પટનાઃ RJD નેતા તેજસ્વી યાદવે જાહેરાત કરી છે કે જો બિહારમાં તેમની સરકાર બનશે તો રાજ્યના દરેક એવા પરિવારોને સરકારી નોકરી આપવામાં આવશે, જેમના ઘરેથી હાલ કોઈ સરકારી નોકરી નથી. તેમણે કહ્યું હતું કે નવી સરકાર બન્યા બાદ 20 દિવસની અંદર આ માટે નવો અધિનિયમ બનાવવામાં આવશે અને 20 મહિનામાં બિહારમાં એવું એક પણ ઘર નહીં રહે, જેના ઘરે સરકારી નોકરી ના હોય.
તેમણે કહ્યું હતું કે આ શક્ય છે, ફક્ત ઇચ્છાશક્તિ જોઈએ. છેલ્લાં 20 વર્ષની સરકાર પાસે એ ઇચ્છાશક્તિ નહોતી. અમે જે માર્ગ બતાવ્યો તેની નકલ તેમણે કરી. અમે જે યોજનાઓ જાહેર કરી, તે સૌની નકલ તેમણે ઉતારી. લોકો છેલ્લાં 20 વર્ષથી પાકા મકાનની રાહ જોઈ રહ્યા છે. અમે 20 મહિનામાં દરેક ઘરને સરકારી નોકરી આપીશું.
20 વર્ષની એનડીએ સરકારે દરેક ઘરને પાકું મકાન કે સસ્તું રાશન પહોંચાડવામાં નિષ્ફળ રહી છે, પરંતુ અમારી સરકાર દરેક પરિવારને એક સરકારી નોકરી આપશે. નોકરીથી દરેક કમી આપોઆપ પૂરી થઈ જશે. આ સરકારે દરેક ઘરમાં સુરક્ષાનો ડર અને બેરોજગારીનો ખોફ આપ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
STORY | Will bring Act to ensure every family in Bihar has a member with govt job: Tejashwi
RJD leader Tejashwi Yadav on Thursday promised that if the INDIA bloc helmed by his party came to power in Bihar, it would “bring an Act” to ensure every family in the state had a member… pic.twitter.com/1rE9J4d5Op
તેજસ્વી યાદવે કહ્યું હતું કે દરેક ઘરને સરકારી નોકરી એટલે જશ્ન-એ-બિહાર. હવે એક કે બે લોકો નહીં, પણ આખી બિહાર સરકાર દરેક ઘરના લોકો ચલાવશે. દરેક ઘરમાં સરકારી નોકરીનો અર્થ એ છે કે દરેક ઘરની વ્યક્તિ સરકાર ચલાવવામાં ભાગ લેશે. તેમણે કહ્યું હતું કે સરકારમાં ભાગીદારી, દરેક યુવાની ભાગીદારી, તેથી તેજસ્વી સરકાર આપશે દરેક પરિવારને નોકરી સરકારી.
નવી મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથકને PM નરેન્દ્ર મોદીએ એક રંગદર્શી સમારોહમાં આજે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આજે મુંબઈને મળેલા આ બીજા આંતરરાષ્ટ્રીય વિમાની મથકની સુવિધા સાથે મુંબઈની લાંબા સમયની પ્રતીક્ષા પૂર્ણ થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ પ્રદેશને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં એક મોટી ભૂમિકા ભજવશે.
આ વિમાની મથકને ખુલ્લું મૂક્યા બાદ સંબોધન કરી રહેલા વડા પ્રધાને કહ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક એ એક એવો પ્રકલ્પ છે કે જે વિક્સિત ભારતની દ્રષ્ટિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. છત્રપતિ શિવાજી મહારાજની ધરતી ઉપર તેનું નિર્માણ થયું છે અને તેની ડિઝાઇન કમળના ફૂલની પ્રતિકૃતિ છે જે તેને સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક બનાવે છે. આ નવું વિમાની મથક મહારાષ્ટ્રના ખેડૂતોને સીધા જ યુરોપ અને મધ્ય પૂર્વના સુપર માર્કેટ સહિતના આંતરરાષ્ટ્રીય બજાર અને સપ્લાય ચેઇન સાથે જોડશે.
હવે ખેડૂતોના તાજા ફળફળાદી, શાકભાજી, ફૂલો તથા માછીમારોનાં ઉત્પાદનો ઝડપથી વિશ્વનાં બજારોમાં પહોંચવા સક્ષમ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ વિસ્તારના નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે આ આંતરમાળખું તેમના પરિવહનના ખર્ચને ઘટાડશે. તદુપરાંત રોકાણોમાં વૃદ્ધિને આકર્ષવા સાથે નવા ઉદ્યોગો અને સાહસોનું પ્રેરક બળ બનશે. આ નવા એરપોર્ટની સ્થાપના માટે તેમણે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકોને હાર્દિક અભિનંદન આપ્યાં હતાં.
नवी मुंबईतील नवीन विमानतळामुळे मुंबई महानगर प्रदेशातील संपर्क जोडणीचा विस्तार होईल आणि शहरी पायाभूत सोयीसुविधांनाही चालना मिळेल. आज या विमानतळाच्या फेज-1 चे उद्घाटन करून आनंद झाला. pic.twitter.com/1KCJ7FxdLd
વડા પ્રધાને એરપોર્ટમાં ઊભી કરાયેલી વિશ્વ કક્ષાની સુવિધાઓની મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવૃત, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિન્જારાપુ, નાયબ મુખ્ય મંત્રીઓ અજિત પવાર, એકનાથ શિંદે, કેન્દ્રના નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહન અને અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર જિત અદાણી હતા.
NMIA ને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ની પેટાકંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) વચ્ચે એક સીમાચિહ્નરૂપ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-નિર્માણ વિઝનમાં એક મોટું પગલું રજૂ કરે છે, જે સરકારના વિકાસ ભારત 2047ના એજન્ડાને પ્રતિબિંબિત કરે છે.
ગુલઝારે સાહિત્ય અને સિનેમા પર વાત કરી હતી. તેમણે ભારતીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે એ.આર. રહેમાનને શ્રેય આપ્યો.
ગુલઝાર બોલિવૂડના સૌથી સફળ ગીતકારોમાંના એક છે. તેમણે ‘કિતાબ’, ‘કિનારા’, અને ‘મૌસમ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તાજેતરમાં, તેમણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે તેમને ફિલ્મોમાં રસ નથી. તેમનો પહેલો પ્રેમ સાહિત્ય છે.
બુધવારે સાંજે ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની ફિલ્મ સંસ્થા વ્હિસલિંગ વુડ્સમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુલઝારે કહ્યું કે એક વાચક અને લેખક બનવાનું સ્વપ્ન જોનાર વ્યક્તિ તરીકે, તેઓ પુસ્તકો તરફ આકર્ષાયા હતા.
ગુલઝારને સિનેમામાં કોઈ રસ નહોતો
ગુલઝારે કહ્યું કે હું ક્યારેય સિનેમામાં આવવા માંગતો ન હતો, કે સિનેમા માટે લખવા માંગતો ન હતો. હું તેનો ઇનકાર કરતો હતો. મને પુસ્તકોનો ખૂબ શોખ હતો. તેમણે વધુમાં કહ્યું કે હું ફિલ્મો જોતો હતો,પણ મને સિનેમા પ્રત્યે એટલો પ્રેમ નહોતો કે હું દિગ્દર્શક બની શકું. તે ત્યારે શરૂ થયું જ્યારે હું સિનેમામાં પ્રવેશ્યો.
સંગીત અને કવિતા પર વાત કરતા તેમણે કહ્યું કે “સંગીત અને કવિતા મહત્વપૂર્ણ છે. તે સિનેમામાં આપણી સાથે છે કારણ કે તે આપણી સંસ્કૃતિનો ભાગ છે. તે પેઢી દર પેઢી પસાર થયા છે. બંને માધ્યમો આજે પણ યાદ કરવામાં આવે છે.”
એ.આર. રહેમાનની પ્રશંસા
ગુલઝારે ભારતીય સંગીતને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાનો શ્રેય એ.આર. રહેમાનને આપ્યો. તેમણે કહ્યું, “શરૂઆતમાં, જ્યારે અમે આંતરરાષ્ટ્રીય બજારોમાં ફિલ્મો મોકલી હતી, ત્યારે ફિલ્મોમાંથી ગીતો દૂર કરવામાં આવતા હતા. પરંતુ આજે, ભારતીય સંગીત ચરમસીમાએ પહોંચી ગયું છે અને ગીતોની માંગ વધી રહી છે. આનો શ્રેય એ.આર. રહેમાનને જાય છે.”ગુલઝારે એ.આર. રહેમાન સાથે “જય હો,” “છૈયા છૈયા,” અને “તેરે બીના” જેવા ગીતો પર કામ કર્યું છે.
ગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત
સ્વતંત્રતા પહેલાના પંજાબ (હવે પાકિસ્તાનમાં) માં સંપૂર્ણ સિંહ કાલરા તરીકે જન્મેલા, ગુલઝારને ભારતીય સિનેમાના મહાન વાર્તાકારોમાંના એક માનવામાં આવે છે. ગુલઝારે “રવિ પાર,” “ત્રિવેણી,” અને “બોસ્કી કા પંચતંત્ર” જેવા પુસ્તકો લખ્યા છે.તેમણે ૧૯૫૬ માં બિમલ રોયની ‘બંદિની’ (૧૯૬૩) થી ગીતકાર તરીકેની શરૂઆત કરી હતી, જેમાં તેમણે ‘મોરા ગોરા અંગ લાઈ લે’ ગીત લખ્યું હતું.
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાતને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ન તો NDAમાં અને ન મહાગઠબંધનમાં બેઠકોને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. બધા પક્ષો એકબીજા સાથે સોદાબાજીમાં વ્યસ્ત છે. ચિરાગ પાસવાનની LJP (રામવિલાસ) અને જીતન રામ માંઝીની હમ પાર્ટી ભાજપ સાથે વાટાઘાટોમાં લાગી છે. બીજી તરફ, મહાગઠબંધનમાં VIP પાર્ટીના પ્રમુખ મુકેશ સહની RJD સાથે ચર્ચા કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પણ આરજેડી સાથે બેઠકોને લઈને સખત વાટાઘાટ કરી રહી છે. આ વખતે કોંગ્રેસ જિતાવી શકે તેવી બેઠકો પર નજર માંડીને બેઠી છે.
ભાજપમાં કેવી હલચલ
ભાજપ પોતાના સહયોગી ચિરાગ પાસવાનને મનાવવા માટે પ્રયત્નશીલ છે. ચિરાગ સાથે ભાજપ બીજી રાઉન્ડની વાતચીત કરવાની છે. ચિરાગ હાલ દિલ્હીમાં છે અને તેમની સાથે બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, વિનોદ તાવડે અને મંગલ પાંડે મુલાકાત કરશે. ચિરાગે આજ કહ્યું છે કે ચર્ચા ચાલુ છે. બીજી તરફ, નારાજ જીતન રામ માંઝીને મનાવવા માટે ભાજપપ્રમુખ જે.પી. નડ્ડાએ જાતે વાત કરી છે. ભાજપ માંઝીને વિશ્વાસ અપાવી રહી છે કે તેમનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.
આ ઉપરાંત ભાજપે તમામ વિધાનસભા બેઠકો માટે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામ તૈયાર કર્યા છે. જલ્દી જ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે અને તેમાં અંતિમ નામોને મંજૂરી આપવામાં આવશે.
ચિરાગની નારાજગી કેવી રીતે દૂર થશે?
ભાજપ માટે સૌથી મોટી મુશ્કેલી ચિરાગ પાસવાનને મનાવવામાં છે. ચિરાગ ભાજપ પાસેથી 30થી વધુ બેઠકોની માગ કરી રહ્યા છે. ચિરાગે જણાવ્યું હતું કે ભાજપ સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે મારા પર ઘણી જવાબદારીઓ છે. જેટલા સમય સુધી હું મંત્રી છું, તેટલા સમય સુધી મંત્રાલયની જવાબદારી પણ મારી છે, તેથી હું તે કામ પણ જોઈ રહ્યો છું.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહને અંડરવર્લ્ડ તરફથી રૂ. પાંચ કરોડની ખંડણીની ધમકી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે ખુલાસો કર્યો છે કે આ ધમકી કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ ફરાર ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ એટલે કે ‘ડી કંપની’ તરફથી અપાઈ હતી. માહિતી મુજબ, રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને ફેબ્રુઆરીથી એપ્રિલ 2025 વચ્ચે ત્રણ અલગ-અલગ ધમકીભર્યા સંદેશ મોકલવામાં આવ્યા હતા.
રિન્કુ સિંહને નહીં, પરંતુ તેમની ટીમને બનાવાઈ ટારગેટ
આ ધમકીભર્યા સંદેશ સીધા રિન્કુ સિંહને નહીં પરંતુ તેમની પ્રમોશનલ ટીમને મોકલવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે આ કેસ એક વિશાળ રેકેટ સાથે જોડાયેલો છે, કારણ કે આ જ પ્રકારના ધમકીભર્યા ઈમેઈલ જિશાન સિદ્દીકીને પણ મળ્યા હતા. જિશાન સિદ્દીકીના પિતા અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી તેમને રૂ. 10 કરોડની ખંડણી માટે ધમકી મળી હતી. આ કેસમાં ઈન્ટરપોલની મદદથી ત્રિનિદાદ અને ટોબેગોથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવેદને પહેલેથી જ પકડવામાં આવ્યા છે. જિશાનને આ ધમકીભર્યા ઈમેઈલ 19થી 21 એપ્રિલ દરમિયાન મળ્યા હતા, જેમાં ખંડણી ન આપવાની સ્થિતિમાં ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી.
સામાન્ય પરિવારમાંથી આવે છે રિન્કુ સિંહ
ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરના રહેવાસી રિન્કુ સિંહનો ભારતીય ટીમ સુધીનો સફર સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. તેમના પિતા ખાનચંદ સિંહ, એક સમય ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને કારણે રિન્કુ સિંહને બાળપણમાં તેમના પિતાથી માર પણ પડતો, પરંતુ તેણે હાર માની નહોતી અને પોતાની મહેનતને બળે પહેલાં IPL અને ત્યાર બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમર ભારતની મુલાકાતે છે. આ દરમિયાન મુંબઈમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વિઝન 2035 રોડમેપ હેઠળ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. આ વાટાઘાટો વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, આબોહવા અને શિક્ષણમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદી અને સ્ટારમર ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં પણ ભાગ લેશે, જેમાં સીઈઓ ફોરમનો સમાવેશ થાય છે.
ભારત અને યુકે વચ્ચે મજબૂત ભાગીદારી મજબૂત થશે
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિશ્વભરના અર્થતંત્રોમાં અસ્થિરતાનું કારણ બની રહી છે. આ વૈશ્વિક આર્થિક ઉથલપાથલ વચ્ચે ભારત અને યુકે વચ્ચે મજબૂત ભાગીદારીની આશા વધી છે. બુધવારે અગાઉ પીએમ સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત-યુકે મુક્ત વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકો અનોખી છે. વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી સ્ટાર્મર બુધવારે ભારતની તેમની પ્રથમ મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા હતા.
કીર સ્ટાર્મરે શું કહ્યું?
કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ વેપાર કરાર ભારત સાથે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે “લોન્ચપેડ” છે, જે 2028 સુધીમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવાનો અંદાજ છે. સ્ટાર્મરની સાથે 125 સભ્યોનું પ્રતિનિધિમંડળ છે, જેમાં ટોચના બ્રિટિશ બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સનો સમાવેશ થાય છે.
યુકે અને ભારત વચ્ચે એક મોટો વેપાર કરાર થયો છે
બ્રિટિશ વડા પ્રધાને કહ્યું,”અમે જુલાઈમાં ભારત સાથે એક મોટો વેપાર કરાર કર્યો હતો, જે કોઈપણ દેશ દ્વારા અત્યાર સુધીનો શ્રેષ્ઠ કરાર છે, પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી.” તેમણે ઉમેર્યું,”આ ફક્ત કાગળનો ટુકડો નથી; તે વિકાસ માટે એક લોન્ચપેડ છે. ભારત 2028 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે, અને તેની સાથે વેપાર ઝડપી અને સસ્તો બનવા માટે તૈયાર છે, તેથી જે તકો ઊભી થશે તે અજોડ છે.” સ્ટાર્મરે કહ્યું કે ભારતમાં વૃદ્ધિનો અર્થ બ્રિટિશ લોકો માટે ઘરે વધુ પસંદગી, સ્થિરતા અને રોજગાર છે. બ્રિટિશ વડા પ્રધાનની ભારત મુલાકાતના અઢી મહિના પહેલા બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચેની વાટાઘાટો અંગે બ્રિટિશ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી યુકે-ભારત સંબંધો વધુ મજબૂત બનશે. બંને નેતાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલિકોમ્યુનિકેશન અને સંરક્ષણ ટેકનોલોજીમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાનો હેતુ રાખશે જેથી વ્યવસાયો માટે નવા રોકાણ અને વૃદ્ધિની તકો ઊભી થાય. ભારત ઝડપથી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી ખેલાડીઓમાંનો એક બની રહ્યું છે અને 2030 સુધીમાં ટેકનોલોજી ક્ષેત્ર £1 ટ્રિલિયનનું થવાની ધારણા છે.
જીવન નદીની જેમ એક વહેતો પ્રવાહ છે. જેમ નદીનાં વહેતાં વહેણ પથ્થર સાથે અફળાય ટકરાય, ક્યારેક માર્ગ વળોટે, પણ અટકે નહીં, એવી જ રીતે પ્રગતિને પણ ફુલસ્ટોપ નથી. એમાં માત્ર કોમા હોય છે, જે આગળની નવી શરૂઆત તરફ ઈશારો કરે છે, કારણ જીવતો છે એ શીખતો રહે છે અને જે શીખતો રહે છે એ સતત આગળ વધતો રહે છે. આ દુનિયામાં ફુલસ્ટોપ માત્ર વાક્યો માટે છે, સપનાં માટે, મહત્વાકાંક્ષા માટે નહીં. પ્રગતિ એ એવો પ્રવાસ છે, જેમાં સમાપ્ત શબ્દ અસ્તિત્વ જ ધરાવતો નથી. નવી ટેકનિક, નવા વિચાર, નવી દ્રષ્ટિ, નવી ઊંચાઈને સ્પર્શવા દરેક પડાવ પર માણસ ફરી જન્મે છે.
હમણાં છાપાંમાં દુનિયાના ધનાઢ્યો કેટલા ને કોણ એ વિશે સમાચાર વાંચ્યા. આવા સમાચાર આવે ત્યારે કોઈ ને કોઈ તો ટીકા કરે જ કે હજારો, કરોડો રૂપિયા છે, પણ આ લોકોને હજી કમાવું છે. આવા લોકો ધનાઢ્યો દ્વારા દેશના આર્થિક સામાજિક વિકાસ, નોકરીની તકો, વગેરેને ભૂલી જાય છે, પણ આપણો વિષય એ નથી. પણ એ પહેલાં આ પ્રેરણાદાયી દષ્ટાંતકથા જુઓઃ
એક નાનકડા ગામમાં કુશળ શિલ્પકાર રહે. ચિત્રવિચિત્ર આકારના પથ્થરોમાંથી સુંદર મૂર્તિ ઘડવામાં એનો જોટો ન જડે. શિલ્પકારની કળાને નિહાળતાં સૌ મૂર્તિમંત થઈ જતા. વખત જતાં શિલ્પકારનો પુત્ર પણ શિલ્પકળામાં પ્રવીણ બન્યો, પરંતુ તે કોઈ પણ મૂર્તિ બનાવે તો પિતા એમાં કોઈ ને કોઈ ભૂલ બતાવતા. આથી પુત્રને કાયમ અસંતોષ રહ્યા કરતો. અંતે તેણે એક યુક્તિ કરી. પોતે જ બનાવેલી એક મૂર્તિ લઈ તે પિતા પાસે ગયો અને કહ્યું: “પિતાજી, આજે સવારે માટી ખોદતાં જમીનમાંથી મને આ મૂર્તિ મળી. સુંદર છે નહીં?’ પિતાએ મૂર્તિનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું: ‘બેટા, તારે આવી મૂર્તિ બનાવતાં શીખવાનું છે.’ દીકરાએ ફોડ પાડ્યો કે ‘આ મારી જ બનાવેલી મૂર્તિ છે.’
ઊંડા નિસાસા સાથે પિતાએ કહ્યું: ‘બેટા, તારી પ્રગતિ અટકી ગઈ, કારણ કે તું તારા કાર્યથી સંતુષ્ટ થઈ ગયો.’
ખરેખર પ્રગતિના પંથે સંતોષ સૌથી મોટું વિઘ્ન છે. વિશ્વવિખ્યાત ક્રિકેટર સચીન તેંડુલકરે એક વાર કહેલું કે, ‘વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હું છું એવું માનવા લાગીશ તે દિવસે મારી કારકિર્દીનો અંત આવી જશે.’ આ વાક્ય એ કેવળ બોલ્યા નથી, પણ તેમના જીવનમાં પણ દેખાય છે.
વ્યક્તિગત અનુભવોની સાથે જ્યારે માનવજાતના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આ જ હકીકત નજરે ચડે છે. એક સમયે જંગલમાં લાકડાં સળગાવીને રસોઈ તો બનતી જ હતી. ઘાસના ઝૂંપડામાં ઊંઘ તો આવતી જ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડાંમાં પણ જઈ શકાતું હતું, પરંતુ મનુષ્ય ત્યાં અટક્યો નહીં. આથી જ આજે બહુમાળી ઈમારતો, જાતજાતની વાનગીઓ અને ટ્રેનથી લઈને પ્લેન સુધીની વ્યવસ્થા છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. અને વિજ્ઞાન ભવિષ્યમાં હજુ ઊંચી ઉડાન ભરવાનું છે એ નિર્વિવાદ હકીકત છે.
અમેરિકામાં રૉલ્સરોય કંપની પોતાની પ્રથમ રજૂ કરી રહી હતી ત્યારે એની જાહેરાતમાં લખવામાં આવ્યું કેઃ
‘આ ગાડી પ્રતિ કલાક 60 માઈલની ગતિએ દોડતી હશે ત્યારે તેમાંથી એક જ અવાજ સંભળાતો હશેઃ ગાડીમાં બેસનારની કાંડાઘડિયાળની ટિકટિકનો.’
વિચાર કરો, જે જમાનામાં ગાડી સ્ટાર્ટ કરતાં એન્જિનના અવાજથી આખો વિસ્તાર ખળભળી ઊઠે તે જમાનામાં આ ગાડી આશ્ચર્ય ઊપજાવે તેવી હતી. કારઉત્પાદકનું કહેવું હતું કે અમારી કાર જરાયે અવાજ નહીં કરે. જો કે પોતાની કારની જાહેરાતમાં ઘડિયાળનો અવાજ સંભળાતો હશે એ વાક્ય કારઉત્પાદકોને ગમ્યું નહીં. એમણે નક્કી કર્યુ કે એન્જિન સ્ટાર્ટ કરતાં ઘડિયાળનો અવાજ પણ સંભળાવો ન જોઈએ. આવા દીર્ઘદ્રષ્ટા અસંતુષ્ટો થકી જ આજે એ કારની કીર્તિ દુનિયામાં પ્રસરી છે.
આજે સમગ્ર જગતમાં વિસ્તરતી બી.એ.પી.એસ. સંસ્થાને કક્ષાએ લઈ જનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આ જ આ સિદ્ધાંતને અનુસરતું રહ્યું હતું. આવા મહાપુરુષોને જોઈને જ કદાચ કહેવત પડી હશેઃ સુધારાને કોઈ સરહદ નથી અને પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
લખનૌઃ BSPના સ્થાપક કાંશીરામની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી સભામાં BSPપ્રમુખ માયાવતીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે SP સત્તામાં હોય છે ત્યારે તેના નેતાઓને કાંશીરામ અને દલિતોની યાદ આવતી નથી, પરંતુ સત્તાથી દૂર થયા પછી દલિત પ્રેમ બતાવે છે.
તમે સૌ જાણો છો કે તેમના (કાંશીરામના) સન્માનમાં બનેલા આ સ્થળ (કાંશીરામ સ્મારક)ના કેટલાક ભાગોની મરામતમાં વિલંબને કારણે તમે છેલ્લા કેટલાક સમયથી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શક્યા નહોતા,. પરંતુ હવે મોટાભાગનું મરામત કાર્ય પૂર્ણ થઈ ગયાના બાદ આ વખતે મારી સાથે લાખો લોકોની ભીડ એકત્ર થઈ છે. જે અગાઉના તમામ રેકોર્ડ તોડી ગઈ છે — શ્રદ્ધેય કાંશીરામજીને શ્રદ્ધાંજલિ આપવા માટે.
Lucknow, Uttar Pradesh: Huge crowd gathers for BSP’s Maha Rally to be addressed by BSP Chief Mayawati
દુર્ભાગ્યની વાત છે કે વર્તમાન ભાજપ સરકાર પહેલાં જ્યારે સમાજવાદી પાર્ટી સત્તામાં હતી, ત્યારે તેમણે ટિકિટમાંથી મળતી આવક રોકી લીધી હતી અને જાળવણી માટે એક રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. માયાવતીએ યોગી સરકારની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે અમે વર્તમાન રાજ્ય સરકારના ખૂબ આભારી છીએ, કારણ કે અગાઉની સમાજવાદી પાર્ટી સરકારથી વિપરીત, જેમણે આ સ્થળે મુલાકાતીઓ પાસેથી ટિકિટ લેવાની મનાઈ મૂકી હતી, વર્તમાન ભાજપ સરકારએ ફક્ત તેની મંજૂરી જ આપી નથી, પણ સ્મારકની મરામત અને જાળવણી માટે પૂરતો નાણાકીય સહયોગ પણ આપ્યો છે.
માયાવતીએ અખિલેશ યાદવને સંબોધીને કહ્યું હતું કે જો તમે ખરેખર આદરણીય કાંશીરામજી માટે એટલું સન્માન અને શ્રદ્ધા ધરાવો છો, તો જ્યારે મારી સરકાર સત્તામાં હતી ત્યારે અમે અલીગઢ મંડળમાં કાસગંજને અલગ જિલ્લો બનાવી તેનું નામ ‘આદરણીય કાંશીરામજી નગર’ રાખ્યું હતું, પરંતુ જેવી સમાજવાદી પાર્ટી સત્તામાં આવી, તેમણે તેનું નામ બદલી નાખ્યું… જ્યારે તેઓ સત્તામાં હોય છે, ત્યારે તેમને ન તો પીડીએ, ન તો મહાન સંતો, ગુરુઓ અને નેતાઓ યાદ આવે છે, ન તો તેમનો સન્માન કરે છે. પરંતુ સત્તાથી બહાર થયા પછી અચાનક જ અમારા સંતો, ગુરુઓ અને મહાન નેતાઓ યાદ આવવા લાગે છે. લોકોને આવા ‘બેમોઢા’ લોકો સામે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.
નવી દિલ્હીઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રા ફરી એક વાર નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. વરસાદ અને હિમવર્ષા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો થયો નથી. કેદારનાથ ધામમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યાએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધીમાં 16.56 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાં દર્શન કરી ચૂક્યાં છે, જ્યારે વર્ષ 2024માં યાત્રાકાળ દરમિયાન 16.52 લાખ યાત્રી પહોંચ્યા હતા.
કેદારનાથમાં પહોંચ્યા 5614 શ્રદ્ધાળુઓ
બુધવારે કેદારનાથ ધામમાં 5614 શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યાં હતાં. કેદારનાથ ધામના કપાટ 23 ઓક્ટોબર, ભાઈબીજના દિવસે બંધ થશે, એટલે કે યાત્રા હજી 15 દિવસ સુધી ચાલુ રહેશે. તેથી અનુમાન છે કે આ વર્ષે યાત્રિકોની સંખ્યા 17 લાખને પાર થશે.
અન્ય ધામોમાં પણ વધતી ભીડ
માત્ર કેદારનાથ જ નહીં, પરંતુ બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામોમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મોન્સૂન સીઝન દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનથી યાત્રા પ્રભાવિત થઈ હતી, છતાં હવે ચારધામ યાત્રાએ ફરી ગતિ પકડી છે.
રાજ્ય સરકાર તરફથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મજબૂત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રામાર્ગ પર સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં તરત મદદ પહોંચી શકે. એ સાથે જ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં કાદવ અને કાટમાળ દૂર કરવા માટે JCB મશીનો તૈનાત કરવામાં આવ્યાં છે, જેથી ટ્રાફિક સુચારુ રહે.
પ્રશાસને યુદ્ધસ્તરે યાત્રા પુનઃ શરૂ કરી
વરસાદ થંભ્યા બાદ શાસન અને પ્રશાસન ટીમોએ યુદ્ધ સ્તરે રાહત અને પુનઃસ્થાપનનું કાર્ય શરૂ કર્યું. સામાન્ય જનજીવન સાથે યાત્રામાર્ગોને પણ ઝડપથી સુચારુ બનાવવામાં આવ્યા. ત્યાર બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવી અને સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા.
યાત્રિકોને સાવચેતી રાખવાની અપીલ
પ્રશાસને યાત્રિકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનની પરિસ્થિતિમાં યાત્રાથી બચવું અને જો યાત્રામાર્ગમાં ફસાઈ ગયા હોય તો સુરક્ષિત જગ્યાએ આશરો લેવો. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી કેટલાક દિવસો સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા યથાવત્ રહેશે.