Home Blog Page 551

રૂ. 60 કરોડ જમા કર્યા વગર વિદેશ નહીં જઈ શકે શિલ્પા શેટ્ટીઃ HC

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ઓછી નથી થતી. બોમ્બે હાઈકોર્ટે આજે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના રૂ. 60 કરોડના કહેવાતા છેતરપિંડી કેસમાં સુનાવણી કરી છે. કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાને કહ્યું છે કે જો તેઓ લોસ એન્જેલસ અને અન્ય દેશોની મુસાફરી કરવા માગે છે તો પહેલાં તેમણે રૂ. 60 કરોડની રકમ જમા કરવી પડશે.

આ આદેશ એ અરજી બાદ આવ્યો છે, જેમાં દંપતીએ તેમના વિરુદ્ધ દાખલ રૂ. 60 કરોડની કહેવાતી છેતરપિંડીના કેસમાં જારી કરાયેલા લુકઆઉટ સર્ક્યુલર (LOC)ને રદ કરવાની માગ કરી હતી.આગલી સુનાવણી ક્યારે થશે?

આ કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબર, 2025એ થશે. કોર્ટની આ શરત તે સમયે આવી છે જ્યારે મુંબઈ પોલીસની આર્થિક ગુનો શાખા (EOW)  રૂ. 60 કરોડની કહેવાતી છેતરપિંડીના કેસમાં તપાસ કરી રહી છે. આ કપલે વ્યાવસાયિક અને ખાનગી મુસાફરી માટે લોસ એન્જેલસ જવાની કોર્ટ પાસે પરવાનગી માગી હતી, પરંતુ ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે મોટી જમાનત રકમ વિના મુસાફરીની મંજૂરી આપી શકાતી નથી.

શું છે આખો કેસ?

આ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ દીપક કોઠારીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર રૂ. 60 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. કોઠારીના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ 2015 થી 2023 વચ્ચે બની હતી. તેમણે દાવો કર્યો કે દંપતીએ તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ માટે રૂ. 75 કરોડની લોન માટે તેમની પાસે સંપર્ક કર્યો હતો. આ કંપની લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ચલાવવા માટે શરૂ કરવામાં આવી હતી.

 

સમીર વાનખેડે કેસમાં શાહરૂખ ખાનની રેડ ચિલીઝને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું

દિલ્હી હાઈકોર્ટે સમીર વાનખેડે દ્વારા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્યો વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીમાં સમન્સ જારી કર્યા છે. આ મામલાની સુનાવણી 30 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે.

 

દિલ્હી હાઈકોર્ટે બુધવાર, 8 ઓક્ટોબરના રોજ ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે દ્વારા શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ સામે આર્યન ખાન દિગ્દર્શિત વેબ સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલીવુડ” માં વાનખેડેના પાત્રને લઈને દાખલ કરાયેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું.

આગામી સુનાવણી ક્યારે થશે?

હાઈકોર્ટે રેડ ચિલીઝ, નેટફ્લિક્સ, એક્સ (અગાઉ ટ્વિટર), ગૂગલ, મેટા અને અન્ય કંપનીઓને સાત દિવસમાં તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું છે. આગામી સુનાવણી 30 ઓક્ટોબરે યોજાશે. વાનખેડેએ 2 કરોડના નુકસાનની માંગણી કરી છે, જે તેઓ ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરવાનો ઇરાદો ધરાવે છે. તેમની અરજીમાં જણાવાયું છે કે આ સીરિઝ ડ્રગ વિરોધી એજન્સીઓને નકારાત્મક રીતે રજૂ કરે છે, જેનાથી કાયદામાં લોકોનો વિશ્વાસ ઓછો થાય છે.

અરજીનો આધાર શું છે?

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સીરિઝ જાણી જોઈને વાનખેડેની છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવી હતી, ખાસ કરીને જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટે હજુ સુધી કોઈ વચગાળાનો આદેશ જારી કર્યો નથી અને વાનખેડેની કેટલીક વેબસાઇટ્સ પરથી કથિત રીતે વાંધાજનક સામગ્રી દૂર કરવાની વિનંતીનો જવાબ પણ માંગ્યો છે.

શું છે આખો મામલો?
દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ ખાન, તેમની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સને IRS અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં નોટિસ ફટકારી છે. વાનખેડેનો આરોપ છે કે વેબ સિરીઝ “ધ બેડ્ઝ ઓફ બોલિવૂડ” માં તેમની છબી ખરડાઈ છે.

સુરતની એક ‘ઘરકામવાળી’એ ખરીદ્યો રૂ. 60 લાખનો ફ્લેટ

સુરતઃ દેશમાં ઘર ખરીદવું એ કોઈ મોટા સપનાથી ઓછું નથી. મોંઘી મિલકતની કિંમતો, લાંબા EMI અને ઈન્ટિરિયરનો ખર્ચ – આ બધું મળીને ઘર લેવાનું વધુ મુશ્કેલ બનાવી દે છે. એવા સમયમાં જ્યારે એક કન્ટેન્ટ ક્રિયેટર (સામગ્રી સર્જક)ની ઘર કામવાળી બહેને માત્ર રૂ. 10 લાખના લોનથી સુરતમાં રૂ. 60 લાખનો 3 BHK ફ્લેટ ખરીદ્યો, ત્યારે સોશિયલ મિડિયામાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.

કન્ટેન્ટ ક્રિયેટર નલિની ઉંગારે સોશિયલ મિડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે એક સવારે તેમની હાઉસ હેલ્પ ખૂબ ખુશીથી ચમકતી આવી અને કહેવા લાગી કે તેણે સુરતમાં રૂ. 60 લાખનો ફ્લેટ ખરીદ્યો છે. એ સાથે જ તેણે રૂ. 4 લાખ ફર્નિચર પર ખર્ચ્યા અને માત્ર રૂ. 10 લાખનું લોન લીધી હતી. નલિનીએ કહ્યું હતું કે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ છું.

એ પછી જાણવા મળ્યું હતું કે આ તેની પહેલી સંપત્તિ નહોતી. તે મહિલાની પાસે પહેલાથી જ વેલંજા ગામ (ગુજરાત)માં બે માળનું ઘર અને એક દુકાન છે, જે ભાડે અપાયેલાં છે. નલિનીએ કહ્યું હતું કે આ સાંભળીને તે હક્કાબક્કા રહી ગઈ છે – એવી જ પ્રતિક્રિયા ઓનલાઈન યુઝર્સની પણ હતી.

ઇન્ટરનેટ પરની પ્રતિક્રિયાઓ

સોશિયલ મિડિયા પર લોકોએ તેની આર્થિક સમજદારી અને બચત કરવાની દૃષ્ટિની પ્રશંસા કરી. નલિનીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ જાદુ કે ભાગ્યનો ખેલ નથી, પરંતુ સમજદારીપૂર્વક બચત કરવી અને બિનજરૂરી ખર્ચથી બચવાનું પરિણામ છે. તેણે કહ્યું કે સમાજમાં ઘણી વાર એવી માન્યતા હોય છે કે ઘરકામદારો ગરીબ હોય છે, પરંતુ ઘણા લોકો પૈસા સાચવીને અને બચત કરીને જીવનમાં મોટા નિર્ણયો લે છે.

કેટલાંક યુઝર્સે પોતાના અનુભવો પણ શેર કર્યા — જેમ કે તેમના વિસ્તારમાં ચા સ્ટોલ ધરાવતો માણસ બે બંગલાનો માલિક છે અને તેનાં બાળકો વિદેશમાં ભણે છે, પરંતુ તે આજે પણ ખૂબ સાદગીથી જીવન જીવે છે. આ વાતથી સંદેશ એ છે કે મોટી મિલકત અને આરામદાયક જીવન માટે દેખાવ જરૂરી નથી. સતત બચત, યોગ્ય રોકાણ અને ધીરજથી કોઈ પણ વ્યક્તિ પોતાના આર્થિક લક્ષ્યો હાંસલ કરી શકે છે.

સીટ વહેંચણી મુદ્દે ચિરાગે પાસવાને ભાજપ, JDUની વધારી ચિંતા

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનના ચક્રવ્યૂહમાં ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ચિરાગ પાસવાન અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠેલી બે બેઠકમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નહોતી. આ બેઠકમાં LJP ના નેતાઓએ લોકસભા ચૂંટણીમાં જીતેલી પાંચ બેઠકોમાંથી દરેક બેઠક પરની બે વિધાનસભા બેઠકો ઉપરાંત તે બેઠકો પર પણ દાવો કર્યો છે, જ્યાં હાલ ભાજપ અથવા જનતા દળ (એક્ય)ના વિધાયકો છે. ચિરાગ પાસવાનનાં નિવેદનોને લઈને ભાજપ અને JDU પહેલેથી જ ગૂંચવણમાં છે.

વાસ્તવમાં ગયા મહિને જ ચિરાગ પાસવાને રાજ્ય સરકાર અને CM નીતીશકુમારની આકરી ટીકા કરી હતી, પરંતુ ચૂંટણીમાં NDAની જીતનો દાવો પણ કર્યો હતો. સપ્ટેમ્બરના અંતમાં પટનામાં વેપારી ગોપાલ ખેમકાની હત્યા બાદ ચિરાગ પાસવાને બિહારની કાનૂન-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બિહારમાં કાનૂન-વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. મને ખેદ છે કે હું એવી સરકારનો ભાગ છું, જે ગુનાખોરી કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. ત્યાર બાદ તેમણે CM નીતીશકુમાર પર ‘ડબલ સ્પીક’નો આરોપ મૂક્યો હતો.

સહમતી પછી થશે નક્કી

ચિરાગ પાસવાને ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ પ્રભારી વિનોદ તાવડે અને મંગલ પાંડે સાથે એક કલાક સુધી ચર્ચા કરી હતી પ્રધાન અને તાવડે તેમની સાથે ઘરે પણ મળ્યા હતા. આ દરમિયાન પાર્ટી તરફથી જીતેલી લોકસભા બેઠકોની દરેક પર બે વિધાનસભા બેઠકો, મોટા નેતાઓ માટે ખાસ બેઠક અને ગયા વિધાનસભા ચૂંટણીના પ્રદર્શનના આધારે બેઠકો નક્કી કરવાની માગ રાખવામાં આવી હતી. પાર્ટી ઓછામાં ઓછી 40 બેઠકોની દાવેદારી કરી રહી છે.

જીતનરામ માઝી પણ અડગ

હિંદુસ્તાની અવામ મોરચા (હમ)ના પ્રમુખ જીતનરામ માઝી સાથે પણ ભાજપના નેતાઓની બેઠક થઈ હતી. પાર્ટીનાં સૂત્રો મુજબ હમ ઓછામાં ઓછી 12 બેઠકોની દાવેદારી કરી રહી છે, જ્યારે ભાજપ સાત આપવા તૈયાર છે. આ પ્રસ્તાવને હમે નકારી કાઢ્યો છે. હમનું કહેવું છે કે ગયા વખતમાં તે આઠ બેઠકો પર લડી હતી.

 

જીવન એક શાશ્વત ધારા

“કોઈ અલગ નથી. બધા મારા છે, મારા પોતાના છે.” આ લાગણી, આ દ્રષ્ટિકોણ જ સત્સંગ છે. સત્સંગનો અર્થ ફક્ત ભજન ગાવાનો નથી. તેનો શાબ્દિક અર્થ પણ આ છે – સત્યનો સંગ. સત્ય શું છે? “કોઈ પણ અલગ નથી. શીખ હોય, ખ્રિસ્તી હોય, હિન્દુ હોય કે મુસ્લિમ – બધા જીવો, બધા માનવીઓ તે એકજ દિવ્ય શક્તિના અંશ છે.

વેદોએ તેને આ રીતે વ્યક્ત કર્યું છે – ‘સકલ વેદ પ્રતિપદ્ય આત્મરૂપમ્’ – મારી અંદર જે છુપાયેલ છે. તે ઉર્જાને ઓળખો. પછી ચહેરા પર છીનવી ન શકાય એવું એક સ્મિત હશે. શું આપણે જીવનમાં એ જ નથી ઇચ્છતા – એક સ્મિત જે ક્યારેય ઝાંખું ન થાય, એક પ્રેમ જે ક્યારેય ઓછો ના પડે, એક જીવન જે ક્યારેય તૂટતું નથી? તે ક્યારેય તૂટતું નથી, પરંતુ એવું લાગે છે કે તે તૂટી ગયું છે.

જીવન એક શાશ્વત ધારા છે. આપણે સદીઓથી અહીં આવી રહ્યા છીએ. તમે અહીં ઘણી વખત આવ્યા છો, અને અમે પણ. આપણે બધા આ ગ્રહ પર ઘણી વખત આવ્યા છીએ. તમે ફક્ત ભૂલી ગયા છો. તેથી જ તમે તણાવમાં કે દુઃખી છો. જો કે, સાધના, ધ્યાન, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા કરવાનું શરૂ કરતાની સાથે જ એક નવી રોશની દેખાય છે. કોઈ કહે છે, ‘વાહ! હું કોઈ કારણ કે તર્ક વગર દુઃખી હતો.’ તમારી પાસે ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે તે પરિસ્થિતિને એક પગથિયું બનાવી શકો છો.

તમારા વિકાસ માટે તમે ચોક્કસપણે સુખદ પરિસ્થિતિઓનો ઉપયોગ કરી શકો છો, તમે અપ્રિય પરિસ્થિતિઓને તમારા આગામી વિકાસ માટે એક પગથિયું પણ બનાવી શકો છો. આ જ્ઞાન જાગૃત થવું જોઈએ. જ્યારે આપણે બદલાઈએ છીએ, ત્યારબાદ આપણે બીજાને પ્રેરણા આપી શકીએ છીએ.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

Indian Air Force Day: 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ કેમ ઉજવવામાં આવે છે?

આજે ભારતીય વાયુસેના (Indian Air Force)નો 93મો સ્થાપના દિવસ છે. દર વર્ષે 8 ઓક્ટોબરે દેશભરમાં ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના બહાદુર પાઇલટ્સ અદ્ભુત હવાઈ કરતબો રજૂ કરશે. પરેડ, ફ્લાયપાસ્ટ અને આધુનિક ફાઇટર જેટના પ્રદર્શન થશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ કેમ ઉજવવામાં આવે છે? અને આપણું વાયુસેના કેટલું શક્તિશાળી છે?

ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ કરવામાં આવી હતી. બ્રિટીશ રાજ દરમિયાન તેને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું અને શરૂઆતમાં ફક્ત છ અધિકારીઓ અને ચાર વેસ્ટલેન્ડ વાપીટી બાયપ્લેનથી શરૂઆત થઈ હતી. પહેલી સ્ક્વોડ્રનની રચના 1 એપ્રિલ, 1933 ના રોજ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બર્મા અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેને “રોયલ” શીર્ષક મળ્યું હતું. જોકે, 1950 માં જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું, ત્યારે “રોયલ” નામ છોડી દેવામાં આવ્યું અને તેનું નામ બદલીને ભારતીય વાયુસેના (IAF) રાખવામાં આવ્યું. ત્યારથી દર 8 ઓક્ટોબરે આપણે આપણા વાયુસેનાના યોદ્ધાઓની હિંમત અને બલિદાનને સલામ કરીએ છીએ. આ દિવસ ફક્ત એક ઉજવણી નથી, પરંતુ દેશના યુવાનોને વાયુસેનામાં જોડાવા માટે પ્રેરણા પણ આપે છે.

આપણી વાયુસેના કેટલી શક્તિશાળી છે?

ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. તેની પાસે 1700 થી વધુ વિમાનો અને 1.4 લાખ કર્મચારીઓ છે. તે વિશ્વની ટોચની ચાર વાયુસેનાઓમાંની એક છે. ભારતીય વાયુસેના પાસે સુખોઈ-30 MKI, રાફેલ, મિરાજ-2000 અને સ્વદેશી તેજસ જેવા આધુનિક ફાઇટર જેટ છે, જે દુશ્મનને ડરાવી શકે છે. ભારતીય વાયુસેના પાસે વિશ્વની સૌથી ઊંચી હવાઈ પટ્ટી છે, જે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડીમાં 16,614 ફૂટ પર સ્થિત છે. ભારતીય વાયુસેનાએ 1947, 1965, 1971, 1999 અને 1962 ના ભારત-ચીન યુદ્ધના ભારત-પાક યુદ્ધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વધુમાં, વાયુસેનાએ ઘણી વખત તેની પરાક્રમ દર્શાવી છે. વાયુસેનાએ ઓપરેશન મેઘદૂત (સિયાચીન), ઓપરેશન સફેદ સાગર (કારગિલ), ઓપરેશન પૂમલાઈ, ઓપરેશન બાલાકોટ અને તાજેતરના ઓપરેશન સિંદૂરમાં તેની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂરમાં, S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના વળતા હુમલાને નિષ્ફળ બનાવ્યો. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, કર્નલ સોફિયા કુરેશી (ઓપરેશન સિંદૂર) અને વિંગ કમાન્ડર નિકિતા પાંડે (ઓપરેશન બાલાકોટ) જેવી મહિલા અધિકારીઓએ ઇતિહાસ રચ્યો. ભારતીય વાયુસેનાએ આપત્તિઓમાં જીવનરેખા તરીકે સેવા આપી છે. 2013 ના ઉત્તરાખંડ પૂર દરમિયાન IAF એ 3,536 મિશનમાં 45 હેલિકોપ્ટર ચલાવ્યા, 23,892 લોકોને બચાવ્યા. ભારતીય વાયુસેનાનું સૂત્ર, નભહ સ્પૃશમ દીપ્તમ (આકાશને સ્પર્શ કરો, તેજસ્વી બનો), ભગવદ ગીતામાંથી લેવામાં આવ્યું છે. આજે 93મા વાયુસેના દિવસે 97 વાયુસેના લડવૈયાઓને ઓપરેશન સિંદૂરમાં તેમના અનુકરણીય પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવશે.

8 ઓક્ટોબર કેમ ખાસ છે?

8મી ઓક્ટોબર એ માત્ર એક તારીખ નથી, પરંતુ રાષ્ટ્રની વાયુ શક્તિ અને તેના વાયુ યોદ્ધાઓની બહાદુરીનું પ્રતીક છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે 1932માં સ્થપાયેલી એક નાની વાયુસેના વિશ્વની સૌથી શક્તિશાળી દળ બની ગઈ છે. આજના પરેડ અને એર શોમાં રાફેલ અને સુખોઈ જેવા જેટ વિમાનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને સલામ કરવાનો પણ એક પ્રસંગ છે.

એક્ટર પૃથ્વીરાજ સુકુમારન, દુલકર સલમાનને ત્યાં EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ FEMA, 1999 હેઠળ કેરળ અને તામિલનાડુનાં 17 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મોંઘી લક્ઝરી કારોની તસ્કરી અને ગેરકાયદે વિદેશી મુદ્રા વ્યવહારોની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે. EDએ જેમનાં 17 સ્થળોએ શોધ અભિયાન ચલાવ્યું છે, તેમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા કલાકારોનાં નિવાસસ્થાનો અને ઓફિસો પણ સામેલ છે. જેમનાં સ્થળોએ EDની ટીમ પહોંચી, તેમાં અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન, દુલકર સલમાન અને અમિત ચાકલકલનાં નામો સામેલ છે.

ગેરકાયદે ઈમ્પોર્ટ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ

EDની તપાસ એવી એક સિન્ડિકેટ પર આધારિત છે, જે લેન્ડ ક્રૂઝર, ડિફેન્ડર અને મસેરાટી જેવી હાઇ-એન્ડ લક્ઝરી કારોના ગેરકાયદે ઈમ્પોર્ટ અને રજિસ્ટ્રેશનમાં સંકળાયેલી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહનોને ઇન્ડો-ભૂટાન અને નેપાળ રૂટ મારફતે ભારત લાવવામાં આવતાં હતાં.

કોઇમ્બતુર સ્થિત આ નેટવર્ક નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતું હતું, જેમાં ભારતીય સેનાની, અમેરિકન દૂતાવાસની અને વિદેશ મંત્રાલયની સત્તાવાર ઓળખનો દાવો કરવામાં આવતો હતો. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોના RTOઓમાં છેતરપિંડીપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. ત્યાર  બાદ તસ્કરીથી લાવવામાં આવેલી આ મોંઘી કારોને ફિલ્મજગતના કલાકારો અને ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓને ઓછી કિંમતે વેચી દેવામાં આવતી હતી.

FEMAના નિયમોના ઉલ્લંઘન બાદ તપાસ શરૂ

EDએ આ કાર્યવાહી તેથી શરૂ કરી હતી, કારણ કે પ્રાથમિક તપાસમાં FEMAની કલમ 3, 4 અને 8ના ઉલ્લંઘનના પુરાવા મળ્યા છે. તેમાં ગેરકાયદે વિદેશી મુદ્રા વ્યવહાર અને હવાલા ચેનલ મારફતે સીમા પાર ચુકવણીના કેસોનો સમાવેશ થાય છે. એજન્સી હવે મની ટ્રેલ, હવાલા નેટવર્ક અને વિદેશી મુદ્રાની અવરજવરનો પત્તો લગાવવા માટે વધુ તપાસ કરી રહી છે.

બ્રિટનના PM કીર સ્ટાર્મર ભારત પહોંચ્યા, મોદી સાથે કરશે મુલાકાત

મુંબઈઃ બ્રિટનના PM કીર સ્ટાર્મર મુંબઈ પહોંચ્યા છે. બ્રિટનના PM બન્યા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે. સ્ટાર્મર સાથે એક મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. સ્ટાર્મર અને PM નરેન્દ્ર મોદી વચ્ચે મુંબઈમાં મુલાકાત થશે., જ્યાં બંને નેતાઓ ભારત-બ્રિટન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાંઓ અને વેપાર તથા મૂડીરોકાણ ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.

મુંબઈમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે PM મોદીPM મોદી મુંબઈમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. બંને નેતાઓ ભારત-બ્રિટન વચ્ચેના “વ્યાપક આર્થિક અને વેપાર કરાર” (CETA) વિષે ચર્ચા કરશે, જે ભવિષ્યની આર્થિક ભાગીદારીનો મુખ્ય સ્તંભ ગણાશે. બંને ઉદ્યોગપતિઓ અને વેપાર જગતના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

 ‘જિયો વર્લ્ડ સેન્ટર’માં કાર્યક્રમ

મોદી અને સ્ટાર્મર પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરશે. ગુરુવારે બંને નેતાઓ ‘જિયો વર્લ્ડ સેન્ટર’માં યોજાનારા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ (GFF)ના છઠ્ઠા સંસ્કરણમાં ભાગ લેશે અને જનસમૂહને સંબોધિત કરશે.‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025’ વિશ્વભરના ઇનોવેટર્સ, નીતિ નિર્માતાઓ, કેન્દ્રીય બેન્કરો, નિયમનકારો, રોકાણકારો, શૈક્ષણિકો અને ઉદ્યોગના નેતાઓને એક મંચ પર લાવતા વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ છે. આ વર્ષે કોન્ફરન્સનો વિષય છે — સારી દુનિયા માટે નાણાકીય સશક્તીકરણ, જે ટેક્નોલોજી અને માનવ મૂલ્યોના સમન્વયથી નૈતિક અને ટકાઉ નાણાકીય ભવિષ્ય ઘડવા પર કેન્દ્રિત છે.

આ વર્ષે 75થી વધુ દેશોના 1,00,000થી વધુ પ્રતિભાગીઓ જોડાશે, જે તેને વિશ્વના સૌથી મોટા ફિનટેક ઇવેન્ટ્સમાંનું એક  છે.

 7500 કંપનીઓ, 800 સ્પીકર્સ, 400 પ્રદર્શનકારો

આ કાર્યક્રમમાં આશરે 7500 કંપનીઓ, 800 વક્તાઓ, 400 પ્રદર્શનકારો અને 70 જેટલા દેશોના નાણાકીય નિયમનકારો ભાગ લેશે.

વાહ ભાઈ વાહ! ૦૮ ઑક્ટોબર ૨૦૨૫

સ્ટફ્ડ મરચાંના ભજીયા

આંધ્ર સ્ટાઈલના સ્ટફ્ડ મરચાંના ભજીયા ભોજનમાં સાઈડ ડિશ તરીકે અથવા નાસ્તામાં ચા-કોફી સાથે ચાલી શકે!

સામગ્રીઃ

  • 2 કાંદા ઝીણાં સમારેલાં
  • કોથમીર સમારેલી 2 ટે.સ્પૂન
  • શેકેલી શીંગનો ભૂકો 2 ટે.સ્પૂન
  • લીંબુનો રસ
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ¼ ટી.સ્પૂન
  • ભાવનગરી લીલા મરચાં 7-8 નંગ
  • ચણાનો લોટ 200 ગ્રામ
  • તલ તળવા માટે
  • અજમો ¼ ટી.સ્પૂન
  • ખજૂર-આમલીની ચટણી 2 ટે.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ખાવાનો સોડા 3-4 ચપટી

રીતઃ ચણાના લોટ એક બાઉલમાં લઈ તેમાં અજમો, હળદર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લો. ભજીયા તળતી વખતે ખાવાનો સોડા તેમાં મેળવી લેવો.

ભાવનગરી મરચાં ધોઈને સૂકા કપડાં ઉપર કોરા કરી લો. ત્યારબાદ દરેક મરચાંમાં ચપ્પૂ વડે ઉભા કટ કરી લો.

આ મરચાંને ચણાના લોટના ખીરામાં બોળીને તેલમાં તળી લો. ત્યારબાદ ચમચી વડે મરચાંના કટમાં આમલીની ચટણી ભરી લો.

હવે ઝીણાં સમારેલાં કાંદા તેમજ કોથમીર, શેકેલી શીંગનો ભૂકો, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, કાળા મરી પાઉડર, ચાટ મસાલો બધું મિક્સ કરીને તળેલાં મરચાંમાં ભરી દો.

આ ભરેલાં મરચાં જમવામાં સાઈડ ડીશ તરીકે પીરસો.