પટનાઃ RJDના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવે વચન આપ્યું છે કે જો મહાગઠબંધન સત્તામાં આવશે, તો બિહારમાં વક્ફ કાયદાને રદ કરી દેવામાં આવશે. સીમાંચલની ચાર વિધાનસભા બેઠકો પર પ્રચારમાં તેજસ્વીએ કહ્યું હતું કે આ ચૂંટણી બંધારણ અને બહુલતાવાદને બચાવવાની લડાઈ છે.
તેમણે અનેક સભાઓમાં કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે, તો અમે વક્ફને કચરાપેટીમાં ફેંકી દઈશું. કિશનગંજમાં તેમણે કહ્યું હતું કે આ દેશ બધાનો છે — હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, સૌએ બલિદાન આપ્યું છે. બંધારણ દરેકને સમાન અધિકાર આપે છે.
સંસદે એપ્રિલમાં વક્ફ (સંશોધન) અધિનિયમ પસાર કર્યો હતો. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરોને વક્ફ સંપત્તિઓ પર વ્યાપક અધિકાર આપવાના તથા વક્ફ સ્થાપવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની ફરજિયાત શરત જેવી જોગવાઈઓ પર તાત્કાલિક સ્ટે લગાવ્યો હતો. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય વક્ફ બોર્ડોમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા પણ મર્યાદિત કરી હતી.
તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર આક્ષેપ કર્યા
તેજસ્વી યાદવે ભાજપ અને RSS માટે જગ્યા બનાવવાના આરોપ સાથે મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે RJD એ એવી પાર્ટી છે જેણે ક્યારેય પોતાની વિચારધારાથી સમાધાન નથી કર્યું. લાલુજીએ ક્યારેય સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમાધાન કર્યું નથી.
તેમણે આગળ કહ્યું હતું કે આજે આપણા ચાચા નીતીશકુમાર પાલો બદલીને ભાજપમાં જોડાયા છે. જો બિહારમાં ભાજપ માટે કોઈએ જમીન તૈયાર કરી હોય તો તે નીતીશકુમાર છે. જો બિહારમાં RSSને જમીન પર ઉતારનાર કોઈ હોય, તો તે પણ નીતીશકુમાર છે.
યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
ટાગોર હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોન દ્વારા બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતાં આ પ્રોજેક્ટને હીરક જયંતિ વર્ષના ભાગરૂપે ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ.હર્ષદ પટેલ, રાજયોગિની ભારતી દીદી, ચંદ્રિકા દીદી, શારદા દીદી અને નેહા દીદી સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટનો હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, એકતા અને વિશ્વાસનો સંદેશ ફેલાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ ડે (24 ઓક્ટોબર) થી લઈને વર્લ્ડ મેડિટેશન ડે (21 ડિસેમ્બર, 2025) સુધી સમગ્ર વિશ્વમાં લોકો દરરોજ મેડિટેશન દ્વારા વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરશે. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિની સ્થાપના માટે સંતોષ ખૂબ જ આવશ્યક છે. જે આપણી પાસે છે તેનું આભાર માનવું એ શાંતિનો પ્રથમ પગથિયો છે. ડૉ. હર્ષદ પટેલે કહ્યું કે, આજના યુગમાં જીએસટી ઘટે અને ટેરિફ વધે એ વચ્ચે પણ શાંતિનો સંદેશ આપવો એ બ્રહ્માકુમારી બહેનોનું અદભૂત સાહસ છે. શાંતિ દેખાતી નથી, એ અનુભવવાની વસ્તુ છે.
શારદા દીદીએ સમજાવ્યું કે વિશ્વ યુદ્ધ, ગૃહયુદ્ધ અને પરમાણુ ખતરો વચ્ચે માત્ર પ્રાર્થના અને મેડિટેશન જ એ માર્ગ છે જે માનવજાતને અશાંતિમાંથી બહાર કાઢી શકે. કાર્યક્રમના અંતે રંજનબેને સૌને શાંતિની અનુભૂતિ કરાવી, જ્યારે નેહા દીદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંવેદનાશીલ રીતે સંભાળ્યું.
નવી દિલ્હીનાં વિનય જયસ્વાલ અને પૂજા ચૌધરીએ ૨૦૧૨માં લગ્ન કર્યાં. ચાર-પાંચ વર્ષ બધું બરાબર ચાલ્યું, પણ પછી નાના-મોટા મુદ્દે તકરાર થવા માંડી. તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એક સમય એવો આવી ગયો કે સાથે રહેવું અશક્ય થઈ પડ્યું. ૨૦૧૮માં વિનય-પૂજા પારસ્પરિક સંમતિથી છૂટાં થયાં. જો કે એમનો ઝઘડો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો.
છૂટાછેડાનાં પાંચેક વર્ષ બાદ એક દિવસ વિનયનું હૃદય ભાંગ્યું, ખરા અર્થમાં. એને પ્રચંડ હાર્ટ અટેક આવ્યો ને વાત ઓપન હાર્ટ સર્જરી સુધી ગઈ. આ સમય દરમિયાન પૂજાએ એને સારવાર માટે સંભાળ્યો. થોડા સમયમાં એમનો સંબંધ ફરીથી મજબૂત થયો. ૨૦૨૩માં વિનય-પૂજાએ ફરીથી લગ્ન કરી આજીવન એકબીજાને ગમતાં રહેવાની પ્રતિજ્ઞા લીધી.
આ ઘટના એ દર્શાવે છે કે સંજોગ અને સમજદારી સંબંધો પુન: સ્થાપી શકે છે. ૨૦૧૨ના લંડન ઑલિમ્પિક્સમાં ભારતને સૌપ્રથમ મેડલ (કાંસ્ય) અપાવનારી બૅડમિન્ટન ચૅમ્પિયન સાયના નેહવાલે ગયા મહિને ઈન્ટરનેટ પર જાહેરાત કરી કે અનેક ચર્ચા-વિચારણા બાદ મેં અને કશ્યપે નોખાં થવાનો નિર્ણય લીધો છે. એવું છે ને કે જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જતું હોય છે. કશ્યપ સાથે મારી ઘણી સારી સ્મૃતિ છે. આ માટે એની આભારી છું… મારા તરફથી એને ખૂબ ખૂબ શુભકામના… ઑલિમ્પિક્સ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ, કૉમનવેલ્થ ગેમ્સ, વગેરેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બૅડમિન્ટન ચૅમ્પિયન પારુપલ્લી કશ્યપ અને સાયના નેહવાલનાં ૨૦૧૮માં લવ મૅરેજ થયાં હતાં. ૨૦૨૫માં ધણી-ધણિયાણીએ છૂટાં થવાનો નિર્ણય લીધો.
આ જાહેરાતના પખવાડિયા બાદ સાયના-કશ્યપને હિંદી સિનેમાના એક ગીતની પંક્તિ યાદ આવી: કભી કભી દૂરી ભી ઝરૂરી હૈ દો પ્રેમીઓં મેં પ્યાર બઢાને કે વાસ્તે… બે ઓગસ્ટે એ જ ઈન્ટરનેટ પર ખૂબસૂરત પહાડની રમણીય તળેટીમાં પતિ સાથેની તસવીર સાથે લખ્યું: ક્યારેક ક્યારેક અંતર તમને હાજરીનું મહત્ત્વ સમજાવે છે. આ જુઓ… અમે ફરીથી (સંબંધો જોડવાની) ટ્રાય કરી રહ્યાં છીએ.ક્યારેક લગ્નજીવનની વાટમાં એવી ચોકડી અથવા સર્કલ આવી જાય કે ખબર ન પડે: સીધેસીધા ચાલ્યા કરવું, ડાબે વળવું કે જમણે? પતિ-પત્નીના સંબંધ વચ્ચેની નાની નાની ખટપટ એટલી વધી જાય કે વિયોગનો નિર્ણય અનિવાર્ય લાગે ને શરૂ થાય કોર્ટનાં ચક્કર, માતા-પિતાની ચિંતા, છૂટાં પડ્યા પછી શું? વગેરે… પરંતુ પ્રેમનાં બીજ ઊંડે સુધી રોપાયેલાં હોય તો એ તકલાદી જમીનમાં પણ અંકુરિત થાય છે. કેટલાંક કપલ એવાં પણ છે, જેમણે વિયોગના કાગળ પર સહી લગભગ કરી દીધી હતી, પરંતુ અંતિમ ક્ષણે અંતરના અવાજે એમને પાછાં બોલાવી લીધાં.
દિલ્હીનાં વિનય-પૂજાની જેમ જ મુંબઈના સુખી-સંપ્ન્ન ગુજરાતી પરિવારના સાહિલની શરાબની આદતથી કંટાળીને પત્ની સાન્યા (નામ બદલ્યાં છે)એ ૨૦૧૯માં છૂટાછેડા લીધા. ૨૦૧૭માં અરેન્જ મૅરેજ કરનાર સાહિલ પત્નીને છોડવા તૈયાર હતો, પણ દારૂ નહીં! છૂટાછેડાના એક વર્ષ બાદ, ૨૦૨૦માં કોરોના આવ્યો, લૉકડાઉન લાગ્યું. આ દરમિયાન નિયમિત દારૂ મળતો બંધ થતાં સાહિલની હાલત ખરાબ થવા માંડી. ડૉક્ટર્સે એનો ઈલાજ કર્યો. ધીરે ધીરે કોરોનાને કારણે સાહિલની દારૂની લત છૂટી ગઈ. કોવિડની બીજી લહેરમાં એ પોઝિટિવ થયો. હાલત ગંભીર થઈ ગઈ. મૃત્યુને એણે નજીકથી નિહાળ્યું ત્યારે એને જીવનસાથીનું મહત્ત્વ સમજાયું. એણે સાન્યાને ફોન કર્યો, એક વાર મળવા વિનંતી કરી…
સાન્યા પ્રિયદર્શિની સાથે વાત કરતાં કહે છે: ‘એ દિવસ મને બરાબર યાદ છે. મુંબઈની એક જાણીતી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલના બેડ પર પોઢેલા સાહિલને હું પીપીઈ કિટ પહેરીને મળી. મને જોતાંવેંત સાહિલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. એણે આજીવન દારૂને સ્પર્શ પણ નહીં કરું એવું વચન આપ્યું. હું પીગળી ગઈ. એ સંપૂર્ણ સાજો થયો ત્યાર બાદ આર્ય સમાજવિધિથી ફરી લગ્ન કરી અમે સાથે રહેવા માંડ્યાં. અમને સાડા ત્રણ વર્ષની એક દીકરી છે અને સુખી છીએ. સાહિલે હૉસ્પિટલના બેડ પરથી આપેલું વચન પાળ્યું છે.’
૩૮ વર્ષની આઈટી (ઈન્ફર્મેશન ટેક્ધોલૉજી) એક્સ્પર્ટ સાન્યા ઉમેરે છે: ‘આજે એ દિવસો યાદ કરું છું તો લાગે છે, કદાચ અમારા છૂટાછેડા નહોતા થયા, પણ છૂટાં રહીને કેવું લાગે છે એની કસોટી હતી (ટ્રાયલ સેપરેશન). સાહિલને એની ભૂલ સમજાઈ અને એણે હાથ લંબાવ્યો, મેં સુખને એક ચાન્સ આપવા એ ઝાલી લીધો અને જીવનમાં પ્રેમના સૉફ્ટવેર ફરી ઈન્સ્ટૉલ થયા.’
કાઉન્સેલરો માને છે કે પતિ-પત્ની વચ્ચે કમ્યુનિકેશન ગેપ છૂટાછેડાનું મોટું ને મહત્ત્વનું કારણ હોય છે. મનમાં ને મનમાં ધરબી રાખવાને બદલે વાતચીત કરવી, ચર્ચા કરવી, ભલે પછી ચર્ચા ઉગ્ર બની જાય, પણ સંવાદ ખૂબ જરૂરી છે.
એકવીસમી સદીમાં લગ્નજીવન જાતજાતની કસોટી માગે છે. એક વળાંક આવે છે: કોઈ યાદગાર ક્ષણ, કોઈ જૂનો પત્ર, જૂની યાદ, બાળકના નિર્દોષ સવાલ અથવા બેમાંથી એક પર અચાનક ત્રાટકેલી ગંભીર બીમારી, જે એમને સમજાવે છે કે વિયોગ એ એમની સમસ્યાનો ઉકેલ નથી. બન્ને ફરી વાતચીત શરૂ કરે છે, મનની ગાંઠો ધીરે ધીરે ખોલે છે અને કરેલી ભૂલોને ભૂલી આગળ વધવાનું નક્કી કરે છે. એક સમયે એકબીજાની ખામી જ દેખાતી હતી ત્યાં હવે સમજણ, સહાનુભૂતિ અને નવી મૈત્રી જોવા મળે છે. આવાં પુનર્મિલન માત્ર લગ્નને નહીં, પરંતુ જીવનઆખાને નવો અર્થ આપે છે, જાણે સુકાઈ ગયેલા વૃક્ષમાં ફરી લીલાંછમ પાંદડાં ફૂટ્યાં.
સાયના નેહવાલ-પારુપલ્લી કશ્યપ જેવાં વિદેશની સેલિબ્રિટીનાં અનેક ઉદાહરણમાંનું એક જોઈએ. હોલીવૂડનાં મારામારીનાં પિક્ચરો માટે જાણીતા ઍક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોન અને ફ્લેવિન પચ્ચીસ વર્ષથી સ્થિર ગૃહસ્થી ચલાવતાં હતાં, પણ ૨૦૨૨ના ઓગસ્ટમાં ફ્લેવિને સિલ્વેસ્ટર સામે છૂટાછેડાની અરજી કરી. જો કે એક મહિના બાદ ધણી-ધણિયાણીએ ઑર્ડર ઑફ એબેટમેન્ટ દાખલ કર્યો અર્થાત્ છૂટાછેડાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દીધી. સ્ટેલોનના પ્રતિનિધિએ જણાવ્યું કે બન્ને ઘરે ફરી એક વાર મળ્યાં, વાતચીત કરીને મતભેદો દૂર કર્યા. અત્યારે બન્ને ખૂબ ખુશ છે.
એક ઈન્ટરવ્યૂમાં લગ્નજીવન અને છૂટાછેડાના અનુભવ વિશે સ્ટેલોન કહે છે: ‘એક સમય હતો, જ્યારે મારા માટે પરિવારથીય પહેલાં આવતું કામ. કહોને કે મારી પ્રાથમિકતા બરાબર નહોતી. પછી એક સમય આવ્યો જ્યારે મારો ભ્રમ ભાંગ્યો અને સમજી ગયો કે પરિવાર પહેલાં આવવો જોઈએ.’
ઘરઆંગણે જોઈએ તો, જાણીતા ઍક્ટર ગુલશન દેવૈયા… ૨૦૧૫માં હંટર ફિલ્મથી છવાઈ જનારા ઍક્ટર ગુલશન દેવૈયાએ એ પછી હેટ સ્ટોરી, કમાન્ડો-થ્રી, મર્દ કો દર્દ નહી હોતા, ઉલઝ જેવી અનેક ફિલ્મો તથા વેબ-સિરીઝમાં કમાલ બતાવી. ૨૦૧૨માં ગુલશને ગ્રીસ અભિનેત્રી કાલ્લીરોઈ ઝિઆફેતા સાથે લગ્ન કર્યાં, પણ ૨૦૨૦માં બન્ને છૂટાં થઈ ગયાં. નોખાં થયાનાં ત્રણેક વર્ષ પછી બન્નેએ ફરીથી હળવા-મળવાનું, સાથે રહેવાનું શરૂ કર્યું. ગુલશન માને છે કે છૂટાં પડવું જરૂરી હતું, કારણ કે એ અનુભવે, સંબંધમાં પડી ગયેલા અંતરે એમને જીવનની નાની-મોટી સમસ્યાનો કેવી રીતે સામનો કરવો એ શીખવી દીધું. એ માને છે કે લગ્નનાં આરંભનાં વર્ષો પછી બન્ને ઘણાં પરિપક્વ થયાં છે. એ કહે છે: ‘હવે હું મારી જાતને વધારે સારી રીતે સમજું છું, અંગત જીવનમાં અને મારાં કામકાજમાં વધારે સુરક્ષિત છું. મારામાં ધીરજ આવી છે. સામેની વ્યક્તિને સમજવાની, એને સાંભળવાની અને સંભાળવાની ક્ષમતા પણ વધી છે.’
ઘણી વાર અહં લગ્નજીવનમાં બહુ મોટો વિલન સાબિત થતો હોય છે. ક્યારેક તો માત્ર એક ફોનકૉલ કરવાની જ જરૂર હોય છે, પણ બન્ને વિચારે છે: ભૂલ એની છે, એણે કરવો જોઈએ… અરે યાર, જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે આવું બધું વિચારવાનું ન હોય. ફોન ઉઠાવો, નંબર જોડો, વાત કરો… વાતચીતથી ઉકેલ ન આવે એવી કોઈ સમસ્યા આ દુનિયામાં નથી.
સાચો સંબંધ એ નથી જ્યાં ક્યારેય મતભેદ ન થાય, પરંતુ એ છે જ્યાં મતભેદ થવા છતાં સાથ ન છૂટે. ગુસ્સો, ખીજ, અહંકાર ક્ષણિક છે, પ્રેમ અને સાથ કાયમી છે. જે દંપતી ફરીથી એકબીજાને તક આપે છે, તેઓ સાબિત કરે છે કે પ્રેમ માત્ર એક ભાવના નથી-એ તો નિર્ણાયક પસંદગી છે, જે દરરોજ કરવી પડે છે. અમુક કિસ્સામાં છૂટાછેડા અટકાવવા એ લગ્નને બચાવવાનો નહીં, પણ જાતને ફરીથી શોધવાનો અને એકબીજામાં નવો જીવનસાથી જોવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. (કેતન મિસ્ત્રી- મુંબઈ)
થોડાં વર્ષો પહેલાં (૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં) અમેરિકન લેખક એલેક્સ હાલે રૂટ્સ: ધ સાગા ઑફ ઍન અમેરિકન ફૅમિલી નામની એક ઐતિહાસિક કાલ્પનિક નવલકથા લખેલી, જેના પરથી અમેરિકામાં મિની ટીવી-સિરીઝ પણ સર્જાયેલી. ખરું જોતાં પુસ્તકના લેખકમાં પોતાના વડવાઓ વિશે, મૂળ-કુળ જાણવાની જિજ્ઞાસા જાગે છે, પણ આ માટે કોઈ સામાજિક વ્યવસ્થા નથી, છતાં એ પ્રયાસ કરે છે. એક મિશનના સ્વરૂપમાં આ કામ હાથમાં લે છે. આ સ્વાનુભવો એમણે પુસ્તકમાં આવરી લીધા છે.આ પુસ્તકના વાચકોએ અને ટીવી-સિરીઝના દર્શકોએ પણ પોતાનાં મૂળ-કુળ વિશે જાણવામાં રસ લીધો, પણ મોટા ભાગનાને નિષ્ફળતા જ હાથ લાગી, કેમ કે વિદેશોમાં કુટુંબની વંશાવળી, વતન, ગોત્ર, કુટુંબના રીત-રિવાજો, કુળદેવી, એમનું સ્થાનક, નિવિદ કેવી રીતે થાય છે એવી આધારભૂત માહિતી ઉપલબ્ધ બને એવી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ આપણે ત્યાં મુઠ્ઠી ઊંચેરી બારોટ પરંપરા છે.
બારોટ… આ શબ્દ ભારતીય સમાજ માટે અજાણ્યો નથી. શક્ય છે કે આજની ડિજિટલ પેઢી માટે આ શબ્દ એ અટક પૂરતો સીમિત હોય, પરંતુ આ એક શબ્દ કે અટક નથી, પરંતુ પ્રાચીન પૂજનીય પરંપરા છે. પોતાના યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ, એમનાં જીવનકાર્યોની મહત્ત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક નોંધ રાખીને યથાસમય એનું વાંચન કરતા, વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતા એ બારોટ.બારોટપ્રથા મહાભારતના સમયકાળથી ચાલી આવતી હોવાનો ઉલ્લેખ અમુક ગ્રંથોમાં છે. કહેવાય છે કે કાગળની શોધ થઈ નહોતી એ સમયે ભોજપત્ર કે કપડામાં કુટુંબની વંશાવળી બારોટ લખતા. દિલ્હીના પ્રતાપી રાજવી પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં ચંદ બારોટનું કેટલું મહત્ત્વ હતું એનો ઈતિહાસ સાક્ષી છે.
હવે તો માઉસના એક ક્લિકથી કમ્પ્યુટરમાં માહિતીનો ખજાનો ખૂલી જાય છે, પરંતુ એક સમય એવો હતો કે કોઈ વ્યક્તિનાં કુળ-મૂળ પ્રમાણભૂત આધારો સાથે જાણવાં હોય તો બારોટના ચોપડાનાં પાનાં ખોલવા પડતાં. રાજાશાહી વખતે બારોટને ખૂબ આદર આપવામાં આવતો. રાજાનો દરબાર ભરાતો ત્યારે બારોટ માટે અલગ આસન રાખવામાં આવતું. એમનું અને એમના ચોપડાનું સમ્માન કરવામાં આવતું.ઉલ્લેખનીય છે કે દરેક કુટુંબના, સમાજના અલગ-અલગ બારોટ હોય છે. કુટુંબમાં દીકરા-દીકરીના જન્મ બાદ બારોટના ચોપડે એનું નામ ચડાવવાનું આવે એટલે જાણે પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઈ જાય. યજમાન રૂબરૂ બારોટના ઘરે જઈને એમને પધારવાનું આમંત્રણ આપે. બારોટ પધારે ત્યારે એનું અદકેરું સમ્માન કરવામાં આવે. કુટુંબના બધા સભ્યો ભેગા થાય. પહેલાં તો બારોટ બાજોઠ પર લાલ પૂંઠાવાળા ચોપડાનું પૂજન કરે. જે દીકરા-દીકરીનું નામ લખવાનું હોય એને પણ સામે બેસાડી ચાંદલો કરવામાં આવે. ત્યાર બાદ કુટુંબના નવા સભ્યનું હર્ષોલ્લાસ સાથે બારોટના ચોપડામાં નામ ઉમેરવામાં આવે. ભારતીય સંસ્કૃતિની આ એક ઉજ્જ્વળ પરંપરા છે.
આ વિધિ કરનારને વહીવંચા બારોટ પણ કહેવાય છે. વહી એટલે લાલ કલરના પૂંઠાવાળા, સફેદ કાગળના વળીવાળા ચોપડા. અલગ-અલગ લિપિમાં એ લખેલા હોય છે. વહી વાંચનારા એ વહીવંચા કહેવાયા. એક સમયે સંસ્કૃત જેવી માગધી ભાષામાં વહી લખવામાં આવતી હતી, પરંતુ સમયની સાથે ભાષા બદલાતી રહી. બારોટસમાજની આજની યુવાપેઢી ગુજરાતી ભાષામાં વહી લખે છે. વહી લખવાની ખાસ રીત હોય છે. વહી લખતી વખતે પૅરેગ્રાફ પાડવામાં આવતો નથી. સફેદ કાગળમાં એક સમયે લાલ શાહીથી લખવામાં આવતું, હવે કાળી શાહીથી લખવામાં આવે છે.
જાણીતા લોકસાહિત્યકાર અને છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી બારોટપરંપરાનું કાર્ય કરી રહેલા ગુલાબદાન બારોટ ચિત્રલેખા.કોમને કહે છે: ‘આ વહી અમારી રોજી-રોટી છે. દરેક બારોટ એને જીવની જેમ સાચવે છે. ભલે કદાચ આજની પેઢી આ પરંપરાથી વાકેફ ન હોય, પરંતુ દરેક કુટુંબના વડીલો આ પ્રથા વિશે જાણતા જ હોય. સમાજમાં બારોટનું મુઠ્ઠીઊંચેરું સ્થાન છે. દરેક વ્યક્તિનાં કુળ અને મૂળની આધારભૂત વિગત બારોટના ચોપડામાંથી મળી જાય. બારોટના ચોપડે આશરે ૭૦૦ વર્ષ જૂની માહિતી સચવાયેલી હોય છે. ત્રીસ-પાંત્રીસ પેઢી સુધીનો રેકૉર્ડ મળી શકે છે. માત્ર નામો જ નહીં, કુટુંબમાં કોઈએ યાત્રા કે સામાજિક કાર્યો કર્યાં હોય તો એની પણ નોંધ કરવામાં આવે છે, આગલી પેઢીને એના વડવાએ કેવાં કાર્યો કર્યાં છે એની ખબર પડે.’
એ ઉમેરે છે કે બારોટ સ્પષ્ટવક્તા હોય છે. યજમાનને જ્યારે જરૂર પડે ત્યારે સાચી સલાહ, માર્ગદર્શન એ આપતા રહ્યા છે. બારોટ હંમેશાં યજમાનનું ભલું ઈચ્છતા હોય છે. આજના કપરા સમયમાં બારોટપ્રથા લુપ્ત ન થાય અને આ વારસો જળવાઈ રહે એ માટે અમારા સમાજના જ આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં રાજકોટ જિલ્લાના રતનપરમાં ગુજરાતભરના બારોટનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં યુવાઓને આ પ્રાચીન પરંપરા વિશે જાણકારી આપી એને સાચવવા અપીલ કરવામાં આવી હતી.
બારોટના ચોપડે માત્ર કોઈ કુટુંબ જ નહીં, પણ દેશ કે પ્રાંતમાં કોઈ મોટો પ્રસંગ બન્યો હોય તો એની પણ નોંધ કરવામાં આવે છે. ૨૦૨૩માં અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ, એની નોંધ રતનપરમાં યોજાયેલા સંમેલનમાં અઢારે વરણના બારોટના ચોપડામાં કરવામાં આવી. આ ઉપરાંત, દ્વારકાના આંગણે આહીરસમાજ દ્વારા ૩૭,૦૦૦ આહીરાણીઓએ મહારાસ લઈને વિશ્વવિક્રમ કર્યો એની નોંધ પણ તમામ સમાજના બારોટના ચોપડે કરવામાં આવી. આવી ઐતિહાસિક ઘટનાઓને પણ આ પ્રથામાં સાચવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં સમાજના લોકો આ પ્રસંગોથી વાકેફ થાય.
બારોટી સાહિત્યના વિષય પર પુસ્તકો લખનારા લોકસાહિત્યના સંશોધક ડૉ. નિરંજન રાજ્યગુરુ કહે છે: ‘લોકજાતિઓનો જીવંત અને પ્રમાણભૂત ઈતિહાસ સાચવતી બારોટપરંપરા સદીઓ જૂની છે. એટલું કહી શકાય કે સમયની સાથે આ પ્રથામાં પરિવર્તન આવતું ગયું છે. એક સમયે બારોટને ખૂબ માન-સમ્માન મળતાં, પણ હવે નવી પેઢીમાં બારોટને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ છે. જો કે આજે પણ કુટુંબનો આંબો અને રીતરિવાજો વિશે આધારભૂત માહિતી મેળવવી હોય તો બારોટનો ચોપડો જ એનું ઉત્તમ માધ્યમ છે.’
એ ઉમેરે છે કે વહી ચોક્કસ લિપિમાં અને સાંકેતિક ભાષામાં લખાયેલી હોય છે. આ વહી બીજા કોઈના હાથમાં જાય તો એની ભાષા ઉકેલવી કે સમજવી આસાન નથી. બારોટી સાહિત્ય વિશે વર્ષો સુધી સંશોધનના મારા અનુભવમાં વ્યક્તિગત સંબંધોને કારણે મને કેટલીક વહી વાંચવાની તક મળી છે. બારોટના ચોપડે નામ માંડવાની એક ખાસ પ્રક્રિયા હોય છે. લોકજીવનનો સમૃદ્ધ ઈતિહાસ બારોટપરંપરામાં સચવાયો છે. કોઈ કુટુંબની પેઢીનાં નામ જ નહીં, પરંતુ એમનું મૂળ ક્યાં છે, તેઓ કયા પ્રદેશમાંથી આવ્યા એ સ્થાન, શાખા-પ્રશાખા, કુળદેવી, સુરાપુરા, ગોત્ર, ગામ-ગરાસ, એનું ક્ષેત્રફળ, નાના-મોટા પ્રસંગો… આવી અનેક માહિતી બારોટના ચોપડામાં હોય છે. જેમ વિવિધ જ્ઞાતિમાં લગ્નાદિક વિધિ બ્રાહ્મણ કુળગોર કરે છે તેમ બારોટ એ વંશમાં જન્મનારની તથા એનાં મહત્ત્વનાં કાર્યોની વહીમાં નોંધ રાખે છે એટલે વહીવંચા બારોટને પણ કુળગોર કહેવાય છે.
કળગર પોથાં કંધ ધરે, વિધવિધ કરે વખાણ, જિણ ઘર કળગર ન સંચરે, સો ઘર જાણ મસાણ… અર્થાત્ જે કુટુંબની માહિતીની નોંધ રાખનારા આવા કુળગુરુ જે ઘરમાં ન સંચરે એને મસાણ જાણજો.સમયનાં વહેણ સતત બદલાતાં હોય છે. આજના ડિજિટલયુગમાં કુટુંબની વંશાવળી લખવાની પ્રાચીન બારોટપરંપરા અનેક પડકારો વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આ પરંપરાને જીવતી રાખવા બારોટસમુદાય જ નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કેટલીક સંસ્થાઓ તેમ જ સાહિત્યસંશોધકોએ પ્રયાસો શરૂ કર્યા છે તો બારોટસમાજના યુવાનોએ સોશિયલ મિડિયા ગ્રુપ બનાવ્યું છે. તે થકી કાર્યક્રમ-સેમિનાર યોજીને પરંપરા જાળવવા પ્રયત્નશીલ રહે છે. સમાજના અમુક લોકોને એવો ભય સતાવે છે કે બારોટના ચોપડાનું ડિજિટલાઈઝેશન થશે તો એક ક્લિકમાં તમામ માહિતી સ્ક્રીન પર મળી જશે. પછી કુટુંબની માહિતી મેળવવા લોકો બારોટ પાસે જવાનું ટાળશે. આવો ભય અસ્થાને નથી, કેમ કે સમયની સાથે પરિવર્તન લાવવું પણ જરૂરી છે.
આ ઉપરાંત, બસ્સો-પાંચસો વર્ષ જૂના ચોપડાની સાચવણી કપરી છે. ચોપડાને ઊધઈ લાગે અથવા પાનાં ફાટી જાય એવું બની શકે. બારોટસમુદાય માટે આ ચોપડા રોજી-રોટી છે એટલે એને જીવની જેમ સાચવવા પડે. બારોટસમાજની નવી પેઢીના કેટલાક યુવાઓ હવે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે, એમને વડીલો આ વારસો જાળવવા સમજાવે છે અને એમને ચોપડા લખતાં શીખવે છે. આનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે.
સંપૂર્ણ એકાગ્રતા લક્ષ્યસિદ્ધિ માટેનો મજબૂત પાયો નાખે છે. લક્ષ્ય પર એકાગ્રતા કોઈપણ નેતૃત્વની સફળતાનું મૂળ તત્વ છે, કારણ કે જ્યારે મનુષ્યનું ધ્યાન એક જ ધ્યેય પર કેન્દ્રિત થાય છે, ત્યારે તે માર્ગમાં આવતા બધા અવરોધો, વિક્ષેપો અને લાલચ સામે અડગ રહીને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
મહાભારતના આદિપર્વમાં ગુરુ દ્રોણાચાર્યે પોતાના શિષ્યોની એકાગ્રતા પરખવા માટે પંખીની આંખ નિશાન તરીકે રાખી હતી. બધા શિષ્યો વૃક્ષ, પાંદડાં, ડાળીઓ કે પંખીના શરીર વિશે કહેતા રહ્યા, પરંતુ અર્જુને સ્પષ્ટપણે જણાવ્યું કે તેને માત્ર પંખીની આંખ જ દેખાય છે. એ જ ક્ષણે દ્રોણાચાર્યે જાહેર કર્યું કે સાચો યોદ્ધા એ છે જે પોતાના લક્ષ્ય પર જ એકાગ્ર રહે છે.
આ પ્રસંગ આપણને શીખવે છે કે નેતૃત્વમાં કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, સફળ થવા માટે વિક્ષેપોથી દૂર રહીને પોતાના લક્ષ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
આજના સમયમાં આ તત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાત્મા ગાંધી છે, જેમણે અહિંસા અને સત્યના લક્ષ્ય પર જીવનભર એકાગ્રતા રાખી અને ભારતની સ્વતંત્રતા માટેનો માર્ગ સુગમ કર્યો. તેમના સામે અનેક વિરોધ, હિંસા અને કટોકટી આવી, પરંતુ તેમણે પોતાનું ધ્યાન કદી લથડવા નહોતું દીધું.
આ જ રીતે આધુનિક વ્યાપાર જગતમાં સ્ટીવ જોબ્સનું ઉદાહરણ પ્રખ્યાત છે, જેમણે એપલ કંપની માટે એક દ્રષ્ટિ રાખી અને પોતાના લક્ષ્ય પર એકાગ્ર રહેતાં નવીનતા લાવી, જેના પરિણામે ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાઈ.
ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકરનું જીવન પણ એ જ પાઠ આપે છે. નાની વયથી જ ક્રિકેટને જીવનનું લક્ષ્ય માનીને તેમણે અઢળક મહેનત કરી, પોતાની એકાગ્રતા જાળવી રાખી અને વિશ્વમાં ‘ક્રિકેટના ભગવાન’ તરીકે માન્યતા મેળવી.
બીજી તરફ, જ્યાં લક્ષ્ય પર એકાગ્રતા ન રહે, ત્યાં નેતૃત્વ ડગમગી જાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક રાજકીય નેતાઓ કે ઉદ્યોગપતિઓ ટૂંકાગાળાના લાભ કે લાલચ તરફ આકર્ષાઈને મૂળ ધ્યેયથી વિમુખ થઈ જાય છે, જેના કારણે લાંબા ગાળે તેઓ સફળતા ગુમાવે છે.
સંચાલનશાસ્ત્રમાં પણ આ જ સિદ્ધાંત માન્ય છે. સ્પષ્ટ વિઝન અને તેના પર એકાગ્રતા વિના સંસ્થા વિકસતી નથી. વિઝનરી નેતાઓ પોતાના સંગઠનને એકજ દિશામાં દોરે છે અને તે માટે ટીમને પ્રેરણા આપે છે.
કુટુંબ કે વ્યક્તિગત જીવનમાં પણ, જો આપણે નાના-નાના વિક્ષેપોને અવગણીને મુખ્ય લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો સફળતા નિશ્ચિત બને છે. અર્જુનનો પંખીની આંખ પર એકાગ્રતાનો પાઠ આજના ઝડપી બદલાતા યુગમાં પણ એટલો જ પ્રાસંગિક છે, કારણ કે માહિતી અને વિકલ્પોની ભરમાર વચ્ચે જે વ્યક્તિ કે નેતા પોતાના ધ્યેયને સ્પષ્ટ રીતે ઓળખી તેના પર સતત પ્રયત્નશીલ રહે છે, એ જ જીવનમાં સાચી સફળતા મેળવે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)