Home Blog Page 502

કોંગ્રેસના કાર્યક્રમમાં બાંગ્લાદેશનું ‘રાષ્ટ્રગાન’ ગવાતાં વિવાદ

નવી દિલ્હીઃ આસામના શ્રીભૂમિ જિલ્લામાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ‘આમાર સોનાર બાંગ્લા’ ગવાતો વિડિયો સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલું આ ગીત બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન પણ છે. ભાજપે તેની ટીકા કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસ ‘ગ્રેટર બાંગ્લાદેશ’નો માર્ગ સરળ કરી રહી છે.

આસામ ભાજપે X પર લખ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ બાંગ્લાદેશે એક નકશો જાહેર કર્યો હતો, જેમાં પૂર્વોત્તર ભારતના ઘણા ભાગો સમાવાયા છે અને હવે કોંગ્રેસ એ જ દેશનું રાષ્ટ્રગાન આસમમાં ગાઈ રહી છે. જો કોઈ આ એજન્ડા નથી સમજી શકતો, તો તે આંખો બંધ કરીને બેઠો છે અથવા પછી તેની મિલીભગત છે.

આસામના મંત્રી અશોક સિંહલે પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે પાર્ટી લાંબા સમયથી “ગેરકાયદે મિયા ઘૂસણખોરો”ને આશ્રય આપતી આવી છે, જેથી વોટ બેંકના રાજકારણ દ્વારા રાજ્યની જનગણતરી બદલી શકાય. તેમણે કહ્યું હતું કે હવે સ્પષ્ટ છે કે કોંગ્રેસનો હેતુ ‘ગ્રેટર બાંગ્લાદેશ’ની રાહ સરળ કરવાનો છે.

શ્રીભૂમિ, જેને પહેલાં કરીમગંજ કહેવામાં આવતું હતું, બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલું છે અને બરાક ઘાટીનો ભાગ છે, જ્યાં બાંગ્લાભાષીઓ બહુમતીમાં છે. અત્યાર સુધી કોંગ્રેસે આ વિવાદ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

ભારતના વિભાજન પછી બંગાળનો મુસ્લિમ બહુલ ભાગ પાકિસ્તાનમાં ગયો, જેને પૂર્વી પાકિસ્તાન કહેવાતું. પૂર્વી પાકિસ્તાનમાં મોટા ભાગની વસ્તી બાંગ્લા ભાષી હતી. પશ્ચિમી પાકિસ્તાનમાં પંજાબી બોલનારા પ્રભુત્વ ધરાવતા હતા, જેના વિરોધરૂપ પૂર્વ પાકિસ્તાનમાં અસંતોષ હતો. વર્ષ 1971માં પૂર્વી પાકિસ્તાને પોતાને પાકિસ્તાનથી મુક્ત જાહેર કરી ‘બાંગ્લાદેશ’ નામે અલગ રાષ્ટ્ર બનાવ્યું. બાંગ્લાદેશે બાંગ્લા અસ્મિતા અને સંસ્કૃતિનું પ્રતિક રહેલા આ ગીતને પોતાનું રાષ્ટ્રગાન સ્વીકાર્યું હતું.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેના હિંસક સંઘર્ષ દરમિયાન લાખો બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં આવીને વસ્યા. આસામની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી હોવાથી આસામમાં બાંગ્લાદેશી શરણાર્થીઓની ગેરકાયદે એન્ટ્રીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વ શર્મા ઘણી વાર દાવો કરી ચૂક્યા છે કે આસામની ડેમોગ્રાફી બદલાઈ ચૂકી છે.

ખાલિસ્તાની જૂથે દિલજીત દોસાંજને આપી ધમકી, ઘટનાનું કનેક્શન બિગ બી સાથે

પંજાબી ગાયક દિલજીત દોસાંઝને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન “શીખ ફોર જસ્ટિસ” દ્વારા ધમકી આપવામાં આવી છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં ગાયકના આગામી કોન્સર્ટને રદ કરવાની પણ માંગ કરી છે. આ સમગ્ર મામલો અમિતાભ બચ્ચન સાથે સંબંધિત છે. જાણીએ શું છે સમગ્ર ઘટના?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના નેતૃત્વ હેઠળના સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝને ધમકી આપી છે. તેમણે 1 નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર તેમના સંગીત કાર્યક્રમને રદ કરવાની પણ હાકલ કરી છે. આ જૂથનો આરોપ છે કે ગાયકના કાર્યો 1984ના નરસંહારના પીડિતોનું અપમાન કરે છે.

આ 1984ના રમખાણોના પીડિતોનું અપમાન

મીડિયા અહેવાલો અનુસાર, SFJ એ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દિલજીત દોસાંઝે “કૌન બનેગા કરોડપતિ 17” માં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરીને 1984ના શીખ નરસંહારના દરેક પીડિત, વિધવા અને અનાથનું અપમાન કર્યું છે. સંગઠનનો વધુમાં આરોપ છે કે અમિતાભ બચ્ચને 31 ડિસેમ્બર, 1984ના રોજ “ખૂન કા અબદલા ખૂન” (લોહીના બદલામાં લોહી) ના નારા લગાવીને ભારતીય ટોળાને જાહેરમાં ઉશ્કેર્યા હતા, જેના પરિણામે સમગ્ર ભારતમાં અસંખ્ય શીખોની હત્યા થઈ હતી.

દિલજીત દોસાંઝ ‘KBC 17’ માં દેખાયા
તાજેતરમાં, દિલજીત દોસાંઝ ‘કૌન બનેગા કરોડપતિ 17’ ના સેટ પર પહોંચ્યા હતા અને શોના હોસ્ટ-એક્ટર અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતાં. બિગ બીએ ગાયકને પંજાબનો પુત્ર કહ્યો અને બંને એકબીજાને ભેટી પડ્યા.બસ, અહીંથી વિવાદ થયો.

આગામી કોન્સર્ટ રદ કરવાની માંગ
સંગઠનોએ દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ગાયકે “સ્મૃતિ દિવસની મજાક ઉડાવી છે.” તેમણે એમ પણ કહ્યું કે આ પીડિતો સાથે અન્યાય છે, અને તેથી, તેમણે 1 નવેમ્બરના રોજ યોજાનાર ગાયકનો કોન્સર્ટ રદ કરવાની માંગ કરી છે. 1 નવેમ્બરને શીખ નરસંહાર સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પંજાબમાં પરાળી સળગાવવાના કેસોમાં બે ગણાથી વધુનો વધારો

ચંડીગઢ: પંજાબમાં છેલ્લા એક અઠવાડિયામાં પરાળી સળગાવવાના કેસોમાં બે ગણાથી વધુ વધારો નોંધાયો છે. છેલ્લા સાત દિવસમાં જ પંજાબમાં પરાળી સળગાવાના 580 કેસ સામે આવ્યા છે. સોમવારે એક જ દિવસે પરાળી સળગાવાના સૌથી વધુ 147 કેસ નોંધાયા હતા. જોકે ગઈ કાલે મંગળવારે આ આંકડો માત્ર 43 રહ્યો. પરંતુ તેમ છતાં ગયા એક અઠવાડિયામાં પરાળીને આગ લગાડવાના કુલ કેસોમાં બે ગણાથી પણ વધુ વધારો થયો છે.

પંજાબમાં પરાળી સળગાવાના કુલ 933 કેસ

પંજાબમાં 15 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધીના 35 દિવસમાં આ સીઝનમાં પંજાબમાં પરાળી સળગાવાના માત્ર 353 કેસ નોંધાયા હતા, પરંતુ 21 ઓક્ટોબર બાદના એક અઠવાડિયામાં જ 580 નવા કેસ નોંધાયા છે. હવે સુધી પંજાબમાં પરાળી સળગાવવાના કુલ 933 કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે 2024ની સરખામણીએ આ વખતે આશરે 57 ટકા ઓછા કેસ નોંધાયા છે.

ખેડૂતો સામે 302 FIR

પંજાબમાં અત્યાર સુધી પરાળી સળગાવાના કેસોમાં ખેડૂતો સામે 302 FIR નોંધવામાં આવી છે, જ્યારે 337 ખેડૂતોની જમીનના રેકોર્ડ પર રેડ એન્ટ્રી કરવામાં આવી છે, જેને કારણે હવે તેમને ભવિષ્યમાં જમીન ખરીદવા–વેચવામાં અને બેંકમાંથી લોન લેવા મુશ્કેલી પડશે. આ ઉપરાંત 386 કેસોમાં ખેડૂતો પર કુલ 19.80 લાખ રૂપિયાનું દંડ પણ ફટકારાયો છે.

પંજાબને બદનામ કરી રહી છે ભાજપ: CM માન

મુખ્ય મંત્રી ભગવંત માને મંગળવારે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના વાયુ પ્રદૂષણ માટે ભાજપ પંજાબને જવાબદાર ઠેરવી રહ્યો છે. એ સાથે જ તેમણે કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને બદનામ કરવા આ મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવ્યો છે. માને કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દિલ્હીના ધુમ્મસ માટે પંજાબને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે જો પરાળીનો ધુમાડો પંજાબમાંથી દિલ્હી પહોંચતો હોય તો પવન ઉત્તરથી દક્ષિણ તરફ ચાલવો જોઈએ, જે હાલમાં થઈ નથી રહ્યું.

World Stroke Day 2025: સ્ટ્રોક આવે તે પહેલાં દેખાય છે આ ચાર સંકેતો

દર ચાર મિનિટે વિશ્વભરમાં એક વ્યક્તિ સ્ટ્રોકથી મૃત્યુ પામે છે. મગજના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ ખોરવાઈ જાય છે ત્યારે સ્ટ્રોક થાય છે, જેના કારણે મગજના કોષો મૃત્યુ પામે છે. આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે જેના વિશે દરેકને જાણ હોવી જોઈએ.

વિશ્વ સ્ટ્રોક દિવસ (World Stroke Day) દર વર્ષે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સ્ટ્રોકના ગંભીર જોખમો અને લક્ષણો વિશે જાગૃતિ લાવવાનો છે. સ્ટ્રોક એ વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાના મુખ્ય કારણોમાંનું એક છે, પરંતુ ડોકટરો માને છે કે સ્ટ્રોકના પ્રથમ 60 મિનિટમાં શરૂઆતના સંકેતોને ઓળખવાથી જીવન બચાવી શકાય છે અને લાંબા ગાળાના નુકસાનને ઘટાડી શકાય છે.

સ્ટ્રોકના લક્ષણો માટે યાદ રાખવાની એક સરળ રીત છે ફાસ્ટ (FAST) જેને ક્યારેય અવગણવું જોઈએ નહીં. આ લક્ષણો અચાનક અને ઝડપથી દેખાય છે. દુર્ભાગ્યવશ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અનિયંત્રિત જીવનશૈલીને કારણે, આ સમસ્યા હવે ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત નથી, પરંતુ 30 થી 40 વર્ષના યુવાનોમાં પણ તેના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના માટે તાત્કાલિક જાગૃતિ અને ઝડપી પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

F (ફેસ-ચહેરો લટકી જવો)

સ્ટ્રોકનો પહેલો દેખાતો સંકેત ચહેરાનું લંબાવું છે. જો ચહેરાની એક બાજુ અચાનક નબળાઈ લાગે અથવા લંબાવાઈ જાય, તો તે ચેતવણીનો સંકેત છે. દર્દીને સ્મિત કરવા કહો. જો સ્મિત અધૂરું કે અસમાન લાગે, અથવા મોંના ખૂણામાંથી લાળ વહેવા લાગે, તો તરત જ સમજો કે આ સ્ટ્રોકની નિશાની હોઈ શકે છે. આ લક્ષણો દેખાય કે તરત જ સાવધાન થઈ જાઓ.

A (આર્મ્સ- હાથની નબળાઈ)

બીજી નિશાની તમારા હાથને લગતી છે. જો કોઈ વ્યક્તિના હાથ અચાનક સુન્ન થઈ જાય અથવા નબળા પડી જાય, તો આ બીજી ગંભીર ચિંતા હોઈ શકે છે. તેમને બંને હાથ એકસાથે ઉંચા કરવા કહો. જો એક હાથ જાતે પડી જાય અથવા ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલી પડે, તો તે સૂચવે છે કે મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો છે. જો આ સ્થિતિ થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

S ( સ્પીચ – બોલવામાં મુશ્કેલી)

આ સૌથી મહત્વપૂર્ણ સંકેત છે અને તેને ક્યારેય અવગણવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ અચાનક પોતાની વાણી અસ્પષ્ટ કરવા લાગે, બોલવામાં અસ્પષ્ટતા અનુભવે, અથવા બધું સમજે પણ બોલી ન શકે, તો આ મગજને ગંભીર નુકસાનની સ્પષ્ટ નિશાની છે. આ લક્ષણને ઊંઘ કે ચિંતા ન સમજો; આવા કિસ્સામાં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

T (ટાઈમ – તાત્કાલિક મદદ)

જો તમને ઉપર સૂચિબદ્ધ ત્રણ સંકેતો(ચહેરો, હાથ, વાણી) માંથી કોઈપણ દેખાય, તો એક ક્ષણ પણ બગાડો નહીં. ‘T’ નો અર્થ છે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો. સ્ટ્રોક પછીની પહેલી થોડી મિનિટો ‘ગોલ્ડન અવર’ તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન જેટલી ઝડપથી સારવાર મળે છે, બચવાની શક્યતા એટલી જ વધારે છે અને કાયમી અપંગતાની શક્યતા ઓછી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગુનાખોરી અને મની પાવરની બોલબાલા

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાને લઈને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને બિહાર ઇલેકશન વોચે ઉમેદવારોની પૃષ્ઠભૂમિનું વ્યાપક વિશ્લેષણ જાહેર કર્યું છે. આ રિપોર્ટ 121 વિધાનસભા વિસ્તારોના 1314માંથી 1303 ઉમેદવારોના શપથપત્રો પર આધારિત છે. રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે બિહારના રાજકારણમાં ગુનાખોરી અને મની પાવર ઊંડે સુધી પ્રસ્થાપિત છે.

ADRના અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા 1303 ઉમેદવારોમાંથી 423 (32 ટકા) ઉમેદવારોએ ગુનાખોરીના કેસ જાહેર કર્યા છે. જેમાંથી 354 ઉમેદવારો (27 ટકા) ગંભીર ગુનાખોરીના કેસોમાં આરોપી છે. રિપોર્ટ જણાવે છે કે 33 ઉમેદવારો હત્યાના કેસોમાં, 86 હત્યાના પ્રયાસના કેસોમાં અને 42 ઉમેદવારો મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસોમાં સામેલ છે. જ્યારે બે ઉમેદવારોએ પોતાના પર બળાત્કારના કેસો જાહેર કર્યા છે.

ગંભીર ગુનાખોરી ધરાવતા ઉમેદવારોમાં લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષો સામેલ છે, જેમાં

  • જન સુરાજ પાર્ટીના 114માંથી 49 (43 ટકા)
  • બહુજન સમાજ પાર્ટી (BSP)ના 89માંથી 16 (18 ટકા)
  • RJDના 70માંથી 42 (60 ટકા)
  • JDUના 57માંથી 15 (26 ટકા)
  • ભાજપ (BJP)ના 48માંથી 27 (56 ટકા)
  • AAPના 44માંથી 9 (20 ટકા)
  • કોંગ્રેસ (INC)ના 23માંથી 12 (52%)
  • CPI(ML)ના 14માંથી 9 (64%)
  • LJP (રામવિલાસ)ના 13માંથી 5 (38 ટકા)
  • CPIના 5માંથી 4 (80 ટકા)
  • CPI(M)ના તમામ ત્રણ (100 ટકા) ઉમેદવારો પર ગંભીર કેસો નોંધાયેલા છે.

ગુનાખોરી છબી ધરાવતા ઉમેદવારો પર પક્ષવાર વિશ્લેષણ:

પક્ષવાર કુલ ગુનાખોરી કેસોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

  • RJDના 70માંથી 53 (76 ટકા)
  • BJPના 48માંથી 31 (65 ટકા)
  • INCના 23માંથી 15 (65 ટકા)
  • CPI(ML)ના 14માંથી 13 (93 ટકા)
  • CPI અને CPI(M)ના તમામ ઉમેદવારોએ તેમના ઉપરના ગુનાખોરીના કેસ જાહેર કર્યા છે.

જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) અને JDUના 57માંથી 22 (39 ટકા) ઉમેદવારોએ પણ કેસો જાહેર કર્યા છે.

આ આંકડા દર્શાવે છે કે બિહારના રાજકારણમાં ગુનાખોરીનો પ્રભાવ લગભગ દરેક પક્ષમાં સમાન રીતે જોવા મળે છે. ADRના જણાવ્યા મુજબ રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાઓની અવગણના કરી છે.

વાવાઝોડા મોન્થાએ ભારે વિનાશ વેર્યોઃ 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર વાવાઝોડું ‘મોન્થા’  મંગળવારની રાત્રે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા સાથે અથડાયા પછી દેશના મોટા ભાગમાં ભારે વિનાશ વેર્યો છે. આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ભારે બરબાદી કર્યા પછી હવે તેની અસર ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ થકી અંતરિયાળનાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી દેખાઈ રહી છે. માહિતી મુજબ, આંધ્ર પ્રદેશના કોન્સીમા જિલ્લામાં જોરદાર પવનોને કારણે એક ઝાડ પડી જતાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું.

આ તોફાનની અસર ઓડિશામાં પણ જોવા મળી હતી. 15 જિલ્લાઓમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વાવાઝોડાને પગલે આંધ્ર પ્રદેશમાં 38,000 હેક્ટર પાકનું નુકસાન થયું છે અને 1.38 લાખ હેક્ટર બાગાયતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આશરે 76,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા, જ્યારે સરકારે વિવિધ સ્થળોએ 219 વૈદ્યકીય શિબિરોની વ્યવસ્થા કરી છે.

આ તોફાન મંગળવારની સાંજે સાતેક વાગ્યે આંધ્ર પ્રદેશના મચ્છલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ થયું હતું. આશરે લગભગ ચાર કલાક ચાલેલા આ લેન્ડફોલ દરમિયાન પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકથી વધુ રહી અને મુસળધાર વરસાદે શહેરોને છિન્નભિન્ન કરી દીધાં હતાં. 10 ફૂટ ઊંચી દરિયાઈ તરંગોએ તટ પર કહેર વરસાવ્યો, વીજળીના તાર તૂટી ગયા અને અનેક ઝાડ ઊખડી ગયાં હતાં.

આંધ્રમાં ઝાડ પડવાથી એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું, જ્યારે નાળિયેરનું ઝાડ પડવાથી એક છોકરો અને એક ઓટો ડ્રાઇવર ઘાયલ થયા હતા.

યુપી–બિહાર સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

IMDના નવા બુલેટિન મુજબ આગામી 24 કલાકમાં ચક્રવાત ઉત્તર તરફ આગળ વધશે અને પૂર્વી તથા મધ્ય ભારતના વિસ્તારોમાં તેના પ્રભાવથી ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

 ભારે વરસાદની શક્યતા:

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા

માછીમારોને આપવામાં આવી ચેતવણી

આ સાથે કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્ર, ઓડિશા અને બંગાળમાં માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. એ સાથે–સાથે મોન્થાના પ્રભાવથી તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં બે દિવસ સુધી ભારે વરસાદ અને તેજ પવનો રહી શકે છે.

પંચાંગ 29/10/2025

ઈન્સ્ટન્ટ બટેટા વડા

આ ઈન્સ્ટન્ટ બટેટા વડા માટે બટેટા બાફવાની પણ જરૂર નથી. ફક્ત બટેટાને ખમણીને મસાલો તૈયાર કરીને વડા તૈયાર થઈ જાય છે!

સામગ્રીઃ

  • મોટા બટેટા 2
  • હળદર 2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • તીખું લીલું મરચું 1
  • કાજુના ટુકડા 8-10
  • કિસમિસ 6-7,
  • ખાંડ ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 3 ટે.સ્પૂન
  • તળવા માટે તેલ
  • સમારેલી કોથમીર 1 કપ

રીતઃ બટેટાને છોલીને છીણી લો. આ છીણને એક પાણીએથી ધોઈને ફરીથી એક બાઉલમાં પાણી લઈ તેમાં નાખી રાખો. 10 મિનિટ બાદ છીણમાંથી પાણી નિતારી લઈ એક વાસણમાં લો.

આ છીણમાં આદુ છીણીને લો. તેમજ લીલું મરચું અધકચરું વાટીને લો. ત્યારબાદ તેમાં 2 ચપટી હળદર, લાલ મરચાં પાઉડર, વરિયાળી, ગરમ મસાલો, કાળા મરી પાઉડર, કાજુના ટુકડા, કિસમિસ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું મેળવી હાથેથી મેળવી લો. ત્યારબાદ તેમાં ચોખાનો લોટ મેળવી દો અને હવે તેમાં કોર્નફ્લોર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ તેનો ગોળો વાળી જુઓ. જો ગોળો વળે અને તેને ચપટો કરતી વખતે પણ તે છૂટો ના પડે તો. આ મિશ્રણમાંથી બટેટા વડા માટેના ગોળા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને વડા તળી લો. સહુ પહેલાં એક વડું તેલમાં તળી જોવું. જો તે છૂટું પડતું હોય તો તેમાં થોડો કોર્નફ્લોર વધુ ઉમેરીને ગોળા વાળવા.

વડા તળતી વખતે ઝારા વડે વડાને થોડી થોડી વારે હળવેથી ફેરવતા રહેવું. જેથી તે અંદરથી કાચાં ન રહે. વડા સોનેરી રંગના તળી લઈ, ઝારામાં લઈ, સરખું તેલ નિતરે એટલે એક પ્લેટમાં કાઢી લો.

તૈયાર વડા લીલી ચટણી સાથે પીરસો.

૨૯ ઑક્ટોબર ૨૦૨૫

સતીષ શાહના નિધન પાછળનું સાચું કારણ જણાવ્યું આ અભિનેતાએ

પીઢ અભિનેતા સતીશ શાહના મૃત્યુના ત્રણ દિવસ પછી તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું છે. તેમનું મૃત્યુ કિડની ફેલ્યોરને કારણે થયું ન હતું.અભિનેતા રાજેશ કુમારે મૃત્યુ પાછળનું સાચું કારણ જણાવ્યું.

બોલીવુડ જગત હજુ સુધી અભિનેતા સતીશ શાહના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યું નથી. ચાર દિવસ પહેલા તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીના લોકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શરૂઆતના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મૃત્યુ કિડની ફેલ્યોરથી થયું હતું, પરંતુ હવે તેમના નજીકના મિત્ર અને અભિનેતા રાજેશ કુમાર, જેમણે “સારાભાઈ વર્સિસ સારાભાઈ” માં તેમના પુત્રની ભૂમિકા ભજવી હતી, તેમણે ખુલાસો કર્યો છે કે સતીશ શાહનું મૃત્યુ કિડની ફેલ્યોરથી નહીં, પરંતુ અચાનક હાર્ટ એટેકથી થયું હતું.

રાજેશ કુમારે સાચું કારણ જણાવ્યું

રાજેશ કુમારે બોલિવૂડ હંગામાને જણાવ્યું કે સતીશ શાહની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સંપૂર્ણ રીતે સફળ રહી અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હતો. તેમણે કહ્યું,”સતીશ જીનું સ્વાસ્થ્ય નિયંત્રણમાં હતું. કિડનીની સમસ્યા નિયંત્રણમાં આવી ગઈ હતી. તેમની સ્થિતિ સ્થિર હતી, પરંતુ અચાનક હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું.” રાજેશે એ પણ ખુલાસો કર્યો કે અભિનેતાનું તેમના ઘરે બપોરનું ભોજન કરતી વખતે અવસાન થયું. થોડા સમય પછી, તેમને અચાનક છાતીમાં દુખાવો થયો અને તેઓ પડી ગયા.

અભિનેતાના અચાનક અવસાનથી તેમના સહ કલાકારો, મિત્રો અને ચાહકોને ઊંડા આઘાત લાગ્યો છે. રાજેશ કુમારે કહ્યું કે છેલ્લા 24 કલાક તેમના માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું,”તે દુઃખદ છે, પરંતુ લોકોએ સત્ય જાણવું જોઈએ: સતીશ જીનું અવસાન કિડની ફેલ્યોરથી નહીં, હૃદયરોગના હુમલાથી થયું હતું.”

અભિનેતાના સહ કલાકારો, મિત્રો અને ચાહકો તેમના અચાનક અવસાનથી ખૂબ જ આઘાતમાં છે. રાજેશ કુમારે કહ્યું કે છેલ્લા 24 કલાક તેમના માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “તે દુઃખદ છે, પરંતુ લોકોએ સત્ય જાણવું જોઈએ: સતીશ જીનું અવસાન કિડની ફેલ્યોરથી નહીં, હૃદયરોગના હુમલાથી થયું હતું.”

25 ઓક્ટોબરના રોજ સતીશ શાહના મૃત્યુના સમાચાર આવ્યા. તેમના મૃત્યુ પછી, સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાવા લાગી. કેટલાક લોકોએ તેનું કારણ કિડની ફેલ્યોર હોવાનું જણાવ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત ગૂંચવણોને જવાબદાર ગણાવી હતી. જોકે, સતીશ શાહના નજીકના સહયોગીના નિવેદનથી હવે બધી અટકળોનો અંત આવ્યો છે.