Home Blog Page 525

સંવત 2081માં સ્મોલકેપ ફસક્યા, નિફ્ટીએ આપ્યું સિંગલ ડિજિટ રિટર્ન

અમદાવાદઃ સંવત 2081 ભારતીય શેરબજાર માટે ખાસ કરીને સ્મોલકેપ શેરોના દ્રષ્ટિકોણથી નિરાશાજનક રહ્યું. BSE સ્મોલકેપ ઇન્ડેક્સે છ વર્ષમાં પ્રથમ વખત નકારાત્મક રિટર્ન નોંધાવ્યું છે. સંવત 2081માં આ ઇન્ડેક્સ 3.1 ટકા ઘટ્યો છે. તેની સામે નિફ્ટી 50 અને BSE સેન્સેક્સે અનુક્રમે 6.3 ટકા અને 5.8 ટકા જેટલો નાનો વધારો નોંધાવ્યો છે. આ પહેલાં સંવત 2074 અને 2075માં સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 15.5 ટકા અને 8.8 ટકા તૂટ્યો હતો.

મિડકેપ શેરોએ સ્થિતિ સંભાળી

BSE મિડકેપ ઇન્ડેક્સે આ વખતે એક ટકાનું નજીવું રિટર્ન આપ્યું છે. જોકે છેલ્લાં બે સંવત વર્ષોમાં તેમાં અનુક્રમે 41 ટકા અને 31 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ગૌરાંગ શાહના જણાવ્યા મુજબ આ સંવતમાં રોકાણકારોનું ધ્યાન મોટે ભાગે લાર્જકેપ અને મિડકેપ શેરો પર રહ્યું. સ્મોલકેપ શેરો માટે સપ્ટેમ્બર, 2025ની ત્રિમાસિક (Q2 FY26) કમાણીનાં પરિણામો અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો આવકમાં સુધારો ચાલુ રહ્યો તો ચોક્કસ શેરો અને સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે.

DIIsએ વધાર્યું રોકાણ, FIIsએ ઉપાડ કર્યો

સંવત 2081માં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ (DIIs) શેરબજારમાં આશરે રૂ. 4.7 લાખ કરોડનું રોકાણ કર્યું. જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPIs) રૂ. 1.53 લાખ કરોડ પરત કર્યા. DIIsમાં મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેન્શન ફંડ્સ સામેલ છે.

એલારા કેપિટલના અહેવાલ અનુસાર વિદેશી રોકાણકારોની ભારતીય ઇક્વિટી માર્કેટમાં હિસ્સો હજી ઐતિહાસિક સરેરાશથી ઓછો છે. નિફ્ટી 50માં FIIનો હિસ્સો ડિસેમ્બર, 2020ના 28 ટકામાંથી ઘટીને જૂન, 2025માં 25 ટકા થયો છે, જ્યારે નિફ્ટી 500માં તે 23 ટકામાંથી ઘટીને આશરે 20 ટકા પર આવી ગયો છે.

સેક્ટરોની વાત કરીએ તો ઓટોમોબાઇલ, મેટલ અને PSU બેન્કિંગ શેરોએ સતત ચોથા સંવતમાં સારું પ્રદર્શન કર્યું છે. સંવત 2081માં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 16 ટકા, નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સમાં 14 ટકા અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 10 ટકાનો વધારો થયો. તેના વિપરીત નિફ્ટી IT, FMCG અને એનર્જી ઇન્ડેક્સમાં 8 ટકાથી 12 ટકા સુધીની ઘટાડો નોંધાયો હતો.

પોતાની છબી અને ઓળખને સુરક્ષિત રાખવ માટે સ્ટાર્સે કરી પહેલ

AI ના ઉપયોગથી લોકોના અવાજો અને ચહેરાઓ સાથે ચેડા અને નકલ કરવાનું જોખમ વધી ગયું છે. ચૂંટણીની મોસમ દરમિયાન ફિલ્મ સ્ટાર્સને ઘણીવાર નકલી જાહેરાતોમાં અથવા કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરવામાં બતાવવામાં આવે છે. ઘણા ફિલ્મ સ્ટાર્સે તેમના વ્યક્તિત્વ પ્રતીકોનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે.

ટેકનોલોજી અને ઇન્ટરનેટના ઉપયોગથી ઘણી સગવડતાઓ મળી છે. જોકે, તેનાથી અનેક ચિંતાઓ પણ ઉભી થઈ છે. AI જેવી ટેકનોલોજીએ કોઈના અવાજ, છબી અથવા અન્ય વ્યક્તિત્વ લક્ષણો સાથે છેડછાડનું જોખમ વધાર્યું છે. ક્યારેક આ ઉપયોગ નકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે. આવું ઘણીવાર ફિલ્મ સ્ટાર્સની છબી અને વ્યક્તિત્વ લક્ષણો સાથે થાય છે. ચૂંટણીની મોસમ દરમિયાન, ઘણા વીડિયો વાયરલ થયા હતા જેમાં ફિલ્મ કલાકારોને કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતા દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે છબીની હેરાફેરીનો મુદ્દો ઉભો થયો, ત્યારે ફિલ્મ સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરી હતી કે વાયરલ વીડિયો સાથે તેમનો કોઈ સંબંધ નથી અને તે તકનીકી હેરાફેરી પર આધારિત છે. આવા દુરુપયોગને રોકવા માટે, ઘણા સ્ટાર્સે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.

આ સ્ટાર્સે કોર્ટનો સંપર્ક કર્યો

અભિષેક બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય, ઋતિક રોશન, કરણ જોહર, અક્ષય કુમાર, કુમાર સાનુ અને અક્કીનેની નાગાર્જુન સુધી, અસંખ્ય સેલિબ્રિટીઓએ તેમના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે AI ટેકનોલોજી ડીપફેક વીડિયોનું જોખમ વધારી રહી છે, જે તેમની છબી પર નકારાત્મક અસર કરી રહી છે. આ સેલિબ્રિટીઓની અરજીઓ બાદ, કોર્ટે ડીપફેક અને મોર્ફ કરેલી છબીઓના વધતા વ્યાપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે આ મામલે ઘણી સેલિબ્રિટીઓને રાહત આપી છે, તેમને વ્યક્તિત્વ અધિકારો આપ્યા છે.

તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે કઈંક એવું બન્યુ છે. અભિનેતાનો એક AI-જનરેટેડ વીડિયો, જેમાં તેમને મહર્ષિ વાલ્મીકિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયો ઝડપથી વાયરલ થયો, જેના કારણે અભિનેતાએ પોતે પગલાં લીધા. તેમણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે કડક વલણ અપનાવ્યું અને આ વીડિયોને “ગંભીર રીતે ખલેલ પહોંચાડનાર અને જાહેર હિતની વિરુદ્ધ” ગણાવીને તેને તમામ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો. તેવી જ રીતે, રશ્મિકા મંદન્નાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અભિનેત્રીનો ચહેરો કોઈ બીજાના શરીર પર લગાવવામાં આવ્યો હતો. રશ્મિકાએ ફરિયાદ નોંધાવી, પરંતુ પાછળથી તે વીડિયો નકલી હોવાનું જાણવા મળ્યું. તેવી જ રીતે, આમિર ખાન અને રણવીર સિંહના ડીપફેક વીડિયો પણ વાયરલ થયા, જેમાં તેમને રાજકીય પક્ષનો પ્રચાર કરતા અને મતો માટે અપીલ કરતા દર્શાવવામાં આવ્યા હતા.

વ્યક્તિત્વ અધિકારો શું છે?

AI અથવા અન્ય ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કોઈના અવાજ, ચહેરો અથવા અન્ય વ્યક્તિત્વ લક્ષણોનું ડુપ્લિકેટ બનાવવું અતિ સરળ અને સહેલું બની ગયું છે. કોઈપણ વ્યક્તિ ખોટી રીતે બ્રાન્ડની જાહેરાત કરીને અથવા કોઈ મુદ્દાની તરફેણમાં કે વિરુદ્ધ બોલી શકે છે. ટેકનોલોજી દ્વારા તેમના વ્યક્તિત્વ લક્ષણો સાથે છેડછાડ ન થાય તેની ખાતરી કરવી એ એક અધિકાર છે, ખાસ કરીને તેમની જાણ વગર. સેલિબ્રિટીઓએ આ વ્યક્તિત્વ અધિકાર માટે કોર્ટમાં અપીલ કરી છે, કારણ કે જાહેર વ્યક્તિઓ હોવાથી તેઓ સરળ નિશાન બને છે. તેમની અરજીમાં, સ્ટાર્સે જણાવ્યું છે કે તેમની છબી, અવાજ, ચહેરો, શૈલી અથવા અન્ય વ્યક્તિગત ઓળખનો કોઈપણ રીતે ઉપયોગ થવો જોઈએ નહીં. જો કોઈ તેમના વ્યક્તિત્વ લક્ષણો સાથે છેડછાડ કરતા જોવા મળશે, તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, વ્યક્તિત્વ અધિકારો એ વ્યક્તિત્વના દરેક પાસાઓ પર નિયંત્રણ રાખવાનો અધિકાર છે. જો કોઈ આ લક્ષણો સાથે છેડછાડ કરે છે, તો તે ફોજદારી ગુનો બને છે.

નકલી IAS અધિકારીએ 150 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી

લખનૌઃ શહેરમાંથી પોલીસે નકલી IAS અધિકારીની ધરપકડ કરી છે. આ આરોપીનું નામ ડો. વિવેક મિશ્રા છે, જેને કામતા બસ સ્ટેશન પરથી લખનૌ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોને લગભગ 80 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. છેલ્લાં છ વર્ષથી CID તેની શોધમાં હતી અને હવે સફળતા મળી છે.

કરોડોની છેતરપિંડી?

પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ મિશ્રાએ વર્ષ 2019માં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે જૂન, 2018માં કેટલાંક સગાંઓ મારફતે તેમની મુલાકાત વિવેક સાથે થઈ હતી. તેણે પોતાને 2014 બેચનો IAS અધિકારી ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ગુજરાત સરકારમાં મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. વિશ્વાસ જીતવા માટે તેણે પોતાની બહેનોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેની બહેનો ગુજરાતમાં IPS અધિકારી છે.

સોશિયલ મિડિયા બન્યું હથિયાર

લખનૌ પોલીસની તપાસ બાદ ખૂલ્યું હતું કે આરોપીએ સોશિયલ મિડિયા અને વોટ્સએપ પર પોતાની અનેક નકલી પ્રોફાઇલ બનાવી હતી. યુવતીઓને લગ્નનો પ્રસ્તાવ આપીને તે તેમના પરિવાર સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેણે ઘણી વાર હાલ સેવા આપતા IAS અને IPS અધિકારીઓનાં નામનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો.પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી?

હાલ લખનૌ પોલીસ આરોપીના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે અને તેના ડિજિટલ રેકોર્ડ્સને પણ શોધી રહી છે. આ કોઈ પહેલી વાર નથી જ્યારે આવી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફક્ત રાજ્ય બદલાય છે, આરોપી અલગ હોય છે, પરંતુ ગુનો એ જ મોડસ ઓપરંડીથી અંજામ આપવામાં આવે છે. હાલના સમયમાં ફક્ત નકલી અધિકારી બનીને જ નહીં, પણ “ડિજિટલ અરેસ્ટ” જેવા નવા પ્રકારના ફ્રોડ પણ ઝડપથી વધી રહ્યા છે.

છત્તીસગઢમાં 208 નક્સલીઓનું સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં આજે 208 નક્સલીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું હતું અને હવે તેઓ પુનર્વસનની પ્રક્રિયામાંથી પસાર થશે. બસ્તરના જગદલપુરમાં 208 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પોતાનાં હથિયારો નાખી દીધાં. તેમના હાથમાં ભારતના બંધારણની નકલ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આબુઝમાડનો મોટો ભાગ નક્સલ પ્રભાવથી મુક્ત થઈ જશે અને ઉત્તર બસ્તરમાં લાલ આતંકનો અંત આવશે. તેમણે કહ્યું હતું કે હવે ફક્ત દક્ષિણ બસ્તર જ બાકી છે.છત્તીસગઢના CM વિશ્વદેવ સાયએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તર બસ્તર અને આબુઝમાડ વિસ્તાર નક્સલ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે, જ્યારે દક્ષિણ બસ્તરમાં આ લડત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે 120 નક્સલી આત્મસમર્પણ માટે બિજાપુર પહોંચ્યા હતા, જ્યારે બુધવારે 50 નક્સલી કાંકેર જિલ્લામાં સરહદ સુરક્ષા દળ (BSF) ના કેમ્પમાં પહોંચ્યા હતા. આ તમામ 170 નક્સલી શુક્રવારે જગદલપુરમાં CM સાયની હાજરીમાં સત્તાવાર રીતે આત્મસમર્પણ કર્યું હતું.

છેલ્લા બે દિવસમાં 258 નક્સલીઓનું આત્મસમર્પણ

મુખ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 258 નક્સલીઓના આત્મસમર્પણથી એ સાબિત થાય છે કે આજે બંદૂક નહીં, પરંતુ વિશ્વાસની શક્તિ જીતે છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં સાયએ લખ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 258 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જે એનું પ્રતીક છે કે હવે બંદૂક નહીં, વિશ્વાસની શક્તિ જીતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત આજે નક્સલવાદના અંતની દહેલીજ પર છે.

લાંચનો આરોપઃ DIG ભુલ્લરના ઘરેથી રૂ. સાત કરોડ રોકડા મળ્યા

મોહાલીઃ પંજાબ પોલીસના એક મોટા અધિકારી પર ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કડક કાર્યવાહી કરી છે. રૂપનગર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને CBIએ લાંચ લેવાના કેસમાં રંગે હાથ ઝડપી લીધા છે. ધરપકડ બાદ CBIએ તેમના મોહાલી સ્થિત ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  તેમના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત થઈ છે. હાલ નોટોની ગણતરી ચાલુ છે અને CBI આ મામલે નજીકથી નજર રાખી રહી છે.

વ્યવસાયીએ કરી હતી ફરિયાદ

આ આખી કાર્યવાહી એક સ્ક્રેપ ડીલરની ફરિયાદ પરથી શરૂ થઈ હતી. આ ફરિયાદ 11 ઓક્ટોબરે ચંડીગઢ સ્થિત CBI કચેરીમાં નોંધવામાં આવી હતી. વ્યવસાયીનો આક્ષેપ હતો કે DIG ભુલ્લર તેને ધમકાવીને લાંચ માગતા હતા. એની ફરિયાદ અનુસાર ભુલ્લરે તે વ્યવસાયી વિરુદ્ધ ખોટો કેસ નોંધાવ્યો હતો અને તે કેસ રદ કરવા માટે રૂ. આઠ લાખની માગ કરી હતી. આ જ ફરિયાદને આધારે CBIએ તપાસ શરૂ કરી હતી.

રંગે હાથ ઝડપાયા DIG

CBIએ ફરિયાદ મળ્યા બાદ 10 દિવસ સુધી DIG ભુલ્લર પર નજર રાખી. જેમ જ વ્યવસાયીએ લાંચની પહેલો હપતા તરીકે રૂ. પાંચ લાખ આપ્યા, ત્યારે જ CBIની ટીમે દરોડા મારીને DIGને રંગે હાથ ઝડપી લીધા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ચંડીગઢ સ્થિત તેમની ઓફિસમાંથી કરવામાં આવી હતી. આ કેસમાં એક દલાલને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જે DIG અને વ્યવસાયી વચ્ચે માધ્યમ તરીકે કામ કરતો હતો.

દર મહિને રૂ. 5 લાખની માગ

આ તપાસમાં ખૂલ્યું હતું કે DIG ભુલ્લર ફક્ત એક વખત નહિ, પરંતુ દર મહિને રૂ. પાંચ લાખની સ્થાયી લાંચની માગ કરતા હતા. અધિકારીની આ હરકતથી વ્યવસાયી ખૂબ પરેશાન હતો. અંતે તેણે CBIનો સંપર્ક કર્યો. આ કેસ હવે પંજાબ પોલીસ વિભાગ માટે મોટી બદનામીનું કારણ બન્યો છે, કારણ કે આરોપી અધિકારી વિભાગમાં અત્યંત પ્રભાવશાળી પદ પર હતા.

CBI ટીમે પૂછપરછ કરી

આ ધરપકડ બાદ CBIની ટીમે ચંડીગઢ, રૂપનગર અને મોહાલી સ્થિત તેમના ઘર અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. પંચકુલા સ્થિત CBI ઓફિસમાં તેમની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. બાદમાં તેમને ફરી ચંડીગઢ કચેરીમાં લાવવામાં આવ્યા. એજન્સી હવે તપાસી રહી છે કે ભુલ્લર વિરુદ્ધ અન્ય વ્યવસાયો અથવા લોકો પણ આ પ્રકારની ફરિયાદો લઈને આગળ આવે છે કે નહીં.

રાજ્યમાં ચાર વર્ષ બાદ સરકારની ‘સર્જરી’: મંત્રીમંડળનું વિસ્તરણ

ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં રાજ્યના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. રાજ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટો ગરમાટો આવ્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. આ પહેલાં ગઈ કાલે રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ આજે મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે.

રાજ્યના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં આઠ ઓબીસી, ત્રણ એસસી, ચાર એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં આઠ પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આ ફેરબદલ ભાજપના મિશન 2027 માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નવાં સમીકરણોનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહી છે.

હાલના મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યમંત્રીઓ સહિત 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્ય મંત્રી તરીકે બીજી વખત શપથ લીધા હતા. 182 સભ્યોની વિધાનસભામાં 27 મંત્રીઓની ક્ષમતા છે, જે ગૃહની કુલ શક્તિના 15 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિસ્તરણમાં દસ નવા મંત્રીઓનો ઉમેરો થઈ શકે છે. ભાજપપ્રમુખ જેપી નડ્ડા સમારોહમાં હાજર રહેશે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના ટોચના નેતૃત્વએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ અને વરિષ્ઠ નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી છે. નડ્ડાનો ગુજરાત પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકના થોડા દિવસો પછી થયો છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, સીઆર પાટીલ અને સીએમ પટેલે ફેરબદલ માટે વ્યૂહરચના ઘડી હતી.

મિશન 2027 માટે ભાજપની વ્યૂહરચના

ભાજપની આ કેબિનેટ ફેરબદલ મિશન 2027ને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પક્ષ આવનારા વિધાનસભા ચૂંટણી પહેલાં નવાં સામાજિક અને રાજકીય સમીકરણોને અજમાવવાની કોશિશ કરશે. આ કારણથી પણ આ ફેરબદલ મહત્વનો છે, કારણ કે યુવા નેતા ગોપાલ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી, ભાજપના પાટીદાર ગઢમાં પોતાનો પ્રભાવ વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે.

અક્ષય કુમારના ડીપફેક વીડિયો પર બોમ્બે હાઈકોર્ટનો આદેશ, કહ્યું કે તે સમાજ માટે ગંભીર

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ડીપફેક વીડિયો અંગે બોમ્બે હાઈકોર્ટે આદેશ જારી કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે આ વીડિયોને તાત્કાલિક તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.

બૉલિવુડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં એક કૃત્રિમ બુદ્ધિથી જનરેટ થયેલ વિડીયોને કારણે સમાચારમાં છે જેમાં તેમને મહર્ષિ વાલ્મીકિ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને આ વિડીયોને તાત્કાલિક તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેને “ગંભીર ચિંતાજનક” અને “જાહેર હિતની વિરુદ્ધ” ગણાવ્યું છે.

ડીપફેક ટેકનોલોજી સમાજ માટે ખતરનાક ખતરો છે

જસ્ટિસ આરિફ ડોક્ટરની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે આવી સામગ્રી માત્ર અભિનેતાની છબી માટે જ નહીં પરંતુ સમાજના નૈતિક માળખા માટે પણ ખતરો છે. તેમણે કહ્યું, “AI ની મદદથી બનાવેલા આવા વીડિયો એટલા વાસ્તવિક લાગે છે કે વાસ્તવિક અને નકલી વચ્ચે તફાવત કરવો લગભગ અશક્ય બની ગયું છે. આ ફક્ત વ્યક્તિગત હિતનો વિષય નથી, પણ જાહેર હિતનો પણ છે.”

કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે આવા ડીપફેક વીડિયો વ્યક્તિની ગોપનીયતા, ગૌરવ અને પરિવારની સલામતી માટે ગંભીર પડકાર ઉભો કરે છે. જસ્ટિસ ડોક્ટરે ચેતવણી આપી હતી કે “આવી સામગ્રી સમાજમાં ગેરસમજ, દુશ્મનાવટ અને અસ્થિરતા પેદા કરી શકે છે. તેથી, તેને જાહેર પ્લેટફોર્મ પરથી તાત્કાલિક દૂર કરવી જોઈએ.”

અક્ષય કુમાર માટે રાહત

અભિનેતા અક્ષય કુમારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટમાં દલીલ કરી હતી કે AI-જનરેટેડ સામગ્રીનો ઝડપથી ફેલાવો ફક્ત કલાકારોની છબીને નુકસાન પહોંચાડી રહ્યો નથી પરંતુ ભવિષ્યમાં નકલી સમાચાર અને સાયબર ગુનાઓનો નવો ચહેરો પણ બની શકે છે. કોર્ટે તેમની દલીલ સાથે સંમત થયા, કહ્યું કે આવા કિસ્સાઓમાં કડક દેખરેખ અને તકનીકી નિયંત્રણ જરૂરી છે.

અક્ષય કુમારનું નિવેદન
આ ઘટના બાદ અક્ષય કુમારે 23 સપ્ટેમ્બરના રોજ X પર એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું, “મેં કેટલાક AI-જનરેટેડ વિડિઓઝ જોયા છે જેમાં મને મહર્ષિ વાલ્મીકિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ વિડિઓઝ સંપૂર્ણપણે નકલી છે.” “દુર્ભાગ્યે, કેટલીક ચેનલો આ વાર્તાઓને ચકાસ્યા વિના સમાચાર તરીકે ચલાવી રહી છે. આ યુગમાં જ્યારે AI નો ઉપયોગ કરીને ભ્રામક સામગ્રી સરળતાથી બનાવવામાં આવે છે, ત્યારે હું મીડિયાને કોઈપણ સમાચાર ચલાવતા પહેલા તેની ચકાસણી કરવા વિનંતી કરું છું.”

આ કેસમાં આગળ શું?
આ કેસ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી AI-આધારિત સામગ્રી પર દેખરેખ અને નિયમન માટે કડક કાયદા બનાવવાની અપેક્ષાઓ વધી ગઈ છે. અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મો “ભૂત બાંગ્લા”, “વેલકમ ટુ ધ જંગલ” અને “હૈવાન” ના શૂટિંગમાં વ્યસ્ત છે.

સ્વર્ણિમ યુનિવર્સિટીએ ‘પ્રોફેશનલિઝમ બિયોન્ડ બુક્સ’ વિષય પર સેશનનું કર્યું આયોજન

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને આજના આધુનિક કોર્પોરેટ કલ્ચરમાં કેવી રીતે ટકી શકાય અને પ્રગતિ સાધી શકાય તે સમજાવવા માટે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં ‘પ્રોફેશનલિઝમ બિયોન્ડ બૂક્સ’ નામનું સેશન યોજ્યું હતું.

આ સેશનનું સંચાલન પ્રોનિક્સ ટેક એલએલપીના એચઆર હેડ મોનિકા શ્રીવાસ્તવ દ્રારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમના ઇન્ડસ્ટ્રીના વ્યાપક અનુભવમાંથી ઊંડી જાણકારી પૂરી પાડી હતી. સાચું પ્રોફેશનાલિઝમ કેવી રીતે શૈક્ષણિક  આગળ વધે છે અને તેનું મૂળ કેવી રીતે ઉત્તરદાયિત્ત્વ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને નૈતિક વ્યવહારોમાં રહ્યું છે, તેની પર તેમણે પ્રકાશ પાડ્યો હતો.

મોનિકા શ્રીવાસ્તવે પોતાની એક સુદ્રઢ પ્રોફેશનલ આઇડેન્ટિટી બનાવવામાં સંચારના કૌશલ્યો, અનુકૂલનક્ષમતા અને ગ્રૂમિંગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા સોફ્ટ સ્કિલ્સ અને હકારાત્મક વલણ કેવી રીતે વ્યક્તિની કારકિર્દીના લાંબાગાળાના વિકાસનું ઘડતર કરી શકે છે, તે પણ દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો સહિત આશરે 95 સભ્યોએ આ સેશનમાં હાજરી આપી હતી અને ચર્ચામાં પણ જોડાયા હતા.

આ પહેલ અંગે વાત કરતાં, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ ઋષભ જૈનએ કહ્યું કે, ‘આ પ્રકારના સેશન્સ વર્ગખંડમાં આપવામાં આવતાં શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પ્રોફેશનલ વિશ્વનો સામનો કરવા માટે તૈયાર કરે છે. આ પ્રકારના કાર્યક્રમો સર્વગ્રાહી શિક્ષણ, ફક્ત શૈક્ષણિક શ્રેષ્ઠતાને જ નહીં પરંતુ અમારા વિદ્યાર્થીઓમાં વર્કપ્લેસ રેડીનેસને પોષવા પ્રત્યેના અમારા યુનિવર્સિટીના વિઝનની કટિબદ્ધતાને પણ દર્શાવે છે.’

બાળકો સામેના યૌન શોષણમાં 94 ટકાનો ચિંતાજનક વધારો

નવી દિલ્હીઃ ભારત, નેપાળ અને શ્રીલંકાના -આ ત્રણેય દેશોમાં આશરે આઠમાંથી એક બાળક (12.5 ટકા) 18 વર્ષની ઉંમર પહેલાં યૌન ઉત્પીડન અથવા બળાત્કારની ફરિયાદ નોંધાવે છે. આ ત્રણ દેશોમાં મળીને આશરે 5.4 કરોડ બાળકો છે, એમ સર્વેક્ષણના દર્શાવે છે.

દક્ષિણ એશિયામાં 2024માં બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી (CSAM) અંગેની મોટા ભાગની ફરિયાદો ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં નોંધાઈ હતી, જેમાં માત્ર ભારતમાંથી જ 22.5 લાખ કેસ નોંધાયા હતા. તેમ છતાં આ ક્ષેત્રમાં ભારતની CSAM ઉપલબ્ધતા દર સૌથી ઓછી છે (દર 10,000 લોકોદીઠ 15.5 ફરિયાદો), જે મજબૂત ઓળખ અને રિપોર્ટિંગ સિસ્ટમનો સંકેત આપે છે.

દેશમાં 2017થી 2022 દરમિયાન POCSO કાયદા હેઠળ બાળકો સામેના યૌન ગુનાઓમાં 94 ટકાનો વધારો થયો છે, જે 33,210થી વધી 64,469 સુધી પહોંચ્યો છે. વધતા આંકડાઓ છતાં આ  કેસોમાં કાર્યવાહીનો દર 90 ટકાથી વધુ રહ્યો છે, જે મજબૂત કાનૂની અમલ અને રિપોર્ટિંગ સિસ્ટમની નિશાની છે. આ વાત એડિનબર્ગ યુનિવર્સિટી અને ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના ચાઈલ્ડલાઈટ ગ્લોબલ ચાઈલ્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવા રિપોર્ટમાં સામે આવી છે.

માત્ર ભારતમાં 22.5 લાખ કેસ નોંધાયા

અપરાધના આંકડામાં પારદર્શિતા વધુ અસરકારક દેખરેખ અને ઝડપી કાર્યવાહી માટે સહાયરૂપ બને છે. ભારત, નેપાળ અને શ્રીલંકાના સર્વેમાં જણાયું કે આશરે 12.5 ટકા બાળકો 18 વર્ષની ઉંમર પહેલાં યૌન ઉત્પીડન અથવા બળાત્કારની ફરિયાદ કરે છે. દક્ષિણ એશિયામાં 2024માં નોંધાયેલા CSAM કેસોમાં ભારત સૌથી આગળ રહ્યું હતું.

તેમ છતાં ભારતની CSAM ઉપલબ્ધતા દર સૌથી ઓછી છે (દર 10,000 લોકોદીઠ 15.5 ફરિયાદો), જે બતાવે છે કે દેશમાં ઓળખ અને રિપોર્ટિંગ પ્રણાલીઓ અસરકારક છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે બાળકોને લગતી યૌન શોષણ સામગ્રી બનાવવામાં અને ફેલાવવામાં કૃત્રિમ બુદ્ધિ (AI)નો દુરુપયોગ વધી રહ્યો છે. 2023 અને 2024 વચ્ચે AI દ્વારા તૈયાર થયેલી CSAM સામગ્રીમાં 1,325 ટકાનો વધારો નોંધાયો છે.

ચાઈલ્ડલાઈટના CEO અને ઇન્ટરપોલના પૂર્વ ડિરેક્ટર પોલ સ્ટેનફિલ્ડે જણાવ્યું કે ટેકનોલોજી દ્વારા સરળ બનેલો દુર્વ્યવહાર હજુ પણ વ્યાપક છે. દરેક આંકડા પાછળ એક બાળક છે, જેના સુરક્ષા, સન્માન અને ભવિષ્ય છીનવાઈ ગયા છે, પરંતુ જો આપણે હમણાં કાર્યવાહી કરીએ તો આ સંકટને રોકી શકાય છે.

આસામમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડથી હુમલોઃ સેનાના ત્રણ જવાન ઘાયલ

નવી દિલ્હીઃ આસામના તિન્સુકિયા જિલ્લાના કાકોપાથર વિસ્તારમાં ગુરુવારે મધરાતે ભારે ગોળીબારી અને અનેક ગ્રેનેડ વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કાકોપાથર આર્મી કેમ્પની નજીક લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. કાકોપાથર સ્થિત ભારતીય સેનાની 19 ગ્રેનેડિયર્સ યુનિટના કેમ્પને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યાનુસાર આ વિસ્ફોટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.

આ ઘટના બાદ સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ હુમલાની શંકા ઉલ્ફા- ULFA (I) પર છે. આ જૂથનું સંચાલન મ્યાનમારમાં બેઠેલા કમાન્ડર પરેશ બરુઆ કરે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની બાદ સેના અને પોલીસે વિસ્તારમાં કડક ઘેરાબંધી કરી દીધી છે અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુનેગારોની શોધ માટે તપાસી અભિયાન ચાલુ છે. કાકોપાથર આર્મી કેમ્પની નજીક જોરદાર વિસ્ફોટોના અવાજોથી લોકો ડરીને પોતાનાં ઘરોમાં ચાલી ગયા. આ હુમલાની ખબર મળતાં જ સેના અને પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળી લીધો. પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને તમામની વિગતવાર તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલો એક ટ્રક બાદમાં પડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં લાવારિસ હાલતમાં મળ્યો છે.

વર્ષ 2023માં પણ આ જ આર્મી કેમ્પ પર આવો હુમલો થયો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બરુઆ સહિત છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. હાલમાં સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલુ છે.