Home Blog Page 534

પર્યાવરણ, જૈવવિવિધતા, ટકાઉ ભવિષ્ય માટેનું પ્રેરણાદાયક વૃક્ષારોપણ અભિયાન

સુરત: અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડા વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે ક્લાઇમેટ એક્શન ઇનિશિયેટિવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતા (Biodiversity) વધારવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. હજારો વૃક્ષ માત્ર રોપીને નહીં પરંતુ એના ઉછેર માટેની સંપૂર્ણ વ્યવસ્થા અને દેખરેખની જવાબદારી સાથે વન ઊભું કરવાની જવાબદારી અદાણી ફાઉન્ડેશને ઉપાડી છે.હજીરા વિસ્તારના રાજગરી ગામ ખાતે કુલ 5,000 વૃક્ષારોપણ મિયાવાકી પદ્ધતિ હેઠળ કરવામાં આવ્યું છે, જે એક વૈજ્ઞાનિક અને આધુનિક તકનીક છે. આ પદ્ધતિ અંતર્ગત વૃક્ષો નાની જગ્યામાં ઘનત્વપૂર્વક રોપવામાં આવે છે, જેથી માત્ર ત્રણથી ચાર વર્ષમાં નાનું જંગલ તૈયાર થઈ જાય. અહીં સુરક્ષિત ફેન્સિંગ અને ડ્રિપ સિંચાઇની અદ્યતન વ્યવસ્થા દ્વારા દરેક છોડનું સંવર્ધન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેથી જેટલા વૃક્ષો રોપ્યા છે એનું વ્યવસ્થિત ઉછેર થાય. આ પ્રયોગથી હજીરા વિસ્તારનું માઇક્રોક્લાઇમેટ સુધરશે અને સ્થાનિક પર્યાવરણને નવી ઉર્જા મળશે. ઉમરપાડા તાલુકાની બિલવણ  આશ્રમશાળા ખાતે ૩,૧૮૫ અને ઉમરદા આશ્રમશાળા ખાતે ૨,૦૩૦ વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. બંને સ્થળોએ ડ્રિપ સિંચાઇની સુવિધા સાથે છોડની વૃદ્ધિ અને સંવર્ધન માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અભિયાન માત્ર પર્યાવરણ સુધારણા પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદના અને હરિત જીવનશૈલીની ભાવના જગાડે છે. આ વૃક્ષારોપણ અભિયાન અદાણી ફાઉન્ડેશનની હરિત દ્રષ્ટિનું જીવંત ઉદાહરણ છે, જેનું ધ્યેય છે “પ્રકૃતિ સાથેનું સમન્વય, પ્રગતિ સાથેની જવાબદારી”. અદાણી ફાઉન્ડેશન સતત એવી પહેલ હાથ ધરે છે, જે સ્થાનિક સમાજને ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જાય.

જામનગરમાં આયુર જેરીયકોન-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

જામનગર: આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર એટલે આઇ.ટી.આર.એ.(ITRA). જે ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત છે. આ સંસ્થાની સ્થાપના ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં સંસ્થાની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સ્થાપના દિવસની ઉજવણી એક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ “આયુર જેરીયકોન-૨૦૨૫” દ્વારા કરવામાં આવી છે. આજ વર્ષે સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ આપવા સ્થપાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રને પણ ૨૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે ત્યારે તેની પણ ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજાવા જઇ રહેલાં આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ, NCISMના ચેરમેન ડૉ. બી. એલ. મહેરા અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી રહેશે. તેમજ દેશ અને દુનિયામાં આયુષ અને અન્ય ચિકિત્સા પધ્ધતિઓની સંસ્થા અને યુનિવર્સિટીઓના 26 જેટલાં વડાઓ-તજજ્ઞો ઓફલાઇન તેમજ ઓનલાઇન (વર્ક્યુઅલ પધ્ધતિથી) જોડાશે. ઉપરાંત નીતિ આયોગ ભારત સરકારના હેલ્થ રીસર્ચ ઓફિસર શોભિત કુમાર સહિતની વિવિધ વિદ્યાશાખાઓના તજજ્ઞો પણ પોતાનું જ્ઞાનરૂપી યોગદાન આપશે અને આમ થવાથી સમગ્ર વિશ્વ માટે આયુર્વેદના સથવારે વૃધ્ધાવસ્થાને સ્વાસ્થ્ય સમૃધ્ધ કરવા નીતિ અને માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.આયુર્વેદ માટે જામનગર એ જનક ભૂમિ સમાન છે ત્યારે તેના સુગ્રથિત શિક્ષણની તામામ તબક્કે શરૂઆત જામનગરથી થઇ છે. સમગ્ર દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ શિક્ષણ માટે એક અલાયદું કેન્દ્ર પણ જામનગર ખાતે જ શરૂ કરવામાં આવ્યું હતું. આ રજત જયંતિ સફરમાં અત્યાર સુધીમાં વિશ્વભરના કુલ ૬૭ દેશોમાંથી ૫૨૫ વિદેશી વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યાં છે.

આયુર જેરીયકોન-૨૦૨૫ શું છે?

આઇ.ટી.આર.એ. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે સમગ્ર વિશ્વમાં એલોપથી ચિકિત્સા પધ્ધતિમાં જીરીયાટીક એટલે કે વૃધ્ધાવસ્થા માટેની ચિકિત્સા અને સાર-સંભાળ માટે અલાયદી વ્યવસ્થા છે પરંતુ આયુર્વેદમાં આજ સુધી માત્ર તે સંદર્ભ ગ્રંથોમાં સિમિત હતું પણ હવે તેની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટે વિચાર મંથન અને આગામી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ૩ દિવસીય જીરીયાકોન-૨૦૨૫ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી ૫૦૦થી વધુ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને અભ્યાસુઓએ ભાગ લેવાના છે એટલું જ નહીં પરંતુ સંશોધન પત્રો પણ રજૂ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાક્ષાના તજજ્ઞો વકતા તરીકે વિવિધ ૧૦ જેટલા પેટાં વિષયો પર પરિસંવાદમાં જોડાશે જેમાં અર્જેન્ટિના, ઇટાલી, ભૂટાન અને શ્રીલંકાથી આવવાના છે. કુલ ૧૦ વકતાઓ દ્વારા ૩ દિવસમાં વિવિધ સત્રોમાં આ સમગ્ર પરિષદ યોજાઇ રહી છે. કુલ ૬ જેટલાં વર્કશોપમાં વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શન દ્વારા વિવિધ માર્ગદર્શીકા પણ તૈયાર થશે. આ પરિષદમાં કલિનિકલ જીરિયાટીક આયુર્વેદ પ્રેક્ટિસનરો માટેની તૈયાર થયેલી ડિજિટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. પરિષદમાં આયુર્વેદ થકી વૃધ્ધાવસ્થાની સારવાર માટેની અલગ અભ્યાસક્રમ માટેનો પાઠ્યક્રમ તૈયાર કરવો, માળખું ઘડવું અને પ્રાયોગિક કાર્યો માટેની વ્યવસ્થાનું સંપૂર્ણ માળખું પણ તૈયાર કરવામાં આવશે જે ભવિષ્યમાં સમગ્ર દેશ-દૂનિયા માટે દીવાદાંડી સમાન બની રહેશે.

નેપાળનો પ્રચલિત કુકુર તિહાર તહેવાર ડભોડામાં ઉજવાયો

અમદાવાદ: નેપાળમાં દિવાળીના દરમિયાન એક અનોખા તહેવારની ઉજવણી અને પૂજન થાય છે. નેપાળના આ વાર્ષિક હિંદુ તહેવાર કૂતરા સહિત પશુઓનું પૂજન થાય છે. એ ઉત્સવ છે કુકુર તિહાર..

દિવાળી દરમિયાનના તિહારના બીજા દિવસે ઉજવાય છે. તિહારનો બીજો દિવસ, કુકુર તિહાર તરીકે ઓળખાય છે જે કૂતરાઓની પૂજા માટે સમર્પિત છે.આ દિવસે લોકો યમરાજ, મૃત્યુના દેવને પ્રસન્ન કરવા કૂતરાઓની પૂજા કરે છે. કારણ કે કૂતરાઓને એમના દૂત માનવામાં આવે છે. કૂતરાઓને તિલક લગાવી અને ગળામાં ફૂલની માલા પહેરાવવામાં આવે છે.પૂજારીઓ એમને મને માંસ, દૂધ, ઈંડા અને ડોગ ફૂડ સહિતના ખોરાક અર્પે છે. આ દિવસે કોઈ વ્યક્તિ કૂતરાઓ સાથે અયોગ્ય વર્તન કરે તે પાપ માનવામાં આવે છે. નેપાળ સહિત કેટલાક પ્રાંતમાં પ્રચલિત પશુ પૂજાના તિહાર આ ઉત્સવને ગાંધીનગરના ડભોડામાં ઉજવવામાં આવ્યો.ડભોડા બાર્કવિલે સાથે સંકળાયેલા સ્વાતિ વર્મા ચિત્રલેખા.કોમને કહે છે દિવાળીના ઉત્સવ દરમિયાન નેપાળમાં જે રીતે પશુઓની પૂજા થાય છે. એમાંય ખાસ કુકુર એટલે કે કૂતરાઓનું પૂજન થાય છે. એની ઉજવણી અમારા બાર્કવિલે કેમ્પસમાં કરી. આ અબોલ જીવોને લોકો સાચવે. એમની તરફ અનુકંપા રાખે એ અમારો ઉદ્દેશ છે..કારણ કુતરા સહિતના તમામ અબોલ જીવો જે આપણી આસપાસ રહે છે. એનો નિર્વાહ મનુષ્ય પર આધારિત છે.ડભોડા બાર્કવિલે કેમ્પસના કુકુર મહોત્સવમાં શ્વાન પ્રેમીઓ સાથે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

મનોદિવ્યાંગ કારીગરોએ તૈયાર કરી દીપોત્સવી સુશોભનની ઉત્કૃષ્ટ સામગ્રી

અમદાવાદ: દિવાળીના તહેવારને ઉત્સવની જેમ ઉજવવા બજારમાં અવનવા આધુનિક ઉપકરણો બજારમાં આવી ગયા છે. અંધકારમાં ઉજાસ માટે દીપોત્સવીના તમામ દિવસોમાં લોકો ઘર અને આંગણાને સજાવે છે. પરંતુ દર દિવાળીએ ઘણાં લોકો સંકલ્પ લેતા હોય છે કે આ વર્ષે ઉત્સવની ઉજવણી માટેની અમુક ચોક્કસ જગ્યાએથી જ ખરીદી કરશું. જરૂરિયાત મંદ લોકો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ કે આસપાસના દિવ્યાંગ લોકો દ્વારા બનાવેલી ઉત્સવ માટેની વસ્તુઓ ખરીદી એમના ઉત્સાહ ઉમંગમાં વધારો કરવો. શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલા ઉત્થાન તાલીમ કેન્દ્રના મનોદિવ્યાંગ કારીગરોએ બનાવેલી ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થાના પ્રમુખ ભાવનાબહેન પંડ્યા ચિત્રલેખા.કોમને કહે છે અમારા ઉત્થાન તાલીમ કેન્દ્રના છોકરાઓ તેમજ ઉમંગ સંસ્થાની બહેનોએ આ વર્ષે ઉત્સવની ઉજવણી માટે તેમજ સુશોભન માટેની વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરી છે. જેમાં માટી, કાચ, જેલી, ઝુમ્મર અને જાદુઇ પ્રકારના દીવા તૈયાર કરવામાં આવ્યા છે.

મધુબની પેઇન્ટિંગ, પટોળા, ક્લોથ, ગિફ્ટ માટેની એમ અનેક પ્રકારની બેગો તૈયાર કરવામાં આવી છે. દિવાળીમાં ઘર સુશોભન માટે મીરર પૂજા થાળી, ભાત ભાતની રંગોળી, તોરણ, ટોડલાં, હેંગિંગ, 3 ડી રંગોળી, સજાવેલી લાઇટો, પેઇન્ટિંગ કરેલા ટેબલ મેટ, ગોટા, કાપડ, ફૂલોનાં તોરણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે સિલાઇ કામ ભરત કામ સાથેની ચીજ વસ્તુઓ અને વિવિધ કવર, ફાઇલ્સ, કાર્ડ, પડિયા, ડીશ પણ તૈયાર કરી મુકવામાં આવ્યા છે. ઉત્થાન તાલીમ કેન્દ્રના છોકરાઓ અને ઉંમંગ સાથે જોડેયેલી છોકરીઓને સંસ્થા ભણતર સાથે એક ઉત્કૃષ્ટ કલા કારીગરી શીખવી પગભર કરવા પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના ઉત્સવમાં સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોનો ઉત્સાહ વધારવા માટે મેયર પ્રતિભા જૈન, ડો. નિતિન સુમન શાહ, ભાવિન અગ્રવાલ, રાજેન્દ્ર શાહ, જયશ્રીબહેન મહેતા, આભાબહેન છાબરા, દર્શનાબહેન પંડ્યા તેમજ ચેરમેન નીતાબહેન નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

રિટેલ મોંઘવારી દર આઠ વર્ષના ઘટી નીચલા સ્તરેઃ 1.54 ટકાએ

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 1.54 ટકા પર આવી ગયો છે, જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી ઓછો છે. ઓગસ્ટમાં તે 2.07 ટકાના બે મહિનાના ઉચ્ચ સ્તરથી ઘટ્યો હતો. આ વર્ષ 2025માં બીજી વાર છે જ્યારે વપરાશકર્તા ભાવવધારો બે ટકાથી નીચે રહ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી આખા વર્ષ દરમિયાન મોંઘવારી ધીમી પડી છે, ખાસ કરીને ખોરાક અને ઇંધણની કિંમતોમાં ઘટાડાને કારણે. ઓગસ્ટમાં તે 1.61 ટકા સુધી ઘટી ગઈ હતી. તાજેતરના GST દર સુધારાને કારણે આવતા થોડા મહિનામાં કિંમતો નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે. GST ઘટાડાની અસર ઓછામાં ઓછી 14 ટકા મોંઘવારીના બાસ્કેટ પર પડશે.

 મહિનો   વર્ષ    મોંઘવારી દર 

ઓગસ્ટ, 2024     3.70 %

સપ્ટેમ્બર, 2024   5.50 %

ઑક્ટોબર, 2024    6.20 %

નવેમ્બર, 2024    5.50 %

ડિસેમ્બર, 2024   5.20 %

જાન્યુઆરી, 2025  4.30 %

ફેબ્રુઆરી, 2025   3.60 %

માર્ચ, 2025      3.30 %

એપ્રિલ, 2025     3.20 %

મે, 2025         2.80 %

જૂન, 2025        2.10 %

જુલાઈ, 2025      1.60 %

ઓગસ્ટ, 2025      2.10 %

સપ્ટેમ્બર, 2025  1.50 %

RBIનો અભિગમ

આ મહિનાની શરૂઆતમાં RBI એ નાણાકીય વર્ષ 2025-26 માટે મોંઘવારીનો અંદાજ 3.1 ટકાથી ઘટાડીને 2.6 ટકા કર્યો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે GST દરોમાં ઘટાડો અને ખોરાકની કિંમતો નરમ રહેવાને કારણે મોંઘવારી ઓગસ્ટમાં અંદાજિત સ્તર કરતાં ઓછી રહેશે.

દરઘટાડા પર ધ્યાન

મોંઘવારી RBI ના ચાર ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી છે. તેથી વિશ્લેષકો માને છે કે નીતિ નિર્માતા હવે વૃદ્ધિને ટેકો આપવાને પ્રાથમિકતા આપશે. અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટના દર ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષના આરંભથી RBI કુલ 100 બેઝિસ પોઈન્ટના વ્યાજદરમાં ઘટાડો કરી ચૂકી છે.

અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર: નવીનતા-સંચાલિત આર્થિક વિકાસને સમજાવવા બદલ

રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે આર્થિક વિજ્ઞાનના 2025ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી. આલ્ફ્રેડ નોબેલની યાદમાં અપાતા આ સ્વેરિજેસ રિક્સબેંક પુરસ્કાર માટે જોએલ મોકિર, ફિલિપ એગિયન અને પીટર હોવિટના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર તેમને “નવીનતા-સંચાલિત આર્થિક વિકાસને સમજાવવા બદલ” આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પુરસ્કારનો અડધો ભાગ મોકિરને “ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા સતત વિકાસ માટેની પૂર્વજરૂરીયાતો ઓળખવા બદલ” અને બાકીનો અડધો ભાગ “સર્જનાત્મક વિનાશ દ્વારા સતત વિકાસના સિદ્ધાંત માટે” સંયુક્ત રીતે આપવામાં આવશે.

જોએલ મોકિરએ ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ સતત વિકાસના કારણોને ઉજાગર કરવા માટે એક સાધન તરીકે કર્યો હતો જે નવા સામાન્ય બનવાનું કારણ બને છે. ફિલિપ એગિયન અને પીટર હોવિટે સતત વિકાસ પાછળની પદ્ધતિઓનો પણ અભ્યાસ કર્યો. 1992 ના એક લેખમાં, તેઓએ સર્જનાત્મક વિનાશ કહેવાતા ગાણિતિક મોડેલનું નિર્માણ કર્યું: જ્યારે કોઈ નવું અને સારું ઉત્પાદન બજારમાં પ્રવેશે છે, ત્યારે જૂની પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓ ગુમાવે છે, નોબેલ સમિતિએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું.

નેધરલેન્ડમાં જન્મેલા જોએલ મોકિર યુનાઇટેડ સ્ટેટ્સની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, જ્યારે ફિલિપ એગિઓન પેરિસની કોલેજ ડી ફ્રાન્સ અને INSEAD અને ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં પ્રોફેસર છે. પીટર હોવિટ યુનાઇટેડ સ્ટેટ્સની બ્રાઉન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.ગયા વર્ષે આ પુરસ્કાર ત્રણ અર્થશાસ્ત્રીઓને મળ્યો હતો – ડેરોન એસેમોગ્લુ, સિમોન જોહ્ન્સન અને જેમ્સ એ. રોબિન્સન – જેમના અભ્યાસોએ સમજાવ્યું હતું કે કેટલાક દેશો શા માટે સમૃદ્ધ છે અને કેટલાક ગરીબ. ઔપચારિક રીતે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરિજેસ રિક્સબેંક પુરસ્કાર તરીકે ઓળખાતું, અર્થશાસ્ત્ર નોબેલની સ્થાપના 1968 માં સ્વીડનની સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવી હતી.

આ પુરસ્કાર, તકનીકી રીતે નોબેલ પુરસ્કાર ન હોવા છતાં, અન્ય લોકો સાથે 10 ડિસેમ્બર, આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિએ આપવામાં આવે છે. આ પુરસ્કારમાં ડિપ્લોમા, સુવર્ણ ચંદ્રક અને $1.2 મિલિયનનો ચેક શામેલ છે. નોબેલની જાહેરાત ગયા અઠવાડિયે 6 ઓક્ટોબરના રોજ દવા અથવા શરીરવિજ્ઞાન માટેના પુરસ્કારની જાહેરાત સાથે શરૂ થઈ હતી, ત્યારબાદ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

કચ્છમાં નકલી કોલગેટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડ

ભચાઉઃ રાપરના ચિત્રોડ ગામે ડુપ્લિકેટ કોલગેટની ફેક્ટરી ઉપર પોલીસે દરોડા પાડી જથ્થો જપ્ત કર્યો છે. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળના ચિત્રોડમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવવાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

નકલી ફેક્ટરીની જાણ કોલગેટ કંપનીને કરવામાં આવતાં આ કોલગેટ ડુપ્લિકેટ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડ કોલગેટ (Colgate)ને નામે નકલી ટૂથપેસ્ટ બનાવવામાં આવતી હતી. આરોપીઓ સસ્તી અને નબળી ગુણવત્તાવાળા પદાર્થોનો ઉપયોગ કરીને ટૂથપેસ્ટ તૈયાર કરતા હતા અને તેને બજારમાં અસલી કોલગેટ તરીકે વેચીને ગ્રાહકોને છેતરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આશરે રૂ. 9.43 લાખની કિંમતનો મુદ્દા માલ, જેમાં નકલી ટૂથપેસ્ટનો જથ્થો, પેકિંગ મટીરિયલ અને ઉત્પાદન માટેનાં સાધનોનો સમાવેશ થાય છે, તે કબજે કર્યો છે, એમ પોલીસ જણાવ્યું છે.

આ કેસમાં પોલીસે ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે માત્ર છેતરપિંડી કે કોપીરાઈટ ભંગની કલમો જ નહીં, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવા બદલ પણ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારે નકલી ઉત્પાદનો બનાવવાથી ગ્રાહકોના આરોગ્યને જોખમ પહોંચે છે. પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચીને રાજ્યના અન્ય વિસ્તારોમાં આ નકલી ટૂથપેસ્ટનો જથ્થો ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તેની તપાસ શરૂ કરી છે.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આરોપોથી જોડાયેલી અરજી ફગાવી

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મહાગઠબંધનના બે મુખ્ય પક્ષો – RJD અને કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા અગાઉના લોકસભા ચૂંટણીઓમાં લગાવાયેલા “મત ચોરી”ના આક્ષેપોની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવા માગ કરતી અરજીને ફગાવી દીધી છે.

વકીલ રોહિત પાંડે દ્વારા દાખલ કરાયેલી જાહેર હિત અરજી (PIL)માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોની SIT તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ માગવામાં આવ્યા હતા.

ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજીકર્તા ઈલેક્ટોરલ કમિશન ઓફ ઈન્ડિયા (ECI)નો સંપર્ક કરી શકે છે. વકીલ પાંડે એ સાત ઓગસ્ટે રાહુલ ગાંધી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની સાઠગાંઠ દ્વારા ચૂંટણીમાં મોટા પાયે ગુનાહિત છેતરપિંડી થવાની ગંભીર દલીલ કરી હતી અને કર્ણાટકના એક મતવિસ્તારની મતદાર યાદીના વિશ્લેષણનો ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાત ઓગસ્ટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા ક્ષેત્રના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુ મત ચોરાયાના આક્ષેપ લગાવી આંકડા રજૂ કર્યા હતા. તેમણે ‘મત ચોરી’ શબ્દનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે આ બેઠક પર 11,965 ડુપ્લિકેટ મતદારો, 40,009 ખોટા અને અમાન્ય સરનામાવાળા મતદારો, 10,452 બલ્ક અથવા એકસરખા સરનામાવાળા મતદારો, 4132 ખોટા ફોટાવાળા મતદારો અને 33,692 મતદારો નવા મતદારો માટેના ફોર્મ 6નો દુરુપયોગ કરતા હોવાનું જણાયું છે.

તેમણે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્ર અને હરિયાણાને લગતા સમાન આક્ષેપો પણ કર્યા હતા. ગાંધીના મત ચોરીના આક્ષેપો બાદ ચૂંટણી પંચે તેમને શપથપૂર્વક મતદાર યાદીમાં કહેવાતી અનિયમિતતાઓના પુરાવા રજૂ કરવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે ખોટા પુરાવા રજૂ કરવો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 227 હેઠળ દંડનીય છે.

સુરતના લલાટે લાગ્યો 51નો અનોખો ચાંદલો

સુરત:  મહાનગર પાલિકા દ્વારા 51 વર્ષથી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. હાલ ચાલી રહેલી 51મી નાટ્ય સ્પર્ધામાં આ વખતે લગભગ પ્રથમ વખત ત્રણ પૈકી બે યંગેસ્ટ જજ પેનલમાં છે. યુવા કલાકારોને મંચ આપતી સ્પર્ધા નિર્ણાયકો માટેના મંચ પર પણ હવે યુવાઓને આવકારી રહી છે. આ ત્રણેય નિર્ણાયકો નાટક સાથે જોડાયેલા છે. ત્રણેય નિર્ણાયકો chitralekha.com સાથે નાટક અને સુરતની નાટક સ્પર્ધા વિશે ખુલીને વાત કરે છે.. પ્રથમ નિર્ણાયક તરીકે મુંબઈ-ગુજરાતના જાણીતા નાટ્યકાર, લેખક દિગ્દર્શક, અભિનેતા અને નાટ્યવિદ્ વિહંગ મહેતા હોઠ ઉપર અનુભવનું અમૃત મહેકાવતા કહે છે, “સૂરત, ગુજરાતી રંગભૂમિ પર એક અલગ જ સ્થાન ધરાવે છે સૂરતના નાટકો મુંબઈ જેટલા જ (કે ક્યારેક તો એનાથીય વધુ) ફીનીશ્ડ હોય છે છતાં એમાં પ્રાયોગિકતા કે નાવિન્ય પણ એટલું જ હોય છે એટલે જ તો એ નાટકો, મુંબઈનાં બીબાઢાળ નાટકો કરતાં સાવ અલગ પડી જાય છે અને પ્રેક્ષકોને જોવા પણ એટલા જ ગમે છે. અમદાવાદ, રાજકોટ કે વડોદરા આ કરી શકતા નથી. એ વર્ષોથી સિદ્ધ થયેલી વાત છે. આની ક્રેડિટ જાય છે માત્ર ને માત્ર સૂરત મહાનગરપાલિકાની છેલ્લા ૫૧ વર્ષથી અવિરત ચાલતી ફૂલલેન્થ નાટકોની નાટ્યસ્પર્ધાને. વિશ્વમાં આ એકમાત્ર મહાનગરપાલિકા છે જે પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, નગર આયોજન જેવા પાયાના કામો ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન માટે પણ એટલી જ અગ્રસર છે અને રસ લઈને આવી સુંદર સ્પર્ધાનું પ્રતિવર્ષ આયોજન કરે છે. મને ગર્વ છે કે 50 વર્ષ પહેલા આ જ સ્પર્ધાના બીજાને ત્રીજા વર્ષનો હું પ્રથમ વિજેતા રહી ચૂક્યો છું. રંગભૂમિના ઇતિહાસમાં સુરત મહાનગરપાલિકાના આ અદભુત અને અદ્વિતીય કાર્યની નોંધ લેવી ઘટે.”

51મી નાટ્ય સ્પર્ધાના બીજા નિર્ણાયક એટલે ગુજરાત ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર, લેખક, દિગ્દર્શક અને અભિનેતા વૈભવ મુકેશ દેસાઈ. આ જ સ્પધૉમાં એમણે કેટલાય વર્ષો સુધી ભાગ લીધો છે અને દિગ્દર્શક તથા અભિનયના કેટલાય ઇનામ પણ મેળવ્યા છે હવે એ પ્રથમ વખત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે છે. વૈભવી હાસ્ય સાથે વૈભવ દેસાઈ કહે છે, “ઈશ્વર બધે પહોંચી શકતા નથી તો એમણે કલાકારોનું સર્જન કર્યું જેથી પૃથ્વી ઉપર પીડા અને ભાર થોડા ઓછા થાય. કહેવાય છે કે કોઈ પણ શહેર તેના સંસ્કૃતિ વારસા અને કલા પ્રવૃત્તિઓથી વધુ ઓળખાય છે. ગુજરાતી નાટકો અને રંગભૂમિનું મક્કા શહેર એટલે મારું સુરત. અને તેમા’ય ૫૧ વરસથી ધબકતી સુરત મહાનગર પાલિકા નાટ્યસ્પર્ધા માટે ખરેખર પાલિકાને અભિનંદન પાઠવીએ એટલા ઓછા પડે. સૂર્યપુત્રી તાપીને કિનારે વસેલું સુરત માત્ર સાડી, હીરા કે ખાણી-પીણી જ નહિ પણ અહીંની કલાથી પણ એટલું જ પ્રચલિત થયું એનું કારણ આ નાટ્ય સ્પર્ધા છે. સુરતમાં સર્જાયેલા નાટકો અને અહીનું સર્જન હંમેશા નોખું, અનોખું અને ઉત્તમ રહ્યું છે. અહીંના નાટકોની તોલે ના ગુજરાતના અન્ય શહેરો આવ્યા ન તો મુંબઈના નાટકો. માત્ર હસાવવા કે ટાઈમ પાસ કરવા કે માત્ર વેતન માટેના સર્જનોથી જોજનો આગળ સુરતની રંગભૂમિએ શ્રેષ્ઠ નાટકો આપ્યા એનું કારણ પણ સુરત મહાનગર પાલિકાની આ જ નાટ્યસ્પર્ધા છે. આ સફર આવનારા વર્ષોમાં રંગભૂમિને વધુ ઉજાગર કરી ઉત્તરોત્તર શ્રેષ્ઠતમ સર્જનો સુધી વિસ્તરતી રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. આવી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જોડાવા બદલ હું આનંદ અને ગૌરવ અનુભવું છું.”હવે મળીએ ત્રીજા નિર્ણાયકને, તોરલ ત્રિવેદી. જે મુંબઈ- નાટક અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તોરલ ત્રિવેદી મીઠી મુસ્કાન સાથે કહે છે,” નાટક એટલે નવ રસની પ્રસ્તુતિ. જેમ રસોઈમાં ખાટા, મીઠા, તીખા જેવા રસ ના હોય તો આપણને ભોજન કરવાની રુચિ થતી નથી એમ નાટકોમાં પણ જો કોઈ રસ ના હોય તો પ્રેક્ષકોને નાટક જોવામાં રુચિ જાગતી નથી અને ઘણી વખતે અડધા ભાણે ઉઠીને ચાલવા માંડે છે. મેં લગભગ 7-8 વરસની ઉંમરે કલા જગતમાં પગરણ માંડયા છે જે આજ સુધી ચાલતા ચાલતા જજ ના શિખરે પહોચ્યા છે. આજ સુધી ઘણી નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો, જીત્યા-હાર્યા, મુંબઈમાં મરાઠી તથા ગુજરાતી એક્સપેરીમેન્ટલ અને કમર્શિયલ નાટકોમા ચેલેન્જીંગ અને વર્સેટાઈલ પાત્રો ભજવીને, મુંબઈ રંગભૂમિના ઘણા દિગ્ગજ દિગ્દર્શકો, નિર્દેશકો, લેખકો તથા કલાકારો સાથે કામ કરી ઘણા અનુભવો લીધા જેના ફળ સ્વરૂપે આજે સુરત મહાનગર પાલિકાએ યોજેલી નાટ્ય સ્પર્ધાની જજ પેનલમાં સ્થાન મળ્યું છે એનો ખુબ આનંદ છે. ખાસ આનંદ એ વાતનો છે કે મહાપાલિકાની નાટ્ય સ્પર્ધા છેલ્લા ૫૦ વર્ષોથી ચાલી રહી છે એમાં હું આજ સુધીની મોસ્ટ યંગેસ્ટ જજ છું એ મારું અહોભાગ્ય છે. સાથે સાથે રંગદેવતા નટરાજની ઋણી છું સ્પર્ધામાં હરીફ તરીકે જેટલું ટેન્શન નહોતુ એનાથી કેટલાય ઘણું જજ ની જવાબદારી સંભાળતી વખતે થતું હોય છે. રંગમંચ પરના નાટક પર જજે બાજ પક્ષી જેવી નજર રાખવી પડતી હોય છે થોડી પણ નજર ચૂક યોગ્ય વ્યક્તિને અન્યાય કરી મુકે.”

સાંસ્કૃતિક વિભાગના ઈનચાર્જ મેનેજર ધવલ ગાંધી કહે છે, સુરત મહાનગર પાલિકા દ્વારા અર્ધી સદીથી થતી આ સ્પર્ધા આખા નાટ્ય જગતમાં શિરમોર છે. એનો હિસ્સો હોવાનું દરેકને ગૌરવ હોય છે. આ વર્ષે જજ પેનલમાં ત્રણ જનરેશનનું પ્રીતિનિધિત્વ કરતા જજ છે. જેથી નાટક સંસ્થાને પરિણામ બાબતે વધુ આત્મસંતોષ થશે.

(અરવિંદ ગોંડલિયા-સૂરત)

હમાસે 20 ઇઝરાયેલીને મુક્ત કર્યા, બંધકોએ ટ્રમ્પનો માન્યો આભાર

તેલ અવિવઃ હમાસે સાત ઇઝરાયેલી બંધકોને રેડ ક્રોસની હિરાસતમાં સોંપ્યા છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના બે વર્ષના યુદ્ધ પછી થયેલા સફળ યુદ્ધવિરામ હેઠળ મુક્ત થનારા આ પ્રથમ બંધકો હતા. ત્યાર બાદ વધુ 13 બંધકોને પણ છોડવામાં આવ્યા હતા. આ રીતે હમાસે બે તબક્કામાં ઇઝરાયેલના તમામ 20 બંધકોને મુક્ત કર્યા હતા. આ મુક્ત કરાયેલા બંધકોમાં ગાલી અને ઝિવ બર્મન, મતાન અંગરેસ્ટ, એલોન ઓહેલ, ઓમરી મિરાન, એટાન મોર અને ગાય ગિલ્બોઆ-દલાલનો સમાવેશ થાય છે. તેમની સ્થિતિ વિશે હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.

ઇઝરાયેલમાં જાહેર સ્થળોએ મોટી સ્ક્રીનો લગાવીને આ મુક્તિનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. હજારો ઇઝરાયેલી નાગરિકોએ એ સમયે ઉત્સાહભેર સૂત્રો પોકાર્યા હતા, જ્યારે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિએ ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસ તરફથી બંધક બનાવાયેલા લોકોને સ્વીકાર્યા હતા. હવે પેલેસ્ટિની લોકો ઇઝરાયેલ તરફથી કેદ રાખવામાં આવેલા સેંકડો કેદીઓની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. બંધકો અને કેદીઓની આ મહત્વપૂર્ણ આપ-લે બે વર્ષના યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી થયેલા સફળ યુદ્ધવિરામના ભાગરૂપે થઈ છે.

ટ્રમ્પ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત સમજૂતી અને યુદ્ધ બાદની યોજનાઓ અંગે ચર્ચા કરવા અન્ય નેતાઓ સાથે તેલ અવિવ પહોંચ્યા છે. હવે, બંધકોની મુક્તિ સાથે જ ગાઝાના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કારણ કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું અત્યાર સુધીનું સૌથી ઘાતક યુદ્ધ પેલેસ્ટિની વિસ્તારને ખંડેરમાં ફેરવી ગયું છે.

હવે જ્યારે યુદ્ધ સમાપ્ત થયું છે, ત્યારે અન્નસંકટગ્રસ્ત ગાઝામાં માનવીય સહાયમાં વધારો થવાની અપેક્ષા છે, જ્યાં લાખો લોકો ઘરવિહોણા બની ગયા છે.