Home Blog Page 4990

ભાગદોડ ભરેલી જિંદગીમાં આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન

નવી દિલ્હી: આજની વ્યસ્ત જિંદગીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. માણસ સમાજમાં સારો દેખાવા અને વધુ પૈસા કમાવવાની લાલચમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે તેમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો પણ સમય નથી. પૈસાથી કોઈ પણ રોગનો ઈલાજ શક્ય છે, પણ તમે બિમાર ન પડો એ માત્ર તમારી સારી આદતોથી જ શક્ય છે. આ સારી આદતો તમારા શરીરને સ્વસ્થ રાખશે, મગજને વધુ સક્રિય બનાવશે અને તમારું હ્રદય લાંબા સમય સુધી મજબૂતીથી તમારો સાથ નિભાવશે. આજકાલ ડિપ્રેશન, ચિંતા, તણાવ જેવી સમસ્યાઓ છે, જેનાથી દરેક વ્યક્તિ પીડિત છે.

કોઈ પણ વ્યક્તિનું બિમારી રહેવાનું સૌથી મોટું કારણ તેમની પોતાની આદતો હોય છે. હા ખરેખર, આ હકીકત છે કે તમારી આદતો જ છે, જેના પર તમારું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. દૈનિકક્રિયા સાથે જોડાયેલા કેટલાક નિયમો એવા છે જેનું પાલન કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. આવો જાણીએ એવી કેટલીક આદતો અંગે જેની મદદથી તમે ફિટ પણ રહી શકશો અને તમારું દિલ પણ ખુશ રહેશે.

એક ગ્લાસ હુફાળું પાણી: શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવા માટે તમારે દિવસની શરુઆત હુફાળા પાણી સાથે કરવી જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિક રેટ વધી જાય છે, જેની મદદથી શરીરમાં આખો દિવસ તાજગી અનુભવાય છે.

જોગિંગ, કસરત તેમજ યોગ: રનિંગ-જોગિંગ, કસરત અને યોગ સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે, પણ આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો આ એક્ટીવીટીને ઓછું મહત્વ આપવા લાગ્યા છે. જેથી બિમાર લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દરરોજ કસરત કે રનિંગ કરવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે અને શરીર ફિટ રહે છે.

દરરોજ ચાલવાનું રાખો: એવું જરૂરી નથી કે તમે સવારે ચાલશો તો જ તમને ફાયદો મળશે. વોકિંગ એક એવી કસરત છે જેને તમે દિવસ દરમ્યાન ગમે ત્યારે કરી શકો છો. જો તમારી ઓફિસ ઘરની નજીક હોય તો તમે દરરોજ ચાલીને ઓફિસ જવાનું રાખો. લિફ્ટની જગ્યાએ દાદરાનો ઉપયોગ કરો. ઘરમાં પણ હરતા ફરતા રહો માત્ર આરામ જ ન કરો.

ભોજનનો સમય ફિક્સ રાખો: આજના સમયમાં લોકોને ખાવાનો કોઈ એક સમય નથી રહ્યો. મોટાભાગના લોકો ખોટા સમયે જમતા હોય છે જેના કારણે જે જલ્દી બિમાર પડતા હોય છે. ભોજન લેવા માટે તમે એક સમય નક્કી કરી લો અને દરરોજ તેનું પાલન કરો. જેમ કે, સવારનો નાસ્તો 8થી9 વાગ્યાની વચ્ચે, બપોરે લંચ 7 વાગ્યા સુધીમાં તેમજ સાંજનું ડિનર 7:30 સુધીમાં કરી લેવું જોઈએ.

7થી8 કલાકની ઊંઘ: ઘણા રિસર્ચમાં એવું સાબિત થઈ ચૂક્યું છે કે, જે લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લે છે તે અનેક બિમારીઓનો શિકાર બને છે. સારી અને પૂરતી નીંદર સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. જે લોકો રાતના 10 વાગ્યે ઊંઘી જાય છે અને સવારે 6 વાગ્યે ઊંઘી જાય છે તેમના શરીરમાં આખો દિવસ સ્ફુર્તી રહે છે.


આઉટડોર ગેમ્સને સમય આપો: આજના સમયમાં તમે બાળકોને મોલમાં ઉપલબ્ધ ગેમિંગ ઝોનમાં લઈ જાઓ છો, જ્યાં તેમનું મનોરંજન તો થઈ જાય છે પણ શારીરિક તેમજ માનસિક વિકાસ નથી થઈ શકતો. ચિંતાજનક બાબત તો એ છે કે, મોટાલોકો પણ વીડિયો ગેમ, લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે પર ઈનડોર ગેમ્સ વધુ રમવા લાગ્યા છે. આ બધી વસ્તુઓથી શક્ય એટલા દૂર રહો અને તમારા બાળકોની સાથે તમે પણ દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ સુધી સક્રીય આઉટડોર એક્ટિવિટીઝમાં વ્યસ્ત રહો.

પૂરતું પાણી પીઓ: પાણી માત્ર તરસને જ નથી છીપાવતું પણ પાણી અનેક બિમારીઓ સામે રક્ષણ પણ આપે છે. જે લોકો દરરોજ દિવસમાં ઓછામાં ઓછું બેથી અઢી લિટર પાણી પીવે છે તે ઓછા બિમાર પડે છે. આ લોકોને પેટ સંબંધિત સમસ્યા ઓછી થાય છે, તેમની ત્વચા ચમકદાર રહે છે અને ચહેરા પર ખીલની સમસ્યા પણ નથી થતી. એટલા માટે સ્વસ્થ રહેવા માટે દરરોજ 3 લિટર પાણી જરૂર પીઓ. અમુક લોકોને વધુમાત્રામાં પાણી પીવાથી પાચનની ફરિયાદ રહે છે તેમણે ડોકટરની સલાહ લેવી જોઈએ.

પોતાના માટે થોડો સમય કાઢો: આધુનિક જિંદગીમાં લોકો જવાબદારીઓને પગલે પોતાને સમય નથી આપી શકતા. જેના કારણે તણાવ અને ચિંતા જેવી બિમારીઓ જન્મ લે છે. દરરોજ અડધો કલાક એકલા વિતાવવાથી વ્યક્તિને પોતાને સમજવાની તક મળે છે. એટલું જ નહીં લોકો એકલા હોય તો વસ્તુંઓ અંગે વિચારી શકે છે, જેના કારણે પાછળથી તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. એટલા માટે જરુરી છે કે, લેપટોપ અને મોબાઈલ ફોનને સ્વીચ ઓફ કરી દો અને થોડો સમય પોતાના માટે કાઢો.

પરિવાર સાથે સમય વિતાવો: દિવસમાં એક કલાક પરિવારને આપવો કેટલી મોટી વાત છે તમને ખબર છે? માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે તમે આટલું તો કરી જ શકો છો. જ્યારે તમે પરિવાર સાથે સમય વિતાવો છો તો તમે તેની સાથે તમારા દિલની વાત શેર કરી શકો છો અને તેની વાત પણ સમજી શકો છો. આ એક નાનકડા પ્રયત્નથી ન માત્ર તમારા ઘરમાં ખુશી વધશે પણ પરિવારના કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશનની સમસ્યા પણ નહીં રહે. એટલા માટે દરરોજ એક કલાક તમારા પરિવાર સાથે વિતાવો. સપ્તાહમાં એક દિવસ પારિવાર સાથે આઉટડોર એક્ટિવિટીઝ માટે નક્કી કરો.


શરીરના પોશ્ચરને યોગ્ય રાખો: ઓફિસનું કામ હોય કે ઘરનું, હંમેશા યાદ રાખો કે શરીરના પોશ્ચરને સીધું રાખવા માટે સીધું બેસવું ઉઠવું ખૂબ જ જરૂરી છે. પોશ્ચરને સીધુ ન રાખવાને કારણે પીઠ દર્દ, ખંભાનો દુખાવો, ડોકનો દુખાવો, કમર દર્દ વગેરે સમસ્યા થાય છે.

સોડાનું સેવન બંધ કરો: સોડા ન માત્ર તમારા દાંત સડવે છે, પણ તેમાં મોટાપ્રમાણમાં રહેલું રિફાઈન્ડ સુગર,કેલરીના પ્રમાણને વઘારીને મોટાપો વધારવાનું કામ કરે છે. જો તમે કેલરી ઘટાડવાની લાલચમાં ડાયેટ સોડા લેવાનું પસંદ કરો છો તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે, એ તમારી કિડનીની કાર્યક્ષમતાને મંદ પાડી દે છે.

સ્વભાવ બદલો: હંમેશા હસ્તો ચહેરો રાખો અને ખેલકૂદમાં ભાગ લો. શરીર કે ઘરની સાફસફાઈમાં રુચિ રાખો. સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરો, સાઈકલ ચલાવો, જમ્યા પહેલા હાથ ધોવા, દારુના સેવનથી દૂર રહો, સૂતા પહેલા દાંતની સફાઈ કરશો તો સ્વસ્થ જીવનની સાથે મજબૂત હ્રદય પણ બનાવી શકશો. એકવાર આવું કરી જૂઓ વિશ્વાસ રાખો તમારું દિલ તમને દુઆ આપશે.

 

ધૂમ્રપાન ન કરે: ધૂમ્રપાન અકાળે થતાં મૃત્યુ પાછળનું મુખ્ય કારણ છે. જે લોકો દરરોજ ધૂમ્રપાન કરે છે તે અનેક બિમારીઓથી પરેશાન રહે છે. આના ઝેરી ધૂમાડાથી ન માત્ર ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પણ તેની આસપાસના લોકો પણ પ્રભાવિત થાય છે. સિગરેટમાં રહેલ ઝેરી તત્વોને કારણે તવ્ચામાં કરચલીઓ પડવા લાગે છે અને માણસ સમય પહેલાજ વૃદ્ધ દેખાવા લાગે છે.

ગ્રીન ટી કે બ્લેક કોફી: ગ્રીન ટીમાં રહેલ એન્ટીઓક્સીડેન્સટ્સ તમારા શરીરના ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે. ગ્રીન ટી વજન ઘટાડવાની સાથે માથાના દુખાવાથી પણ છૂટકારો અપાવે છે. બ્લેક કોફી પણ લઈ શકો છો, તેમાં કેલરી ન બરાબર હોય છે જ્યારે કેલ્શિયમ અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે.

લીલા શાકભાજી-ફળોનું સેવન: ફળ અને શાકભાજીનું સેવન કરવાથી એક તરફ જ્યાં કેન્સરથી રક્ષણ મળે છે તો બીજી તરફ હ્રદય સંબંધિત બિમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ પેટને પણ સાફ અને સ્વસ્થ રાખે છે. આ સાથે જ અનેક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, લીલા શાકભાજી અને ફળનું સેવન કરતા લોકો વધુ ખુશ રહે છે.

ફિલ્મફેર એવોર્ડ્સ 2020માં ‘ગલી બોય’ શ્રેષ્ઠ ફિલ્મ; કુલ 10 એવોર્ડ જીત્યા

ગુવાહાટી – 65મા ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમનું ગઈ કાલે રાતે અહીં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઝોયા અખ્તર દિગ્દર્શિત અને રણવીર સિંહ-આલિયા ભટ્ટ અભિનીત ‘ગલી બોય’ ફિલ્મ છવાઈ ગઈ. એણે કુલ 10 એવોર્ડ કબજે કર્યા હતા. આમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડનો સમાવેશ થાય છે.

દર વર્ષે હિન્દી ફિલ્મો માટે વિભિન્ન કેટેગરીઓમાં કલાકારો તથા કસબીઓને અપાતા ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત કાર્યક્રમનું આયોજન આ પહેલી જ વાર મુંબઈની બહાર કોઈ અન્ય સ્થળે કરવામાં આવ્યું હતું.

‘ગલી બોય’ ફિલ્મને બેસ્ટ પોપ્યૂલર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ કેટેગરીમાં એની સાથે સ્પર્ધામાં આ ફિલ્મો હતીઃ ‘છીછોરે’, ‘મિશન મંગલ’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘વોર’.

શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટે રણવીર સિંહ સાથે સ્પર્ધામાં આ અભિનેતાઓ હતાઃ અક્ષય કુમાર (કેસરી), આયુષ્માન ખુરાના (બાલા), હૃતિક રોશન (સુપર 30), શાહિદ કપૂર (કબીર સિંહ), વિકી કૌશલ (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક). રણવીર સિંહે આ ચોથી વાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. આ પહેલાં એણે ‘બેન્ડ બાજા બારાતી’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ ફિલ્મોમાં કરેલી ભૂમિકા માટે પણ આ એવોર્ડ જીત્યો હતો.

શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ માટે આલિયા ભટ્ટ સામે સ્પર્ધામાં આ અભિનેત્રીઓ હતીઃ કંગના રણૌત (મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી), કરીના કપૂર-ખાનન (ગૂડ ન્યૂઝ), પ્રિયંકા ચોપરા (ધ સ્કાય ઈઝ પિન્ક), રાની મુખરજી (મર્દાની 2), વિદ્યા બાલન (મિશન મંગલ).

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર ઝોયા અખ્તર સામે હરીફાઈમાં આ સૌ હતાઃ આદિત્ય ધર (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક), જગન શક્તિ (મિશન મંગલ), નિતેશ તિવારી (છીછોરે), સિદ્ધાર્થ આનંદ (વોર).

‘ગલી બોય’ ફિલ્મ માટે જ શ્રેષ્ઠ સંવાદનો એવોર્ડ વિજય મોર્યને આપવામાં આવ્યો હતો.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ સિદ્ધાંત ચતુર્વેદી (‘ગલી બોય’) અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અમૃતા સુભાષ (‘ગલી બોય’)ને આપવામાં આવ્યો હતો.

‘ગલી બોય’ ફિલ્મના ‘અપના ટાઈમ આયેગા’ ગીત માટે ડીવાઈન અને અંકુર તિવારીને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો.

‘ગલી બોય’ ફિલ્મે કુલ આટલા એવોર્ડ જીત્યા છેઃ

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ ગીતકાર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર.

65મા ફિલ્મફેર એવોર્ડ વિજેતાઓની યાદીઃ

શ્રેષ્ઠ ફિલ્મઃ ‘ગલી બોય’

શ્રેષ્ઠ ક્રિટીક ફિલ્મઃ ‘આર્ટિકલ 15’

શ્રેષ્ઠ અભિનેતાઃ રણવીર સિંહ (ગલી બોય)

શ્રેષ્ઠ અભિનેત્રીઃ આલિયા ભટ્ટ (ગલી બોય)

શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ સિદ્ધાંત ચતુર્વેદી (ગલી બોય)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ અમૃતા સુભાષ (ગલી બોય)

શ્રેષ્ઠ મ્યુઝિક આલબમઃ મિથુન, અમાન મલિક, વિશાલ મિશ્રા, સાચેત-પરંપરા અને અખિલ સચદેવ (કબીર સિંહ ફિલ્મ માટે)

શ્રેષ્ઠ ગીતઃ ડીવાઈન અને અંકુર તિવારી વિજેતા ‘અપના ટાઈમ આયેગા’ (‘ગલી બોય’નું ગીત)

ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન માટે ગોવિંદાને ‘એવોર્ડ ઓફ એક્સિલન્સ ઈન સિનેમા’ (ઉત્કૃષ્ટતા પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો.

અનન્યા પાંડેને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ ‘બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જાણીતા નિર્માતા-દિગ્દર્શક રમેશ સિપ્પીને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં કારમી હાર પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આ છે પ્લાન

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં શરમજનક પ્રદર્શન પછી કોંગ્રેસ પાર્ટીના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના પ્રદર્શનને લઈને નેતાઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. આ ક્રમમાં ચાંદની ચોકથી પૂર્વ ધારાસભ્ય અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી દિલ્હીમાં ખરાબ પ્રદર્શનનું કારણ જણાવ્યું છે. પાર્ટીએ દિલ્હીં 2003થી લઈને 2013 સુધી શાસન કર્યું હતું. અલકા લાંબાએ કહ્યું કે, તે તેમના વિધાનસભા ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરશે અને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માનશે.

અલકા લાંબાએ આમ આદમી પાર્ટીનો સાથે છોડીને કોંગ્રેસનો હાથ પકડયો હતો પણ તે 2020 વિધાનસભા ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ પાછી મેળવી શકી ન હતી. કોંગ્રેસ નેતાઓએ દિલ્હીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું ઠિકરું દિલ્હી પ્રભારી પીસી ચાકો પર ફોડ્યું છે. બીજી તરફ ચાકોએ કહ્યું કે, કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન 2013થી જ શરુ થઈ ગયું હતું. તેમના આ નિવેદન પછી દિલ્હી કોંગ્રેસમાં વધુ એક આંતરીક વિવાદ શરુ થઈ ગયો છે.

તો દિલ્હી વિધાનસભામાં મળેલી હાર પછી પાર્ટીમાં ઉથલ-પાથલનો માહોલ અને નિવેદનનો દોર શરુ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પાર્ટીએ વિચારધારા બદલવાની જરૂર છે. સિંધિયાએ એમ પણ કહ્યું કે, પાર્ટીમાટે આ પરિણામો અત્યંત નિરાશાજનક છે. એક નવી વિચારધારા અને નવી કાર્યપ્રણાલીની તાત્કાલિક જરૂર છે. દેશ બદલાઈ ગયો છે, એટલા માટે આપણે દેશના લોકોની સાથે જોડાવા માટે વિચારધારા બદલવી પડશે. તો બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે પણ પાર્ટીમાં મોટા ફેરફારની જરૂર હોવાની વાત કહી છે. જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીની મજબૂત કરવાની જરૂર છે. સત્તા ગૂમાવ્યાના છ વર્ષ પછી પણ આપણામાંથી કેટલાક એવો વ્યવહાર કરે કે જાણે એ હજી પણ મંત્રી હોય.

વાહ ભાઈ વાહ! ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૦

પાવરની પરિક્રમા : વાયરથી વાયરલેસ સુધી ભાગ-2

પાવરની પરિક્રમા : વાયરથી વાયરલેસ સુધીનાં પ્રથમ ભાગમાં વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટેની જુદી-જુદી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને માર્કેટમાં લોન્ચ થઇ રહેલી વૈવિધ્યતાસભર અનેક પ્રોડક્ટ્સની માહિતી વાંચકોને મળી હશે.

વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવાની  ટેકનોલોજીઓને આંતરિક રીતે એકબીજા સાથે મનમેળ ન હોવાથી પુરતી જાણકારી મેળવ્યા પહેલા ઉતાવળમાં વાયરલેસ પાવર ટેક્નોલોજીથી ચાલતું કોઈ સાધન આપણે ખરીદી લીધું હોય તો તમારા ખર્ચેલા પૈસાનો વેડફાટ થવાની શક્યતા ઘણી વધી જાય છે. માટે જ, ઇન્ડકશન, અલ્ટ્રા સાઉન્ડ, લેસર, રેડિયો ફ્રીક્વન્સી, અને બીમ-ફોર્મિંગ પૈકી કઈ ટેકનોલોજીનાં સાધનો તમારી માટે અનુકૂળ રહેશે તે બાબતે પ્રાથમિક અભ્યાસ અગાઉથી જ કરી રાખવો ઉચિત રહે છે.

ઇલેક્ટ્રિકથી ચાલતા જે કોઈ ઉપકરણો અથવા ગેઝેટની અંદર વાયરલેસ પાવર સ્વિકારવા માટેનું રીસીવર ફીટ કરવામાં આવ્યું હોય તે જ સાધનો હવામાં રહેલા વાયરલેસ પાવરનાં સિગ્નલને પકડી શકે છે. પાવરના હવામાં વહેતા આ અદ્રશ્ય સિગ્નલને રીસીવર જો ઓળખી લઇને જો સ્વીકારે તો પછી તેને ઉપયોગમાં લઇ શકાય તેવા પાવરમાં ફરીવાર રૂપાંતર કરી લે છે. આ રીતે રીસીવરમાં એકત્ર થયેલો પાવર તમારા સાધનને અથવા તો તેની રીચાર્જેબલ બેટરીને પૂરો પાડવામાં આવે છે.

તમારા ઉપકરણો અથવા ગેઝેટને જરૂરી વાયરલેસ પાવર પૂરો પાડવા માટે તમારે ટ્રાન્સમીટર ખરીદવું પડે છે. આ ટ્રાન્સમીટરને તમે દીવાલમાં લગાવેલા રેગ્યુલર પાવર સોકેટમાંથી પાવર આપો એટલે તે પાવરના હવામાં જ પ્રવાસ કરી શકે તેવા સિગ્નલ્સ ઉત્ત્પન્ન કરીને એન્ટિના દ્વારા વહેતા કરી આપે છે.

જો ટ્રાન્સમીટર અને રીસીવરની ટેકનોલોજી અલગ અલગ હોય તો વાયરલેસ પાવર હવામાં ઉપલબ્ધ હોવા છતાં તમારા ઉપકરણો અથવા ગેઝેટમાં ફિટ કરેલું રીસીવર તેને ઓળખી શકતું નથી. એટલે ટ્રાન્સમીટર જે ટેકનોલોજીનું હોય તે જ ટેકનોલોજી ધરાવતાં રીસીવર ફિટ કરેલા ઉપકરણો અથવા ગેઝેટ ખરીદવાનું હમેશા તમારે યાદ રાખવું પડે છે.

આવનારા દાયકામાં આ ટેકનોલોજીથી સજ્જ ઉપકરણોની બોલબાલા વધતી રહેવાની છે. ઇલેક્ટ્રિક અથવા બેટરીથી ચાલતા સાધનોના ઉત્પાદકો માટે પોતાની પ્રોડક્ટ્સ પણ વાયરલેસ પાવરથી ચાલે તેવા પ્રયત્નોની શરૂઆત કરવાનો આ એકદમ સાચો સમય છે. જે ટેકનોલોજીઓનો વપરાશ હાલમાં વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટે કરાઈ રહ્યો છે તે અંગેની ટેકનીકલ બાબતોને વહેલાસર સમજી લેવી ખુબ જ લાભમાં રહેવાની શક્યતા છે.

વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટે એક સદી પહેલા જે ટેક્નોલોજીની શોધ થયેલી તે ટેક્નોલોજી ઇન્ડકશન ટેક્નોલોજી તરીકે પ્રચલિત છે. ટ્રાન્સમીટર અને રીસીવર બંનેમાં કોઇલ રાખવામાં આવેલી હોય છે. ટ્રાન્સમીટરને રેગ્યુલર પાવર આપીએ એટલે તેમાં ઉત્ત્પન્ન થયેલું ઈલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ તેની તદ્દન નજીક રાખેલા રીસીવરની કોઇલમાં પહોંચતા ત્યાં પણ પાવર ઉત્પન્ન થાય છે. આને ટેક્નિકલ ભાષામાં ઇન્ડકશન કહેવામાં આવે છે. વિજ્ઞાનની દુનિયામાં આ ટેકનોલોજી મેગ્નેટિક ફિલ્ડ, ઈન્ડકટીવ ચાર્જીંગ, મેગ્નેટિક રેસોનન્સ, ઇન્ડકટિવ રેઝોનન્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેસોનન્ટ ઇન્ડકટિવ ચાર્જિંગ વિગેરે જેવા અનેક નામોથી પણ ઓળખાય છે. ટ્રાન્સમીટર અલગ અલગ આકર્ષક ડિઝાઇનના પેડ, મેટ, સ્ટેન્ડ અથવા બાઉલ સ્વરૂપમાં મળે છે. મોબાઈલ ફોન અને અન્ય ગેઝેટ્સ માટે આ ટેક્નોલોજી હાલના સમયમાં સૌથી વધુ ચલણમાં છે.

વાતાવરણમાં અસ્તિત્વ ધરાવતા ઈલેક્ટ્રોમેગ્નેટિક સાઉન્ડને પણ વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. મેડીકલ ફિલ્ડમાં શરીરના આંતરિક અવયવોની તપાસ માટે સોનોગ્રાફી કરવા માટે જે  અલ્ટ્રા-સાઉન્ડ ટેકનોલોજી વપરાય છે તે જ ટેક્નોલોજીનો આ નવતર ઉપયોગ વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટે આજકાલ વધી રહ્યો છે. અલ્ટ્રા-સાઉન્ડ વેવ્સ શરીરમાં શોષાય ન જતા હોવાથી આ ટેકનોલોજી જીવશ્રુષ્ટિ માટે ઘણી જ  સલામત છે તે તેનો એક મોટો ફાયદો છે.

ઇન્ફ્રારેડ લાઈટ દ્વારા વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટે વપરાતી લેસર ટેક્નોલોજી ઉપર આધારિત અનેક સાધનો ઘણી બધી કંપનીઓએ લૉન્ચ કરેલા છે. રૂમની અંદર રહેલા અરીસા કે તેના જેવી રિફ્લેક્ટિવ સપાટીઓ સાથે આ ઇન્ફ્રારેડ લાઈટ અથડાઈને કઈ બાજુ વળાંક લે તે નક્કી નથી રહેતું. આથી ચાર દીવાલો વચ્ચે જો લેસર આધારિત વાયરલેસ પાવરનો ઉપયોગ કરીએ તો વાતાવરણમાં આમતેમ ઉડતા પાવરના અદ્રશ્ય રેડીએટીવ મોજાઓ માનવશરીર માટે નુકસાનકારક સાબિત થવાની પુરી શક્યતા રહે છે તે તેનું એક નબળું પાસું છે.

રેડીઓ-ફ્રિકવન્સી ટેક્નોલોજી આધારિત ટ્રાન્સમીટર દ્વારા જયારે વાયરલેસ પાવર વહેતો કરવામાં આવે ત્યારે તે અંદાજે 80 ફૂટ દૂર સુધી પ્રવાસ કરી શકે છે, જે અન્ય ટેક્નોલોજીઓની સરખામણીમાં ઘણું વધારે અંતર હોવાથી આ ટેક્નોલોજીનો વપરાશ ઘણો વધુ થઇ રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે રેડીઓ ફ્રીક્વન્સીથી વાયરલેસ પાવરનાં જે સિગ્નલ્સ ઉત્પન્ન કરવામાં આવે છે તેની સાથે જુગલબંધી કરીને અન્ય ડેટા સિગ્નલ પણ વહેતા થઈ શકે છે. આ એક એવી વિશેષતા છે જે બીજી અન્ય એકપણ ટેક્નોલોજી પાસે નથી. એક મહત્વનો બીજો ફાયદો એ પણ છે કે રીસીવર ફિટ કરેલું સાધન સ્થિર ન હોય અને મુવમેન્ટ કરતું હોય તો પણ તે હવામાં વહી રહેલા  વાયરલેસ પાવરને આસાનીથી ગ્રહણ કરી શકે છે. આ બે ખાસિયતના સથવારે જ પૂરી દુનિયામાં સ્માર્ટ-સીટી, સ્માર્ટ-કાર અને સ્માર્ટ-હોમના સેટ-અપમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ સૌથી વધુ થઇ રહ્યો છે.

ટ્રાન્સમીટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો પાવરનો અદ્રશ્ય સેરડો કોઈ આડશ વગર સીધો જ રીસીવરના એન્ટિના સાથે ટકરાય તો જ પાવર ટ્રાન્સફર થાય તે પ્રકારની બીમ-ફોર્મિંગ ટેક્નોલાજીથી ચાલતા અનેક ઉપકરણો પણ માર્કેટમાં ધીમા પગલે આવી રહ્યા છે. એકંદરે તો એક પ્રકારની રેડિયો ફ્રીક્વન્સી ઉપર ચાલતી ટેક્નોલાજી જ હોવાથી રેડીઓ-ફ્રીક્વન્સી દ્વારા થતા વાયરલેસ પાવર ટ્રાન્સફરની લગભગ તમામ લાક્ષણિકતાઓ આમાં પણ જોવા મળે છે.

તમામ ટેકનોલોજીઓને એકબીજા સાથે સરખાવીએ ત્યારે અનેક સમ્યતાઓની સાથેસાથે  કેટલાક તફાવતો આપણી નજરે તરત તરી આવે છે. જેમ કે; ઇન્ડકશન ટેકનોલોજીમાં ટ્રાન્સમીટર અને રીસીવર એકબીજાની તદ્દન નજીક રાખવા પડતા હોવાથી તેને નીયર-ફિલ્ડ ટેક્નોલોજી કહેવાય છે, જયારે એ સિવાયની તમામ ટેકનોલોજીઓ ફાર-ફિલ્ડ ટેકનોલોજી છે. ઇન્ડકશન સિવાયની તમામ ટેકનોલોજીઓ વાતાવરણમાં મોબાઈલ ફોનના સિગ્નલ્સ માફક અદ્રશ્ય અસ્તિત્વ ધરાવતાં મોજાઓ દ્વારા પાવર વહેતો કરીને થોડાઘણા અંશે મોબાઈલ ફોન માફકનું રેડીએશન ઉત્પન્ન કરે છે, પરંતુ સામા પક્ષે તેની એક નોંધપાત્ર ખાસિયત એ છે કે; ધુમાડો, વરાળ, વાદળ કે વરસાદ જેવા વારંવાર ઉદ્ભવતા કુદરતી પરિબળોને કારણે વહેતો કરાયેલો પાવર આમાં અટકી જતો નથી. બીમ ફોર્મિંગ, લેસર અને અલ્ટ્રા સાઉન્ડ ટેકનોલોજીઓમાં ટ્રાન્સમીટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા અદ્રશ્ય પાવર અને રીસીવરના એન્ટિના વચ્ચે કોઈ આડશ નડતી હોય ત્યારે પાવર ટ્રાન્સફર થતો ન હોવાથી તેને લાઈન-ઓફ-સાઈટ ટેક્નોલોજી કહેવાય છે, જયારે ઇન્ડક્શન અને રેડીઓ ફ્રીક્વન્સી વેવ્સ ટેકનોલોજીઓને આ મર્યાદા નડતી નથી.

તમામ ટેક્નોલોજીઓના બે સર્વસામાન્ય ગુણધર્મો એ છે કે રીસીવર અને ટ્રાન્સમીટર વચ્ચે અંતર વધુ હોય તો હવાના મોજાઓ ઉપર સવાર થઈને આગળ વધતો પાવર ધીરેધીરે પોતાની તાકાત ગુમાવતો જાય છે. આ કારણે પાવર-લોસ વધી જાય છે અને સામા છેડે મોકલ્યો હોય તેના કરતા ઓછો પાવર પહોંચે છે. આ ઉપરાંત વાયરલેસ પાવરના ટ્રાન્સમીટરની રેન્જમાં રીસીવર ધરાવતાં જેટલા ઓછા સાધનો રાખ્યા હોય એટલા પ્રમાણમાં વધુ વાયરલેસ પાવર પહોંચી શકે છે.

પ્રમાણમાં ઘણી જ ટૂંકમાં આપેલી આ માહીતિઓનો પ્રથમ પગથિયાં તરીકે ઉપયોગ કરીને  ઇલેક્ટ્રિક ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટના વેપારમાં પડેલા આપણા ગુજરાતી મિત્રોએ આ ક્ષેત્રોના તજજ્ઞો, વિદેશની સંસ્થાઓ WPC, AFA અથવા તો જે પણ યોગ્ય લાગે તેને કન્સલ્ટ કરી વાયરલેસ પાવરના ઉજ્જવળ ભવિષ્યના રથમાં વહેલાસર સવાર થઇ જવાની “ચિત્રલેખા ડિજિટલ””ની  અપેક્ષા….

(પુનીત આચાર્ય-સોમપુરા)

પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષાની સંભાવના: કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા

નવી દિલ્હી: ઋતુનો મિજાજ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ એક વખત ફરી હવામાન કરવટ લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની ભવિષ્યવાણી અનુસાર, પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં 20થી 22 ફેબ્રુઆરી સુધીમાં બરફવર્ષા થવાની સંભાવના છે.

હવામાન વિભાગની ભવિષ્યવાણી અનુસાર ખાડી દ્વીપ પર ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો અને પૂર્વ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના પણ છે. જો કે, અન્ય વિસ્તારોમાં સૂકું હવામાન રહેશે. એટલે આ સિવાયના રાજ્યોમાં વરસાદ નહીં પડે.

આગામી બે ત્રણ દિવસોમાં દિલ્હીમાં ઉચ્ચત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને 26 ડિગ્રીની સેલ્સિયસની આસપાસ રહેશે. આ સાથે જ સવારના સમયે સામાન્ય ધુમ્મસ જોવા મળી શકે છે.

હવામાન એજન્સી સ્કાઈમેટ અનુસાર, પૂર્વ ભારતમાં એક ચક્રવાત પરિભ્રમણ આસામના પૂર્વ ભાગમાં સ્થિત છે. ઈશાન ભારતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમના ના કેટલાક સ્થળો પર વરસાદ પડવાની સંભાવના છે.

તાપમાનમાં ઘટાડો

ઉત્તર રાજસ્થાન, દિલ્હી, હરિયાણની સાથે સાથે પંજાબના કેટલાક ભાગોમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે. આ કારણે દિવસ અને રાત્રીનું તાપમાન સામાન્ય કરતા થોડું ઉપર રહેશે. જેમ જેમ ઉત્તર પશ્ચિમી દિશાથી પવનો ફૂંકાવા લાગશે તો ઉત્તરી મેદાની વિસ્તારોમાં આગામી 24 કલાક પછી બંને તાપમાનમાં એક-બે ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

મધ્ય ભારતમાં આવનારા એક વિરોધી ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરી મહારાષ્ટ્રમાં ફેલાયેલ છે. આ પ્રણાલીને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ નહીં પડે. જો કે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે રાજસ્થાનના પશ્ચિમ ભાગની સાથે સાથે ગુજરાત, ઉત્તર કોંકણ અને ગોવામાં દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

રાશિ ભવિષ્ય 16/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે

પંચાંગ તા. 16/02/2020

ફેસબુક પર નંબર વન કોણ? PM નરેન્દ્ર મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસને લઈને ખાસ્સા ઉત્સાહિત છે અને તેમણે ફેસબુક પર પોતાના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મોટા સન્માનની વાત છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટે પોતાના પ્લેટફોર્મ પર લોકપ્રિયતાને મામલે મને પહેલા ક્રમાંકે અને બીજા ક્રમાંકે નરેન્દ્ર મોદી પર રાખ્યા છે. જોકે વાસ્તવિકતા કંંઈક જુદી છે. ફેસબુક પર તપાસતાં ટ્રમ્પના દાવાની સચ્ચાઈ સામે આવી હતી.

ફોલોઅર્સ અને લાઇક્સને મામલે મોટું અંતર

ફોલોઅર્સ અને લાઇક્સને મામલે મોદી અને ટ્રમ્પમાં મોટું અંતર છે. ફેસબુક પર વડા પ્રધાન મોદીના 4.4 કરોડ ફોલોઅર્સ છે, જ્યારે ટ્રમ્પના 2.75 કરોડ ફોલોઅર્સ છે. લાઇક્સને મામલે પણ મોટું અંતર છે. મોદીના 4.45 કરોડ અને ટ્રમ્પની પાસે 2.6 કરોડ લાઇક્સ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે.

ભારત પ્રવાસ અંગે ખાસ્સા ઉત્સાહિત

ટ્રમ્પે જે દાવો કર્યો છે એ ફેસબુકના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગના હવાલેથી કર્યો છે. તેમણે શનિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને લાગે છે કે આ ઘણા સન્માનની વાત છે. માર્ક ઝુકરબર્ગે મને હાલમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ જે. ટ્રમ્પ નંબરહ વન છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમાંકે છે. તેમણે કહ્યું હતું કે હું બે સપ્તાહમાં ભારત પ્રવાસે જવાનો છું અને મને ભારતના પ્રવાસે જવાનો ખાસ્સો ઉત્સાહ છે.

ટ્રમ્પ પહેલાં પણ દાવો કરી ચૂક્યા છે

ફેસબુક પર લોકપ્રિયતાને મામલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું ફેસબુક માં નંબર વન છું અને તમે જાણો છો કે બીજા નંબરે કોણ છે. ભારતના મોદી. જોકે કલ્પના અને વાસ્તવિકતામાં અંતર હોય જ છે.

 

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે. જો કે, ગૃહમંત્રી કાર્યાલયના સુત્રોનું કહેવું છે કે, તેમને આ પ્રકારની કોઈ મુલાકાત માટે પ્રદર્શનકારીઓ તરફથી હજી કોઈ અરજી મળી નથી. ઉલ્લેખનીય છે કે, શાહીનબાગમાં ડિસેમ્બરથી જ ધરણા પર બેસેલી મહિલાઓ સીએએ સાથે જ એનઆરસી અને એનપીઆરનો પણ વિરોધ કરી રહી છે. આ પ્રદર્શનને 60 દિવસથી પણ વધારેનો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ મુજબ શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓએ કહ્યું કે અમે અમારી માંગ સાથે ગૃહમંત્રી સાથે મુલાકાત કરવા જઈશું. અમે કાલે બપોરે 2 વાગે અમિત શાહને મળવા જઈશું અને અમારી માંગો રજૂ કરીશું. રિપોર્ટ પ્રમાણે અમિત શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ત્રણ દિવસમાં CAAને લઈ કોઈ પણ આવીને તેમની સાથે મુલાકાત કરી શકે છે. શાહે કહ્યું હતું કે કોઈને પણ CAAને લઈ આપત્તિ છે તો તેમની સાથે વાત કરવા માટે તેઓ તૈયાર છે. આ સાથે મહિલા પ્રદર્શનકારીઓએ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી હતી.