Home Blog Page 4974

અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાઈ

લોસ એન્જેલીસ: હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અને અમેરિકામાં રાજ્યાશ્રય માગનાર એક ભારતીય યુવકની અહીંના એક ગ્રોસરી સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ ઘટના ગયા શનિવારે સ્થાનિક સમય મુજબ, સવારે બની હતી. એક અજાણી વ્યક્તિએ મનિન્દર સિંહ સાહી નામના વિદ્યાર્થીને ગોળી મારી હતી. હુમલાખોર બાદમાં ફરાર થઈ ગયો હતો.

મૃતક મનિન્દર સિંહે હજી ગયા જ મહિને પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. એ પરિણીત હતો અને એને બે સંતાન છે. એ કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલીસના વિટ્ટીયર સિટીમાં 7-ઈલેવન ગ્રોસરી સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો.

મનિન્દર સાહી હજી છ મહિના પહેલા જ અમેરિકામાં આવ્યો હતો અને એણે રાજકીય આશ્રય માગ્યો હતો. એ તેના પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો. એ અમેરિકામાં કરેલી કમાણી કરનાલમાં રહેતા તેના માતા-પિતા, પત્ની અને 9 તથા પાંચ વર્ષની વયનાં બે બાળકો માટે મોકલતો હતો, એમ અમેરિકામાં રહેતા તેના સગાંઓએ કહ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, હત્યાની ઘટના શનિવારે વહેલી સવારે લગભગ 5.45 વાગ્યે બની હતી.

પ્રાથમિક રીતે એવું જણાયું છે કે શકમંદ લૂંટના ઈરાદે સેમી-ઓટોમેટિક ગન સાથે સ્ટોરમાં પ્રવેશ્યો હતો. કોઈક અકળ કારણસર એણે તેની હેન્ડગનમાંથી મનિન્દર સિંહ પર ગોળી છોડી હતી.

પોલીસે હુમલાખોર શકમંદનું એક ચિત્ર રિલીઝ કર્યું છે.

એ સ્ટોરમાંથી રોકડ રકમ લઈને ભાગી ગયો હતો.

હુમલાખોર ત્રાટક્યો હતો એ વખતે સ્ટોરમાં બે ગ્રાહક પણ હતા. એ બંને જણ ઘાયલ થયા છે.

શકમંદ અશ્વેત પુરુષ હતો. એણે પોતાનો ચહેરો અડધો ઢાંકેલો રાખ્યો હતો.

મૃતકના ભાઈએ મનિન્દરના મૃતદેહને ભારત પાછો મોકલી શકાય એ માટે ભંડોળ ઊભું કરવા એક અપીલ પેજ પણ બનાવ્યું છે.

દિલ્હી: હિંસક પ્રદર્શન વચ્ચે જાફરાબાદ-મૌજપુર મેટ્રો સ્ટેશન બંધ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. મોજપુર પછી ભજનપુરામાં પણ હિંસા થઈ. આ દરમ્યાન પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. હિંસામાં ગોકલપુરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થઈ ગયું છે. જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની ગાડીને પણ આગ લગાવી દેવામાં આવી છે. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જાફરાબાદ, મૌજપુર સહિત આસપાસના વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી સામ-સામે આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી હતી. જ્યારે ભજનપુરામાં એક પેટ્રોલ પંપને પણ આગ લગાવાવમાં આવી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યા છે. આ વિસ્તારો મુસ્લિમ બહુમતી ધરાવાતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

મહત્વનું છે કે, ભાજપના નેતા કપિલ મિશ્રાએ એક સભા બોલાવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે પોલીસ ત્રણ દિવસની અંદર સીએએ વિરોધી પ્રદર્શનકારીઓને હટાવે. જેના થોડા સમય પછી જ બે જૂથોના સભ્યો એક બીજા પર પથ્થરમારો કરવા લાગ્યા જેને પગલે પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.

તમામ ઘટનાક્રમ વચ્ચે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ આજે ટ્વીટ કરીને જણાવ્યું કે, જાફરાબાદ અને મોઝપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનના નિકાસ અને પ્રવેશ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર મેટ્રો નહીં ઉભી રહે. ડીએમઆરસીએ ગેટ ક્યારે ખોલવામાં આવશે એ અંગે કોઈ જાણકારી નથી આપી

 

 

 

ડોનાલ્ડ ટ્રમ્પે જોયેલું ભારત અગાઉ કરતાં સાવ જુદું: મુકેશ અંબાણી

મુંબઈઃ અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ જિમી કાર્ટર, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા કરતાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોયેલું ભારત સાવ અલગ છે, એમ માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ મુંબઈમાં યોજેલા ‘ફ્યુચર ડિકોડ’ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં મોબાઇલ નેટવર્ક હવે ઘણું સુધર્યું છે. આપણે જ્યારે હાલ વાતચીત કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના અમદાવાદ શહેરમાં પહોંચ્યા છે અને 2020નું ભારત ઘણું જ અલગ છે. અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ કાર્ટર, રાષ્ટ્રપ્રમુખ ક્લિન્ટન અને રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ જોયેલા ભારત કરતાં સાવ જુદું છે, એમ તેમણે કહ્યું હતું. આપણે જોયું હજ્જારો માણસો શેરીઓમાં છે, તેમાંથી દરેકનો તેમના મોબાઇલ ફોન્સનો વ્યક્તિગત અનુભવ છે અને તેમની પાસે મજબૂત નેટવર્ક છે અને હું માનું છું કે હું સરળતાથી કહી શકું કે ભારતમાં વિશ્વના અન્ય દેશો કરતાં ઘણું સારું નેટવર્ક્સ ઉપલબ્ધ છે અને આ એક મોટું પરિવર્તન છે. મોટેરા સ્ટેડિયમ વિશે વાત કરીએ તો ડિજિટલ દ્રષ્ટિએ સ્ટેડિયમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વિશ્વમાં અન્ય કોઈ સ્થળ કરતાં ઘણી સારી છે, એમ અંબાણીએ કહ્યું હતું.

નડેલાએ જ્યારે અંબાણીને ભારતીય અર્થતંત્ર અને ડિજિટલ ક્ષેત્ર કઈ રીતે વિકસશે એ વિશે તેમના વિચારો વ્યક્ત કરવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે નડેલા તમે માઇક્રોસોફ્ટમાં 1992માં જોડાયા ત્યારે ભારતીય અર્થતંત્ર 300 કરોડ ડોલરનું હતું, જ્યારે આજે ભારતીય અર્થતંત્ર ત્રણ લાખ કરોડ ડોલરનું છે. વળી, ભારતમાં જિયો પહેલાં બ્રોડબેન્ડ 256 kbpsની સ્પીડ હતી, જ્યારે જિયો બજારમાં આવ્યા બાદ મોબાઇલ ડેટાની સ્પીડ  21 Mbps છે અને દેશના દરેક ગામમાં મોબાઇલ નેટવર્કની એ સરેરાશ સ્પીડ છે, એમ તેમણે કહ્યું હતું. જિયો પહેલાં દેશમાં રૂ. 300 અને રૂ. 500ની કિંમતો મોબાઇલ ડેટા ઉપલબ્ધ હતો, જ્યારે જિયો આવ્યા બાદ GB રૂ. 12 અને રૂ. 14ની કિંમતે ઉપલબ્ધ છે. જિયોએ છેલ્લા ત્રણ વર્ષનમાં 38 કરોડ લોકો (સબસ્ક્રાઇબર્સ) અથવા 38 કરોડ  ગ્રાહકોને 4G ટેક્નોલોજીમાં પરિવર્તિત કર્યા છે.

તેમણે દેશમાં ડેટાના વપરાશ અંગે કહ્યું હતું કે યુવાનો સહિત દેશના બધાં વયજૂથના લોકોમાં ડેટાનો વપરાશ નોંધપાત્ર વધ્યો છે અને મારી માતા 85 વર્ષની ઉંમરે પણ મોબાઇલમાં ડેટાના વપરાશ સાથે સમય વિતાવે છે. મારું માનવું છું કે દેશમાં મોબાઇલ ડેટાનો વપરાશ હજી વધશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ટેકનોલોજીથી ભારતમાં બહુ મોટું પરિવર્તન થયું છએ અને હવે પછીની પેઢી તમે (નડેલા) અને હુમં મોટા થયા એના કરતાં એકદમ અલગ ભારત જોશે.  અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સની સ્થાપના તેના પિતા ધીરુભાઇએ પાંચ દાયકા પહેલા માત્ર એક ટેબલ અને ખુરશી અને એક હજાર રૂપિયાની મૂડી સાથે કરી હતી.

 

 

પુસ્તકોના પ્રદર્શનથી માતૃભાષા દિવસની ઉજવણી

અમદાવાદઃ યુનો દ્વારા જાહેર કરવામાં આવેલો માતૃભાષા ગૌરવ-દિન 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવાય છે. ત્યારે આ નિમિત્તે ગણપત યૂનિવર્સિટીની સયન્સ કોલેજ-મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં કેટલાક પસંદગીના ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

મૂળ બંગાળી માતૃભાષા બોલતા બાંગ્લાદેશ પર પાકિસ્તાને ઉર્દુ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે લાદી દેતા વિદ્યાર્થીઓ દ્વારા બંગાળીને જ રાષ્ટ્રભાષા તરીકે રાખવા માટે આંદોલન કરવામાં આવ્યા હતા. એ આંદોલનમાં ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. કોઈપણ દેશમાં માતૃભાષા માટે શહીદી વહોરવાની એ પ્રથમ ઘટના હતી તેથી યૂનોએ એ દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેને આજે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, માતૃભાષા પ્રત્યે પ્રેમ કેળવે, તેના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને ભાષા દ્વારા જાણે અને પોતાના ગૌરવ સમા પ્રાદેશિક સંસ્કારોનું સંવર્ધન કરે એટલા માટે ઉજવાતા આ અવસરના ભાગરુપે ગણપત યુનિવર્સિટી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત નાટ્ય અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.

નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પે પોતાના સંબોધનમાં બોલીવૂડની ફિલ્મોનો ઉલ્લેખ કર્યો

અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા અને છવાઈ ગયા. બપોરે મોટેરા સ્ટેડિયમમાં તેઓ એમના પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર રહ્યા હતા. 1,10,000 જેટલા દર્શકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ નામક કાર્યક્રમમાં ટ્રમ્પે 28-મિનિટ સંબોધન કર્યું હતું.

આ સંબોધનમાં એમણે બોલીવૂડની ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સ્ટેડિયમનું ઉદઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં એ બે હિન્દી ફિલ્મના નામ બોલ્યા હતા – ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘શોલે’.

એમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ તથા બોલીવૂડની રચનાત્મકતાની પ્રશંસા કરી હતી.

તાળીઓના ગડગડાટ સાથે ટ્રમ્પે કહ્યું કે, આ એવો દેશ છે જ્યાં રચનાત્મક્તાના કેન્દ્ર સમું બોલીવૂડ એક વર્ષમાં 2000 જેટલી ફિલ્મો બનાવે છે. આખી પૃથ્વી પર લોકો ભાંગડા નૃત્ય, સંગીત, રોમાન્સ અને ડ્રામાનાં દ્રશ્યો જોવામાં અને DDLJ અને શોલે જેવી જૂની ભારતીય ફિલ્મો જોવાનો આનંદ માણે છે.

ટ્રમ્પનું કહેવું હતું કે ભારતીય સિનેમાનું કદ બહુ જ વિશાળ છે. દર વર્ષે અહીં બે હજાર જેટલી ફિલ્મો બને છે. ફિલ્મોમાં ભાંગડા અને સંગીત બહુ જ સરસ હોય છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા જ્યારે પ્રમુખપદે હતા અને ભારત આવ્યા હતા ત્યારે એમણે પણ શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત DDLJ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે ભારત દેશે દુનિયાને સચીન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓની ભેટ આપી છે.

મેલેનિયાની મુલાકાત: કેજરીવાલની ગેરહાજરી અંગે યુએસ દૂતાવાસનો જવાબ

નવી દિલ્હી: અમેરિકન દૂતાવાસે રવિવારે કહ્યું કે, દિલ્હીની સરકારી શાળામાં અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીને લઈને અમને કોઈ વાંધો નથી. તેમજ દૂતાવાસે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તે બાબત સમજવા માટે પણ તેમના વખાણ કર્યા.

દિલ્હી સરકારના સૂત્રોએ શનિવારના રોજ જણાવ્યું હતું કે મેલેનિયા ટ્રમ્પના મંગળવારના રોજ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાતના કાર્યક્રમમાં મહેનોની યાદીમાંથી કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ‘મેલેનિયા ટ્રમ્પની સરકારી સ્કૂલની મુલાકાતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની હાજરીથી અમેરિકન એમ્બસીને કોઈ જ તકલીફ નથી.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયાનો ‘હેપ્પીનેસ ક્લાસ’ જોવા માટે સ્કૂલ જવાનો અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ‘આયોજન માટે આમંત્રિત લોકોની યાદીમાંથી કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. અમને હજી સુધી એ અંગે કોઈ પણ જાણ નથી કરવામાં આવી કે મેલેનિયા ટ્રમ્પ સ્કૂલની મુલાકાતે આવશે તો તેમનું સ્વાગત કોણ કરશે?’

આ અગાઉ મેલેનિયા ટ્રમ્પની મુલાકાત પર સિસોદિયાએ કહ્યું હતું કે, ‘અમારી પાસે તેમની રિક્વેસ્ટ આવી હતી તેથી અમે તેમને કહ્યું હતું કે જો તેઓ આવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કેટલીક સ્કૂલોમાં તેમના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ તેમની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને તે સ્કૂલો કઈ છે તે અંગે હું કોઈ જાણકારી આપી શકીશ નહીં.’

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે જુલાઈ 2018માં સ્કુલોમાં હેપ્પીનેસ ક્લાસીસની શરુઆત કરી હતી. અભ્યાસક્રમ હેઠળ દિલ્હી સરકારની શાળાઓમાં પહેલા ધોરણથી આઠમાં ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ 45 મિનિટ હેપ્પીનેસ ક્લાસમાં પસાર કરવાનો હોય છે. અહીં આ વિદ્યાર્થીઓ કથા-સ્ટોરી, ધ્યાન અને સવાલ-જવાબ સત્રમાં ભાગ લે છે. એ જ રીતે નર્સરી અને કેજીના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં બે વખત હેપ્પીનેસ ક્લાસનું આયોજન કરવામાં આવે છે.

દિલ્હીમાં સીએએ વિરુદ્ધ હિંસક પ્રદર્શનઃ પોલીસ કોન્સ્ટેબલનું મોત

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં શાંતિ વ્યવસ્થા સ્થાપિત કરાવવા માટે અપીલ કરી છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, દિલ્હીમાં શાંતિ અને સદભાવ બનેલા રહે તેના માટે કોઈને કાયદો હાથમાં લેવાની મંજૂરી ન આપવી જોઈએ.

તો ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. ટ્વીટર પર તેમણે કહ્યું કે, તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ જાળવી રાખે. હિંસામાં બધાનું નુકસાન જ છે.

કેબિનેટ મંત્રી ગોપાલ રાયે પણ લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બાબારપુર વિધાનસભાએ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરી છે કે, શાંતિ જાળવી રાખો. કેટલાક લોકો જાણી જોઈને તણાવ અને દહેશતનો માહોલ ઉભો કરીને સ્થિતિ બગાડવા ઈચ્છે છે. ગોપાલ રાયે ટ્વીટર પર જણાવ્યું કે, તેમણે હિંસા મામલે ઉપરાજ્યપાલ સાથે વાત કરી છે.

દિલ્હીમાં સીએએને લઈને થયેલું પ્રદર્શન હિંસક બની ગયું છે. સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થકો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે.

મલેશિયાના વડાપ્રધાને અચાનક આપ્યું રાજીનામુંઃ રાજકીય સંકટ

કુઆલાલંપુરઃ મલેશિયામાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદે અચાનક રાજીનામું આપતા અહીં રાજકીય સંકટ ઊભું થયું છે. મલેશિયાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજકીય વિરોધીઓ તરફથી સરકાર પાડવાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાને પોતાનું રાજીનામું રાજાને સોંપી દીધું છે. મહાતતિર મે, 2018માં વડાપ્રધાન બન્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને મહાતિર વચ્ચે ગાઢ મિત્રતા છે. મતાહિરે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ભારત અને મલેશિયા વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થયો હતો. ભારતે મલેશિયાથી પામ ઓયલની આયાતમાં ઘટાડો કરી દીધો હતો.

સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે મહાતિરની પાર્ટી બેરાસ્તુએ સંયુક્ત સરકારના ગઠબંધનને છોડી દીધું છે. જેથી તેમણે રાજીનામું આપવું પડ્યું છે. વિશ્વના સૌથી વયોવૃદ્ધ નેતા, 94 વર્ષના મહાતિરે તેના રાજકીય વિરોધીઓ દ્વારા સરકાર પાડવાના પ્રયત્નો બાદ આ નિર્ણય કર્યો છે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, મહાતિરે વડાપ્રધાન પદેથી પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

મહાતિરની મલેશિયાની રાજનીતિમાં એક મોટી દખલ રહી છે. અહીંની રાજનીતિ પર તેમની મજબૂત પકડ છે. વર્ષ 1981થી લઈને વર્ષ 2003 સુધી મહાતિર મોહમ્મદ દેશના વડાપ્રધાન રહ્યાં હતા. ત્યારબાદ તેમણે ફરી વર્ષ 2018માં સત્તા સંભાળી હતી. વર્ષ 2018ની ચૂંટણીમાં તેમણે નજીબ રઝાકને હરાવ્યા હતા. રજાક પર તે સમયે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.

ટ્રમ્પ નહીં, કોરોનાથી બજાર નાખુશઃ સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું હતું. કોરોના વાઇરસે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી બીએસઈ સેન્સેક્સ 807 પોઇન્ટ તૂટીને 40,362ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 242 પોઇન્ટ તૂટીને 11,850ની સપાટી તોડીને 11,838ના મથાળે બંધ રહ્યો હતો.

BSE અને  NSEના તમામ સેક્ટરના ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. હેવી વેઇટ શેરો સાથે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી થઈ હતી. સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ 5.36 ટકા, નિફ્ટી ઓટો 3.51 ટકા, નિફ્ટી ફાર્મા 3.09 ટકા અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.78 તૂટ્યા હતા. કોરોના વાઇરસને કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાતાં તેની અસર સ્થાનિક બજારોમાં પણ થઈ હતી.

કરન્સી બજારમાં અમેરિકી ડોલર પણ અન્ય કરન્સી સામે મજબૂત હતો. બજારના પ્રારંભે જ ડોલર સામે રૂપિયો 30 પૈસા ઘટીને 71.94 થયો હતો. જોકે પછીથી રૂપિયો ડોલર સામે સુધર્યો હતો.

ભારત પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે વેપાર મુદ્દે કયા વેપાર કરાર થાય છે એના પર બધાની નજર છે.

રોકાણકારોએ એક દિવસમાં રૂ. 3.17 લાખ કરોડ ગુમાવ્યા

સોમવારે શેરબજારોમાં જે ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં રોકાણકારોએ એક જ દિવસમાં રૂ. 3.17 લાખ કરોડ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ગુમાવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ  બીએસઈ પર લિસ્ટેડ શેરોનું કુલ એમ કેપ 20 ફેબ્રુઆરીના રૂ. 1,58,50,719.62 કરોડથી ઘટીને રૂ. 1,55, 33,762.11 કરોડ થયું હતું.

 

200 શેરો  52 સપ્તાહની નીચલી સપાટીએ

સ્થાનિક શેરબજારોમાં આજે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેમાં મુંબઈ શેરબજારમાં આશરે 195થી વધુ શેરો તેમની 52 સપ્તાહની નીચલીએ સપાટીએ પહોંચ્યા હતા. જેમાં હીરો મોટોકોર્પ, લાર્સન અને ટુબ્રો, બંધન બેન્ક, કેનેરા બેન્ક, એનબીસીસી, એચપીસીએલ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, તેજસ નેટવર્ક અને એલઆઇટી ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

માર્ચમાં વહેલાસર આયોજન કરજો; બેન્કો સતત 6 દિવસ બંધ રહેવાની છે

મુંબઈ: દેશભરમાં રાષ્ટ્રીય બેન્કોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત 3 દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી તહેવારની રજા અને મહિનાના બીજા શનિવાર, રવિવારની રજા પણ હશે. એની પહેલાં, 8 માર્ચે રવિવાર હશે એટલે બેન્કો કુલ 7 દિવસ બંધ રહેશે. છેક 16 માર્ચે ખુલશે. 9 માર્ચે એક દિવસ માટે બેન્કો ખુલ્લી રહેશે, પણ એ દિવસે બેન્કોમાં ખૂબ ગિરદી રહેશે અથવા સર્વર પર બોજો આવી પડશે એટલે કામ લટકી જાય એવી સંભાવના પણ રહેશે.

તેથી હોળીના તહેવાર પહેલા જ તમારું બેન્કને લગતું કામકાજ, સોદા પતાવી લેજો, નહીં તો તકલીફનો સામનો કરવો પડશે.

બેન્ક કર્મચારીઓને એમના પગારમાં 20 ટકા રકમનો વધારો જોઈએ છે.

તે ઉપરાંત કામકાજ માટે પાંચ-દિવસનું અઠવાડિયું કરવા, પેન્શન પદ્ધતિને અપડેટ કરવા તથા ફેમિલી પેન્શન  નિયમોમાં સુધારા કરવામાં આવે એવી પણ તેમની માગણી છે.

ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓએ ગઈ 8-9 જાન્યુઆરીએ તેમજ ત્યારબાદ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, એમ બે દિવસ માટે આ જ મુદ્દાઓ ઉપર પણ હડતાળ પાડી હતી.

માર્ચમાં બેન્કો આ દિવસોએ બંધ રહેશેઃ

08- રવિવારની રજા

10- ધૂળેટીની રજા

11- બેન્ક કર્મીઓની હડતાળ

12- બેન્ક કર્મીઓની હડતાળ

13- બેન્ક કર્મીઓની હડતાળ

14- બીજા શનિવારની રજા

15- રવિવારની રજા