Home Blog Page 5029

BSEમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સનું ટ્રેડિંગ શરૂ

પ્રથમ દિવસે 77,100 બેરલ્સનું કામકાજ અને 10,400 બેરલ્સના
ઓપન ઈન્ટરેસ્ટ જોવા મળ્યા

મુંબઈ તા.28 જાન્યુઆરી, 2020ઃ
દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈમાં મંગળવારથી બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સનું ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાં 77,100 બેરલ્સનું ટ્રેડિંગ વોલ્યુમ સર્જાયું હતું અને 10,400 બેરલ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. સેબીના પૂર્ણ સમયના મેમ્બર એસ.કે. મોહન્તીના હસ્તે સત્તાવાર રીતે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

એક્સચેન્જ તેના રૂપિયામાં દર્શાવાયેલા (રૂપી ડિનોમિનેટેડ) બ્રેન્ટ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈસ તરીકે આઈસીઈ બ્રેન્ટ ઈન્ડેક્સનો વપરાશ કરશે.

બ્રેન્ટ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ અંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, બીએસઈ વેપારીઓ, રોકાણકારો અને બજારના બધા સહભાગીઓને સુગમ અને કિંમતની દૃષ્ટિએ અસરકારક હેજિંગ પ્રોક્ટ્સ પૂરાં પાડી કોમોડિટીઝની બજારોને વિસ્તૃત બનાવવાના પંથે છે. અમે માનીએ છીએ કે આ કોન્ટ્રેક્ટ બધા હિતધારકો માટે સ્વીકાર્ય બનશે અને બધા હિતધારકો માટે જોખમ ઘટાડવાનું પસંદગીનું સાધન બની રહેશે. અમારી આઈસીઈ સાથેની ભાગીદારી એક નવી સિદ્ધિ છે અને તેનાથી દેશની એનર્જી કોમોડિટી ક્ષેત્રની જરૂરિયાતો અને હિતો લાંબા ગાળા માટે સંતોષાશે.”

દેશના આયાતી અને સ્થાનિક ઉત્પાદન સહિતના જુદા જુદા ક્રૂડ સાથે બ્રેન્ટ ક્રૂડ 98 ટકા સહ-સંબંધ ધરાવે છે, જ્યારે 2019માં ડબ્લ્યુટીઆઈનો સહ-સબંધ 88 ટકા રહ્યો હતો. દેશના ક્રૂડ ઓઈલમાં 25.23 ટકા જેવા નોંધપાત્ર હિસ્સા અને 98 ટકા જેવા સહ-સંબંધ (કોરિલેશન)ને પગલે ભારતમાંના વપરાશકારોમાં બ્રેન્ટ ક્રૂડ ઈન્ડેક્સ વધુ પસંદગી પામ્યો છે.

બીએસઈ બ્રેન્ટ ક્રૂડ કોન્ટ્રેક્ટ ફક્ત તેલ બજારની અનિશ્ચિતતાથી બચાવવા માટે જ નહિ પરંતુ ભારતમાં બજારના સહભાગીઓને વધારાની પારદર્શિતા, કાર્યક્ષમતા અને ખર્ચની દૃષ્ટિએ અસરકારક હેજિંગ ટૂલ્સ પૂરાં પાડી શકાય એ રીતના બનાવવામાં આવ્યા છે. દેશના ઓઇલ ઉત્પાદકો, રિફાઇનર્સ, વપરાશકારો, રોકાણકારો અને વેપારીઓ બ્રેન્ટ ક્રૂડમાં વૈશ્વિક સ્તરના ભાવો અને વેપાર પદ્ધતિઓનો લાભ મેળવી શકે છે.

દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામની ધરપકડ: રાજકારણ ગરમાયું

પટના:  જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના વિદ્યાર્થી શરજીલ ઇમામની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે મંગળવારે ધરપકડ કરી છે. આ પહેલા સોમવારે રાત્રે પોલીસે શરજીલના ભાઈ અને મિત્રની અટકાયત કરી પૂછપરછ કરી હતી. હવે દિલ્હી પોલીસ શરજીલને જહાનાબાદ કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લઈ જશે. શરજીલ પર દેશવિરોધી નિવેદનો આપવાના આરોપ હેઠળ દિલ્હી સહિત છ રાજ્યોમાં કેસ નોંધાયો છે. શરજીલનો પરિવાર મજબૂત રાજકીય કનેક્શન પણ ધરાવે છે.

શરજીલે તેમના એક ભાષણમાં અસમ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતને દેશમાંથી અલગ પાડવાની વાત કહી હતી. તેનો આ વીડિયો વાયરલ થયા પછી તેની વિરુદ્ધ દેશદ્રોહ તેમજ ધર્મના આધાર પર અશાંતિ ફેલાવવા સહિતના ગંભીર આરોપો હેઠળ છ રાજ્યોમાં એફઆઈઆર નોંધાઈ છે.  શરજીલની ધરપકડને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દેશ વિરુદ્ધ કોઈપણ પગલું સ્વીકારી લેવામાં નહીં આવે. આ મામલે કાયદો તેનું કામ કરશે.

શરજીલ ઇમામે શાહીન બાગમાં આપેલા વિવાદિત નિવેદન પછી શાહીનબાગ કમિટીએ તેને પદ પરથી હટાવી દીધો હતો. શરજીલે કહ્યું હતું કે જો આપણે સીએએનો વિરોધ યોગ્ય રીતે કરવો હોય તો ઉત્તર પૂર્વી ભાગને ભારતથી અલગ કરવો પડશે અને આ માટે ચક્કાજામ કરવું પડશે. તેના આ વીડિયો બાદ ભાજપના નેતાઓએ તેને ખૂબ શેર કર્યો હતો અને ભારતના ભાગલા પાડવા માગતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર શરજીલની જહાનાબાદના કાકો થાણા વિસ્તાર સ્થિત એક મસ્જિદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોમવારે શરજીલના ઘરે પોલીસે છાપેમારી કરી હતી જ્યાં શરજીલ વિરુદ્ધ મહત્વના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. આ બધા વચ્ચે શરજીલ મામલે જેએનયુ પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. જેએનયુના પ્રોક્ટરે શરજીલને સમન પાઠવીને દેશદ્રોહના આરોપોને લઈને ત્રણ ફેબ્રુઆરી સુધીમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે.

શરજીલ બિહારના જહાનાબાદનો રહેવાસી છે તેના પિતા અકબર ઈમામ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના નેતા રહી ચૂક્યા છે. અકબર ઈમામ જેડીયુની ટિકિટ પર જહાનાબાદથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. શરજીલનો એક નાના ભાઈ પણ છે, જેનો જહાનાબાદથી પૂર્વ સાંસદ અરુણ કુમાર સાથે નજીકના સંબંધ છે. તે પૂર્વ સાંસદ સાથે જ રહે છે.

શરજીલના કાકા અરશદ ઈમામ આ સમગ્ર ઘટનાક્રમને રાજકીય નજરે જોઈ રહ્યા છે. તે કહે છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે તેમના ભત્રીજા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. 40 મિનિટના વિડિયોને એડિટ કરીને અધૂરી વાત લોકો સમક્ષ મૂકવામાં આવી રહી છે. શરજીલની માતા પણ તેમના પુત્રને નિર્દોષ ગણાવે છે. તે કહે છે કે, તેમના પરિવારને દેશના બંધારણ પર વિશ્વાસ છે.

રાજકોટઃ રાજાશાહી ઠાઠથી ઠાકોરસાહેબની નગરયાત્રા

રાજકોટઃ ઠાકોર સાહેબ માંધાતા સિંહજીના રાજ્યાભિષેકનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વૈદિક પરંપરા અને વેદના શ્લોક સાથે ઠાકોર સાહેબનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આજે ઠાકોર સાહેબની નગરયાત્રા નિકળી હતી જેમાં અનેક વિન્ટેજ કાર અને ઘોડા જોડાયા હતા.

 

રાજકોટમાં રાજપુતોનો તલવાર રાસ

રાજકોટઃ શહેરમાં ઠાકુર સાહેબ માંધાતાસિંહના રાજ્યાભિષેકનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 2500 જેટલા ક્ષત્રિય ભાઈઓ અને બહેનોએ 9 મિનિટ 49 સેકન્ડ સુધી શોર્ય અને કળાના સંગમ જેવી તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.

 

કેમ ‘સંવિધાન’ બન્યો ઓક્સફર્ડનો 2019 નો હિન્દી શબ્દ?

નવી દિલ્હી: ઑક્સફોર્ડ દ્વારા ‘સંવિધાન’ શબ્દને વર્ષ 2019ના હિન્દી શબ્દ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘સંવિધાન’ (બંધારણ) શબ્દને ઑક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર 2019માં તરીકે પસંદ કરવા પાછળ ખાસ કારણ છે. આ શબ્દ ગયા વર્ષની પ્રકૃતિ, મિજાજ, માહોલ અને માનસિકતાને વ્યક્ત કરવાની સાથે તેના સ્થાયી સાંસ્કૃતિક મહત્વને કારણે પસંદ કરવામાં આવ્યો છે.

ઑક્સફોર્ડે ભાષા (Oxford Languages)ની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષના હિન્દી શબ્દ તરીકેની પસંદગી માટે ઑક્સફોર્ડે હિન્દી બોલતા લોકો પાસેથી તેમના ફેસબુક પેજના માધ્યમથી સૂચનો મંગાવ્યા હતા જેને ઉત્સાહજનક પ્રતિક્રિયા મળી હતી. લોકોએ સેકડો જૂદા જૂદા અને વિચારશીલ પ્રતિક્રિયા મોકલી. ઑક્સફોર્ડે વર્ષના હિન્દી શબ્દની પસંદગી માટે હિન્દી ભાષાના નિષ્ણાતોએ તેમના સલાહકાર મંડળ સાથે લોકો દ્વારા મોકલાવેલી પ્રતિક્રિયાની સમીક્ષા કરી તેનું વિશ્લેષણ કરી તેના પર વિચાર-વિમર્શ કર્યો અને પછી એકમત નિર્ણય લીધો.

સંવિધાન કોઈ પણ રાષ્ટ્ર કે સંસ્થા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એ લેખિત નિયમો હોય છે જેના આધાર પર એ રાષ્ટ્ર કે સંસ્થાનું સુચારુ રીતે સંચાલન કરી શકાય. ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણા સંવિધાનને તૈયાર કર્યું હતું. સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નિર્વાચિત સભ્યો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

જવાહરલાલા નેહરુ, ડૉ ભીમરાવ આંબેડકર, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સભાના પ્રમુખ સભ્યો હતો. ઑક્સફોર્ડ અનુસાર વર્ષ 2019માં ભારતના સંવિધાને ભારતની સામાન્ય પ્રજા માટે નવા સ્તરેથી મહત્વ પ્રાપ્ત કર્યું. ગયા વર્ષે સંવિધાનના સિદ્ધાંતોના પ્રભાવને અલગ રીતે અનુભવાયો હતો.

વર્ષ 2019માં કર્ણાટકમાં ધારાસભ્યોની અયોગ્યતા, મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ, અયોધ્યા મંદિર-બાબરી મસ્જિદ, સબરીમાલા મંદિર વિવાદ, જમ્મુ-કશ્મીર આર્ટિકલ 370 વગેરે જેવા મુદ્દાઓને કારણે ભારતનું બંધારણ (સંવિધાન) ચર્ચામાં રહ્યું.

થલાઇવા સ્ટાર રજનીકાંત હવે મેન વર્સિસ વાઇલ્ડ શો માં

નવી દિલ્હીઃ ટીવી પર બેયર ગ્રિલ્સનો શો મેન vs વાઈલ્ડ ખૂબ જાણીતો છે. ગત વર્ષે આ શોમાં વડાપ્રધાન મોદી જોડાયા હતા અને આ એપિસોડને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત પણ આ શો માં ભાગ લેવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રજનીકાંત જલ્દી જ બેયર ગ્રિલ્સ સાથે આ શો ના એપિસોડનું શૂટિંગ કરશે. વડાપ્રધાન મોદી આ શોમાં આવ્યા ત્યારે તેનુ શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં થયું હતું તો રજનીકાંતવાળા એપિસોડનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં થશે. ચેન્નઈના પત્રકાર શબ્બીર અહમદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

સુપરસ્ટાર રજનીકાંતને ભારતના સૌથી સફળ એક્ટર માનવામાં આવે છે.

બજેટની ત્રણ બાબતો પર રહેશે સૌની નજર

જેટ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર તે જાહેર થાય તેવી રાહ છે. બજેટમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તક દર વખતે હોતી નથી, તેથી નાના મોટા ફેરફારો જ તેમાં થતા રહેતા હોય છે, પણ દર વખતે કેટલીક બાબતો પર સૌની નજર વધારે હોય છે. આ વખતે પણ કેટલીક બાબતો પર સૌની વધારે નજર છે. મુખ્ય એક મુદ્દો સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે કે સરકાર એવું શું કરશે કે લોકોના હાથમાં થોડા પૈસા વધારે બચે. લોકોના હાથમાં પૈસા બચે તો તેને ખર્ચ કરવાનું મન થાય અને ખર્ચ કરે તો બજારમાં પૈસો ફરતો થાય અને અર્થતંત્ર નીચે જતું અટકે.
અર્થશાસ્ત્રીઓ તેને પોતાની ભાષામાં સપ્લાય સાઇડ અને ડિમાન્ડ સાઇડ કહે છે. માગ અને પુરવઠો એ બે મુખ્ય બાબત હોય છે. અર્થતંત્રમાં ઉત્પાદનનો પુરવઠો વધે તે માટે પ્રયાસો થઈ શકે અથવા માગ વધે તે માટે પ્રયાસો થઈ શકે. અત્યારે મુશ્કેલી એ થઈ શકે છે કે લોકોની માગ ઘટી છે. એટલે કે ડિમાન્ડ સાઇડની મુશ્કેલી છે. ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતમજૂરોની આવક ઉલટાની ઘટી છે. તેથી તેઓ ઓછી વસ્તુઓ ખરીદે છે અને તેથી ઉદ્યોગોનું વેચાણ ઘટે છે. આ સુસ્તીમાંથી બહાર આવવા લોકોમાં માગ વધે તેવું કરવું પડે.

માગ વધારવા લોકોના હાથમાં પૈસા રહે તેવું કરવું પડે. સીધો અર્થ થાય ટેક્સ ઘટાડવો. ત્રણેક પ્રકારના ટેક્સ ઘટાડવા માટેની આશા રાખીને નિષ્ણાતો બેઠા છે. ગુજરાતીઓને આમાં વધુ રસ પડે તેવું છે, કેમ કે ત્રણેય બાબતોની સીધી અસર ગુજરાતીઓને થાય. આમ તો બધાને થાય, પણ ગુજરાતીઓને વધારે થાય કેમ કે શેરબજાર સાથે બે બાબતોને સંબંધ છે. એક જ છે ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો. તેનો ફાયદો બધાને થાય, ગુજરાતીઓને પણ થાય. તે પછીની બે બાબતો છે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન અને ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ. આ બંને બાબતો શેર બજાર સાથે જોડાયેલી છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે લાંબા ગાળાના મૂડી ફાયદા પર ટેક્સ લેવામાં આવે છે. શેરમાં રોકાણ કર્યું હોય અને વર્ષ દરમિયાન લે વેચ કરી હોય તેમાંથી નફો થાય તો કેપિટલ ગેઈન ભરવો પડે. એક જ વર્ષમાં શેરમાં એક લાખ રૂપિયાથી વધારેનો નફો થાય તો 10 ટકા કેપિટલ ગેઈન લાગે.

આ મામલો હંમેશા ચર્ચામાં રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે 2004-05માં યુપીએ-પ્રથમની સરકાર બની ત્યારે નાણા પ્રધાન ચિદંબરમે કેપિટલ ગેઈન ટેક્સ હટાવવાનું કામ કર્યું હતું. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન નાબૂદ કરાયું હતું. તેની પાછળનો ઇરાદો એ હતો કે લોકો લાંબો સમય રોકાણ રાખે અને પછી નફો કરે તો ટેક્સ ના લેવો. એક જ વર્ષના ગાળામાં લેવેચ કરનારા વેપારી હોય, જ્યારે શેર લઈને બેચાર વર્ષ રાખી મૂકનારા રોકાણકાર હોય. શેરનું કામકાજ કરનારા કરતાં લાંબા ગાળા સુધી શેર રાખનારા રોકાણકારો જુદા કહેવાય. તેથી આવા રોકાણકાર પર ટેક્સ ના લગાવવાનું નક્કી થયું હતું.

લાંબો સમય તેમ ચાલ્યું, પરંતુ અરુણ જેટલીએ 2017-18માં ફરીથી કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કર્યો. એક વર્ષમાં શેરના કામકાજમાં એક લાખથી વધુની આવક પર 10 ટકા ટેક્સ લાગતો થયો છે. આમ તો દલીલ એવી છે કે શેરનું કામકાજ કરીને કમાતા હોય તેના પર ટેક્સ લેવો જોઈએ, પણ તેની સામે બજારમાં તરલતા ઓછી થઈ જાય છે. બજારમાં તરલતા રહે તો બધા રોકાણકારોને ફાયદો હોય છે. તેથી એવી દલીલ કરનારા કહેતા હોય છે કે આ ટેક્સ ના લો. એવી માગણી થઈ રહી છે કે તેને નાબુદ કરવો જોઈએ. સાવ નાબુદ ના કરી શકાય, કેમ કે બાકીના લોકોનો વિરોધ થાય, તેથી ટેક્સનો દર ઓછો કરવાની પણ માગણી છે. આ માગણી નિર્મલા સિતારમણ માન્ય રાખશે તેવી આશા છે. 10 ટકાના બદલે પાંચથી સાત ટકા જ ટેક્સ લેવામાં આવે તેવી માગણી શેરબજારના વેપારીઓ તરફથી મૂકવામાં આવી છે. બીજી માગણી એ છે કે કેટલા સમયમાં શેર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ અને કેટલા સમયે વેચવામાં આવે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ગણવો, તેમાં ફેરફારની માગણી પણ છે. જોવાનું એ રહે છે કે મુદતમાં ફેરફાર થાય છે કે વેરાના દરમાં.

કંપનીઓ તરફથી શેરધારકને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. કંપનીઓ ડિવિડન્ડ ચૂકવે ત્યારે તેના પર સરકાર ટેક્સ લે છે. ગુજરાતીઓએ નાનું મોટું રોકાણ શેરમાં કર્યું જ હોય એટલે ડિવિડન્ડ આવે તેમાંથી ટેક્સ કપાઈને આવતો હોય છે. કંપનીઓનું કહેવું છે કે નફો ત્યારે તેના પર સરકારને ટેક્સ ચૂકવવામાં આવે જ છે. આવક પર એકવાર ટેક્સ ચૂકવાઈ ગયો હોય, પણ તે પછી તે આવકની વહેંચણી શેરધારકોને કરવામાં આવે ત્યારે ફરીથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ લાગે છે. આમ બેવડો કર ના લાગવો જોઈએ એવી માગણી છે. આવો ટેક્સ 20 ટકા સુધીનો હોય છે. બીજું કે 10 લાખથી વધુની આવક ડિવિડન્ડથી થાય ત્યારે વધારે 10 ટકા ટેક્સ લાગતો હોય છે. આ બધી બાબતોથી શેરબજારના લોકો વધારે સારી રીતે વાકેફ હોય છે અને તેની ગણતરી કરીને જ રોકાણ કરેલું હોય છે. આમ છતાં શેરબજારમાં રોકાણનું આકર્ષણ રહે અને કામકાજમાં તથા ગણતરીમાં સરળતા રહે તે માટે પણ નિયમોમાં ફેરફારની માગણીઓ થતી રહે છે. આ વખતે પણ એ જ રીતે બંને માગણીઓ છે, પણ પૂરી થશે કે કેમ તે જોવાનું રહે છે.

ત્રીજી માગણી જે દેશમાં બધાને અને લગભગ પાંચ કરોડ લોકોને સ્પર્શે છે તે છે આવક વેરાની. 135 કરોડની વસતિમાં હજીય પાંચથી છ કરોડ લોકો રિટર્ન ભરે છે અને તેમાં નાની રકમની આવકવાળા વધારે છે. ઘણા વર્ષોથી સ્લેબમાં ધીમો ધીમો વધારો જ થઈ રહ્યો છે. અઢી લાખથી પાંચ લાખની મર્યાદા ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. ગત વખતે બજેટ રજૂ થયું ત્યારે રિબેટની જોગવાઈ દાખલ થઈ હતી. એવી રીતે રિબેટ આપવામાં આવે કે પાંચ લાખ સુધી ટેક્સ ભરવો ના પડે, પણ મર્યાદા અઢી લાખની જ રહી હતી.

તેથી લાંબા સમયની માગણી પ્રમાણે પાંચ લાખનો પ્રથમ સ્લેબ કરવાની આશા ઘણાને છે. ફુગાવા પ્રમાણે આટલી આવક ઘણાની થઈ ગઈ છે, પણ સામે ખર્ચા વધ્યા છે. બાળકોને ભણાવવાથી માંડીને આરોગ્યના ખર્ચા વધ્યા છે, સામે વેરામાં રાહત મળતી નથી. બીજું, પ્રથમ પાંચ ટકાના સ્લેબ પછી સીધો 20 ટકાનો સ્લેબ આવે છે. 10 ટકાની આવક પછી સીધો 20 ટકાનો સ્લેબ આવે છે.

ડાયરેક્ટ ટેક્સ કોડમાં મોટા પાયે ફેરફારોની ચર્ચા બે દાયકાથી થાય છે, પણ તેનો અમલ પૂર્ણ રીતે થયો નથી. સ્લેબ વધારે હોય, પાંચ પાંચ ટકાના હોય, અને ધીમે ધીમે વધતા જાય તો લોકોને વાત વાજબી લાગે. 15 લાખ અને 15 કરોડ કમાતા બંને પર લગભગ સરખી ટકાવારીમાં વેરો લેવાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે વધુ કમાતા પર વધુ ટેક્સની માગણી થાય.

મૂળ માગણી પેલી છે કે લોકોના હાથમાં પૈસા રહે તેવું કરો. આવક વેરામાં ફેરફારથી સીધી અસર થાય. જેટલો વેરો ઓછો થાય તેટલી આવક લોકોના હાથમાં રહે અને આ મધ્યમ મધ્યમ વર્ગ હોવાથી તેમના દ્વારા પૈસા વપરાવાની શક્યતા વધારે. પાંચ દસ કરોડની આવકવાળાને થોડો ઓછો ટેક્સ ભરવો પડે તેનાથી ખર્ચમાં વધઘટ ના થાય, માત્ર રોકાણમાં અસર થાય. મધ્યમ વર્ગ માટે રોકાણ કરતાં ખર્ચની શક્યતા વધારે હોય છે. તે સિવાયનું પગલું ગ્રામીણ વિસ્તારમાં ખેડૂત, ખેતમજૂરના હાથમાં વધારે પૈસા પહોંચે તે માટેનું છે, પણ તે કેવી રીતે થશે તે સ્પષ્ટ નથી. મનરેગા જેવી યોજનામાં ફાળવણી વધારવી, ટેકાના ભાવ માટે વધારે ફાળવણી કરવી, ખેડૂતોની છ હજારની સીધી સહાય થાય છે તેમાં વધારો કરવો વગેરે પગલાં લેવાઈ શકે છે. પણ તેની ચર્ચા અલગથી થઈ રહી છે અને તેમાં જુદી જુદી માગણી છે.

સૌથી વધુ ચર્ચા આ ત્રણ બાબતોની છે – આવક વેરો, કેપિટલ ગેઈન ટેક્સ અને ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ. તેથી ભારતમાં પ્રથમવાર પૂર્ણ કક્ષાના નાણાં પ્રધાન બનેલા નિર્મલા સિતારમણ તેમનું પ્રથણ પૂર્ણ નાણાકીય વર્ષનું બજેટ કેવું લઈને આવે છે તે જોવાનું રહેશે. એક ગૃહિણી તરીકે કુટુંબની આવકમાં થોડો વધારો થાય તો શું થઈ શકે તે તેઓ જાણતા હોવો જોઈએ, તેમ માનીને લોકોના હાથમાં થોડા પૈસા બચે તેવું કરશે તેવી અપેક્ષા છે.

અદનાનને પદ્મશ્રીઃ માયાવતીને કહા, મુઝકો ભી તો સુન લો…

લખનઉઃ પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને પદ્મશ્રી સમ્માન આપવાની જાહેરાત પછી સર્જાયેલા રાજકીય ઘમાસાણમાં બસપા સુપ્રીમો માયાવતી પણ જોડાયા છે. માયાવતીએ કહ્યું છે કે, જો પાકિસ્તાની મૂળના ગાયકને નાગરિકતા અને સન્માન મળી શકે છે તો પછી પાકિસ્તાની મુસ્લીમોને પણ સીએએ અંતર્ગત દેશમાં શરણ મળવું જોઈએ. માયાવતીએ કેન્દ્રની મોદી સરકારને સીએએ પર પુનર્વિચાર કરવાની સલાહ પણ આપી.

માયાવતીએ ટ્વીટ કરતા લખ્યું કે, પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને જ્યારે ભાજપ સરકાર નાગરિકતા અને પદ્મશ્રીથી સન્માનિત કરી શકે છે તો પછી અત્યાચારનો શિકાર બને પાકિસ્તાની મુસલમાનોને ત્યાંના હિંદુ, શીખ, ઈસાઈ સહિતના લોકોની જેમજ અહીંયા સીએએ અંતર્ગત શરણ શા માટે ન આપી શકે? કેન્દ્ર સીએએ પર પુનર્વિચાર કરે તો સારુ રહેશે.

પાકિસ્તાનથી આવીને ભારતમાં વસી રહેલા ગાયક અદનાન સામીએ પોતાને પદ્મશ્રી મળ્યાને લઈને થયેલા વિવાદ પર પોતાના અંદાજમાં જવાબ આપ્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા જયવીર શેરગિલના પ્રહારોનો જવાબ, પોતાનું ફેમસ ગીત “કભી તો નજર મિલાઓ” ગાઈને આપ્યો. તેમણે ભાજપના નેતા સંબિત પાત્રાના નિવેદન પર પણ “મુજ કો ભી તો લિફ્ટ કરા દે” ગાઈને જવાબ આપ્યો.

અદનાન સામીએ આ મામલે વાત કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે પોતાના પિતાનો ફોટો પણ બતાવ્યો. સામીએ કહ્યું કે, કોંગ્રેસની લીડરશીપે તેમને બહુ પ્રેમ આપ્યો છે પરંતુ જયવીર શેરગિલને ખ્યાલ નથી કે તેઓ શું કહી રહ્યા છે.

2002 રમખાણોના સત્તર આરોપીને શરતી જામીન

નવી દિલ્હી: 2002 ગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે સરદારપુરા ગામના 17 આરોપીઓને શરતી જામીન આપ્યા છે. કોર્ટે આરોપીઓને બે અલગ અલગ બેન્ચમાં રાખ્યા હતા. એક બેન્ચને ઈન્દોર અને એક બેન્ચને જબલપુર મોકલવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીઓને કહ્યું છે કે, જામીન પર રહેવા દરમ્યાન તેમણે સામાજિક અને ધાર્મિક કામ કરવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે ઈન્દોર અને જબલપુરમાં અધિકારીઓને કહ્યું છે કે, તેઓ જામીન દરમ્યાન આરોપીઓ સામાજિક અને આધ્યાત્મિક કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખે. કોર્ટે આરોપીઓને તેમની આજીવિકા માટે પણ કામ કરવાની છૂટ આપી છે. કોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને સહમતી રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. સાથે જ અધિકારીઓને આરોપીઓના આચરણ મામલે પણ રિપોર્ટ આપવા કહ્યું છે.

ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની નેતૃત્વવાળી બેન્ચે આરોપીઓને જામીન આપ્યા છે. આ બેન્ચમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ સામેલ હતા.

મહત્વનું છે કે, ગોધરા કાંડ પછી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર રમખાણો થયા હતા. તેમાં 33 લોકોના મોત થયા હતાં. આ મામલે હાઈકોર્ટે 14 આરોપીઓને છોડી મૂક્યા હતા જ્યારે 17ને આજીવન જેલની સજા સંભળાવી હતી અને આ 17 આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાનો હવાલો આપીને જામીન માંગ્યા હતા.

અગાઉના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. તેમનો કેસ સુપ્રીમમાં પેન્ડિંગ છે. અને આરોપીઓ ઘણા સમયથી જેલામાં બંધ છે. આરોપીઓના ગુજરાત પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અનુરાગ ઠાકુરના ગોળી મારવા વાળા નિવેદન પર દિલ્હીના ચૂંટણી અધિકારીએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા બાદ હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આ મામલે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ રિપોર્ટ માંગ્યો છે. રિઠાલાથી ભાજપના ઉમેદવાર મનીષ ચોધરીના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધન કરતા અનુરાગ ઠાકુરે ચૂંટણી રેલીમાં ગદ્દારોને ગોળી મારવા વાળું નિવેદન આપ્યું છે. રેલીમાં તેમણે કહ્યું કે, દેશના ગદ્દારોને ગોળી મારો.

રિઠાલાથી ભાજપના ઉમેદવાર મનીષ ચોધરીને ગિરિરાજ સિંહના નજીકના માનવામાં આવે છે. ત્યારે લોકો સાથે વિવાદિત નારા લગાવડાવ્યા બાદ અનુરાગ ઠાકુર નિશાને આવી ગયા છે. વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે, કોઈ આવા વ્યક્તિને મંત્રી મંડળમાં નહી પરંતુ જેલમાં હોવું જોઈએ. ભાજપને કેબિનેટમાં આ પ્રકારના લોકો જ મળે છે.

ભાજપ પર હુમલો કરતા દિલ્હી કોંગ્રેસની પ્રચાર સમિતિના પ્રમુખ કીર્તિ આઝાદે કહ્યું કે, ભગવા દળના નેતા ગદ્દાર છે જે શાંતિ અને સ્થિરતા બગાડવા માટે કરી રહ્યા છે. આ વિવાદિત નારો કપિલ મિશ્રા જેલા ભાજપના નેતા લગાવતા રહ્યા છે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્રીય મંત્રી સ્તરના પાર્ટીના નેતા આમાં જોડાયા છે.