
ચિંતામુક્ત જીવન: સુખની અસલ ચાવી
મારા વરિષ્ઠ સહયોગી શ્રીમતી ફોરમ શાહ એક દિવસ આવીને મને કહેવા લાગ્યાં, “સર, તમે નવા ક્લાયન્ટ શ્રી અને
શ્રીમતી રેગે સાથે વાત કરી શકશો? તેઓ પોતાની સંપત્તિ વિશે વધુપડતી ચિંતા કરે છે.”
છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ કે લોકોમાં પૈસા, સંપત્તિ, વગેરે વિશેની ચિંતા ઘણી વધતી જાય છે. ખરું પૂછો તો અમારી ઑફિસમાં અમે હવે એવું કહેવા લાગ્યા છીએ કે નાણાકીય આયોજન ખરેખર નાણાંનું નહીં, માનસિકતાનું આયોજન છે.
સૌ જાણે છે, છતાં અહીં ફરી કહેવાનું કે ચિંતાથી ક્યારેય કોઈ સમસ્યા હલ થતી નથી. તેનાથી લાંબા ગાળે તબિયતને નુકસાન થાય છે. આ વિષયે કબીરનો એક દુહો નોંધનીય છેઃ
चिंता से चतुराई घटे, घटे रूप रंग ज्ञान;
चिंता बड़ी अभागनी, चिंता चिता समान
આપણામાં પણ ચિંતાને ચિતા સમાન કહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ એક વખત કહ્યું હતું, “ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એક વર્ષ પહેલાં તમે શેની ચિંતા કરતા હતા એ યાદ પણ નહીં આવે.“

એવું દૃઢપણે કહેવાય છે કે જેમને ભગવાનમાં શ્રદ્ધા નથી હોતી એ જ લોકો ચિંતા કરતા હોય છે.
આજકાલના યુવાનો ઝડપથી પૈસા કમાઈ લેવા માગતા હોય છે; એમને ધીરજ હોતી નથી. જો તેઓ અત્યારે ધન નહીં કમાય તો ક્યારે કમાશે અને ક્યારે મોજમજા કરશે. આ વિચારસરણીને લીધે જીવન ઊંધા રવાડે ચડી જાય છે, આરોગ્યને નુકસાન થાય છે અને બીજી પણ સમસ્યાઓ સર્જાય છે. પૈસાની પાછળ દોડવાથી કોઈ સમસ્યા હલ થતી નથી. સંપત્તિનું સર્જન કરવું જ જોઈએ અને ભૌતિક જીવનનો આનંદ પણ માણવો જોઈએ, પરંતુ જો એમ કરતી વખતે ચિંતા, અસલામતી, લઘુતાગ્રંથિ અનુભવાય તો એ કમાણીનો કોઈ અર્થ નથી.
અમે ઘણા ક્લાયન્ટ્સમાં જોયું છે કે પૈસા વિશે ચિંતા કરવાનો એમનો સ્વભાવ બની ગયો છે. સામાન્ય જીવન જીવવા માટે પૂરતું રોકાણ હોવા છતાં અને પોતાનાં નાણાકીય લક્ષ્યોમાંથી મોટાભાગનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું શક્ય હોવા છતાં તેઓ પૈસાની ચિંતા કરતા હોય છે.
યોગિક વેલ્થ પ્રસન્ન જીવન જીવવાનું કહે છે. ચિંતા કરતાં રહીએ તો ધન શું, બીજી કોઈ વસ્તુનો આનંદ માણી શકાતો નથી. ભવિષ્યમાં કોઈ બનાવ બને અને કદાચ ન પણ બને. આ અનિશ્ચિતતાને લીધે પરેશાની થાય છે, પરંતુ હકીકતમાં જીવનમાં કંઈ જ નિશ્ચિત હોતું નથી. આથી જ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક ક્રમાંક 47માં ભગવાન કૃષ્ણે કહ્યું છેઃ
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||
આડકતરી રીતે કૃષ્ણે કહ્યું છે કે અત્યારે જે કર્તવ્ય નિભાવવાનું છે એ નિભાવો અને ભવિષ્યની ચિંતા નહીં કરો. ભવિષ્ય આપણા હાથમાં નથી, જે કંઈ કરી શકાય એ વર્તમાનમાં જ કરી શકાય છે. આથી ભવિષ્યની ચિંતા કરવાને બદલે બધું ઈશ્વર પર છોડી દો. આપણા માટે જે સારું હશે એ એમણે નક્કી કરી રાખ્યું છે.

પૈસા કે સંપત્તિની વાત આવે ત્યારે કહેવું ઘટે કે આપણે ચાદર પ્રમાણે જ સોડ તાણવી જોઈએ. પોતાની જવાબદારીઓ નિભાવવી, બચત કરવી અને રોકાણ કરવું.
કેટલાક લોકો મને પૂછતા હોય છે કે ભવિષ્યની ચિંતા કરવાની ન હોય તો ભવિષ્ય માટે બચત અને રોકાણ કરવાં કે નહીં? મારો જવાબ હોય છે, ભવિષ્ય માટે હાલ બચત પણ કરવી અને રોકાણ પણ કરવું. પોતાનું કર્મ કરતાં જાઓ, પણ ફળની આશા નહીં રાખો. સટ્ટો નહીં ખેલો અને ટૂંકા રસ્તે પૈસા કમાવાનું નહીં વિચારો.
ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 16.13 અને 16.14માં આસુરી વૃત્તિ ધરાવતી વ્યક્તિ વિશે કહેવાયું છે. આવી વ્યક્તિ હંમેશાં વિચારતી હોય છે કે મારી પાસે ઘણું ધન આવી ગયું હોવાથી હું મારી ઈચ્છાઓ પૂરી કરીશ. આ મારું છે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે મારી પાસે હશે.
ભવિષ્યમાં રાચતી વ્યક્તિ પોતાના માટે અને સમાજની અન્ય વ્યક્તિઓ માટે તકલીફો ઊભી કરતી હોય છે. વર્તમાનમાં જીવો, પૈસાની ચિંતા કરવાનું બંધ કરો. પ્રસન્નતા બક્ષતી યોગિક વેલ્થ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
ગીતકાર મનોજ શુક્લા જ્યારે ‘મનોજ મુંતશિર’ બન્યા!
ફિલ્મ ‘બાહુબલી’ ના સંવાદ લેખક અને ‘તેરી મિટ્ટી’ જેવા ગીતોના ગીતકાર તરીકે વધુ જાણીતા મનોજ મુંતશિરનું અસલ
નામ ‘મનોજ શુક્લા’ છે. એમણે ‘શુક્લા’ ને બદલે ‘મુંતશિર’ કેમ કર્યું એની વાત રસપ્રદ છે. 1997 ની સાલમાં શિયાળાની એક સાંજે મનોજ શુક્લા ચા પીવા નીકળ્યા હતા.
ઘણું ફર્યા પછી એક ટપરી દેખાઈ અને ચા માંગી. ચા બનતી હતી ત્યારે ત્યાં લટકાવેલા રેડિયો પર કવિ સંમેલન ચાલતું હતું. કાવ્ય સાહિત્યના શોખીન મનોજે રેડિયોનો અવાજ મોટો કરાવ્યો. એમાં એક શેર સાંભળ્યો. મુંતશિર હમ હૈ તો રૂખસાર પે શબનમ ક્યૂં હૈ, આઈને તૂટતે રહેતે હૈ તો તુમ્હે ગમ ક્યૂં હૈ.
મનોજે ‘મુંતશિર’ શબ્દ પહેલી વખત સાંભળ્યો ન હતો. તે એનો અર્થ જાણતા હતા કે તૂટેલું – વિખરાયેલું. ‘મુંતશિર’ શબ્દ સાંભળીને મનોજને થયું કે લાંબા સમયની ઉપનામની જે શોધ હતી એ અહીં પૂરી થઈ ગઈ છે. ઉર્દૂ શાયરી કરનારા ઉપનામ રાખતા હતા. અને ત્યારે મોટાભાગના કવિઓ ‘સાહિર’ કે ‘સાગર’ જેવા ઉપનામ વધુ રાખતા હતા. મનોજને એવું ઉપનામ જોઈતું હતું જે કોઈનું ના હોય. મનોજે પોતે ‘મનોજ મુંતશિર’ એવું બોલીને સાંભળ્યું. એનો જે ધ્વનિ સંભળાયો એ ગમી ગયો. અને નક્કી કરી લીધું કે આજથી તે ‘મનોજ મુંતશિર’ છે.

હવે ભોળા અને ખેડૂત પિતાને આ વાત કહેવાનું સરળ ન હતું. એ જાણતા હતા કે પુત્ર ફિલ્મોમાં ગીતો લખવા માંગે છે, કવિતા કરવા માંગે છે. મનોજ દસમા ધોરણમાં હતો ત્યારથી જ પોતાની આ ઈચ્છા જણાવી દીધી હતી. પણ પિતા એને મહત્વ આપતા ન હતા. એ સમજતા હતા કે મનોજની આ ફાલતુ જીદ છે. ત્યારે એમના ઘરનું રીપેરીંગનું કામ ચાલતું હતું. ચા પીને મનોજ ઘરે ગયો અને પિતાને પૂછ્યું કે નેમ પ્લેટ હવે નવી જ બનશે ને? એમણે ‘હા’ કહ્યું. મનોજે કહ્યું કે એના પર મારું નામ લખાવી દો. એમણે હા પાડી દીધી અને નેમ પ્લેટ બનાવતા રામફેરને કહેવા કહી દીધું.
મનોજે નવી નેમ પ્લેટ બનાવીને લગાવી દીધી હતી. સવારે પિતા નેમ પ્લેટ પર ‘મનોજ મુંતશિર’ નામ જોઈને ગુસ્સે થઈ ગયા. તે પેઈન્ટર માટે કહેવા લાગ્યા કે એક કામ સરખું થતું નથી. નામ લખવામાં ભૂલ કરી દીધી. પિતાએ મનોજને બોલાવીને કહ્યું કે તારું નામ ખોટું લખી દીધું છે. રામફેરને કહે કે ફરી બનાવી આપે. આપણે તો સાચું નામ આપ્યું હતું. મનોજે કહ્યું કે આ સાચું જ નામ છે. એમણે નામ વાંચ્યું અને મનોજે કહ્યું કે હું જ ‘મનોજ મુંતશિર’ છું! આ વાતથી એ નારાજ થઈ ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ એકબીજા સાથે વાત કરતું ન હતું.
એમને પહેલો વિચાર એ આવ્યો કે પુત્રએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. મનોજની માતાએ એમને સમજાવ્યા કે એણે પોતાની જાતિ કે ધર્મ બદલ્યા નથી. એ આજે પણ એ જ છે. એણે માત્ર ઉપનામ લગાવ્યું છે. ધીમે ધીમે પિતાને વાત સમજમાં આવી અને એમની નારાજગી દૂર થઈ હતી.
(ગીતકાર તરીકે મનોજને પહેલી ફિલ્મ મળી હતી એને થિયેટરમાં જોઈ ના શક્યા અને અમિતાભ સાથેની પહેલી મુલાકાત કેવી રહી હતી એની અજાણી અને રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)
ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે શપથવિધિ પછી તરત જ સ્વર્ણિમ સંકુલ-1ના કેબિનેટ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી રહી છે.
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં શ્રી હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્ય મંત્રીમંડળના અન્ય પદનામિત સભ્યશ્રીઓને મંત્રીપદ માટે… pic.twitter.com/GGDHzZazIh
— CMO Gujarat (@CMOGuj) October 17, 2025
મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ (સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.)
નાયબ મુખ્યમંત્રી : હર્ષ સંઘવી (ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન)
કેબિનેટ મંત્રી
-ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો.)
– જીતુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન.)
– કુંવરજી બાવળિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ.)
– કનુ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ)
– નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ.)
– અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી.)
– ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.)
– રમણ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.)
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
-ઈશ્વર પટેલ (પાણી પુરવઠા અને જળસંપત્તિ)
-પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
-મનીષા વકીલ (મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા)
રાજ્ય કક્ષાના મંત્રી
– પરસોત્તમ સોલંકી (મત્સ્યોદ્યોગ)
– કાંતિલાલ અમૃતિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
– રમેશ કટારા (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન)
– દર્શના વાઘેલા (શહેરી વિકાસ આવાસ)
– કૌશિક વેકરિયા (કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો)
– પ્રવીણ માળી (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન)
– જયરામ ગામિત (રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું – ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન)
– ત્રિકમ છાંગા (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)
– કમલેશ પટેલ (નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ)
– સંજયસિંહ મહિડા (મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ)
– પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો)
– સ્વરૂપજી ઠાકોર (ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ)
– રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)
બેઠકમાં રાજ્ય સરકારના અભિગમ અંગે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા
ખાતાની ફાળવણી બાદ ગુજરાતના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમાં થયેલી ચર્ચા અને કાર્યવાહીની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘બેઠકમાં નવા મંત્રીમંડળના સભ્યોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેમને લોકોના સમાજ ઉપયોગી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાના એટલે કે વિકાસલક્ષી કામગીરી કરવાના હેતુથી કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકારના અભિગમ અંગે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા પૂર્વ મંત્રીઓએ કરેલી કામગીરી બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.
આગામી મહત્ત્વના કાર્યક્રમો પર પણ ચર્ચા થઈ
નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં આગામી મહત્ત્વના કાર્યક્રમો પર પણ ચર્ચા થઈ હતી. જેમાં 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર એકતા પરેડના આયોજનની સમીક્ષા કરવામાં આવી. આ એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ સાથે 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે લીલી ઝંડી મળવા બદલ પણ સરકારને અભિનંદન આપવામાં આવ્યા. આમ, પ્રથમ કેબિનેટ બેઠક નવા મંત્રીઓને માર્ગદર્શન આપવા, પૂર્વ મંત્રીઓનો આભાર માનવા અને આગામી મુખ્ય આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરવાના મુદ્દાઓ સાથે સમાપ્ત થઈ હતી.
રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે.
મોદી ટ્રમ્પથી ડરતા નથી… અમેરિકન ગાયિકાનો રાહુલ ગાંધી પર કટાક્ષ
અમેરિકન ગાયિકા મેરી મિલબેનએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. તેમણે પીએમ મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. વધુમાં, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસના નેતા પાસે વડા પ્રધાન બનવાની લાયકાતનો અભાવ છે. અમેરિકન ગાયિકા મેરી મિલબેનની આ ટિપ્પણી રાહુલ ગાંધી દ્વારા એક પોસ્ટમાં પીએમ મોદી પર ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યાના એક દિવસ પછી આવી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિર્ણય લેવા અને જાહેરાત કરવા દે છે કે ભારત રશિયન તેલ ખરીદશે નહીં.
You are wrong, @RahulGandhi.
PM @narendramodi is not afraid of President Trump. PM Modi understands the long game and his diplomacy with the U.S. is strategic. Just as @POTUS will always put America’s interests first, so will PM Modi do what is best for India. And I applaud that.… https://t.co/4p0HNRCAv2— Mary Millben (@MaryMillben) October 17, 2025
અમેરિકન ગાયિકાએ રાહુલ ગાંધીની પોસ્ટ વિશે શું કહ્યું?
પીએમ મોદી વિશે રાહુલ ગાંધીની પોસ્ટ અંગે, અમેરિકન ગાયિકાએ કહ્યું, રાહુલ ગાંધી, તમે ખોટા છો. પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પથી ડરતા નથી. પીએમ મોદી લાંબા ગાળાની વ્યૂહરચના સમજે છે અને અમેરિકા સાથે રાજદ્વારી વ્યૂહરચના ધરાવે છે. જેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અમેરિકાના હિતોને પ્રથમ રાખે છે, તેમ પીએમ મોદી પણ દેશને પ્રથમ રાખે છે. પીએમ મોદી એ જ કરશે જે ભારત માટે શ્રેષ્ઠ છે. હું આની પ્રશંસા કરું છું.
PM Modi is frightened of Trump.
1. Allows Trump to decide and announce that India will not buy Russian oil.
2. Keeps sending congratulatory messages despite repeated snubs.
3. Canceled the Finance Minister’s visit to America.
4. Skipped Sharm el-Sheikh.
5. Doesn’t contradict him…— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2025
પોતાની પોસ્ટમાં, અમેરિકન ગાયિકાએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા તે જ કરે છે જે તેમના દેશ માટે યોગ્ય છે. તેણીએ કહ્યું કે તેણીને રાહુલ ગાંધી ક્યારેય આ સમજશે તેવી અપેક્ષા નથી. ગાયિકાએ કહ્યું, હું અપેક્ષા રાખતી નથી કે તમે આ પ્રકારના નેતૃત્વને સમજો કારણ કે તમારી પાસે ભારતના પીએમ બનવાની કુશળતા નથી.
અમેરિકન ગાયિકા મિલબેન હંમેશા પીએમ મોદીની ચાહક રહી છે. તે એક કલાકાર અને સાંસ્કૃતિક રાજદૂત છે. તે જૂન 2023 માં પીએમ મોદીને મળી હતી, જ્યારે તેઓ અમેરિકાની મુલાકાતે હતા. તે દરમિયાન, તેણીએ રોનાલ્ડ ભવનમાં ભારતીય રાષ્ટ્રગીત ગાયું. ત્યારબાદ, તેણીએ પીએમ મોદીના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા.
‘હિન્દુ છોકરીઓએ જીમમાં ન જવું જોઈએ, ઘરે…,’ BJP નેતાનું વિવાદાસ્પદ નિવેદન
ભાજપના ધારાસભ્ય પહેલા પણ વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન તેમના સમર્થકો એનસીપીના એક નેતા સાથે અથડાયા હતા, જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. બંને નેતાઓના સમર્થકોને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે છોકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે છોકરીઓએ જીમમાં ન જવું જોઈએ; તેમણે ઘરની અંદર યોગ કરવો જોઈએ. તેમણે ભાર મૂક્યો કે આપણે હિન્દુ છોકરીઓને નિશાન બનાવતી આવી પ્રવૃત્તિઓને રોકવા માટે સામૂહિક રીતે પ્રતિકાર વ્યવસ્થા બનાવવી જોઈએ. ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી કે જીમ ટ્રેનર્સ છોકરીઓને તેમના જાળમાં ફસાવી શકે છે.
ભાજપના ધારાસભ્યએ કહ્યું,’હું અહીંની દીકરીઓને પણ અપીલ કરવા માંગુ છું. કૃપા કરીને આને સ્પષ્ટ રીતે સમજો અને ગેરમાર્ગે ન દોરો. હિન્દુઓ કહે છે કે,’આપણી ભાભીનો દીકરો આવો છે, આવો છે’; એવું નથી. યુવાન દીકરીઓ, જ્યારે તમે જીમમાં જાઓ છો ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખો. એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ટ્રેનર કોણ છે? ઘરે યોગ કરો. જીમમાં જવાની શું જરૂર છે? આ લોકો તમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રમતગમતમાં તમારી સામે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.”
ધારાસભ્યના નિવેદનનો વિરોધ
ઘણા લોકો ભાજપના ધારાસભ્યના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓ તેને સાંપ્રદાયિકતા અને મહિલા સ્વતંત્રતા સાથે જોડી રહ્યા છે. તેઓ કહે છે કે મહિલાઓને ઘરની અંદર બધું કરવા માટે દબાણ કરી શકાતું નથી. તે જ સમયે, ધારાસભ્ય પર જીમમાં તાલીમ લેનારાઓ સામે નફરત ફેલાવવાનો અને તેને સાંપ્રદાયિક વળાંક આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પડલકર પહેલા પણ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન, 17 જુલાઈના રોજ વિધાનસભા ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર NCP નેતા જિતેન્દ્ર આવ્હાડ અને ગોપીનાથ પડલકરના સમર્થકો વચ્ચે ઝઘડો થયો હતો. આ પહેલા 16 જુલાઈના રોજ બંને ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે સંસદીય શિષ્ટાચાર, આચરણ અને સંદેશાવ્યવહાર જાળવવો એ દરેકની જવાબદારી છે. પડલકર અને આવ્હાડે તેમના સમર્થકો વચ્ચે થયેલા ઝઘડા પર વિધાનસભામાં દુ:ખ વ્યક્ત કર્યું.
જર્મન, ઓસ્ટ્રિયન કંપનીઓએ ગિફ્ટ સિટીમાં બિઝનેસ માટે રસ દર્શાવ્યો
ગાંધીનગરઃ ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડનાં અગ્રણી સંસ્થાનોએ ગત સપ્તાહે ગિફ્ટ સિટીના MD તથા ગ્રુપ CEO સંજય કૌલના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રિયા અને જર્મનીમાં યોજાયેલા ઉચ્ચ સ્તરના રોડ-શોમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં બિઝનેસની તકો શોધવા માટે મજબૂત રસ દર્શાવ્યો છે. ગિફ્ટ સિટીએ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) અને રાષ્ટ્રીય મહત્ત્વનો પ્રોજેક્ટ છે.
આ મુલાકાત ગિફ્ટ સિટીના વૈશ્વિક જોડાણને ગહન બનાવવામાં અને તેની નાણાકીય સેવાઓ, ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ (GCC) તથા આર એન્ડ ડી સંચાલિત નવીનતાઓ માટેના પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. જર્મની અને ઓસ્ટ્રિયા બંને દેશોનાં સંસ્થાનોએ IFSC તરીકે ગિફ્ટ સિટીના સ્ટેટસ, તેના પ્રગતિશીલ નિયમનકારી માળખા, નીતિવિષયક પ્રોત્સાહનો તથા સેન્ટર ઓફ એક્સિલન્સ, ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ, આરએન્ડડી સુવિધાઓ તથા રિસ્ક મેનેજમેન્ટ કામગીરીઓ સ્થાપવા માટે કુશળ કર્મચારીઓનો લાભ લેવામાં ઊંડો રસ દર્શાવ્યો છે.
ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે Infineon Technologies, Siemens Financial Services, Allianz Partners, Munich Re, Mutares SE & Co. KGaA, Knorr-Bremse, Start2 Group અને અન્ય સંસ્થાનોનાના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ હાથ ધરી હતી.
ગિફ્ટ સિટીએ ઝડપ, વિસ્તરણ અને નિયમનકારી સ્પષ્ટતા ઇચ્છતા વૈશ્વિક સંસ્થાનો માટે વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ઊભરી રહી છે. જર્મની અને ઓસ્ટ્રિયામાં અમારી વાતચીતે દ્વિપક્ષી વ્યાવસાયિક સંબંધોને વિસ્તારવા અને ફાઇનાન્સ, ટેક્નોલોજી તથા ઇનોવેશનમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતી કામગીરી માટે ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો લાભ લેવા માટે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી, એમ કૌલે જણાવ્યું હતું.
આ મુલાકાતમાં કૌલે ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષોની ઉજવણીના પ્રસંગે મ્યુનિકમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક વિશેષ સમારંભમાં 60થી વધુ જર્મની બિઝનેસ લીડર્સને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બંને દેશો વચ્ચે ઔદ્યોગિક અને નાણાંકીય સહયોગ માટે વ્યાપક અવકાશ રજૂ કરવામાં આવ્યો હતો. ગિફ્ટ સિટીએ ભારતમાં કામગીરી સ્થાપવા માટે જર્મન કંપનીઓ માટે લાભદાયક તકો રજૂ કરી હતી.
ઓસ્ટ્રિયામાં ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે 39મા Alpbacher Finanzsymposium માં ભાગ લીધો. આ અગ્રણી ફાઇનાન્શિયલ કોન્ફરન્સમાં ઓસ્ટ્રિયન, જર્મન અને સ્વિસ કંપનીઓના CFO, CEO અને ટ્રેઝરર સહિત 400થી વધુ વરિષ્ઠ બિઝનેસ લીડર્સે હાજરી આપી હતી.આ સફળ રોડ શોએ દેશના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યાવસાયિક કેન્દ્ર તરીકે ગિફ્ટ સિટીના વધતા કદની પુનઃપુષ્ટિ કરી હતી, જે વૈશ્વિક બજારોને જોડે છે, સીમા પારના સહયોગને પ્રોત્સાહન આપે છે અને નવીનતા-આધારિત વૃદ્ધિના હવે પછીના તબક્કાને આગળ ધપાવે છે.
સુરતમાં એનેસ્થેસિયા દિવસની અનોખી ઉજવણી
સુરત: એનેસ્થોલોજિસ્ટ એસોસિએશન અને આઈ.એસ.એ. સુરત સીટી બ્રાન્ચ દ્વારા અડાજણ ખાતે એક રેસ્ટોરેન્ટમાં એનેસ્થેસિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણી અંતર્ગત તબીબો એનેસ્થેસિયા વિશે પ્રાચીન અને આધુનિક જાણકારી મેળવી શકે એ રીતે પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આધુનિક સારવાર પદ્ધતિથી સૌને પાવર પ્રેઝન્ટેશનથી વાકેફ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્વિઝ માધ્યમથી પ્રાચીન એનેસ્થેસિયા પદ્ધતિથી રસપ્રદ શૈલીમાં સૌને માહિતી પીરસવામાં આવી. જેમાં જૂના એ સમયના સાધનોના ચિત્રો અને વ્યક્તિઓ બતાવીને ઓળખ માટે સ્પર્ધાનો માહોલ બનાવાયો હતો.
ચાર ટુકડીમાં વહેંચાયેલા તબીબોએ રમતની મજા સાથે જ્ઞાનનું ભાથું બાંધ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ડો ધૈર્ય પંડિત, ડો ધવલ પટેલ, ઓનરરી સેકેટરી; ડો ધ્રુવા સવાણી, આઈ.પી.પી.; ડો કિશોર રૂપાણી, વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રેઝરર; ડો દિનેશ ઘોઘારીએ હાજરી આપી હતી. સાથે સાયન્ટિફિક કમિટીના ડો. પરેશ કોઠારી, ડો. જતીન પ્રેસવાળા પણ હાજર રહ્યાં હતા.
(અરવિંદ ગોંડલિયા- સૂરત)
સંવત 2081માં સ્મોલકેપ ફસક્યા, નિફ્ટીએ આપ્યું સિંગલ ડિજિટ રિટર્ન
અમદાવાદઃ સંવત 2081 ભારતીય શેરબજાર માટે ખાસ કરીને સ્મોલકેપ શેરોના દ્રષ્ટિકોણથી નિરાશાજનક રહ્યું. BSE સ્મોલકેપ ઇન્ડેક્સે છ વર્ષમાં પ્રથમ વખત નકારાત્મક રિટર્ન નોંધાવ્યું છે. સંવત 2081માં આ ઇન્ડેક્સ 3.1 ટકા ઘટ્યો છે. તેની સામે નિફ્ટી 50 અને BSE સેન્સેક્સે અનુક્રમે 6.3 ટકા અને 5.8 ટકા જેટલો નાનો વધારો નોંધાવ્યો છે. આ પહેલાં સંવત 2074 અને 2075માં સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 15.5 ટકા અને 8.8 ટકા તૂટ્યો હતો.
મિડકેપ શેરોએ સ્થિતિ સંભાળી
BSE મિડકેપ ઇન્ડેક્સે આ વખતે એક ટકાનું નજીવું રિટર્ન આપ્યું છે. જોકે છેલ્લાં બે સંવત વર્ષોમાં તેમાં અનુક્રમે 41 ટકા અને 31 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ગૌરાંગ શાહના જણાવ્યા મુજબ આ સંવતમાં રોકાણકારોનું ધ્યાન મોટે ભાગે લાર્જકેપ અને મિડકેપ શેરો પર રહ્યું. સ્મોલકેપ શેરો માટે સપ્ટેમ્બર, 2025ની ત્રિમાસિક (Q2 FY26) કમાણીનાં પરિણામો અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો આવકમાં સુધારો ચાલુ રહ્યો તો ચોક્કસ શેરો અને સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે.
DIIsએ વધાર્યું રોકાણ, FIIsએ ઉપાડ કર્યો
સંવત 2081માં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ (DIIs) શેરબજારમાં આશરે રૂ. 4.7 લાખ કરોડનું રોકાણ કર્યું. જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPIs) રૂ. 1.53 લાખ કરોડ પરત કર્યા. DIIsમાં મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેન્શન ફંડ્સ સામેલ છે.
એલારા કેપિટલના અહેવાલ અનુસાર વિદેશી રોકાણકારોની ભારતીય ઇક્વિટી માર્કેટમાં હિસ્સો હજી ઐતિહાસિક સરેરાશથી ઓછો છે. નિફ્ટી 50માં FIIનો હિસ્સો ડિસેમ્બર, 2020ના 28 ટકામાંથી ઘટીને જૂન, 2025માં 25 ટકા થયો છે, જ્યારે નિફ્ટી 500માં તે 23 ટકામાંથી ઘટીને આશરે 20 ટકા પર આવી ગયો છે.
સેક્ટરોની વાત કરીએ તો ઓટોમોબાઇલ, મેટલ અને PSU બેન્કિંગ શેરોએ સતત ચોથા સંવતમાં સારું પ્રદર્શન કર્યું છે. સંવત 2081માં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 16 ટકા, નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સમાં 14 ટકા અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 10 ટકાનો વધારો થયો. તેના વિપરીત નિફ્ટી IT, FMCG અને એનર્જી ઇન્ડેક્સમાં 8 ટકાથી 12 ટકા સુધીની ઘટાડો નોંધાયો હતો.


