મુંબઈ – બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોને ઉપરાછાપરી ત્રણ દિવસ રજા મળવાની છે. બેન્કો 21 ફેબ્રુઆરીના શુક્રવારથી સતત 3 દિવસ બંધ રહેવાની છે. તેથી આજે જ તમારા પૈસાની ગોઠવણ કરી લેજો, નહીંતો સતત ત્રણ દિવસ બેન્કો બંધ રહેવાની હોવાથી તમને અગવડતા પડી શકે છે.
બેન્કો આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે બંધ રહેશે.
ત્યારબાદ શનિવારનો દિવસ મહિનાનો ચોથો શનિવાર હોઈ બેન્કો બંધ રહેશે અને પછી રવિવારની સાપ્તાહિક રજા રહેશે. આમ બેન્કો સોમવારે ફરી ખુલશે.
ઉલ્લેખનીય છે કે ગઈ 21 જાન્યુઆરીએ પણ બેન્કકર્મચારીઓએ હડતાળ પાડી હતી અને એ દિવસે તમામ સરકારી બેન્કો બંધ રહી હતી. એ દિવસે બેન્કોના 10 લાખ કર્મચારીઓ હડતાળ પર ગયા હતા.
ત્રણ દિવસ બેન્કો બંધ રહેવાની હોવાથી એટીએમ મશીનોમાંથી પૈસા કાઢવાનું પણ મુશ્કેલ બની જશે, કારણ કે એ મશીનો ખાલી થયા બાદ ફરી ભરવાનું સોમવારથી જ શરૂ થઈ શકશે.
જોકે ઓનલાઈન બેન્કિંગ કામકાજ તમે કરી શકશો. એ રાબેતા મુજબ ચાલુ રહેશે.
અમદાવાદઃનમસ્તે ટ્રમ્પઃ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈને વિવિધ સુરક્ષા એજન્સીઓની- સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, એનએસજી, પીડબ્લ્યુડી, અમદાવાદ મહાનગરપાલિકા અને કલેક્ટરની સાથે સંયુક્ત બેઠક પણ આયોજિત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં તેમની સુરક્ષા માટે હેલિકોપ્ટર આકાશમાં ચક્કર લગાવતાં રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે, ત્યાં મોટેરા સ્ટેડિયમની આસપાસ ત્રિસ્તરીય સુરક્ષા-વ્યવસ્થા હશે. ત્યાં ઘોડેસવાર પોલીસ કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવશે. જો હવામાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ દેખાશે તો સ્નાઇપર એને દેખતાં જ ઠાર કરશે.
સુરક્ષા એજન્સીઓની વચ્ચે ત્રિસ્તરીય કડક સુરક્ષા બંદોબસ્ત માટે બેઠક
અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસ અંગે ગુજરાતમાં ઉત્સાહનું વાતાવણ છે. તેઓ અમદાવાદના મહેમાન બનશે. તેમની સુરક્ષા-વ્યવસ્થાઓ માટે ચાંપતો બંદોબસ્ત રાખવા માટે સુરક્ષા એજન્સીઓ માટે બેઠકોનો દોર જારી છે. તેમના આગમન પહેલાં અમેરિકી સુરક્ષા એજન્સીઓ પણ આવી પહોંચી છે. દેશની સુરક્ષા એજન્સીઓ તેમની સાથે બેઠક આયોજિત કરી રહી છે.
આકાશમાં પણ સુરક્ષા વ્યવસ્થા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીના કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ વાયા મોટેરા સ્ટેડિયમ સુધી કુલ 22 કિલોમીટરનો રોડ શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૂટ પર પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સવારે 11.55 કલાકે એરફોર્સ નવમાં અમદાવાદ પહોંચશે. તેમને માત્ર જમીન પર જ નહીં આકાશમાં પણ સુરક્ષા-વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે તેમની એરફોર્સ ભારતીય આકાશની સીમામાં પ્રવેશ કરશે કે તરત જ ભારતીય એર ફોર્સ એલર્ટ પર રહેશે.તેમની સુરક્ષા-વ્યવસ્થા સઘન બનાવવા માટે એરફોર્સ વનની આસપાસ ભારતીય એરફોર્સના ફાઇટર પ્લેન રહેશે. તેઓ અમદાવાદના એરપોર્ટની પાઇલોટિંગ કરશે. તેમની સુરક્ષા માટે સુખોઇ અને મિરાજ 2000 ફાઇટર પ્લેન આકાશમાં તહેનાત રહેશે. મોટરા સ્ટેડિયમ અને રોડ શોના રૂટ પર સ્નાઇપર્સ તહેનાત કરવામાં આવશે.
સુરક્ષા એજન્સીઓની બાજ નજર
અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા માટે અમેરિકાની પ્રથમ સિક્રેટ એજન્સી અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે, ત્યાર પછી દ્વિતીય ક્રમે એસપીજી અને એનએસજીના કમાન્ડો તહેનાત રહેશે. ત્યાર પછીના ક્રમે ક્રાઇમ બ્રાંચના પોલીસની બાજ નજર રહેશે. ટ્રમ્પ અને મોદીના કાફલામાં અનેક વાહનો રહેશે, જેમાં અમેરિકી એજન્સીના જ 40 વાહન, પોલીસના 15 વાહનો સહિત કુલ પોણા કિલોમીટરના અંતરે હશે. તેમના આગમનના રૂટ દરમ્યાન સવારે 10 વાગ્યે જ જાહેર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવશે.
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતી 24 મીએ ભારત યાત્રા પર આવી રહ્યા છે. જો કે હજી તેમના પ્રવાસની આડે 3-4 દિવસ બાકી છે. પરંતુ આજથી મોટેરા સ્ટેડિયમની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે કે જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાર્યક્રમ યોજાવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીના રોજ ભારતની યાત્રા પર આવી રહ્યા છે.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા પર વાત કરતા જણાવ્યું કે, એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ-શો યોજાશે. આ 22 કિલોમીટરના રોડ-શો માં 1-2 લાખ જેટલા લોકો ભાગ લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની ભારતની પ્રથમ અધિકારિક યાત્રાને ઐતિહાસિક બનાવવામાં કોઈ કસર નહી રાખવામાં આવે. તેમના સ્વાગતની તૈયારીઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રામાં કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પહોંચશે, તે દિવસે સાંજે તેઓ આગ્રા જશે અને બાદમાં તેઓ દિલ્હી પહોંચશે. અહીંયા બીજા દિવસે તેમનું રાજકીય સન્માન થશે અને વડાપ્રધાન મોદી સાથે સત્તાવાર વાતચિત થશે.
એરફોર્સ-વનથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પનું 19 શંખ વગાડીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ મળીને દુનિયાના આ સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કરશે. અહીંયા”નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં એક લાખથી વધારે લોકો જોડાશે. આ એવું જ આયોજન હશે કે જેવું હ્યૂસ્ટનમાં “હાઉડી મોદી” કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી છે, જેથી હવે મસ્જિદના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા માટે માગ ઊઠી છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે સૂચન કર્યું છે કે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે ટ્રસ્ટની રચના કરવી જોઈએ. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ ડી. રાજાએ તેમના સૂચનને સમર્થન કર્યું છે. ભારતનું ધર્મ નિરપેક્ષ સ્વરૂપ આ વિચારનો આધાર છે. કેન્દ્ર સરકારે દરેક ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે જો સરકાર મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી શકતી હોય તો આવો જ નિર્ણય મસ્જિદ બનાવવા માટે પણ કેમ નથી લેતી? મસ્જિદ નિર્માણ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો એક ભાગ છે. રાજ્ય સરકારે મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાની સાથે સાથે એના માટે ટ્રસ્ટ પણ બનાવવું જોઈએ.
પવારનું નિવેદન
પવારે હાલમાં જ કહ્યું હતું કે સરકારે અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે ફંડની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર જો મંદિર માટે એક ટ્રસ્ટ બનાવી શકે તો એ મસ્જિદ બનાવવા માટે પણ ફંડ કેમ નથી આપતી?
બુધવારે ટ્રસ્ટની પહેલી મીટિંગ થઈ
સુપ્રીમ કોર્ટના નવેમ્બરમાં અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પછી રામ મંદિર નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બજેટ સત્રમાં કોર્ટે આપેલા નિર્દેશાનુસાર પાંચમી ફેબ્રુઆરીએ અયોધ્યા મામલે એક ટ્રસ્ટની રચના ગઠનની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટનું નામ શ્રીરામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્ર છે. આ ટ્રસ્ટની પહેલી બેઠક પાછલા બુધવારે થઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મસ્જિદ બનાવવા માટે પણ જમીન ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા હતા.
પટના: વડાપ્રધાન મોદીએ બુધવારે દિલ્હીમાં આયોજીત હુનર હાટમાં એક સ્ટોલ પર લિટ્ટી ચોખા ખાધા જેને લઈને હવે બિહારમાં રાજકારણ ગરમાયું છે. અને લોકો આને બિહાર ચૂંટણીની શરુઆત ગણાવી રહ્યા છે. લિટ્ટી ચોખાને લઈને લાલુ યાદવના બંને પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેજ પ્રતાપ યાદવે લિટ્ટી ચોખાને લઈને પીએમ મોદી પર તેમના આગવા અંદાજમાં કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે ‘કતનો ખઈબડ લિટ્ટી ચોખા, બિહાર ના ભૂલી રાઉર ધોખા..!’
તેજપ્રતાપ ની સાથે નાના ભાઈ તેજસ્વી યાદવે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, બિહારનું લોકપ્રીય ભોજન પસંદ કરવા બદલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર. બિરાના મુખ્યમંત્રી માંગી નથી શકતા એટલા માટે હું બિહારના જરૂરી મુદ્દાઓ પર તમારું ધ્યાન દોરવા માંગુ છું. રાજ્યને વિશેષ દરજ્જો, સ્પેશિયલ પેકેજ માટે ફંડ, પૂર રાહત ભંડોળ, આયુષ્માન ભારત માટે ફંડ.’
તો બીજી તરફ જેડીયુ નેતા સંજય કુમાર ઝાએ ટ્વીટ કરીને પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે, લિટ્ટી ચોખા બિહારના લાખો લોકો માટે સાદગી,વિનમ્રતા અને જમીન સાથે જોડાયેલા રહેવાનું પ્રતિક છે. સાથે જ તેમણે લખ્યું કે, નરેન્દ્ર મોદીજીને હુનર હાટમાં લિટ્ટી ચોખા ખાતા જોઈ ઘણું સારુ લાગ્યું. આ અમારી પાક પરંપરાનો ભાગ છે અને અમારું ગૌરવ પણ’
તો બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ પણ પીએમ મોદીને ધન્યવાદ આપતા સવાલ પૂછયો કે, શું લિટ્ટી ચોખા ખાવાને બિહાર ચૂંટણીના એંધાણ માનવામાં આવે?
અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પસંદગી થયા બાદ અહીંયા શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનું કાર્ય શરુ થશે. આ ક્રમમાં સૌથી પહેલું કામ ભગવાન રામને તેમના સ્થાનથી અન્ય સ્થાન પર ખસેડવા માટેનું કરવામાં આવી રહ્યું છે જેથી મંદિર નિર્માણ દરમિયાન ભગવાન રામની પૂજા-અર્ચના સહિતની ભગવાનની નિત્ય સેવાનો ક્રમ રોજની જેમ જ ચાલતો રહે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પહેલા તેમના અસ્થાયી મંદિરના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. તમામ કાયદાકીય કોયડાના કારણે અત્યારસુધી ભગવાન રામ ટેન્ટમાં બિરાજમાન હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં મંદિર નિર્માણનો રસ્તો ખૂલી ગયો છે. મંદિરના નિર્માણમાં સમય લાગશે અને આ જ કારણ છે કે મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી મેક શિફ્ટ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાને પૂજા-અર્ચના અને દર્શન માટે બિરાજમાન કરવામાં આવશે.
ગર્ભગૃહથી આશરે 150 મીટર દૂર માનસ ભવન નજીક મેકશિફ્ટ મંદિર બનાવવામાં આવશે. મંદીર પૂર્ણ રીતે બૂલેટપ્રૂફ હોઈ શકે છે અને આને ફાઈબરથી તૈયાર કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની ચૂંટણીમાં થઈ રહેલી દુર્દશાને લઈને દિગ્ગજ નેતાઓએ પણ અવાજ ઉઠાવવાનું શરુ કરી દિધું છે. ત્યારે હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દિકરા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પણ કોંગ્રેસના નેતૃત્વને લઈને વરિષ્ઠ નેતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, અત્યારે કોંગ્રેસ પાસે સૌથી મોટો અને મુશ્કેલ પડકાર અધ્યક્ષની નિયુક્તિનો છે. તેમણે આની સાથે કોંગ્રેસના નેતાઓને ઘેરતા કહ્યું કે, આટલો સમય વિતી જવા છતા પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે.
સંદીપ દીક્ષિતે કહ્યું કે, કોંગ્રસના ઘણા મોટા નેતાઓ ડરે છે, આ જ કારણ છે કે કોંગ્રેસ અધ્યક્ષની શોધ થઈ નથી રહી. ડરનું કારણ એ છે કે આખરે કોણ બિલાડીની ડોકે ઘંટડી બાંધે.
સંદીપે કહ્યું કે, કોંગ્રેસમાં ઓછામાં ઓછા 6-8 જેટલા નેતા છે કે જેઓ નેતૃત્વ કરવામાં સક્ષમ છે. તેમણે એપણ કહ્યું કે, ક્યારેક-ક્યારે તમે નિષ્ક્રિયતા ઈચ્છો છો કારણ કે આપ એક નિશ્ચિત કાર્યવાહી નથી કરવા ઈચ્છતા.
તેમણે જણાવ્યું કે, હકીકતમાં આપણા વરિષ્ઠ નેતાઓ તરફથી નિરાશા અનુભવી રહ્યો છે. તેમણે આગળ આવવું જોઈએ. આમાંથી મોટાભાગના રાજ્યસભામાં છે, કેટલાક લોકો પૂર્વ મુખ્યમંત્રી છે અને કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રી પણ છે કે જેઓ આ જવાબદારી નિભાવી શકે છે. આ લોકો આગળ આવે અને પાર્ટી માટે કંઈક સાબિત કરે. આમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ છે કે જેઓ આ ભૂમિકા નિભાવી શકે છે. સંદીપે એ.કે.એન્ટોની, પી.ચિદમ્બરમ, સલમાન ખુર્શીદ, જેવા મોટા નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હજી આ તમામ નેતાઓ પાસે 4-5 વર્ષ બચ્યા છે, ત્યારે તેમણે બૌદ્ધિક રુપે પાર્ટીનો સહયોગ કરવો જોઈએ. આ લોકો નેતાઓની પસંદગી કરવામાં પણ પાર્ટીની મદદ કરી શકે છે.
અમેરિકાના પ્રમુખ ભારતની મુલાકાત આવશે ત્યારે કેટલાક મહત્ત્વના શસ્ત્રો સોદાઓ થશે. ભારત નૌકા દળ માટે વિશેષ હેલિકોપ્ટર ખરીદવા માગે છે. MH-60R સીહૉક પ્રકારના 24 હેલિકૉપ્ટર્સ ખરીદવા માટેની ડીલ થાય તેવી શક્યતા છે. લોકહીડ માર્ટીન કંપની આ હેલિકૉપ્ટર બનાવે છે. કંપની સાથે સોદો કરવામાં આવે તો મંજૂરી સહિતની લાંબી પ્રક્રિયા થાય કરવી પડે. તેના બદલે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ફોરેન મિલિટરી સેલ્સ રૂટથી આ સોદો થાય તેવી શક્યતા છે.
અમેરિકાની જાણીતી કંપની બોઈંગ મિલિટ્રી એરક્રાફ્ટ્સ પણ બનાવે છે. બોઈંગ એફ-21 પ્રકારના વિમાનો ભારતને વેચવા માટે આતુર છે. તેના માટે પણ વાતચીત થઈ શકે છે. હેલિકૉપ્ટરના સોદાની કિંમત અઢી અબજ ડૉલરથી વધુની હશે. બોઈંગ તથા બીજા સોદા સાથે શસ્ત્રોની ખરીદીનું બિલ મોટું થઈ શકે છે. 2007 પછી ભારતે અમેરિકામાંથી 17 અબજ ડૉલરના શસ્ત્રોની ખરીદી કરી છે. રશિયા, ફ્રાન્સ પછી અમેરિકા પાસેથી ભારતની શસ્ત્ર ખરીદી વધી રહી છે.
શસ્ત્રોનો વેપાર વધી રહ્યો છે, પણ બીજા વેપારની બાબતમાં ભારતને ઉલટાનું નુકસાન થઈ શકે છે. ચીનની જેમ અમેરિકા ભારત સામે પણ વેપાર યુદ્ધની તૈયારીમાં છે. ટ્રમ્પ વહિવટીતંત્રે હાલમાં જ 12 દેશોને અપાતા પ્રેફરન્સ દૂર કરવાનું નક્કી કર્યું છે. આ દેશોને અમેરિકા હવે વિકાસશીલ ગણવા તૈયાર નથી. તેમને વિકસિત ગણીને WTO હેઠળ અપાતી આયાત પરના સબસિડી પ્રેફરન્સને ટ્રમ્પની સરકારે રદ કરી દીધા છે. તેના કારણે અમેરિકામાં નિકાસ કરવી ભારતીય કંપનીઓ માટે મુશ્કેલ બનશે.
નિકાસની બાબતમાં દેશો સબસિડી આપે અને તેના કારણે અમેરિકામાં તે આયાત સ્થાનિક ઉદ્યોગોને નુકસાન કરે તેવું ટ્રમ્પ સરકાર ઇચ્છતી નથી. વિશ્વ વેપારમાં અડધા ટકા કરતાં વધારે હિસ્સો હોય તેવા દેશોને ટ્રમ્પ હવે સ્પર્ધક ગણે છે અને તેમને કોઈ લાભ મળે તેમ ઇચ્છતા નથી. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 2 ટકાથી થોડો વધુ છે, તેથી ટ્રમ્પ હવે ભારતને વિકાસશીલ નહિ વિકસિત દેશ ગણે છે. આલ્બેનિયા; આર્જેન્ટિના; આર્મેનિયા; બ્રાઝિલ; બલ્ગેરિયા; ચીન; કૉલંબિયા; કૉસ્ટા રિકા; જ્યોર્જિયા; હૉંગ કૉંગ; ભારત; ઇન્ડોનેશિયા; કઝાખસ્તાન; કિર્ગિસ્તાન; મલેશિયા; મોલ્દોવા; મોન્ટેન્ગ્રો; ઉત્તર મેસિડોનિયા; રોમાનિયા; સિંગાપોર; દક્ષિણ આફ્રિકા; દક્ષિણ કોરિયા; થાઈલેન્ડ; યુક્રેન; અને વિયેટનામ – આટલા દેશોને 1998થી સબસિડી પ્રેફરન્સ મળતો હતો તે બંધ કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે.
ગયા મહિને દાવોસની વિશ્વ વેપાર સંગઠનની બેઠક વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અહીં અમેરિકાને ન્યાય મળતો નથી. “ચીનને અને ભારતને વિકાસશીલ દેશ ગણવામાં આવે છે, અમને વિકાસશીલ ગણવામાં આવતા નથી. મને લાગે છે અમે વિકાસશીલ દેશ જ છીએ,” એવું તેમણે કહ્યું હતું.
ટ્રમ્પ ભારતને વિકસિત દેશ ગણાવે છે તે વખાણ કરવા માટે નથી. તેનાથી આપણે રાજી થવા જેવું નથી, કેમ કે વેપારમાં આપણને નુકસાન થવાનું છે. તેથી જ ભારત છેલ્લા 18 મહિનાથી અમેરિકા સાથે વેપાર કરવા માટે કોશિશ કરી રહ્યું છે. છેલ્લે ‘હાઉડી મોદી’ માટે નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે ગયા ત્યારે પણ વેપાર કરાર થઈ શક્યો નહોતો.
આ વખતે ટ્રમ્પ અમદાવાદ, આગ્રા અને દિલ્હીની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વેપાર કરાર થશે કે કેમ તેના પર સૌની નજર હતી. તે શક્યતાનો નકાર ટ્રમ્પે જ કરી દીધો. ભારત મુલાકાતના અઠવાડિયા પહેલાં જ કહી દીધું કે ભારત અમારી સાથે સારું વર્તન કરતું નથી. ભારત સાથેની મોટી ડીલ બાદમાં થશે, એટલે કે હવે તેઓ બીજી વાર જીતીને આવે તે પછી જ. અમેરિકા ઇચ્છે છે કે ભારત સહિતના ડઝન દેશો સામેથી પોતાને વિકસિત દેશો માની લે અને દરજ્જામાં ફેરફાર પ્રમાણે અમેરિકા સાથે વેપાર કરાર કરે. બ્રાઝીલ, સિંગાપોર અને દક્ષિણ કોરિયાએ પોતાનો વિકાસશીલ દેશ તરીકેનો દરજ્જો જતો કરવાની તૈયારી બતાવી છે. તેથી આ ત્રણ દેશો સાથે કદાચ અમેરિકાની વેપારી સમજૂતિ થશે, પણ ભારત સાથે નજીકના ભવિષ્યમાં નહિ થાય તે સ્પષ્ટ થઈ ગયું છે.
તેથી ટીકા પણ થવાની કે ડોનાલ્ડ ટ્રમ્પનું ધામધૂમથી સ્વાગત થાય, પણ કંઈ ફાયદો તો થવાનો નથી. અમેરિકાને શસ્ત્રો વેચીને કમાણી થાય છે એટલે શસ્ત્રો વેચવા તૈયાર થઈ જાય છે, પણ ભારતમાંથી એલ્યુમિનિયમ, સ્ટીલ, કૃષિ ઉત્પાદનો આયાત કરવા તૈયાર નથી. ઉલટાની પોતાની ડેરી અને પૉલ્ટ્રી પ્રોડક્ટ્સ ભારતમાં ઠાલવવા માગે છે. દક્ષિણ ભારતના પૉલ્ટ્રી ઉદ્યોગમાં હાલમાં ભારે અસંતોષ જાગ્યો છે, કેમ કે અમેરિકા ચિકન લેગ્સની નિકાસ ભારતમાં વધારવા માગે છે. તમને થશે કે માત્ર ચિકન લેગ્સ જ કેમ? જાણકારોએ કહે છે કે તેની પાછળ અમેરિકાની મીટ ઇન્ડસ્ટ્રીની ચોક્કસ ગણતરી છે.
ગુજરાતીઓને આવું બધું ના ગમે, પણ માંસાહારીઓ ચર્ચા કરતાં હોય છે કે કઈ રીતે ચિકન લેગ્સ સ્વાદિષ્ટ હોય છે. તો પછી શા માટે અમેરિકનો તે ખાતા નથી? જાણકારો કહે છે કે ફેશનની જેમ ખાણીપીણીમાં પણ ટ્રેન્ડ બદલાતા રહેતા હોય છે. હાલના સમયમાં અમેરિકામાં વ્હાઇટ મીટનો ટ્રેન્ડ ચાલ્યો છે. અમેરિકામાં લોકો ચિકનના બ્રેસ્ટ અને બીજા હિસ્સાનું વ્હાઇટ મીટ પસંદ કરે છે, પણ લેગ્સનું ડાર્ક મીટ ટાળે છે. વ્હાઇટ મીટ થોડું સારું એવું ઠસાવાયું છે. તેના કારણે ચિકન ઉદ્યોગમાં ચિકન લેગ્સ પડ્યા રહે અને ચિકન બ્રેસ્ટ ફટાફટ વેચાઇ જાય. અમેરિકાની કંપનીઓ ઇચ્છે છે કે આ પડ્યા રહેતા ચિકન લેગ્સની નિકાસ ભારતમાં કરી દેવી. ભારતમાં મોટા રેસ્ટોરાં અને ફાઇવસ્ટાર ચેઇનને ચિકન લેગ્સ આ રીતે કદાચ સસ્તા પણ પડે. તેની સામે ભારતના મરઘા ઉછેર ઉદ્યોગને મોટો ફટકો પડે.
ગુજરાતના ડેરી ઉદ્યોગોએ થોડા મહિના પહેલાં એશિયા અને પેસિફિક દેશોના સંગઠનમાં જોડાવા માટે આના કારણે જ વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડમાંથી મોટા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ આવે તો ગુજરાત સહિતના દૂધ ઉત્પાદકોને અને પશુપાલકોને મોટો ફટકો પડે. બાંગ્લાદેશ, ચીન, તાઇવાન, વિયેટનામ જેવા દેશોના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ ફટકો પડવાનો ભય હતો. તેથી ભારતે તે સંગઠનમાં ના જોડાવાનું નક્કી કર્યું હતું.
આવા સંજોગોમાં ભારત માટે પણ અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરી લેવી સહેલી નથી. ભારત પોતાનો દરજ્જો જાતે વિકસિત તરીકે સ્વીકારે અને આયાત-નિકાસની જકાતમાં ફેરફાર કરે ત્યારે દેશી કંપનીઓએ સીધો અમેરિકાની કંપનીઓનો સામનો કરવો પડે. આ સ્પર્ધામાં ભારતીય કંપનીઓ હજી ઊભી રહી શકે તેમ નથી. હાઈટૅકની વાત જવા દો ડેરી અને પૉલ્ટ્રી સહિતના કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રને પણ ભારતમાં ફટકો પડે. મરઘાને ખવરાવવા માટેની જાર, મકાઇ અને સોયા અમેરિકામાં બહુ સસ્તા મળે છે, ભારતમાં તે પણ મોંઘા પડે છે. એટલે સ્પર્ધા થાય જ નહિ.
ટ્રમ્પ કદાચ વેપાર સમજૂતિ માટે તૈયાર થઈ ગયા હોત તો પણ ભારતે વિચાર કરીને, દરેક ક્ષેત્રના સંગઠનોને વિશ્વાસમાં લઈને જ આગળ વધવું પડે તેમ હતું. તેથી ટ્રમ્પની ટૂંકી મુલાકાતમાં વેપાર સમજૂતિ કરી લેવાની શક્યતા આમ પણ ઓછી હતી. શસ્ત્ર અંગેના કેટલાક સોદા થશે અને કેટલીક બીજી બાબતોમાં પણ સહમતિ થઈ શકે છે. સૌથી વધુ વ્યૂહાત્મક સંબંધોની બાબતમાં નિવેદનો થશે.
અમદાવાદમાં ટ્રમ્પની મહેમાનગતિ થવાની છે ત્યારે ગુજરાતના સીધા ફાયદાની વાતો થશે, પણ સીધો ફાયદો તો મોટેરા વિસ્તારના લોકોને થયો. ત્યાં સાફસફાઇ થઈ ગઈ અને રસ્તાઓ ચકાચક થઈ ગયા. પણ આડકતરો ફાયદો એ કે અમદાવાદ વર્લ્ડ મેપમાં થોડું મહત્ત્વ પામે. ભારતના શહેરોની વાત આવે ત્યારે દિલ્હી રાજધાની હોવાથી, મુંબઈ વેપાર-ઉદ્યોગનું કેન્દ્ર હોવાથી ચર્ચામાં આવે. તે પછી આઈટીને કારણે બેંગાલુરુ અને હૈદરાબાદની જ વાત આવે અને ચેન્નઇ જેવા રોકાણ માટેના આકર્ષક કેન્દ્ર તરીકે ચર્ચામાં આવે. અમદાવાદને તેની હરોળમાં મૂકવું મુશ્કેલ છે, ત્યારે ટ્રમ્પની મુલાકાતના કારણે આડકતરી રીતે તે ચર્ચામાં આવી શકે છે. બૂલેટ ટ્રેન માટે જાપાનના વડા પ્રધાન આવેલા, ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ આવી ગયા અને હવે અમેરિકાના પ્રમુખ આવે છે તે ફાયદો છે.
આમ પણ અમેરિકા હવે વિશ્વમાં એક માત્ર મહાસત્તા છે ત્યારે અમેરિકાના પ્રમુખની મુલાકાત પોતાની રીતે જ અગત્યની છે. તેથી ટ્રમ્પ મુલાકાત તે રીતે ભારત માટે અગત્યની છે. વ્યૂહાત્મક રીતે અને સંરક્ષણની બાબતમાં અમેરિકા સાથે સારા સંબંધો ભારતને ફાયદામાં છે. અમેરિકા પાકિસ્તાનની દોસ્તી છોડવાનું નથી, પણ તે સિવાયના આતંકવાદની બાબતમાં અને ચીન તરફથી સુરક્ષાના ખતરા સામે અમેરિકા બેલેન્સિંગ ફોર્સ તરીકે ભારતને ઉપયોગી છે. વ્યક્તિગત પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને પણ આવી મુલાકાતો અને દોસ્તી કામ આવે છે, અને તેના કારણે બનતી ઇમેજનો થોડોક ફાયદો ચૂંટણીઓમાં પણ થતો રહે. ટ્રમ્પ થોડા મહિનામાં ચૂંટણી લડવાના છે ત્યારે ત્યાંના ઇન્ડિયન અમેરિકન્સનું સમર્થન તેમને ઇમેજમાં ઉપયોગી છે. મતોની સંખ્યા કરતાંય ઇન્ડિયન અમેરિકન્સ તગડું ચૂંટણી ભંડોળ આપે છે. અમેરિકાની દોઢ ડઝન કંપનીઓના વડા તરીકે ભારતીયો છે અને વિશ્વની ટોચની ત્રણ કંપનીઓ પણ ભારતીયો ચલાવી રહ્યો હોય ત્યારે ટ્રમ્પ માટે ભારતની અને નરેન્દ્ર મોદીની દોસ્તી કામની છે.
લંડન: બ્રિટન સરકારે દેશમાં આવી રહેલા વર્કર્સના અવિરત પ્રવાહને ખાળવા માટે નવી વીઝા પદ્ધતિ જાહેર કરી છે. આ વીઝા પદ્ધતિ 1 જાન્યુઆરી, 2021થી બ્રિટનમાં લાગુ કરવામાં આવશે બ્રિટન હવે યુરોપિયન યુનિયનથી છૂટું પડ્યું છે, તેથી ઈયુના રેગ્યુલેશન હવે બ્રિટનમાં લાગુ પડશે નથી. વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને શિક્ષણવિદો, પ્રતિભા ધરાવતા લોકોને વીઝા આપવામાં પ્રાથમિકતા અપાશે. બ્રિટન સરકાર દેશની અંદર ઇમિગ્રેશન કાયદાના મૂળભૂત પાલનના ભાગરૂપે અંગ્રેજી નહીં બોલી શકતા મજૂરો અને બિનકુશળ કામદારો માટે દરવાજા બંધ કરશે. સરકાર ફેકટરીઝ, વેરહાઉસીસ, હોટેલ્સ અને રેસ્ટોરાંમાં કામ કરતા ઈયુના સસ્તા મજૂરોનો યુગ સમાપ્ત કરવા માગે છે.
બ્રિટનના વીસા મેળવવા માગતા લોકો માટે સરકારે ઓસ્ટ્રેલિયન સ્ટાઇલની પોઇન્ટ સિસ્ટમને શરૂ કરી છે. જેથી સરકાર હવે બ્રિટિશ સરહદોને સંપૂર્ણ નિયંત્રણમાં લેવા માગે છે. બ્રિટન આ પહેલાં યુરોપિયન યુનિયન સાથે જોડાયેલું હતું અને એનો ભાગ હતું, જેથી બ્રિટનમાં પણ ઈયુના કાયદા લાગુ પડતા હતા, પણ હવે યુરોપિયન યુનિયનથી બ્રિટન છૂટું પડતાં બ્રિટને ઈયુ સહિત કોઈ પણ દેશની વ્યક્તિને બ્રિટનમાં પ્રવેશવા પર આકરાં નિયંત્રણો લાદ્યાં છે. બ્રિટને ઈયુથી છૂટા પડીને દાયકાઓમાં પહેલી વખત સરહદો પર નિયંત્રણ લેવાનું શરૂ કર્યું છે. સરકારે આના ભાગરૂપે વીઝા આપવા માટે ગાઇડલાઇન મૂકી છે, જેમાં સરકાર બ્રિટનમાં ઉચ્ચ કૌશલ ધરાવતા અને હાઇ ક્વોલિફાઇડ વ્યક્તિ એટલે કે અંગ્રેજી બોલી શકતી વ્યક્તિને જ બ્રિટનમાં પ્રવેશવા દેવા માગે છે. જોકે ઉદ્યોગપતિઓએ સરકારના આ પગલાનો વિરોધ કરતાં કહ્યું છે કે અર્થતંત્રને માઠી અસર થશે. તેમણે કહ્યું હતું કે ફેક્ટરીમાં, વેરહાઉસિસમાં અને હોટેલ-રેસ્ટોરાંમા શ્રમિકોને મોટે પાયે રોજગાર ગુમાવવાનો વારો આવશે. બ્રિટનની નવી વીઝા સિસ્ટમ હેઠળ કુશળ લોકોને જ પ્રાથમિકતા અપાશે. જેથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત થશે. બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે કહ્યું હતું કે અમે વિશ્વના પ્રતિભાશાળી અને યોગ્ય વ્યક્તિઓને જ આવવા માટે પ્રોત્સાહિત કરીશું. જે અમારા અર્થતંત્ર અને અમારા સમાજને આગળ વધારશે
નવી પોઇન્ટ વીઝા પ્રક્રિયામાં યોગ્યતાને આધારે પોઇન્ટ અપાશે
નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રક્રિયામાં વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા અને પગાર કે વ્યવસાયો માટે પહેલા અમે નક્કી પોઈન્ટ આપીશું. તેનાથી ફક્ત એ ઉચ્ચ કૌશલ્ય અને સૌથી વધુ પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે અને તેમને વીઝા મળશે, જેમને પૂરતા પોઈન્ટ મળે. આ નિયમો યુરોપિયન યુનિયન અને બિન યુરોપિયન દેશોને સમાન રીતે લાગુ પડશે. તેમાં વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને શિક્ષણવિદો સહિત ઉચ્ચ કૌશલ્ય અને સૌથી વધુ પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે.
પોઇન્ટ આધારિત વીઝા સિસ્ટમનો ઉદ્દેશ
ભારત સહિત વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને જ બ્રિટન આકર્ષિત કરવા માગે છે. બ્રિટન ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકોની સંખ્યા ઘટાડવા માગે છે.
નવી દિલ્હી: નિર્ભયા કેસના દોષિતોને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે મૃત્યુથી બચવા માટેના તમામ પ્રયત્નો કરી લીધા પરંતુ બચવા માટેનો હવે કોઈ રસ્તો લગભગ બચ્યો નથી. પરંતુ હજી આરોપીઓ કંઈક ને કંઈક તરકટો કરી રહ્યા છે. નિર્ભયા ગેંગરેપ કેસ મામલે એક દોષિત વિનય શર્માએ તિહાડ જેલમાં પોતાને ઈજા પહોંચાડી છે. વિનયે જેલની દીવાલ સાથે પોતાનું માથું પછાડ્યું અને ઘાયલ થયો છે. જેલ અધિકારીઓના જણાવ્યાં મુજબ વિનયે 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. તેને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે નવા ડેથ વોરન્ટ મુજબ હવે આ ચારેય દોષિતોને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે.
નોંધનીય છે કે નિર્ભયાના દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે 17 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો. નિર્ભયાના માતા આશાદેવીએ ફાંસીની સજાની નવી તારીખ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને આશા છે કે 3 માર્ચના રોજ આ દોષિતોને ફાંસી થઈ જશે.
અત્રે જણાવવાનું કે રાજધાનીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર 2012ના રોજ રાતના 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થી નિર્ભયા સાથે ચાલુ બસમાં બર્બરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ જઘન્ય ઘટના બાદ પીડિતાને સારવાર માટે સરકારે સિંગાપુર મોકલી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ મામલે દિલ્હી પોલીસે બસ ચાલક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર પણ સામેલ હતો. સગીરને 3 વર્ષ સુધી સુધાર ગૃહમાં રાખ્યા બાદ છોડી મૂકાયો હતો. જ્યારે એક આરોપી રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. ફાસ્ટટ્રેક કોર્ટે આ મામલે ચાર આરોપીઓ પવન, અક્ષય, વિનય અને મુકેશને દોષિત ઠેરવતા ફાંસીની સજા સંભળાવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.