
કોણ છે આગામી CJI જસ્ટિસ સૂર્યકાંત? તેમના ચાર કેસ વિશે ચોક્કસ જાણવું જોઈએ
ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કેન્દ્ર સરકારને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતની નિમણૂકની ભલામણ કરી છે. વર્તમાન CJI પછી સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના વરિષ્ઠ ન્યાયાધીશ, ન્યાયાધીશ સૂર્યકાંત 24 નવેમ્બરે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે. મુખ્ય ન્યાયાધીશ ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થશે.

કાર્યકાળ કેટલા મહિનાનો હશે?
24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામેલા ન્યાયાધીશ સૂર્યકાંતનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ આશરે 15 મહિનાનો રહેશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે નિવૃત્તિ વય 65 વર્ષ છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક, ટ્રાન્સફર અને પ્રમોશન માટેની માર્ગદર્શિકા) અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ પર નિમણૂક સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશમાંથી થવી જોઈએ જે આ પદ સંભાળવા માટે યોગ્ય ગણાય.
ન્યાયાધીશ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962 ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ એવા પરિવારમાંથી નહોતા જ્યાં કાયદાનું ધ્યાન મુખ્ય હતું. તેમણે પોતાનું બાળપણ વિશેષાધિકારોથી દૂર, સરળ ગ્રામીણ જીવન જીવતા વિતાવ્યું. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ તેમના ગામ પેટવારમાં પૂર્ણ કર્યું અને 1984 મડીયુમાંથી એલએલબી કર્યુ.તેમણે હિસાર જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે ચંદીગઢ ગયા. 38વર્ષની ઉંમરે ન્યાયાધીશ સૂર્યકાંત હરિયાણાના સૌથી નાના એડવોકેટ જનરલ બન્યા. તેઓ 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા.
ન્યાયાધીશ સૂર્યકાંતના મુખ્ય અવલોકનો અને પ્રકાશિત થયેલા કેસો:
ન્યાયાધીશ સૂર્યકાંત બે દાયકાના અનુભવ સાથે દેશનું ટોચનું ન્યાયિક પદ સંભાળશે, જેમાં કલમ 370 રદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લિંગ સમાનતા સંબંધિત સીમાચિહ્નરૂપ નિર્ણયોનો સમાવેશ થાય છે. અહીં, આપણે પહેલા ચાર હાઇ-પ્રોફાઇલ કેસોની ચર્ચા કરીશું જેમાં તેમની ટિપ્પણીઓ અને વલણ હેડલાઇન્સમાં રહ્યા હતા.
રણવીર અલ્લાહબાદિયા કેસ – પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે,”આ વ્યક્તિના મનમાં કંઈક ગંદુ છે, જે સમાજમાં ફેલાયેલું છે. તે તેના માતાપિતાનું પણ અપમાન કરી રહ્યો છે. કોર્ટ તેનો પક્ષ કેમ લે?” ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટપણે કહ્યું હતું કે લોકપ્રિયતા કોઈને પણ સામાજિક ધોરણોનું ઉલ્લંઘન કરવાનો અધિકાર આપતી નથી.
નુપુર શર્મા કેસ – ભાજપના પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ દેશવ્યાપી વિરોધ વચ્ચે ન્યાયાધીશ સૂર્યકાંતે કોર્ટમાં કહ્યું હતું કે,”દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તે સંપૂર્ણપણે જવાબદાર છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર પદ પર રહેલા લોકોએ તેમના શબ્દોની અસર સમજવી જોઈએ, કારણ કે ખોટા નિવેદનથી સમાજમાં નોંધપાત્ર વિભાજન થઈ શકે છે.
સ્વાતિ માલીવાલ કેસ – AAP સાંસદ સ્વાતિ માલીવાલ પરના હુમલાના કેસમાં ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, “શું આ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે કે ગુંડાઓનો અડ્ડો?” તેમણે આરોપી વિભવ કુમારને પ્રશ્ન કર્યો, “શું તેમને એક મહિલા સાથે આવું કરવામાં શરમ ન લાગી?” તેમણે કોર્ટમાં એમ પણ ટિપ્પણી કરી, “તે નિંદનીય છે કે જ્યારે મહિલા રડી રહી હતી અને તેની શારીરિક સ્થિતિનું વર્ણન કરી રહી હતી ત્યારે પણ તેમને રોકવામાં આવ્યા ન હતા.”
મોહમ્મદ ઝુબૈર કેસ – 2022 માં ન્યાયાધીશ સૂર્યકાંતે સ્વતંત્ર અભિવ્યક્તિના અધિકારના સીમાચિહ્નરૂપ બચાવમાં, ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબૈર માટે તેમની જામીન અરજીમાં જણાવ્યું હતું કે,”કોઈ નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અટકાવવા એ ગેરબંધારણીય છે. તેમને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અટકાવવા એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન હશે.” ધાર્મિક લાગણીઓ ભડકાવવાના આરોપમાં અનેક રાજ્યોમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ FIR દાખલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીની થશે SIR પ્રક્રિયાઃ EC
નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી પહેલાં ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે આ પ્રક્રિયા હવે દેશમાં થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીની SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
તેમણે જણાવ્યું કે SIRનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. બિહારના સાડાસાત કરોડ મતદારો એમાં ઉત્સાહપૂર્વક જોડાયા. 90,000 BLO અને રાજકીય પક્ષોએ મળીને મતદાર યાદી શુદ્ધ બનાવવાનું કાર્ય કર્યું. બિહારની મતદાર યાદી હવે સંપૂર્ણ રીતે સ્વચ્છ બની ગઈ છે.
21 વર્ષ બાદ મતદાર યાદીનું શુદ્ધીકરણ
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે મતદાર યાદીનું છેલ્લું શુદ્ધીકરણ 21 વર્ષ પહેલાં એટલે કે 2002-04 દરમિયાન થયું હતું. તેમણે કહ્યું કે આ બધાં વર્ષોમાં મતદાર યાદીમાં અનેક ફેરફાર જરૂરી બની ગયા છે, કારણ કે લોકોનું સ્થળાંતર થાય છે, જેને કારણે એકથી વધુ જગ્યાએ નામ રહે છે. મૃત્યુ પછી પણ કેટલાક લોકોનાં નામ યાદીમાં રહે છે.
મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવશે
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે જે રાજ્યોમાં SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યાં આજ રાત્રે મતદાર યાદી ફ્રીઝ કરી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી જેમનાં નામ મતદાર યાદીમાં છે, તેમને કોઈ દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. એટલે કે જૂના SIR અને હાલની યાદીમાં જેમનું નામ છે, તેમને કોઈ કાગળ આપવાની જરૂર નહીં પડે.
SIR પ્રક્રિયા
આંદામાન-નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ.
વાવાઝોડું મોન્થા વિનાશ વેરવા તૈયારઃ ભારે વરસાદનું એલર્ટ
નવી દિલ્હીઃ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ચક્રવાત ‘મોન્થા’નો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર ઉદ્ભવેલી ચક્રવાતી સિસ્ટમ આવતા 24 કલાકમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આગામી 24 કલાકમાં એ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે.
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ઝડપથી શક્તિશાળી બની રહ્યું છે અને મંગળવાર સુધી આંધ્ર પ્રદેશના કાકીનાડા પાસે દરિયાકાંઠે ટકરાય તે પહેલાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લે એવી શક્યતા છે.
24 કલાકમાં આવશે ચક્રવાતી તોફાન મોન્થા
IMDના જણાવ્યાનુસાર મોન્થા પૂર્વી કાંઠે ભારેથી અત્યંત ભારે વરસાદ, જોરદાર પવન અને દરિયામાં ઊથલપાથલ જેવી પરિસ્થિતિઓ સર્જશે આ સિસ્ટમ 26 ઓક્ટોબરે બની હતી અને 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. આ તોફાનનો પ્રભાવ આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં જોવા મળે એવી શક્યતા છે.
The Cyclonic Storm “#Montha” over Southwest & adjoining southeast Bay of Bengal moved northwestwards with a speed of 15 kmph during the past 6 hours and lay centered at 0530 hrs IST of today: @Indiametdept pic.twitter.com/CXaBDF39LP
— All India Radio News (@airnewsalerts) October 27, 2025
આંધ્ર પ્રદેશમાં બધી સ્કૂલ બંધ
આંધ્ર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સાવચેતીરૂપે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. કાકીનાડા, પૂર્વ ગોદાવરી, કોનસીમા, એલુરુ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ 27થી 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જિલ્લા પ્રશાસને લોકોમાં અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન ઘરમાં જ રહે, દરિયાકાંઠેથી દૂર રહે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સાવચેતી રાખે.
ઓડિશામાં પણ સ્કૂલ-કોલેજ બંધ
ઓડિશા સરકારે તટીય વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરી છે। આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.
તામિલનાડુમાં પણ સ્કૂલ બંધતામિલનાડુમાં આવનારા મોન્થા ચક્રવાતને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં, જેમાં ચેન્નઈ મેટ્રો વિસ્તારના કેટલાક ભાગો પણ સામેલ છે, સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને નીચાણવાળા અને તટીય વિસ્તારોની સ્કૂલ અને કેટલાક કોલેજને તાત્કાલિક રજા આપી છે.
ડિજિટલ એરેસ્ટના કેસોને લઈને સુપ્રીમ કોર્ટ ગંભીર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ ડિજિટલ એરેસ્ટના કેસોની વ્યાપકતા અને દેશભરમાં તેના પ્રસારને ધ્યાનમાં રાખીને તેની તપાસ CBIને સોંપવા ઈચ્છે છે. એ સાથે જ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા FIRની વિગતો પણ માગી છે.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે ડિજિટલ એરેસ્ટના મામલાઓ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી છે અને ઠગાઈનો ભોગ બનેલી એક વરિષ્ઠ મહિલાની ફરિયાદ પર સ્વયં સંજ્ઞાન લઈને દાખલ કરાયેલા કેસોની સુનાવણી ત્રીજી નવેમ્બર સુધી મુલતવી રાખી છે.
ડિજિટલ એરેસ્ટના કેસો મ્યાનમાર, થાઈલેન્ડમાંથી
કોર્ટે CBI તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહેતાની દલીલ પર વિચાર કર્યો હતો કે સાયબર ગુનાઓ અને ડિજિટલ ધરપકડના કેસો મ્યાનમાર અને થાઈલેન્ડ જેવાં વિદેશી સ્થળોથી આવી રહ્યા છે. કોર્ટે તપાસ એજન્સીને આવા કેસોની તપાસ માટે એક યોજના તૈયાર કરવાની સૂચના આપી. કોર્ટે કહ્યું કે હતું કે અમે CBI તપાસની પ્રગતિની દેખરેખ રાખીશું અને જરૂરી સૂચનાઓ આપીશું. ખંડપીઠે CBIને પૂછ્યું હતું કે શું તેને ડિજિટલ ધરપકડના કેસોની તપાસ માટે પોલીસ દળની બહારના સાયબર નિષ્ણાતો સહિત વધુ સંસાધનોની જરૂર છે કે નહીં.

દેશમાં ઓનલાઈન ઠગાઈની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને ન્યાયિક આદેશોમાં ફેરફાર કરીને નાગરિકોને ઠગવાના ડિજિટલ ધરપકડના કેસો અંગે 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને CBI પાસેથી જવાબ માગ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે આવા ગુનાઓ જાહેર જનતાના ન્યાય પ્રણાલીમાં વિશ્વાસની મૂળભૂત રચનાને હચમચાવી દે છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ગુનો નથી જ્યાં તે ફક્ત પોલીસને તપાસમાં ઝડપ લાવવાની અને કેસને તર્કસંગત નિષ્કર્ષ સુધી પહોંચાડવાની સૂચના આપે. આ એવો કેસ છે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓની મૂળ સુધી પહોંચવા માટે કેન્દ્ર અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલિત પ્રયાસોની જરૂર છે.
દેશમાં રઝળતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્યોને ફટકાર
નવી દિલ્હીઃ દેશભરમાં રઝળતા કૂતરાઓને મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્યોની સરકારોને ફટકાર લગાવી હતી. આ કૂતરાઓને પકડવા, તેમની નિષ્ક્રિયતા (નસબંધી) કરવા અને તેમને છોડી મૂકવા અંગે ઓગસ્ટમાં આપવામાં આવેલા આદેશનું પાલન કરવા અંગે રાજ્યોએ સોગંદનામું રજૂ નથી કર્યું. કોર્ટે પશ્ચિમ બંગાળ, દિલ્હી અને તેલંગાણા સિવાય બાકીનાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આદેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે જો અધિકારીઓ આગામી સુનાવણીની તારીખે હાજર નહીં રહે તો તેમના પર દંડ ફટકારવામાં આવશે અથવા કડક પગલાં લેવામાં આવશે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે સોગંદનામું શા માટે રજૂ નથી કર્યું? મુખ્ય સચિવોએ સ્પષ્ટતા આપવી જોઈએ, નહીં તો દંડ ફટકારવામાં આવશે અને દંડાત્મક પગલાં લેવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરવામાં આવી છે. તમારા અધિકારીઓ અખબાર કે સોશિયલ મિડિયા વાંચતા નથી? દરેક જગ્યાએ આ બાબત અંગે સમાચાર આવ્યા છે. એક વાર માહિતી મળી જાય પછી તેમને કાર્યવાહી કરવી જ જોઈએ. બધા મુખ્ય સચિવોએ ત્રીજી નવેમ્બરે હાજર રહેવું, નહીં તો અમે ઓડિટોરિયમમાં કોર્ટની કાર્યવાહી ચલાવીશું.
દેશની છબી વિદેશોમાં ખરાબ થઈ રહી છેઃ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ
કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે રઝળતા કૂતરાઓ સંબંધિત ઘટનાઓ સતત બની રહી છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે આ ઘટનાઓ સતત બની રહી છે અને દેશની છબી અન્ય દેશોની નજરે ખરાબ થઈ રહી છે. અમે સમાચાર રિપોર્ટ પણ વાંચી રહ્યા છીએ.
શું હતો મામલો?
આ આખો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 11 ઓગસ્ટે ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાળા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ તમામ વિસ્તારોમાંથી રઝળતા કૂતરાઓને પકડે અને આઠ સપ્તાહમાં ઓછામાં ઓછા 5000 કૂતરાઓની ક્ષમતા ધરાવતા શેલ્ટર હોમ બનાવે. આ આદેશ બાદ ભારે વિરોધ અને પ્રદર્શન થયાં હતાં.
લગ્નના 14 વર્ષ બાદ ટીવી જગતના આ ફેમસ કપલ થશે અલગ
ટીવીના સૌથી પ્રખ્યાત કપલમાંથી એક, જય ભાનુશાલીઅને માહી વિજ હવે અલગ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના 14 વર્ષના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે.

નાના પડદાના લોકપ્રિય યુગલ જય ભાનુશાલી અને માહી વિજના લગ્નનો અંત આવી રહ્યો છે. આ કપલ, જેમણે 2011 માં લગ્ન કર્યા હતા અને હવે 14 વર્ષ સાથે રહ્યા પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓએ થોડા મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી, અને છૂટાછેડાની પ્રક્રિયા હવે જુલાઈ-ઓગસ્ટ 2025 માં પૂર્ણ થઈ ચૂકી છે.
એક સમયે ટેલિવિઝનના સૌથી પ્રિય યુગલોમાંના એક ગણાતા, જય અને માહીને તેમના ચાહકો દ્વારા “કપલ ગોલ” તરીકે જોવામાં આવતા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર તેમના કૌટુંબિક વિડિઓઝ અને વ્લોગ્સ દ્વારા ગાઢ સંબંધ શેર કર્યો હતો. જો કે, હવે તેમની વચ્ચે અંતર વધી ગયું છે, અને તેમના બ્રેકઅપના સમાચારથી તેમના ચાહકો પણ દુ:ખી છે.
જય અને માહી એકબીજાથી છૂટાછેડા લઈ રહ્યા છે. જય અને માહી ઘણા સમયથી અલગ રહેતા હોવાનું કહેવાય છે. સંબંધને બચાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કંઈ સફળ થયું નહીં. અહેવાલો અનુસાર, તેઓ તેમના બાળકોની કસ્ટડી અંગે પણ એક કરાર પર પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, જેથી તેમના બાળકોના જીવન પર ઓછામાં ઓછી અસર પડે.
જય અને માહી ત્રણ બાળકોના માતા-પિતા છે – તેમની પુત્રી તારા, જેનો જન્મ 2019 માં થયો હતો, અને બે દત્તક બાળકો, રાજવીર અને ખુશી, જેમને તેમણે 2017 માં દત્તક લીધા હતા. આ બંને તેમના બાળકોની ખૂબ નજીક છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સાથે ખુશીની ક્ષણો શેર કરે છે.
તારાના જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા
પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી જય અને માહી બહુ ઓછી વાર સાથે જોવા મળતા હતાં. તેમના વ્લોગ અને પોસ્ટ્સ બંધ થઈ ગયા હતા. તેઓ છેલ્લે ઓગસ્ટ 2024 માં તેમની પુત્રી તારાના જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, જ્યારે તેઓએ એક થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું.
મળતી માહિતી અનુસાર તેમના સંબંધોમાં તણાવ માહીના વિશ્વાસના મુદ્દાઓથી શરૂ થયો હતો. ધીમે ધીમે તેમની વચ્ચેનું અંતર છૂટાછેડા સુધી વધ્યું. તાજેતરમાં, જય તેની પુત્રીઓ સાથે વેકેશન પર જોવા મળ્યો હતો, જ્યારે માહી બાળકો સાથે નવા ઘરમાં રહેવા ગઈ છે.
‘હું હવે સંપૂર્ણ રીતે મમ્મી છું,’ મા બન્યા પછી પરિણીતી ચોપરાની મજેદાર પોસ્ટ
અભિનેત્રી પરિણીતી ચોપરાએ થોડા દિવસ પહેલા તેના પહેલા બાળકને જન્મ આપ્યો. હવે, તેણીએ સોશિયલ મીડિયા પર એક રમુજી પ્રતિક્રિયા સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં તેના જીવનના સૌથી સુંદર તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેણીએ તાજેતરમાં જ તેના પતિ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે એક પુત્રનું સ્વાગત કર્યું છે. 19 ઓક્ટોબરના રોજ અભિનેત્રીએ બાળકને જન્મ આપ્યો હતો. હવે પરિણીતીએ માતા બન્યા પછી પહેલી વાર સોશિયલ મીડિયા પર આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
માતૃત્વની લાગણી રમુજી રીતે શેર કરી
માતા બન્યા પછી પરિણીતી ચોપરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખૂબ જ રમુજી પ્રતિક્રિયા શેર કરી, જેનાથી ચાહકો ખૂબ હસી પડ્યા. તેણીએ આમિર ખાનની ફિલ્મ “અંદાજ અપના અપના” નું એક દ્રશ્ય પોસ્ટ કર્યું, જેમાં આમિર પહેલા જોરથી હસે છે અને પછી અચાનક રડવા લાગે છે. વિડિઓના અંતે એક સંવાદ સંભળાય છે: “બધું પૂરું થયું, ટાટા બાય-બાય.” પરિણીતીએ તે જ ક્લિપ પર લખ્યું, “જ્યારે મને ખ્યાલ આવ્યો કે હું હવે એક સંપૂર્ણ માતા છું અને ફક્ત ગર્ભવતી નથી.” તેણીએ બે હસતા ઇમોજી પણ ઉમેર્યા.

ભાવનાત્મક પોસ્ટ સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી
થોડા દિવસો પહેલા પરિણીતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેના બધા ચાહકો, મિત્રો અને શુભેચ્છકોનો આભાર માન્યો. તેણીએ લખ્યું, “અમે દરેક સંદેશ વાંચી રહ્યા છીએ અને તમારા પ્રેમથી અભિભૂત છીએ. દરેકના આશીર્વાદ અમૂલ્ય છે.”
રાઘવ અને પરિણીતીની લવ સ્ટોરી
બૉલિવુડ અને રાજકારણની દુનિયામાંથી આવનાર આ યુગલ હંમેશા સમાચારમાં રહ્યું છે. તેઓ થોડા વર્ષો પહેલા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં મળ્યા હતા, જ્યાં તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી. મે 2023 માં તેઓએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી. થોડા મહિના પછી સપ્ટેમ્બર 2023 માં, તેઓએ રાજસ્થાનના ઉદયપુરમાં ધ લીલા પેલેસમાં શાહી લગ્ન કર્યા.
ખુશીઓથી ભરેલો એક નવો અધ્યાય
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 19 ઓક્ટોબરે તેમના પુત્રના જન્મની જાહેરાત કરતા લખ્યું, “તે અ આવી ગયો છે! અમારો નાનો છોકરો. હવે અમારી પાસે બધું છે.” આ પોસ્ટ સાથે બંનેએ ચાહકોનું મન જીતી લીધું. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણીતી હાલમાં ડિલિવરી પછી મુંબઈમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તે ટૂંક સમયમાં કોઈ પ્રોજેક્ટ પર પાછા ફરતા પહેલા માતૃત્વના દરેક ક્ષણનો આનંદ માણવા માંગે છે.
દેશમાં 8000 સ્કૂલોમાં એક પણ એડમિશન નહીં છતાં 20,000થી વધુ શિક્ષકો કાર્યરત
નવી દિલ્હીઃ દેશભરમાં લગભગ 8000 શાળાઓમાં શૈક્ષણિક સત્ર 2024-25માં એક પણ દાખલો એડમિશન થયું નથી, જેમાં સૌથી વધુ શાળાઓ પશ્ચિમ બંગાળમાં અને પછી તેલંગાણામાં છે. આ માહિતી સત્તાવાર આંકડાઓમાંથી મળી છે. આ શૂન્ય દાખલાવાળી શાળાઓમાં કુલ 20,817 શિક્ષકો કાર્યરત હતા.
પશ્ચિમ બંગાળમાં આવા શિક્ષકોની સંખ્યા 17,965 હતી અને ત્યાં શૂન્ય દાખલાવાળી શાળાઓની સંખ્યા સૌથી વધુ (3812) હતી. શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ 7993 શાળાઓમાં કોઈ દાખલો થયો નહોતો, જે અગાઉના વર્ષ (12,954) કરતાં 5000થી વધુ ઓછું છે.
એ દરમિયાન હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, આસામ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં એક પણ શાળા એવી નહોતી જેમાં કોઈ દાખલો ન થયો હોય. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શાળાશિક્ષણ રાજ્યનો વિષય છે અને રાજ્યોને શૂન્ય દાખલાવાળી શાળાઓનો મુદ્દો ઉકેલવા સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ સારી
કેટલાક રાજ્યોમાં બાંધકામ અને કર્મચારીઓ જેવાં સંસાધનોના ઉત્તમ ઉપયોગ માટે કેટલીક શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. આંકડાઓ મુજબ પોન્ડિચેરી, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, આંદામાન-નિકોબાર ટાપુઓ, દમણ-દીવ અને ચંડીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ શાળા એવી નહોતી જેમાં કોઈ દાખલો ન થયો હોય. દિલ્હીમાં પણ 2024-25માં એક પણ શાળા એવી નહોતી જેમાં શૂન્ય દાખલો થયો હોય.
આવા શાળાઓની બીજી સૌથી મોટી સંખ્યા તેલંગાણામાં (2245) છે. તેના પછી મધ્ય પ્રદેશ (463)નું સ્થાન આવે છે. તેલંગાણામાં આ શાળાઓમાં 1016 શિક્ષકો કાર્યરત હતા, જ્યારે મધ્ય પ્રદેશમાં 223 શિક્ષકો હતા. ઉત્તર પ્રદેશમાં આવી 81 શાળાઓ છે.
ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદ (યુપી બોર્ડ)એ જાહેરાત કરી છે કે રાજ્યભરમાં તેવી સંલગ્ન શાળાઓની માન્યતા રદ કરવાની તૈયારી ચાલી રહી છે, જેઓ છેલ્લાં ત્રણ સતત શૈક્ષણિક વર્ષોથી એક પણ વિદ્યાર્થીનો નોંધણી દાખલો રાખી શકી નથી. દેશભરમાં 33 લાખથી વધુ વિદ્યાર્થીઓ એક લાખથી વધુ એકલ-શિક્ષક શાળાઓમાં નોંધાયેલા છે. આંધ્ર પ્રદેશમાં આવી શાળાઓની સંખ્યા સૌથી વધુ છે, ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપનું સ્થાન છે.





