Home Blog Page 4994

શું મોંઘી દાટ વસ્તુઓમાં જ પ્રેમ છુપાયેલો છે?

“ત્યમ ત્યક્તેન ભુંજીથા:” તેને ત્યાગીને રાજી રહો. આવું શક્ય છે ખરું? ચોક્કસ. આપણે જયારે કોઈ વાસ્તુને ત્યજીએ છીએ ત્યારે તેની માયાના આવરણો માંથી આપણે મુક્ત થઈએ છીએ. પ્રેમમાં પણ ત્યાગ જરૂરી છે એવું ભારતમાં કહેવામાં આવ્યું છે. એનાથી વિપરીત ૧૪મી ફેબ્રુઆરીએ અન્યને રીઝવવાના નિયમોમાં સાચો પ્રેમ ભૂલાઈ જશે. શું મોંઘી દાટ વસ્તુઓમાં જ પ્રેમ છુપાયેલો છે? કયો માણસ વધારે સારો? એક જે મોંઘી ભેટ સોગાદો આપે છે પણ એની પાસે સમય નથી અને બીજો કે કે સતત એવો અહેસાસ આપે છે કે હું છુ ને? વિચારવા જેવી બાબત છે ને? દરેક વ્યક્તિને કોઈ એક ખભો જોઈએ છે કે જેના પર પુરા વિશ્વાસથી માથું મૂકી શકાય. આ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. માં, બાપ, ભાઈ, બહેન, મિત્ર, શિક્ષક, કે પછી પોતેજ. જે વ્યક્તિ અન્ય માટે જીવે છે તે હમેશા સુખીજ રહે છે.

જયારે માણસને ખાતરી થઇ જાય કે તેને કોઈજ ચાહતું નથી ત્યારે તેને જીવવાની ઈચ્છા ઓછી થઇ જાય છે. એનો અર્થ કે જીવવા માટે પ્રેમ જરૂરી છે. તો પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ એક દિવસ જ શા માટે? દરેક ક્ષણ પ્રેમથી ન જીવી શકાય?આજે આપણે વાત કરીએ કેટલાક વ્યક્તિઓની ઉર્જા થકી ઉદ્ભવતી સકારાત્મક ઉર્જાની જે પ્રેમની લાગણી દર્શાવી શકે છે.

માણસની ચંદ્ર રાશી અને સૂર્ય રાશી બંનેના સમન્વય સાથે આજે આપણે આ પરિસ્થતિને વિચારીએ. મેષ અને મકર રાશિનો સમન્વય થતો હોય એટલેકે ચંદ્રરાશી મેષ હોય અને સૂર્ય રાશી મકર હોય તો એવી વ્યક્તિનો સ્વભાવ આત્મ કેન્દ્રિત હોય. કોઈની પાસેથી કઈ લીધા બાદ તેઓની લાગણીમાં ખાસ પરિવર્તન નથી આવતા. મેષ અને વૃષભ નાસૈયોજન પણ આનાથી નજીક ગણી શકાય. આવી વ્યક્તિઓ વાચાળ હોય. તેમને ભેટ લેવી ગમે. વૃષભ અને કુંભનું સૈયોજન સકારાત્મક ગણાય. આવી વ્યક્તિઓને પોતાની ઈચ્છા મુજબ ભેટ લેવી ગમે છે. કોઈ નવી વસ્તુ આવી વ્યક્તિઓને આપવાથી તેમની ખુશીની સકારાત્મક ઉર્જા સામે વાળાને વધારે સકારાત્મક ઉર્જા આપી શકે છે.  વૃષભ અને મિથુન માટેના સૈયોજનને આપણે વધારે સારું ગણી શકાય. પણ જો સૂર્ય રાશી મિથુન હોય તો.સૂર્ય રાશી મીન હોય અને ચંદ્ર રાશી વૃષભ હોય તેવી વ્યક્તિ મૃદુભાષી હોય છે. આવી વ્યક્તિઓને ભૌતિકતાની વધારે અસર નથી જોવા મળતી. વળી તેઓ પોતાની મસ્તીમાં જીવતા જોવા મળે છે. પણ જો તેમને મનગમતી ભેટ આપવામાં આવે તો તેમના રાજીપાની અસર જીવનમાં આવે છે. તો કર્ક અને મીન ના સૈયોજન વાળી વ્યક્તિને દુખ ન આપવાની સલાહ છે. આવી વ્યક્તિઓનો આત્મા આશિષ પણ દિલથી આપે છે.

મિથુન અને સિંહ ના સીયોજન વળી વ્યક્તિઓ હૃદયની સાફ હોય છે. તેથી તેમને ગમતી ભેટ આપવામાં આવે તો સામે વાળાને ખુબજ સારી ઉર્જા મળે છે. આમાં સૂર્ય રાશી મિથુન અને ચંદ્ર રાશી સિંહ હોય કે પછી ચંદ્ર રાશી મિથુન હોય અને સૂર્ય રાશી સિંહ હોય એ બંને સ્થિતિમાં આ વાત લાગુ પડે છે. વ્યક્તિને જયારે આત્માથી રાજીપો થાય ત્યારે  ચોક્કસ સારી ઉર્જા મળી શકે છે. તુલા અને કન્યાના સૈયોજન વળી વ્યક્તિ લાગણીપ્રધાન હોય છે. તેમને હમેશા શ્રેષ્ઠ વસ્તુઓ ગમે છે. પણ નાની એવી ભેટ પણ એમને રાજી કરી શકે છે. કર્ક અને વૃશ્ચિક ના સીયોજન વળી વ્યક્તિઓ વિશ્વાસને પાત્ર ન હોય તેવું બની શકે. તો કુંભ અને વૃશ્ચિક ના સૈયોજન વાળી વ્યક્તિને અન્ય પાસેથી કૈક અપેક્ષાઓ રહે છે. કર્ક અને કુંભ નું સૈયોજન કોઈને સાચા હ્રદયથીઆશિષ ન આપી શકે તેવું બને તો કન્યા અને કુંભનું સૈયોજન વિભાજન કરાવવા ની લાગણી આપી શકે.

જન્મના ગ્રહ હમેશા સહુથી શ્રેષ્ઠ માહિતી આપી શકે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળી અને ગણિતનું ખુબજ મહત્વ છે. એ સિવાય કોઈ પણ માહિતી પ્રાથમિક ગણી શકાય. કોઈ પણ યોગ્ય વ્યક્તિને રાજી કરવાથી સારી ઉર્જા મળેજ છે. વળી સાચા પ્રેમની પ્રતીતિ માટે પોતે ઉર્જાવાન હોવું જરૂરી છે. મારા અભ્યાસમાં મેં જોયું છે કે કન્યા અને વૃશ્ચિકના સૈયોજન વાળી વ્યક્તિ મિથુન અને સિંહના સૈયોજન વાળી વ્યક્તિનો રાજીપો લે છે ત્યારે તે પોતે પણ સુખી થાય છે. આવું અન્ય લોકો માટે પણ વિચારી શકાય.ઘણીવાર માણસ પોતાનાથી દુર યોગ્ય વ્યક્તિઓને શોધતી હોય છે અને તે પોતાની આસપાસ પણ મળી જાય તેવું પણ બને. કોઈ સંસ્થામાં મદદ કરવી સારી જ છે પણ પોતાના જાણીતા માણસોને મદદકરવાથી તેમની પોતાના પ્રત્યેની લાગણી પણ સકારાત્મકતામાં વધારો કરી શકે છે. કોઈને ભણવામાં મદદ કરો, કે ફી ભરી આપો તો એ પણ ભેટ જ છે. કોઈને તેની જરૂરિયાત મુજબ કામ અપાવો તો એ પણ ભેટ જ છે. કોઈનો હાથ પકડીને ઉપર આવવામાં મદદ કરો તો એ પણ ભેટ જ છે. વિચારો, આવી કેટલી બધી ભેટ તમે આપી શકશો?  વળી હૃદયના સાફ માણસોના આશિષ હમેશા પ્રેમ વધારે. જીવન સુંદર બનાવે. દરેક ક્ષણ ખાસ બનાવે.

(મયંક રાવલ)

લવ આજ કલઃ આજે નહીં કાલે નહીં ક્યારેય નહીં

ફિલ્મઃ લવ આજ કલ

કલાકારોઃ સારા અલી ખાન, કાર્તિક આર્યન, રણદીપ હૂડા

ડાયરેક્ટરઃ ઈમ્તિયાઝ અલી

અવધિઃ બે કલાક વીસ મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ

લેખક-દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીની આ મહાબોરિંગ, મહાટોર્ચર ફિલ્મમાં સૂત્રધારની અદામાં રણદીપ હૂડા વર્ષો પહેલાં થયેલા પોતાના પ્રેમની, પ્રેમભંગની કથની 2020ની એક જવાન કન્યાને સંભળાવી રહ્યો હોય છે. અચાનક પેલી કન્યા (સારા અલી ખાન) એની પર તાડૂકે છેઃ “ક્યોં દિમાગ ખરાબ કર રહે હો અપની રોમાન્ટિક સ્ટોરી સુના કે? ક્યોં સુના રહે હો યે સબ? ક્યા ફરક પડતા હૈ મુઝે”?

સારા અલી ખાન, કાર્તિક આર્યન

એક્ઝેક્ટલી દર્શક પણ ઈમ્તિયાઝ અલીને આ જ કહેવા માગે છેઃ વ્હાય? વ્હાય? વ્હાય? 11 વર્ષ પહેલાં એક ફિલ્મ (2009ની ‘લવ આજ કલ’) ચાલી ગઈ એટલે એના રવાડે ચડી જવાનું? ફિલ્મ આફ્ટર ફિલ્મમાં એકની એક કૉમ્પ્લેક્સ લવસ્ટોરીની પત્તર ખાંડ્યા કરવાની? જો એ જ વાત કરવાની હોય, નવું કંઈ કહેવાનું જ ન હોય તો યાર, ફિલ્મ બનાવવાની જરૂર શું છે? એ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ, રિશી કપૂર અને એક સરસમજાની નવોદિતા જિસેલ મોન્તેરિયો જેવા કલાકારો હતાં. આ પૉઈન્ટલેસ ફિલ્મમાં કાર્તિક આર્યન, સારા અલી ખાન અને નવોદિતા આરુષી શર્મા છે. રિશી કપૂરની જગ્યાએ રણદીપ હૂડા છે. ઓક્કે, જૂની ફિલ્મમાં ગઈ કાલ ને આજના પ્રેમવાળું કથાકથન હિંદી સિનેમા માટે નવીનવાઈનું હતું, સંગીત કર્ણપ્રિય હતું, પરફોરમન્સીસ સારા હતા. અહીં કાર્તિક આર્યન અભિનય કેટલો ખરાબ કરી શકાય એની જાણે સ્પર્ધા કરતો હોય એટલો ખરાબ ને ઈરિટેટિંગ છે.

આરુષી શર્મા

ફરી એક વાર, ઈમ્તિયાઝ મિયાં બે કન્ફ્યુઝ પ્રેમકથા લઈને આવ્યા છેઃ એક પાંગરે છે 1990માં ઉદયપુરમાં અને બીજી, 2020માં મૉડર્ન દિલ્હીમાં – 1990માં ઉદયપુરની સ્કૂલ ગર્લ લીના (આરુષી શર્મા)ના પ્રેમમાં પડેલો રઘુ એ ખરેખર તો રણદીપ હૂડા છે. મતલબ રણદીપ હૂડાનું કેરેક્ટર કાર્તિક ભજવે છે. આજે 2020માં રણદીપ હૂડા નવી દિલ્હીમાં એક કેફે ચલાવે છે, જેમાં નિયમિત આવતી જૂઈ (સારા અલી ખાન)ને પોતાની લવસ્ટોરી સંભળાવ્યા કરે છે. એ જ કેફેમાં આવતો વીર (કાર્તિક આર્યન) અને જૂઈ પ્રેમમાં પડે છે. વીર અને રઘુના બન્ને રોલ કાર્તિકે ભયંકર ખરાબ રીતે ભજવ્યા છે. સારા અલી ખાન વાતવાતમાં “તૂમ આઈટમ ક્યા હો”? અને “કરિયર પે ફોકસ કરના હૈ”… અને “વોટેવર” બોલ્યા કરે છે, બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે (જેના કોઈ અર્થ નથી)… પણ એનો અભિનય ઠીકઠાક છે.

ઈમ્તિયાઝ અલી હવે વહેલી તકે અસ્તિત્વની ઓળખનો પ્રવાસ-સાચો પ્યાર-કમિટમેન્ટ, વગેરે વગેરે વગેરેમાંથી બહાર નીકળે તો સારું. ‘તમાશા’ અને ‘હેરી મેટ સેજલ’, વગેરે ટાઈટલ જ બદલાય છે બાકી વાર્તા, કથાકથન એ જ રહે છે. ટૂંકમાં ‘કલ આજ કલ’ની વાત કરીએ તો, જો તમારે વેલેન્ટાઈન્સ ડે અને મગજ બગાડવાં હોય તો ‘લવ આજ કલ’ જોવા જજો.

(જુઓ ‘લવ આજ કલ’નું  ટ્રેલર)

પુલવામાના શહીદોને આ વ્યક્તિએ આપી અનોખી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ “આર્યાવર્તને” (ભારત) અખંડ રાખવા માટે પોતાનું અસ્તિત્વ પાથરી દેનારા સીઆરપીએફના 40 શહીદોને તેમની પ્રથમ વરસી પર આખા દેશે શ્રદ્ધાંજલી અર્પિત કરી. પરંતુ એક દેશ ભક્તે તો આ શહિદોને એવી શ્રદ્ધાંજલી આપી કે જે સૌથી અલગ છે. વ્યવસાયે ગાયક ઉમેશા ગોપીનાથ જાધવે જે ભાવના સંકલ્પ સાથે તેમને પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરી છે, તે શહીદોની શહાદતની જેમ જ સહુના માટે પ્રેરણાસ્ત્રોત છે. આ વ્યક્તિ છેલ્લા એક વર્ષથી સતત આખા દેશમાં ફર્યા અને પુલવામામાં શહિદ થયેલા દરેક વ્યક્તિના ઘરે ગયા. તેમના ગામ-ઘરની માટી લીધી અને તેને લઈને શહિદોની કર્મભૂમિ પર પહોંચ્યા. આ વ્યક્તિની રાષ્ટ્રભક્તિ, શહીદોના મિશન પ્રત્યે તેમની આસ્થા અને માનને વધારતા સીઆરપીએફે પણ શહીદ સ્મારક સ્થળ પર તેમના દ્વારા લાવવામાં આવેલી માટીને પ્રસ્થાપિત કરી. 

પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે આજે સવારે જ્યારે કૃતજ્ઞ રાષ્ટ્રને તેમના શહીદ સ્મારક સ્થળ અર્પિત કરવામાં આવ્યું તો ઉમેશ ગોપીનાથ પણ ત્યાં ઉપસ્થિત હતા. સીઆરપીએફે તેમને લિથપોરામાં શહીદ સ્મારક સ્થળના ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ અતિથી તરીકે બોલાવ્યા હતા. પ્રત્યેક શહીદના ઘરે જઈને તેમના ઘરના આંગણાની માટી લાવવા માટે તેમણે 61,000 કિલોમીટરની યાત્રા કરી.

શ્રીનગર-જમ્મૂ હાઈવે પર દક્ષિણ કાશ્મીરમાં લિથપોરા, પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ બપોરે આશરે 3 વાગ્યે જૈશ-એ-મહોમ્મદના આત્મઘાતી આતંકીએ વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 સીઆરપીએફના કર્મચારીઓ શહીદ થયા હતા. આ હુમલામાં હુમલાખોરના પણ ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. છેલ્લા દોઢ દશક જેટલા સમયગાળા દરમિયાન કાશ્મીરમાં આ અત્યારસુધીનો સૌથી મોટો આત્મઘાતી હુમલો હતો.

શહીદ સીઆરપીએફના જવાનોના સ્મારક સ્થળ તેમના બલિદાન સ્થળથી આશરે 200 મીટર દૂર સ્થિત સીઆરપીએફના લિથપોરા કેમ્પ પરિસરની અંદર જ બનાવવામાં આવ્યું છે. શહીદ સ્મારક સ્થળને એડીજીપી સીઆરપીએફ જુલ્ફિકાર હસને આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું. તેમણે ઉમેશ જાધવને સન્માનિત કર્યા. શહીદ સ્મારક સ્થળના ઉદ્ઘાટન બાદ એક વાતચીતમાં ઉમેશ જાધવે કહ્યું કે, આપણે આ શહીદો અને તેમના પરિવારોનું ઋણ ક્યારેય નહી ચૂકવી શકીએ. મને પુલવામાંના પ્રત્યેક શહિદના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા તેનું ગૌરવ છે. માતા-પિતાએ પોતાના બાળકો ગુમાવ્યા છે, સુહાગણે પોતાનો સુહાગ ગુમાવ્યો છે અને પોતાના જીવનની કુરબાની આપી છે, બાળકોના માથા પરથી પિતાની છત્રછાયા ઉઠી ગઈ છે, અને ઘણા જુવાનિયાઓએ પોતાના મિત્રો ખોયા છે.

મેં દરેક શહીદના ઘરની માટી લીધી, મેં તે સ્મશાન ભૂમિની માટી પણ એકત્ર કરી કે જ્યાં તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ માટીનો અહીંયા યુદ્ધ સ્મારકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા માટી મૂકવામાં આવી છે. આ આપણને બધાને આ શહીદોના બલિદાનને સદાય યાદ રાખવા અને આ દેશને આતંકવાદ મુક્ત બનાવી રાખવા માટે પ્રેરણા પ્રદાન કરે છે.

કાશ્મીર વિશે તુર્કીના એર્દોગનનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ તુર્કી મલેશિયાને રસ્તે છે. હાલ તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાનમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે પાકિસ્તાની સંસદને સંબોધતાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. એર્દોગને કહ્યું હતું કે કાશ્મીર જેટલું પાકિસ્તાન માટે મહત્ત્વપૂર્ણ છે. એટલું તુર્કી માટે પણ મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં જુલમ થઈ રહ્યા છે. તેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાની રાગ આલાપતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને બિનશરતી ટેકો કરવાનું વચન પણ આપી દીધું છે.પાકિસ્તાની સંસદમાં એર્દોગનનું સંપૂર્ણ ભાષણ ઇસ્લામ અને મુસલમાનની આસપાસ જ હતું. તેમણે કહ્યું હતું કે કોઈ જમીનની સીમા ઇસ્લામ માનવાવાળાને વહેંચી નથી શકતી. એર્દોગને અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પને પણ આડે હાથ લીધા હતા. તેમણે મુસ્લિમ દેશોને એકજૂટ થવા પર ભાર મૂક્યો હતો. તેમણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. એર્દોગને પાકિસ્તાનને કહ્યું હતું કે તમારું દર્દ એ મારું દર્દ છે. તેમણે આ પહેલાં 2016માં પાકિસ્તાની સંસદને સંબોધી હતી.

તેઓ બે વર્ષ પહેલાં બે દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા.  પણ ભારત આવતાં પહેલાં એ વખતે તેમણે એક ઇન્ટવ્યુમાં કાશ્મીર મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર મામલો દ્વિપક્ષી નહીં, પણ બહુપક્ષી છે. જોકે તેમના નિવેદન બાબતે આશ્ચર્ય ના થવું જોઈએ, કેમ કે પાકિસ્તાન અને તુર્કી જૂના મિત્રો છે. વળી, તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગન ગુરુવારે ઇસ્લામાબાદ હતા, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેમને એરબેઝ પર રિસીવ કરવા ગયા હતા અને ગાર્ડ ઓફ ઓનર આપ્યા પછી ઇમરાન ખાને તેમની ગાડી ડ્રાઇવ કરી હતી.

 

પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ ભારત પ્રવાસ પર આવેલા પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો ડી સોસા અને વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા કરી હતી. પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા અને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે ઘણી સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા ભારતના ચાર દિવસના પ્રવાસ પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિએ આજે વાતચીત કરી હતી. ચાર દિવસની ભારત યાત્રા પર આવેલા પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે વ્યાપાર અને ઈન્વેસ્ટમેન્ટ સહિત ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ કઈ રીતે બનાવી શકાય તે મુદ્દે વાત થઈ. પોર્ટુગલના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત યાત્રા છે.

પોર્ટુગલના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપી. તેઓ 16 ફેબ્રુઆરી સુધીની ભારતની રાજકીય યાત્રા પર છે.

આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોર્ટુગલના રાષ્ટ્રપતિને મળશે. તેમના સન્માનમાં આજે સાંજે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવશે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ પોતાની ભારત યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવા પણ જશે.

નિર્ભયા કેસઃ વિનયની દયા અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં વધુ એક દોષી વિનય શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી પીઠે દોષી વિનય શર્માની અરજીને નકારી કાઢી છે. જોકે વિનયએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારી કાઢવાના ફેંસલાને પડકાર ફેંક્યો હતો. દોષી વિનયે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું હતું કે તેમના કેસમાં રાજકરણ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી સલાહ પક્ષપાત વાળી અને પૂર્વાગ્રહથી ગ્રસ્ત છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે દયા અરજીને નકાઢી કાઢવા વિરૂદ્ધ મુકેશની અરજીને નકારી કાઢી કરી દીધી હતી. આ સાથે જ જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠે રાષ્ટ્રપતિને દયા અરજીના નિર્ણય પર પોતાની મોહર લગાવી દીધી હતી. જોકે મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રાષ્ટ્રપતિની દયા અરજી નકારી કાઢવાના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. અરજીમાં 1 ફેબ્રુઆરીના ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.

ત્યારબાદ નિર્ભયાના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવાની માંગને લઇને દાખલ કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના તે આદેશને પડકાર ફેંક્યો છે, જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે દોષીઓને અલગ-અલગ ફાંસી ન આપી શકાય. આ પહેલાં હાઇકોર્ટમાં કેન્દ્રનો પક્ષ રજૂ કરતાં સોલિસિટર જનરલ તુષારે કહ્યુંહતું કે દોષી દ્વારા જાણી જોઇને મોડું કરવામાં આવી રહ્યું છે.

નિર્ભયા મામલે દોષિતોને અલગ-અલગ ફાંસી પર ચઢાવવાની માંગ કરનારી કેન્દ્ર અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભાનુમતી બેભાન થઈ ગયા હતા. બેંચ સુનાવણીને વચ્ચે છોડીને ચાલી ગઈ હતી. નિર્ણય લખાવતા પહેલા જસ્ટિસ ભાનુમતીને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા હતા. જો કે થોડીજ વારમાં તેઓ ભાનમાં આવી ગયા હતા. ત્રણે જજ ચેમ્બરમાં ગયા. પ્રાપ્ત વિગતો અનુસાર તેમને તાવ આવ્યો હતો અને તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું.

જાહેર ક્ષેત્રની બેકોમાં નવ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની છેતરપિંડી

ઇન્દોરઃ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં જાહેર ક્ષેત્રની 18 બેન્કોમાં રૂ. 1.17 લાખ કરોડની છેતરપિંડીના કુલ 8,926 કેસ નોંધાયા છે, એમ એક આરટીઆઇના જવાબમાં વિગતો બહાર આવી છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આ છેતરપિંડીને લીધે સૌથી મોટો ફટકો પડ્યો છે. આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગોરે કરેલી આરટીઆઇના જવાબમાં આ છેતરપિંડીઓ વિશે જાણવા મળ્યું છે.એસબીઆઇના ડિસેમ્બર, 2019 સુધીના પૂરા થતા નવ મહિનાના સમયગાળામાં રૂ. 30,300 કરોડની બેકિંગ છેતરપિંડીના કુલ 4,769 કેસો નોંધાયા હતા.

એપ્રિલથી નવ મહિનાના ગાળામાં રૂ. 1,17,463.73 કરોડની બેન્કિંગ છેતરપિંડીના કુલ નોંધાયેલા કેસોમાં આ 26 ટકા જેટલા છે, એમ તેમણે કહ્યું હતું. આ જ રીતે પંજાબ નેશનલ બેન્કમાં આ સમયગાળા દરમ્યાન બેન્કિંગ છેતરિંડીના આ જ સમયગાળામાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 5,604.55 કરોડની છેતરપિંડી થઈ હતી, જેમાં છેતરપિંડીના 292 કેસો નોંધવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની સાથે રૂ. 5,556.64 કરોડના 151 કેસો નોંધવામાં આવ્યા છે અને ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ  સાથે રૂ. 4,899.27 કરોડની થયેલી છેતરપિંડીના બનાવોમાં 282 કેસો નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત કુલ રૂ. 31,600.76 કરોડની છેતરપિંડીના કુલ 1,867 કેસો કેનેરા બેન્ક, યુકો બેન્ક, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક અને પંજાબ અને સિંધ બેન્કમાં નોંધવામાં આવ્યા હતા. જોકે રિઝર્વ બેન્કે આ બેન્કિંગ છેતરપિંડીઓ વિશે કોઈ વિશેષ વિગતવાર માહિતી નહોતી આપી કે આ નુકસાન બેન્કોએ કે ગ્રાહકોએ ભોગવવું પડશે.

અમદાવાદની કળા-સંસ્કૃતિને પરિભાષિત કરતો ઉત્સવ

અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે અમદાવાદમાં 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી અમદાવાદની કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.

પ્રથમ બે સંસ્કરણો દરમિયાન મળેતા અભૂતપૂર્વ પ્રતિસાદે ખરા અર્થમાં અભિવ્યક્તિને વધુ સંખ્યામાં કલાકારોના કાર્યોને આગળ લાવવા માટે પ્રેરિત કર્યું છે. આ વર્ષે 30 કલાકારો 18 મેઈનસ્ટેજ અને 6 પ્લેટફોર્મ પર પર્ફોર્મન્સ રજૂ કરશે. આ ઉપરાંત 44 દ્રશ્ય કળાઓ 50 કલાકારો દ્વારા ડિઝાઈન તેમજ સ્થાપિત કરવામાં આવશે.

ઉદ્ઘાટન પૂર્વે બે પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની તાંડવ નર્તન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના ડિરેક્ટર જિજ્ઞેશ સુરાણી દ્વારા ગરવો ગિરનાર અને 80 થી વધુ નાટકો તેમજ 30 જેટલી ફિલ્મોના અનુભવોથી સજ્જ ચેતન દૈયા નિર્દેશિત જિલેટિન પ્રસ્તુત કરવામાં આવ્યું.

ગિરનાર ગુજરાત રાજ્યનું સૌથી ઉંચુ પર્વત શિખર છે કે જે સંસ્કૃતિ, ઈતિહાસ, શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. ગુજરાતીઓ હંમેશા તેને ગરવો ગિરનાર કહે છે, કારણ કે, તે વિવિધ ધાર્મિક સંપ્રદાયો જેવા કે, જૈન ધર્મ, શૈવ ધર્મ, શક્તિ સંપ્રદાય અને ગુરુ દત્તાત્રેયનો પણ પ્રતિક છે. ગિરનાર જતા શ્રદ્ધાળુઓ ત્યાંના અન્ય શિખરો પર આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ જાય છે. જિજ્ઞેશ સુરાણીએ ભરત નાટ્યમ અને ગુજરાતી લોકનૃત્યના પોતાના બે દાયકાના અનુભવનું સંમિશ્રણ કરીને પર્વત અને શિખરોની આસપાસ ફરતી વાર્તાઓને વર્ણવતા અર્થસભર નૃત્યની રજૂઆત કરી.

સાંજની બીજી પ્રસ્તુતિ જિલેટિન, એક નાટકના સફળ થવામાં, ટીમવર્કના મહત્વની વાત કરે છે. નાટક જોતી વખતે કોઈના મનમાં એવા પ્રશ્નોની હારમાળા સર્જાય છે. જેમ કે, જો નિર્માણ ટીમ ગેરહાજર રહેશે તો નાટકનું શું થશે? નાટકની સફળ સમાપ્તિ માટે કોણ જવાબદાર છે? શું તે કલાકારો છે, લેખકો છે કે પછી નિર્માણ ટીમ? ચેતન દૈયા પોતાના અભિનય દ્વારા આ મૂંઝવણ રજૂ કરે છે. આ નાટકમાં એવું થાય છે કે, મહાભારતના નાટકના પ્રદર્શનમાં એક્ટિંગ અને પ્રોડક્શન વિભાગના લોકો વચ્ચે વિવાદ થઈ જાય છે. અભિનેતાઓને લાગે છે કે, તેઓ નાટકના અસલી નાયક છે અને ટેક્નિકલ ટીમ માત્ર એક બોજો છે. આ અભિનય મુંબઈની એક નાટ્ય પ્રતિયોગિતાની વાર્તા પ્રસ્તુત કરે છે. અભિનેતાઓ સ્પર્ધાના આયોજન સ્થળે પહોંચી જાય છે પરંતુ કોઈ અણધાર્યા સંજોગો પેદા થઈ જતા પ્રોડક્શન ટીમ ત્યાં પહોંચી શકતી નથી. પ્રોડક્શન ટીમ વિના આ પ્રસ્તુતી કેવી ઝાંખી પડી જાય છે તે આ નાટક રજૂ કરે છે. જિલેટિન નાટક ટીમ વર્કના મહત્વને અંકિત કરે છે.

ચેતન દૈયાને “હંગામા હાઉસ” માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. “કરસનદાસ પે એન્ડ યૂઝમાં” તેમને રેડિયો સિટી દ્વારા પીપલ્સ ચોઈસ એવોર્ડ ફોર બેસ્ટ નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા હોવાની સાથે-સાથે ચેતન “ઉપાસના પર્ફોર્મિંગ આર્ટ્સમાં” પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે અને પોતાની કળા તેમજ જ્ઞાનને ઉત્સાહી વિદ્યાર્થીઓ સાથે વહેંચે છે. “જિલેટિન” ચેતનના શોખ પ્રત્યેના તેમના નિરંકુશ(નિષ્કલંક) સમર્પણને દર્શાવે છે.

અભિવ્યક્તિ એ UNM ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એક અનોખી પહેલ છે, જે કળાને સ્થાન, શારીરિક તેમજ વ્યક્તિગત મર્યાદા અને સામાજિક અથવા આર્થિક મર્યાદા વિના પ્રેક્ષકોની સમક્ષ રજૂ કરીને, અમદાવાદ શહેરની સામાજિક ગૂંથણીનો અભિન્ન ભાગ બનવાની કલ્પના કરે છે.

70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસઃ પાક વિરુદ્ધ ભારતે કેસ જીત્યો

લંડન: હૈદરાબાદના નિઝામના પૈસાથી જોડાયેલા એક 70 વર્ષ જૂના કેસમાં છેવટે હવે ચુકાદો ભારત પક્ષે આવ્યો છે. લંડનની એક બેન્કમાં આશરે સાત દાયકાથી કરોડો રૂપિયા ફસાયેલા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખ્ખો પાઉન્ડ મળશે, એટલું જ નહીં, પાકિસ્નને પણ ભારતને રૂ. 26 કરોડ આપવા પડશે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવાના ખર્ચના પૈસામાં 65 ટકા છે. લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રિટનમાં હાઇ કમિશનને 35 મિલિયન પાઉન્ડ (રૂ. 325 કરોડ) પોતાના હિસ્સા સ્વરૂપે મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર, 1948થી નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્ક અકાઉન્ટમાં ફસાયેલી હતી. પાકિસ્તાને પણ રૂપિયા પર દાવો કર્યો હતો.

ભારતને કાનૂની ખર્ચની રકમ પણ મળી

પાછલા વર્ષે ઓક્ટોબરમાં હાઇકોર્ટે ભારત અને મુકર્રમ જાહ(હૈદરાબાદના આઠમા નિઝામ)ના પક્ષમાં ચુકાદો આપ્યો છે. મુકર્રમ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાનની સામે લંડન હાઇકોર્ટમાં પાછલાં છ વર્ષથી આ કેસ લડી રહ્યા હતા. આ રૂપિયા કોર્ટે ટ્રાન્સફર કર્યા છે.  અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાને ભારત સરકારને આશરે રૂ. 26 કરોડ ચૂકવ્યા છે, જે ભારતે આ કેસમાં કરેલા ખર્ચના 65 ટકા છે. જોકે બાકીના ખર્ચ માટે પણ વાત ચાલી રહી છે.  આઠમા નિઝામના વકીલે પણ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે તેમના ક્લાયન્ટને કેસ લડવા માટેના ખર્ચની 65 ટકા રકમ મળી ગઈ છે. ભારતને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ) મળ્યા છે, જે રૂપિયાને નવી દિલ્હી ટ્રાન્સફર કરાશે.

શું છે આ 70 વર્ષ જૂનો નિઝામ કેસ?

70 વર્ષ પહેલા હૈદરાબાદ સરકારને એ વખતના નાણાપ્રધાન મોઇન નવાઝ જંગે 20 સપ્ટેમ્બર, 1948એ એક મિલિયન પાઉન્ડ અને એક ગિન્ની મોકલી હતી.  ત્યાર બાદ આ રૂપિયા હૈદરાબાદ રાજ્યના નાણાપ્રધાને બ્રિટનના તત્કાલીન પાક હાઇકમિશનર હબીબ ઇબ્રાહિમ રહીમટૂલાને ટ્રાન્સફર કરી હતી. આ ટ્રાન્સફર હૈદરાબાદ રાજ્યને ભારતમાં ભેળવતી વખતે થઈ હતી. ત્યારથી આ રકમ વધીને 35 મિલિયન પાઉન્ડ થઈ હતી. ભારતે આ રૂપિયા પર દાવો કર્યો હતો કે 1965માં નિઝામે આ રૂપિયા ભારતને આપ્યા હતા.

સચિને ઈન્સ્ટા પર પોસ્ટ કરી તો દાદાએ એવી કોમેન્ટ કરી કે ચાહકોને મોજ પડી ગઈ

મુંબઈ: માસ્ટર બ્લાસ્ટર સચિન અને સૌરવ ગાંગુલી ફક્ત ભૂતપૂર્વ સાથી ખેલાડી જ નથી પરંતુ બંને વચ્ચે મિત્રતા પણ ઘણી ગાઢ છે. તેઓ અવાર-નવાર એકબીજા સાથે મજાક મસ્તી કરતા રહે છે. તાજેતરમાં જ સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન સૌરવ ગાંગુલીએ મજાકિયા અદાંજમાં કોમેન્ટ કરી છે. સચિને ગુરૂવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાઉથબેંક મેલબોર્નથી એક તસવીર પોસ્ટ કરી હતી. તેણે તસવીર સાથે લખ્યું હતું કે ‘તડકાનો આનંદ માણી રહ્યો છું’. સચિનની આ પોસ્ટ પર દાદાએ કોમેન્ટ કરી હતી કે, કોઈ કોઈનું નસીબ ઘણું સારું છે… રજાઓ માણી શકે છે. સાથે દાદાએ લાફીંગ ઈમોજી પણ લગાવ્યું છે.

ગાંગુલીની આ કોમેન્ટ પર તેંડુલકરે પણ જવાબ આપતા કહ્યું કે, રજાઓ ખરેખર જ ખૂબ જ સારી છે. તેમણે બુશફાયર ક્રિકેટ બૈશ માટે 10 મિલિયન ડોલરની મૂડી એકત્ર કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર બંને વચ્ચેનો આ સંવાદ ઘણો વાઈરલ થયો છે અને ક્રિકેટ પ્રેમીઓએ પણ તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બંને પૂર્વ ખેલાડીઓ વચ્ચેની આ મજાક મસ્તીમાં ઓફ સ્પિનર હરભજન સિંહ પણ જોડાયા. ભજ્જીએ તેમની કોમેન્ટમાં લખ્યું કે, પાજી તમે કયા ફ્લોરને ટાર્ગેટ કરી રહ્યા છો.

ઉલ્લેખનીય છે કે સચિને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ ભીષણ આગથી પ્રભાવિત પીડિતો માટે ફંડ એકત્ર કરવા માટે બુશફાયર ક્રિકેટ બેશ મેચ દરમિયાન એક ઓવર રમી હતી.