Home Blog Page 5014

કોરોના વાયરસ ચીનમાં 495 જેટલા લોકોને ભરખી ગયોઃ WHO દ્વારા વૈશ્વિક કટોકટી જાહેર કરાઈ

બેજિંગઃ ચીનમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીનમાં અત્યારે હજારો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીને દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસમાં વાયરસના ચેપીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આમાં આશાઓ વધી અને અથાગ પ્રયત્નોના પરિણામે આ વાયરસને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. તો દેશમાં મૃતકોની સંખ્યા વધીને 495 જેટલી થઈ ગઈ છે. આમાં સૌથી ઓછી ઉંમરનો દર્દી માત્ર 30 કલાકનો છે. WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વિરુદ્ધ કોઈ પ્રભાવશાળી ઈલાજ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, દવા અથવા વેક્સિનના ટેસ્ટિંગમાં અને તેના વિકાસમાં ઘણા વર્ષો લાગી જાય છે.

ચીનમાં ઘાતક કોરોના વાયરસથી મૃતકઆંક 495 થઈ ગયો છે અને 24,324 જેટલા કેસ નોંધાયા છે. બીજા દેશોમાં વાયરસના કેસની સંખ્યા 182 થઈ ગઈ છે. ફિલીપીનમાં પ્રથમ મોતનો મામલો સામે આવ્યો જ્યારે હોંગકોંગે રવિવારના રોજ એક વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.

ચીનમાં કોરોના પીડિતોમાં 30 કલાકના એક નવજાતનો પણ સમાવેશ થાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, તેઓ વર્ટિકલ ટ્રાંસમિશનનો મામલો હોઈ શકે છે જેમાં સંક્રમિત માંથી બાળકમાં ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મ બાદ ચેપ ફેલાય છે. બાળકને જન્મ દેતા પહેલા માતાના તપાસ રિપોર્ટમાં ચેપનો ખુલાસો થયો હતો.

આ વચ્ચે કોરોના વાયરસની સામે લડવા માટે ચીને 10 દિવસની અંદર 1000 બેડ વાળી હોસ્પિટલ બનાવીને તૈયાર કરી લીધી છે. જ્યારે 1300 બેડવાળી બીજી હોસ્પિટલ બુધવારે બનીને તૈયાર થઈ જશે. દિવસેને દિવસે ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. 1.4 અબજની વસ્તી વાળી ચીનમાં કોરોના સામે લડવા માટે મેડિકલ સાધનોની કમી આવી ગઈ છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનઇંગે કહ્યું, ચીનમાં મેડિકલ ઉપકરણોની કમી થઈ ગઈ છે. ચીનને તત્કાલ પ્રભાવથી મેડિકલ માસ્ક, મેડિકલ ગાઉન અને સુરક્ષા ગોગલ્સની જરૂર છે.ત્યાંના ઉદ્યોગ મંત્રાલય પ્રમાણે ચીનમાં સામાન્ય પરિસ્થિતિઓમાં દરરોજ 20 મિલિયન માસ્કનું ઉત્પાદન થાય છે, પરંતુ કોરોનાના કહેરને કારણે ફેક્ટ્રીઓ આજકાલ 60થી 70 ટકા ઉત્પાદન કરી રહી છે. પરંતુ ચીનને સાઉથ કોરિયા, જાપાન, કઝાકિસ્તાન અને હંગરીએ માસ્ક મોકલ્યા છે.

૨૮ દેશોમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાયો છે અને ૨૦ દેશોમાં ચેપના કન્ફર્મ કેસ નોંધાતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાઇરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. આના પગલે અનેક દેશોએ ચીનનો પ્રવાસ કરવા માટે પ્રતિબંધો મૂકી દીધા છે અને ચીન જતી કે આવતી ફ્લાઇટો રદ કરી દીધી છે.

શાહીનબાગમાં ગોળી ચલાવનારના પિતાએ આપ્યું નવું નિવેદન અને થયો વિવાદ

નવી દિલ્હીઃ સીએએ વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હવામાં ગોળીબાર કરનાર કપિલ ગુજ્જરના પિતાએ એક નિવેદન આપતા વિવાદ થયો છે, તેમણે દાવો કર્યો છે કે મારો પુત્ર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સમર્થક છે. જો કે તેમણે આ પહેલા દાવો કર્યો હતો કે અમારા પુત્રને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસે જણાવ્યું હતું કે, શાહીનબાગમાં ગોળી ચલાવનારા 25 વર્ષીય કપિલ ગુજ્જરે આમ આદમી પાર્ટીનો સભ્ય હોવાનું સ્વિકાર્યું છે. પોલીસે ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા હતા, જે મામલે તેમણે જણાવ્યું હતું કે આ ફોટોઝ કપિલના ફોનમાંથી મળ્યા છે જેનાથી તે આપનો સદસ્ય હોવાનું સાબિત થાય છે. ફોટોગ્રાફ્સમાં કપિલ પાર્ટીની ટોપી પહેરીની આતિશી અને સંજય સિંહ જેવા આપ નેતાઓ સાથે દેખાઈ રહ્યો છે.

કપિલના પિતા અને ભાઈએ દિલ્હીમાં સત્તારુઢ આપ પાર્ટી સાથે કોઈ પ્રકરનો સંબંધ ન હોવાની વાત કહી હતી. કપિલના પિતા ગજે સિંહે કહ્યું હતું કે, ન મારો અને ન તો મારા પુત્રનો આપ સાથે કોઈ સંબંધ છે. તેઓ ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા અને બધાને આમ આદમી પાર્ટીની ટોપી પહેરાવી હતી.

દિલ્હી વિધાવસભા ચૂંટણી માટે શનિવારે (8 ફેબ્રુઆરી) ના રોજ થવા જઈ રહેલા મતદાનથી માત્ર ત્રણ દિવસ પહેલા કપિલ ગુજ્જરના સંદર્ભમાં પોલીસના નિવેદનથી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાક્યુદ્ધ શરુ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહે પોલીસ પર ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર કામ કરવાનો આરોપ લગાવ્યો, તો ભાજપે દાવો કર્યો કે પુરાવાઓથી અમારો દાવો સાચો સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ જ આ વિરોધ પ્રદર્શનો પાછળ જવાબદાર છે.

રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરીઃ રેપો રેટ યથાવત્

નવી દિલ્હીઃ સતત ઘટી રહેલા જીડીપી ગ્રોથ અને મોંઘવારીમાં દરમાં થઈ રહેલા વધારાને લીધે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાછલી ધિરાણ નીતિ ચાલુ નાણાકીય વર્ષ માટે પણ યથાવત્ રાખી હતી.  રિઝર્વ બેન્કે છઠ્ઠી દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરી હતી અને નાણાકીય વર્ષ 2019-20ના છેલ્લા બે મહિના માટે ચાવીરૂપ વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા. રેપો રેટ 5.15 ટકાએ જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત આરબીઆઇએ એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું છે.

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક ચોથીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમ્યાન મળી હતી, એમ બેન્કે કહ્યું હતું. રિઝર્વ બેન્કે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે વિવિધ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને આધારે અને દેશની નબળી ખપતની માગને જોતાં દેશનો જીડીપી ગ્રોથ પાંચ ટકાનો અંદાજ્યો છે.

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર શાકભાજી- ખાસ કરીને ડુંગળી-ટામેટાં મોંઘાં બનતાં ફુગાવાનો દર વધીને પાંચ વર્ષની ઊંચાઈએ 7.3 ટકા આવ્યો હતો. જોકે સંસદમાં રજૂ કરાયેલા 2019-20ના આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષે  અર્થતંત્ર અંદાજે છથી સાડા છ ટકાના દરે વધવાનું અદાજવામાં આવ્યું છે.

 

ગિરિરાજ સિંહે કહ્યુંઃ હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો બની રહ્યો છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે શાહીનબાગમાં થઈ રહેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શનો પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો બની રહ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, આ શાહીનબાગ હવે માત્ર આંદોલન નથી રહ્યું. અહીંયા સ્યુસાઈડ બોમ્બરો બની રહ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તાજેતરમાં જ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ લગાવ્યો હતો કે તે જામિયા મિલિયા ઈસ્લામિયા અને એએમયૂ જેવા શૈક્ષણિક સંસ્થાનોમાં દેશ વિરુદ્ધ ઝહેર ઘોળી રહ્યા છે. સાથે જ કહ્યું કે, પાકિસ્તાનનું ગઠન આવા જ લોકોએ કહ્યું છે. સિંહે ટ્વીટ કર્યું હતું, ઓવૈસી જેવા ચરમપંથી જામિયા અને એએમયૂ જેવી સંસ્થાઓમાં દેશ વિરુદ્ધ ઝેર ઘોળીને દેશદ્રોહીઓની સેના તૈયાર કરી રહ્યા છે. ઓવૈસી અને તેમના જેવા અન્ય સંવિધાન વિરોધીઓને રોકવા પડશે. ભારતીય હવે જાગી ઉઠ્યા છે. અમને દબાવો નહી અને તોડો નહી. પાકિસ્તાન આપના માટે બનાવવામાં આવ્યું હતું, અમને શાંતિથી જીવવા દો.

કેન્દ્રીય મંત્રી ઓવૈસીનો વિડીયો ટેગ કર્યો હતો, જેમાં તેઓ લોકસભામાં બોલી રહ્યા હતા અને પ્રદર્શન કરી રહેલા જામિયાના વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપી રહ્યા છે. સાથે જ સરકાર પર અત્યાચાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સીએએ વિરોધ પ્રદર્શનો અને ઉત્તર પ્રદેશ પોલીસનો સંદર્ભ આપતા ઓવૈસીએ કહ્યુંકે, એક બાળકની આંખ જતી રહી, દીકરીઓને મારવામાં આવી રહી છે અને બાળકો પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે.

‘ગૂગલ ફોટોઝ’ માં ખામી: તમારો પણ અંગત ડેટા લીક થયો હોઈ શકે

નવી દિલ્હી: શું તમે ગૂગલની ફોટોઝ એપ વાપરો છો? તો તમારા માટે માઠા સમાચાર છે. ગૂગલની ફોટો એપ ગૂગલ ફોટોઝમાં મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. આ કારણે યૂઝર્સની પ્રાઈવેસીને મોટું નુકસાન પહોંચ્યું છે. ગૂગલની આ ખામીને લીધે તમારા ગૂગલ ફોટોઝમાં રાખેલો પર્સનલ વીડિયો અજાણ્યા લોકોને શેર થઈ ગયા છે. ગૂગલે કેટલાક લોકોનો ક્લાઉડ ડેટા અન્ય લોકોને આપી દીધો છે. શક્ય છે કે તેમાં તમારો પણ સમાવેશ થયો હોય. ગૂગલે આ માટે યૂઝર્સને એલર્ટ કરવાના પણ શરૂ કરી દીધું છે.

કંપનીએ કહ્યું કે, સોફ્ટવેરમાં આવેલા એક બગને કારણે કેટલાક યૂઝર્સના અંગત વીડિયો ઈમેલ મારફતે અજાણ્યા લોકોની પાસે પહોંચી ગયા છે. ગયા વર્ષે 21 નવેમ્બરથી 25 નવેમ્બરની વચ્ચે ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં આ ખામી સર્જાઈ હતી. ગૂગલ ટેકઆઉટ સર્વિસનો ઉપયોગ યૂઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરવા માટે કરે છે.

આ ખામીનો શિકાર એવા યૂઝર્સ થયા છે જેમણે પોતાની ગૂગલ ફોટોઝ એપમાં રહેલા ડેટાને એક્સપોર્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. ચાર દિવસ સુધી ગૂગલને પણ આ ખામી અંગે જાણકારી નહતી જેથી એક્સપોર્ટ ટૂલે અજાણ્યા યૂઝર્સના આર્કાઈવ્સમાં એ વિડિયો એડ કરી દીધા હતાં.

ગૂગલના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ખામીથી પ્રભાવિત બધા જ યૂઝર્સને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અમે આ ખામીની સુધારી લીધી છે અને આ સમગ્ર ઘટનાની યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ખામી ન સર્જાય. આ બદલ અમે યૂઝર્સની માફી માંગીએ છીએ.

આ ટેક્નીકલ ખામીને લીધે કેટલા લોકોના અંગત વિડિયો અજાણ્યા લોકો પાસે પહોંચ્યા છે એ અંગે ગૂગલે કોઈ જાણકારી નથી પણ ગૂગલે કહ્યું છે કે, તેનાથી 0.01 ટકા કરતા પણ ઓછા યૂઝર્સ પ્રભાવિત થયા છે. મહત્વનું છે કે, વિશ્વભરમાં ગૂગલ ફોટોઝના 100 કરોડથી પણ વધુ યૂઝર્સ છે, જેથી 0.01 ટકાનો અર્થ છે કે, ખામીને કારણે લાખો યૂઝર્સના ડેટાને નુકસાન પહોંચ્યું છે.

ભારતીય સેનામાં ત્રણ વર્ષમાં સૈન્ય કમાન્ડઃ સૌથી મોટું પુનર્ગઠન

નવી દિલ્હીઃ આગામી ત્રણ વર્ષમાં ભારતીય સેનાના ઇતિહાસમાં સૌથી મોટું પુનર્ગઠન આર્મી, એરફોર્સ અને નેવીની કામગીરીને એકીકૃત કરવાવાળા સેના કમાન્ડસનું સંચાલન શરૂ કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળ્યા પછી સૌપ્રથમ વાર પોતાના સંબોધનમાં જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય સેનાની ત્રણ પાંખની સર્વિસિસને વિકસિત કરવામાં આવે, જેમાં તેમની આંતરિક ક્ષમતા, માલસામાન અને સૈનિકોને મિલિટરી કમાન્ડ્સ માટે એકીકૃત કરવી. તેમનો ઉદ્દેશ છે ખર્ચમાં ઘટાડો કરવો,  સૈનિકોની યોગ્ય રીતે ગોઠવણી કરવી અને સશસ્ત્ર દળો (ત્રણે પાંખ)ને એકજૂટ રૂપે લડાઈ લડે –એ માટે તૈયાર કરવાં.

ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) સ્ટાફને હાલ અંતિમ સ્વરૂપ નથી અપાયું. સીડીએસ તૈયાર થઈ રહેલા પ્રસ્તાવો જોઈ રહ્યું છે. જેથી તેમાં એક પશ્ચિમી થિયેટ કમાન્ડ, નોર્થન થિયેટ કમાન્ડ જે લદ્દાખથી લઈને નેપાળની સરહદને કવર કરશે અને જમ્મુ-કાશ્મીર માટે એક અલગ થિયેટ કમાન્ડનું ગઠન થશે.

પાકિસ્તાન અને ચીનને લગતી જમીનની સરહદોને કવર કરવાવાળી સિવાય ભારતની પાસે નેવી હેઠળ એક પેનિન્સુલા કમાન્ડ હશે. આ સાથે જ એર ડિફેન્સ હેઠળ એક એર ડિફેન્સ કમાન્ડ, સ્પેસ કમાન્ડ, વિવિધ સર્વિસ લોજિસ્ટિક અને તાલીમ કમાન્ડ પણ હશે. દરેક થિયેટ કમાન્ડમાં એક અભિન્ન એર ફોર્સ કમાન્ડ હશે અને તે આવશ્યકતાનુસાર વધારાના વિમાન તહેનાત કરી શકશે. સીડીએસે કહ્યું હતું કે સ્ટોક સંચાલન, હાલનો બધો શસ્ત્ર સરંજામ એક છત્ર હેઠળ એકીકૃત રહેવો જોઈએ અને એના નિયંત્રણ મુદ્દે સરળીકરણ થવું જોઈએ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણે પાંખના પ્રમુખોની વચ્ચે પ્રારંભિક ચર્ચા થઈ ચૂકી છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે નિયત સમયની અંદર કમાન્ડોને સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો તેમનો ઉદ્દેશ છે.

જનરલ રાવતે કહ્યું હતું કે ઉચ્ચ મૂલ્યવાળા સેના અધિગ્રહણ, જેમ નૌસેના માટે પ્રસ્તાવિત ત્રીજું વિમાનવાહક જહાજ-અર્થતંત્ર કેવી રીતે આગળ વધે છે, એના પર નિર્ભર કરે છે. નેવીએ ત્રીજા સ્વદેશી વિમાનવાહક જહાજની મંજૂરી આપવા માટે વર્ષો સુધી સરકારથી લડાઈ લડી છે, જે હાલમાં આઇએનએસ વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંત, જેનું જલદી પરીક્ષણ શરૂ થવાનું છે- એ પૂરક હશે.

આ જ પ્રકારે ભારતીય એરફોર્સ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને લાગે છે કે ઉચ્ચ સર્વિસ પૂરી પાડવા માટે મોંઘાં લડાકુ વિમાનની ખરીદીને ઘટાડવી મહત્ત્વપૂર્ણ છે. દેશ 114 લડાકુ વિમાનોને અધિગ્રહણ કરવાની પ્રક્રિયામાં છે, જેને માટે વૈશ્વિક ટેન્ડર પહેલાં જ બહાર પાડવામાં આવ્યાં છે.

જનરલ રાવતે વિગતવાર સમજાવતાં કહ્યું કે મેઇનટેનન્સ સાઇકલને જુઓ તો ઓછા સમયમાં વધુ વિમાનો અધિગ્રહણ થાય તો એકસાથે તેમની જાળવણની જરૂર પડશે. એનો અર્થ એ થયો કે આમાંથી કેટલાય એકસાથે એક સમય માટે કમિશનની બહાર થી જશે.આ સિવાય એરફોર્સ માટે શ્રેણીબદ્ધ અધિગ્રહણની એક પ્રણાલીનો મતલબ થશે કે કમસે કમ કેટલાંક મહત્ત્વનાં સંસાધન જેવા કે લડાકુ વિમાન હેલિકોપ્ટર અને ડ્રોનના ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ હશે, જ્યારે અન્યની સર્વિસ કરવામાં આવી રહી હશે.

દેશમાં ગોળા-બારુદનું ઉત્પાદન

સેનાનો ખર્ચ ઘટાડવાનો અન્ય એક ઉપાય એ હશે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળા-બારુદનું દેશમાં ઉત્પાદન કરવામાં આવે. તેમણે સવાલ કર્યો હતો કે જો ગોળા-બારુદની ઉપયોગિતાનો યોગ્ય સમય 10 વર્ષ છે તો શું તમે એને 20 વર્ષ માટે સ્ટોક કરશો? એ જરૂરી છે કે જરૂરત વખતે ઝડપથી ગોળા-બારુદના ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવે.

પેન્શન ખર્ચમાં ઘટાડો કરવો

સૌથી દૂરગામી પ્રસ્તાવોમાં એક છે સશસ્ત્ર દળોના રૂ. 1.33 લાખ કરોડના પેન્શન બજેટમાં કાપ કરવાની આવશ્યકતાથી જોડાયેલી છે. જે  અધિકારી રેન્કના કર્મચારીને 58 વર્ષની વય સુધી નિયોજિત કરવામાં સક્ષમ કરશે. તેમણે કહ્યું હતું કે એક તૃતીયાંશ લોકો 58 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે છે, હાલમાં સશસ્ત્ર દળોના સૈનિકો 37-38 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે, જ્યારે અધિકારી સામાન્ય રીતે 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે. પેન્શનનું બજેટ બહુ વધુ છે. શું એ વધુ હોવું જોઈએ?

બિનજરૂરી વ્યયને ઘટાડવો એ પ્રાથમિકતા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે પ્રાથમિકતાઓ જણાવતાં કહ્યું હતું કે તેઓ ખોટા વ્યયને કમસે કમ કરવાની કોશિશો કરશે. બિનજરૂરી પુરવઠો અને સ્ટોકિંગને અટકાવશે અને સંભવ હશે તો જનરેટર અને વાહનોના પુર્જાઓ જેવા સામાનોનું ઝીરો સ્ટોકિંગ તરફ વધશે, કેમ કે આવો માલસામાન બજારમાં સરળતાથી મળી રહેશે. તેમણે કહ્યું હતું કે સરપ્લસ માલસામાન અને કર્મચારીઓનું અસરકારક સંચાલન કરવાની તાતી જરૂર છે.

 

રાશિ ભવિષ્ય 06/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ તા. 06/02/2020

શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી: સેન્સેક્સ 41,000ને પાર

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. જાન્યુઆરી મેન્યુફેક્ચરિંગ PMI પછી સર્વિસિસ PMI પણ સાત વર્ષની ઊંચાઈ પહોંચતાં શેરબજારમાં તેજીનો માહોલ હતો. જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ ક્ષેત્ર સારા ડેટા આવતાં અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું હોવાના સંકેતો મળતાં તેજીવાળાઓ શેરોમાં લેવાલી ચાલુ રાખી હતી. અર્થતંત્ર રિકવર થતાં દેશનો આર્થિક વિકાસદર વધવાની ધારણાએ શેરોમાં તેજીની આગેકૂચ જળવાઈ રહી હતી. જેથી સેન્સેક્સે 41,000ની અતિ મહત્ત્વની સપાટી કુદાવી હતી અને નિફ્ટી 50 ઇન્ડેક્સે પણ 12,000ની મહત્ત્વની સપાટી કુદાવી હતી.

વૈશ્વિક બજારોની સાથે એશિયન બજારોમાં પણ તેજી થઈ હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 353.28 પોઇન્ટ ઊછળીને 41,142ને મથાળે બંધ રહ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 110.60 પોઇન્ટ ઊછળીને 12,090ના મથાળે બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના 11 મુખ્ય ઇન્ડેક્સો પૈકી 10માં તેજી થઈ હતી. રિલાયન્સ, ટીસીએસ, એરટેલ, એસબીઆઇ અને તાતા સ્ટીલની આગેવાનીએ મેટલ, બેન્ક, ફાઇનાન્શિયલ, ઓટો અને બેન્ક અને રિયલ્ટી શેરોમાં સારીએવી લેવાલીને પગલે ભારે તેજી થઈ હતી.રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા માટે એમપીસીની ત્રિદિવસીય બેઠક આવતી કાલે પૂરી થશે. જોકે બજારની ધારણા પ્રમાણે મોટા ભાગે આરબીઆઇ મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખે એવી ધારણા છે.

સ્થાનિક બજારોને તેજી થવામાં વૈશ્વિક શેરબજારોની મદદ મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારો આગળ વધ્યો હતો. મેટલ ઇન્ડેકસ ત્રણ ટકા વધ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1181 પોઇન્ટ વધ્યો હતો.છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 428 પોઇન્ટ વધ્યો હતો અને સેન્સેક્સ 1,407 પોઇન્ટ ઊછળ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 21 શેરો, એનએસઇ 50માંથી 34 શેરો અને બેન્ક નિફ્ટીમાંના 12માંથી 10 શેરોમાં તેજી થઈ હતી.

 

 

ગુજરાતમાં 49973 આયુષ પ્રેક્ટીશનરો છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે.

ગુજરાતમાં 49,973 આયુષ પ્રેક્ટિશનરોમાં સૌથી વધુ 26,716 આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે, અન્ય 22, 930 હોમિયોપથી પ્રેક્ટિશનર છે અને 327 યુનાની પ્રેક્ટિશનર છે. દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ આયુષ પ્રેક્ટિશનરની નોંધણીમાં ગુજરાત પાંચમા સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્ર 1.53 લાખ અને બિહાર 1.36 લાખ પ્રેક્ટિશનરો સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલી 64 આયુષ હોસ્પિટલોમાં 42 આયુર્વેદ હોસ્પિટલો છે. જ્યારે ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાં અડધાથી પણ વધુ 2316 હોસ્પિટલો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી છે.

સાંસદ પરિમલ નથવાણી જાણવા માંગતા હતા કે સમગ્ર દેશમાં અને રાજ્યવાર કુલ કેટલા તબીબો આયુર્વેદ, હોમિયોપથી, યુનાની, સિદ્ધા અને નેચરોપથીની આયુષ પ્રેક્ટિસ કરે છે અને કેટલી આયુષ હોસ્પિટલો આવેલી છે. આયુષની સ્વાસ્થ્યસંભાળની સુવિધાઓને સમાજના મુખ્યપ્રવાહ સાથે જોડવામાં સરકારે કેવા પગલાં લીધા છે એ અંગે પણ નથવાણીએ પૃચ્છા કરી હતી. પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ મુજબ, આયુષ દ્વારા પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રેહાબિલિટેટિવ સેવાઓ સર્વગ્રાહી રીતે પૂરી પાડવામાં આવે છે. આ નીતિ સુનિશ્ચિત કરે છે કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતાં સ્થળો પર આયુષની સારવાર મળી રહે. આયુર્વેદિક દવાઓના ધોરણો નિશ્ચિત કરવા અને તેને માન્યતા આપવા તથા આયુષની ઔષધિઓનું અસરકારક ક્વોલિટી કંટ્રોલ કરવાની જરૂરિયાતને પણ સ્વાસ્થ્ય નીતિ સ્વીકારે છે. સ્થાનિક લોકોને સાંકળીને ટકી શકે એવી જીવનનિર્વાહ પદ્ધતિને વિકસાવવા માટે અને ઔષધીય વનસ્પતિના સ્થાનિક-ઔદ્યોગિકથી લઈને બજાર સુધીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા પર સ્વાસ્થ્ય નીતિ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઔષધીય વનસ્પતિની પદ્ધતિસરની ખેતીને બળવત્તર બનાવવા માટે પણ આ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે.