Home Blog Page 5044

બગદાદમાં ફરી યુએસ એરબેઝ પર હુમલોઃ 4 ઈરાકી સૈનિક ઘાયલ

બગદાદ: ઈરાન અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ ઈરાને કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેતા ઈરાન સ્થિત બે અમેરિકન આર્મી કેમ્પ પર એક ડર્ઝનથી વધુ બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો. ઈરાની મીડિયાનો દાવો છે કે, આ હુમલામાં લગભગ 80 અમેરિકન સેૈનિકો માર્યા ગયા. અમેરિકાએ આ વાતનું ખંડન કર્યું હતું. ઈરાકની રાજધાની બગદાદમાં ગયા રવિવારે ફરી એક વખત અમેરિકન સેન્ય કેમ્પ પર રોકેટ છોડી હોવાના સમાચાર બહાર આવ્યા છે.

અલ જજીરાના અહેવાલ અનુસાર, આ હુમલામાં ચાર ઈરાકી સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકન સૈનિકોને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ, અહીં સ્થિત અલ બલાદ એરબેઝ પર રોકેટો છોડવામાં આવી હતી. આ બેઝમાં અમેરિકન ટ્રેનર, સલાહકાર અને એફ 16 લડાકૂ વિમાનની મેન્ટેનન્સ સર્વિસ સાથે જોડાયેલા સૈનિકો રહે છે. અલ બલાદ એફ 16 લાડાકૂ વિમાનોનો મુખ્ય એરબેઝ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક રોકેટ એરબેઝ સ્થિત રેસ્ટોરન્ટમાં આવીને પડી હતી.

આ હુમલામાં એરબેઝનો રન વે પણ ક્ષતિગ્રસ્ત થયો છે. રોકેટ અટેકમાં ઘાયલ થયેલા ઈરાકી સૈનિકો એરબેઝના ગેટ પર તૈનાત હતા. બેઝમાં અમેરિકન એક્સપર્ટ્સ, ટ્રેનર અને એડવાઈઝર સહિત અનેક લોકો હતા. હુમલામાં કોઈના મોતના સમાચાર નથી. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા હાલમાં જ યુએસએ તેમના અધિકારીઓ અને સૈનિકોને આ એરબેઝ પરથી ખસેડવાનું શરું કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ હુમલો થયો એ સમયે એરબેઝ પર અમેરિકન નાગરિકો નહતા.

મહત્વનું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકી આપી ચૂક્યા છે કે, તે યુદ્ધના પક્ષમાં નથી પણ જો ઈરાને કોઈ પણ અમેરિકન નાગરિક કે તેમની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તો તેના ગંભીર પરિણામો આવશે. બીજી તરફ ઈરાની મંત્રીઓએ પણ અમેરિકાને જવાબ આપતા કહ્યું કે, તે પણ યુદ્ધ નથી ઈચ્છતા પણ સ્વરક્ષણમાં શક્ય જવાબ ચોક્કસપણે આપીશું. હાલમાં જ ઈરાને મિસાઈલ એટેકમાં યૂક્રેનના એક પેસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું. જેમાં 176 લોકોના મોત નિપજ્યા હતા. ઈરાને પોતાની ભૂલ સ્વીકારતા આ ઘટનાને માનવીય ભૂલ ગણાવી હતી.

‘આજ કે શિવાજી – નરેન્દ્ર મોદી’ પુસ્તક સાથે કોઈ લેવાદેવા નથીઃ ભાજપ

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી જાણીતા મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરતા એક પુસ્તક ‘આજ કે શિવાજી – નરેન્દ્ર મોદી’એ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. આ પુસ્તક ભારતીય જનતા પાર્ટીના નેતા જય ભગવાન ગોયલે લખ્યું છે.

આ પુસ્તક છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરે છે એવી શિવસેનાના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ઝાટકણી કાઢી છે.

વિરોધને પગલે આખરે ભાજપે આ પુસ્તકને પાછું ખેંચી લેવાનો લેખકને આદેશ આપ્યો હોવાનો અહેવાલ છે. આ આદેશ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્યામ જાજૂએ આપ્યો હોવાનું કહેવાય છે.

પુસ્તકને પાછું ખેંચી લેવાનો આદેશ આપી દેવાતા આ મુદ્દે થયેલા વિવાદનો હવે ઝડપથી અંત આવી જશે. કારણ કે, મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધન, મહાવિકાસ આઘાડીની એક સહભાગી શિવસેના પાર્ટીએ આવતીકાલે મુંબઈમાં વિરોધ-દેખાવો કરવાની જાહેરાત કરી છે.

સોલાપુરમાં જય ભગવાન ગોયલ સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગોયલ લિખિત આ પુસ્તકનું ગઈ કાલે રવિવારે નવી દિલ્હીમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

સંજય રાઉત (શિવસેના)

આ પુસ્તકના સમાચાર બહાર આવ્યા બાદ શિવસેના ઉપરાંત મહારાષ્ટ્ર સરકારમાં તેની ભાગીદાર કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓએ ભાજપની ટીકા કરી હતી.

ગોયલે ગઈ કાલે પુસ્તક વિમોચન પ્રસંગે એમ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો જેટલો આદર હું કરું છું એટલો મરાઠી લોકો પણ કરતા નથી. જે લોકો આ પુસ્તક વિશે ચર્ચા કરે છે એમણે એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ. તો એમને સવાલોના જવાબ મળી જશે. જે લોકોને મારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવી છે એમને તેમ કરવાનો અધિકાર છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે એવો સવાલ કર્યો છે કે આ પુસ્તક સાથે છત્રપતિ શિવાજી મહારાજના વંશજો – ભાજપના નેતા ઉદયનરાજે ભોસલે અને સંસદસભ્ય સંભાજીરાજે સહમત થાય છે ખરા?

એના જવાબમાં સંભાજીરાજેએ ટ્વીટ કર્યું કે, ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને એમની જીભને લગામ આપવાની સલાહ આપી હતી.

સંજય રાઉતે એમ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની સરખામણી વિશ્વની કોઈ પણ વ્યક્તિ સાથે કરી શકાય નહીં. એક જ સૂર્ય, એક જ ચંદ્ર અને એક જ શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ. ભાજપના મહારાષ્ટ્ર એકમે આ વિશે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. સાતારા ગાદીના વારસદાર શ્રીમંત ઉદયનરાજે, શ્રીમંત શિવેન્દ્રરાજે અને કોલ્હાપુરના છત્રપતિ સંભાજી રાજેને આવી સરખામણી શું માન્ય છે? શિવરાયાના વંશજો બોલો, કંઈક તો બોલો.

રાઉતે ભાજપના રાજ્યસભાના સદસ્ય છત્રપતિ સંભાજી રાજે અને સાતારાના ભૂતપૂર્વ સંસદસભ્ય ઉદયનરાજે ભોસલેનું નામ લીધા વગર એમને ટાર્ગેટ બનાવ્યા હતા. ભોસલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં હતા, પણ એમાંથી રાજીનામું આપીને હવે ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપના મિડિયા સેલ તરફથી એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આ પુસ્તક સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.

પક્ષ કહેશે તો પુસ્તક પાછું ખેંચી લઈશઃ જય ભગવાન ગોયલ

પુસ્તક અંગે મહારાષ્ટ્રમાં વિરોધ થવાથી લેખક જય ભગવાન ગોયલે પીછેહઠ કરી છે અને કહ્યું છે કે જો કોઈની લાગણી દુભાઈ હોય અને પક્ષ જો આદેશ આપશે તો હું મારું પુસ્તક પાછું ખેંચી લેવા તૈયાર છું.

ગોયલે કહ્યું કે જે રીતે શિવાજી મહારાજ એમના રાજ્યમાં માતા-બહેનોની ચિંતા કરતા હતા એવી જ રીતે નરેન્દ્ર મોદી પણ દેશની માતા, બહેનોની સુરક્ષા માટે કામ કરે છે. મોદીના નેતૃત્ત્વમાં દુનિયામાં ભારતનું માન વધ્યું છે.

દેવેન્દ્ર સિંહ સાથે પણ આતંકી જેવો જ વ્યવહાર કરાશે: J&K પોલીસ

નવી દિલ્હી: જમ્મુ કશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમ્યાન રવિવારે એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહીદીનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, જે સમયે એ આતંકીઓની ધરપકડ કરવામાં આવી એ સમયે તેમની સાથે ગાડીમાં જમ્મુ કશ્મીર પોલીસના એક ડીએસપી દેવેન્દ્ર સિંહ પણ હતાં. સુરક્ષાદળોએ આતંકીઓની સાથે જ ડીએસપીની પણ ધરપકડ કરી છે.

DSP દેવેન્દ્ર સિંહની ધરપકડ બાદ જમ્મુ કશ્મીર પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પોલીસે ડીએસપી દેવેન્દ્ર સિંહ સાથે પણ આતંકીઓ જેવો જ વ્યવહાર થશે, તેની ખાતરી આપી હતી. રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યું કે અમે ડીએસપી દેવેન્દ્ર સિંહની સંડોવણીને જઘન્ય અપરાધ માની છીએ અને તેમની સામે એવી જ કાર્યવાહી કરવામાં આવશે જેવી આતંકીઓ સાથે કરવામાં આવે છે.

અધિકારીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં એરપોર્ટ પર તૈનાત ડીએસપી દેવેન્દ્ર સિંહની નવીદ અને અલતાફ નામના આતંકીઓ સાથે શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના મુજબ ડીએસપી પર આરોપ છે કે તે આતંકીઓને શોપિયા વિસ્તારથી સલામત રીતે કશ્મીરની બહાર લઇ જઇ રહ્યા હતા. તેઓની જે ગાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી, એમાંથી પાંચ ગ્રેનેડ અને પાછળથી તેમના ઘરની તપાસમાં બે એકે 47 રાઇફલ મળી આવી હતી. ડીએસપી રાજ્ય પોલીસમાં વરિષ્ઠ પદો પર કામ કરી ચૂક્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ ડીએસપીની આતંકીઓ સાથે સંડોવણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર સિંહને ગયા વર્ષે 15 ઓગસ્ટના દિવસે જ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર સિંહ અને નવીદ બાબૂની ધરપકડ અને પૂછપરછ પછી પોલીસે શ્રીનગર અને દક્ષિણ કશ્મીરમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા અને મોટાપ્રમાણમાં હથિયારો અને દારુગોળો જપ્ત કર્યા.

વિપક્ષી એકતાના કોંગ્રેસના પ્રયાસોને એક પછી એક પાર્ટીઓના ઝટકા

નવી દિલ્હી: જેએનયુ વિવાદ, નાગરિકતા કાયદો અને હાલની રાજકીય સ્થિતિ પર સત્તાધારી પાર્ટી બીજેપીને ભીંસમાં લેવા અને વિપક્ષી એકતાનો દમ દેખાડવા કોંગ્રેસે આજે દિલ્હીમાં એક બેઠક બોલાવી છે. પણ આ બેઠક પહેલા જ વિપક્ષી દળોમાં તિરાડ જોવા મળી રહી છે. એક એક કરીને વિપક્ષી પાર્ટીઓ બેઠકથી દૂરી બનાવી રહી છે. અગાઉ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બસપા સુપ્રીમો માયાવતી અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે. આ સ્થિતિમાં બધાની નજર કોંગ્રેસના નવા સાથી શિવસેના પર છે જેને ભાજપ સાથે વર્ષો જૂની મિત્રતા તોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.

આજ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભાવી રાજકીય દળ બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસની બેઠકમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી. માયાવતીએ તાજેતરમાં જ રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડાઓ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ મહાસચિવ બાળકોને ગુમાવનાર માતાઓને મળવા કોટા નહીં જાય તો ઉત્તર પ્રદેશમાં પીડિત પરિવારો સાથેની તેમની મુલાકાતને રાજકીય હીત અને ડ્રામા જ માનવામાં આવશે.

મમતા બેનરજીએ ગયા સપ્તાહે ટ્રેડ યુનિયનની સ્ટ્રાઈક દરમિયાન વામપંથી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ વિપક્ષની બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, મેં જ વિપક્ષને બેઠકનો વિચાર આપ્યો હતો. રાજ્યમાં જે થયું તેના કારણે હવે મારા માટે આ બેઠકમાં સામેલ થવું શક્ય નથી. CAA-NRC વિરુદ્ધ સૌથી પહેલાં આંદોલન મેં જ શરૂ કર્યું હતું. CAA-NRCના નામે વામપંથી અને કોંગ્રેસ જે કરી રહ્યા છે તેને આંદોલન ન કહી શકાય.

 

સોનિયાએ CAAને ભાગલા પાડનાર કાયદો ગણાવ્યો

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે નાગરિકતા કાયદાને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો ગણાવ્યો છે, જેનો હેતુ લોકોના ધાર્મિક આધારે ભાગલા પાડવાનો છે. પાર્ટીએ સીએએને તાત્કાલિક પરત લેવા અને એનપીઆરની પ્રક્રિયા રોકવાની માંગણી કરી હતી.

બેઠકમાં મહત્વનો મુદ્દો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસા છે. આ મામલે કોંગ્રેસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ બનાવી છે. આ કમિટીએ તેમનો રિપોર્ટ હાઈ કમાનને સોંપી દીધો છે. આજે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી, દ્રવીડ મુનેત્ર કડંગમ (DMK), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લી, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા જળ, (આરજેડી), સમાજવાદીપાર્ટી (એશપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ થશે. પાર્લામેન્ટ એનેક્સીમાં બપોરે 2 વાગે થનારી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા છે.

બંધારણના 70 વર્ષઃ શું એ ફક્ત શાસન ચલાવવાની નિયમાવલી જ છે?

નવી દિલ્હીઃ ભારતીય સંવિધાનના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવતી હસ્તીઓએ એક પત્ર જાહેર કરીને સ્પષ્ટ સવાલ કર્યો કે, શું સંવિધાન માત્ર પ્રશાસન ચલાવવાની નિયમાવલી છે? તેમણે આ પ્રસંગે લોકોને સંવિધાનના કામકાજનું આત્મ વિશ્લેષણ કરવાની અપીલ પણ કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે.ચલમેશ્વર, ભારતના મુખ્ય ઈલેક્શન કમિશનર એસ.વાય.કુરેશી સહિત આઠ લોકો દ્વારા ભારતીય સંવિધાનના 70 વર્ષ મહત્વપૂર્ણ ક્ષણ શીર્ષકથી એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં ભારતના ગણતંત્ર બનવાના 70 વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરતા આત્મ વિશ્લેષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે સર્વોપરિ સત્ય અને અહિંસાની વિચારધારા આજે પણ આપણા રાજનૈતિક જીવનનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે.

પત્રમાં તમામે કહ્યું કે, સંવિધાનના 70 વર્ષ પૂર્ણ થવા પર અમને અવસર મળ્યો છે કે અમે આની સફળતા પર ખુશ થઈ શકીએ અને સાથે પોતાની ખામીઓનું આત્મવિશ્લેષણ કરી શકીએ. આ પત્રમાં તમામે સવાલ કર્યો છે કે, શું સંવિધાન માત્ર પ્રશાસનિક નિયમોની એક પુસ્તિકા છે જે સરકારોને સત્તાનો દુરુપયોગ કરવાની વૈધતાનો દાવો કરવાનો અધિકાર આપે છે અને નાગરિકોને બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પૂર્ણ હક આપે છે?

તેમણે સવાલ કર્યો કે, શું આ પણ કોઈ શ્યાહીથી લખાયેલી કેટલીક લીટીઓ છે કે એક પવિત્ર પુસ્તક છે કે જે જાતિ, ધર્મ, ક્ષેત્ર જાતીયતા અને ભાષાના બંધનોથી ઉપર ઉઠીને શહીદ થયેલા લોકોના રક્તથી લખાઈ છે? પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમારુ માનવું છે કે પ્રત્યેક પેઢીનું કર્તવ્ય છે કે સતત સંવિધાનના કામકાજનું અવલોકન કરો અને તેના પર વિચારો અને તેના પર ધ્યાન આપો.

પત્રમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અવસર પર આપણે પોતાની સફળતા પર ખુશ થવું જોઈએ, વર્તમાન ચિંતાઓને દૂર કરવી જોઈએ, ધર્મનિરપેક્ષ સમાજના હિતમાં કામ કરવું જોઈએ અને ડોક્ટર ભીમ રાવ આંબેડકર તેમજ પૂર્વજો દ્વારા પ્રસ્તાવનામાં રાખવામાં આવેલા વિચારો/સપનાઓ ના સંવૈધાનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા જોઈએ.

આપના કેમ્પેઈન સોંગમાં મનોજ તીવારીનો વીડિયોઃ ભાજપે મોકલી માનહાનીની નોટિસ

નવી દિલ્હીઃ ભાજપના દિલ્હી એકમે મનોજ તિવારીના એક વીડિયોનો ઉપયોગ કરવા માટે આમ આદમી પાર્ટીને 500 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ આપી છે. AAPએ પાર્ટીના થીમ સોંગ ‘લગે રહો કેજરીવાલ’માં મનોજ તિવારીના એડિટેડ વીડિયોનો ઉપયોગ કર્યો છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કર છે.

વીડિયોમાં તિવારી AAPના પોલ કેમ્પેન સોંગમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તિવારીએ આને ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એક્ટનું ઉલ્લંઘન જાહેર કરી દીધું અને વીડિયોનો ઉપયોગ કરવા માટે AAP પર સવાલ ઉઠાવ્યા છે.

ભોજપુરી ગાયક અને ફિલ્ન સ્ટાર તિવારીએ દાવો કર્યો કે તેમના એક આલબમના સાઉન્ડટ્રેકનો ઉપયોગ AAPના થીમ સોંગ માટે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની લોકપ્રિયતાથી ડરી ગઈ છે એટલે આવી નીચ હરકત કરી છે.

ડે.સીએમ મનીષ સિસોદીયાએ શનિવારે પાર્ટીનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. ગીતને વિશાલ દદલાનીએ કમ્પોઝ કર્યું છે. તેમણે 2015માં પણ AAP માટે ‘5 વર્ષ કેજરીવાલ’ગીત બનાવ્યું હતું. દદલાનીનું 2.52 મિનિટનું ગીત પાર્ટીના નારા જેવું જ હતું-‘એસે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 11 જાન્યુઆરીએ પરિણામ આવશે.

હાડ થીજવતી ઠંડી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડવેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીની નીચે ગગડી ગયું હતો. પણ બે દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમદાવાદમાં ગત રાત્રિએ લોકો ઠંડી ગાયબ થઈ ગઈ હોવાની બૂમો લગાવી હતી. તો આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. તો કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે.

અગાઉ હવામાન વિભાગે બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો.

તો અમદાવાદની વાત કરીએ તો, 2 દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાયા બાદ અમદાવાદમાં એકાએક ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ બાદ ઠંડીમાં એકાએક ઘટાડો થતાં અમદાવાદીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.2 ડિગ્રી વધીને 15.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં શનિવાર કરતા રવિવારે તાપમાન 5 ડિગ્રી વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી. આજે ધુમ્મસ રહેવાની સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે.

સુવિચાર – ૧૩ જાન્યુઆરી, ૨૦૨૦

યામી ગૌતમનો સાડી લૂક, બેહદ સુંદર…

યામી ગૌતમ બોલીવૂડની ખૂબસૂરત યુવા અભિનેત્રીઓમાંની એક છે. એ કોઈ પણ ડ્રેસમાં સુંદર દેખાય છે, પણ સાડી સાથેનો દેશી લૂક એને બહુ ગમે છે. પર્પલ રંગની, જરીની પહોળી બોર્ડરવાળી પરંપરાગત બનારસી સિલ્ક સાડી અને ઓરેન્જ બ્રોકેડ બ્લાઉઝમાં સજ્જ થઈને એણે હાલમાં જ અમુક પોઝ આપ્યાં હતાં. એણે તેનાં વાળ છૂટાં રાખવાનું પસંદ કર્યું હતું અને રેડ લિપ્સ એની સુંદરતામાં વધારો કરતાં હતાં.












નૌકાદળની સિદ્ધિઃ તેજસ વિમાને ‘વિક્રમાદિત્ય’ જહાજ પરથી ટેક-ઓફ્ફ કર્યું

નવી દિલ્હી – ભારતે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ કરેલા તેજસ લાઈટ કોમ્બાટ ફાઈટર વિમાને ગઈ કાલે ગોવા નજીક અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યના તૂતક પરથી સફળતાપૂર્વક ઉડાણ ભરી હતી.

તેજસ વિમાને વિક્રમાદિત્યના સ્કી-જમ્પ ડેક પરથી ટેક-ઓફ્ફ કર્યું હતું.

આ સાથે ભારતીય નૌકાદળના કૌશલ્યમાં ઉમેરો થયો છે. તેજસનું સફળ ઉડાણ આ વિમાનના વિકાસની દિશામાં મોટી સિદ્ધિ છે.

સ્કી-જમ્પ વિમાનવાહક જહાજના ડેક પર એક એવો ઘુમાવદાર છેડો હોય છે જે ફાઈટર વિમાનોને ઉડાણ ભરવા માટે પર્યાપ્ત ઉડ્ડયન કરવાની સરળતા પૂરી પાડે છે.

નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે તેજસ વિમાને ગયા શનિવારે વિક્રમાદિત્ય જહાજ પર પહેલી વાર લેન્ડિંગ કર્યું હતું, તે પણ એક મોટું કદમ હતું. શનિવારના સફળ ઉતરાણ બાદ રવિવારે વિમાનના સફળ ટેક-ઓફ્ફ સાથે ભારત દુનિયાના એવા ચુનંદા દેશોની હરોળમાં આવી ગયું છે જેઓ આવા લડાયક વિમાનોની ડિઝાઈનમાં સક્ષમ છે, જેનું સંચાલન વિમાનવાહક યુદ્ધજહાજ પરથી કરી શકાય છે. આ સિદ્ધિ માત્ર અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન જ હાંસલ કરી શક્યા છે. હવે ભારતનો આમાં ઉમેરો થયો છે.

આ તેજસ વિમાન એ નૌકાદળની આવૃત્તિવાળું છે.

ભારતીય હવાઈ દળે તેજસ વિમાનોના એક બેચને પોતાના કાફલામાં સામેલ કરી દીધા છે. હવાઈ દળે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 40 તેજસ વિમાનો ખરીદ્યા છે.