પૂણેઃ આજે એર ઈન્ડિયાનું એક વિમાન પાયલટના આગવા કૌશલ્ય અને સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું છે. હકીકતમાં પૂણે એરપોર્ટના રનવે પર વિમાન જેવું જ દિલ્હી માટે ટેકઓફ કરવા જઈ રહ્યું હતું કે અચાનક જ ત્યાં એક જીપ અને વ્યક્તિ રસ્તામાં આવી ગયા.
આ સમયે વિમાન આશરે 222.24 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર પહોંચ્યું હતું. વિમાનના પાયલટે તુરંત જ પોતાનું આગવું કૌશલ દર્શાવતા ટેકઓફનો નિર્ણય કર્યો. વિમાન સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયું.
ડીજીસીએ આ ઘટના મામલે તપાસના આદેશ આપતા જણાવ્યું કે, આ ઘટના પૂર્ણ એરપોર્ટની છે. રનવે પર વિમાન એ-321 ટેકઓફ થયું તે દરમિયાન પાયલટે જીપ લઈને રન વે પર આવી ગયેલા એક વ્યક્તિને જોયો, પાયલટે દુર્ઘટના રોકવા માટે વિમાનને પહેલા જ ટેકઓફ કરી દીધું. જો કે, આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી.
અધિકારીના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયાએ આ ઘટનાનું વિશ્લેષણ માટે કોકપિટ વોઈસ રિકોર્ડ (CVR) હટાવવાની સલાહ આપી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસ વિશે ડીજીસીએના એક અન્ય અધિકારીએ કહ્યું હતુંકે, વિમાનને તપાસ માટે સેવામાંથી હટાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એના બે દિવસ પછી સરકારે આવકવેરા વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડના ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક એમ્નેસ્ટી સ્કીમ વિવાદથી વિશ્વાસ હેઠળ આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા જૂન, 2020 રાખવામાં આવી છે.
જોકે બજેટની આ દરખાસ્ત સંસદમાં પાસ થવી બાકી છે અને માર્ચના પહેલા સપ્તાહમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટેક્સ અધિકારીને રેઇડ પાડવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ટેક્સ પેયર્સ પરેશાન થાય એવી શક્યતા છે. મહત્ત્વની વાત એ છે કે સીબીડીટીના અધિકારીઓની ભવિષ્યમાં થનારી પોસ્ટિંગ દરમ્યાન તેમની ટેક્સ વસૂલાતની લાયકાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને હાલમાં રજૂ કરેલા બજેટમાં વિવાદથી વિશ્વાસની ઓનરશિપ પીએમઓ પાસે છે અને સરકારે આ માટે એક વિશેષ સેલની રચના કરી છે. સૂત્રો અનુસાર આ સેલમાં રેવન્યુ સચિવ અજય ભૂષણ પાંડે અને સીબીડીટીના ચેરમેન પીસી મોદી સામેલ છે. આ સેલની સપ્તાહમાં એક દિવસ બેઠક યોજાશે, જેમાં યોજના હેઠળ ટેક્સ વસૂલાત પર કડક નિગરાની રાખવામાં આવશે.
વિવાદથી વિશ્વાસ યોજનાનો પ્રારંભ ટેક્સના અધૂરા પડેલા આશરે 4,83,000 કેસોમાં સમાધાન કરવાનો ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યો છે. આ કેસ કમિશનર, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે પેન્ડિંગ છે.
આવકવેરા વિભાગની આવકમાં રૂ. 1.25 લાખ કરોડનો ઘટાડો થયો છે. આવકમાં ઘટાડાને કારણે કેન્દ્રીય બજેટ 2020માં સીધા કરવેરાની વસૂલાતના આંકડાને પુનર્ગઠિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં ટેક્સ વસૂલાતના આંકડા રૂ. 13.35 લાખ કરોડ હતો, જે ઘટાડીને રૂ. 11.80 લાખ કરોડ કરવામાં આવ્યો હતો. આવકમાં પડેલી ઘટને પૂરી કરવા માટે સરકાર વિવાદથી વિશ્વાસ યોજના લાવી છે, જેથી કર વસૂલાતનું લક્ષ્ય હાંસલ થઈ શકે.
અમદાવાદ: ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને છાત્રાઓ સાથે શારિરીક પરિક્ષણની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના મહિલા પ્રિન્સિપાલ રીતા રાનીંગા, કોઓર્ડિનેટર અનીતા ચૌહાણ, સુપરવાઇઝર રમીલાબેન અને પ્યુન નયનાબેન પર યૌન ઉત્પીડન, વસૂલી અને ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં મહિલા આયોગ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને તપાસનો રિપોર્ટ આપવાની માંગ કરતાં એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને ચાર જણાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીનીઓ અને અધિકારીઓએ ખાતરી કરી છે કે, સંસ્થા દ્વારા એક ભેદભાવપૂર્ણ પ્રથાનું પાલન કરવામાં આવતું હતુ, જેમાં જે છોકરીઓ માસિક ધર્મમાં હોય તેમને અલગથી રાખવામાં આવતી હતી. પણ આ વખતે તો હદ જ વટાવી દીધી આ છાત્રાઓને કપડા ઉતારવા મજબૂર કરવામાં આવી.
આ ચકચારી ઘટનાને લઇને મહિલા આયોગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવાની માંગ કરતાં શુક્રવારે સવારે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ મહિલા કોલેજમાં પહોંચી ગયો હતો. ભોગ બનનાર યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ એક ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી ચાર મહિલાઓ સામે આઇપીસી કલમ 384, 506, 355, 104 અને 114 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ મહિલા પીએસઆઈએ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરવામાં આવે છે. તેમજ એવી ધમકી પણ આપવામાં આવે છે કે, આ બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે. ભોગ બનનારી યુવતીઓ પાસેથી આ અંગે ક્યાંય કાર્યવાહી કરીશું નહીં તેવું લખાવી લીધું હતું.
કોલેજ પ્રશાસને આ કાર્યવાહીને યોગ્ય ગણાવતા કહ્યું કે, વિદ્યાર્થીનીઓએ તેમના માસિક ધર્મ દરમ્યાન કોલેજના આ નિયમોનું પાલન કરવું પડે છે. થોડા સપ્તાહ પહેલા જ વિદ્યાર્થીનીઓને કથિત રીતે છાત્રાવાસ દરમ્યાન બનાવવામાં આવેલા રજિસ્ટરમાં તેમના માસિક ધર્મ ચક્રની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું.
એક વિદ્યાર્થીનીએ મીડિયાને જણાવ્યું કે, હોસ્ટેલમાં એક અલગથી રજિસ્ટર છે જેમાં દરેક છોકરીએ તેમના પીરિયડ શરુ થયા બાદ તેમનું નામ લખાવવાનું રહે છે. ત્યારપછી એ વિદ્યાર્થીનીને તેમનો રૂમ છોડીને બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઓછી લાઈટ વાળા રૂમમાં અલગથી રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન તેમને બીજા રૂમ કે ડાઈનિંગ હોલ કે સંસ્થામાં પ્રાર્થનાઓમાં ભાગ લેવાની મંજૂરી નથી હોતી. અલગ વાસણમાં ભોજન પણ પિરસવામાં આવે છે અને તેમના લોબીમાં બેસીને જમવું પડે છે.
મહત્વનું છે કે, આ શર્મજનક ઘટના મુદ્દે કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. જો આ પ્રકરણમાં અલગ તટસ્થ તપાસ સમિતિની રચના કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવનાર હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મહિલા કોંગ્રેસ પ્રભારી કલ્પનાબેન જોષીએ જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. શિવસેનાએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિએ ભારતને વિકાસશીલ દેશોના લિસ્ટમાંથી બહાર કરીને સંકટમાં નાંખી દિધું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી કહ્યું કે, ટ્રમ્પના તંત્રએ આમ કરીને ગૂગલી ફેંકી છે. ભારત હવે એક વિકાસશીલ દેશ નહી પરંતુ વિકસીત રાષ્ટ્ર છે. આ ભારત માટે એક મોટું સંકટ છે. ભારત શિક્ષણ, સ્વાસ્થ્ય, બેરોજગારી, સ્વચ્છતા અને ગરીબી નિવારણ જેવા માપદંડો પર વિકસિત દેશોની સ્થિતિથી ખૂબ દૂર છે. શિવસેનાએ આગળ કહ્યું કે, ભારત એક વિકસિત દેશ નથી અને હવે આ દેશ એ લાભોનો વધારે ફાયદો નહી ઉઠાવી શકે, કે જે એક વિકાસશીલ રાષ્ટ્રને મળે છે. જો કે, આપણા વડાપ્રધાને આને લઈને એક રસ્તો શોધી લેશે અને ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલા કારેલાને મિઠાઈમાં બદલી નાંખશે.
24 અને 25 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલા, અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશોના લિસ્ટમાંથી બહાર મૂક્યું છે. યૂએસટીઆર કાર્યાલયે ભારતને એક વિકસિત અર્થવ્યવસ્થાના રુપમાં વર્ગીકૃત કરી છે કે જે વિકાસશીલ દેશોને વોશિંગ્ટનથી મળનારા લાભો માટે અયોગ્ય બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા સાથે બે દિવસીય ભારતના પ્રવાસે 24 ફેબ્રુઆરીના રોજ આવવાના છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં એક ભવ્ય રોડ-શો માં જોડાશે. તેઓ સાબરમતી આશ્રમ પણ જશે. બાદમાં ટ્રમ્પ, વડાપ્રધાન મોદી સાથે મોટેરામાં નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધિત પણ કરશે, જેને “કેમ છો ટ્રમ્પ” નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ “હાઉડી મોદી” જેવો જ કાર્યક્રમ હશે, જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એડજસ્ટ ગ્રોથ રેવન્યુ (AGR)ની ચુકવણીને લઈને આપેલા આદેશ પછી દેશભરમાં ટેલિકોમ કંપનીઓમાં હડકંપ મચી ગયો છે. આ આદેશ પછી વોડાફોન-આઇડિયાને અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે, કેમ કે કંપનીનની ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ ખોટમાં વધારો થયો વોડાફોન-આઇડિયાના બાકી લેણાંની રકમ જોતાં કંપની પોતાનો ભારત ખાતેનો વેપાર સમેટી પણ લે, એવી શક્યતા છે. આનાથી એક લાખથી વધુ લોકોની આજીવિકા પ્રભાવિત થવાની શક્યતા છે.
વોડાફોન-આઇડિયા પર રૂ. 53,000 કરોડનાં બાકી લેણાં
સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2019એ ચુકાદામાં ટેલિકોમ કંપનીઓને એડજસ્ટ ગ્રોથ રેવન્યુ (AGR)ની ચુકવણી કરવા કહ્યું હતું. આ આદેશ પછી ટેલિકોમ ક્ષેત્રે જબરદસ્ત હરીફાઈનો સામનો કરી રહેલી કંપનીઓ પર રૂ. 1.47 લાખ કરોડનાં બાકી લેણાં છે. વોડાફોન-આઇડિયા પર રૂ. 53,038 કરોડનાં બાકી લેણાં છે. આ બાકી લેણાંની ચુકવણી માટે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને (ડોટ) ફટકાર લગાવી હતી. ત્યાર બાદ ડોટે ટેલિકોમ કંપનીઓને બાકી રકમને ચૂકવવા માટે શુક્રવાર રાત્રે 12 વાગ્યાનો સમય આપ્યો હતો. હવે જો કંપની આવામાં કામગીરી બંધ કરી દે તો કમસે કમ એક લાખથી વધુ લોકો બેરોજગાર થઈ જાય. આરકોમના ચેરમેનના જણાવ્યા મુજબ ટેલિકોમ વર્લ્ડમાં 20 લાખ નોકરીઓ જતી રહી છે.
વોડાફોન-આઇડિયાએ ગુરુવારે ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યા હતાં. જેમાં વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન કંપનીની ખોટ વધીને રૂ. 6,438.80 (રૂ. 5,004.6) કરોડ થઈ છે. આ ઉપરાંત ડિસેમ્બર, 2019એ પૂરા થતા ત્રિમાસિક દરમ્યાન કંપનીની કુલ આવક પાંચ ટકા ઘટીને રૂ. 11,380.5 કરોડ થઈ હતી.
લાહૌર- મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક પછી છોડી મૂકવામાં આવે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાફિઝને સજા આપવાના નિર્ણયમાં જાણી જોઈને ભૂલો રાખવામાં આવી છે જેથી તે ગમે ત્યારે છૂટી શકે છે.
પાકિસ્તાની સમાચાર પત્ર ડોનના જણાવ્યા પ્રમાણે, સઈદના વકીલનો દાવો છે કે તેમના ક્લાઈન્ટને માત્રને માત્ર FATFના દબાણના કારણે સજા સંભળાવવામાં આવી છે. તે આતંકરોધી કોર્ટ(ATC)નિર્ણયને લાહોર હાઈકોર્ટમાં પડકારશે. હાફિઝ અને તેમના સહયોગીને લાહોરના ATCએ ટેરર ફંડિંગના બે કેસમાં 12 ફેબ્રુઆરીએ પાંચ વર્ષની સજા સંભળાવી હતી.
16 ફેબ્રુઆરીથી પેરિસમાં એફએટીએફની બેઠક
આ બેઠકમાં પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ લગાવવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં FATFએ આતંકી પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહેવા અંગે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું. આ સાથે જ ભારતે દાવો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદે આતંકીઓની ટ્રેનિંગ માટે બાલાકોટમાં બિલ્ડિંગ બનાવી છે.
નવી દિલ્હીઃ પર્મન્ટ અકાઉન્ટ નંબર (PAN)ને તમે તમારા આધાર કાર્ડથી લિન્ક નથી કર્યું તો એ 31 માર્ચ, 2020થી એ નકામું થઈ જશે. આવકવેરા વિભાગે આ માહિતી આપી હતી. પેન કાર્ડ અને આધાર કાર્ડથી લિન્ક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં અનેક વાર વધારવામાં આવી છે. હવે હાલ તેની વર્તમાન ડેડલાઇન 31 માર્ચ, 2020 નક્કી કરવામાં આવી છે. 27 જાન્યુઆરી, 2020 સુધી દેશમાં 30.75 કરોડ પેન કાર્ડ આધાર કાર્ડથી લિન્ક થઈ ચૂક્યા છે. જોકે 17.58 કરોડ પેન કાર્ડ હજી પણ આધાર કાર્ડ સાથે લિન્ક થવાના બાકી છે.સેન્ટ્રલ બેન્ક ઓફ ડિરેક્ટ ટેક્સીસે એક નિવેદનમાં કહ્યું છે કે જે વ્યક્તિને 1 જુલાઈ, 2017 સુધી પેન કાર્ડ આપવામાં આવ્યું છે. તેણે તેનું આધાર કાર્ડ કલમ 139 એએની પેટા કલમ (2) હેઠળ લિન્ક કરાવવાની જરૂરત છે. જે વ્યક્તિ 31 માર્ચ, 2020 સુધી આવું નહીં કરે તો તેનું પેન કાર્ડ નિયત તારીખ પછી નકામું થઈ જશે.
સીબીડીટીએ જાહેરનામું બહાર પાડીને આવકવેરાના નિયમોમાં સંશોધન કર્યું છે, જેમાં પેન કાર્ડને બંધ કરવાની જોગવાઈ છે. આ જોહેરનામામાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું પેન કાર્ડ બંધ થશે અને એની માહિતી નહીં આપવા બદલ આઇટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, પણ જે લોકો પેન કાર્ડને 31 માર્ચ, 2020 સુધીમાં આધારકાર્ડથી લિન્ક કરી લેશે તો તેનું પેન કાર્ડ કાર્યરત રહેશે.
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, 2018માં આધારકાર્ડને કાયદેસર તરીકે માન્યતા આપી હતી. એ સાથે કોર્ટે આવકવેરા ભરવા માટે પેન કાર્ડ માટે પણ આધારકાર્ડ જરૂરી કર્યું હતું.
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન તાતા ખૂબ સરળ વ્યક્તિવ ધરાવતા વ્યક્તિ છે. અને એટલા માટે તેઓ સામાન્ય માણસો વચ્ચે વખણાય છે અને પ્રેમાય છે. અનેક લોકો રતન તાતાને ફોલો કરે છે અને તેમના સ્વભાવથી ખૂબ પ્રસન્ન હોય છે. ત્યારે રતન તાતાએ કંઈક એવું કર્યું છે કે જેને લઈને લોકો સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. હકીકતમાં એક મહિલાએ સોશિયલ મીડિયા પર રતન તાતાની પોસ્ટ પર કમેન્ટ કરતા તેમને “છોટૂ” કહ્યા હતા, બાદમાં તે મહિલા ટ્રોલ થવા લાગી તો ખૂદ રતન તાતાએ વચ્ચે આવીને તે મહિલાનો બચાવ કર્યો. રતન તાતાએ ઓક્ટોબર 2019ના રોજ ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું. રતન તાતાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આટલા ઓછા સમયમાં તેમના 1 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. પોતાના એક મિલિયન ફોલોઅર્સ થવાની ખુશીમાં રતન તાતાએ તાજેતરમાં જ પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેમાં તાતા જમીન પર બેસેલા જોવા મળ્યા હતા.
પોતાના આ ફોટો સાથે રતન તાતાએ લખ્યું કે, મેં જોયું કે આ પેજ પર લોકોની સંખ્યા ખૂબ મજબૂત પથ્થર બનીને ઉભી છે. જ્યારે મે ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું, ત્યારે મેં આ ઓનલાઈન પરિવારની કલ્પના પણ નહોતી કરી. હું આના માટે આપ તમામને ધન્યવાદ આપું છું. મને વિશ્વાસ છે કે, ઈન્ટરનેટના આ યુગમાં આપ લોકો જે ક્વોલિટી કનેક્શન બનાવી રહ્યા છો, તે કોઈપણ નંબરથી મોટું છે. આ સમુદાયનો ભાગ બનવાના નાતે અને તમારી પાસેથી કંઈક શીખવું ખૂબ ઉત્સાહજનક છે અને મને ખુશી આપે છે. હું આશા રાખું છું કે આ યાત્રા ચાલુ રહેશે.
રતન તાતાની આ પોસ્ટ પર કમેન્ટ્સ અને લાઈક્સનું તો જાણે ઘોડાપૂર આવી જ ગયું. આ દરમિયાન એક મહિલાએ તાતાની કમેન્ટ્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, “શુભેચ્છાઓ છોટૂ” અને સાથે ઈમોજી પણ પોસ્ટ કર્યું. જો કે મહિલાની આ કમેન્ટ્સે ઘણા યૂઝર્સને નારાજ કરી દિધા અને લોકોએ આને અયોગ્ય ગણાવ્યું અને લોકોએ મહિલાને ટ્રોલ કરવાની શરુ કરી.
બાદમાં રતન તાતા પોતે આ મહિલાના બચાવમાં આવ્યા અને કમેન્ટ કરીને લોકોને મહિલા સાથે ઈજ્જતથી વાત કરવાની અપીલ કરી. બાદમાં મહિલાને પણ પોતાની ભૂલનું ભાન થતા પોતાની કમેન્ટ ડિલીટ કરી નાંખી.
રતન તાતાએ પોતાની કમેન્ટમાં લખ્યું કે, હું મહિલા દ્વારા દિલથી લખાયેલી નોટની ઈજ્જત કરું છું અને આશા રાખું છું કે તેઓ હવે પછીથી પોસ્ટિંગ કરવાનું બંધ નહી કરે.
રતન તાતાના સરળ સ્વભાવથી ઉભરાતા સોશિયલ મીડિયાના આ જવાબ પર લોકો તેમને ખૂબ વખાણી રહ્યા છે. રતન તાતાની આ પોસ્ટ વાયરલ પણ થઈ ગઈ છે અને લોકો આના પર ખૂબ સારો પ્રતિસાદ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રતન તાતાની આ પહેલા પણ કેટલીક પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે. જેમાં તેમનો જૂનો એક ફોટો જે પોસ્ટ કરવામાં આવ્યો હતો, તેનો પણ સમાવેશ થાય છે. જેના પર લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે સૈન ફ્રાન્સિસ્કોમાં ફેસબુકે તેમની ગ્લોબલ માર્કેટીંગ સમિટને રદ કરી દીધી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સૈન ફ્રાન્સિસ્કો ક્રોનિકલમાં એક રિપોર્ટ અનુસાર, ફેસબુકે અહીં 9થી12 માર્ચ દરમ્યાના યોજાનારા કાર્યક્રમને રદ કરી દીધો છે. આ સમિટમાં 5000થી વધુ લોકો સામેલ થવાની શક્યતા હતી.
આ ઉપરાંત આઈબીએમ એ કહ્યું કે, તેમણે 24થી 28 ફેબ્રુઆરી સુધી આરએસએ સાયબર સ્પેસ સમ્મેલનમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો. જોકે, આરએસએ કહ્યું કે તે કાર્યક્રમને રદ નહીં કરે. આ પહેલા ફ્લેગશિપ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2020 સમ્મેલન રદ થઈ ગયું હતુ. આ કાર્યક્રમ બાર્સેલોનામાં યોજાવાનો હતો.
ચીનમાં કોરોનાના વાઈરસને પગલે કુલ મૃત્યુંઆંક 1523 પર પહોંચ્યો છે. દર્દીઓની સંખ્યા 66,492 થઈ ગઈ છે. દેશના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારે આ માહિતી આપી હતી. 2641 નવા મામલા શુક્રવારે સામે આવ્યા. તો 1373 દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
થાઈલેન્ડમાં કોરોના વાઈરસનો વધુ એક નવો કેસ નોંધાયો છે. જાન્યુઆરીથી દેશમાં અત્યાર સુધી 34 કેસો સામે આવ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર એક 35 વર્ષીય થાઈ મહિલા આ વાઈરસથી પીડિત છે, જે એક ચિકિત્સાકર્મી છે.
ચીનમાં શુક્રવારે 143 લોકોના મોત
ચીનમાં શુક્રવારે 143 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વાઈરસનું કેન્દ્ર રહેલું હુબેઈમાં 139 લોકોના મોત થઈ ગયા છે. ડિસેમ્બરમાં અહીં પ્રથમ મામલો સામે આવ્યો હતો. ત્યારપથી વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનો વાઈરસના મામલાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત હેનાનમાં બે, બેઈજિંગ અને ચોંગકિંગમાં એક-એક લોકોના મોત થયા તો 2277 નવા શંકાસ્પદ કેસો સામે આવ્યા.
શુક્રવારે ચાઈના સરકારે હુબેઈ પ્રાંતને બાદ કરતા સમગ્ર દેશમાં કોરોના વાઈરસ બિમારીમાં ઘટડો થયો હોવાની જાણકારી આપી. આ દરમ્યાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના માહામારીની દેખરેખ, વિશ્લેષણ, ટ્રેસિંગ અને ઉપચાર માટે બિગ ડેટા, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું છે.
નવી દિલ્હીઃ ભાજપ અને કોંગ્રેસની નજર હવે એપ્રિલમાં રાજ્યસભામાં ખાલી પડનારી 51 બેઠકો પર છે. બંને પક્ષો આ બેઠકો પૈકી રાજ્યસભામાં વધુ ને વધુ બેઠકો જીતવા માગશે. જેથી તેમનું રાજ્યસભામાં કદ વધે. વર્ષના એપ્રિલના અંતે રાજ્યસભામાં 51 સભ્યોની મુદત પૂરી થાય છે, જેથી બંને પક્ષો રાજ્યસભામાં તેમનું કદ વધારવા માટે ભારે પ્રયત્નો કરશે.
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને વાયએસઆર કોંગ્રેસ (વાયએસઆસીપી) પણ 245 સભ્યો ધરાવતી રાજ્યસભામાં નોંધપાત્ર સભ્યોનો ઉમેરો કરવા ઇચ્છશે. હાલ ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે ઉપલા ગૃહમાં પક્ષ તેની પાસે સ્પષ્ટ બહુમતી નથી (વળી એનડીએના સાથી પક્ષોમાં પણ ભાજપ સૌથી મોટો પક્ષ છે). જોકે એના લીધે પક્ષને રાજ્યસભામાં ખરડો પસાર કરવામાં ખાસ કંઈ મુશ્કેલી નથી પડતી, કેમ કે તેના માટે બિજુ જનતા દળ અને વાયએસઆરસીપી)નો ટેકો મળી રહે છે.
રાજ્યસભામાં ભાજપના 82 સભ્યો છે, જેમાં કદાચ 13નો ઉમેરો થવાની શક્યતા છે (કેમ કે જે 51 સભ્યોની મુદત પૂરી થવાની છે, તેમાં ભાજપના 18માંથી ચારનો સમાવેશ થાય છે. જોકે બીજેડી ઓરિસ્સામાંથી ત્રણ ખાલી થનારી બેઠકો પૈકી બે જીતી જાય એવી શક્યતા છે અને ભાજપને ફાળે પણ એક આવે સંભાવના છે.આંધ્ર પ્રદેશ વાયએસઆરસીપીના ખિસ્સામાં એપ્રિલમાં ખાલી થનારી સીટો પૈકી ચાર આવે એવી ધારણા છે. આ સાથે ભાજપ હિમાચલ પ્રદેશ અને હરિયાણામાંથી એક-એક સીટ મળે એવી શક્યતા છે.
કોંગ્રેસ રાજ્યસભામાં 46 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે અને આગામી ચૂંટણીઓમાં 10 સીટોનો લાભ થાય એવી શક્યતા છે. એપ્રિલમાં પાર્ટીના 11 રાજ્યસભાના સભ્યોની મુદત પૂરી થવાની છે.
રાજ્યસભામાં જે સભ્યોની મુદત પૂરી થવાની યાદી છે તેમાં મહારાષ્ટ્રમાંથી સાત જગ્યા, તામિલનાડુમાંથી છ, બિહાર અને પશ્ચિમ બંગાળ –દરેકમાંથી પાંચ-પાંચ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત-દરેકમાંથી ચાર-ચાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને ઓરિસ્સા-દરેકમાંથી ત્રણ-ત્રણ, ઝારખંડ અને છત્તીસગઢમાંથી બે-બે અને આસામ, મણિપુર, હરિયાણા અને હિમાચલ પ્રદેશ-દરેકમાંથી એક-એક સીટનો સમાવેશ થાય છે. આ સિવાય વિવિધ રાજ્યોમાંથી પણ રાજ્યસભાની બેઠકો ખાલી પડનારી છે.
રાજ્યસભાના જે સભ્યોની એપ્રિલના અંતે મુદત પૂરી થાય છે, એમાં રાજ્યસભાના ડેપ્યુટી ચેરપર્સન હરિવંશ, એનસીપી નેતા શરદ પવાર અને કેન્દ્રીય સામાજિક અને કલ્યાણપ્રધાન રામદાસ આઠવલે, કોંગ્રસના મોતીલાલ વોરા, તેમની જ પાર્ટીના દિગવિજય સિંહ, મધુસૂદન મિસ્ત્રી, ભાજપના વિજય ગોયલ, અને સત્યનારાયણ જટિયા, ડીએમકેના ટી શિવા અને એઆઇડીએમકેના વિજ્લા સત્યનાથ વગેરેનો સમાવેશ થાય છે.
ભાજપ અને કોંગ્રેસે-બંનેના પક્ષમાં કેટલાક વરિષ્ઠ પ્રધાનો અને કાર્યકરોએ આ માટે ચર્ચાવિચારણા શરૂ થઈ ગઈ છે.
ભાજપ અને કોંગ્રેસ બંનેના કેટલાક વરિષ્ઠ કાર્યકરોએ આગ્રહ કર્યો હતો કે તેમના સંબંધિત પક્ષોએ ઉમેદવારોની ચર્ચા કરવાનું બાકી રાખ્યું છે.