Home Blog Page 4986

જ્યારે સારાનાં ટ્રાવેલ દસ્તાવેજોએ અમેરિકી સત્તાવાળાઓને મૂંઝવી નાખ્યા હતા

મુંબઈ – ગયા જ અઠવાડિયાએ જેની ‘લવ આજ કલ’ ફિલ્મ રિલીઝ થઈ છે તે યુવા અભિનેત્રી સારા અલી ખાને પોતાને નડેલી એક તકલીફ વિશે જાણકારી આપી છે. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, એને એ સમસ્યા અમેરિકાના એરપોર્ટ પર થઈ હતી.

જોકે એ વખતે એનાં નામમાં આવતો ‘ખાન’ શબ્દ એને નડતરરૂપ બન્યો નહોતો, પણ એના ઓળખપત્રમાં રહેલા એનાં ફોટાંને કારણે ધમાચકડી મચી ગઈ હતી.

વાત એમ છે કે, સારા શરીરે પહેલાં એકદમ જાડી હતી, પણ બાદમાં એણે કસરતો કરીને પોતાની કાયાને એકદમ કમનીય બનાવી દીધી હતી. તેનાં આ કાયાકલ્પને કારણે એનાં પ્રશંસકો તો નવાઈ પામ્યા હતા, પરંતુ અમેરિકાના એરપોર્ટ સત્તાવાળાઓ પણ અચંબામાં પડી ગયા હતા.

સારાએ કહ્યું કે અમેરિકામાં તેની એ પહેલી જ મુલાકાત હતી. અને એનાં ટ્રાવેલ દસ્તાવેજો જોઈને યુએસ એરપોર્ટ સત્તાવાળાઓએ એની પર શંકા કરી હતી.

એનું કારણ એ હતું કે પાસપોર્ટ અને આઈડેન્ટિટી કાર્ડ, બંનેનાં ફોટામાં સારા સાવ અલગ દેખાતી હતી.

ઈન્ટરવ્યૂમાં સારાએ કહ્યું કે, ‘મેં જ્યારે મારું આઈ-કાર્ડ બનાવડાવ્યું હતું ત્યારે મારું વજન 96 કિલોગ્રામ હતું. એમાં મારો એ વખતનો ફોટો હતો. જ્યારે મારાં રેગ્યૂલર વિઝા અને સ્ટુડન્ટ વિઝામાં મારાં ફોટા સાવ જુદા હતા. એને કારણે યુએસ સત્તાવાળાઓ ગૂંચવણમાં પડી ગયા હતા.’

સારાએ મજાકમાં એમ પણ કહ્યું કે, ‘હું એ ઘટના વિશે વધારે કોઈ કમેન્ટ કરવા માગતી નથી, કારણ કે કંઈક ઊંધુંચત્તું બોલીને મારી પર યુએસ વિઝિટનો પ્રતિબંધ મૂકાઈ જાય એવું હું ઈચ્છતી નથી.’

સારા પાસે હાલ બે ફિલ્મ છે. એક ફિલ્મ છે ‘કૂલી નંબર-1’, જેમાં એ વરુણ ધવન સાથે ચમકી રહી છે.

જેમના વિઝા રદ કરાયા એ બ્રિટીશ સાંસદ ડેબી છે કોણ?

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાની જેણે ખૂબ ટીકા કરી હતી તે બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને યોગ્ય ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે દિલ્હીથી દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. અબ્રાહમ્સ દુબઈથી ભારત આવ્યા હતા. લેબર પાર્ટીની સાંસદના નિવેદનનું ગૃહ મંત્રાલયે ખંડન કરતા કહ્યું કે, બ્રિટિશ સાંસદના ઈ-વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા હતા. અબ્રાહમ્સને ડિપોર્ટ કરવાના સરકારના નિર્ણયની કોંગ્રેસે આકરી ટીકા કરી છે.  

અબ્રાહમ્સ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીની સાંસદ છે. તે વર્ષ 2011 થી જ આઉટર ગ્રેટર મેનચેસ્ટરના ઓડહામ ઈસ્ટ અને સિડલવર્થથી સાંસદ છે. તે વર્ષ 2015,2017 અને 2019 માં સાંસદ તરીકે ચૂંટાઈ હતી. અબ્રાહમ્સ બ્રિટિશ સંસદની જૂન 2011-15 સુધી  વર્ક એન્ડ પેંશન સિલેક્ટ કમિટીની સભ્ય રહી હતી. તે વર્ષ 2015 માં બીજીવાર ચૂંટાયા હતા.

લેબર સાંસદ કાશ્મીર પર સર્વદલીય સંસદીય સમિતિની અધ્યક્ષ છે. APPG માં બ્રિટનના બંન્ને સદનો હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સના સભ્યો હોય છે. APPG નો ઉદ્દેશ્ય કાશ્મીરમાં ત્યાંના લોકો સાથે વાત કરીને સ્વાયત્તતાનું સમર્થન કરવાનો છે.

અબ્રાહમ્સ એ સાંસદો પૈકી એક છે કે, જેમણે ગત વર્ષે ઓગસ્ટમાં આર્ટિકલ 370 અંતર્ગત જમ્મૂ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ રાજ્યના દરજ્જાને પોછો લેવામાં આવ્યા બાદ ઔપચારિક પત્ર જાહેર કર્યા હતા. વિપક્ષી સાંસદે તે સમયે બ્રિટનના વિદેશ મંત્રી ડોમનિક રાબને પત્ર લખીને કહ્યું હતું કે, અમે ભારતના ગૃહ મંત્રી અમિત શાહની આ જાહેરાતથી ખૂબ ચિંતિત છીએ કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા સંબંધિત આર્ટિકલ 370 ને રાષ્ટ્રપતિ આદેશ દ્વારા હટાવી દેવામાં આવ્યો છે.

અબ્રાહમ્સના પ્રોફેશનલ બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, તે ફેકલ્ટી ઓફ પબ્લિક હેલ્થની ફેલો રહી છે. આ સંસ્થા બ્રિટનના ડોક્ટરો અને વિશેષજ્ઞોની ટોચની પ્રોફેશનલ બોડી છે. અબ્રાહમ્સ દેશમાં હેલ્થ મિનિસ્ટ્રીને સલાહ આપવા સીવાય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ સલાહ આપે છે.

વારાણસીમાં મોદી ઓટો ચાલક કેવટને કેમ મળ્યા?

વારાણસીઃ વડાપ્રધાન મોદી 16 ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. વડાપ્રધાન મોદીએ બનારસની જનતાને 1200 કરોડ રુપિયાની પરિયોજનાઓની ભેટ આપી. વારાણસીમાં તેમણે રિક્ષા ચાલક મંગલ કેવટ સાથે પણ મુલાકાત કરી. મંગલ કેવટ એ જ રિક્ષા ચાલક છે, કે જેમણે વડાપ્રધાન મોદીને પોતાની દીકરીના લગ્ન માટે આમંત્રિત કર્યા હતા. વડાપ્રધાને તેમની સાથે મુલાકાત કરી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં મંગલ કેવટના યોગદાનને લઈને તેમના વખાણ પણ કર્યા હતા.

મંગલ કેવટની દીકરીના લગ્ન પર વડાપ્રધાન મોદીએ પત્ર મોકલીને તેમને શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાન મોદીનો પત્ર મળતા જ કેવટ પરિવાર ખૂશીથી ઝુમી ઉઠ્યો હતો. મંગલ કેવટે આ મામલે જણાવ્યું કે, અમે પહેલું આમંત્રણ વડાપ્રધાન મોદીને મોકલ્યું હતું. હું પોતે લગ્નનું કાર્ડ લઈને દિલ્હી ગયો હતો અને પીએમઓને સોંપ્યું હતું. 8 ફેબ્રુઆરીના રોજ અમને મોદીજી દ્વારા શુભેચ્છા પત્ર મળ્યો. અમે આ પત્ર મેળવીને ઉત્સાહિત થઈ ગયા હતા.

મંગલ કેવટ અને તેમની પત્ની રેનૂ દેવીએ વડાપ્રધાનના વારાણસી પ્રવાસ પર તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીથી પ્રેરિત થઈને કેવટે પોતાના ગામમાં ગંગા નદીની સફાઈની જવાબદારી ઉઠાવી હતી. વડાપ્રધાન મોદીએ, સ્વચ્છ ભારત ઝુંબેશ અને ગંગા નદીની સફાઈને લઈને મંગલના વખાણ કર્યા હતા.

શહેરના માર્ગો પર ટ્રમ્પને આવકારતા હોર્ડિંગ્સ મુકાયા

અમદાવાદ: શહેરના મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે 24 ફેબ્રુઆરીના રોજ હાજરી આપે એ પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મજબુત સુરક્ષા વ્યવસ્થા, શહેરના એરપોર્ટ થી મોટેરા સ્ટેડિયમ, ગાંધીઆશ્રમ તરફ જતા માર્ગો ની સુંદરતા વધારવા અને જાળવવાના ભરપૂુર પ્રયાસો થઇ રહ્યા છે.

બીજી તરફ અમદાવાદ શહેરના માર્ગો પર અમેરિકાના પ્રમુખને આવકારતા, સ્વાગત કરતાં અને ભારત-અમેરિકાની મૈત્રી દર્શાવતા વિશાળ હોર્ડિંગ્સ લગાડવાની કામગીરી શરુ કરી દેવાઇ છે.

શહેરના આશ્રમ રોડ, સુભાષબ્રિજ ઉપરાંત સી.જી. રોડ જેવા માર્ગો પર પણ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની , વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. આ હોર્ડિંગ્સમાં સ્ટ્રોંગેસ્ટ ફ્રેન્ડશિપ ફોર બેટર ફ્યુચર, બે વિરાટ લોકતાંત્રિક પરંપરાઓ એક મંચ પર…, એક ઐતિહાસિક પડાવ ભારત અમેરિકા મૈત્રીનો…જેવા જુદા જુદા વાક્યો લખવામાં આવ્યા છે. મોટેરા જતા માર્ગો સિવાય પણ અમદાવાદના અનેક વિસ્તારમાં અમેરિકન પ્રમુખના 24મીના આગમન અને આવકારના હોર્ડિંગ્સ મુકાઇ રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)

જામિયા હિંસાઃ શરજિલ ઇમામ સામે ચાર્જશીટ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જામિયા હિંસા મામલમાં ચાર્જશીટ દાખલ કરી છે. જામિયા-ન્યુ ફ્રેન્ડસ કોલોમાં 15 ડિસેમ્બર, 2019માં હિંસા થઈ હતી. પોલીસે 13 ફેબ્રુઆરીએ શરજીલ ઇમામ પર ભડકાઉ  ભાષણ આપવા બદલ ચાર્જશીટ દાખલ કરી છે. શરજિલ પર ભડકાઉ નિવેદન આપીને લોકોને ભડકાવવાનો આરોપ છે. આ સિવાય દિલ્હીની સાકેત કોર્ટે જેએનયુના સ્ટુડન્ટ શરજિલ ઇમમને ત્રીજી માર્ચ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.

 

દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે તપાસ સ્થળેથી બુલેટ કારતૂસ મળ્યા છે. આ કારતૂસ જામિયા હિંસા દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી 3.2 એમએમની પિસ્તોલની છે. જામિયાના કોઈ પણ સ્ટુડન્ટસનું નામ આ ચાર્જશીટમાં સામેલ નથી. જામિયા હિંસા મામલે દાખેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી કોલ રેકોર્ડ્સ અને 100થી વધુ સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં છે.

પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી જામિયા હિંસા મામલમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નવ ન્યુ ફ્રેન્ડ્સ કોલોની અને આઠ જામિયા વિસ્તારના છે. ધરપકડ કરવામાં આવેલા શખસ સ્થાનિક છે. એની સાથે પીએફઆઇની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બ્રિટિશ સાંસદને કશ્મીર જતા રોકવામાં આવ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 70 હટાવવામાં આવ્યા બાદ બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સે મોદી સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. બ્રિટિશ સંસદના સભ્ય અને કાશ્મીર માટે ઓલ પાર્ટી પાર્લિયામેન્ટ્રી ગ્રુપની પ્રેસિડન્ટ ડેહી ભારત પહોંચ્યા હતા પરંતુ તેમને દિલ્હી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા. તેમને જણાવવામાં આવ્યું કે, તેમના ઈ-વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. બાદમાં તેમને દુબઈ પાછા મોકલી દેવાયા.

દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ ડેબી અબ્રાહમ્સે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે, ગત વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવેલા તેમના ઈ-વીઝા કે જે ઓક્ટોબર 2020 સુધી માન્ય હતા તેને રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમને આના માટે કોઈ કારણ ન જણાવવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટિશ સાંસદ પાસે ભારત આવવાના યોગ્ય વિઝા નહોતા. બ્રિટિશ હાઈ કમીશને આ મામલે નજર રાખી હતી. કમીશનના અધિકારીઓએ કહ્યું કે, અમે જાણકારી મેળવી રહ્યા છીએ કે સાંસદના વિઝા શાં માટે રદ્દ કરવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, બાકી તમામ લોકો સાથે મેં પણ ઈમિગ્રેશન ડેસ્ક પર મારા તમામ દસ્તાવેજો બતાવ્યા હતા. તેમાં મારા ઈ-વીઝા પણ હતા. મારો ફોટો લેવામાં આવ્યો હતો અને પછી અધિકારીઓએ સ્ક્રીન કર્યું અને જોઈને માથુ હલાવ્યું. બાદમાં તેમણે મને કહ્યું કે, મારા વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તે લોકોએ મારો પાસપોર્ટ લીધો અને આશરે 10 મીનિટ માટે તે લોકો ત્યાંથી ગાયબ થઈ ગયા. તેઓ જ્યારે પાછા આવ્યા તો ખૂબ ગુસ્સામાં હતા અને મારી સાથે મોટા અવાજે વાત કરતા કહ્યું કે, તમે મારી સાથે આવો. મેં તેમને કહ્યું કે, મારી સાથે આ પ્રકારનું વર્તન ન કરશો.

ડેબી અબ્રાહમ્સે જણાવ્યું કે, મેં અધિકારીઓને વિઝા ઓન અરાઈવલની માંગ કરી, પરંતુ મને કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તેમણે કહ્યું કે, એરપોર્ટ પર જે ઈન્ચાર્જ લાગી રહ્યા હતા તેમણે કહ્યુંકે, મને કંઈજ ખબર નથી અને જે પણ થયું તેના માટે તે શરમ અનુભવે છે. તેમણે કહ્યું કે, મારી સાથે આરોપીઓ જેવો વ્યવહાર થયો. હું સામાજિક ન્યાય અને માનવાધિકારોની રક્ષા માટે રાજનીતિમાં આવી હતી. હું મારી લડાઈ ચાલુ રાખીશ.

કોરોના વિશ્વનું અર્થતંત્ર ડૂબાડશે?

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઈરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યો છે. ચીનમાં આ વાઈરસને કારણે 1700થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે સમગ્ર વિશ્વમાં 60 હજારથી વધુ લોકો આ વાઈરસથી પ્રભાવિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોરોનાની અસર હવે વૈશ્વિક કેપિટલ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. માંગમાં થઈ રહેલા ઘટાડાથી ચીનમાં વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જાણકારોનું કહેવું છે કે, આની તાત્કાલિક અસર શેર બજાર પર પણ જોવા મળશે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના જણાવ્યા અનુસાર માઈક્રો ઈકોનોમિક લેવલ પર આ પ્રકારના પ્રકોપની ગંભીર અસર પડે છે. વિશ્વ વેપારમાં ચીન સૌથી મોટું નિકાસકાર અને બીજા નંબરનું સૌથી મોટું આયાતકર્તા પણ છે. આ જ કારણે માગ અને પુરવઠાની સાંકળમાં ચીનનું મહત્વ ઘણું વધારે છે. ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર પણ છે અને ભારતની કુલ આયાતમાં ચીનનું યોગદાન 14 ટકાની આસપાસ છે. કોરોનાને કારણે અનેક એજન્સીઓએ ચીનના વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. આઈએમએફનું કહેવું છે કે, વિકાસ દરમાં 20 પોઈન્ટ્સ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ચીનમાં નિકાસ વધી છે. 2016-17માં ભારતે ચીનને 10.2 અબજ ડોલર, 2017-18માં 13.3 અબજ ડોલર અને 2018-19માં 16.8 અબજ ડોલરની નિકાસ કરી. તો 2017-18માં ભારતે ચીન પાસેથી 74.4 અબજ ડોલર અને 2018-19માં 70.4 અબજ ડોલરની આયાત કરી હતી.

જો કે કોરોનાને કારણે સરકારને તાત્કાલિક મોટી રાહત મળી છે. જાન્યુઆરી પછીથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં 25 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. 17 ફેબ્રુઆરી આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 57 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. ભારત તેની કુલ જરૂરીયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે.

ચીનનો વિકલ્પ શોધવો મોટો પડકાર

ઈલેક્ટ્રિક મશીનરી, મેકેનિકલ અપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અ સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ માટે ભારતનો મોટો આધાર ચીન પર છે. આયાતમાં આનું યોગદાન 28 ટકાની આસપાસ છે. કેયર રેટિંગ એજન્સીનું કહેવું છે કે, જો ચીનની આ સમસ્યાનો ઝડપી કોઈ નિકાલ નહીં આવે તો ભારતે તાત્કાલિક અન્ય વિકલ્પોની શોધ કરવી પડશે અને એનાથી પરેશાનીમાં વધારો થશે. જો વિકલ્પ શોધવામાં વિલંબ થયો તો આ સેક્ટરો પર ગંભીર અસર જોવા મળશે.

ઓટો સેક્ટર પહેલાથી જ ઘટતી જતી માંગના પ્રશ્ને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ઓટો પાર્ટ્સમાં ચીનનું યોગદાન 30 ટકા જેટલુ છે. આ સ્થિતિમાં ઓટો સેક્ટર પર દબાણ વધ્યું છે. આ સેક્ટર પહેલાથી જ બીએસ-6ના પડકારોથી પરેશાન છે. આ જ સ્થિતિ ફાર્મા સેક્ટરની છે. ભારત 67 ટકા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રીડિયેન્ટની આયાત ચીન પાસેથી કરે છે. જો કે ફાર્મા કંપનીઓ 2-3 મહિનાનો સ્ટોક રાખતી હોવાથી હાલ કોઈ મુશ્કેલી નથી પણ લાંબા ગાળે તેના પર અસર પડી શકે છે.

નિર્ભયા કેસઃ ત્રીજીવાર ડેથ વોરન્ટ, છતાં ફાંસી ટળશે?

નવી દિલ્હીઃ દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના ચારેય દોષીતો માટે ત્રીજાવાર ડેથ વોરંટ જારી કરતા ફાંસી માટે 3 માર્ચના સવારે 6 કલાકનો સમય નક્કી કર્યો છે. 3 માર્ચે દોષીતોને ફાંસી થશે જ, તે ચોક્કસપણે હજુ ન કહી શકાય કારણ કે દોષીતોના વકીલે દાવો કર્યો છે કે, હજુ તેની પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા છે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાક્કી છે.

દેશને હચમચાવી નાખનાર 2012ના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા મેળવેલ દોષી કાયદાની નાની નાની ભૂલ શોધીને તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. કાયદાની સાથે દોષીતોની રમત ત્યાં સુધી ચાલું છે કે ટ્રાયલ કોર્ટે એક નહીં, બે નહીં પરંતુ ત્રીજી વાર ડેથ વોરંટ જારી કર્યું છે.

મુકેશ, વિનય અને અક્ષયની પાસે ફાંસીથી બચવા માટે હવે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી. ત્રણેયની રિવ્યૂ પિટિશનથી લઈને ક્યૂરેટિવ પિટિશન સુધી રદ્દ થઈ ચુકી છે. રાષ્ટ્રપતિને ત્યાંથી ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે. માત્ર પવન પાસે હવે કાયદાકીય વિકલ્પ બાકી છે. તેની રિવ્યૂ પિટિશન નકારી દેવામાં આવી છે પરંતુ ક્યૂરેટિવ પિટિશન હજુ બાકી છે. આ સિવાય તેણે અત્યાર સુધી દયા અરજી દાખલ કરી નથી.

ચારેય દોષીતોમાંથી મુકેશ, વિનય અને અક્ષયની દયા અરજીઓ રદ્દ થઈ ગઈ છે. પરંતુ ફાંસીને કોઈને કોઈ કારણે ટાળવા માટે કરવામાં આવેલા દાવપેચનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે અક્ષયના વકીલ હવે ફરીથી દયા અરજી દાખલ કરવા ઈચ્છે છે. તે માટે તેમણે આદાર બનાવ્યો કે તેના માતા-પિતાએ અધુરી દયા અરજી કરી હતી અને હવે જો કોર્ટ મંજૂરી આપે તો કેટલાક અન્ય દસ્તાવેજ લગાવીને ફરી અરજી કરશે.

નવું ડેથ વોરંટ જારી થવાથી નિર્ભયાના માતા આશા દેવીને આશા છે પરંતુ તેમણે કહ્યું કે, તેમની આશા તે દિવસે પૂરી થશે જ્યારે દોષીતોને ફાંસી આપવામાં આવશે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલ સીમા કુશવાહાએ આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે, આ વખતે ફાંસી ટળશે નહીં. તેમણે આ દાવાના સમનર્થનમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા દોષીતોને 7 દિવસની અંદર તમામ કાયદાકીય વિકલ્પ અજમાવવાના આદેશનો હવાલો આપ્યો છે. કુશવાહાએ કહ્યું, ‘હું સંપૂર્ણ પણે શ્યોર છું કે આ જે તારીખ છે તે ફાઇનલ એક્ઝિક્યૂશનની ડેટ છે. તેના ઘણા કારણ છે. દિલ્હી હાઈકોર્ટે દોષીતોને 7 દિવસનો સમય આપ્યો હતો કે તે આ દરમિયાન પોતાના કાયદાકીય વિકલ્પ અજમાવી લે. તે સમયગાળો 11 ફેબ્રુઆરી સુધીનો હતો. મને લાગે છે કે આ ડેટ ફાઇનલ ડેટ છે. હાઈકોર્ટે 7 દિવસનો જે સમય આપ્યો હતો તે લેપ્સ થઈ ગયો છે.’

બીજીતરફ દોષીતોના વકીલ એ.પી. સિંહે દાવો કર્યો કે, તેમની પાસે હજુ ઘણા કાયદાકીય વિકલ્પ બાકી છે. સિંહનું કહેવું છે કે, ‘પવનના સગીર હોવાના મામલામાં ક્યૂરેટિવ પિટિશન બાકી છે, પવનની એસએલપી પર પણ ક્યૂરેટિપ પિટિશન ડિસાઇડ થવાની બાકી છે. તો તેમાં રાહત ન મળે તો મર્સી પિટિશન ફાઇલ કરીશું. હજુ ઘણા લીગલ ઓપ્શન બાકી છે. અમે બધા કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરીશું.

મસૂદ અઝહર મામલે હજી કેટલાં જુઠ્ઠાણા બોલશે પાક.?

નવી દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. પાકિસ્તાને તાજેતરમાં જ મસૂદ અઝહર ગુમ હોવાની વાત કહી હતી પરંતુ હવે વિગતો સામે આવી છે કે, તે પાકિસ્તાનમાં જ છુપાઈને રહી રહ્યો છે અને પાકિસ્તાન સરકારને આ વાતની જાણકારી પણ છે.

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રહે છે. બહાવલપુરના રેલવે લિંક રોડ પર તેનું ઘર છે. મળતી માહિતી પ્રમાણે જે જગ્યાએ મસૂદ અઝહર છુપાઇને બેઠો છે તે બહાવલપુર આતંકી હેડક્વાર્ટરની પાછળ છે. ત્યાં ખૂબ જ ટાઇટ સિક્યોરિટી પણ છે. બોમ્બ હુમલો પણ આ ઘર પર અસર કરી શકશે નહીં.

મસૂદના બીજા ત્રણ ઘરની પણ ખબર પડી છે. તેમાં કસૂર કોલોની બહાવલપુર, મદરસા બિલાલ હબસી ખૈબર પખ્તૂનખ્વા અને મદરેસા મસ્જિદ-એ-લુકમાન ખૈબર પખ્તૂન્ખવા સામેલ છે. 2016મા પઠાનકોટ હુમલાથી સંબંધિત જે ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યું હતું તેમાં એક ફોન નંબર પણ એવો હતો જેની લિંક બહાવલપુર ટેરર ફેકટરીથી હતી.

અઝહરના ઠેકાણાની ખબર એવા સમયમાં પડી છે જ્યારે પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સામે એમ કહી રહ્યું છે કે મસૂદ અઝહર ગુમ થઇ ગયો છે. તાજેતરમાં આતંકી હાફિઝ સઇદને તો ટેરર ફંડિંગ માટે અંદાજે 5 વર્ષની સજા સંભળાવી છે પરંતુ અઝહર અને મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ જકિઉર રહેમાન લખવી પર કાર્યવાહી ન કરવા માટે તેનું ઉપરાણું પણ લઇ રહ્યા છે.

મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ચીફ છે અને ભારતમાં થયેલી કેટલીય આતંકી ઘટનાઓનો માસ્ટરમાઇન્ડ છે. ગયા વર્ષે પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલાની જવાબદારી પણ જૈશ એ જ લીધી હતી. પાકિસ્તાનમાં હાલ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર અંગે રિપોર્ટસમાં કહેવાઇ રહ્યું છે કે ગુપચુપ રીતે તેને જેલમાંથી નીકાળી દીધો છે. ટોપ ઇન્ટેલિજન્સ સૂત્રોના મતે જૈશના ચીફની તબિયત ખૂબ ખરાબ છે. ખરાબ તબિયતના લીધે મસૂદ હાલમાં સંગઠનના કામથી દૂર છે અને તેનો ભાઇ જ આ સંગઠનનું કામ જોઇ રહ્યો છે. મસૂદનો ભાઇ અબ્દુલ રઉફ અસગર જ હાલ તેની ‘આતંકી ફેકટરી’ ચલાવી રહ્યો છે.

પેરાસિટામોલ સહિત જીવન આવશ્યક દવાઓ 40થી 70 ટકા મોંઘી

અમદાવાદઃ ચીનમાં કોરોના વાઇરસ કહેરને લીધે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડતાં ફાર્મા ઉદ્યોગ પર એની પ્રતિકૂળ અસર પડી છે. કોરાના વાઇરસની ઘેરી અસર ફાર્માં ઇન્ડસ્ટ્રી અને મોબાઇલ ઉદ્યોગ પર પડી છે. ચીનથી આવતાં જરૂરી ફોર્મ્યુલેશન અચાનક ઠપ પડી ગયાં છે, જેનાથી ફાર્મા ઉદ્યોગનો પડતર ખર્ચ વધી ગયો છે. જેને કારણે દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી દવાઓ 70 ટકા સુધી મોંઘી થઈ ગઈ છે. કોરોના વાઇરસને કારણે પેરાસિટામોલની કિંમતો 40 ટકા સુધી વધી ગઈ છે. જ્યારે બેક્ટરિયલ ઇન્ફેક્શનમાં વપરાતી એન્ટિબાયોટિક એજિથ્રોમાઇસિનની કિંમતો 70 ટકા સુધીનો વધારો થયો છે.

આગામી દિવસોમાં પણ કિંમતોમાં ઓર વધારો થશે

આગામી મહિના પહેલા સપ્તાહ સુધી સપ્લાય ચેઇનમાં સુધારો નહીં થાય તો ફાર્માં ઉદ્યોગની મુશ્કેલીઓમાં ઓર વધારો થવાની શક્યતા છે. ફાર્મા કંપનીઓને એપ્રિલથી શરૂ થનારા ડ્રગ ફોર્મ્યુલેશનમાં ઘટાડાનો સામનો કરવો પડશે. જેને કારણે જીવન આવશ્યક દવાઓની કિંમતો વધવાની સંભાવના છે.

કોરોના વાઇરસની અસર ભારરતીય અર્થતંત્ર પર એની અસર જોવા મળી છે, ચીનમાં ઉત્પાદન ઠપ પડવાને લીધે ભારત નહીં પણ વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. દેશમાં ચીનથી આયાત થનારા કાચા માલ પર જ નિર્ભર રહેવું પડશે.