Home Blog Page 5015

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં કોનો સમાવેશ થઇ શકે?

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટની સ્થાપના માટે રાજપત્ર અધિસૂચના જાહેર કરી દીધી છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં 15 સભ્યો હશે જેના પર રામ મંદિર નિર્માણની તમામ જવાબદારી હશે. જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નહીં હોય. આ સભ્યોમાં એક દલિત સભ્ય અને એક મહિલાનો પણ સમાવેશ કરવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સંભવિત સભ્યો

આ ટ્રસ્ટની જાહેરાત પછી હવે ટ્રસ્ટના સભ્યોને લઈને અટકળો શરુ થઈ ગઈ છે. જેમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠોના શંકરાચાર્યને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. અયોધ્યાના મહંત નૃત્ય ગોપાલદાસ, દિગમ્બર અની અખાડાના મહંત સુરેશ દાસ, નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ, ગોરક્ષપીઠ ગોરખપુરના પ્રતિનિધિ, કર્ણાટકના ઉડ્ડપી પેજાવર મઠના પ્રતિનિધિ, વિહિપના ઓમ પ્રકાશ સિંઘલ, ઉપાધ્યક્ષ ચંપતરાય, રામ મંદિર આંદોલનને સામાન્ય લોકો સુધી પહોંચાડનાર સ્વર્ગસ્થ અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ, સ્વર્ગીય વિષ્ણુહરી દાલમિયાના પરિવાર તરફથી પુનિત દાલમિયાનો ટ્રસ્ટમાં સમાવેશ થઈ શકે છે.  કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે સંયુક્ત સચિવ કક્ષાના અધિકારી, રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અયોધ્યાના ડીએમ પણ ટ્રસ્ટમાં શામેલ થઈ શકે છે.

ટ્રસ્ટની કામગીરી

અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણમાં આવનારી બધી મુશ્કેલીઓને દૂર કરવાની જવાબદારી આ ટ્રસ્ટની રહેશે. મંદિર પરિષરમાં શ્રદ્ધાળુઓ માટે સારી સુવિધા, સુરક્ષા માટે અલગથી જગ્યા, પરિક્રમમા માટે યોગ્ય વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે દરેક પ્રકારની સુવિધા જેમ કે અન્નક્ષેત્ર, રસોડું, ગૌશાળા, પ્રદર્શન, મ્યૂઝિયમ અને ધર્મશાળાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કાયદેસર રીતે ટ્રસ્ટ શ્રદ્ધાળુઓની સુવિધાઓ અને મંદિર નિર્માણ માટે પૈસા અને અન્ય મહત્વપૂર્ણ ચલ-અચલ સંપત્તિઓને ખરીદીને અથવા તો દાન તેમજ અન્ય રીતે ચીજોને એકઠી કરશે.

BSE સ્ટાર્ટઅપ મંચ પર ચોથી કંપની લિસ્ટેડ થઈ

મુંબઈ તા. 5 ફેબ્રુઆરી, 2020ઃ

બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ)ના સ્ટાર્ટઅપ મંચ પર બુધવારે કંપની લિસ્ટેડ થઈ હતી. ટ્રાનવે ટેક્નોલોજીસ લિ. નામની આ કંપની 424.00 લાખ રૂપિયાનો પબ્લિક ઈસ્યૂ લાવી હતી, જેમાં તેણે 10 રૂપિયાનો એક એવા 42.40 લાખ શેરો શેરદીઠ રૂ.10ના ભાવે ઈસ્યૂ કર્યા હતા. આ ઈસ્યૂ 29 જાન્યુઆરી, 2020એ સફળતાપુર્વક પાર પડયો હતો.

ટ્રાનવે ટેક્નોલોજીસ કર્ણાટક સ્થિત કંપની છે, જેની હેડ ઓફિસ બેંગલોરમાં છે. તેનું મુખ્ય કામકાજ સ્ટાફિંગ સોલ્યુશન્સ અને પેરોલ પ્રોસેસિંગ છે. ટ્રાનવે ખાતેની નિમણૂક ટીમમાં પ્રોફેશનલ નિષ્ણાતો છે, જેઓ ગ્રાહકોની આવશ્યક્તા અનુસાર માણસોને નોકરીમાં લે છે. આ પેરોલ પ્રોસેસ આઉસોર્સિંગ ગ્રાહકોના ઓન-રોલ કર્મચારીઓના પેરોલને મેનેજ કરે છે. વિવિધ કાયદાઓ, રજાઓની યાદી, એમઆઈએસ અને વર્ષના અંતે થનારી પ્રવૃત્તિઓ હેઠળ વેતનની ગણતરી, પે-સ્લિપ જનરેશન, સ્ટેચ્યુટરી રિપોર્ટ સહિતની વ્યાપક જરૂરિયાતોને પેરોલ પ્રોસેસ પૂરી કરે છે.

ટ્રાનવે ટેક્નોલોજીસ લિ.ના ઈશ્યુની લીડ મેનેજર ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લિ. હતી.

સેબીએ ડિસેમ્બર 2018 બીએસઈને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ શરૂ કરવા મંજુરી આપી હતી. અત્યારસુધીમાં સ્ટાર્ટઅપ માટે આ એક માત્ર મંચ છે, જેના પર ચાર કંપની લિસ્ટેડ થઈ છે. અગાઉની ત્રણ કંપનીમાં આલ્ફાલોજિક ટેકસિસ. ટ્રાન્સપેકટ એન્ટરપ્રાઈસિસ અને વેલેનસીયાનો સમાવેશ થાય છે. આ ચારેય કંપનીઓએ આ મંચ પરથી 19 કરોડ રૂપિયા ઊભા કર્યા છે, જેનું માર્કેટ કેપ હાલ રૂ.66.71 કરોડ જેટલું છે. 

 

કોરોના ઈફેક્ટઃ કેરળ આવેલા યુવાને લગ્ન કેન્સલ કરવા પડ્યા

નવી દિલ્હીઃ કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસનો ખુલાસો થયા બાદ રાજકીય સંકટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે અત્યારે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 28 વર્ષના યુવકમાં કોરોના વાયરસના લક્ષણ દેખાયા બાદ તેને બલરામપુરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. બે સપ્તાહ પહેલા પોતાના લગ્ન માટે ચીનથી કેરળ પહોંચેલા એક વ્યક્તિને સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવાથી પોતાનો પ્રસંગ રદ્દ કરવો પડ્યો. કારણ કે વરરાજા જે હતો તેને કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા હતા અને બાદમાં તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, 3 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા, પરંતુ તેના એક દિવસ પહેલા જ સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવાથી લગ્ન બંધ રાખવા પડ્યા.

ભારતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે એશિયાના સૌથી મોટો ઓટોમોબાઈલ શોની શરુઆત થઈ ગઈ છે. અહીંયા લોકો માસ્ક પહેરીને આવતા નજરે પડ્યા હતા. તો મોટર શોમાં ચીનના લોકો ખૂબ ઓછા જોવા મળ્યા.

ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે અને તેને રોકવા માટે પીપલ્સ લિબરેશન આર્મી મોકલવામાં આવી છે. દર્દીઓની સારવારમાં સહાયક ભૂમિકા નિભાવવા માટે તેમને તેનાત કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસના વધી રહેલા સંકટને ધ્યાને રાખતા 3 ફેબ્રુઆરી સુધી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 11,093 લોકોની તપાસ કરવામાં આવી હતી. જે લોકોની તપાસ કરવામાં આવી, તેમાંથી 107 લોકો મહારાષ્ટ્રના હતા, જેમાંથી 21 લોકોમાં કોરોના વાયરસ સમાન લક્ષણો દેખાયા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ચીનમાં કોરોના વાયરસના સંકટ મામલે ચીનની સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પોતાના નાગરિકોને વાયરસથી બચાવવા માટે અમારું તંત્ર તમામ જરુરી પગલા ભરશે.

ચીનમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા આજે વધીને 492 જેટલી થઈ ગઈ છે. હુબેઈ પ્રાંતમાં વધુ 65 લોકોના મોત થયા છે. જ્યારે 24,000 થી વધારે લોકો ચેપી છે.

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કુલ 354 જેટલા શંકાસ્પદ દર્દીઓની ઓળખ થઈ છે. બાદમાં સ્વાસ્થ્ય વિભાગે તેમને તેમના જ ઘરમાં હોમ આઈસોલેશન પર રાખવાની વ્યવસ્થા કરી છે. આ તમામ 354 લોકો ચીનથી ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓની દેખરેખ માટે એક ખાસ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો ઓછાયોઃ આયોજકો ટેન્શનમાં

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ કહ્યું હતું કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી હું ચિંતિત છું. 2020 ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભને છ મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આયોજકો ચીનના આ વાઇરસથી બહુ વધારે ચિંતામાં છે.

 

આયોજન સમિતિના મુખ્ય અધિકારી (CEO)  તોશિરો મ્યુતોએ ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીના અધિકારીઓની સાથે બેઠક દરમ્યાન ચીનના કોરોના વાઇરસ અંગે ઘેરી ચિંતા દર્શાવી હતી. મને એ વાતનો બહુ ડર લાગે છે કે આ ચેપગ્રસ્ત ઘાતક બીમારી ઓલિમ્પિક રમતો પર દુષ્પ્રભાવ પાડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ બીમારી પર બહુ જલદી કાબૂ મેળવવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના એથ્લીટ વિલેજમાં 11,000 વિલેજમાં 11,000થી વધુ ઓલિમ્પિયનો રોકાશે. આ વિલેજના મેયર સાબુરો કાવાબુચીએ પણ કોરોના વાઇરસ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આશા કરું છે કે આ ચેપગ્રસ્ત બીમારી જલદી ખતમ થાય, જેથી અમે પેરાલિમ્પિક અને ઓલિમ્પિક રમતોનું સુચારુ સંચાલન થઈ શકે.

 

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ વારંવાર જણાવ્યું હતું કે ઓલિમ્પિકને સ્થગિત કરવાની હાલ કોઈ યોજના નથી. સ્વિટ્ર્ઝર્લેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  પણ આ વાત દોહરાવી હતી.જાપાનમાં આ કોરોના વાઇરસથી અત્યાર સુધી કોઈનાં મોત થયાં નથી, પણ બુધવારે ચીનમાં આ આંકડો 490 સુધી પહોંચી ગયો હતો. ચીન હેલ્થ કમિશને  મંગળવારે 65 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કોરોના વાઇરસથી 3,887 લોકોને ચેપગ્રસ્ત હતા.  અત્યાર સુધી 24,324 લોકોને આ વાઇરસથી ચેપ લાગ્યો છે.

 

નિર્ભયા કેસમાં હવે ચારે આરોપીઓને એકસાથે ફાંસી

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા મામલે ચારે આરોપીઓને  ડેથ વોરંટ પર અટકાવવાની અરજી પર સ્ટે મૂકી દીધો છે અને આદેશમાં કહ્યું છે કે બધા આરોપીઓને એકસાથે ફાંસી આપી દેવામાં આવે. ફાંસી ત્યાં સુધી જ ટાળી શકાય, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોય.

દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી અરજી પર ચુકાદો આપ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારે નીચલી કોર્ટ દ્વારા નિર્ભયાના હત્યારાના ડેથ વોરન્ટ પર અનિશ્ચિત સમય સુધી સ્ટે મૂકવાનો આદેશ કર્યો હતો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કેવો છે મતદારોનો મૂડ?

શાસક આમ આદમી પાર્ટી (AAP)એ શહેર-રાજ્ય દિલ્હીમાં દરેક પરિવારને ચોક્કસ સ્તર સુધી પીવાનું મફત પાણી અને વીજપૂરવઠો આપવા તેમજ દિલ્હીના ઘણા ખરા ભાગોમાં વાઈ-ફાઈ તથા સીસીટીવી સુવિધા પૂરી પાડવાના નામે વોટ માગ્યો છે. તદુપરાંત શાળાઓમાં તથા આરોગ્યના માળખામાં વિકાસ કરવા, ઓનલાઈન માગણી કરનારાઓને એમના ઘરમાં સરકારી સેવાઓ પહોંચતી કરવા, મહિલાઓ માટે મફત જાહેર પરિવહન સુવિધા, રસ્તાઓ અને પૂલોના કામકાજમાં પ્રગતિ લાવવા અને રાજ્યના બજેટનું કદ બમણું કરવા જેવા અન્ય મુદ્દાઓ ઉપર પણ વોટ માગ્યો છે.

આમ આદમી પાર્ટીને પડકાર ફેંક્યો છે ભારતીય જનતા પાર્ટીએ, જે કેન્દ્રમાં સત્તા પર છે. તે દિલ્હીવાસીઓ પાસેથી પોતાના એ નિર્ણય પર મત માગે છે કે એણે ગેરકાયદેસર કોલોનીઓમાં 40 લાખ ઝૂંપડપટ્ટીના ઘરોને નિયમિત કરી દીધા. AAPની સરકાર પોતે જે વિકાસલક્ષી કાર્યો કર્યાનો દાવો કરે છે એના વિસ્તારીકરણ, ગુણવત્તા અને કદ અંગે પણ સરકારને ભાજપ સવાલ કરી રહી છે. દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે તો એનાથી એની કેન્દ્રીય સત્તા પર કોઈ પ્રકારની આંચ આવવાની નથી, પરંતુ નાગરિકતા અને વસ્તી ગણતરીની CAA-NRC-NPRની કાયદા-પ્રક્રિયાઓનો આરંભ કરાયા બાદ રાષ્ટ્રીય પાટનગરની આ ચૂંટણી પહેલી એવી છે જ્યાં મતદારો એમનો ચુકાદો આપશે. વળી, આ ચૂંટણી ભાજપમાં તેમજ કેન્દ્ર સરકારમાં મોદી-શાહની જોડીની શાસકીય ક્ષમતા માટે પ્રતિષ્ઠા સમી પણ બની છે. બીજી બાજુ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જો ચૂંટણીમાં ફરી જીતશે તો તેઓ એમની આ સફળતાનો ઉપયોગ કરશે તથા એમના બહુ વખણાયેલા દિલ્હી-મોડેલના શાસનનો દેશના અન્ય રાજ્યોમાં ફેલાવો કરશે.

રેસમાં ઉતરનાર ત્રીજો પક્ષ છે કોંગ્રેસ, જે થોડીક રમૂજ પૂરી પાડે છે અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે AAP સરકારે માત્ર છેલ્લા છ મહિનામાં જ મોટા ભાગના વિકાસલક્ષી કાર્યો કર્યા છે. રસપ્રદ રીતે, કોંગ્રેસ માટે ભાજપ વિશે બોલવા જેવું કંઈ રહ્યું નથી. ભાજપ છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં મહાનગરપાલિકામાં અને કેન્દ્રમાં લગભગ છ વર્ષથી શાસન કરે છે. પ્રચાર ઝુંબેશ પરથી એવું જણાયું છે કે કોંગ્રેસને ભાજપ તરફથી કોઈ રાજકીય પડકારની ચિંતા નથી, પરંતુ પોતાની વોટ-બેન્કને આમ આદમી પાર્ટી છીનવી ગઈ એનું તેને દુઃખ છે.

મહિલા દેખાવકારો લગભગ બે મહિનાથી અને કાતિલ ઠંડીનો સામનો કરીને શાહીનબાગ ખાતે CAA-NRC વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરી રહી છે અને જામિયા યુનિવર્સિટી તથા જેએનયૂના વિદ્યાર્થીઓની મારપીટની ઘટનાઓ અને એના વિડિયો જે રીતે સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ થયા છે ત્યારે AAPની નેતાગીરીએ આ બધાયથી ચતુરાઈપૂર્વક અંતર જાળવી રાખ્યું છે. ભાજપ તથા મિડિયાનો અમુક વર્ગ AAPને આ મામલામાં ઢસડવાની બહુ કોશિશ કરે છે, જેથી એને કોમી રંગ આપી શકાય. કેજરીવાલે ચોખ્ખું જણાવી દીધું છે કે સંસદમાં AAP પાર્ટીએ CAAની વિરુદ્ધમાં મત આપી દીધો છે તેથી દિલ્હીની ચૂંટણીમાં CAA-NRC મુદ્દાનું એને મન મહત્ત્વ નથી, પરંતુ બેરોજગારીની સમસ્યા સામે પગલાં લેવા તથા આર્થિક વિકાસને વધારવાને મહત્ત્વ આપે છે. 

દિલ્હીની ચૂંટણીને કોમી રંગ

ભાજપના હતાશ ઉમેદવાર અને AAPની વિરુદ્ધ બાજુએ આવી ગયેલા કપિલ મિશ્રાએ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનને ઢસડવાનો પ્રયાસ કર્યો હતો તથા કોમવાદની ભાષા ઉચ્ચારી હતી, પણ એમાં એમને ચૂંટણી પંચ તરફથી ઠપકો સાંભળવો પડ્યો અને બે દિવસ સુધી પ્રચાર કરવાનો એમની પર પ્રતિબંધ પણ મૂકાયો. એટલું જ નહીં, દિલ્હી પોલીસને આદેશ આપવામાં આવ્યો કે એ મિશ્રા સામે એફઆઈઆર નોંધે. એટલે દિલ્હીની ચૂંટણીમાં મૂડ કેવો છે એની સાબિતી મળી ગઈ છે.

આ વખતનો ચૂંટણીજંગ ખરેખર ભપકાદાર છે, કારણ કે AAP પાર્ટીએ એની પૂરી તાકાત લગાવી દીધી છે. અન્ય રાજ્યોમાંથી એના સેંકડો સ્વયંસેવકો પણ પાર્ટીની મદદે આવી ગયા છે. એનાથી AAPની તાકાત વધી ગઈ છે. પક્ષના ચૂંટણી પ્રચારમાં ગીત-નૃત્યો, શેરી-નાટકો તથા સોશિયલ મિડિયા મીમ્સનો પણ સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, ભાજપે 21 દિવસમાં જ 5000 જેટલી નાની સભાઓ યોજવાનું નક્કી કર્યું, જેમાં અમુક સભાઓ તો વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય પ્રધાનો સહિત પક્ષના ટોચના નેતાઓ ગજાવશે એવું નક્કી થયું. જોકે વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે પોતે 6 ફેબ્રુઆરી સુધીમાં માત્ર ચાર જ ચૂંટણીસભા કરશે. 6 ફેબ્રુઆરીએ ચૂંટણીપ્રચારનો અંત આવી જશે. મતદાન 8 ફેબ્રુઆરીએ છે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ છે. કોંગ્રેસ પાર્ટી સોશિયલ મિડિયા પર પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે.

દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 બેઠકો છે. આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. એણે 15 વિધાનસભ્યોને ફરી ટિકિટ આપી નથી અને ત્યાં નવા ચહેરાઓને જંગમાં ઉતાર્યા છે. એમાંથી બે જણ બળવાખોર અપક્ષ ઉમેદવારો બની ગયા અને બાદમાં પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લીધી. અન્ય બે ઉમેદવાર (આદર્શ શાસ્ત્રી અને અલકા લાંબા) કોંગ્રેસમાં જોડાઈ ગયાં અને એમાંથી ટિકિટ મેળવી. એક અન્ય નેતા (કપિલ મિશ્રા) ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે.

ભારતીય જનતા પાર્ટી 67 બેઠકો પર ચૂંટણી લડે છે. એણે બે સીટ જનતા દળ (યુનાઈટેડ)ને આપી છે અને એક સીટ રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટીને આપી છે. ભાજપના ઉમેદવારોની યાદીમાં છ મહિલા ઉમેદવારો છે. (આની સામે AAPમાં આઠ મહિલા ઉમેદવારો છે). કોંગ્રેસ પણ 67 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એણે બિહારમાં તેના સહયોગી પક્ષ રાષ્ટ્રીય જનતા દળને 3 બેઠક આપી છે.

2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, AAP, ભાજપ અને કોંગ્રેસના 143 ઉમેદવારો પાસે રૂ. 1 કરોડ કે તેથી વધારે કિંમતની સંપત્તિ હતી. આ વખતે, એ આંકડો વધીને 164 થયો છે. મતલબ કે લગભગ 11 ટકા વધ્યો. વધુમાં, 13 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની પાસે રૂ. 50 કરોડથી વધારે કિંમતની સંપત્તિ છે. આમાં આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારો છે તો કોંગ્રેસના ચાર અને ભાજપના 3 ઉમેદવારો છે.

2015ની ચૂંટણીમાં, AAPના ઉમેદવારોની સરેરાશ ઉંમર 43.1 વર્ષ હતી, પરંતુ આ વખતે એ વધીને 47.3 થઈ છે. ભાજપના મામલે, તેના ચૂંટણી ઉમેદવારોની સરેરાશ વયમાં નજીવો ફેરફાર થયો છે. 2015માં સરેરાશ વય 51.7 હતી, જે હાલ વધીને 52.8 થઈ છે. એનાથી વિપરીત, કોંગ્રેસ પાર્ટીએ ઘરડા ઉમેદવારોની સંખ્યા ઘટાડી દીધી છે. એની સરેરાશ વય 53.3 હતી, જે હાલ 51.2 થઈ છે. AAPના 20 ઉમેદવારો 40થી નીચેની વયના છે, કોંગ્રેસના એવા 12 ઉમેદવારો છે. જ્યારે ભાજપના માત્ર 6 છે. ઉમેદવારોની વયના મામલે AAPનો હાથ ઉપર રહ્યો છે.

દિલ્હીના લગભગ બે કરોડ મતદારો ઘણા અણધાર્યા રહ્યા છે. કોંગ્રેસનાં શીલા દીક્ષિતને સતત ત્રણ મુદત આપ્યા બાદ 2013માં, એમણે ત્રિશંકુ વિધાનસભાનો ચુકાદો આપ્યો હતો. એ વખતે, અણ્ણા હઝારેની આગેવાની હેઠળ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’ આંદોલનમાંથી અમુક ભાગ છૂટો પડ્યો એમાંથી આમ આદમી પાર્ટીનું સર્જન થયું. ત્રિશંકુ વિધાનસભા ચુકાદા બાદ 2015ના એપ્રિલમાં ફરી ચૂંટણી થઈ ત્યારે AAPએ સપાટો બોલાવી દીધો અને 67 બેઠક જીતી લીધી. બાકીની 3 સીટ ભાજપને મળી. પરંતુ, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી દીધો હતો અને તમામ 7 બેઠકો જીતી હતી. તે ઉપરાંત ભાજપે ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ જીતી હતી અને AAPને બીજું સ્થાન મળ્યું હતું.

આમ, એક વાત સ્પષ્ટ થાય છે કે દિલ્હીમાં કેન્દ્રીય અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદારોનું વલણ સાવ જુદું જ રહે છે. બે જુદા જુદા હેતુઓ માટે તેઓ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને એમના હિરો માને છે. હવે આ વખતે પણ એ જ ટ્રેન્ડ ચાલુ રહે એવી ધારણા છે. તમામ જનમતોનો વરતારો આવ્યો છે કે AAP આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરશે.

ઘણા નિરીક્ષકોનું માનવું છે કે આમ આદમી પાર્ટી જીતે એ જરૂરી છે કારણ કે તો જ એ સાબિત થશે કે સુશાસન ચૂંટણી જીતી શકે છે. CAA-NRC મુદ્દાઓ પરની ઉગ્ર ચર્ચા બાદ લોકોની ગંભીર લાગણીનું મહત્ત્વ પણ એનાથી ઘટી જશે, કેન્દ્રીય સ્તરે રાજકારણમાં રાજકીય હરીફાઈનું સંતુલન જળવાશે તથા કાર્યશીલ લોકશાહી જીવંત રહેશે અને મજબૂત પણ થશે. 11 ફેબ્રુઆરીએ એનો જવાબ આવી જશે.

તે છતાં, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે AAP વિજેતા બનશે તો એનું નવું લક્ષ્ય ફરીથી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણનું રહેશે જેમાં મનીષ સિસોદીયા દિલ્હીનો કારભાર સંભાળશે અને કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે આગળ વધશે. પરાજીત ભાજપ એ ફટકાને ભૂલીને પોતાનું ધ્યાન બિહાર અને બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત કરશે, જે પણ ભાજપ માટે બહુ જ મહત્ત્વની છે. ભાજપની જીત થશે તો આમ આદમી પાર્ટી પર કયામત આવી જશે અને મોદીને જનતાનો ટેકો હજી પણ કેટલો મજબૂત એ સ્થાપિત થશે, કારણ કે આ વખતની ચૂંટણી પણ કેજરીવાલ અને મોદીને જ આગળ રાખીને લડવામાં આવી રહી છે. કોંગ્રેસને તો બંને બાજુએ ગુમાવવાનું જ આવશે.

(પ્રો. ઉજ્જવલ કે. ચૌધરી)

(લેખક કટારલેખક અને ટેલિવિઝન ન્યૂઝ એનાલિસ્ટ છે તથા કોલકાતાસ્થિત એડમાસ યુનિવર્સિટીના પ્રો વાઈસ ચાન્સેલર છે)

 

રામમંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ નું ગઠન થશે

નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના અંતિમ ચૂકાદાના 88 દિવસ પછી કેન્દ્ર સરકારે રામ મંદિર બનાવવા માટે નવા ટ્રસ્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં 15 સભ્યો હશે. દિલ્હી ચૂંટણીના ત્રણ દિવસ પહેલા અને કેબિનેટના નિર્ણય પછી તુરંત જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, ‘મને આજે આ ગૃહને, દેશને જણાવતા ખુશી થઈ રહી છે કે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેબિનેટની બેઠકમાં રામ મંદિરના ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટનું નામ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રાખવામાં આવ્યું છે. રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. આ સાથે જ કેન્દ્ર સરકારે તેમના નેજા હેઠળની 67.703 એકર જમીન પણ ટ્રસ્ટને સોંપી દીધી છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, અમે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેને ઉત્તરપ્રદેશ સરકારે સ્વીકારી લીધી છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું છે કે તમામ ધર્મના લોકો એક જ છે. પરિવારના તમામ સદસ્યો ખુશ રહે એ માટે જ સબકા સાથ સબકા વિશ્વાસના મંત્રને આધારે સરકાર કામગીરી કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એક સ્વરમાં તમામ પોતાનો મત રજૂ કરે. રામ મંદિર ટ્રસ્ટમાં દિગંબર અખાડા, નિર્મોહી અખાડા, રામલલ્લા વિરાજમાનના ત્રણ સદસ્યોમાંથી એકનો સમાવેશ સરકાર કરી શકે છે. મોદી સરકાર આ ટ્રસ્ટથી સરકારને અલગ રાખવા માગે છે એટલે સરકારી અધિકારીઓને આ ટ્રસ્ટમાં જગ્યા મળશે નહીં. જોકે, પૂર્વ સરકારી અધિકારી આ ટ્રસ્ટમાં સામેલ થઈ શકે છે.

મોદી સરકાર જે 67.7 એકર જમીન ટ્રસ્ટને આપી રહી છે તેને નરસિંહા રાવ સરકારે અધિગ્રહિત કરી હતી. 1991થી 1993ની વચ્ચે કેન્દ્રની તત્કાલિન પીવી નરસિંહા રાવની સરકારે વિવાદિત સ્થળ અને તેની આસપાસની લગભગ 67.7 એકર જમીનનું અધિગ્રહણ કર્યું હતું. 0.313 એકર જમીન પર બાબરી મસ્જિદનો ઢાંચો હતો. આ સાથે કુલ 2.77 એકર જમીન પર વિવાદ હતો. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટોનો નિર્ણય આ 2.77 એકર જમીન પર આવ્યો હતો. બાકીની જમીન પર વિવાદ ન હતો. એટલા માટે એ જમીન પર કેન્દ્ર સરકારનું જ નિયંત્રણ છે.

મસ્જિદ: રોનાહીના ધાનીપુરમાં મસ્જિદ માટે જમીન ફાળવાશે

સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે 5 એકર જમીન લખનૌના સોહાવાલ તાલુકાના ધાનીપુર ગામમાં આપવામાં આવશે. આ જમીન જિલ્લા કાર્યાલયથી માત્ર 18 કિલોમીટરના અંતર પર છે. કેન્દ્ર સરકાર હવે આ પ્રસ્તાવને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટને મોકલશે.

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના અંતિમ ચૂકાદાને પડકાર આપતા 18 રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી, જેને 12 ડિસેમ્બરના રોજ ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે ફગાવી દીધી હતી. ત્યારપછી 21 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની પીસ પાર્ટી ઓફ ઈન્ડિયાએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી જે હજું સુપ્રીમમાં લંબિત છે.

 

ફિટનેસ પર હાર્દિક પંડ્યા કરી રહ્યો છે મહેનતઃ કરી શકે વાપસી

નવી દિલ્હીઃ  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ઈજાના કારણે ટીમમાં નથી. હાર્દિકની લંડનમાં સર્જરી થઈ હતી અને બાદમાં તે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી સીરીઝની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈની મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યો હતા. આજે હાર્દિકે પોતાનો એક વિડીયો શેર કર્યો છે. હાર્દિક પોતાની ઈજામાંથી તેજીથી સાજો થઈ રહ્યો છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે તે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટીમ સાથે જોડાઈ શકે છે. ભારતની ટીમ જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે, જેમાં ટીમ 5 ટી-20, 3 વન-ડે, અને બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે.

પંડ્યાએ કહ્યું કે, મે વિચાર્યું હતું કે આ સમય સર્જરી માટે નહી રહે કારણ કે જો મને પાછા આવતા ચાર મહિના પણ થશે તો પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અથવા તો સીરીઝમાં વચ્ચે હું પાછો આવી શકીશ. અમારું પ્લાનિંગ એ હતું કે, હું આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં જતા પહેલા કેટલીક ઈન્ટરનેશનલ મેચ અને આઈપીએલની મેચમાં રમું.

હાર્દિક પંડ્યા છેલ્લે ભારતીય ટીમ તરફથી સપ્ટેમ્બર મહિનામાં ટી-20 મેચ રમ્યો હતો. ઓક્ટોબરમાં તેમણે પોતાની પીઠની સર્જરી કરાવી હતી અને બાદમાં તે ટીમથી બહાર થયો હતો. હાર્દિકે 10 ઓક્ટોબરના રોજ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં મારી પીઠનો ખ્યાલ રાખ્યો અને શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા કે જેથી મારે સર્જરી ન કરાવવી પડે. પણ મેં જોયું કે હું મારું 100% આપવામાં સફળ નહોતો થઈ રહ્યો, જેનો અર્થ છે કે હું મારા પોતાની સાથે અને મારી ટીમ સાથે ન્યાય નહોતો કરી શકતો. બાદમાં મે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

એલઆઇસીનું શેરવેચાણઃ કર્મચારીઓનું યુનિયન જનઆંદોલનને માર્ગે

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
ઓલ ઇન્ડિયા નેશનલ લાઇફ ઇન્શ્યોરન્સ એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી રાજેશ નિમ્બાલકરે જણાવ્યું હતું કે એલઆઇસી એ દેશમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર નાણાકીય સંસ્થા છે. સરકારને કંપનીનો હિસ્સો વેચવાની કેમ ફરજ પડી અને તે માનીતા ઉદ્યોગકારોને આપવા માગે છે? એલઆઇસી સંપૂર્ણપણે લોકોનાં હિતમાં કામ કરી રહી છે ત્યારે કંપનીનો હિસ્સો વેચવાની કેમ જરૂર પડી,  એવો પ્રશ્ન તેમણે પ્રશ્ન કર્યો હતો.
સરકાર માટે એલઆઇસી દૂઝણી ગાય સમાન
સરકાર એલઆઇસીનો હિસ્સો વેચવા કેમ તૈયાર થઈ છે? એમ તેમણે સવાલ પૂછ્યો હતો. તેમણે જણાવ્યું હતું. એલઆઇસી એ નુકસાન કરતી સંસ્થા નથી, પણ પ્રતિ વર્ષ સરકારને રૂ. 2,600 કરોડનું ડિવિડન્ડ ચૂકવે છે.

જનઆંદોલનને ગુજરાતનાં સાત ડિવિઝનનો ટેકો
ઓલ ઇન્ડિયા લાઇફ ઇન્શ્યોરન્સ એમ્પ્લોયીઝના પશ્ચિમ ઝોન (ગુજરાત)ના સેક્રેટરી મહેશભાઈ રાવલને કંપનીના હિસ્સાને શેરવેચાણ થકી વેચવા અંગે ચિત્રલેખા.કોમ એ ભાવિ રણનીતિ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે કંપનીની ઓફિસ ખાતે કર્મચારીઓએ એક કલાક દેખાવો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્તરે તેમનાં યુનિયનો જેકોઈ નિર્ણય લેશે એને તેઓ અનુસરવાના છે. આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય સ્તરે જનઆંદોલન કરવાના છે અને એ માટેની રણનીતિ તૈયાર થશે. આ માટે તેમને ક્લાસ-I, II (ડેવલપમેન્ટ અધિકારીઓ) અને ક્લાસ III-IVના કર્મચારીઓનો ટેકો છે. આ ઉપરાંત તેમને પોલિસીહોલ્ડર ઓથોરિટી અને એજન્ટ એસોસિયેશનનો પણ સપોર્ટ છે. ગુજરાતમાં સાત ડિવિઝન છે અને તેના 95 ટકા કર્મચારીઓનો તેમને ટેકો છે.

એલઆઇસીનું બંધારણ અને કદ

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સરકારી માલિકીની છે, જેની સ્થાપના 1956માં સંસદમાં લાઇફ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરીને કરવામાં આવી હતી. કંપનીની કુલ સંપત્તિ 2019 સુધીમાં રૂ. 31.12 લાખ કરોડ (450 અબજ ડોલર) છે.  કંપનીની એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, આઇડીબીઆઇ બેન્ક અને લાઇફ પેન્શન ફંડ સહિત અનેક પેટા કંપનીઓ છે.
નિમ્બાલકરે ઉમેર્યું હતું કે એલઆઇસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલા સંસદની મંજૂરી લેવી પડશે. ત્યાર બાદ એલઆઇસી બોર્ડ અને વીમા નિયામકની મંજૂરી લેવી પડશે. એ પછી બજાર નિયામકની મંજૂરી લેવાની રહેશે અને ત્યાર બાદ એલઆઇસીનો 10 ટકા હિસ્સો વેચાશે. એપ્રિલથી ડિસેમ્બર 2019 સુધીમાં કંપનીને નવા પ્રીમિયમની આવક રૂ. 1.37 લાખ કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 45.5 ટકાનો વધારો દર્શાવે છે. જોકે એક મહિનામાં (ડિસેમ્બર, 2019)માં કંપનીએ 16,861.98 કરોડ માંડી વાળ્યા હતા.


હવે ઉનાળાની ગરમીમાં ય બાળકો ભણશેઃ શાળા શૈક્ષણિક સત્રમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનાની શરુઆતમાં પૂરી થયા બાદ એક મહિનો અઘોષિત વેકેશન રહેતું હતું પરંતુ તેને રદ્દ કરીને એપ્રિલ મહિનાથી જ નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

હવેથી ધોરણ 1 થી 12 નું વર્ષ  2020-21 નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ,2020 થી આરંભાશે. વેકેશન 1 મે થી પાંચ સપ્તાહનું રહેશે. વેકેશન પછી શાળા યથાવત રહેશે. હવે શૈક્ષણિક સત્રનો એક મહિનો વધી જશે.

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા આશરે 1.14 કરોડ જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરીને સીબીએસઈ પેટર્નનું કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ-2009 પ્રમાણે ધોરણ 1 થી 5 માં 200 દિવસ અને ધોરણ 6 થી 8 માં 220 દિવસથી ઓછા ન હોવા જોઈએ.

તો ધોરણ 9 થી 12 માં 240 થી ઓછા દિવસ ન હોવા જોઈએ. ત્યારે આ જોગવાઈને ધ્યાને રાખતા અત્યાર સુધી પ્રથમ સત્ર અને બીજા સત્રના દિવસની જોગવાઈમાં વધઘટ થતી હતી. અત્યાર સુધી 15 મી જૂનથી શરુ થનારું શૈક્ષણિક સત્ર હવે એપ્રિલ મહિનાથી આરંભાશે.

ચાલુ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ 2020 માં 21 દિવસો ઘટતા હોવાથી તારીખ 20 એપ્રિલથી આરંભાશે પણ વર્ષ 2021-22 નું નવું શૈક્ષણિક વર્ષ તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને આ પછી તારીખ 1 મેથી પાંચ સપ્તાહનું વેકેશન રહેશે.