Home Blog Page 4975

મોટેરા સ્ટેડિયમથી ટ્રમ્પનો હુંકાર કહ્યું-આતંકવાદ સામે સાથે મળીને લડીશું

અમદાવાદ:  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. અહીં તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધા પછી પીએમ મોદી સાથે 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં જય-જય કારા ગીતથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની આગમન સાથે જ મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પ-નમસ્તે ટ્રમ્પના નારા ગૂંજી ઉઠ્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદીએ ‘નમસ્તે ટ્રમ્પ’ ના નારા સાથે સંબોધન શરુ કર્યું હતું. સ્ટેડિયમાં ઈન્ડિયા યુએસ ફ્રેન્ડશિપ લોન્ગ લીવના નારા લાગ્યા હતા. મોટેરા સ્ટેડિયમ ખાતે સૌ પ્રથમ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું ત્યાર પછી તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

ટ્રમ્પે તેના ભાષણની શરુઆત ‘નમસ્તે’ શબ્દ સાથે કરી.

  • ટમ્પે તેમના ભાષણમાં મોદી સાથે તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો.
  • ટ્રમ્પે વડાપ્રધાન મોદીને તેના સાચ્ચા મિત્ર ગણાવ્યા.
  • ટ્રમ્પે કહ્યું ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થયો.
  • દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે.
  • અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે.
  • મોદીના નેતૃત્વમાં દેશ ઘણું સારુ કામ કરી રહ્યો છે.
  • દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે.
  • ટ્રમ્પે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને યાદ કર્યા.
  • ટ્રમ્પે તેના ભાષણમાં બોલીવુડ તેમજ ડીડીએલજે ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો.
  • ટ્રમ્પે દેશના મહાન ક્રિકેટર સચિન તેંડુલર તેમજ વિરાટ કોહલીને યાદ કર્યો.
  • ટ્રમ્પે ભારતને વિશ્વનો સૌથી અદભૂત દેશ ગણાવ્યો.
  • હોળી દિવાળી જેવા ભારતના મોટા તહેવારોનો પણ ઉલ્લેખ કર્યો.
  • દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ધરાવતો દેશ મોદીના નેતૃત્વમાં આગામી 10 વર્ષમાં દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવશે.
  • અહીં દર મિનિટ 12 લોકો ગરીબીમાંથી બહાર આવે છે.
  • આતંકવાદ પર મુદ્દે ટ્રમ્પે કહ્યું- ભારત અને અમેરિકા બંને આતંકવાદ સામે લડી રહ્યા છે.
  • અમે બગદાદીનો ખાત્મો કર્યો. કટ્ટરવાદ વિરુદ્ધ સાથે મળીને સાથે કામ કરીશુ.
  • કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખત્મ કરીશું. પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે.
  • વડાપ્રધાન મોદીને ટ્રમ્પે કહ્યું કે, તમે ગુજરાતનું ગૌરવ છો. તમે સાબિત કરી બતાવ્યું છે કે સખત મહેનત અને જુસ્સાથી ભારતીયો ધારે તે હાંસલ કરી શકે છે.
  • ભારતમાં હંમેશા જ્ઞાનનો ભંડાર રહ્યો છે. માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ લોકોમાં પણ ભારત ધબકી રહ્યું છે.
  • દીકરી ઈવાન્કાની ભારત મુલાકાતને યાદ કરી ટ્રમ્પે દીકરીનો પણ આભાર માન્યો.
  • ભારતમાં મહિલા ઉદ્યમીઓનો ટ્રમ્પે વખાણ કર્યા.
  • અંતરિક્ષ ક્ષેત્રે બંને દેશોના સંબંધો સારા થશે.
  • રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે.
  • દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે.
  • કાલે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું.
  • 3 મિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે.
  • અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ.
  • અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છેઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે.
  • બંને દેશોની અર્થવ્યવસ્થા ખૂબજ ઝડપે આગળ વધી રહી છે.
  • ભારતની એકતા વિશ્વમાં પ્રેરણા દાયક છે.
  • અંતે કહ્યું- Love you India, Love you Indians

ટ્રમ્પના ભાષણ પછી વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું હતું કે, ભારત-અમેરિકાની મિત્રતા વિશ્વાસના કારણે વધી છે. આ ઉપરાંત અહીં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધીઓ પણ ગણાવી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતે 1500 જૂના કાયદા ખતમ કર્યા. ત્રણ તલાક પર નવો કાયદો પણ બનાવ્યો. ભારતમાં થશે ડિજીટલ ઈકોનોમીનો વિસ્તાર, અમેરિકા માટે રોકાણનો અવસર.

‘નમસ્તે ટ્રમ્પ-નમસ્તે ટ્રમ્પ’ ના નારા સાથે ગૂંજી ઉઠ્યું મોટેરા સ્ટેડિયમ

અમદાવાદ: સાબરમતી આશ્રમથી 22 કિલોમીટરના ભવ્ય રોડ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા મોટેરા સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની એકઠી થઈ હતી. ટ્રમ્પ દંપતિનું મોટેરા સ્ટેડિયમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદીએ ‘નમસ્તે ટ્રમ્પ’ ના નારા સાથે સંબોધન શરુ કર્યું. સ્ટેડિયમાં ઈન્ડિયા યુએસ ફ્રેન્ડશિપ લોન્ગ લીવના નારા લાગ્યા હતા.

નમસ્તે ટ્રમ્પ: ભવ્ય રોડ શો…

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે પ્રથમ દિવસે તેઓ અમદાવાદ એરપોર્ટ પર 11:36 કલાકે લેન્ડ થયા છે. એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત, ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ અને 22 કિમીના રોડ શો કર્યો હતો. ભવ્ય રોડ શો પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો હતો. અહીં ટ્રમ્પ-મોદી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે.

સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત

સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરફોર્મન્સ કર્યું હતું. તેમણે મોગલ આવે…સહિતના ગીતો પર પરફોર્મ કર્યું છે.

કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પરફોર્મ કર્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે..’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવ ગોહિલે ‘સુનો ગોર સે દુનિયા વાલો…’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ગાયને દર્શકોને મોજ કરાવી હતી.

  • ડોનાલ્ડ ટ્રમ્પે અહીં અમિત શાહ સાથે મુલાકાત કરી.
  • ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા અને વડાપ્રધાન મોદીએ નાગરિકતા અભિવાદન સમિતિ સાથે મુલાકાત કરી
  • મોટેરા સ્ટેડિયમ લાખોની સંખ્યામાં જનમેદની
  • અભિવાદન સમિતિએ ટ્રમ્પનું મોટેરા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું

નમસ્તે ટ્રમ્પ: સાબરમતીના સંતને ટ્રમ્પના વંદન, હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. ત્યારપછી બંને નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિના કાફલાનું પારંપારિક નૃત્ય અને કળાઓ દ્વારા સ્વાગત કરાયું. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીએ ખાદીનો ખેસ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું. ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતાં. આ દરમ્યાન હ્રદય કુંજમાં પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના ગાઈડ બન્યા હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે અહીં ગાંધીજીનો ચરખો કાંત્યો હતો. અને વિઝિટર બુકમાં ટ્રમ્પે સંદેશો પણ લખ્યો.

ગાંધી આશ્રમની મુલાકાત પછી હવે બંને નેતાઓનો કાફલો મોટેરા સ્ટેડિયમ તરફ જવા રવાના થયો હતો.

 

નમસ્તે ટ્રમ્પઃ મોંઘેરા મહેમાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત

અમદાવાદઃ જેની ઘડીઓ ગણાઈ રહી હતી, તે સમય આંગણે આવી ગયો છે. અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાસ વિમાન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા ટ્રમ્પ તથા દીકરી ઈવાન્કા ટ્રમ્પ સાથે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર માથે ગરબો રાખીને મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. પ્રોટોકોલ તોડીને પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્ હતા. જેવા જ ટ્રમ્પ પ્લેનમાંથી નીચે ઉતર્યા ત્યાં જ આગળ ઉભેલાં વડાપ્રધાન મોદી તેમને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનાં બે દોસ્ત મળી રહ્યા હોય તેવો નજારો એરપોર્ટ પર સર્જાયો હતો.

ટ્રમ્પ-મેલેનિયા અમદાવાદ આવશે કે તરત જ 1000 કલાકારોના પર્ફોર્મન્સ શરૂ થશે

અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા સાથે  અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે ત્યારે તેમનું ગુજરાતી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરાશે. તેમના વિમાનથી 150 ફૂટ રેડ કાર્પેટની બંને બાજુ છ સંસ્થાઓ પરંપરાગત ગુજરાતી નૃત્ય કરી સ્વાગત કરશે. ગુજરાત સહિત દેશભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇ, ફૂલ માંડવી અને જાગવાળી બહેનોના નૃત્યોની રજૂઆત કરશે. આ ઉપરાંત એરપોર્ટ પરના લોન એરિયામાં વિવિધ 14 સંસ્થાના 256 કલાકારો પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના નૃત્યો રજૂ કરશે.


ગુજરાતના દરેક પારંપરિક નૃત્યોનો સમાવેશ

ટ્રમ્પ વિમાનમાંથી બહાર આવશે કે તરત જ કલાકારો શંખનાદ કરાશે. શંખનાદમાં પણ બ્રહ્મનાદનો ધ્વનિ રહેશે. બ્રહ્મનાદનો અર્થ થાય છે ઇશ્વરનો નાદ.આ માટે એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળિયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવર નગર, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળોનાં ભાતીગળ નૃત્યો રજૂ થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એરપોર્ટની બહાર ન નીકળે ત્યાં સુધી આ આ કલાકરોનું પર્ફોમન્સ આપતા રહેશે. ત્યાર બાદ આ રોડ-શો સમયે પણ વિવિધ સાંસ્કૃતિક સ્ટેજ પરથી કલાકારો પરફોર્મ કરશે.

 

મોટેરામાં ટ્રમ્પ-મોદીના આગમન પહેલાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 11.40 વાગ્યે અમદાવાદ પહોંચવાના છે. જ્યારે વડા પ્રધાન તેમનું સ્વાગત કરવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. વડા પ્રધાનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વડા પ્રધાન મોદી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવાના છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે, ભારત આવતા પહેલા ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કર્યુ છે, તેમને લખ્યુ કે અમે ભારત આવવા માટે તત્પર છીએ, અમે રસ્તામાં છીએ, થોડાક કલાકોમાં જ અમે બધાને મળીશું. મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહોમાનો માટે નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા માનવ મહેરામણ ઊમટી પડ્યો છે. સ્ટેડિયમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા… ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું છે. કીર્તિદાન ગઢવી પણ લોક ગીતોની જમાવટ કરી રહ્યા છે. તેમણે ‘નગરમાં જોગી’ ગીત રજૂ કર્યું હતું. આ સાથે અન્ય ચાર-પાંચ કલાકારો પણ સુંદર પર્ફોર્મન્સ આપી રહ્યા છે.

નમસ્તે ટ્રમ્પઃ મોંઘેરા મહેમાનને આવકારવા અમદાવાદીઓમાં ઉત્સાહ

અમદાવાદઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત 30 જેટલા ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે મોંઘેરા મહેમાન પધારવાનાં છે. ટ્રમ્પનું મેગાસિટીમાં રોકાણ સાડા ત્રણ કલાકનું રહેશે. તેઓ તેમના ખાસ વિમાન મારફતે સવારે 11:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. આ ઐતિહાસિક ઘટના માટે ગુજરાતીઓએ ઘણી જ મહેનત કરી છે. તેમનું સ્વાગત પણ ઐતિહાસિક રીતે કરવામાં આવશે. ત્યારે આજે સવારથી જે લોકો અવનવા નૃત્ય અને વાંજિત્રો વગાડીને મહાસત્તાનું સ્વાગત કરવાનાં છે તે લોકો પોતાની જગ્યાએ આવી ગયા છે. આ સાથે સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે તેમના રોડ શોના રુટ પર પણ મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે પહોંચી ગયા છે. આ સાથે જ સીક્યુરિટી ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

અમદાવાદઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી રહ્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ત્યારે વડાપ્રધાન મોદી પણ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. થોડા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે.

અમદાવાદમાં આજે મોંઘેરા મહેમાનઃ ટ્રમ્પના આગમનની ગણાતી ઘડીઓ

અમદાવાદ : વિશ્વની મહાસત્તા અને શક્તિશાળી લોકતાંત્રિક દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે પહેલી જ વાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. થોડી જ વારમાં, એટલે કે 11.15 વાગ્યે ટ્રમ્પ સાથેનું ‘એરફોર્સ વન’ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. આજે અને આવતીકાલ, એમ બે દિવસ (કુલ 36-કલાક માટે) પોતાના ભારત-રોકાણના આરંભ માટે ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતના અમદાવાદ શહેરને પસંદ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એમના પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, એમના પુત્રી ઈવાન્કા, જમાઈ જેરેડ કુશનર સહિત 12 સભ્યોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે.

વડા પ્રધાન મોદી એરપોર્ટ પર યુએસ પ્રમુખનું સ્વાગત કરવા માટે ખાસ દિલ્હીથી આવી પહોંચ્યા છે.

એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેમજ તેઓ એક સંક્ષિપ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે.

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું કહેવું છે કે એરપોર્ટથી મોદી અને ટ્રમ્પ રોડશો કરીને પહેલા સાબરમતી આશ્રમ ખાતે જશે.

આશ્રમમાં તેઓ 15 મિનિટ માટે રોકાશે. એ દરમિયાન મોદી અને ટ્રમ્પ ‘હૃદય કુંજ’ નિહાળશે. હૃદય કુંજ આશ્રમના પરિસરનો એક ઓરડો છે જ્યાં ગાંધીજી અને એમના પત્ની કસ્તુરબા આઝાદીની ચળવળના સમય દરમિયાન (1918થી 1930 વચ્ચે 12 વર્ષ સુધી) રહ્યા હતા.

ટ્રમ્પને ગાંધીજી તથા એમની આત્મનિર્ભરતાના પ્રતીક સમાન ચરખાના મહત્ત્વ વિશે જણાવવામાં આવશે અને એમની ઈચ્છા થશે તો તેઓ ચરખો પણ ચલાવશે. આ કાર્યક્રમ 15 મિનિટ માટે સીમિત રખાયો છે.

મોદી ત્યારબાદ ટ્રમ્પને કોફી ટેબલ બુક તથા ગાંધીજીના 150 સુવિચાર ધરાવતું પુસ્તક ભેટ આપશે.

આશ્રમથી સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ) સુધી ટ્રમ્પ અને મોદી ફરી રોડશો કરશે. એમનો રોડશો ઈન્દિરા પૂલ પરથી પસાર થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે.

મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનો કાર્યક્રમ બપોરે 3 વાગ્યે સમાપ્ત થશે અને 3.30 વાગ્યે તેઓ આગરા જવા રવાના થશે.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાત માટે રચવામાં આવેલા સુરક્ષા કવચના ભાગરૂપે શહેરભરમાં 33 નાયબ પોલીસ કમિશનરો, 75 સહાયક પોલીસ કમિશનરો, 300 પોલીસ ઈન્સ્પેક્ટરો, 1000 સબ-ઈન્સ્પેક્ટરો, 12,000 જવાનો, 2000 મહિલા પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની ત્રણ ટૂકડી અને ક્વિક રીસ્પોન્સ ટીમ્સની સાત ટૂકડીઓને પણ તહેનાત કરવામાં આવી છે. મોદી અને ટ્રમ્પના કાફલાની સાથે અનેક જગ્યાએ ચોક્કસ મોરચા સ્ક્વોડ્સ પણ તહેનાત કરવામાં આવી છે. હવાઈ દળ અને યૂએસ સીક્રેટ સર્વિસ અતિરિક્ત સુરક્ષા કવચ પૂરી પાડશે. પોલીસે એન્ટી-ડ્રોન સિસ્ટમ લાગુ કરી છે અને ડ્રોનનો ઉપયોગ ન કરવાની જાહેર જનતાને સલાહ આવી છે.

અમદાવાદમાં ત્રણેક કલાકના રોકાણ બાદ બપોરે ટ્રમ્પ અને એમનું પ્રતિનિધિમંડળ ઉત્તર પ્રદેશના આગરા ખાતે જવા રવાના થશે. ત્યાંથી તેઓ સાંજે નવી દિલ્હી પહોંચશે. અમદાવાદ ઉપરાંત આગરા અને નવી દિલ્હીમાં પણ સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આ છે, ટ્રમ્પનો કાર્યક્રમઃ

  • ૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭: વાગ્યે વોશિંગ્ટનથી રવાના.
  • રાત્રે જર્મનીમાં સ્ટોપ ઓવર.
  • ૨૪ ફેબ્રુઆરી સવારે 11.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન.
  • અમદાવાદ એરપોર્ટથી 12.05 થી 12.15 વાગ્યે ગાંધી આશ્રમ જવા રવાના થશે.
  • બપોરે ૧૨:૩૦ વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે ગાંધી આશ્રમ પહોંચશે.
  • ગાંધી આશ્રમ ખાતે 15 મિનિટ રોકાણ બાદ મોટેરા સ્ટેડિયમ જશે.
  • અંદાજીત 1.30 થી 1.40 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
  • મોટેરા સ્ટેડિયમ પર સંબોધન.
  • મોટેરા સ્ટેડિયમથી 2.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના.
  • બપોરે ૩:૩૦ વાગ્યે આગ્રા જવા રવાના.
  • સાંજે ૪:૫૫ વાગ્યે આગ્રા એરપોર્ટ પર આગમન.
  • સાંજે ૫:૧૦ વાગ્યે તાજમહેલની મુલાકાત
  • સાંજે ૬:૪૫ વાગ્યે દિલ્હી જવા રવાના.
  • સાંજે ૭:૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આગમન.