Home Blog Page 5040

વાસ્તુ: ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે

સાહેબ, મારું ગયું વર્ષ અને આ વર્ષ બંને સરખા ન જાય તો સારું. તમને લખું છુ ત્યારે મારાએમને ન ગમ્યું એટલે મારા પતિએ પૂછ્યું તો મેં જણાવ્યું કે તમે કેટલા જ્ઞાની છો અને તમને કેટલા બધા એવોર્ડ મળ્યા છે. તો મને કે કે,” એવોર્ડને શું બટકા ભરવાના છે?” આવા સ્વભાવ વાળા માણસ સાથે કેમ રે’વાય? જોકે મારોય વાંક છે. હું બહુ જલ્દી લોકો પર વિશ્વાસ કરી દઉં છુ. મારા દીકરાને વાયફાય માટે ફાયબર કોઈક કંપનીનો લેવો હતો. ને મેં મોટું નામ જાણીને પૂછ્યા વિના પૈસા ભરી દીધા. હવે સ્પીડ નથી આવતી એટલે બાપ દીકરો મારી સાથે બોલતા નથી. મંદિરમાં અભિષેકના પૈસા આપવાની મારા પતિએ નાપાડી. તોય મેં સાડા ત્રણ હજારની પાવતી ફડાવી અને પછી મહારાજે અષ્ટમપષ્ટમ વિધિ કરાવી એ માય ચાલુ પૂજાએ મહારાજને ફોનમાં કોઈની સાથે ઝગડો થઇ ગયો. મારા પતિને બધા શ્લોક આવડે છે. તો મારા પર ખીજાયા. કે શિવ મંદિરમાં પુજાના પૈસા થોડા હોય? અને સાવ આવી પૂજા? હું ધાર્મિક છુ એટલે આવું થઇ જાય. પણ એ વાત કોઈ સમજતું નથી. બે દિવસ પહેલા એક ભાઈ ઘરમાં ઉભા હતા. મેં એમને પાણી આપ્યું અને મારા પતિને બોલાવવા ગઈ ત્યારે  એ ઘરમાંથીવસ્તુ ઉપાડતા હતા. મારો દીકરો આવી ગયો એટલે ખબર પડી કે એ ચોર હતો. મારા પતિએ જીંદગીમાં પહેલી વાર મને ખખડાવી.આવું કેમ થાય છે? કોઈ ઉપાય ખરો? વાસ્તુશાસ્ત્ર મને મદદ કરે ખરું?

વરંપર્વતદુર્ગેશુ ભ્રાનતમ વનચરેઈ: સહ. ન મુર્ખ જન્સંપર્ક: સુરેન્દ્ર ભવન્નનેષ્વપિ.

હિશક પશુઓ સાથે જંગલ કે પહાડો પર વિચરણ કરવું ઘણું સારું છે પરંતુ મુર્ખ માણસ સાથે સ્વર્ગમાં રહેવું પણ યોગ્ય નથી.

બહેન, આપનો જન્મ ખોટી સદીમાં થયો હોય તેવું આપને લાગે છે. આપને ચોરમાં પણ મહેમાન દેખાય છે. ભોળા હોવું એ ખુબજ સારું છે પણ મુર્ખ તો નહિજ. આજના જમાનામા ભોળા માણસોને મુર્ખમાં ખપાવી દેવામાં આવે છે. વળી વધારે પડતું ભોળપણ પણ સારું નહિ. કેટલા સાબુ લોકોને ગોરા બનાવી શકે છે? કેટલા ક્રીમ લગાવવાથી નોકરી મળે જાય છે? કોઈ માં પોતાના દીકરાને અલગ રહેવા પ્રોત્સાહિત કરે ખરી? આવા સવાલો પૂછ્યા વિના આપણે વિજ્ઞાપનો પર વિશ્વાસ કરી લઈએ છીએ. માત્ર નામ મોટું હોય એ જરૂરી નથી.વળી ઘરમાં કોઈને પૂછ્યા વિના સમગ્ર પરિવારને અસર કરે તેવોનિર્ણય વિચાર્યા વિના ન લેવાય ને? તમે તમારા પરિવારનો વિશ્વાસ ખોઈ બેઠા છો. આધ્યાત્મિક હોવું જરૂરી છે માત્ર ધાર્મિક નહિ. તમે અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છો. ઈશ્વરની બાબતમાં કદાચ આપના પતિના વિચારો વધારે યોગ્ય છે. મહેમાન એ ભગવાન છે. પણ સાવ અજાણ્યો માણસ ઘરમાં દેખાય અને તમે પાણી આપીને બેસાડો તો કોઈને પણ ગુસ્સો આવે. અને જયારે એ ચોર હોય ત્યારે તો ખાસ. તમારે આજના યુગને સમજીને નિર્ણય લેવા જરૂરી છે. તમે સારા છો.ક્યારેક આંધળો વિશ્વાસ તકલીફ આપી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડું વિચારો. જરૂર પડેતો આપના પતિ અથવા પુત્રની સાથે ચર્ચા કરીને નિર્ણય લો. પણ હા, ચર્ચા ઉગ્ર ન હોય તે ખુબજ જરૂરી છે. બે વ્યક્તિઓ એક સાથે સાચી હોઈ શકે. બંનેની વિચારવાની દિશા અલગ હોય તેવું બને.

તમારા ઘરમાં ઈશાનની બંને બાજુની દિશાઓથી બનતો ત્રિકોણ નકારાત્મક છે. તમે ઈશાનમાં સુવો છો અને વાયવ્યમાં તમારા ઘરનું દ્વાર છે. વળી બ્રહ્મમાં તમે પાણી ભરી અને તેમાં લીલી વાવ્યા છે. આના કારણે તમને એવું લગે છે કે તમને કોઈ સમજી શકતું નથી. પણ તમે અન્યને સમજવા પ્રયત્ન કરો છો ખરા? તમારો સ્વભાવ જીદ્દી છે તેનું પણ આજ કારણ છે. ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે. અહી એવુજ જોવા મળી રહ્યું છે. અગ્નિનો દોષ ચોરી કરાવી શકે. તમારા ઘરમાં ચોરી થતી રહી ગઈ છે. પણ સજાગતો રહેવુજ જોઈએ. ચોરની આગતાસ્વાગતા ન કરાય. સર્વ પ્રથમતો બ્રહ્મમાંથી પાણી કાઢી અને એક સરખું લેવલ કરી દો. અગ્નિમાં બે ચંદનના છોડ વાવી દો. મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી અને વેદોક્ત રીતે ઉંબરો પૂજી લો. તમે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. અને નૈરુત્ય તરફના બેડરૂમમાં સુવાનું રાખો. તમારા ઘરનું વાતાવરણ ચોક્કસ સારું થશે અને એકબીજા માટેની સમજણ વધશે.

પંચાંગ તા. 17/01/2020

પાંચ ત્રાસવાદી પકડાયા; 26 જાન્યુઆરીએ હુમલાનો એમનો પ્લાન હતો

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરની પોલીસે આજે એક મોટી સફળતા હાંસલ કરી છે. એણે પાંચ ત્રાસવાદીઓને પકડ્યા છે અને એ સાથે જ પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સાંકળતા એક ટેરર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

આ પાંચ ત્રાસવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે.

જૈશના ત્રાસવાદીઓ આવતી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે એવી બાતમી મળ્યા બાદ પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પાંચ ત્રાસવાદીના નામ છેઃ એજાઝ એહમદ શેખ (સદરબલ હઝરતબલ), ઉમર હમીદ શેખ (અસાર કોલોની હઝરતબલ), ઈમ્તિયાઝ એહમદ ચિકલા ઉર્ફે ઈમરાન (અસાર કોલોની હઝરતબલ), સાહિલ ફારુક ગોજરી (ઈલાહીબાગ સૌરા) અને નસીર એહમદ મીર (સદરબલ હઝરતબલ).

આ પાંચ ત્રાસવાદીઓએ કબૂલ કર્યું છે કે તેઓ એક ટેરર મોડ્યૂલ સાથે સંકળાયેલા છે. આ જ મોડ્યૂલે અગાઉ બે ગ્રેનેડ હુમલા કર્યા હતા. એક હુમલો હઝરતબલમાં સુરક્ષા દળના જવાનો પર કર્યો હતો.

આ ત્રાસવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. આમાં જિલેટીન રોડ્સ/સ્ટીક્સ, સાઈલન્સર, ડીટોનેટર્સ, વિસ્ફોટકો ભરેલું બોડી વેસ્ટ, રીમોટ ટ્રીગરવાળું વોકી-ટોકી, દેશી હથિયારોનો સમાવેશ થાય છે.

આ ત્રાસવાદીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

વરુણ-શ્રદ્ધાએ કર્યો ‘સ્ટ્રીટ ડાન્સર’નો પ્રચાર…

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે 15 જાન્યુઆરી, બુધવારે મુંબઈમાં એમની આગામી હિન્દી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નાં પ્રમોશન કાર્યક્રમ દરમિયાન પ્રેસ ફોટોગ્રાફરોને જુદાં જુદાં પોઝ આપ્યાં હતાં. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ આવતી 24 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એમાં ભારત અને પાકિસ્તાનના બે હરીફ ડાન્સ ગ્રુપ વચ્ચે ટક્કર વિશેની વાર્તા છે.

એક્ઝિમ બેન્કે 1 અબજ ડોલરના બોન્ડ ઈશ્યુને ઈન્ડિયા INX પર લિસ્ટ કર્યો  

મુંબઈ – એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (એક્ઝિમ બેંક)એ ગિફ્ટ આઈએફએસસી ખાતેના ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના ગ્લોબ સિક્યુરિટીઝ માર્કેટ પર સ્થાપિત 10 અબજ અમેરિકન ડોલરના મીડિયમ-ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ આજે બોન્ડ ઈશ્યુ કરી એક અબજ યુએસ ડોલર એકત્ર કર્યા હતા.

ફેબ્રુઆરી 2018 પછીનો કોઈ ભારતીય ઈશ્યુઅરનો  સૌથી મોટો ઈશ્યુ જેને ગણાવવામાં આવ્યો છે એવા આ ઈશ્યુનો વાર્ષિક કૂપન રેટ 3.25 ટકા અને  મુદત દસ વર્ષની છે, જેને કુલ 2.7 અબજ યુએસ ડોલરની બીડ્સ પ્રાપ્ત થઈ હતી. એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ રસક્વિન્હા અને ચીફ જનરલ મેનેજર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સુશ્રી હર્ષા બાંગરીએ ઈન્ડિયા આઈએનએક્સ પર બેલ વગાડીને ઈશ્યુ ખુલ્લો મૂક્યો હતો.

ઈશ્યુની સફળતા પર ટિપ્પણ કરતાં ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું, “અત્યારે રેટ્સ અતિ વોલેટાઈલ છે ત્યારે પણ એક્ઝિમ બેન્કના પ્રથમ ઈશ્યુને જે ઝળહળતી સફળતા મળી છે તેના માટે એક્ઝિમ બેન્કને અભિનંદન. એક્ઝિમ બેન્કે તેનાં ઈન્સ્ટ્રુમેન્ટ્સ અમારા ગ્લોબ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પરથી ઈશ્યુ કર્યાં એનો અમને આનંદ છે અને અમારા એક્સચેન્જમાં મૂકેલા વિશ્વાસ બદલ અમે એક્ઝિમ બેન્કનો આભાર માનીએ છીએ. વર્ષ 2020ના પ્રારંભે આવડો મોટો સિંગલ ઈશ્યુ લિસ્ટ થયો એનો ઈન્ડિયા આઈએનએક્સને આનંદ છે અને ઈન્ડિયા આઈએનએક્સ અને ગિફ્ટ સિટી ઉજ્જવળ ભાવિયુક્ત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર તરીકેના સ્થળ અને ગંતવ્ય સ્થાન તરીકે ઊભર્યાં  છે એવી અમારી માન્યતાને આનાથી પુષ્ટિ મળી છે.”

આ પ્રસંગે એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ રસક્વિન્હાએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઈશ્યુ કરતા ઈશ્યુઅરોમાંની એક એક્ઝિમ બેન્ક છે. એક્ઝિમ બેન્કનું મોટા ભાગનું કામકાજ યુએસ ડોલરમાં થાય છે.  એક્ઝિમ બેન્ક એક અબજ ડોલરના સફળ ઈશ્યુ બાદ ભાવિ ઈશ્યુઓ માટે ઈન્ડિયા આઈએનએક્સ સાથેના સંબધને વધુ ગાઢ બનાવશે.”

લિસ્ટિંગ સમારંભ એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડેવિડ રસક્વિન્હાના પ્રમુખપદે ગુરુવારે બીએસઈના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. આ પૂર્વે એક્ઝિમ બેન્કે તેના 10 અબજ અમેરિકન ડોલરના મીડિયમ-ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ 5.6 અબજ ડોલરના બોન્ડ ઈશ્યુનું લિસ્ટિંગ ઈન્ડિયા આઈએનએક્સ પર કર્યું હતું.

સુરતઃ રક્ષામંત્રીએ પૂજન સાથે કે-9 વજ્ર તોપને સેનામાં આવકારી

સુરતઃ ગુજરાતના પ્રવાસે આવેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે 51મી કે-9 વજ્ર-ટી તોપને સુરતમાં લીલી ઝંડી બતાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ તોપ પર સવાર પણ થયા અને તેને હજીરા પરિસર આસપાસ ચલાવી પણ હતી. લાર્સન એન્ડ ટુબ્રોએ રક્ષામંત્રીને કે-9 વ્રજ-ટી તોપની મારક ક્ષમતાના પ્રદર્શન બતાવ્યા હતા.

રક્ષામંત્રીએ તોપ ઉપર સ્વસ્તિક (સાથિયો) પણ બનાવ્યો. આ તોપનું વજન 50 ટન છે અને આ તોપ 47 કિલોના ગોળા 43 કિલોમીટર દૂર સુધી ફેંકી શકે છે. આ તોપ શૂન્ય ત્રિજયા પર પણ ફરી શકે છે. રક્ષા મંત્રાલયે કેન્દ્રની મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત ભારતીય સેના માટે એલ એન્ડ ટી કંપનીને 2017 માં કે-9 વ્રજ-ટી 155મિમી/52 કેલીબર તોપના 100 યૂનિટ માટે 4500 કરોડ રુપિયાનો કરાર કર્યો હતો.

મંત્રાલય દ્વારા કોઈ પ્રાઈવેટ કંપનીને આપવામાં આવેલો આ સૌથી મોટો સોદો છે જે અંતર્ગત 42 મહિનામાં આ તોપોના 100 યૂનિટ આપવામાં આવશે. તોપ પર રક્ષામંત્રીએ ચાંદલો કર્યો અને કંકુથી સાથિયો બનાવીને પૂજા કરી હતી.

ઈન્દિરા ગાંધી-કરીમ લાલા મળ્યાં હતાં: હાજી મસ્તાનના પુત્રની કબૂલાત

મુંબઈ – એક સમયે મુંબઈ શહેરના ડોન રહી ચૂકેલા હાજી મસ્તાને દત્તક લીધેલા પુત્ર સુંદર શેખરે એક સમાચાર સંસ્થાને કહ્યું છે કે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ મુંબઈના અન્ય ડોન કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી.

શેખરે કહ્યું કે માત્ર ઈન્દિરા ગાંધી જ નહીં, પણ બીજા અનેક મોટા નેતાઓ પણ કરીમ લાલાને મળતા હતા અને એમને ત્યાં આવતા હતા.

ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા ગાંધી અને કરીમ લાલા વચ્ચે મુલાકાત થઈ હતી, ઈન્દિરા ગાંધી દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં જઈને ડોન કરીમ લાલાને મળવા જતાં હતાં, એવા શિવસેનાનાં રાજ્ય સભાના સદસ્ય અને મુંબઈસ્થિત નેતા સંજય રાઉતના નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો છે.

જોકે સુંદર શેખરનું કહેવું છે કે રાઉતે કંઈ જ ખોટું નથી કહ્યું.

‘મારા પિતા (હાજી મસ્તાન) એક વેપારી હતા અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે એમના સારા મિત્ર હતા. ઈન્દિરા ગાંધી કરીમ લાલાનાં મિત્ર હતાં જ્યારે બાલ ઠાકરે હાજી મસ્તાનનાં,’ એમ પણ શેખરનું કહેવું છે.

કરીમ લાલાનું આખું નામ હતું અબ્દુલ કરીમ શેર ખાન. એ મૂળ અફઘાનિસ્તાનનો હતા, પણ 60ના દાયકાથી લઈને 80ના દાયકાના આરંભ, એમ બે દાયકાથી પણ વધારે સમય સુધી એ મુંબઈના 3માંનો એક ડોન તરીકે હતો. અન્ય બે ડોન હતા – હાજી મસ્તાન (મસ્તાન મિર્ઝા) અને વરદરાજન મુદલિયાર.

હાજી મસ્તાન

સંજય રાઉતે એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે આજે અંડરવર્લ્ડ નબળું પડી ગયું છે, પણ અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે જ્યારે હાજી મસ્તાન વટથી મંત્રાલય (સચિવાલય) જતો હતો અને લોકો એના સ્વાગત માટે બહાર ઊભા રહેતા હતા. મુંબઈમાં પોલીસ કમિશનર કોણ બને અને મંત્રાલયમાં કોની નિમણૂક કરવી એ નિર્ણય દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, શરદ શેટ્ટી જેવા અન્ડરવર્લ્ડના લોકો લેતા હતા. હાજી મસ્તાદ મંત્રાલયમાં જતો ત્યારે આખું મંત્રાલય એને જોવા માટે નીચે ભેગું થઈ જતું હતું.

સંજય રાઉત

સંજય રાઉતે ગઈ કાલે પુણેમાં એક પુરસ્કાર સમારંભ દરમિયાન એક મરાઠી અખબારને આપેલી મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે હું દાઉદ ઈબ્રાહિમને મળતો હતો. મેં 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમને ફોન કર્યો હતો એને ખૂબ દબડાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કરીમ લાલા 1960-80 દરમિયાન મુંબઈમાં ગેરકાયદેસર શરાબ, જુગાર અને ધાકધમકીથી રકમ પડાવવાનો ધંધો કરતો હતો.

દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે કહ્યું છે કે ભારત રત્ન ઈન્દિરા ગાંધી વિશે કરેલું નિવેદન સંજય રાઉતે પાછું ખેંચી લીધું છે. આ વિવાદનો હવે અહીંયા જ અંત આવી જવો જોઈએ. પરંતુ ભવિષ્યમાં રાઉતે આપણા નેતાઓનું માન જાળવીને આવા બેજવાબદાર અને અસંબદ્ધ નિવેદનો કરવાનું ટાળવું, કારણ કે આવું જરાય સાંખી નહીં લેવાય.

જમ્મુ-કશ્મીર: વધુ પાંચ નેતાઓ નજરકેદમાંથી મુક્ત

નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ નજરકેદ કરેલા નેતાઓને ધીમે ધીમે મુક્ત કરવામાં આવી રહ્યા છે. આ યાદીમાં ગુરુવારે પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. નજરકેદમાંથી આઝાદ થયેલા નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના સલમાન સાગર, શૌકત ગનઈ, અલ્તાફ કલ્લુ, અને પીડીપીના નિઝામુદી ભટ્ટ તેમજ મુખ્તિયાર બાબાનો સમાવેશ થાય છે.

આ અગાઉ 30 ડિસેમ્બરે પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતાં. આ પાંચ નેતાઓ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના જ હતા, જેને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. જોકે, પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને પીડીપી નેતા મેહબૂબા મુફ્તી હજુ પણ નજરકેદમાં છે.

તો આ તરફ એવા પણ સમાચાર છે કે, આર્ટિકલ 370 હટાવાયા બાદ હરિ નિવાસમાં નજરકેદમાં રાખેલા પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને 163 દિવસ પછી શ્રીનગરના ગુપકાર વિસ્તાર સ્થિત તેમના નિવાસ સ્થાને શિફ્ટ કરવામાં આવશે. જોકે, અહીં પણ તેમને નજરકેદ જ રાખવામાં આવશે. આ તમામ નેતાઓ 4 ઓગસ્ટથી નજરકેદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને પણ તેમના નિવાસ સ્થાન પર શિફ્ટ કરવામાં આવી શકે છે.

પંદર વર્ષ પહેલાં બ્રિટનમાં હત્યા કરનારો છેક હવે પાકિસ્તાનમાંથી ઝડપાયો

ઈસ્લામાબાદઃ બ્રિટનમાં આશરે 15 વર્ષ પહેલા એક મહિલા પોલીસ અધિકારીની હત્યા કરીને ભાગેલા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બ્રિટિશ પોલીસ અધિકારી શેરોન બેશેનિવસ્કીની વર્ષ 2005 માં બ્રૈડફોર્ડ શહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તે લૂટની સૂચના મળતા ઘટના સ્થળ પર પહોંચી હતી. આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પાકિસ્તાની નાગરિક પિરાન ડિટ્ટા ખાન બ્રિટન છોડીને નાસી ગયો હતો.

પિરાનને ઈસ્લામાબાદની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે પાકિસ્તાન અને બ્રિટનના અધિકારીઓના સહયોગથી આ ધરપકડ શક્ય બની છે. આ મામલો બ્રિટિશ ટ્રાવેલ એજન્સીમાં લૂંટ સાથે જોડાયેલો હતો. લૂંટની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી શેરોનની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ લૂંટારુઓની ટીમનો જ એક સભ્ય પિરાન બ્રિટન છોડીને નાસી ગયો હતો. બ્રિટિશ પોલીસે તેના પર 20 હજાર પાઉન્ડ (આશરે 18 લાખ રુપિયા) નું ઈનામ રાખ્યું હતું. બ્રિટને પાકિસ્તાનને ઘણીવાર તેની ધરપકડ માટે આગ્રહ કર્યો હતો. વેસ્ટ યોર્કશાયર પોલીસે પાકિસ્તાનમાં પિરાન ડિટ્ટા ખાનની ધરપકડ કરી હોવાની વાતની પુષ્ટી કરી છે.

સીએએ મુદ્દે હવે ભાજપ શરુ કરશે રેલીઓનો દોરઃ યુપીમાં છ રેલી

લખનઉઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ચાલી રહેલી ભાજપની જાગૃતતા ઝુંબેશમાં 18 જાન્યુઆરીથી પ્રાદેશિક સ્તર પર રેલીઓનો દોર શરુ થશે. રાજ્યમાં કુલ 6 સ્થાનો પર રેલીઓને સફળ બનાવવા માટે ભાજપે પૂર્ણ તાકાત લગાવી છે. આ રેલીઓમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, શિવરાજ ચૌહાણ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની અને જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહેશે.

પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લાએ જણાવ્યું કે, પહેલી રેલી વારાણસીમાં 18 જાન્યુઆરીના રોજ કાશીમાં યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ પણ જોડાશે. 19 જાન્યુઆરીના રોજ ગોરખપુરની રેલીમાં શિવરાજ સિંહ ચૌહાણ, 20 જાન્યુઆરીના રોજ કાનપુરમાં નિતિન ગડકરી, 21 જાન્યુઆરીના રોજ લખનઉમાં અમિત શાહ, 22 જાન્યુઆરીના રોજ રાજનાથ સિંહ મેરઠ અને 23 જાન્યુઆરીના રોજ આગ્રામાં વ્રજ ક્ષેત્રની રેલીમાં જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેશે.

પ્રાદેશિક રેલીને સફળ બનાવવા માટે ભાજપના સંગઠને પોતાની તમામ તાકાતો લગાવી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીઓ સિવાય જે તે રાજ્યના વરિષ્ઠ નેતાઓને પણ કામે લગાડવામાં આવ્યા છે. સ્થાનિક જન પ્રતિનિધિઓ સિવાય જિલ્લાના અધ્યક્ષોને બૂથ સ્તર પર બેઠક કરવાનું કહેવામાં આવ્યું છે.