Home Blog Page 504

દેશભરમાં છઠના તહેવારે રૂ. 50,000 કરોડ રૂપિયાનો વેપાર

નવી દિલ્હી: દેશમાં છઠ તહેવારને લઈને બિહાર સહિત દેશઆખામાં નોંધપાત્ર વેચાણ થયાં હતાં. માત્ર બિહારમાં જ અંદાજિત 15,000 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનું માનવામાં આવે છે. દેશભરમાં લગભગ રૂ. 50,000 કરોડ રૂપિયાથી વધુના વ્યવહાર થયા હોવાનો અંદાજ છે, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)નો અહેવાલ કહે છે.

ચાર દિવસ ચાલેલો છઠ તહેવાર મંગળવાર સવારે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપીને પૂર્ણ થયો હતો. કેટના અંદાજ પ્રમાણે માત્ર દિલ્હીમાં જ 8000 કરોડ રૂપિયાના વ્યવહાર થયા હતા. બિહારમાં 15,000 કરોડ અને ઝારખંડમાં લગભગ 5000 કરોડ રૂપિયાની વેચાણ થયાં હતાં.કેટ દ્વારા બહાર પાડવામાં આવેલી રિપોર્ટમાં આ વ્યવહાર સંબંધિત માહિતી આપવામાં આવી છે. દરેક વર્ષે તહેવારો અને લગ્ન પ્રસંગોને લઈને દેશમાં કેટલો ખર્ચ થાય છે તેના અંગે કેટ માર્ગદર્શક આંકડા આપે છે. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે છઠના પરંપરાગત પ્રદેશો — બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલમાં ભારે ખરીદી થઈ. આ ઉપરાંત દિલ્હીમાં અને NCR વિસ્તારમાં મોટી પૂર્વાંચલી વસ્તી હોવાથી પણ મોટા વેપાર નોંધાયા હતા.

કેટના જણાવ્યા મુજબ પૂજા સામગ્રી, તાત્કાલિક માળખાં (અસ્થાયી સ્ટ્રક્ચર્સ), સુરક્ષા અને સફાઈ સેવાઓ પર ભારે ખર્ચ થયો. પશ્ચિમ બંગાળમાં વસતા પ્રવાસી સમુદાયને લીધે ગંગા કિનારે મોટા આયોજન કરવામાં આવ્યાં, જ્યારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરેમાં તળાવો અને ઘાટોની મરામત સાથે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી. ઓડિશા, કર્ણાટક અને તેલંગાણા વગેરેમાં પ્રવાસી વસ્તીને કારણે સ્થાનિક બજારોમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.

પરંપરાગત રાજ્યોની બહાર હવે છઠ તહેવારનો આર્થિક પ્રભાવ મહાનગરો અને નવાં રાજ્યોમાં પણ ફેલાયો છે, જ્યાં પ્રવાસી સમુદાયે સ્થાનિક માંગમાં વધારો કર્યો છે. છઠ પર થયેલી ખરીદીમાં કૃષિ ઉત્પાદનો — જેમ કે કેળા, શેરડી, નાળિયેર, મોસમી ફળો, ચોખા, અનાજ વગેરે; પ્રસાદ અને મીઠાઇમાં ઠેકુઆ, ખીરની સામગ્રી, લાડુ, ગોળ ઉત્પાદનો; પૂજન સામગ્રીમાં ટોપલી, દીયા, પત્તલ, ફૂલો, માટીના વાસણો અને પેકિંગ સામગ્રી સાથે સાથે ઘાટ નિર્માણ, લાઇટિંગ, સુરક્ષા, સફાઈ, બોટ સેવા જેવી સેવાઓના વ્યવહારમાં પણ ભારે વૃદ્ધિ નોંધાઈ હતી.

એકતા નગર ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે, વંશજો હાજર રહેશે

રાજપીપળા:  31 ઓક્ટોબર, 2025ના રોજ લોહપુરૂષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. જે નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લેવાના છે. ત્યારે આ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. વર્ષ 2014થી 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર), કે જેઓ હાલમાં ૮૦ વર્ષના છે, તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગૌતમભાઈના પત્ની ડો. નંદિતા પટેલ, સરદાર પટેલના પ્રપૌત્ર કેદાર ગૌતમ પટેલ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ગૌતમભાઈના પત્ની રીના પટેલ તથા તેમની પુત્રી કરીના કેદાર પટેલ પણ એકતા નગર ખાતે હાજર રહેશે. આ ઉપરાંત ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ, તેમના પત્ની રીતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતિક છે. એકતા નગર હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિક બની ગયું છે.

મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત

જયપુરઃ મનોહરપુર સ્ટેશન વિસ્તારના ટોડી ગામે મજૂરોને લઈ જતી એક બસ હાઈટેન્શન લાઇનના સંપર્કમાં આવી જતાં કરંટની ઝપેટમાં આવી ગઈ. આ અકસ્માતમાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે અંદાજે 12 જેટલા મજૂરો દાઝી ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મજૂરોને લઈને બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટભઠ્ઠી તરફ આવી રહી હતી. રસ્તામાં બસ ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટની લાઇનના સંપર્કમાં આવી ગઈ, જેને કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી ગઈ. આ ઘટનાની સાથે જ બસમાં બૂમાબૂમ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાંચ મજૂરોને જયપુર મોકલાયા

પ્રાપ્ત માહિતી મળતાં જ મનોહરપુર પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને ઘાયલ મજૂરોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ગંભીર રીતે કરંટથી દાઝેલા પાંચ મજૂરોને પ્રાથમિક સારવાર બાદ જયપુર મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

મંગળવારે જયપુર ગ્રામ્ય જિલ્લાના શાહપુરા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. જ્યાં મજૂરોને લઈ જતી બસ હાઈટેન્શન લાઇનની ઝપેટમાં આવી ગઈ. જેને કારણે બસમાં મજૂરોને કરંટ લાગ્યો હતો અને આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી  ગઈ છે. આગમાં બસ આખી બળી ખાખ થઈ ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જૈસલમેરમાં 26 લોકોનાં મોત થયાં હતાં

આ પહેલાં 14 ઑક્ટોબરે જૈસલમેરમાં ચાલતી બસમાં આગ લાગી હતી. આગ એસી સિસ્ટમમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ ભયાનક બસ દુર્ઘટનામાં 26 લોકોનાં મોત થયાં હતાં. જૈસલમેરથી જોધપુર જતી ખાનગી બસમાં નીકળ્યા બાદ માત્ર દસ મિનિટમાં જ આગ લાગી ગઈ હતી.

અમદાવામાં છઠ પૂજાની કરવામાં આવી ઉજવણી

ઉત્તર ભારતના બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના અમુક ભાગમાં ઉજવાતા છઠ પૂજાના પર્વને અમદાવાદની સાબરમતી નદીના નારાયણ ઘાટ રિવરફ્રન્ટ, ઈંદિરા બ્રિજ, ગોદરેજ ગાર્ડન સિટીમાં કુંડ તૈયાર કરી પણ ઉજવવામાં આવ્યો હતો.

પૂર્વે અને પશ્ચિમ અમદાવાદમાં ઉત્તર ભારતીયોની વસ્તી મોટા પ્રમાણમાં છે. અમદાવાદ શહેરના ઇંદિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટમાં વિશાળ મંચ પર કાર્યક્રમ સાથે છઠ પૂજા સૂર્યની આરાધના  કરવામાં આવી.

સાબરમતી નદીના પટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે મહાનગરપાલિકા ટીમોએ સ્પેશિયલ મશીનો દ્વારા નદીના કિનારા અને પાણીને સ્વચ્છ કર્યા.

યુથ ક્લબના નવીન પટેલે ચિત્રલેખા.કોમને કહ્યું કે, “છઠ પૂજા માટે ગોદરેજ ગાર્ડન સિટીમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ જગ્યામાં સૂર્ય આરાધના માટે કુંડ બનાવવામાં આવ્યા હતા. સોમવારની સાંજે તેમજ મંગળવારની સવારે સૂર્ય આરાધના થશે.”

આ વર્ષે છઠ પૂજા માટે જળાશયોના માર્ગો પર ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક શ્રધ્ધાળુઓએ નદીમાં સ્વચ્છતા જળવાય એ માટે જાતે નાના મોટા કુંડ બનાવી સૂર્ય આરાધના કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

એમેઝોન 30,000 કર્મચારીઓની કરશે છટણી

નવી દિલ્હીઃ એમેઝોને 28 ઓક્ટોબર 2025થી આશરે 30,000 કોર્પોરેટ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ પગલું ખર્ચામાં કપાત કરવા અને કોરોના મહામારી દરમિયાન થયેલી વધારાની ભરતીની ભરપાઈ કરવા માટે ઉઠાવ્યું છે. કંપનીનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જરૂરિયાત કરતાં વધુ કર્મચારીઓની ભરતી થઈ હતી, તેથી હવે તે પોતાના સ્ટાફનું કદ ઘટાડીને કાર્યક્ષમતા સંતુલિત કરવા માગે છે. આ નિર્ણય એમેઝોનના અનેક વિભાગોને અસર કરી શકે છે, ખાસ કરીને તે ક્ષેત્રોને જ્યાં મહામારી પછી માગ ઘટી ગઈ છે.

 30,000 કર્મચારીઓની નોકરી પર સંકટ

આ છટણી એમેઝોનમાં 2022ના અંતમાં શરૂ થયેલી આશરે 27,000 નોકરીઓના કાપ બાદ અત્યાર સુધીની સૌથી મોટી ગણાશે, છતાં 30,000 લોકોને કાઢી મૂકવાનું પગલું કંપનીના કુલ 15.5 લાખ કર્મચારીઓના પ્રમાણમાં માત્ર એક નાનો હિસ્સો છે, તેમ છતાં આ પગલું એમેઝોનના કોર્પોરેટ સ્ટાફ પર મોટો પ્રભાવ પાડશે, કારણ કે તે કંપનીના આશરે 3.5 લાખ કોર્પોરેટ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા લોકોને અસર કરશે.

કંપની છેલ્લાં બે વર્ષથી અલગ-અલગ વિભાગોમાં ધીમે-ધીમે કર્મચારીઓની સંખ્યા ઘટાડતી આવી છે. તેમાં ડિવાઇસ, કમ્યુનિકેશન, પોડકાસ્ટિંગ અને અન્ય યુનિટ્સનો સમાવેશ થાય છે. આ નવી છટણીમાં પણ એમેઝોનના અનેક વિભાગો અસરગ્રસ્ત થશે, જેમાં હ્યુમન રિસોર્સ વિભાગ, ડિવાઇસ અને સર્વિસીઝ વિભાગ,ઓપરેશન્સ ડિવિઝન  છે. આ બધાં ક્ષેત્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કંપનીના અસરગ્રસ્ત ટીમોના મેનેજરોને સોમવારે તાલીમ આપવામાં આવી છે કે મંગળવારે સવારે ઈમેલ દ્વારા સૂચનાઓ મોકલાયા પછી તેઓ પોતાના કર્મચારીઓ સાથે કેવી રીતે વાતચીત કરશે.

પ્રાર્થના સભામાં પહોંચી શત્રુઘ્ન સિન્હાએ સતીષ શાહને આપી શ્રદ્ધાંજલિ

બોલિવૂડ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ અવસાન થયું. સોમવારે તેમના ઘરે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં શત્રુઘ્ન સિંહા અને રાકેશ રોશન સહિત બૉલિવૂડ જગતની નામી હસ્તીઓ હાજર રહ્યા હતા.

સતીષ શાહની પ્રાર્થના સભાનું આયોજન( Photo: Deepak Dhuri)

પીઢ અભિનેતા સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ કિડની સંબંધિત ગૂંચવણોને કારણે 74 વર્ષની વયે અવસાન થયું હતું. એવું બહાર આવ્યું હતું કે સતીશ શાહનું આ વર્ષની શરૂઆતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું કારણ કે તેઓ પોતાના જીવનને લંબાવવા માંગતા હતા જેથી તેઓ તેમની પત્ની મધુની સંભાળ રાખી શકે,જે અલ્ઝાઈમર રોગ સામે ઝઝૂમી રહી છે. સોમવારે સાંજે મુંબઈમાં સતીશ શાહ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતીશના સારાભાઈ વર્સિસ સારાભાઈના સહ-અભિનેતા દેવેન ભોજાણી પણ પ્રાર્થના સભા તરફ ચાલતા જોવા મળ્યા હતા. સભામાં પ્રવેશતા જ સતીષ શાહની પત્ની મધુ શોકગ્રસ્ત અને ભાવુક દેખાઈ રહ્યા હતા. રાકેશ રોશન અને શત્રુઘ્ન સિંહા પણ જોવા મળ્યા હતા.

Photo: Deepak Dhuri

આ સિવાય પ્રાર્થનાસભામાં જેડી મજેઠીયા, રૂપાલી ગાંગુલી, રત્ના પાઠક શાહ, સુરેશ વાડકર અને સોનુ નિગમે પણ હાજરી આપી હતી. સોનુ નિગમે સતીષ શાહના પત્ની માટે એખ ભાવુક ગીત પણ ગાયુ હતું. આ સમય દરમિયાન મોહાલ બહુ લાગણીશીલ બની ગયો હતો.

Photo: Deepak Dhuri

સતીશ શાહના લગ્નજીવનની વાત કરીએ તો પહેલી વાર તે સિપ્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં મધુ શાહને મળ્યા હતા, જ્યાં તેમને તરત જ પ્રેમ થઈ ગયો હતો. જોકે, મધુએ તેમનો પહેલો પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવાનું કહેવાય છે. સતીશે સાથ સાથ (1982) ના શૂટિંગ દરમિયાન ફરી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ ફરી એકવાર તેમને નકારી કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેમની જીદ આખરે રંગ લાવી. તેમના ત્રીજા પ્રસ્તાવ પર, મધુએ તેમને તેમના માતાપિતાને મળવા કહ્યું. તેમના માતાપિતાના દિલ જીત્યા પછી, બંનેએ સગાઈ કરી અને માત્ર આઠ મહિના પછી 1972માં લગ્ન કરી લીધા. ત્યારથી આ દંપતી સાથે છે અને તેમણે તેમના અંગત જીવનને જાહેર નજરથી દૂર રાખવાનું પસંદ કર્યું છે.

કિડની ફેલ્યોરથી અવસાન
સતીશ શાહનું શનિવારે મુંબઈમાં કિડની ફેલ્યોરથી અવસાન થયું. તેઓ 74 વર્ષના હતા. તેમના મેનેજરે જણાવ્યું હતું કે અભિનેતા તેમના મુંબઈના નિવાસસ્થાને બપોરનું ભોજન કરતી વખતે પડી ગયા હતા. તેમને હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા ન હતા. રવિવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના સાથીદારો તેમને વિદાય આપવા માટે ભેગા થયા હતા.

રાણીને કુંવર અવતરે તો ગામ આખું ખાટું ન ખાય?

 

રાણીને કુંવર અવતરે તો ગામ આખું ખાટું ન ખાય ?

 

આમ તો રાજાશાહીમાં રાજા એટલે માલિક-માઇબાપ. એના ત્યાં કંઈ પણ ઘટના બને તો ચાપલૂસો એકએકથી ચડિયાતી ચમચાગીરી કરવામાં લાગી જાય.

આ ચમચાગીરીની પરાકાષ્ઠા ત્યારે આવે જ્યારે રાજાની રાણીને દીકરો આવે અને એના પ્રતિભાવરૂપે આખું ગામ ખાટું ખાવાનું બંધ કરી દે.

કોઈ પણ પરિસ્થિતીમાં અત્યંત અતિશયોક્તિભર્યો પ્રતિભાવ અપેક્ષિત હોય ત્યારે એ અપેક્ષાની પણ મર્યાદા હોવી જોઈએ એવું કહેવા માટે આ પ્રકારની કહેવત પ્રયોજાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પાકિસ્તાનમાં સત્તાસંઘર્ષ, આર્મી વિરુદ્ધ  શાહબાઝ શરીફ સરકાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આર્મી અને શાહબાઝ સરકાર વચ્ચેનો તણાવ ફરી એક વાર ખૂબ વધી ગયો છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર નોકરીમાં પાંચ વર્ષનો વધારો ઇચ્છે છે, જેથી તેઓ 2030 સુધી પોતાની પકડ જાળવી શકે. શહબાઝ શરીફની સરકાર કહે છે કે મુનીરનો કાર્યકાળ પહેલેથી જ 2027 સુધી છે, તેથી હમણાં કોઈ નવો આદેશ આપવાની જરૂર નથી. પરંતુ વાસ્તવિક ટકરાવ માત્ર કાર્યકાળ વધારવા વિશે નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ પર કાબૂ મેળવવા અંગે છે.

જો મુનીરને નવો કાર્યકાળ મળે છે, તો તેઓ બે વારના સામાન્ય ચૂંટણી સુધી સત્તા પર પોતાનો દબદબો જાળવી રાખશે. આને કારણે નવાઝ શરીફની પાર્ટી (PML-N) પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. કેટલાક લોકો તેને ફરજિયાત સમાધાનનો રસ્તો ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકને ભય છે કે મુનીરનો દબદબો વધુ વધી જશે.

મુનીરે પાર્ટીને મનાવવા માટે વચન આપ્યું છે કે તેઓ PML-N ને આગામી પાંચ વર્ષમાં ફરી સત્તામાં લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ પાર્ટી તેનાથી ખુશ નથી. તેમનો નવો પ્રસ્તાવ છે — હમણાં બે વર્ષનું એક્સ્ટેન્શન અને પછી 2027થી બાકી પાંચ વર્ષનો કાર્યકાળ.

એ દરમિયાન અસીમ મુનીરે વિદેશી દેશો (જેમ કે કતાર) સાથે પણ સંપર્ક કર્યો છે અને પાકિસ્તાની આર્મીમાં પોતાના મનપસંદ અધિકારીઓને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કર્યા છે. ISIના પ્રમુખ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની નજીકના ગણાય છે. રાજકીય દબાણ વધારવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ રસ્તાઓ પર ધાર્મિક સંગઠનો (જેમ કે તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન)ને સક્રિય કર્યા છે જેથી સરકાર પર દબાણ સર્જી શકાય. એ સાથે જ વડા પ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ અરજીઓ પણ દાખલ કરાવવામાં આવી છે.

દિલ્હીમાં પ્રદૂષણને નાથવા કૃત્રિમ વરસાદની ટ્રાયલ આજે

નવી દિલ્હીઃ દિલ્હીમાં જો હવામાન અનુકૂળ રહ્યું તો રેખા સરકાર મંગળવારે ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ) કરવાનો પ્રયાસ કરે એવી શક્યતા છે. એ પહેલાં હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે પરિસ્થિતિ અનુકૂળ હોવા છતાં મંત્રીઓ છઠ્ઠ પૂજા કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ક્લાઉડ સીડિંગ થઈ શક્યું નહોતું. એક અધિકારીએ કહ્યું હતું કે મંગળવારની સવારે છઠ્ઠ પૂજા હોવાથી ક્લાઉડ સીડિંગ શક્ય નહીં બને, પરંતુ જો સાંજે સુધી હવામાન અનુકૂળ રહ્યું તો આ કામ જરૂર કરવામાં આવશે.

આ વર્ષે હવામાનની અણગમતી પરિસ્થિતિઓને કારણે રાજધાનીમાં ક્લાઉડ સીડિંગના પ્રયાસો અનેક વખત મુલતવી રાખવામાં આવ્યા છે. ભાજપની આગેવાનીવાળી દિલ્હી સરકારે 23 ઓક્ટોબરે બુરાડીથી કાનપુર રૂટ પર IIT કાનપુરની મદદથી પ્રથમ પરીક્ષણ કર્યું હતું.

દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિંદર સિંહ સિરસાએ મંગળવારે જણાવ્યું હતું કે રાજધાનીમાં આજે પ્રથમ ક્લાઉડ સીડિંગ ટ્રાયલ કરવામાં આવશે. કાનપુરમાં દૃશ્યતા (વિઝિબિલિટી) સુધર્યા બાદ આ કામ માટેનું વિમાન દિલ્હી આવશે.

તેમણે કહ્યું હતું કે કાનપુરમાં હાલમાં દૃશ્યતા 2,000 મીટર છે અને તે 5,000 મીટર સુધી પહોંચતાં જ વિમાન ટ્રાયલ માટે ઉડાન ભરશે. તેમણે જણાવ્યું હતું કે કાનપુરમાં દૃશ્યતા સુધરતાં જ ફ્લાઇટ દિલ્હી આવશે અને ક્લાઉડ સીડિંગ ટ્રાયલ આજે કરવામાં આવશે.

 ટ્રાયલનો શું છે હેતુ?

આ ટ્રાયલનો હેતુ રાજધાનીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે કૃત્રિમ વરસાદ કરાવવાનો છે. આ શિયાળામાં વધતા પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હીની સરકારની મોટી વ્યૂહરચનાનો ભાગ છે.

 પ્રયોગ થઈ ચૂક્યો છે

 

સરકારે ગયા અઠવાડિયે બુરાડી વિસ્તારમાં એક ટેસ્ટ ફ્લાઇટ પણ કરી હતી. ટેસ્ટ દરમિયાન આર્ટિફિશિયલ વરસાદ માટે ઉપયોગમાં લેવાતા સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડના થોડી માત્રામાં કમ્પાઉન્ડ વિમાનમાંથી છોડવામાં આવ્યા હતા.

Patience & Discipline- are Deven Choksey’s Winning Mantra for Stock Market Success