર સુધીમાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં તેના વધુમાં વધુ 14 નગરસેવકો જ જીતી શક્યા છે. 2017ની ચૂંટણીમાં તેના આઠ કોર્પોરેટર જીત્યા હતા.

2017ની મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ 84 અને તેના ભાગીદાર ભારતીય જનતા પાર્ટીએ 82 સીટ પર જીત મેળવી હતી.

હવે ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો બગડી ગયા છે એટલે 2022ની ચૂંટણીમાં ભાજપે એકલે હાથે ચૂંટણી લડવી પડશે.

દિલજીત દોસાંજે ફોટોશોપ કરીને ઈવાન્કા ટ્રમ્પ સાથે પોતાની તસવીરને જોડી

મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પરિવારજનો સાથે હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આગરાનો તાજમહલ જોવા પણ ગયા હતા. એ વખતે એમની પુત્રી ઈવાન્કાએ તાજમહલની સામે બેન્ચ પર બેસીને તસવીર પડાવી હતી. હવે ઘણા મશ્કરા લોકો ઈવાન્કાની તસવીર સાથે પોતાને કે બીજાઓને જોડીને સોશિયલ મિડિયા પર રમૂજ ફેલાવી રહ્યા છે.

હિન્દી ફિલ્મોના અભિનેતા અને પંજાબી ગાયક દિલજીત દોસાંજે પણ ફોટોશોપ પ્રોગ્રામમાં ટ્રિક કરીને પોતાને રમૂજી રીતે એમાં ફિટ કર્યો છે. એ તસવીરમાં પોતે ઈવાન્કાની બાજુમાં બેઠો હોય એવો પોઝ બનાવ્યો છે.

દિલજીતે પોતાની એ તસવીરને આજે ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરી છે.

દિલજીતે તસવીરની કેપ્શનમાં લખ્યું છે: ‘હું અને ઈવાન્કા. તાજમહલ જોવા લઈ જવાની એણે મારી પાસે જીદ્દ પકડી હતી. એટલે હું એને લઈ ગયો હતો, બીજું હું શું કરી શકતો હતો.’

દિલજીતની આ તસવીરોને ફોટોશેરિંગ વેબસાઈટ ઈન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે.

ગઈ 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ એમના પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનર સાથે તાજમહલની મુલાકાતે ગયા હતા.

દિલજીત ઉડતા પંજાબ (કરીના કપૂર-ખાન), ફિલ્લૌરી (અનુષ્કા શર્મા), સૂરમા (તાપસી પન્નૂ), વેલકમ ટુ ન્યૂયોર્ક (સોનાક્ષી સિન્હા), અર્જુન પટિયાલા (કૃતિ સેનન), ગુડ ન્યૂઝ (કિયારા અડવાની) જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

આ છે, ઈવાન્કા ટ્રમ્પની તાજમહલ ખાતેની વાસ્તવિક તસવીરો, જેમાં એમની સાથે એમના પતિ જેરેડ કુશનર પણ છે.

CAA-વિરોધી રેલીમાં ભાગ લેનાર પોલેન્ડના વિદ્યાર્થીને ભારત છોડવાનો આદેશ

કોલકાતા:  અહીંની જાદવપુર યુનિવર્સિટીમાં ભણતા પોલેન્ડના એક વિદ્યાર્થીને ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) એજન્સીએ ભારતમાંથી ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે. કામિલ સેઈસીન્સ્કી નામના વિદ્યાર્થીને એટલા માટે ભારતમાંથી રવાના થઈ જવાનું કહેવામાં આવ્યું છે કે એણે કોલકાતામાં હાલમાં યોજાઈ ગયેલી નાગરિકતા સુધારિત કાયદા (CAA) વિરોધી રેલીમાં ભાગ લીધો હતો.

આ પહેલાં, આ જ પ્રકારના એક બનાવમાં, વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ભણતી એક બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને પણ ભારત છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કારણ કે એણે યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવેલા CAA-વિરોધી દેખાવોની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી. અફસારા અનિકા મીમ નામની તે વિદ્યાર્થિની ભારત સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરતી હોવાનું જણાવી એને નોટિસ આપવામાં આવી છે.

કામિલ સેઈસીન્સ્કી નામનો પોલિશ વિદ્યાર્થી કમ્પેરેટિવ લિટરેચર વિષયનું ભણે છે. નોટિસ મળ્યાના 15 દિવસમાં ભારત છોડી જવાનો એને આદેશ આપવામાં આવ્યો છે. એને FRRO ના કોલકાતા સ્થિત કાર્યાલયમાં આવીને મળી જવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો અને તે 22 ફેબ્રુઆરીએ મળવા ગયો હતો.

ભારત સરકારે કહ્યું છે કે એ વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા પર ભારતમાં રહેતો વિદેશી વિદ્યાર્થી હતો અને CAA-વિરોધી રેલીમાં સામેલ થવાની એની હરકતને અયોગ્ય ગણવામાં આવી છે.

સેઈસીન્સ્કીએ ગયા ડિસેંબરમાં કોલકાતાના મૌલાલી વિસ્તારમાં આયોજિત CAA-વિરોધી રેલીમાં ભાગ લીધો હતો. એક બંગાળી દૈનિકે એનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને એ રિપોર્ટ બીજા દિવસે પ્રકાશિત પણ કર્યો હતો. કેટલાક લોકોએ તે અખબારની કોપી FRRO એજન્સીને મોકલી હતી. ભારતમાં રાજકીય બાબતોમાં માથું મારવાની લાલચને કારણે સેઈસીન્સ્કી ફસાયો છે, એમ જાદવપુર યુનિવર્સિટીના અનેક શિક્ષકોનું કહેવું છે.

બંને વિદ્યાર્થીએ FRRO એજન્સીને વિનંતી કરી છે કે તે એના નિર્ણયમાં ફેરવિચારણા કરે. એમણે વચન આપ્યું છે કે તેઓ હવે પછી ક્યારેય પણ આ પ્રકારના વિરોધ-દેખાવોમાં ભાગ નહીં લે. FRRO એજન્સીએ કહ્યું છે કે આ વિશેનો નિર્ણય દિલ્હીના સત્તાવાળાઓ લેશે.

વિશ્વ શ્રવણશક્તિ દિવસ-2020: 3 માર્ચે ગાંધીનગરમાં વિશેષ કાર્યક્રમ

ગાંધીનગર : 3 માર્ચે સમગ્ર વિશ્વની સાથે ભારત પણ વિશ્વ શ્રવણશક્તિ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે ના રોજ જનજાગૃતિ કાર્યક્રમો યોજશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એ દિવસે RBSKના નેજા હેઠળ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ યોજવામાં આવશે જેમાં ગાંધીનગર સિવિલ કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા લોકોને સમજાવવામાં આવશે સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવે તો શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલા લોકો એમની તે શક્તિ પૂરેપૂરી મેળવી શકે છે.

આ સંદર્ભમાં ઉપલબ્ધ વિકલ્પોથી લોકોને માહિતગાર કરવામાં આવશે.

એ દિવસે ગાંધીનગર સ્થિત ઓડિટોરિયમમાં નિર્ધારિત જનજાગૃ઼તિ કાર્યક્રમમાં 400 જેટલા પરિવારો એમનાં શ્રવણશક્તિ ગુમાવવાની તકલીફનો ભોગ બનેલા બાળકોને લઈને આવશે. 50 જેટલા બાળકો કાર્યક્રમમાં ભાગ લેશે અને એમની ટેલેન્ટ પ્રસ્તુત કરીને દુનિયા બતાવશે કે તેઓ પણ હવે બીજા સ્વસ્થ બાળકોથી અલગ નથી. તેઓ હનુમાન ચાલીસાનું પઠન કરશે, શ્લોક બોલશે, સંગીત વગાડીને અને ગાયન ગાઈને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરશે.

ભારતમાં શારિરીક દિવ્યાંગતામાં શ્રવણશક્તિની ખોટ બીજા ક્રમે આવે છે. જો સમયસર સારવાર કરાવવામાં આવે તો આ તકલીફમાંથી બચી શકાય છે. જે બાળકો જન્મથી જ સાંભળી શકતા નથી હોતા તેઓ બોલી પણ શકતા નથી હોતા. ભારતમાં જન્મતા દર 1000માંથી 4 બાળકોને શ્રવણશક્તિની ગંભીર તકલીફ હોય છે. એ માટે કૉક્લિઅર ઈમ્પ્લાન્ટેશન નામની આધુનિક સર્જરી કરાવવી જરૂર હોય છે. આ સર્જરી ખૂબ ખર્ચાળ હોય છે. ખાનગી હોસ્પિટલમાં એ માટે 7-8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે મોટા ભાગના દરદીઓને પરવડી શકતો નથી.

ગુજરાત સરકારે 2013માં, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ્સ માટે ભંડોળની શરૂઆત કરી હતી. આ પ્રકારનું ભંડોળ શરૂ કરનાર ગુજરાત દેશનું માત્ર બીજું જ રાજ્ય છે. ઘણા રાજ્યોએ ગુજરાતના મોડેલનું અનુસરણ કર્યું છે.

હવે આ સર્જરી વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજોમાં કરવામાં આવે છે. ગાંધીનગર આવી કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરીમાં 500નો આંકડો પાર કરી ચૂક્યું છે.

ગુજરાત સરકાર શ્રવણશક્તિ ગુમાવી બેઠેલા બાળકોને એમના ઘેર જઈને મફત સ્પીચ થેરાપી આપે છે. એ માટે જિલ્લા સ્તરે અનેક પુનર્વસન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

ઈટાલીમાં કોરોનાથી હાહાકાર; 29નાં મરણ, પોપને પણ ચેપ લાગ્યો

રોમ: ઈટાલીમાં કોરોના વાઈરસ ફેલાયો છે અને ઓછામાં ઓછા 1,049 જણને આ ચેપ લાગુ પડ્યો છે. આ યુરોપીય દેશમાં આ બીમારીથી અત્યાર સુધીમાં 29 જણ માર્યા ગયા છે, એમ દેશના આરોગ્ય વિભાગના સત્તાવાળાઓએ સમર્થન આપ્યું છે.

સિવિલ પ્રોટેક્શન વિભાગના વડા અને કોરોના વાઈરસ ઈમર્જન્સી વિભાગના વિશેષ કમિશનર એન્જેલો બોરેલીએ જણાવ્યું છે કે કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત લોકોમાંથી 543 જેટલા લોકો અથવા 52 ટકા લોકોને હાલ એમના ઘરમાં જ અલાયદા રાખવામાં આવ્યા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાની અમને કોઈ જરૂર જણાઈ નથી.

બીજા 401 ચેપગ્રસ્ત (38 ટકા લોકો)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બીજા 105 જણને હોસ્પિટલોના ઈન્ટેન્સિવ કેર વિભાગમાં રાખવામાં આવ્યા છે.

વધુ 8 જણના મરણ થતાં ઈટાલીમાં કોરોનાને કારણે થયેલો મરણાંક વધીને 29 થયો છે. સૌથી વધારે ખરાબ અસર લોમ્બાર્ડી પ્રદેશમાં થઈ છે.

ઈટાલીમાં કોરોના વાઈરસના પહેલા દર્દી વિશે ગઈ 21 ફેબ્રુઆરીએ સમર્થન આપવામાં આવ્યું હતું. એ વખતે લોમ્બાર્ડીના કોડોગ્નો નગરમાં છ દર્દી હોવાનું માલૂમ પડ્યું હતું.

યુરોપ ખંડમાં કોરોનાની સૌથી વધારે ખરાબ અસર ઈટાલીમાં થઈ છે.

અહેવાલો અનુસાર, ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ પણ બીમાર પડી ગયા છે. પોપ છીંક ખાતા કેમેરામાં કેદ થયા હતા. એમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું વેટિકન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. એને કારણે એમણે લોકોને મળવાનું હાલ બંધ કરી દીધું છે. પોપ ફ્રાન્સિસ ઉપરાંત એમના બે સહયોગીને પણ કોરોના થયો હોવાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અનેક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે એમની ઈટાલીમાંની ફ્લાઈટ્સને હાલ રદ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ચીનમાંથી દુનિયામાં ફેલાયો છે અને હાલ 26 દેશો એની ઝપટમાં આવ્યા છે. દક્ષિણ કોરિયામાં પણ 12 જણના મરણ થઈ ચૂક્યા છે.

સુવિચાર – ૧ માર્ચ, ૨૦૨૦

શાહરૂખ કારકિર્દીના બીજા વિકલ્પ તરીકે ડિઝાઈનિંગ પસંદ કરી શકેઃ ગૌરી ખાન

મુંબઈ: શાહરૂખ ખાન બોલીવૂડનો સુપરસ્ટાર છે, પણ છેલ્લા એક વર્ષથી એની પાસે નવી કોઈ ફિલ્મ નથી. એની પત્ની ગૌરીએ મજાકમાં એને કારકિર્દીનો બીજો વિકલ્પ આપી દીધો છે. ગૌરીએ કહ્યું છે કે જો શાહરૂખ પાસે કામ કરવા માટે કોઈ ફિલ્મ ન હોય તો એ ડિઝાઈનિંગ પસંદ કરી શકે છે.

મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ગૌરીએ કહ્યું કે શાહરૂખની ડિઝાઈનિંગ સેન્સ જબરદસ્ત છે. હાલ એ કોઈ ફિલ્મમાં કામ નથી કરતા તો હું એમને બીજા વિકલ્પ તરીકે ડિઝાઈનિંગ ક્ષેત્રને પસંદ કરવા વિશે જણાવીશ.

ગૌરીની આ કમેન્ટ પછી શાહરૂખ પણ થોડો ચૂપ રહે, એણે જવાબ આપ્યો છે, આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે મારી છેલ્લી અમુક ફિલ્મો ચાલી નથી.

ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાન ઈન્ટીરિયર ડિઝાઈનર તરીકે જાણીતાં છે. ગૌરીએ હાલમાં જ મુંબઈમાં એમનાં ડિઝાઈનર સ્ટુડિયો ‘ધ ગૌરી ખાન સ્ટુડિયો’ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે દેશના અનેક જાણીતા ઈન્ટીરિયર ડિઝાઈનર્સ તથા આર્કિટેક્ટ્સને આમંત્રિત કર્યા હતા. શાહરૂખ પણ એ પ્રસંગે હાજર રહ્યો હતો.

ડિઝાઈનિંગ વિશે શાહરૂખનું જ્ઞાન કેવું છે? એવું પૂછતાં ગૌરીએ હળવા મૂડમાં કહ્યું કે, શાહરૂખને ડિઝાઈનિંગનું ઘણું જ જ્ઞાન છે. અમારા ઘરમાં ડિઝાઈનિંગની વાત નીકળે ત્યારે એ ઘણા સૂચનો કરતા હોય છે.

ફિલ્મોમાંથી શાહરૂખે હાલ લીધેલા વિશ્રામ વિશે ગૌરીએ મજાકમાં કહ્યું કે, હાલ શાહરૂખ કોઈ ફિલ્મમાં કામ કરતા નથી. હું એમને જણાવીશ કે તેઓ ફર્નિચરમાં ડિઝાઈનર તરીકે બીજો વિકલ્પ પસંદ કરી શકે છે, કારણ કે એ મહાન ડિઝાઈનર છે.

શાહરૂખ છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. એમાં તેની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં હતી. કહેવાય છે કે દિગ્દર્શક રાજકુમાર હિરાની એમની નવી ફિલ્મમાં કદાચ શાહરૂખને પસંદ કરશે.

સીરિયામાં નાટો-રુસ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ રહી છે?

નવી દિલ્હીઃ સીરિયામાં તુર્કીના 33 સૈનિકો હવાઇ હુમલામાં માર્યા ગયા બાદ નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. નાટો દેશોએ પોતાના સહયોગી તુર્કીના સૈનિકોની હત્યાને ગંભીરતાથી લીધી છે અને હવે તે અંકારાને સમર્થન આપી રહ્યા છે. નાટો દેશ હવે તુર્કીના એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા જઇ રહ્યા છે. આ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને ધમકી આપી છે કે સીરિયા સરકારને તુર્કીના સૈનિકોની હત્યાની કિંમત ચૂકવવી પડશે.

આ અગાઉ તુર્કીએ પોતાના સૈનિકો માર્યા ગયા બાદ નાટો દેશોને વિનંતી કરી હતી કે તે નો ફ્લાય ઝોન સ્થાપિત કરવામાં આવે પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે નાટો દેશોએ એમ કરવાનો ઇનકાર કરી દીધો છે. નાટો દેશોને ડર છે કે જો તેમણે નો ફ્લાય ઝોન સ્થાપિત કર્યો તો તેનાથી તેમનો સીધો સંઘર્ષ રશિયન એરફોર્સ સાથે થશે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યુ કે, અમે હુમલા બાદ પશ્વિમી દેશોના આ સૈન્ય ગઠબંધને તુર્કી સાથે પોતાની એકજૂટતા બતાવી છે.

જોકે, સ્ટોલ્ટેનબર્ગે તત્કાલ તુર્કીને કોઇ સૈન્ય સહાયતા આપવાની સંભાવનાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના મતે નાટો સીરિયામાં હવાઇ દેખરેખ વધારવા અને સ્પેન તરફથી સંચાલિત અમેરિકન પેટ્રિઆટ એર ડિફેન્સ સિસ્ટમને બનાવવા પર વિચાર કરી રહ્યું છે. આ અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે, તે ફક્ત તમામ પેટ્રિઆટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તુર્કીને આપશે. જ્યારે તે રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી પોતાને અલગ કરી દેશે.

રશિયા સાથે યુદ્ધની કગાર પર ઉભેલું તુર્કી રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદી રહ્યું છે. આ ડીલ માટે તુર્કીએ અમેરિકા સાથે પોતાની મિત્રતાને પણ દાવ પર લગાવી દીધી છે. બાદમાં અમેરિકાએ પોતાના એફ-35 ફાઈટર જેટના વેચાણને રોકી દીધું હતું. આ પહેલા નાટો દેશોએ એક તાત્કાલીક બેઠક કરી હતી. આર્ટિકલ 4 અંતર્ગત આ બેઠક ત્યારે આયોજિત કરવામાં આવે છે કે જ્યારે તેની સુરક્ષામાં ગંભીર સંકટ આવી જાય છે.

સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૦

સુવિચાર – ૧ માર્ચ, ૨૦૨૦