![]() ![]() ![]() ![]() |
AAPનો ચૂંટણીઢંઢેરોઃ ચોવીસ કલાક વીજપૂરવઠાનું વચન…
દિલ્હીમાં કેજરીવાલનો દબદબો ફરી જળવાઈ રહેવાની શક્યતાઃ સર્વે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન કેજરીવાલનો દબદબો જળવાઈ રહેવાની શક્યતા છે. એક ખાનગી ચેનલના ઓપિનિયન સર્વે મુજબ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકો પૈકી 54થી 60 બેઠકો મળવાની ધારણા છે. ત્યાર બાદ ભાજપને 10-14 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસ માંડ બે બેઠકો જીતે એવી શક્યતા છે. જોકે 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીને 70માંથી 67 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
ઓપિનિયન પોલમાં જણાવ્યા મુજબ જો દિલ્હીમાં આજે ફરીથી લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ તમામેતમામ સાત બેઠકો પર જીત હાંસલ કરે એવી સંભાવના છે. જોકે સર્વે અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઘણી મજબૂત સ્થિતિમાં છે અને આ ચૂંટણીમાં એને 54થી 60 બેઠકો મળવાનું અનુમાન છે.
આપને 52 ટકા વોટનું અનુમાન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 52 ટકા મતો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 34 ટકા વોટ મળવાની શક્યતા છે. જો સર્વે અનુસાર બેઠકો આપ પાર્ટીની તરફેણમાં આવે તો આપ પાર્ટીને 60 બેઠકો મળે એવી ધારણા છે. જોકે 2015ની ચૂંટણીને મુકાબલે આપનો મતહિસ્સમાં 2.5 ટકાનું નુકસાન થશે, જ્યારે ભાજપને 1.7 ટકા મતોનું નુકસાન થવાની સંભાવના છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠ ફેબ્રુઆરીએ યોજાવાની છે અને ચૂંટણી પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાનાં છે.

PMપદ માટે મોદી સૌપ્રથમ પસંદ
દેશમાં અને દિલ્હીમાં હાલ જો લોસભાની ચૂંટણી નવેસરથી થાય તો વડા પ્રધાનપદ માટે હજી પણ લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી છે. ઓપિનિયન સર્વે મુજબ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને 46 ટકા મતો મળવાની શક્યતા છે, જ્યારે આપને 38 ટકા વોટ મળવાનું અનુમાન છે. સર્વે અનુસાર 75 ટકા મતો સાથી મોટી પીએમપદના પહેલી પસંદ છે, જ્યારે રાહુલ ગાંધી આઠ લોકોની પસંદ સાથે બીજા નંબરે છે.
‘બાંગ્લાદેશીઓ ભારતમાંથી ચાલ્યા જાવ નહીં તો..’: મુંબઈમાં ‘મનસે’ના પોસ્ટરો લાગ્યા
મુંબઈ – ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે એક રેલી યોજવા પણ વિચારે છે. એવામાં આજે આ પાર્ટીના પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશીઓને ધમકી આપવામાં આવી છે કે તેઓ ભારતમાંથી ચાલ્યા જાય નહીં તો એમને ‘મનસેની સ્ટાઈલ’માં ઢસડીને કાઢી મૂકવામાં આવશે.
પનવેલના રસ્તા પર મરાઠી ભાષામાં લખેલા જોવા મળેલા પોસ્ટરમાં આવું લખાણ વાંચવામાં મળ્યું છે: ‘બાંગ્લાદેશીઓ દેશમાંથી ચાલ્યા જાવ નહીં તો MNS સ્ટાઈલમાં હાંકી કાઢવામાં આવશે.’ આ પોસ્ટરમાં મનસે પાર્ટીના વડા રાજ ઠાકરે અને એમના પુત્ર અમિત ઠાકરેના ફોટા પણ દર્શાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને હાલમાં જ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાજ ઠાકરેએ ગયા મહિને જાહેરાત કરી હતી કે એમની પાર્ટી મુંબઈમાં 9 ફેબ્રુઆરીએ વિરાટ રેલી યોજશે અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરોને ભારતમાંથી કાઢી મૂકશે.
ઠાકરેએ પુણેમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત કંઈ ધર્મશાળા નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા લોકોને હાંકી કાઢવા જોઈએ. ભારતે કંઈ માનવતા બતાવવાનો કોન્ટ્રાક્ટ નથી લીધો. નાગરિકતા સુધારિત કાયદા (CAA) વિશે ચર્ચા થઈ શકે છે, પણ બીજા દેશમાંથી ગેરકાયદેસર રીતે આવેલાઓને આપણે શા માટે આશરો આપવો જોઈએ?
રાજ ઠાકરેએ એમની પાર્ટીની વિચારસરણી બદલી છે. એમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીએ મહારાષ્ટ્રમાં પોતાની વિચારસરણીમાં ફેરફાર કરતાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટીની વિચારધારાને બદલી છે.
રાજ ઠાકરેની પાર્ટી અગાઉ મરાઠીઓનાં કલ્યાણની વાતો કરતી હતી, પરંતુ હવે એ હિન્દુત્વ મુદ્દે સક્રિય થઈ છે.
મનસે પાર્ટીએ ગયા ડિસેંબરમાં યોજેલા તેના મહા-અધિવેશનમાં તેનો નવો ધ્વજ રિલીઝ કર્યો હતો જે સંપૂર્ણપણે કેસરી ડિઝાઈનવાળો છે.
2006ની સાલમાં મનસે પાર્ટીએ પોતાના જે ધ્વજનું અનાવરણ કર્યું હતું એમાં કેસરી, લીલો અને બ્લુ રંગોની પટ્ટીઓ હતી, જે હિન્દુ, મુસ્લિમ તથા દલિત સમાજનો નિર્દેશ કરતા હતા. પરંતુ હવે તેણે નવો ધ્વજ માત્ર કેસરી રંગનો રાખ્યો છે.
ચીનમાં કોરોના વાઈરસથી 425 લોકોના મોત: 3235 નવા કેસ નોંધાયા
બેઈજિંગ: ચીનના આરોગ્ય વિભાગે કહ્યું કે, તેમને 31 પ્રાંત સ્તરીય વિસ્તારો અને શિનજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સ પાસેથી સોમવારે કોરોના વાઈરસથી સંક્રમણના 3235 નવા મામલાઓ તેમજ 64 લોકોના મોતની જાણકારી મળી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર મોતના તમામ કેસ હુબેઈ વિસ્તારના છે. આયોગે કહ્યું કે, સોમવારે 5072 નવા સંદિગ્ધ મામલાઓની સૂચના મળી.

આયોગના જણાવ્યા અનુસાર સોમવારે 492 દર્દીઓ ગંભીર રીતે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા જેમાંથી 157 લોકોની સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સોમવારે રાત સુધીમાં ચીનના મુખ્યભાગમાં કોરોનાના 20,438 મામલાઓની ખાતરી કરવામાં આવી અને 425 લોકોના મોત નિપજ્યા છે.
આયોગે આગળ કહ્યું કે, 2788 દર્દીઓ હજુ પણ ગંભીર સ્થિતિમાં છે અને 23,214 લોકો આ વાઈરસનો ભોગ બની ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 632 લોકોને સારવાર આપ્યા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ લોકોના સંપર્કમાં આવેલા અન્ય 2,21,015 લોકોની ઓળખ કરવામાં આવી ચૂકી છે અને જેમાંથી 12,755ને સોમવારે સ્વાસ્થ્યની તપાસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 1,71,329 લોકો હજુ પણ દેખરેખ હેઠળ છે. આયોગે કહ્યું કે, સોમવારે રાત સુધી હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીઝન(એસએઆર)માં આના 15 મામલાઓ અને તાઈવાનમાં 10 મામલાઓની પુષ્ટી થઈ ચૂકી છે.
વિશ્વના સૌથી મોટા સોશિયલ નેટવર્ક “ફેસબુક’ની” આજે બર્થડે
નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ નેટવર્ક ફેસબુકની વર્ષગાંઠ છે. ફેસબુકે વિશ્વના લોકોના જીવનધોરણ બદલી નાખ્યાં છે. આબાલવૃદ્ધ સૌને ફેસબુકે દીવાના કર્યા છે. વિશ્વના લોકો દરેક નાની-નાની ઘટના ફેસબુક પર શેર કરે છે. એક રીતે કહીએ લોકોને એની આદત પડી ચૂકી છે.
માર્ક ઝુકરબર્ગે ત્રણ મિત્રોની સાથે મળીને ફેસબુકને આજે લોન્ચ કર્યું હતું. જે વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક બન્યું. પાછલા બે દાયકામાં ટેક્નોલોજીએ જે ગતિ પકડી છે, એણે લોકોની જીવનશૈલીને એકદમ બદલી નાખી છે. ફેસબુકને ચોથી ફેબ્રુઆરી, 2004એ લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુકના સંસ્થાપકોમાં એન્ડ્રયુ મેકકોલમ, માર્ક ઝુકરબર્ગ, ડસ્ટિન મોસ્કોવિટ્સ, એડુર્ડો સેવેરિન અને ક્રિસ હ્યુજીસ છે.

મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી વ્યસ્તતાએ વિશ્વને તમારા ટેબલથી થઈને તમારા હાથ સુધી પહોંચાડી દીધી છે. સોશિયલ મિડિયા દ્વારા લોકોના સોશિયલ જીવનમાં આવેલા આ પરિવર્તનમાં ચોથી ફેબ્રુઆરીનું એક ખાસ મહત્ત્વ છે. ચોથી ફેબ્રુઆરીએ માર્ક ઝુકરબર્ગે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા ત્રણ મિત્રો સાથે મળીને વેબસાઇટ ફેસબુકને લોન્ચ કરીને વિશ્વના લોકોને ફ્રેડ્સ અને લાઇકને ગણવા એક નવું ગણિત આપ્યું. હાલ પરિસ્થિતિ એ છે કે વિશ્વના અબજો લોકોને પોતાની દરેક નાના-મોટા પ્રસંગને શેર કરે છે અને હવે એ જ તેમની દુનિયા બની ગઈ છે. ઝુકરબર્ગે ફેસબુક દ્વારા પોતાનું નસીબ બદલી નાખ્યું છે અને વિશ્વની તાસીર પણ બદલી નાખી છે. મોસમ પછી કદાચ પહેલી આ ચીજવસ્તુ છે જેણે વિશ્વના અન્ય લોકોને એકસાથે પ્રભાવિત કર્યા છે.

ફેસબુકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડ્રોપબોક્સ સીઈઓ ડ્રુ હોસ્ટનની નિમણૂક
ડ્રોપબોક્સના સીઈઓ અને સંસ્થાપક અને માર્ક ઝુકરબર્ગના અંગત મિત્ર ડ્રુ હોસ્ટનની ફેસબુકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વરણી કરવામાં આવી છે. ડ્રુ હોસ્ટન માર્ક ઝુકરબર્ગના ઘણા લાંબા સમયથી મિત્ર છે અને તેમની નિમણૂકથી સંભવિત તપાસનો સામનો કરી રહેલી ફેસબુકને બોર્ડમાં ડ્રુ હોસ્ટનના સામેલ થવાથી મદદ મળી રહેશે. ફેસબુકે ડ્રુ હોસ્ટનની નિમણૂક કર્યાની સોમવારે જાહેરાત કરી હતી. તેમની વરણીથી ઝુકરબર્ગને કંપની સામે ચાલી રહેલી નિયામકીય અને રાજકીય તપાસમાં મદદ મળી રહેશે. ડ્રુ હોસ્ટન 2007માં ક્લાઉડ સ્ટોરેજ કંપની ડ્રોપબોક્સ લોન્ચ થઈ એના સહસંસ્થાપક છે. ડ્રોપબોક્સને 2018ના વર્ષમાં સફળતાપૂર્વક આઇપીઓ લોન્ચ કર્યો હતો.
રોઝ વેલી કૌભાંડઃ શાહરૂખ ખાનની કંપનીની સંપત્તિ જપ્ત
મુંબઈ – કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3 કંપનીઓની રૂ. 70.11 કરોડની કિંમતની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચ મારી છે. આ 3 કંપનીઓમાંની એક છે નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની એક ટીમ છે અને એનો સહ-માલિક બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે.
ED એજન્સીએ કોલકાતા નાઈટ રાઈડર્સ ઉપરાંત કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને મલ્ટીપલ રિસોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ તથા અમુક વ્યક્તિઓની સંપત્તિને પણ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ટાંચ મારી છે. આ કંપનીઓએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઈન્વેસ્ટરો-ડિપોઝીટરોને ઊંચા વ્યાજ-વળતરની લાલચ આપીને છેતર્યા હતા અને કરોડોની રકમમાં ડિપોઝીટ મેળવી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ કંપનીમાં શાહરૂખ ખાન, એની પત્ની ગૌરી ખાન, અભિનેત્રી જુહી ચાવલાનાં પતિ જય મહેતાની માલિકી છે. આમ, આ બધાં મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
ED એજન્સીએ ઉક્ત કંપનીઓની જે સંપત્તિને ટાંચ મારી છે એમાં પશ્ચિમ બંગાળના રામનગર, માહીશદલ, પુર્બામેદિનીપુરમાં રૂ. 16.20 કરોડની કિંમતની, 24 એકરની જમીનના પ્લોટનો સમાવેશ થાય છે. તે ઉપરાંત મુંબઈમાં દિલકેપ ચેંબર્સમાંના એક ફ્લેટ, કોલકાતામાં ન્યૂ ટાઉન ખાતે જ્યોતિ બસુ નગરમાં એક એકરનો એક જમીન પ્લોટ, રોઝ વેલી ગ્રુપના વીઆઈપી રોડ ખાતેની એક હોટેલનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળ પોલીસે રોઝ વેલી ગ્રુપની કંપનીઓ તથા અન્યો વિરુદ્ધ એફઆઈઆર તથા ચાર્જશીટ નોંધાવ્યા બાદ ઈડી એજન્સીએ સંપત્તિ જપ્ત કરવાનું પગલું ભર્યું છે.
એફઆઈઆર અને ચાર્જશીટના આધારે કેન્દ્રીય તપાસ એજન્સીએ હાથ ધરેલી તપાસ પરથી એવું જાણવા મળ્યું છે કે રોઝ વેલી ગ્રુપની કંપનીઓ સાર્વજનિક લોકો પાસેથી ગેરકાયદેસર રીતે અને છેતરપિંડીના ઉદ્દેશ્ય સાથે ડિપોઝીટ તરીકે પૈસા ઉઘરાવતી હતી. એ ઈન્વેસ્ટરોને એવું વચન આપતી હતી કે એમણે ઈન્વેસ્ટ કરેલી રકમ પર ઊંચી રકમનું વળતર મળશે. આમ કરીને રોઝ વેલી ગ્રુપની કંપનીઓએ PMLA કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે, ગુનો કર્યો છે.
ઈડીની તપાસમાં વધુમાં એવું માલૂમ પડ્યું છે કે રોઝ વેલી ગ્રુપની કંપનીઓએ ભારતભરમાંથી જાહેર જનતા પાસેથી ડિપોઝીટરોને ડિપોઝીટની રકમ પર ઊંચા વ્યાજ કે વળતર જેવા ખોટા વચન આપીને લલચાવીને રૂ. 17,520 કરોડથી વધારે રકમ એકઠી કરી હતી.
રોઝ વેલી ગ્રુપે રૂ. 10,850 કરોડની રકમનું રીફંડ આપી દીધું છે, પણ બાકીના રૂ. 6,670 કરોડ હજી ચૂકવ્યા નથી જે એનો ગુનો બન્યો છે. કંપનીએ લોકોને છેતરીને જે ભંડોળ મેળવ્યું હતું એ તેણે જુદી જગ્યાએ ડાઈવર્ટ કરી દીધું છે. તે એવો કોઈ સાચો ધંધો કરતી જ નથી કે જેથી તે ઈન્વેસ્ટરો-ડિપોઝીટરોને એમનાં નાણાં પાછા આપી શકે.
ઈડી એજન્સીએ રોઝ વેલી ગ્રુપની કંપનીઓની રૂ. 4,680 કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવતી પ્રોપર્ટીઓને ઓળખી કાઢી છે અને એને ટાંચ મારી છે. આ પ્રોપર્ટીઓમાં અનેક લક્ઝરિયસ રિસોર્ટ્સ, હોટેલ્સ, વાહનો, ફ્લેટ્સ, જમીનના પ્લોટ્સ, સોનું તથા ઝવેરાતનો સમાવેશ થાય છે.
ઈડી એજન્સીએ 2015ના માર્ચ મહિનામાં રોઝ વેલી ગ્રુપની કંપનીઓના માલિક અને ચેરમેન ગૌતમ કુંદુની ધરપકડ કરી હતી અને તે હજી પણ અદાલતી કસ્ટડીમાં જ છે.
રોઝ વેલી ગ્રુપે બે વર્ષ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ ટીમને સ્પોન્સર કરી હતી.
ઈડી એજન્સીના અધિકારીઓએ 2015માં શાહરૂખ ખાનની પૂછપરછ કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ કંપનીના 50 લાખ જેટલા શેર ઓછી કિંમતે જય મહેતાને વેચવા બદલ અને એમ કરીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓનો કથિતપણે ભંગ કરવા બદલ શાહરૂખની પૂછપરછ કરવામાં આવી હતી.
રાજધાનીને મહેકતી રાખતો આ મુગલ ગાર્ડન એકવાર તો જોવા જેવો જ…
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ પડે એટલે દરેકના શ્વાસમાં એ ગાર્ડનમાં રહેલા અધધ ગુલાબના ફૂલોની મહેક ચોક્કસ મહેકી ઉઠે. આમ પણ આ ગાર્ડન વર્ષમાં માત્ર એક જ મહિનો મુલાકાતીઓ માટે ખુલતો હોવાથી તેનું વિશેષ આકર્ષણ રહે છે.
મુલાકાતીઓ માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવશે. ગાર્ડનની મુલાકાત માટે કોઈ ફી નથી. સોમવાર સિવાય મંગળવારથી રવિવાર સુધી આ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. સમય છે સવારે 9.30 થી સાંજે 4 સુધી. નવી દિલ્હીમાં નોર્થ એવેન્યૂ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર-35માંથી મુગલ ગાર્ડન માટેની એન્ટ્રી છે.

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી ફૂલોની મહેક સાથે સહેલાણીઓના સ્વાગત માટે તૈયાર છે. 15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં આ વખતે 10 હજારથી વધુ ટ્યૂલીપ ફૂલો, 138 પ્રકારનાં ગુલાબનાં ફૂલ ઉપરાંત જૂદા જૂદા 70 પ્રકારના 5 હજારથી વધુ મોસમી ફૂલો સાથે પાણીનાં ફૂવારા-ઝરણાં જોવાની મજા લેવા જેવી છે.

ગાર્ડનના ઈતિહાસ પર એક નજર કરીએ તો કશ્મીરના મુગલ ગાર્ડન ને તાજમહેલની આસપાસના બગીચા પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલો મુગલ ગાર્ડન રાષ્ટ્રપતિ ભવનની શાન ગણાય છે. જૂની નોંધો પ્રમાણે આ ગાર્ડનની ડિઝાઈન્સ તો 1917માં તૈયાર થઈ ગઈ હતી, પણ છેક 1928-29માં વાવેતર શરૂ થયું હતું. ગાર્ડનની ડિઝાઈન બનાવનાર સર એડવિન લ્યુટ્યન્સે આ ગાર્ડનની શૈલીમાં અંગ્રેજ અને મુઘલ શૈલીનું મિશ્રણ કર્યું હતું. ગાર્ડનની અનેક વિશેષતાઓમાંથી એક અધધધ વેરાયટીના ગુલાબો છે. અહીં 159 જાતિના ગુલાબ ખીલે છે.
દૂર્લભ અને આકર્ષક ગુલાબો માટે જગપ્રસિદ્ધ આ ઉદ્યાનમાં આ વખતે ગ્રેસ ધ મોનાકો નામનું ગુલાબ ખાસ પ્રકારે લોકોને આકર્ષિત કરશે. આ ગુલાબના છોડને ગયા વર્ષે મોનાકોના રાજા એલ્બર્ટ દ્વિતીયએ અહીં રોપ્યું હતું. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. મધર ટેરેસા, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જોન કેનેડી, મહારાણી એલિઝાબેથ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામના ગુલાબ પણ તમે જોતા રહી જશે.
ગુલાબ ઉપરાંત ચાના કપના આકાર ધરાવતા ટ્યૂલીપ ઈ ગાર્ડનની આગવી ઓળખ છે. ખાસકરીને જમ્મુ ગુલાબી ટ્યૂલીપ તેના આકર્ષક લૂકને કારણે દૂરથી ઓળખાઈ જાય છે. એ જ રીતે નાર્સિસસ, ડહેલિયા, સ્પેરાક્સિસ તેમજ એશિયાટિક લિલી જેવા જૂદા જૂદા પ્રકારના ફૂલોથી આ ગાર્ડન શોભી ઉઠે છે.

મુગલ ગાર્ડનમાં લાગેલા 138 પ્રકારના ગુલાબ અહીના રાજા છે. રોઝ ગાર્ડનમાં રંગબેરંગી ગુલાબને જોઈને તમારા મોં પર એક જ શબ્દ હશે વાહ! લાલથી લઈને પીળા, સફેદ, લીલા, વાદળી સહિત તમામ રંગોના ગુલાબ અહીં જોવા મળશે, જેની સુંગધથી આખો ગાર્ડન મહેકી ઉઠે છે.
ગાર્ડનમાં ફોટોગ્રાફી માટે સ્માર્ટ મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી છે. ઉપરાંત પીવાનાં પાણીની બોટલ અને નાનકડું પર્સ પણ લઈ જઈ શકાય. પરંતુ, કેમેરા, બેગ કે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જવાની પરવાનગી નથી.

મુગલ ગાર્ડન (રાષ્ટ્રપતિ ભવન)ની સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે સેન્ટ્રલ સેક્રેટરિએટ. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પાલમ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ભવન 11.2 કિ.મી. દૂર આવેલું છે. તો નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 6 કિ.મી., જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી 10.2 કિ.મી., નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી 7.5 કિ.મી., આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 17.1 કિ.મી. દૂર આવેલું છે.

ગયા વર્ષથી પહેલી જ વાર મુગલ ગાર્ડન જોવા માટે એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. એ માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટની નીચેની લિન્ક પર ક્લિક કરો. https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx
રાશિ ભવિષ્ય 04/02/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.





















