નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલી કારમી હાર બાદ કોંગ્રેસમાં ફૂટ પડી છે. સતત બીજીવાર કોંગ્રેસ દિલ્હીમાં પોતાનું ખાતુ ખોલી શકી નથી ત્યારે હવે પાર્ટીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરુ થયો છે. દિલ્હીના પ્રભારી પદ પરથી રાજીનામું આપનારા પીસી ચાકોએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવ્યા તો હવે જવાબ આપવા માટે મિલિંદ દેવડા અને પવન ખેડા મેદાને આવ્યા છે. બંન્ને નેતાઓએ શિલા દીક્ષિતનો બચાવ કર્યો અને તેમના વખાણ કર્યા છે.
પીસી ચાકો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર જવાબ આપતા પવન ખેડાએ આંકડાઓમાં શીલાના યોગદાનને ગણાવ્યું. પવન ખેડાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, વર્ષ 2013 માં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી તો 24.55 ટકા વોટ મળ્યા હતા. શીલાજી 2015 માં બિલકુલ એક્ટિવ નહોતા તો વોટ 9.7 પર આવી ગયા હતા. વર્ષ 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન પદ સંભાળ્યું તો 22.46 ટકા વોટ પર્સેન્ટ થઈ ગયા હતા.
કોંગ્રેસના નેતા મિલિંદ દેવડાએ પણ ટ્વીટર પર પીસી ચાકોને જવાબ આપ્યો અને શીલા દીક્ષિતનો બચાવ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ લખ્યું કે, શીલા દીક્ષિત એક શાનદાર રાજનેતા હતા. તેમના કાર્યકાળમાં કોંગ્રેસ ખૂબ મજબૂત થઈ હતી અને દિલ્હીએ મોટો બદલાવ પણ જોયો હતો. આ પ્રકારે તેમના નિધન બાદ હારનો દોષ તેમના પર લગાવવો તે ખૂબ ખોટી વાત છે. તેમણે પોતાનું જીવન દિલ્હીની જનતા અને કોંગ્રેસને સમર્પિત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પી.સી ચાકોએ કોંગ્રેસના પ્રભારી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ગાંધીનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું બજેટ પાછું ઠેલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના પ્રથમ ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગુજરાતના અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમ ખાતે પણ આવશે જ્યાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા હવે બજેટ 26 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
હકીકતમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત મુલાકાત પર આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ગુજરાત પણ આવવાના છે. તેથી ગુજરાત સરકારે બજેટની તારીખને બે દિવસ લંબાવી લીધી છે. પહેલા બજેટ 24 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું હતું, પરંતુ હવે રાજ્યના નાણામંત્રી 26 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ હશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત કરશે અને મોટેરામાં બનેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વ્હાઈટ હાઉસની જાહેરાતના એક દિવસ બાદ ટ્રમ્પે ભારત મુલાકાત પર કહ્યું કે, હું ભારત જવા માટે ઉત્સુક છું અને આ મહિનાના અંતમાં મારી ભારત મુસાફરીની રાહ જોઈ રહ્યો છું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. તેઓ એક મહાન સજ્જન છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે થોડા દિવસ પહેલા મોદી સાથે વાત કરી અને વાતચીત દરમિયાન વડાપ્રધાને તેઓને જણાવ્યું કે, લાખો લોકો એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી તેઓનું સ્વાગત કરશે.
મહેસાણા: ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું 34નું અધિવેશન આ વર્ષે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયું. જેમાં દેશના વૈજ્ઞાનિકો અને રાજ્યના સાયન્સમાં અભ્યાસ કરતા તેમજ રીસર્ચ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
ધ વેલ્યુ ઓફ અવસ સાયન્સ એન્ડ ફ્યુચર વેલબીઈંગની સેન્ટ્રલ થીમ સાથે મળેલા આ અધિવેશનમાં સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રે અભ્યાસ-સંશોધન કરતા કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજી વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. અને 300 જેટલા પ્રોજેક્ટના પોસ્ટર્સ રજૂ થયા.
એફએનએ સેક્રેટરી ડીએઇ એન્ડ ચેરમેન એઇસીના પ્રો. કે.એન.વ્યાસે જણાવ્યું કે ઇનોવેશન કરવું હોય ત્યારે શોર્ટકટ રસ્તો નથી ચાલતો. ગમે તેટલી વાર ફેલ થશો પણ રસ્તો છોડવો નહીં. રસ્તો છોડી દેશો તો સફળ નહી થવાય. સ્ટાન્ડર્ડ લીવીંગ જરૂરી છે. આ પ્રસંગે ગુજરાત સાયન્સ કોંગ્રેસ દ્વારા અલગ અલગ ફિલ્ડમાં બેસ્ટ ટીચર્સ એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહીત કરાયા હતા. તેમજ સાયન્સના અલગ અલગ વિષયમા પીએચડી કરનારા સંશોધકોના શ્રેષ્ઠ થીસીસને પણ પુરસ્કાર અપાયા હતાં. બીજી તરફ ગણપત યુનિવર્સિટી તથા નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર (એનઆરડીસી) વચ્ચે એમઓયુ થયા હતા.
ગુજરાતના જાણીતા ન્યૂરોફિઝિશિયન ડો. સુધીર શાહે ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ હેપીનેસ ઉપર લેક્ચર આપ્યું હતું. જેમાં એમણે તમેજ તમારા સુખના સર્જક છો અને હેપીનેસ ઈઝ એ જર્ની એન્ડ નોટ ધી ડિસ્ટિનેશન જેવા સોનેરી સુત્રો આપી સુખી થવાનું સમગ્ર વિજ્ઞાન ખૂબ જ કલાત્મક રીતે-રસપ્રદ રીતે સમજાવ્યું હતું.
સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં 16 વર્ષીય દલિત તરુણ યુવતી પર છ મહિનાથી 10 લોકો બળાત્કાર કરતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ 10 આરોપીઓમાંથી પાંચ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 376-D (ગેન્ગરેપ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોસ્કો) અને શિડ્યુલ્ડ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ)ની જોગવાઈ પણ લગાડવામાં આવી છે.
મેગળવારે કેટલાક સ્થાનિક લોકોએ એક યુવતીને શહેરના એક મંદિરની બહાર રડતી જોઈ હતી, જેથી તેમણે આની જાણ પોલીસને કરી હતી. સોલાપુરના પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે આ યુવતી ઘણી વ્યથિત હતી, એ પછી પોલીસે તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ આ યુવતીએ તેની આપવીતી પોલીસને કહી હતી. ત્યાર પછી પોલીસ હરકતમાં આવી હતી અને કેસ નોંધ્યો હતો. એ પછી પોલીસે 10 આરોપીઓમાંથી પાંચ જણની ધરપકડ કરી હતી, એમ સોલાપુર પેલીસે જણાવ્યું હતું.
આ આરોપીઓમાંના કેટલાક યુવતીના મિત્રો હતાય તેણ પપણ પછી આ હીચકારાના ગુનામાં અન્ય સાથીદારો સાથે જોડાયા હતા,એમ તેમણે કહ્યું હતું. યુવતીના મિત્રોમાંથી કેટલાક ઓટો રિક્ષાચાલકો પણ હતા, છ મહિનાથી તેઓ તેને બળજબરીથી અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ આચરતા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
સોલાપુરના વિજાપુર નાકા પાસેના પોલીસ સ્ટેશનમાં આ 10 આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ હજી અન્ય પાંચ આરોપીઓની તપાસ કરી રહી છે. આ યુવતીના પિતાનું થોડા સમય પહેલાં નિધન થયું હતું. આ યુવતી તેની માતા સાથે રહેતી હતી. તે આજીવિકા રળવા માટે છૂટક નોકરી કરતી હતી.
ક્રિકેટની વાત કર્યા વિના આપણને ચાલતું નથી. બીજા ખેલને આપણે અન્યાય કરતાં હોઈએ છીએ તે ભૂલી જઈએ છીએ. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ (આપ) કેવી રીતે જીત્યો તેની સરખામણી મેરી કોમના બોક્સિંગ કે વિનેશ ફોગટની કુસ્તી સાથે પણ કરી શકાય. બોક્સિંગ અને કુસ્તીમાં તમારી તાકાત જીત માટે જરૂરી ખરી જ, પરંતુ હરિફના દાવપેચ, હરિફની માનસિકતા સામે તમારી માનસિકતા પણ અગત્યની હોય છે. પરંતુ આપણે તો સચિન તેંડુલકરની ક્રિકેટની જ વાત કરવી પડે, કેમ કે તે વધારે ઝડપથી ગળે ઉતરે.
સચિનના ચાહકો તેને ભગવાન ગણાવવા સુધીની વાહિયાત ભક્તિ કરતાં હતા. પણ સચિન એકલો સદી કરી નાખે એટલે ભારતની ટીમ જીતે ખરી? ના, ના, ભક્તિ જરાક બાજુમાં મૂકીને વિચારો, સચિન માત્ર પોતાની એકલાની, અંગત સિદ્ધિ માટે જ વધારે નહોતો રમતો? વિવાદમાં પડવું નથી – મુદ્દાની વાત એ કે સચિન સદી કરીને આવે કે સહેવાગ ફટકાબાજી કરી લે તે પછી અનિલ કુંબલેનો વારો આવે. કુંબલેનો બૉલ હરિફને બેબાળકા કરે અને બેટ અડી જાય ત્યારે વિકેટકિપર ધોનીએ કૂદકો મારીને કેચ કરવો પડે ત્યારે મેચ જીતાય છે.
પ્રથમવાર 2013માં સારો દેખાવ કર્યો હતો અને કોંગ્રેસના ટેકાથી ટૂંકા ગાળાની સરકાર આપની બની હતી. તેને બાદ કરીએ તો આમ આદમી પક્ષે બીજી વાર ભારતીય રાજકારણના ઇતિહાસમાં અભૂતપૂર્વ જીત મેળવી છે. નવો પ્રાદેશિક પક્ષ ઊભો થાય ત્યારે કેટલાક મુદ્દે ભારે આશા અને અપેક્ષાને કારણે સારી જીત મળે. ઉદાહરણો – આંધ્રમાં એન.ટી. રામરાવ રાતોરાત જીતી ગયા હતા. આસોમ ગણ પરિષદના વિદ્યાર્થી નેતાઓ સત્તામાં બેસી શક્યા હતા. પરંતુ બીજી વાર મતદારો પાસે જવાનું થાય ત્યારે હિસાબ તૈયાર થઈ ગયો હોય છે. પાંચ વર્ષની કામગીરીના લેખાંજોખાં લેવાય, આશા અને અપેક્ષાની વાત પૂર્ણ થઈ ગઈ હોય. તે અર્થમાં બીજી વાર પણ જંગી જીત મેળવવી અભૂતપૂર્વ છે.
આમ આદમી પાર્ટીને 53.6 ટકા મતો મળ્યા, જે ગયા વખતના 54 ટકાની નજીક છે. ભારતનું રાજકારણ એવી રીતે ગોઠવાયું છે કે 50 ટકા કરતાં વધારે મતો મેળવવા બહુ અઘરા હોય છે. ભાજપને લોકસભામાં 2014માં અને 2019માં કેટલાક રાજ્યોમાં 50 ટકા કરતાં વધારે મતો મળ્યા હતા. મોદી સરકાર પણ બીજી વાર વધારે મતોથી જીતી હતી, પણ ફરક એટલો કે તે વર્ષો જૂનો પક્ષ અને વ્યાપક સંગઠન ધરાવતો પક્ષ છે. આપને હજી દાયકો પણ થયો નથી અને સંગઠન કરતાંય એક વ્યક્તિના આધારે ચાલતો પક્ષ છે.
બીજું કે બંને ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષો વિખરાયેલા અને નબળા હતા. ભાજપ બે વિજયો સાથે વધારે મજબૂત થયો હતો અને તેવા મજબૂત હરિફ પક્ષ સામે આપે લડવાનું હતું. છતાં આપ જીતી શક્યો. ભાજપે પણ ગત વખત કરતાં સારો દેખાવ કર્યો – મતોની ટકાવારી પાંચેક ટકા વધી અને પાંચ બેઠકો પણ વધી. પરંતુ સત્તા ફરી આપને જ મળી, કેમ કે તેની ટીમમાં પણ ભાજપની જેમ ઑલરાઉન્ડરો છે.
હવે મૂળ વાત પર આવીએ. આપના વિજયને મોટા ભાગે એવી રીતે લેવામાં આવી રહ્યો છે કે વિભાજનનું રાજકારણ ચાલ્યું નથી, શાહિનબાગને કરન્ટ લાગવાને બદલે ભાજપને સામો કરન્ટ લાગી ગયો છે, હવે તો માત્ર કામની જ વાતો કરવી પડશે, શિક્ષણ અને આરોગ્યને જ મહત્ત્વ આપવું પડશે, વીજ અને પાણી બીલમાં કાપ સહિતની રાહતો નાગરિકોને આપવી પડશે અને આટલું કરવામાં આવશે તો ભાજપ જેવા સશક્ત બની ગયેલા પક્ષને હરાવી શકાશે.
આ વાત ખોટી પણ નથી, સાચી પણ નથી. પોતે કરેલા કામની જ વાતો કરવાથી કામ થઈ જશે અને બીજા ઉશ્કેરણી કરનારા મુદ્દાઓની અસર જ નહિ થાય તેમ માની લેવું ભૂલ ભરેલું ગણાશે. સરકારમાં બેસીને સારા કાર્યો કરવા અનિવાર્ય છે. પહેલાં પણ હતા, આજેય છે અને રહેશે. ચૂંટણી પ્રચાર વખતે એ જ મુદ્દાની બૉલિંગ કરવાની. કામના દડા જ જોરશોરથી ફેંકવાના અને સામા પક્ષને રમવાનો મોકો જ આપવાનો નહિ.
આવી નીતિ ઉપયોગી છે, પણ પછી બેટિંગ કરવાની આવશે અને સામા પક્ષને પણ બાઉન્સર ફેંકવાની તક મળવાની છે તે યાદ રાખવાનું કે નહિ? અને એ કેમ ભૂલી જવાય કે બૉલિંગ કરતી વખતે નો બોલ નાખવાના નથી? અને ચૂસ્ત ફિલ્ડિંગ પણ જોઈએ ને?
સત્તામાં હો અને પ્રચારના મેદાનમાં ઉતરો એટલે વિપક્ષ તરફથી બાઉન્સરો શરૂ થવાના છે. હવે બેટિંગમાં ઉતરેલા પક્ષે નક્કી કરવાનું હોય છે કે બાઉન્સર સામે હિંમત કરીને બાઉન્ડ્રી મારવા કોશિશ કરવી કે પછી ડક કરી દેવું. બાઉન્સરને જતા કરવા અને રમવા જેવા બોલ મળે ત્યારે રમી લેવું તે સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ. ભાજપ તરફથી વિપક્ષો સામે જયશ્રી રામનો બાઉન્સર (આમ તો ગુગલી) આવે ત્યારે તેઓ બઘવાઈ જાય છે. જયશ્રી રામ કોઈ રાજકીય નારો નથી, જયશ્રી રામ ફરિયાદ કરી શકાય તેવું નિવેદન નથી. જયશ્રી રામ સામે સિતારામ પણ બોલી શકાય છે અને જય બજરંગ બલી પણ બોલી શકાય છે. અરવિંદ કેજરીવાલે એ જ કામ કર્યું હતું. તેમણે જય બજરંગ બલી બોલીને બાઉન્સરોને ખાળ્યા છે.
આપના સૌરભ ભારદ્વાજે પરિણામના દિવસે તેમના પક્ષની ‘ફિલ્ડિંગ’ની નીતિ કેટલી અસરકારક હતી તેનો નમૂનો આપ્યો હતો. તેમણે કહ્યું કે મતદાનના દિવસે ભાજપના કાર્યકરો રસ્તા પર ઊભા રહીને જયશ્રી રામના નારા લગાવતા હતા. ભારદ્વાજે કહ્યું કે અમે અમારા કાર્યકરોને ત્યાં મોકલ્યા અને જય બજરંગ બલીના નારા લગાવ્યા. આપની ટીમ આ રીતે દરેક ભાજપના દરેક બોલ વખતે ‘ફિલ્ડિંગ’ ગોઠવતી રહી અને ભાજપના ‘ફટકાબાજો’ને કેચ આઉટ કરતી રહી.
અરવિંદ કેજરીવાલ મતદાન પહેલાં હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. કેજરીવાલે હાથ ધોયા વિના દર્શન કર્યા એમ કહીને ભાજપના નેતા મનોજ તિવારીએ છી.. છી.. કર્યું. કેજરીવાલે કહ્યું કે અરે ભાઇ હું તો સાદા જૂતા પહેરું છે એને હાથ અડાડ્યા વિના જ કાઢી શકાય. આટલી જ વાત કરીને કેજરીવાલે એ દર્શાવી આપ્યું કે વાત હાથ ગંદા હતા કે નહિ તેની નથી, પણ મનોજ તિવારી જેવા લોકોના મનમાં રહેલી ગંદકીની છે. મનોજ તિવારી આણી મંડળીની માનસિક ગંદકી બહુ અસરકારક રીતે કેજરીવાલે દર્શાવી આપી. તેમણે સહજભાવે હનુમાન ચાલીસા સંભળાવીને રામના નામે રાજકારણ કરતાં ભાજપની બોલતી બંધ કરી દીધી.
હવે અહીં ભાજપની બોલતી બંધ કરી દીધી – આ વાક્યને પકડીને એવું માની લેવામાં આવે કે અમુકતમુક પ્રકારના રાજકારણનો સામનો કામનું રાજકારણથી કરી શકાશે તો તે માન્યતા ભૂલ ભરેલી હશે. રામમંદિરનો મુદ્દો ઘણા લોકો માટે આસ્થાનો મુદ્દો હતો અને તેથી ભાજપે તેને પોતાનો રાજકારણનો મુદ્દો બનાવ્યો હતો. ભાજપનો રાજકારણનો મુદ્દો હતો એટલે લોકોએ આસ્થાનો મુદ્દો નહોતો બનાવ્યો.
લાંબી વાત કરવાની જરૂર નથી. તમે સમજદાર છો એટલે સમજી જશો કે દિલ્હીમાં આમ આદમી પક્ષની જીતને કારણે હવે બસ રાજકીય પક્ષો માત્ર શિક્ષણ, આરોગ્ય, વીજળી, ચોખ્ખું પાણી, ચોખ્ખી હવાની વાત કરશે એટલે જીતી જશે એવું બનવાનું નથી. સત્તામાં હોય તે પક્ષે નવી ચૂંટણી આવે ત્યારે પોતાના કામનો હિસાબ આપવાનો હોય અને વિપક્ષમાં હોય તેણે વિકલ્પ આપવાનો હોય. સાથે જ અગાઉ જે મુદ્દાઓ અને બાબતો સાથે સત્તા પર આવ્યા હોય તેને શાસક પક્ષ ભૂલી શકે નહિ. તે મુદ્દાઓ યથાવત છે અને સારું કામ કર્યું છે ત્યારે બીજી તક આપશો મહેરબાન મતદારો એવું કહેવું પડે. સાથે જ વિપક્ષ તરફથી કામની બાબતે અને વિવિધ વિચારસરણીના મુદ્દા બાબતે પ્રહારો થવાના તેનો અસરકારક સામનો કરવો જરૂરી છે. હરિફ પક્ષ તરફથી આવતા મુદ્દાઓને કેવી રીતે વાળી દેવા કે ટાળી દેવા તે પણ ફરીથી જીત માટે જરૂરી છે. વિપક્ષ માટે એ જરૂરી છે કે સરકારે કરેલા કામની ખામીઓ દર્શાવવા સાથે, પોતાના વિકલ્પો રજૂ કરે. જેમ શાસક પક્ષના મુદ્દા હોય, તેમ વિપક્ષના પણ મુદ્દા હોય – વિપક્ષે તે મુદ્દાઓને વળગી પણ રહેવું પડે. શાસક અને વિપક્ષની વાત કરવાના બદલે રાજકીય પક્ષની વાત કરીએ તો કહેવું પડે કે ક્રિકેટની જેમ ઑલરાઉન્ડરોથી ભરેલી ટીમ બનાવવી પડે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી.
આમ આદમી પાર્ટીને 2015ના મુકાબલે પાંચ સીટોનું નુકસાન છે. જ્યારે ભાજપને એટલી જ સીટોનો લાભ થયો છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 સીટ મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી કેજરીવાલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો હતો. ભાજપે પણ જનાદેશનો સ્વીકાર કરતાં સકારાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવાની કહ્યું હતું. દિલ્હી કોંગ્રેસપ્રમુખ સુભાષ ચોપડાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારતાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.
નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આરોપીઓનું નામ કાલૂ, ધામી અને દેવ છે. તમામ લોકો કિશનગઢ ગામના રહેવાસી છે. મૃતક અને ઘાયલ કિશનગઢના રહેવાસી છે. કાલૂની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે હું હુમલો કરવામાં જોડાયેલો હતો.
પોલીસ અનુસાર આરોપીનું કહેવું છે કે, આપના ધારસભ્ય પર હુમલો કરવા અમે નહોતા આવ્યા. અશોક માન અને તેના ભત્રીજા હરેન્દ્રને મારવાના હતા. આરોપીઓએ ઓશક માનની નજીક જઈને 6 ગોળીઓ મારી જેમાં બે ગોળીઓ હરેન્દ્રને વાગી. પ્રાપ્ત વિગતો અનુસાર કાલૂના ભત્રીજા પર નવેમ્બર 2019 માં હુમલો થયો હતો અને તેના પગમાં ગોળી વાગી હતી. તે મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી પરંતુ કાલૂને શક હતો કે હુમલો અશોક માને કરાવ્યો છે. જો કે તે એફઆઈઆરમાં અશોકનું નામ નહોતું.
પોલીસે જણાવ્યું કે, ગત મોડી રાત્રે ધારાસભ્ય અને તેમના સમર્થકો રહરોલીમાં એક મંદીરમાં પૂજા કરીને પાછા ફરી રહ્યા હતા. સુત્રો અનુસાર મહરોલીના ધારાસભ્યના કાફલા પર સાત ગોળઈઓ ચલાવવામાં આવી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ગઈકાલે બધાને પોતાની તરફ આકર્ષ્યા હતા. આ પરિણામોંમાં આમ આદમી પાર્ટીએ એકવાર ફરીથી શહેરની 62 સીટો પર જીત મેળવતા સત્તા પોતાના પક્ષમાં કરી લીધી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીત પર વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ આપી, જેના પર તેમને ધન્યવાદ આપતા અરવિંદ કેજરીવાલે દિલ્હીને વર્લ્ડ ક્લાસ સીટી બનાવવાની વાત કહી. અરવિંદ કેજરીવાલના આ ટ્વીટ પર બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે પણ જવાબ આપ્યો અને તેમણે અરવિંદ કેજરીવાલને દિલ્હીને પ્રદુષણ મુક્ત બનાવવાની વાત યાદ અપાવી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા, જેમાં ભાજપ માત્ર 8 સીટો પર સમેટાઈ ગઈ અને કોંગ્રેસ તો પોતાનું ખાતુ પણ ન ખોલી શકી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટ્રીક અને તેણે બીજીવાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી છે. જો કે આમ આદમી પાર્ટીને 2015 ના મુકાબલે 5 સીટોનું નુકસાન થયું છો, તો ભાજપને આટલી સીટોનો ફાયદો થયો છે.
વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી જ વાર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મહિનાની 24-25 તારીખે તેઓ નવી દિલ્હી અને અમદાવાદની પણ મુલાકાતે આવશે. એમની સાથે એમના પત્ની મેલાનિયા પણ હશે.
તરણજીત સિંહ સંધુએ અમેરિકા સ્થિત નવા ભારતીય રાજદૂત તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ ટ્રમ્પની ભારત મુલાકાત નિશ્ચિત કરવામાં આવી છે.
નવી દિલ્હી, ખાસ કરીને અમદાવાદની સૂચિત મુલાકાત વિશે ટ્રમ્પ બહુ ઉત્સાહિત છે. ગઈ કાલે વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું હતું કે, ‘હું ભારત જઈ રહ્યો છું. પીએમ મોદીનું કહેવું છે કે 50-70 લાખ લોકો આપણને અમદાવાદમાં આવકારવા માટે હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આપણી સાથે રહેશે.’
ટ્રમ્પની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે વ્યાપાર કરાર થાય એવી ધારણા રખાય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની વિદેશ નીતિના મામલે ટ્રમ્પે એમના પુરોગામી બરાક ઓબામાનું જ અનુસરણ કરવાનું પસંદ કર્યું છે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારના દેશોમાં ભારતને અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે.
જોકે 2019માં ટ્રમ્પે ભારતની વ્યાપાર નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા અને અમેરિકામાંથી આયાત કરાતી ચીજવસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાર્લી ડેવિડસન મોટરસાઈકલો પર ભારતે ઊંચી ઈમ્પોર્ટ ડ્યૂટી લાગુ કર્યા બાદ ટ્રમ્પે ભારતને ‘ટેરિફ કિંગ’ પણ કહ્યો હતો.
ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન પરસ્પર વ્યાપાર સમજૂતીમાં ભારત સરકાર અમેરિકાની 29 કૃષિ ચીજવસ્તુઓ પરની ડ્યૂટી પાછી ખેંચી લેવાની ઓફર કરે એવી પણ ધારણા છે. અમેરિકી મેડિકલ માલસામાન પર ભારત દ્વારા વસૂલાતી ઊંચી ડ્યૂટીના મુદ્દા ઉપર ચર્ચા પણ થાય એવી ધારણા છે.
તે ઉપરાંત ઓટોમોબાઈલ્સ, એન્જિનીયરિંગ અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રોની ચીજવસ્તુઓ માટે માર્કેટ એક્સેસના મુદ્દા ઉપર પણ ચર્ચા થશે.
મિલિટરી હાર્ડવેરની ખરીદી મામલે પણ ભારત સરકાર અમેરિકા પાસેથી અન્ય બાંહેધરી માગે એવી ધારણા છે.
અમેરિકા અનેક ચીજવસ્તુઓની ભારતમાં નિકાસ કરે છે. આમ તેને માટે મોટું ગ્રાહક અને બજાર છે.
ટ્રમ્પની ભારત મુલાકાતને ધ્યાનમાં લઈને બંને દેશના વિદેશ મંત્રાલયોના સત્તાવાળાઓ રાજદ્વારી રીતે સતત એકબીજાના સંપર્કમાં છે.
ગયા સપ્તાહાંતે મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી અને બંને નેતા બેઉ દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે સહમત થયા હતા.
US સિક્રેટ સર્વિસના ચુનંદા અધિકારીઓની એક ટીમ ગુરુવારે અમદાવાદમાં આવશે અને સુરક્ષા વ્યવસ્થાનું અવલોકન કરશે.
નવી દિલ્હીઃ ઊંચા પગારદાર વ્યક્તિને નાણાકીય 2020-21નું બજેટ એક ઝટકા સમાન રહ્યું છે. તેમણે એક મહત્ત્વના ટેક્સ લાભાલાભથી હાથ ધોવા પડ્યા છે. પ્રોવિડન્ટ ફંડ, નેશનલ પેન્શન સિસ્ટમ અને સુપરએન્યુએશન ફંડમાં કર્મચારીનો કુલ હિસ્સો રૂ. 7.5 લાખથી વધુ હોવાની સ્થિતિમાં વધારાના હિસ્સા પર એક એપ્રિલ, 2020થી ટેક્સ લાગશે. આ પહેલાં આમાં કોઈ મર્યાદા નહોતી.
હાલનું ગણિત
અત્યાર સુધી ઊંચા બેઝિક સેલરીવાળાને વ્યક્તિગત ટેક્સપેયર્સ એમ્પ્લોયર્સ પાસે બેઝિક સેલરીના 22 ટકા સુધીનું કોન્ટ્રિબ્યુશન પીએફ (12 ટકા) અને એનપીએસ (10) કરાવી શકતા હતા. આ સિવાય તેમને રૂ. 1.50 લાખ સુધીની રકમ સુપરએન્યુએશન ફંડમાં રોકાણ કરવાથી અને પૂરેપૂરી રોકેલી રકમ પર ટેક્સ રાહત લેવાની સગવડતા હતી. એમ્પ્લોયર દ્વારા સુપરએન્યુએશન ફંડમાં રૂ. 1.50 લાખથી ઉપરના હિસ્સાને એમ્પ્લોયી પર્ક (લાભાલાભ) માનવામાં આવતું હતું. હવે પાછલા વર્ષે એક્સેસ કોન્ટ્રિબ્યુશન પર મળતા વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્સ લાગશે.
નવી ટેક્સ પદ્ધતિથી વધુ ટેક્સ
બજેટ દરખાસ્તો અનુસાર મોટા પગારદારવાળાઓને માટે ટેક્સ વધશે. દાખલા તરીકે જો કોઈ ટેક્સ પેયર્સની મન્થલી બેઝિક સેલરી રૂ. ત્રણ લાખ છે-તો તેણે 12 ટકા લેખે પીએફનું ફરજિયાત કોન્ટ્રિબ્યુશન કરાવવું પડશે, જે વાર્ષિક રૂ. 4.32 લાખ થશે. જો ટેક્સ પેયર્સ એનપીએસમાં પણ એમ્પ્લોયર કોન્ટ્રિબ્યુટર પસંદ કરે છે, તો તેની બેઝિક સેલરીના 10 ટકા લેખે –વાર્ષિક રૂ. 3.6 લાખ એનપીએસમાં જશે. આમ તેનું કુલ કોન્ટ્રિબ્યુશન રૂ. 7.92 લાખ થશે. બજેટ પ્રસ્તાવ મુજબ રૂ. 42,000થી વધારાના હિસ્સા પર ટેક્સ લાગશે. હવે જે લોકોની સેલરી વાર્ષિક રૂ. એક કરોડથી વધુ છે, તેમણે વધારાના કોન્ટ્રિબ્યુશન પર આ રેટથી ટેક્સ ચૂકવવો પડશે.
VPF છે એક ઓપ્શન
વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) એક વિકલ્પ બની શકે છે, જે ઈપીએફનું એક્સટેન્શન છે અને એમાં બેઝિક સેલરીના 12 ટકાથી વધુ કોન્ટ્રિબ્યુશન કરી શકાય છે. આના પર પીપીએફની જેમ 8.65 ટકાના દરે વળતર મળે છે અને ટેક્સેશનને હિસાબે EEE સ્ટેટસ હાંસલ છે. VPFમાં બેઝિક સેલરીના 100 ટકા યોગદાન કરી શકાય છે. એટલે જે લોકોના પગાર વધુ હોય, એ તેમના એમ્પ્લોયરને પીએફ સિવાય અન્ય કોન્ટ્રિબ્યુશન ને VPFથી રિપ્લેસ કરવા માટે કહી શકે છે. આ એશ્યોર્ડ રિટર્નની સુરક્ષિતતા અને ટેક્સફ્રી સ્ટેટસને લીધે તેમના નિવૃત્ત ફંડને મોટું કરવામાં બહુ અસરકારક ટૂલ સાબિત થશે.
પીએફની સાથે VPFમાં રોકાણની સલાહ
ફાઇનાન્શિયલ પ્લાનરનું કહ્યું છે કે મોટા પગાર મેળવતી વ્યક્તિ પાસે ટેક્સ ઓછો કરવા માટે રોકાણ માટેનું કોઈ સાધન નથી, પણ મોટા પગારદાર વ્યક્તિઓ પીએફ સિવાય VPF દ્વારા રોકાણ કરવું જોઈએ. આમાં રોકાણ કરવા પર કોઈ ઉપરની મર્યાદા નથી. આમાં બેઝિક સેલરી અને ડીએ જેટલી રકમનું રોકાણ કરી શકાય છે. આમાં રોકાણ કરવાથી ટેક્સેબલ સેલરી ઘટાડવામાં મદદ નહીં મળે, પણ એના ડિડક્શનને 80Cની સાથે જોડવામાં આવે છે, પણ એમાં રોકાણ કરી શકાય છે, કેમ કે કોન્ટ્રિબ્યુશન પર કોઈ મર્યાદા નથી અને આમાં રોકેલું ફંડ ઇપીએફ જેટલા દરથી વળતર મળે છે, જે પાકતી મુદતે ટેક્સફ્રી હોય છે.
NPS કોન્ટ્રિબ્યુશન પર વિચાર
જે લોકો વધુ ઇક્વિટી એક્સપોઝસ માટે એનપીએસમાં કોન્ટ્રિબ્યુશન રાખવા ઇચ્છતા હોય તેમણે એમ્પ્લોયર દ્વારા અપાતા કોન્ટ્રિબ્યુશન સિવાય પોતાના કોન્ટ્રિબ્યુશન પર વિચાર કરવો પડશે. જો તમે NPS માં રોકાણ કરવા માગતા હો તો તેમાં મહત્તમ મર્યાદા નથી. NPSમાં સેલ્ફ કોન્ટ્રિબ્યુશન યોગ્ય રહેશે, ભલે એમાં 80C અને 80CCD હેઠળ કપાતની મહત્તમ મર્યાદા રૂ. બે લાખ છે. NPSની એક્ટિવ ચોઇસ મોડ હેઠળ 50 વર્ષની ઉંમર સુધી સબસ્ક્રાઇબર 75 ટકા સુધી ઇક્વિટી એક્સપોઝ્સ રાખી શકે છે, જે ધીમે-ધીમે ઘટતું જાય છે.