Home Blog Page 5022

બજેટ 2020: નાણાં પ્રધાને સામાન્ય જનતાને આવકવેરામાં શરતો સાથે રાહત આપી

નવી દિલ્હી – આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
એવી જ રીતે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી વધારે હોય અને 7.5 લાખ સુધીની હોય તો એમણે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે, જે દર અત્યાર સુધી 20 ટકા હતો. 7.5 લાખથી 10 લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓ માટેનો આવકવેરા સ્લેબ 20 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. એવી જ રીતે, 10 લાખથી 12.50 લાખ સુધીની આવકવાળાઓ માટેનો ટેક્સ સ્લેબ 30 ટકાથી ઘટાડીને 20 ટકા કર્યો છે. 12.50 લાખથી 15 લાખ સુધીની આવકવાળાઓએ 25 ટકા અને 15 લાખથી વધુ આવકવાળાઓએ 30 ટકા વેરો ચૂકવવો પડશે.

આવકવેરાનો નવો સ્લેબ વૈકલ્પિક હશે. નવી ટેક્સ છૂટનો લાભ લેવા માટે જૂના ટેક્સમાંની છૂટને છોડી દેવી પડશે. મતલબ કે, આનો ફાયદો ત્યારે મળશે જ્યારે તમે તમને મળનારી છૂટને છોડી દેશો.

નાણાં પ્રધાને કહ્યું કે 15 લાખ સુધીની આવકવાળાઓ જો હાલની છૂટનો લાભ જતો કરશે તો તેમને કરવેરાના નવા દરનો લાભ લઈને વાર્ષિક 78,000 રૂપિયાની બચત થશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટ વક્તવ્યમાં કહ્યું કે, 2022ની સાલ સુધીમાં અમારી સરકાર કિસાનોની આવક બમણી કરી દેશે. કુલ 6.11 કરોડ કિસાનોને ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

અગાઉ, નિર્મલા સીતારામન એમનાં બજેટ ફોલ્ડર સાથે આજે સવારે 10 વાગ્યે સંસદભવન પહોંચી ગયાં હતાં.

2019માં જ્યારે ભાજપ-NDAની સરકારે લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને તેની બીજી ટર્મ શરૂ કરી હતી ત્યારબાદ સપ્ટેંબરમાં સીતારામને એમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.


બજેટ-2020 હાઈલાઈટ્સ…

આખા બજેટ-2020નાં મહત્ત્વપૂર્ણ પગલાં

• એલઆઇસીનો આઇપીઓ લવાશે

• ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરાયો

• વ્યક્તિગત કરવેરાના દરને સરળ બનાવાયા

• હોમ લોન માટેનું 1.5 લાખ રૂપિયાનું એક્ઝેમ્પશન વધુ એક વર્ષ માટે લંબાવાયું

• 5 લાખ રૂપિયા સુધીની બૅન્ક ડિપોઝિટને સુરક્ષિત કરાઈ

• 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનો અંદાજ

******

સંસદમાં બજેટ-2020 રજૂ કરાયા બાદ શેરબજારમાં નિરાશા વ્યાપી ગઈ. સેન્સેક્સ 446 પોઈન્ટ તૂટ્યો

******

જૂતા-ચંપલો અને ફર્નિચર પરની કસ્ટમ્સ ડ્યૂટી વધારવામાં આવી

સસ્તી હોમ લોનના વ્યાજ પર હવે 1.5 લાખની રાહત

આધાર કાર્ડ મારફત તરત જ PAN કાર્ડ મળશે

કસ્ટમ્સ ડ્યૂટીમાંથી 14 રાહત સરકારે પાછી ખેંચી

******

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનું બજેટ ભાષણ સમાપ્ત થયું. લોકસભાની કાર્યવાહી 3 ફેબ્રુઆરી સુધી સ્થગિત રાખવામાં આવી.

******

આટલાં વર્ષોની સૌથી લાંબી બજેટ સ્પીચ હોવાની શક્યતા.
નિર્મલા સીતારામન 2 કલાક 40 મિનિટથી ઊભાં હતાં, તેમને તકલીફ થવા લાગી.
આખરે તેમણે બેસવું પડ્યું, અને બ્રેક લીધો.

******

કંપનીઓ માટેના કરવેરાના સુધારા

• હવે કંપનીઓએ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવો નહીં પડે, જેને ડિવિડંડ મળે તેણે જ ટેક્સ ભરવાનો રહેશે

• વીજનિર્માણ કરતી કંપનીઓએ ઓછા દરે કરવેરો લાગુ પડશે. નવી કંપનીઓને 15 ટકાના દરે લાગુ પડશે.

******

કરવેરાની જોગવાઈઓ

• પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિગત કરદાતાને રાહત
• વ્યક્તિગત કરદાતાની સુવિધા માટે નવા દર ઘટાડાશે
• અમુક ડિડક્શન જવા દઈને ઓછા દરનો લાભ લઈ શકાશે
• 2.5 લાખ રૂપિયા સુધીની આવક હાલની જેમ કરમુક્ત, 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે
• 5થી 7.5 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 10 ટકા
• 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 15 ટકા
• 10 લાખથી 12.5 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 20 ટકા
• 12.5 લાખથી 15 લાખ માટે કરવેરાનો દર 25 ટકા
• 15 લાખ રૂપિયાથી વધારેને 30 ટકા

******

પ્રાપ્ત ટ્રેન્ડ્સના આધારે વર્ષ 2020-21 માટે જીડીપીનો નોમિનલ ગ્રોથ 10 ટકાનો અંદાજવામાં આવ્યો છેઃ નિર્મલા સીતારામન

******

રાજકોષીય ખાધ માટેનાં પગલાં

• સરકારે કરવેરાની આવક વધારવા માટેનાં પગલાં ભર્યાં છે, જો કે, તેનાં પરિણામ મળવામાં સમય લાગશે
• 2019-20 માટેની રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાની ધારણા
• વર્ષ 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 રહેવાનો અંદાજ
• 2020-21 માટેના ખર્ચનો મોટો હિસ્સો મૂડીગત ખર્ચમાં જશે

******

સરકાર એલઆઇસીમાંથી પોતાનો અમુક હિસ્સો વેચશે

******

નાણાકીય બજાર માટેનાં પગલાં

• અમુક સરકારી સિક્યૉરિટીઝમાં ભારતીયોની સાથે સાથે વિદેશી રોકાણકારોને પણ રોકાણ કરવા દેવાશે
• ડેટ આધારિત ઈટીએફ સફળ રહ્યું છે. હવે ખાસ સરકારી સિક્યૉરિટીઝ માટેનું ડેટ ઈટીએફ લવાશે
• એનબીએફસી અને એચએફસીની પ્રવાહિતાની સમસ્યાને નાથવા માટે નવી વ્યવસ્થા કરાશે
• ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે 22,000 કરોડ રૂપિયા અપાયા છે
• ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. હવે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ બનાવાશે
• આઇડીબીઆઇ બૅન્કમાંથી સરકારનો બાકીનો હિસ્સો વેચી દેવાશે

*******

બૅન્કોમાં મૂકાતી રકમ હવે 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધી સલામત રહેશે
• 5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચાશે.
• સરકારે 3,50,000 કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રની બૅન્કોને આપ્યા છે
• અમુક સરકારી બૅન્કોને વધુ નાણાં પ્રાપ્ત કરવા માટે આઇપીઓ લાવવા દેવાશે
• ડિપોઝિટરોનાં નાણાં સંપૂર્ણપણે સલામત રહે એ માટે શેડ્યુલ્ડ કોમર્શિયલ બૅન્કોની સલામતી માટેની વ્યવસ્થા છે. ડિપોઝિટર વીમો 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો

******

કરદાતાઓને હેરાનગતિ થતી અટકશે

• દરેક નાગરિક પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે
• બિઝનેસને કરવેરા તંત્રમાં વિશ્વાસ હોવો જોઈએ
• આ બજેટ દ્વારા કરદાતા માટેનું ચાર્ટર રજૂ કરાયું
• કરદાતાઓને ખાતરી કરાવવામાં આવશે કે તેમને કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે. તેના માટે કાયદા ઘડાશે
• કંપનીઝ ઍક્ટમાં આવશ્યક સુધારા કરાશે.
• નોન-ગેઝેટેડ સ્તરે સમાન પ્રકારના હોદ્દાઓ માટે અલગ અલગ પરીક્ષાઓના સ્થાને રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવામાં આવશે, જે કોમન પરીક્ષા લેશે
• ડેટા કલેક્શનનું આધુનિકીકરણ કરવામાં આવશે
• 2022માં જી-20 પ્રેસિડન્સી પરિષદ થવાની છે. તેના માટે તૈયારીઓ શરૂ કરવા 100 કરોડ રૂપિયા ફાળવાયા

********

  • સંપત્તિનું સર્જન કરનારાઓનો દેશમાં આદર કરવામાં આવશે. કરવેરા વસૂલી માટે એમની પજવણી કરાય એ સાંખી નહીં લેવાયઃ નિર્મલા સીતારામન

******

સારો દેશ કેવો હોય એના વિશે થિરુવલ્લુવરે શું કહ્યું છે તેની વાત કરતાં નાણાપ્રધાને તેમની પંક્તિઓ રજૂ કરી, જેનો અનુવાદ આ પ્રમાણે છેઃ
• સારા દેશના પાંચ રત્નો – રોગચાળો ન હોય, સમૃદ્ધ હોય, સારો પાક થવો જોઈએ, સુખ હોવું જોઈએ, સલામતી હોવી જોઈએ.
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં શું કર્યું? – આરોગ્ય માટે આયુષ્માન ભારત, સમૃદ્ધિ લાવનારાને આદર, સારા પાક અર્થે કૃષિ માટેની યોજનાઓ, સુખ માટે ઈઝ ઑફ લિવિંગ, સલામતી માટે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપી છે.

********

• ગુજરાતના પુરાતત્ત્વીય પર્યટન ધામ ધોળાવિરાનો વિકાસ કરવામાં આવશે
• 2020-21માં 85,000 કરોડ રૂપિયા અનુસુચિત જાતિ માટે ફાળવાશે
• 2020-21માં 53,700 કરોડ રૂપિયા અનુસુચિત જનજાતિ માટે ફાળવાશે
• ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર હેરિટેજ ઍન્ડ કન્ઝર્વેશન બનાવાશે
• પાંચ પુરાતત્ત્વ સ્થળોનો વિકાસ કરવામાં આવશે, જેમાં ગુજરાતના ધોળાવિરાનો સમાવેશ
• ઝારખંડના રાંચીમાં આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે
• લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ બનાવાશે. 3,150 કરોડ રૂપિયા સાંસ્કૃતિક મંત્રાલય માટે ફાળવાશે

******

અન્ય મહત્ત્વપૂર્ણ પગલાંની જાહેરાત
• 2024 સુધીમાં 100 નવાં ઍરપોર્ટ બનાવાશે

• વીજગ્રાહકો માટે પ્રિ-પેઇડ મીટર્સ આવશે. ગ્રાહકો પોતાના સપ્લાયર જાતે નક્કી કરી શકશે
• 2020-21માં પરિવહન ક્ષેત્ર માટે 1.7 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
• ઇનોવેશન પર આધારિત નવું અર્થતંત્ર વિકસાવવામાં આવશે
• દેશમાં ખાનગી ક્ષેત્ર ડેટા સેન્ટર પાર્ક બનાવી શકશે. સરકારે તેના માટે મંજૂરી આપવાનું નક્કી કર્યું
• ગામોમાં આંગણવાડી, સરકારી શાળાઓ, પોલીસ સ્ટેશન, વગેરેને ડિજિટલ કનેક્ટિવિટી આપવાનું આયોજન
• 2020-21માં 6,000 કરોડ રૂપિયા ભારત નેટ કાર્યક્રમ માટે ફાળવાશે
• 1 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર લિંક આપવામાં આવશે

******

ભારતીય રેલવે માટે પગલાં

• રેલવે પાટા આજુબાજુ સૌરઊર્જા સુવિધા ઊભી કરાશે
• ખાનગી ક્ષેત્રના સહકારથી રેલવેનો વિકાસ
• મુંબઈ-અમદાવાદ વચ્ચે પર્યટન માટે તેજસ ટ્રેનનો ઉપયોગ

******

આર્થિક વિકાસ માટેનાં પગલાં
• વેપારસાહસિકતા આજે પણ ભારતની શક્તિ છે, જે સદીઓથી રહી છે
• રોકાણ માટે મંજૂરી આપનારો વિશેષ કક્ષ બનાવવામાં આવશે
• 5 નવાં સ્માર્ટ શહેર બનાવાશે
• દેશમાં મોબાઇલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના લવાશે
• રાષ્ટ્રીય ટેક ટેક્સટાઇલ મિશન સ્થાપવામાં આવશે
• દરેક જિલ્લાને નિકાસનું કેન્દ્ર બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન
• 20,300 કરોડ વેપાર-વાણિજ્ય માટે ખર્ચવામાં આવશે
• આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે

******

શિક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈઓ

• વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી લેવલ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે
• વધુ રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે
• એશિયન અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ માટે ઇન્ડ-સેટ પરીક્ષા લેવામાં આવશે, જેથી તેઓ ભારતમાં શિક્ષણ લેવા આવી શકે
• મેડિકલ ડૉક્ટરની અછતને દૂર કરવા માટે સરકાર હાલની જિલ્લા સ્તરની હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ સાંકળવામાં આવશે. સરકાર-ખાનગી ક્ષેત્રના સહકારથી આ મેડિકલ કૉલેજો ખોલવામાં આવશે.
• શિક્ષકો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ માટે વિદેશમાં માગ છે. આથી આરોગ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય તેના માટે વિશેષ તાલીમ પૅકેજ લવાશે.
• 2020-21માં શિક્ષણ ક્ષેત્ર માટે 99,300 કરોડ રૂપિયાની ફાળવણી

******

આરોગ્ય – સ્વચ્છતા માટે સરકારનાં પગલાં

• ‘ટીબી હારેગા, દેશ જિતેગા’. 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય
• 69,000 કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવાયા છે
• આયુષ્માન ભારત યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે
• 2020-21માં 12,300 કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ખર્ચાશે
• જલ જીવન મિશન માટે 3.6 લાખ કરોડની ફાળવણી કરાશે

******

  • દેશમાં કૃષિ ક્ષેત્ર માટેનું સરકારનું આયોજન
    • ખેડૂતની આવક બમણી કરવાનું લક્ષ્ય
    • સરકાર વેરહાઉસ માટે ગૅપ ફન્ડિંગ પૂરું પાડશે
    • ગામના સ્તરે મહિલાઓને ધાન્ય લક્ષ્મી બનાવવામાં આવશે, જેઓ ગામને આવશ્ય બિયારણ પૂરું પાડશે
    • ખેડૂતો માટે ગામના સ્તરે પાકના સંગ્રહ માટેની યોજના
    • બાગકામ ક્ષેત્રમાં અનાજ કરતાં વધુ પાક થઈ રહ્યો છે. તેના યોગ્ય માર્કેટિંગ અને સહયોગ માટે દરેક જિલ્લાના સ્તરે તેને સંબંધિત એક પ્રૉડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે
    • શૂન્ય ખર્ચની ખેતીની વિભાવના રજૂ કરાઈ
    • નાબાર્ડ રિફાઇનાન્સ સ્કીમને વિસ્તૃત બનાવાશે
    • કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો પ્રસ્તાવ
    • દૂધનું ઉત્પાદન વર્ષ 2021 સુધીમાં 108 મિલ્યન મેટ્રિક ટન સુધી લઈ જવાશે
    • 2022-23 સુધીમાં મત્સ્યોદ્યોગમાં ઉત્પાદન 200 લાખ ટન સુધી લઈ જવાશે
    • 20 લાખ ખેડૂતોને સૌર ઊર્જાથી સંચાલિત પંપ આપવામાં આવશે
    • કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે
  • 2022ની સાલ સુધીમાં કિસાનોની આવક બમણી કરીશું. કુલ 6.11 કરોડ કિસાનોને ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છેઃ નિર્મલા સીતારામનઆ બજેટના ત્રણ પાયા1. મહત્ત્વાકાંક્ષી ભારતઃ દરેકને સારું જીવનધોરણ
    2. આર્થિક વિકાસઃ બધાને આવરી લેનારો વિકાસ, જે સબકા સાથ સબકા વિકાસની પ્રતિઘોષ છે
    3. દેખભાળ રાખનારો સમાજઃ માનવીય અને કરુણામય સમાજ
  • ******

નવા દાયકાનું પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે, નિર્મલા સીતારામને કહ્યું,

• લોકોએ અમારી આર્થિક નીતિઓમાં વિશ્વાસ મૂક્યો છે
• સરકાર તંદુરસ્ત બિઝનેસ માટે પ્રતિબદ્ધ
• ટેક્નોલોજીની મદદથી અર્થતંત્રને ધમધમતું કરવાની પ્રતિબદ્ધતા
• અર્થતંત્રનાં ફંડામેન્ટલ્સ મજબૂત છે
• 2014-19ના ગાળામાં વહીવટમાં આમૂલ પરિવર્તન લાવ્યા છીએ
• ફુગાવો નિયંત્રણમાં રખાયો છે. સરકારે માળખાકીય સુધારાઓ માટે પગલાં ભર્યાં છે
• ડરામણું ઇન્સ્પેક્ટર રાજ નાબૂદ થઈ ગયું છે
• દરેક ચીજવસ્તુ પરનો વાસ્તવિક કરવેરાનો દર ઘણો ઘટી ગયો છે
• જીએસટીને કારણે દરેક પરિવારને 4,000 રૂપિયાની બચત થવા લાગી છે
• મોદી સરકારમાં 16 લાખ નવા કરદાતાઓ ઉમેરાયા છે

******

  • ભારત સરકારે 2015-16ના વર્ષ દરમિયાન 27 કરોડ 10 લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની કામગીરી બજાવી હતીઃ નાણાંપ્રધાન સીતારામન
  • કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામને કહ્યું, હું દૂરંદેશી નેતા સ્વર્ગીય અરૂણ જેટલીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
  • નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં એમનું બજેટ વક્તવ્ય શરૂ કર્યું છે.
  • બજેટની રજૂઆત. કાર્યવાહી નિહાળવા માટે નિર્મલા સીતારામનનાં પુત્રી વાંગમયી સંસદભવન પહોંચ્યાં.
  • સંસદભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય બજેટ-2020ને મંજૂરી આપવામાં આવી છે.
  • ઔપચારિકતા અને પરંપરા અનુસાર, નાણાંપ્રધાન નિર્મલા સીતારામન એમનાં બજેટ ફોલ્ડર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ગયાં હતાં અને રાષ્ટ્રપતિ કોવિંદને બજેટની કોપી સુપરત કરી હતી.
  • કેન્દ્રીય બજેટ-2020ની કોપીઓને સંસદભવન ખાતે લાવવામાં આવી છે.

ગુજરાતની આ પ્રાચીન વિરાસત હવે આઇકોનિક બનશે….

અમદાવાદઃ નાણામંત્રી નિર્મલા સીતારામને આજે વર્ષ 2020-21 નું બજેટ રજૂ કરતી વખતે બજેટમાં ભારતની કુલ પાંચ પુરાતત્વ સાઈટને આઈકોનિક સાઈટ તરીકે ડેવલપ કરવાની જાહેરાત કરી છે. આ પાંચ પુરાતત્વ સાઈટમાં ગુજરાતના ધોળાવીરાનો પણ સમાવેશ થાય છે. ધોળાવીરા ઉપરાંત શિવસાગર (આસામ), રાખીગઢ (હરિયાણા), હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ) સાઇટસનો પણ એમાં સમાવેશ થાય છે. આ સાઇટસમાં ઓન-સાઇટ મ્યુઝીયમ ઉપરાંત ઘણી નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.

શું છે આ ધોળાવીરા પુરાતત્વ સાઇટ?

ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. ધોળાવીરાની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને તે સમયે આશરે 50,000 જેટલા લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ અને પ્રાંતના મહેલની રચના, તે સમયે ત્યાં રહેતા લોકોની રહેણી કરણી, ત્યાંની વ્યવસ્થા વગેરે જાણવા જેવું છે.

મોહેં-જો-દડો અને હડ્ડપાના સમયમાં કાચી પાકી ઈંટો દ્વારા અહીંયા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો નજીકમાં આવેલી ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે. ૪૭ હેક્ટર (૧૨૦ એકર) ચતુર્થાંશ શહેર બે મોસમી સ્ટ્રીમ્સ, ઉત્તરમાં માનસાર અને દક્ષિણમાં મનહાર વચ્ચે આવેલું છે.

આ સાઇટનો સી ૨૬૫૦ બી.સી. સુધી ઉપયોગ કરવામા આવ્યો હતો, જે આશરે ૨૧૦૦ બી.સી. પછી ધીમે ધીમે ઉ૫યોગ ઘટતા, ટૂંકમાં તે સ્થળ છોડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ.૧૫૦૫૦ બી.સી. સુધી ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું હતું

(૧) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

(૨) અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં.

(૩) સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ પણ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ ‘મૉર્ડન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. આ સંસ્કૃતિનાં શહેરો એમના મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. વજન નિયમન, માપ, સિરૅમિક, કળા અને કૌશલ્યોમાં સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારે મહારત હાંસલ કરી લીધી હતી. રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને અત્યંત સમૃદ્ધ હતું. રણને કારણે ઊભી થયેલી પાણીની અછતને પહોંચી વળવા એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું ઇજનેરી કસબ કામે લગાડવામાં આવ્યું હતું.

 

“તારીખ પે તારીખ” : શા માટે ફાંસી આપવામાં થઈ રહ્યું છે મોડું?

નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના દોષિતોને આજે ફાંસી થવાની હતી પરંતુ તે ટળી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નિર્ભયાના દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી દીધી છે. ચારેય દોષિતોમાંથી આ બીજી દયા અરજી છે કે જે રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી. આ પહેલા મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે. ત્યારે દોષિતોને થનારી ફાંસીની સજા ફરીએકવાર ટળી ગઈ છે. પટિયાલા હાઉસ કોર્ટે આવતા આદેશ સુધી ફાંસી ટાળી દીધી છે.

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચાર દોષિતોને ફાંસી લગાવવાના લગભગ 12 કલાક પહેલા દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાડ જેલ પ્રશાસનને આ દોષિતોને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા જણાવ્યું હતું. કોર્ટે શુક્રવારે તિહાડ જેલના અધિકારીઓને દોષિતો વિરુદ્ધ જારી ડેથ વોરન્ટનો અમલ હાલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નિર્ભયાના દોષિતોની આ બીજી વખત ડેથ વોરંટ ટળ્યુ છે. પહેલી વખત 7 જાન્યુઆરીએ ફાંસીની સજા ટળી હતી. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરંટ ઇશ્યુ કરાયુ હતુ. જેના પર 17 જાન્યુઆરીએ રોક લગાવવામાં આવી છે. ફરીથી ફેબ્રુઆરીમાં ફાંસી આપવા માટે બીજુ વોરંટ ઇશ્યુ થયુ જેના પર શુક્રવારે ફરી રોક લગાવવામાં આવી છે.

દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો અપાયો નિર્ભયાના દોષિતોના વકીલ એ.પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની તારીખ ફરી એક વખત લંબાવવા માટે માંગણી કરી છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો આપવામાં આવ્યો છે.

નિર્ભયાના ચારેય દોષિતોના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે દિલ્હી પ્રિઝન રૂલ્સ મુજબ ચાર પૈકી કોઇ પણ દોષિતોને ત્યાં સુધી ફાંસી ન આપી શકાય કે જ્યાં સુધી આખરી દોષિત દયા અરજી સહિત તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ ન કરી લે.

આ મામલે જજ એન.વી.રમન્ના, અરૂણ મિશ્રા, આર.એફ. નરીમ, આર ભાનુમતિ અને અશોક ભૂષણની પાંચ જજોની ખંડપીઠે સુનાવણી હાથ ધરી છે. મહત્વનું છે કે આ કેસમાં અન્ય બે દોષિતો વિનય શર્મા અને મુકેશ સિંહે દાખલ કરેલી અરજીઓ સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચૂકી છે. જે બાદ વિનયે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. તિહાડ જેલે વિનય સિવાય બાકીના 3 નરાધમોને ફાંસી આપવાની તૈયારી પણ દર્શાવી છે. જલ્લાદ પવન પણ તિહાડ જેલમાં પહોંચી ચૂક્યો છે.

ચીનથી ભારતીયોને લઈને પરત આવ્યું વિમાનઃ તમામ દેખરેખ હેઠળ

નવી દિલ્હીઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે ચીનમાં રહેલા ભારતીયોને ત્યાંથી માદરે વતન પરત લાવવા માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું બી-747 વિમાન ચીનથી ભારતીયોને લઈને પરત આવી ગયું છે. આ વિમાન ગઈકાલે રાત્રે ચીનથી ભારત પરત આવવા માટે રવાના થયું હતું. આ વિમાનમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની 5 ડોક્ટરોની ટીમ ઉપસ્થિત હતી.(ફાઇલ ફોટો-પ્રતીકાત્મક)

આ વિમાનમાં પેરામેડિકલ સ્ટાફ પણ હતો, જેમની પાસે જરુરી દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરેલું ભોજન હતું. આ સાથે જ એન્જિનીયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ આ ફ્લાઈટમાં ઉપસ્થિત હતી. આ વિમાન આજે સવારે 7 વાગ્યા પછી નવી દિલ્હી પહોંચ્યું હતું.

ચીનથી આવેલા તમામ લોકોને ITPB ના છાવલા કેમ્પ લઈ જવામાં આવ્યા છે. અહીંયા 14 દિવસ સુધી તમામ લોકોને સૌથી અલગ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. કુલ 324 જેટલા ભારતીયો ચીનથી આ વિમાનમાં ભારત પરત આવ્યા છે. આ 324 લોકોમાં 211 જેટલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ સીવાય 3 નાબાલિક પણ છે.

રાશિ ભવિષ્ય 01/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

વાસ્તુ: સમાજ જે દિશામાં જઈ રહ્યો છે તે ખરેખર ચિંતાજનક છે?

હું ચાલીસ વરસની પરિણીત યુવતી છુ. મારા લગ્ન અરેન્જડ હતા. બરાબર સત્તરમાં વરસે સગાઇ થઇ ગઈ. મારા પતિ વારંવાર મને મળવા આવતા. મને અઢાર વર્ષ પુરા થયા એની પાર્ટી પતિ એટલે એમની સાથે મારો પ્રથમ સંબંધ બંધાયો. કાચી ઉમરમાં બધુ જ સારું લાગે છે. સગાઇ વખતે મારા પપ્પાએ શરત રાખી હતી કે હું ગ્રેજ્યુએટ થઇ જાઉં પછીજ લગ્ન કરવાના. અને બંને પક્ષે એ વાતની મંજુરી પણ મળી હતી. હું હોશિયાર હતી એટલે ફીઝીયોથેરાપીમાં એડ્મિશન મળી ગયું. હું હોસ્ટેલમાં રહેતી. મારા પતિ વારંવાર મળવા આવતા અને સંબંધ બાંધવા દબાણ કરતા. આમેય એમની સાથે જ લગ્ન કરવાના હતા એટલે ક્યારેક હું પણ સંમત થઇ જતી. એક વાર ખબર પડીકે હું માં બનવાની છું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા પતિ સ્વસ્થ હતા. એમના મમ્મીએ જીદ કરી અને પંદર દિવસમાં તો મારા લગ્ન થઇ ગયા. સાતમાં મહીને બેબી આવી એવું લોકોએ માની લીધું. પણ મને મનમાં રંજ હતો. કોઈ વિધિ પણ સમયસર ન કરી. મારું ભણવાનું અટકી ગયું. અંતે નર્સિંગનો કોર્સ કરીને મન મનાવી લીધું. બંને કામમાં ફેરતો ખરોજ ને?

ગયા અઠવાડિયે મારી દીકરી અઢાર વર્ષની થઇ. એના ચાર પુરુષ મિત્રો જે રીતે એની સાથે વર્તન કરતા હતા એ મને ન ગમ્યું. મારા પતિ સાથે વાત કરીતો એ મારા પર ગુસ્સે થઇ ગયા. મને કહે કે ‘મે જ એને છુટ આપી છે. એની પણ ઉંમર છે. અત્યારે મજા નહિ કરે તો ક્યારે કરશે? અને આ ઉમરમાં આપણે પણ કેવું કરતા હતા?” હું સમજાવવા પ્રયત્ન કરું છુ કે અમારી સગાઇ થઇ ગઈ હતી. મારે એકજ વ્યક્તિ સાથે સંબંધ હતા. અને મારતો સ્વપ્ન એકજ ભૂલમાં રોળાઈ ગયા. પણ એ માનવા તૈયાર નથી. મને તમારા પર ભરોસો છે. કૈક સમાધાન આપો. મારી દીકરી નાસમજ છે. એનું જીવન બરબાદ થઇ જશે.

બહેનશ્રી. તમારી ચિંતા વ્યાજબી છે. સમાજ જે દિશામાં જઈ રહ્યો છે તે સાચે જ ચિંતાજનક છે. મિત્રની કોઈ જાતી નથી હોતી. મિત્ર તો મિત્ર જ હોય છે. પરંતુ એ શબ્દને જાતિવાચક વિચારથી સમજવામાં આવે ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે. તમારા પતિ નવા જમાનાના છે તેવું તે માને છે. મોર્ડન હોવું એટલે નિયમો તોડવા એવું નથી. પરિવર્તનનો પવન ફૂંકાય ત્યારે ઘણા ઘર વિખેરાઈ જાય છે. તમારા પતિ કહે છેકે દીકરીને ગર્ભ રહી જશે તો તેને એબોર્શન કરાવી દઈશું. કેટલી વાર કરાવશો? પ્રેમ એક સાથે હોય ચાર સાથે નહિ. તમારી દીકરી અન્યને દેખાડવા આ કરે છે એવું તમે માનો છો તે સાચું છે. દીકરી તમારા બંનેની છે. તમે પણ ભણેલા છો. પહેલું તો તમારો અસંતોષ ભૂલી જાવ. બીજું કે તમારી દીકરીના મિત્ર બની જાવ. ભલે શરૂઆતમાં બાપ દીકરી મળીને તમારી મજાક કરે. તમારા અનુભવો સારી રીતે દીકરી સાથે શેર કરો. દીકરીને લાગણી, સ્નેહ, પ્રેમ અને સંબંધોનું મહત્વ સમજાવો. એને જીવતા શીખવાડો. માત્ર ફરિયાદો કરવાથી કે જવાબદારીમાંથી ભાગવાથી તમે કાંઈજ નહિ કરી શકો. અત્યારે તમારા પતિ કેવા છે એ અગત્યનું નથી. તમે કેટલા સફળ માતા છો એ સમજવાનું છે અને સાબિત કરવાનું છે. આ ઉમરમાં બાળકોને એક સાચા મિત્રની જરૂર હોય છે. તમે એ મિત્ર બની જાવ.

હવે આખી સ્થિતિને વાસ્તુના સંદર્ભમાં જોઈએ. લગ્ન પહેલા તમે અગ્નિમાં દક્ષીણ તરફ માથું રાખીને સુતા હતા. ભાઈના લગ્ન થયા એટલે તમે વાયવ્યના રૂમમાં પશ્ચિમ તરફ માથું રાખીને સુવા લાગ્યા. સગાઇ પણ થઇ અને બહાર રહેવાનું પણ થયું. તમારા પતિ નૈરુત્યમાં માથું રાખીને વાયવ્યમાં સુતા હતા. તેથી તેમની શારીરિક ઈચ્છાઓ પ્રબળ હતી. તમારા લગ્ન ધાર્યા કરતા વહેલા થયા. તમારા પતિને અન્ય સ્ત્રીઓ પણ ગમતી. પોતે સાચા હતા કે છે એ સાબિત કરવા એ પોતાની દીકરીને રોકી નથી શકતા. તમારા સંબંધોની અસર દીકરી પર પડી છે. એને આત્મવિશ્વાસ નથી તેથી એક કરતા વધારે મિત્રો રાખે છે કે એક છોડી જાય તો અન્ય તો રહે. બધા સાથે શારીરિક સંબંધો હોય અને એ બધાને આની જાણ હોય ત્યારે એમાંથી એક પણ વફાદાર હશે કે નહિ? એ સવાલ ઉદ્ભવે જ. દીકરીને અગ્નિમાં પૂર્વ તરફ માથું રાખીને સુવરાવો. એને યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવા કહો. તમે લોકો પૂર્વમાં માથું રાખીને સુવો અને શિવલિંગ પર અભિષેક કરો. બધુજ બરાબર થવા લાગશે.

 

પંચાંગ તા. 01/02/2020

ટ્રમ્પ મહાભિયોગઃ મતદાનનો મંચ તૈયાર?

વોશિંગ્ટનઃ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગ કેસને વ્હાઈટ હાઉસના વકીલો અને સદનના ફરિયાદીઓની 2 દિવસ સુધી ગહન પૂછપરછની પ્રક્રિયા સમાપ્ત કરી લીધી છે. બાદમાં નવા પુરાવા રજૂ કરવાની ડેમોક્રેટ્સની માંગ પર થનારા મતદાનનું મંચ તૈયાર થઈ ગયું છે.

ત્યારે હવે સાક્ષીઓના નવા નિવેદનો લેવાને લઈને એક સપ્તાહની સમય મર્યાદાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. કેલિફોર્નિયાના સાંસદે ઐતિહાસિક કેસમાં જ્યૂરી તરીકે ઉપસ્થિત 100 સાંસદોને કહ્યું કે, અહીંયા એક તાર્કિક શક્યતાઓ છે.

તેમણે કહ્યું કે, અમે એક સપ્તાહનો સમય વધારે લઈશું અને બાદમાં તમે સંસદીય કામકાજ ચાલુ રાખી શકશો. જો કે ટ્રમ્પની બચાવ ટીમે વધારે સાક્ષીઓ બોલાવવાની ડેમેક્રેટિક પાર્ટીની માંગને એ કહેતા ફગાવી છે કે, વ્હાઈટ હાઉસ આ પગલાને પડકારશે જેનાથી મામલો કોર્ટમાં ચાલ્યો જશે અને સંસદનું કામ ઘણા મહિના સુધી ઠપ્પ થઈ જશે. વ્હાઈટ હાઉસના વકીલ પેટ્રિક ફિલબિને કહ્યું કે, તેમણે ઘણા સપ્તાહ સુધી કહ્યું કે આ સ્પષ્ટ મામલો છે. તેમણે પૂછ્યું કે, જો આ તેમનો દાવો છે તો તેમને પ્રત્યક્ષદર્શીઓની શું જરુર છે?

હકીકતમાં ડેમોક્રેટ્સ પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનો પક્ષ જાણવા માટે વધારે ઈચ્છુક છે જેમણે પોતાના આગામી પુસ્તકમાં દાવો કર્યો છે કે ટ્રમ્પે તેમને જણાવ્યું હતું કે યૂક્રેનને સૈન્ય સહાયતા ટ્રમ્પના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડેનની તપાસ કરવાના બદલે આપવામાં આવી હતી. અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ પર સત્તાના દુરુપયોગ માટે ચલાવવામાં આવી રહેલા મહાભિયોગનો મામલો  હકીકતમાં આ જ આરોપ પર આધારિત છે.

 

BSE સ્ટાર MF પર ટર્નઓવરનો નવો વિક્રમઃ જાન્યુઆરીમાં 54.43 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ તા. 31 જાન્યુઆરી, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં જાન્યુઆરી, 2020માં પ્લેટફોર્મ પર 54.43 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા અને રૂ.16,235 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. અગાઉ ડિસેમ્બર, 2019માં 49.60 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતાં. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 4.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.

આ પ્લેટફોર્મ પર જાન્યુઆરી મહિનામાં 2.98 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 35.68 લાખની થઈ છે, જેઓ રૂ.1025.85 કરોડનું કોર્પસ ધરાવે છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.2181.50 કરોડના 2.26 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યુ છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 56,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે.

એક વધુ રોમાંચક સુપર ઓવર પરિણામઃ ભારતે ચોથી T20Iમાં NZને હરાવ્યું

વેલિંગ્ટન – ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સ શ્રેણીએ એક વધુ રોમાંચક મેચ આપી. આજે સ્કાઈ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચ પણ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ગઈ હતી અને એમાં વળી ભારતે જ જીત હાંસલ કરી.

આજે ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમને એના કેપ્ટન કેન વિલિયમ્સનની મદદ મળી શકી નહોતી. ઈજાગ્રસ્ત થવાથી એ મેચમાં રમી શક્યો નહોતો. એની જગ્યાએ ફાસ્ટ બોલર ટીમ સાઉધીએ સુકાન સંભાળ્યું હતું.

સાઉધીએ ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવા કહ્યું હતું. ભારતે તેના અમુક સ્ટાર ખેલાડીઓને આ મેચમાં આરામ આપ્યો હતો, જેમ કે રોહિત શર્મા, મોહમ્મદ શમી. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 165 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. 6ઠ્ઠા ક્રમે આવેલો મનીષ પાંડે 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના 36 બોલના દાવમાં 3 બાઉન્ડરી હતી. ઓપનર લોકેશ રાહુલે 26 બોલમાં બે સિક્સ, 3 બાઉન્ડરી સાથે 39 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 11, શ્રેયસ ઐયરે 1, શિવમ દુબેએ 12, શાર્દુલ ઠાકુરે 20, યુઝવેન્દ્ર ચહલે 1 રન કર્યો હતો. નવદીપ સૈની 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સાઉધીએ તેની 4 ઓવરમાં 28 રન આપ્યા હતા અને ચહલની વિકેટ લીધી હતી. લેગસ્પિનર ઈશ સોઢીએ 3 વિકેટ ઝડપી હતી. કોહલી મધ્યમ ઝડપી બોલર હેમીશ બેનેટની બોલિંગમાં આઉટ થયો હતો. બેનેટે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા.

ન્યૂઝીલેન્ડ ટીમના દાવમાં, ઓપનર માર્ટિન ગપ્ટીલ બુમરાહની બોલિંગમાં (4) સસ્તામાં આઉટ થયા બાદ કોલીન મુનરો (64) અને વિકેટકીપર ટીમ સેઈફર્ટ (57)ની જોડીએ બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. આ બંને બેટ્સમેન રનઆઉટ થયા હતા. ટોમ બ્રુસ ઝીરો પર આઉટ થતાં ન્યૂઝીલેન્ડની બાજી બગડી ગઈ હતી. રોસ ટેલર (24)એ બાજી સુધારવાની કોશિશ કરી હતી, પણ શાર્દુલ ઠાકુરે ફેંકેલી 20મી ઓવરમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવી હતી, બે બેટ્સમેન રનઆઉટ થયા હતા અને સ્કોર પણ 165ના આંકે બરાબર થતાં મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવર દ્વારા પરિણામ લાવવાની ફરજ પડી હતી.

ભારત વતી બુમરાહે ફેંકેલી સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડના કોલીન મુનરો, સાઈફર્ટ અને રોસ ટેલરે મળીને 6 બોલમાં 13 રન કર્યા હતા.

એને જવાબ આપવા માટે લોકેશ રાહુલ અને કેપ્ટન કોહલી મેદાનમાં ઉતર્યા હતા. રાહુલે પહેલા બોલમાં સિક્સર અને બીજા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. ત્રીજા બોલમાં એ કેચ આઉટ થયો હતો. ક્રોસ થઈ ગયેલા કોહલીએ ચોથા બોલમાં 2 રન દોડ્યા હતા અને પાંચમા બોલે વિનિંગ શોટના રૂપમાં બાઉન્ડરી ફટકારી હતી.

આ જીત સાથે ભારતે પાંચ-મેચોની સિરીઝમાં પોતાની અપરાજિત સરસાઈ વધારીને 4-0 કરી છે.

પાંચમી મેચ બીજી ફેબ્રુઆરીએ માઉન્ટ મોંગાનુઈમાં રમાશે.

બેટિંગમાં 20 રન કર્યા બદ બોલિંગમાં બે વિકેટ ઝડપનાર શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમ અત્યાર સુધીમાં કુલ 8 ટ્વેન્ટી-20 મેચોમાં સુપર ઓવર રમી છે, પણ એમાંથી 7માં હાર્યું છે. ભારત સામે સતત બે સુપર ઓવર મેચ હાર્યું છે.