પટણાઃ બિહારમાં સત્તારુઢ નીતિશ કુમારના નેતૃત્વ વાળી એનડીએની વિરુદ્ધ મહાગઠબંધનમાં ફાંટા પડ્યા છે. એકનું નેતૃત્વ આરજેડી નેતા તેજસ્વી યાદવ કરી રહ્યા છે અને બીજાનું નેતૃત્વ હજી પસંદ કરવાનું બાકી છે. ગત શુક્રવારના રોજ શરદ યાદવ પટણા આવ્યા ત્યારે આ મામલે બેઠક થઈ હતી, જેમાં ઉપેન્દ્ર કુશવાહા, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને મુકેશ નિષાદ જોડાયા હતા.
આ જૂથના કેટલાક નેતાઓએ શરદ યાદવના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવાની પણ માંગ કરી. અત્યારે સ્પષ્ટ છે કે લોકસભા ચૂંટણી બાદ આરજેડી નેતૃત્વથી વધારે પ્રાથમિકતા ન મળવાના કારણે આ નેતાઓ પાસે હવે પોતાનો રસ્તો પસંદ કરવા સીવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચ્યો. તો આરજેડીનું કહેવું છે કે આ નેતાઓ સાથે વાતચીતની એક સીમાથી વધારે શક્ય એટલા માટે નથી કારણે કે તમામ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને સીટોની સંખ્યાની માંગ તેમની પાર્ટીમાં સ્થિત નેતાઓથી ક્યાંય વધારે હોય છે. અત્યારે આરજેડી સુપ્રીમો તરફથી એ વાતના કોઈ સંકેત મળ્યા નથી કે વિધાનસભા ચૂંટણીમાં આ લોકોને સાથે રાખવા છે કે નહી.
શુક્રવારના રોજ થયેલી બેઠક બાદ શરદ યાદવે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરીને સમન્વય સમિતિ અને બેઠકોની વહેચણી વિશે ચર્ચા કરશે. શરદ યાદવ આજે રાંચીમાં લાલુ પ્રસાદ સાથે મુલકાત કરી શકે છે. જોકે, કોંગ્રેસે બિહાર નેતૃત્વની આ બેઠકથી અંતર રાખ્યું હતું.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે કેટલા ઉત્સાહિત છે. એ વાત તેમના એક ટ્વીટથી જાણી શકાય છે. તેમણે ટ્વીટ કરીને ભારત પ્રવાસ માટે આ વાત કરી હતી. જોકે તેમનો આ ઉત્સાહ ત્યાંના ભારતીય મતદાતાઓને આકર્ષવા માટેનો છે. અમેરિકા ચૂંટણીઓ આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે. જેથી ટ્રમ્પ ખાસ્સો ઉત્સાહ બતાવી રહ્યા છે. ટ્રમ્પ 24-25મી ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. એ માટે તેઓ ખાસ અમદાવાદથી ભારત પ્રવાસની શરૂઆત કરવાના છે.અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું કે મને લાગે છે કે આ બહુ સન્માનજનક વાત છે? માર્ક ઝુકરબર્ગે હાલમાં જ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર પ્રથમ ક્રમાંકે છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમાંકે છે. જોકે ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બે સપ્તાહમાં ભારત આવી રહ્યો છું. હું આ પ્રવાસ માટે ઘણો ઉત્સુક છું.
PM મોદીએ ટ્વીટ કરીને ભારત પ્રવાસનું સ્વાગત કર્યું
આ પહેલાં વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને ભારતના પ્રવાસનું સ્વાગત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ કરવા માટે બહુ ખુશ છે. અમારા માનવંતા અતિથિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
22 કિલોમીટરનો લાંબો રોડ શો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના શહેર અમદાવાદમાં 24 ફેબ્રઆરીએ 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે. શહેરના મેયર બિજલ પટેલે આ માહિતી આપતાં કહ્યું હતું કે આ રોડ શોમાં 50,000 લોકો સામેલ થવાની સંભાવના છે.
મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે ગયા મહિને કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભાંડો ફુટી જવાના ડરથી ભીમા-કોરેગાંવ હિંસા મામલે તપાસ NIA ને સોંપી છે. શરદ પવારે કહ્યું હતું કે અન્યાય વિરુધ્ધ બોલવું નક્સલવાદ નથી. મારા મતે સરકારને ડર છે કે તેમનો ભાંડોફૂટી જશે. એટલા માટે NIA ને તપાસ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભીમા કોરેગાંવ મામલે તપાસને લઈને શરદ પવારે ઉઠાવેલા સવાલ પછી મહારાષ્ટ્ર સરકારે આ મામલે રિવ્યુ મિટિંગ બોલાવી હતી. ત્યાર પછી કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ NIA ને સોંપી દીધી. એ સમયે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ પગલાને ખોટું ગણાવતા આની વિરુદ્ધમાં કોર્ટમાં જવાની વાત કહી હતી. જો કે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી પણ આ મામલે તપાસ NIAને સોંપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગલાથી શરદ પવાર નાખુશ જોવા મળી રહ્યાં છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં 15 વર્ષોમાં રાજકારણ અને અપરાધીકરણની જબરી ભેળસેળ થઈ ગઈ છે. દેશમાં કોઈ પણ રાજકીય પક્ષ એવો સ્વચ્છ પ્રતિભા ધરાવતો નહીં મળે જેના ઉમેદવારો સામે ક્રિમિનલ ગુનો ના નોંધાયો હોય. પાછલાં 15 વર્ષોમાં ક્રિમિનલ કેસનો સમાનો કરી રહેલા સંસદસભ્યોની સંખ્યામાં વધારો થયો છે, એમ એક અહેવાલ કહે છે. એમાં પણ દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ક્રિમિનલ કેસો નોંધાયા હોય એવા ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. જોકે આમાં કેટલાય ઉમેદવારો સામે જે ફરિયાદો દાખલ થઈ છે, એમાં રાજકીય કારણોસર પ્રેરિત પણ હોઈ શકે. પાર્ટીઓએ આવા ઉમેદવારોની માહિતી 48 કલાકની અંદર આપવી પડશે. આ સિવાય પક્ષે એ પણ જણાવવું પડશે કે આ ઉમેદવારોને ચૂંટણીમાં કેમ ઊભા રાખ્યા છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિર્ફોર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણથી માલૂમ પડે છે કે પાછલાં 15 વર્ષો દરમ્યાન ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.
સૌથી વધુ સંસદસભ્યો કઈ પાર્ટીના ક્રિમિનલ્સ
સૌથી વધુ ક્રિમિનલ્સ સાંસદસભ્યોની વાત કરીએ તો જેડીયુ આ મામલે પ્રથમ ક્રમાંકે છે. ત્યાર બાદ શિવસેના અને કોંગ્રેસનો નંબર છે. જેડીયુના 16માંથી 11, કોંગ્રેસના 52માંથી 30, બીએસપીના 10માંથી પાંચ, લેફ્ટના છમાંથી ત્રણ, ડીએમકેના 24માંથી 11, વાઇએસઆરસીપીના 22માંથી 10, ટીએમસીના 22માંથી 9, એસપીના પાંચમાંથી બે, ભાજપના 302માંથી 117, ટીઆરએસના નવમાંથી ત્રણ, ભાજપના 12માંથી એક સંસદસભ્ય ક્રિમિનલ છે. પાંચ પક્ષો એવા છે જેના અડધાથી વધુ ઉમેદવારો ક્રિમિનલ છે, જેમાં કોંગ્રેસ, શિવસેના અને જેડીયુ સામેલ છે.
કઈ પાર્ટીના સૌથી વધુ ક્રિમિનલ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો સૌથી વધુ ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે, બીએસપીના સૌથી ઓછા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયા છે. જોકે કેટલાક ઉમેદવારોની સામે રાજકીય પ્રેરિત ફરિયાદો પણ નોંધાઈ છે.
આ પહેલાં હજી ગુરુવારે જ સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓને લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી લડવા માટે બધા ઉમેદવારોને ક્રિમિનલ કેસોની વિગતો આપવોનો આદેશ આપ્યો હતો. આ માટે કોર્ટે રાજકીય પક્ષોને કડક દિશા-નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ એવા ઉમેદવારોના ગુનાઇત મામલાની માહિતી પોતાની વેબસાઇટો પર અપલોડ કરવાની રહેશે. જો કોઈ પક્ષ ગુનાઇત ભૂતકાળ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપશે તો પક્ષે એનું કારણ પણ દર્શાવવું પડશે કે કેમ પક્ષ સ્વચ્છ ઉમેદવારને ટિકિટ ના આપી શક્યો.
અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધ (આરએસએસ)નાં વડા મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પોતાની ગુજરાત મુલાકાત દરમ્યાન મોહન ભાગવતે અમદાવાદ ખાતે આરએસએસનાં નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.
મણિનગર ખાતે આવેલ આરએસએસના કાર્યાલયનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું. કાંકરિયા, મણીનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન જૂના કાર્યાલયને તોડી નવું અને અધ્યતન બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસે આવેલા તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન વિશે નિવેદન આપતા ભારતે કડક જવાબ આપ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સંસદમાં પોતાના સંબોધનમાં કાશ્મીરીઓના સંઘર્ષની તુલના પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન વિદેશી શાસન વિરુદ્ધ તુર્કોની લડાઈ સાથે કરી. જમ્મૂ-કાશ્મીર પર એર્દોઆનના નિવેદનના સંદર્ભમાં ભારત તરફથી જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર મામલે આપવામાં આવેલા તમામ સંદર્ભોને ભારત ફગાવે છે. જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે કે જે તેનાથી ક્યારેય અલગ ન થઈ શકે. તેમણે કહ્યું કે, અમે તુર્કીના નેતૃત્વને કહીએ છીએ કે તેઓ ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે અને ભારત તેમજ ક્ષેત્ર માટે પાકિસ્તાનથી ઉત્પન્ન આતંકવાદના ગંભીર ભય સહિત અન્ય તથ્યોની યોગ્ય સમજ વિકસિત કરે.
ભારતે પોતાની આપત્તિ વ્યક્ત કરવા છતા, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને બીજીવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે તેમનો દેશ આ મામલે પાકિસ્તાનના વલણનું સમર્થન કરશે. કારણ કે આ બંન્ને દેશો સાથે જોડાયેલો વિષય છે. બે દિવસની યાત્રા પર પાકિસ્તાન પહોંચેલા એર્દોઆને પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા જાહેરાત કરી કે, તુર્કી આ સપ્તાહે પેરિસમાં એફએટીએફના ગ્રે લીલ્ટમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનના પ્રયાસોનું સમર્થન કરશે.
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટના સંસ્થાપક શાહ ફૈસલ પર પણ પબ્લિક સેફ્ટી એક્ટ લગાવી દેવામાં આવ્યો છે. શાહ ફૈસલ પર કયા આરોપો અંતર્ગત પીએસએ લગાવવામાં આવ્યો તેની હજી પુષ્ટી થઈ શકી નથી. ફૈસલને ગત વર્ષે ઓગસ્ટમાં દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. તે દિલ્હીથી ઈસ્તંબુલ જઈ રહ્યા હતા. બાદમાં તેમને દિલ્હીથી શ્રીનગર લાવવામાં આવ્યા હતા અને તેમને તેમના ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ કરવામાં આવ્યા બાદ ફૈસલને તેમના એક ટ્વીટના કારણે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું, રાજનૈતિક અધિકારોને ફરીથી પ્રાપ્ત કરવા માટે કાશ્મીરને લાંબા, નિરંતર અને અહિંસક રાજનૈતિક આંદોલનની જરુર છે.
ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરી દેવામાં આવ્યો હતો બાદમાં ઘાટીના તમામ મોટા નેતાઓને તેમના ઘરમાં નજરબંધ કરી દેવામાં આવ્યા. શાહ ફૈસલે એક ફેસબુક પોસ્ટમાં કેન્દ્ર સરકારની ટીકા કરતા લખ્યું હતું કે, ઘાટીમાં પોલીસની કાર્યવાહીથી આશરે 80 લાખ જેટલા લોકોને બંધી સમાન રહેવા માટે મજબૂર છે. રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ ક્યારે નહોતી. જીરો બ્રિજથી એરપોર્ટ સુધી કેટલાક જ વાહનો દેખાઈ રહ્યા છે. તમામ જગ્યાએ પૂર્ણ રીતે બંધ છે.
મુંબઈ – આવતી 31 માર્ચ સુધીમાં જે લોકો પોતાના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને એમના આધાર કાર્ડ નંબર સાથે લિન્ક નહીં કરે એમનું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, એવી સૂચના આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.
એક અંદાજ મુજબ આધાર કાર્ડના નંબર સાથે લિન્ક નહીં કરાય તો દેશભરમાં આશરે 17 કરોડ PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, PAN અને આધાર કાર્ડ નંબર સાથે જોડવા માટેની ડેડલાઈન અનેક વાર લંબાવવામાં આવી છે. છેલ્લી વાર આ મુદતને 31 માર્ચ, 2020 સુધી લંબાવવામાં આવી છે.
પ્રાપ્ત આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં આધાર સાથે 30 કરોડ 75 લાખ કરતાં વધારે PAN કાર્ડને લિન્ક કરવામાં આવ્યા છે. તે છતાં 17 કરોડ 58 કાર્ડને હજી સુધી 12-આંકડાના બાયોમેટ્રિક ID (આધાર) સાથે લિન્ક કરવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટે 2018ના સપ્ટેંબરમાં ઘોષિત કર્યું હતું કે આધાર કાર્ડ બંધારણીય રીતે કાયદેસર છે. કોર્ટે એમ પણ ઠરાવ્યું હતું કે આ બાયોમેટ્રિક આઈડી આવકવેરા રિટર્ન્સ ફાઈલ કરવામાં તેમજ PAN કાર્ડની ફાળવણી કરવા માટે ફરજિયાત સાધન બની રહેશે.
જે લોકો પોતાના PAN કાર્ડને હવે એમના આધાર કાર્ડના નંબર સાથે લિન્ક નહીં કરાવે એમને આગળ જતાં કેટલીક તકલીફનો સામનો કરવો પડશે. આવકવેરા કાયદાની કલમ 139AA અંતર્ગત એવા PAN કાર્ડ અમાન્ય થઈ જશે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પેન કાર્ડ લિન્ક કરવામાં નહીં આવે તો ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ થશે. એવા લોકોનું ટેક્સ રિફંડ અટકી શકે છે. તે ઉપરાંત એવા લોકો કોઈ નાણાકીય સોદો કરશે ત્યારે એમના PAN કાર્ડનો ઉપયોગ કરી નહીં શકે.
તમે તમારા PAN કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા અથવા SMS ના માધ્યમથી પણ લિન્ક કરી શકો છો.
ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લિન્ક આધાર નામનો એક વિભાગ દર્શાવેલો છે. ત્યાં તમારે તમારો પેન અને આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ એક OTP મારફત તમે એ લિન્ક પર જઈ શકશો.
બીજો વિકલ્પ આ છેઃ તમે 567678 અથવા 56161 નંબર પર SMS મોકલી શકો છે. એ માટે તમારે આ ટાઈપ કરવાનું રહેશેઃ UIDPAN<12 ડિજિટનો તમારો આધાર નંબર>< 10 ડિજિટનો પેન નંબર ટાઈપ કરીને મોકલવો.
ઓનલાઈન લિન્ક કરવાની રીતઃ
સૌથી પહેલાં તો જો તમારો એકાઉન્ટ બનાવ્યો ન હોય તો તમારે સ્વયંને રજિસ્ટર કરાવવા પડશે
મુંબઈ – બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવાર, 14 ફેબ્રુઆરીએ ટર્નઓવર 5,169 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. બીએસઈએ ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં લિક્વિડિટી વધારવા માટેની સ્કીમ લાગુ કરી હતી, જેમાં 25 નવેમ્બર, 2019ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, “ મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર સતત વધતું રહ્યું છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.