Home Blog Page 5000

એન્ટીક વસ્તુઓમાં લોકોની દિલચસ્પી કેમ વધી રહી છે?

નવી દિલ્હી: દેશના ખાનદાની રહીશો સમયે-સમયે એમને વારસાગત મળેલો કિંમતી સામાન વેચવાનો નિર્ણય કરતા હોય છે. આ સામાન એવો હોય છે, જેની વ્યવહારિક કિંમત શૂન્ય થઈ ગઈ હોય છે, પણ ઐતિહાસિક વિરાસત તરીકેનું મૂલ્ય વટાવી શકાય એવું હોય છે.

આર્ટ ને સ્કલ્પચર જેવી વારસાગત વિરાસતની તો અલાયદી કેટેગરી છે, સાથે વિન્ટેજ રગ, કાલીન, શૉલ, સાડી, રુમાલ, ઘડિયાળ, ટાઈમ પીસ અને ઓટોમોબાઈલ ફર્નિચર તેમ જ એવો બીજો દાયકાઓ જૂનો સામાન પણ વારસાગત વિરાસત તરીકે વેચાય છે. જૂના દાગીના તો સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે. પારવારિક વિરાસતની નિલામીનું પ્રમાણ હવે વધી રહ્યું છે. આજે આર્ટ માર્કેટ આશરે 1200 કરોડ રૂપિયાનું છે એમાં જોકે પારિવારિક વિરાસત ઘણો નાનો હિસ્સો છે.

ટાઈમલાઈન 25 વર્ષથી શરુ

એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ અનુસાર, ઐતિહાસિક મહત્વની કોઈ પણ વસ્તુ જે 100 વર્ષ કે તેનાથી વધુ જૂની હોય તેનું શિપમેન્ટ ન કરી શકાય. વૈજ્ઞાનિક, ઐતિહાસિક, સાહિત્યિક કે કોઈ ખાસ પ્રકારની કિંમતી હસ્તપ્રત કે રેકોર્ડ માટે આ ટાઈમલાઈન 75 વર્ષથી શરુ થાય છે. આ એક્ટ મારફતે દેશમાં અનેક વખત પ્રાચીન વસ્તુઓની ચોરી રોકવામાં મદદ મળી છે. લો એનફોર્સમેન્ટ એજન્સીઓએ ગયા વર્ષે કુલ 5.5 કરોડ રૂપિયાની અડધા ડર્ઝન જેટલી પ્રાચીન મૂર્તિઓને વિદેશી બજારોમાં ગેરકાયદે રીતે વેચવાની યોજનાને નિષ્ફળ બનાવી હતી.

પશ્ચિમી દેશોમાં અમીર પરિવાર પોતાની પ્રાચીન વિરાસતોને મ્યૂઝિયમોમાં લગાવે છે. ભારતમાં આ ચલણ હજુ શરુ નથી થયું, અહીં સામાન્ય રીતે આવી વસ્તુઓને વેંચી નાખવામાં આવે છે. વેચનાર વ્યક્તિ આ વસ્તુઓને જાહેરમાં નથી વેચવા માગતો, તેઓ નથી ઈચ્છતા કે તેમના પૂર્વજોની વિરાસત સામાન્ય લોકો ખરીદે. જો આ લોકો જાહેરમાં વેચાણ કરવા તૈયાર થઈ જાય તો આવી વસ્તુઓની વધુ કિંમત મેળવી શકે છે.

લાખો-કરોડોની હરાજી

એન્ટીક વસ્તુઓની હરાજી કરનારા અન્ય પ્લેટફોર્મ સૈફ્રનઆર્ટે તાજેતરમાં જ સ્ટીફન વ્હીલરને ‘હિસ્ટ્રી ઓફ ડેલ્હી કોરોનેશન દરબાર’ને 3.85 લાખ રુપિયામાં હરાજી કરી હતી. સૈમ્યુઅલ બોર્ન એન્ડ ચાર્લ્સ શેફર્ડની ‘રોયલ ફોટોગ્રાફિક આલ્બમ ઓફ સીન્સ એન્ડ પર્સોનેઝેસ’ને 13.93 લાખ રુપિયામાં હરાજી કરી હતી. ફ્રૈન્સ બેલ્થાજારની ચાર વોલ્યૂમ વાળી શ્રૃંખલા ‘હિન્દુઝ ઓફ કેલકટા’ સૈફ્રનઆર્ટ પર 22.20 લાખ રુપિયામાં વેચવામાં આવી હતી.

ભાવનગરમાં વુમનિયા નાટક શ્રેણીનો નવતર પ્રયોગ

ભાવનગરઃ આ શહેરને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરના લોકો કલા પ્રેમી અને કલાના કદરદાન લોકો છે. આ કલા નગરીમાં આવેલા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વુમનિયા-ટુ ત્રણ એકાંકીનો પ્રયોગ યોજાયો હતો. માત્ર સ્ત્રી પાત્રો જ છતા ભૃણ હત્યા, દેરાણી-જેઠાણી કે પછી સાસુ વહુની કોઈ વાત જ નહી. કોઈ પારિવારિક કોમેડી નહી, કોઈ લાઉડનેસ પણ આ પ્રયોગમાં નહોતી. પ્રોફેશનલ નાટકોમાં હોય તેવી ચુસ્ત સ્ક્રીપ્ટ, યોગ્ય સ્ટેજ સજાવટ, સંતુલિત અવાજ, ટાંચા સાધનો સાથે પણ સુનિયોજીત પ્રકાશ નિયોજન અને કેરેક્ટરની સ્ટેજ પરની પોઝિશન, વેશભૂષા અને મુવમેન્ટ સાથેનું કાબિલેદાદ દિગ્દર્શન સાથે આ ત્રણ એકાંકી પ્રસ્તુત થયા અને દર્શકોએ પણ આ ત્રણેય નાટકોને હર્ષભેર વધાવ્યા.

ડૉ. અમિત ગલાણી અને સહયોગી ટીમ દ્વારા અગાઉ પણ આ જ શ્રેણીમાં પ્રથમ પ્રયોગ થયો હતો અને આ બીજો પ્રયોગ હતો. હજી  આવા પાંચ પ્રયોગો ‘ વુમનિયા ‘ સાથે કરવાની જાહેરાત ડૉ.  અમિત ગલાણીએ કરી હતી. અત્યાર સુધીમાં છ એકાંકી, બે પ્રયોગ દ્વારા રજૂ થયા અને હજુ આવા ૧૫ એકાંકી પાંચ પ્રયોગ દ્વારા રજૂ થશે જેમાં માત્ર સ્ત્રી પાત્રો જ હશે. વધુમાં ઉલ્લેખનીય છે કે, આ શ્રેણીમાં સ્ટેજ પર સિવાયનું તમામ કામ ભાઇઓ સંભાળી રહ્યાં છે.

અમી પુજા ટ્રસ્ટ અને ટીમ વર્ક ઓફ થિએટર્સ દ્વારા થતો આ વુમનિયા શ્રેણી પ્રયોગ આ પ્રકારના કાર્યક્રમોમાં કદાચ સમગ્ર ગુજરાતમાં અનોખો અને એકમાત્ર પ્રયોગ છે.

ઈન્સ્ટાગ્રામમાં છવાયા રતન તાતાઃ ફોલોઅર્સ 10 લાખને પાર

નવી દિલ્હીઃ રતન તાતા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતા ઉદ્યોગપતિઓ પૈકીના એક છે. તાતાનો ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 10 લાખની પાર પહોંચતા રતન તાતાએ ખૂશી વ્યક્ત કરતા પોસ્ટ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કરતા ટાટાએ લખ્યું કે, મેં અત્યારે જોયું કે આ પેજ પર લોકોની સંખ્યા 10 લાખની પાર પહોંચી ગઈ છે. આ અદભૂત ઓનલાઈન પરિવાર છે, જેના વિશે મે ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયો તે સમયે વિચાર્યું પણ નહોતું. હું આપ તમામ લોકોનો ધન્યવાદ માનું છું. તેમની આ પોસ્ટ પણ વાયરલ થઈ ચૂકી છે અને પ્રાપ્ત વિગતો અનુસાર આ પોસ્ટને 3 લાખ કરતા વધુ લોકોએ લાઈક કરી છે.રતન તાતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સૌથી વધારે મહત્વનું ઈન્ટરનેટ પર આપણા લોકો વચ્ચે થનારો ગુણવત્તાપૂર્ણ સંવાદ છે. તમારી કોમ્યુનિટીનો સભ્ય હોવું અને તમારા લોકો પાસેથી શીખવું તે મારા માટે ખૂબ આનંદ દાયક અને ખુશીઓથી ભરેલું રહ્યું છે. મને આશા છે કે આ શાનદાર સફર આ જ રીતે ચાલુ રહેશે.

ગત વર્ષે ઓક્ટોબરમાં જ ઈન્સ્ટાગ્રામ સાથે જોડાનારા રતન તાતાની પહેલી પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. ઈન્સ્ટાગ્રામ સાથે જ રતન તાતા ટ્વીટર પર પણ ખૂબ સક્રિય છે અને તેમના 70 લાખથી વધારે ફોલોઅર્સ છે. તાજેતરમાં જ તેમણે પોતાની યુવાવસ્થાનો એક ફોટો શેર કર્યો હતો, જેના પર લોકોએ ખૂબ રસપ્રદ કોમેન્ટ્સ કરી હતી. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને હોલીવુડ સ્ટાર જેવા ગણાવ્યા હતા.

રતન તાતાને તેમના ઉદાર સ્વભાવ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. વ્યાપારની દુનિયાના તેઓ એ કેટલાક જૂજ લોકો પૈકીના એક છે કે જેમણે સામાન્ય લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ટાટા સ્ટીલ, ટીસીએસ અને ટાટા મોટર્સ સહિત ઘણી દિગ્ગજ કંપનીઓ તે ટાટા સમૂહનો ભાગ છે કે જેનું નેતૃત્વ રતન ટાટા કરતા રહ્યા છે.

રાશિ ભવિષ્ય 12/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે

પંચાંગ તા. 12/02/2020

‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાનની હિરોઈન બનશે પૂજા હેગડે

મુંબઈ – સલમાન ખાન અભિનીત અને નિર્મિત આગામી નવી હિન્દી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં એની હિરોઈન તરીકે પૂજા હેગડે ચમકશે.

પૂજાએ કહ્યું છે કે પોતે સુપરસ્ટાર સલમાન સાથે કામ કરવા ખૂબ ઉત્સૂક છે.

પૂજાએ એના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, 2020નું વર્ષ મારે માટે ધમાકેદાર શરૂઆતવાળું રહ્યું છે… સલમાન ખાન સાથે કરવા હું ખૂબ આતુર બની છું.

સાજિદ નડિયાદવાલા ‘કભી ઈદ કભી દિવાલી’નું નિર્માણ કરી રહ્યા છે. એમણે પૂજા સાથે ‘હાઉસફૂલ 4’માં કામ કર્યું હતું અને ‘કભી ઈદ કભી દિવાલી’ની હિરોઈન તરીકે એ પરફેક્ટ છે એવું તેમને જણાયું છે. એ સલમાન ખાન સાથે સરસ જોડી બનાવશે એવું પણ નડિયાદવાલાનું કહેવું છે.

સલમાન ખાન ઈદના તહેવારમાં પોતાની ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતો છે. એણે ઈદમાં રિલીઝ કરેલી એની પહેલી ફિલ્મ હતી ‘જુડવા’.

નડિયાદવાલાએ કહ્યું કે ‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાન ખાન એકદમ જુદા જ સ્વરૂપમાં જોવા મળશે. એના લૂક વિશે હાલ ચર્ચા ચાલી રહી છે. પૂજા એમાં સલમાનના પાત્રની પ્રેમિકા બનશે, જે એક નગરની પરંપરાગત પરિવારની છોકરીનો રોલ કરશે.

‘કભી ઈદ કભી દિવાલી’ 2021ની ઈદમાં રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફરહાદ સામજી કરશે.

BSEનો સ્ટેન્ડએલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 151 ટકા વધ્યો

મુંબઈ તા. 11 ફેબ્રુઆરી, 2020ઃ બીએસઈએ તેના 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી જાહેર કરી છે, જે મુજબ સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો  એના આગલા ત્રિમાસિક ગાળાના રૂ.39.22 કરોડથી 151 ટકા વધીને 31 ડિસેમ્બરના અંતે રૂ.98.50 કરોડ થયો છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.36.69 કરોડથી 24 ટકા વધીને 45.57 કરોડ થયો છે. કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ માર્જિન 23 ટકાથી વધીને 31 ટકા થયું છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થયેલા નવ મહિનાના ગાળામાં સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર પ્રોસેસ કરાતા ઓર્ડર્સનું પ્રમાણ આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 55 ટકા વધીને 393 લાખ થયું છે.
ઈન્સ્યુરન્સ બ્રોકિંગનું કામકાજ શરૂ કરવા માટે ઈન્ટરમીડિયરી નેટવર્ક સ્થાપવાનું કામ ચાલુ છે.

ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ક્વાર્ટર ટુ ક્વાર્ટર ધોરણે ટર્નઓવર સ્થિર થયું છે અને આગળ જતાં એમાં વધારો થવાની અપેક્ષા છે. ડિસેમ્બર 2019માં સેન્સેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સનું દૈનિક સરેરાશ ટર્ન ઓવર રૂ.1001 કરોડનું હતું તે જાન્યુઆરી 2020માં રૂ.2,266 કરોડનું થયું છે. બીએસઈની સબસિડિયરી ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જનું ટર્નઓવર બહુ ઝડપથી વધી રહ્યું છે. તેના સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નવ મહિનામાં 211 ટકાનો વધારો થયો છે અને તેનો બજાર હિસ્સો 83 ટકા થયો છે.

નાણાકીય કામગીરીની જાહેરાત પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, સરકારે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી બિલ, 2019 પસાર કરીને બહુ મહત્ત્વનું પગલું લીધું છે. આના કારણે આઈએફએસસી ગિફ્ટ સિટીનો વિકાસ થશે. એ ઉપરાંત સરકારે વેરા પક્ષે પણ ટેકો પૂરો પાડતાં બીએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા આઈએનએક્સની કામગીરી ઉત્તમ રહેશે. કરન્સી ફ્યુચર્સ સેગમેન્ટમાં 31 ડિસેમ્બર, 2019 અંતેના નવ મહિનામાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.11,192 કરોડ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં રૂ.17,867 કરોડ રહ્યું હતું જે 43 ટકા બજાર હિસ્સો દર્શાવે છે.

બીએસઈએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂપિયામાં દર્શાવેલા બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ માટે આઈસીઈ બ્રેન્ટ ઈન્ડેક્સ સાથે લાઈસન્સિંગ કરાર કર્યો છે. કોમોડિટી સેગમેન્ટમાં અત્યારે 276 મેમ્બર્સ છે અને સરેરાશ દૈનિક ટર્નઓર રૂ203 કરોડ છે. બીએસઈએ પાવર એક્સચેન્જની સ્થાપના માટે સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં લાઈસન્સ માટેની અરજી કરી છે.

દિલ્હી પરિણામઃ ભાજપે બે વર્ષમાં છઠ્ઠું રાજ્ય ગુમાવ્યું

અમદાવાદઃ દિલ્હીમાં કારમી હાર બાદ ભાજપની એનડીએ સરકારે છેલ્લાં બે વર્ષમાં છઠ્ઠું  રાજ્યોની ચૂંટણીમાં સત્તા ગુમાવી છે. ભાજપે દિલ્હીમાં ગઈ વખતની ચૂંટણીમાં માત્ર ત્રણ સીટ મેળવી હતી અને આ વખતે ભાજપના સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હી ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ પણ 48 સીટ મળશેનો આત્મવિશ્વાસ ભારોભાર વ્યક્ત કર્યો હતો, પણ એ ખોટો સાબિત ઠર્યો હતો. આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ મેળવીને પ્રચંડ જીત હાંસલ કરી હતી. જેથી હવે ભાજપ સરકારની વિરુદ્ધ દિલ્હી સહિત 12 રાજ્યોમાં વિરોધી સરકારો છે. એનડીએ પાસે હવે 16 રાજ્યો છે, જેમાં દેશની કુલ વસતિ 42 ટકા છે.

ભારતીય મતદારો ઘણા સમજુ અને શાણા છે. તેઓ દેશની ચૂંટણીમાં વડા પ્રધાનના ઉમેદવારને જોઈને મતદાન કરે છે, જ્યારે રાજ્યોની ચૂંટણીમાં તેઓ સ્થાનિક મુદ્દાઓનો ધ્યાન રાખીને મતદાન કરી રહ્યા છે. તેમણે રાજ્ય સ્તરે ભાજપના રાષ્ટ્રવાદને ફગાવતાં રાજ્યોના મુદ્દાઓને  કેન્દ્રમાં રાખીને મતદાન કર્યું હતું.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાછલા છ મહિનામાં જનતાને ઘણું મફત આપ્યું છે. તેમણે બસો અને મેટ્રોમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફત યાત્રા કરાવી છે. આ ઉપરાંત તેમણે દિલ્હીવાસીઓને મફત વીજળી-પાણી આપવાની જાહેરાત કરી હતી. જે ચૂંટણીમાં મધ્યમ વર્ગને ખૂબ ગમી ગઈ હતી અને નિર્ણાયક સાબિત થઈ હતી.

બીજી બાજુ, કોંગ્રેસ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ પુડુચેરીમાં પોતાની કે સાથીપક્ષોની સાથે સત્તા ધરાવે છે. ઝારખંડમાં સરકાર રચાયા બાદ કોંગ્રેસ સાત રાજ્યોમાં સત્તા ધરાવે છે.

 

પ્રત્યાઘાતી ઘટાડા પછી સેન્સેક્સ-નિફ્ટીમાં ફરી  તેજી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં બે દિવસના પ્રત્યાઘાતી ઘટાડા બાદ ફરી તેજી થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડોએ પણ શેરોમાં ભારે ખરીદી કરી હતી. હેવી વેઇટ રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી અને ઇન્ફોસિસની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 237 પોઇન્ટ ઊછળીને 41,236ના મથાળે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ક્રૂડની કિંમતો હાલ સ્થિર હોવાથી શેરોમાં તેજી થઈ હતી. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 41,444.34ની સપાટી સર કરી હતી. એ જ રીતે નિફટી 50 ઇન્ડેક્સ 76.40 પોઇન્ટ વધીને 12,107 બંધ આવ્યો હતો.

વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોની મજબૂતી અને એશિયન માર્કેટોમાં તેજીને પગલે સ્થાનિક શેરબજારોમાં પણ સુધારો થયો હતો. આમ બજારે સ્થાનિક દિલ્હી પરિણામોને નજરઅંદાજ કર્યા હતા. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલ 13 મહિનાના નીચલા સ્તરથી થોડું સુધર્યું હતું, પણ ચીનની માગ દૈનિક ધોરણે 20-30 લાખ બેરલ ઓછી રહેવાને લીધે ક્રૂડની કિંમતો હાલપૂરતતા નરમ રહેશે. જેથી પણ શેરબજારોમાં તેજી થઈ હતી. લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને એક નિવેદનમાં કહ્યું હતું કે અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. દેશમાં એફડીઆઇ વધશે. તેમનાં નિવેદનોની શેરબજાર પર સકારાત્મક અસર થઈ હતી.

મ્યું ફંડોની ઈક્વિટી યોજનામાં અધધધ રોકાણપ્રવાહ

મ્યુચ્યુઅલ ઉદ્યોગના 43 ફંડોમાં જાન્યુઆરીમાં ઈક્વિટી યોજનામાં રૂ. 7,548 કરોડનો ઈક્વિટી ફ્લો આવ્યો હતો, જે ડિસેમ્બર કરતાં 70 ટકા વધુ હતો. ડિસેમ્બરમાં ફંડોની ઈક્વિટી યોજનાઓમાં રૂ. 4,432 કરોડનો રાકાણપ્રવાહ આવ્યો હતો, જેમાં મિડ-કેપ કેટેગરીમાં રૂ. 1,798 કરોડનો રોકાણપ્રવાહ આવ્યો હતો. વળી સ્થાનિક સંસ્થાઓએ સોમવારે ભારતીય બજારોમાં રૂ. 700 કરોડ ઠાલવ્યા હતા. અમેરિકામાં ટેક્નોલોજી શેરોમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં પણ તેજી થઈ હતી. સ્થાનિક શેરબજારમાં બેન્ક, ઓટો અને મેટલ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી. નિફ્ટીના 11માંથી 10 ઇન્ડેક્સમાં તેજી થઈ હતી.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ વૈશ્વિક રોકાણકારો વિશ્વની બીજા નંબરની સૌથી મોટા અર્થતંત્ર ચીનના નવા વર્ષની લુનાર રજા પછીના અહેવાલોની રાહ જોઈ રહ્યા છે.ચીનમાં કોરોના વાઇરસથી 1000 લોકો કરતાં પણ વધુનાં મોત થયાં છે, જેથી વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.

દિલ્હીના પરિણામો પછી હવે રાજકારણની હવા બિહારમાં કેવીક ફૂંકાશે?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ જાહેર થઇ ચૂક્યા છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.

ઘણી બધી રીતે મહત્વની પૂરવાર થયેલી આ ચૂંટણી તો પતી ગઇ, પણ એના દૂરગામી પરિણામો કેવાક આવી શકે છે એ જાણવું પણ રસપ્રદ બની રહે એમ છે. આવો, એ જાણીએ કે દિલ્હીના પરિણામોની અસર અન્ય રાજ્યોની આવનારી ચૂંટણી પર કેવી અને કેટલા અંશે પડી શકે છે.  

દિલ્હીની રાજનૈતિક હવા હવે બિહાર તરફ વળશે કારણ કે આવનારા સમયમાં ત્યાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બિહારની રાજનૈતિક સ્થિતિ પર નજર નાંખીએ તો એક બાજુ જ્યાં ભાજપ જેડીયૂ અને એલજેપીની ત્રીપુટી છે તો બીજી બાજુ પાંચ દળોનું બનેલુ મહાગઠબંધન છે. આમ તો બિહારની રાજનૈતિક લડાઈ દિલ્હીની રાજનીતિથી અલગ છે પરંતુ ત્યાં પણ વિકાસ, સુશાસન, રાષ્ટ્રવાદની સાથે જ સ્થાનિક મુદ્દાઓ પણ હાવી થશે. દિલ્હીમાં વિકાસનો મામલો ભલે રાષ્ટ્રવાદ પર ભારે પડ્યો હોય પરંતુ બિહારની રાજનીતિમાં આને ફગાવી ન શકાય. બિહારની છેલ્લી કેટલીક ચૂંટણીઓ પર નજર નાંખીએ તો ભાજપ પહેલા પણ રાષ્ટ્રવાદની વાતો કરતી રહી છે.

બિહારના ચૂંટણી ઈતિહાસ પર નજર નાંખીએ તો ત્યાં કોઈ એકલુ દળ બાજી મારવાની સ્થિતિમાં નથી. આવામાં બિહારના ચૂંટણી સમીકરણો ગઠબંધનની મજબૂતી સાથે એજન્ડાઓ પર નિર્ભર કરશે. ગત લોકસભા ચૂંટણી જોઈએ તો બિહારમાં રાષ્ટ્રવાદના મુદ્દાએ ભાજપને મતદારો પર મજબૂત પકડ બનાવવામાં ખૂબ મદદ કરી છે. જાતિવાદ અને અનામતનું ફેક્ટર પણ ગત વિધાનસભા ચૂંટણીમાં હાવી રહ્યું હતું, ત્યારે આવામાં જો ગઠબંધન આ તમામ મુદ્દાઓને સાધતા જમીન પર જેટલું મજબૂત દેખાશે તેના પરિણામો એટલા જ ફાયદાકારક સાબિત થશે. આમ તો દિલ્હીની જનતાએ વિકાસના એજન્ડા પર મહોર મારી છે જેને અવગણી ન શકાય.

દિલ્હીના પરિણામોના દ્રષ્ટીકોણથી જોઈએ તો, દિલ્હીની જનતા સ્થાનિક સમસ્યાઓ જેવીકે વિજળી, પાણી વગેરે મુદ્દાઓને ભલે કેન્દ્ર સ્થાને રાખ્યા પરંતુ રાષ્ટ્રવાદને પૂર્ણતઃ નકાર્યો નથી. ભાજપ વોટ શેર અને સીટોના હિસાબથી બીજા નંબરની પાર્ટી બની છે. બિહારમાં સ્થાનિક સમસ્યા, પૂર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે કે જેની ગૂંજ આવનારી વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસ સંભળાશે. બિહારમાં ભાજપ જેડીયૂનું ગઠબંધન પણ ખૂબ મહત્વનું સાબિત થવાનું છે. જો કે તેને સત્તા વિરોધી લહેર સામે પણ ઝઝુમવું પડશે. ભાજપ સહિત તમામ દળોને દિલ્હીના ચૂંટણી પરિણામોમાંથી શીખામણ લેવી પડશે અને તેનાઓને વિવાદિત નિવેદનો આપતા રોકવા પડશે, કારણ કે દિલ્હીની જનતાએ આને નકાર્યું છે.