Home Blog Page 56

કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલાનો શિલાન્યાસ

અમદાવાદ: કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ (Kanoria Center For Arts) ખાતે શુક્રવારે સંગીતા જિંદાલ (Sangita Jindal) ક્રાફ્ટ શિલાનો શિલાન્યાસ સમારંભ યોજાયો. આ સ્થળ હસ્તકલાના પ્રદર્શન અને સર્જનાત્મક અભ્યાસ માટે સમર્પિત રહેશે. ભારતીય હસ્તકલા પરંપરાઓને વધુ ઓળખ અને વિકાસ મળે તે માટે સતત સહયોગ આપનાર સંગીતા જિંદાલના સન્માનમાં આ સ્થળને “સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલા” નામ આપવામાં આવ્યું છે. કનોરિયા સેન્ટરના કેમ્પસમાં આ સ્થળની એક જીવંત અને સતત વિકસતા સર્જનાત્મક મંચ તરીકે કલ્પના કરવામાં આવી છે.આ પ્રોજેક્ટની રચના સ્ટુડિયો સંગાથ દ્વારા કરવામાં આવી છે, જે ખુશ્નુ પંથકી હૂફ અને સોનકે હૂફના નેતૃત્વ હેઠળ કાર્યરત એડી100 આર્કિટેક્ચર ફર્મ છે. આ સ્ટુડિયોએ અગાઉ કનોરિયા આર્ટ શોપ (ગેલેરિયા30) અને ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સની ડિઝાઇન પણ તૈયાર કરી હતી અને સંસ્થા સાથેનો તેમનો લાંબા સમયનો સંબંધ યથાવત્ રહ્યો છે.

પ્રદર્શન સ્થળ અને સક્રિય વર્કશોપ પરિસરમાં હસ્તકલા માત્ર પ્રદર્શિત નહીં થાય, પરંતુ એક જીવંત સર્જનાત્મક પ્રક્રિયા તરીકે પણ અનુભવાશે. આ સ્થળ પ્રદર્શનો, પ્રત્યક્ષ વર્કશોપ્સ, પ્રદર્શનાત્મક રજૂઆતો અને સહયોગાત્મક પ્રવૃત્તિઓ દ્વારા હસ્તકલા કારીગરો, કલાકારો, ડિઝાઇનરો અને દર્શકોને એકત્રિત કરશે.

એવા સમયમાં જ્યારે હસ્તકલા માત્ર સંરક્ષણ પૂરતી મર્યાદિત ન રહી નવી વિચારસરણી અને ચર્ચાઓ તરફ આગળ વધી રહી છે, ત્યારે સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલા હસ્તકલાની પરંપરાઓ સાથે જોડાયેલા જ્ઞાન, કૌશલ્ય અને વાર્તાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે. આ સ્થળ લોકોમાં સર્જન પ્રક્રિયાને વધુ નજીકથી સમજવાની અને અનુભવવાની પ્રેરણા આપશે, સાથે સાથે કારીગરો અને પ્રેક્ટિશનર્સને નવી દિશાઓ અને કાર્યપદ્ધતિઓ શોધવામાં પણ સહાયરૂપ બનશે.

આનંદોઃ દેશમાં પાંચ દિવસ પહેલાં દસ્તક દેશે ચોમાસું

નવી દિલ્હીઃ ભીષણ ગરમી અને લૂના માર વચ્ચે હવામાન વિભાગ (IMD)એ દેશ માટે સૌથી મોટી અને રાહતભર્યા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ તાજા અનુમાન મુજબ આ વખતે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું દસ્તક આપી શકે છે. કેરળના કિનારે ચોમાસું 26 મે સુધી પહોંચવાની શક્યતા છે. દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસાની રાહ હવે પૂરી થવાની છે. IMDએ શુક્રવારે માહિતી આપી કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મેએ કેરળ કિનારે પહોંચી શકે છે. જોકે  હવામાન વિભાગે તેમાં ચાર દિવસની મોડલ એરર (ફેરફાર)ની શક્યતા પણ દર્શાવી છે.

 સતત ત્રીજા વર્ષે સમય પહેલાં આવી રહ્યું છે ચોમાસું

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂને પહોંચે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર જોવા મળ્યો છે.

* 2024માં: ચોમાસું 30 મેએ આવ્યું હતું.

2025માં: ચોમાસું 24 મેએ જ પહોંચી ગયું હતું.

* 2026નું અનુમાન: આ વખતે પણ તે 26 મે સુધી આવવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં વહેલું છે.

આંદામાનમાં કાલે પહોંચશે ચોમાસું

IMD મુજબ ચોમાસાની આગળ વધવાની પરિસ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે. 16 મે (શનિવાર) આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસું આગળ વધવાની પૂરી શક્યતા છે. હાલમાં બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક “વેલ-માર્ક્ડ લો પ્રેશર” વિસ્તાર બન્યો છે, જે ચોમાસાની ગતિમાં મદદરૂપ બની રહ્યો છે.

આ વર્ષે ‘સામાન્ય કરતાં ઓછો’ રહેશે વરસાદ

એક તરફ ચોમાસું વહેલું આવી રહ્યું છે, તો બીજી તરફ વરસાદની માત્રા અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં જાહેર કરાયેલા પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA)ના લગભગ 92 ટકા જેટલો રહી શકે છે.

 અલ નિનોનો ખતરો

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જુલાઈ આસપાસ ‘અલ નિનો’ (El Nino) જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અલ નિનોનો ભારતીય ચોમાસા પર નકારાત્મક પ્રભાવ પડે છે અને તેને ઘણી વાર ઓછી વરસાદી સ્થિતિ અથવા દુષ્કાળ સાથે જોડવામાં આવે છે.

 હોર્મુઝમાંથી તમામ જહાજોને પસાર થવા દેવા માટે અમે તૈયારઃ અબ્બાસ અરાઘચી

નવી દિલ્હીઃ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાની ઇચ્છા રાખી નથી. હોર્મુઝ જળસંધિની હાલની સ્થિતિ ખૂબ જ જટિલ છે. ચર્ચા અને સંવાદ દ્વારા સમજૂતી સિવાય અન્ય કોઈ ઉકેલ શક્ય નથી. અમે હોર્મુઝ જળસંધિમાંથી તમામ જહાજોને સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરવા માટે તૈયાર છીએ. હોર્મુઝની સ્થિતિ સુધારવા માટે ચીન જે પણ પગલાં લેશે, તેનું અમે સ્વાગત કરીશું. ઈરાન યુદ્ધવિરામ જાળવી રાખીને કૂટનીતિને તક આપવા પ્રયત્નશીલ રહ્યું છે.

 ભારતની રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરીશું

નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાન સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દાનો સૈન્ય ઉકેલ શક્ય નથી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થતા હજુ નિષ્ફળ ગઈ નથી. ઈરાન પાસે અમેરિકા પર વિશ્વાસ ન કરવાનાં તમામ કારણો છે, જ્યારે અમેરિકા પાસે ઈરાન પર વિશ્વાસ કરવાનાં તમામ કારણો છે. પશ્ચિમ એશિયાના સંકટ અંગે તેમણે કહ્યું હતું કે ભારત કોઈ પણ રચનાત્મક ભૂમિકા ભજવવા માગશે તો તેનું અમે સ્વાગત કરીશું.

ઈરાન સાથેનું યુદ્ધ ગુરુવારે 76મા દિવસે પહોંચી ગયું છે અને યુદ્ધવિરામ માટેના તમામ પ્રયાસો હાલ અટવાયેલા દેખાઈ રહ્યા છે. અહેવાલ છે કે બ્રિક્સના મુખ્ય સત્રોમાં ભાગ લેવાની સાથે સાથે અબ્બાસ અઘરાચી ભારતીય વિદેશ મંત્રી  એસ જયશંકર તેમ જ બેઠકમાં હાજર અન્ય અધિકારીઓ સાથે અલગથી પણ બેઠક કરી રહ્યા છે.

ગુજરાત સરકારની કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વિચારણા

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ઇંધણ બચત અને કાર્યક્ષમતા વધારવા અપીલ કરી છે. જેના પગલે ગુજરાત (Gujarat) સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે “વર્ક ફ્રોમ હોમ” (Work From Home) વ્યવસ્થા અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રો મુજબ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ ઘરે બેઠા કામ કરી શકે તે માટે વિવિધ વિકલ્પો પર મંથન શરૂ કરવામાં આવ્યું છે.સરકાર (Government) હાલમાં બે મુખ્ય મોડલ પર વિચારણા કરી રહી છે. પ્રથમ મોડલ મુજબ પસંદગીના વિભાગોમાં કર્મચારીઓને સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવામાં આવી શકે છે, જ્યારે બીજા વિકલ્પમાં રોટેશન આધારિત હાજરી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી શકે છે. આ વ્યવસ્થા દ્વારા ઓફિસોમાં ભીડ ઘટાડવા સાથે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ ઘટાડો કરવાનો ઉદ્દેશ છે.

સૂત્રોના અનુસાર, આવતીકાલે યોજાનારી રાજ્ય કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આ મુદ્દે વિશેષ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરી, ટેક્નિકલ સુવિધાઓ અને વહીવટી અસર અંગે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. ડિજિટલ માધ્યમો અને ઓનલાઈન કાર્યપદ્ધતિના વધતા ઉપયોગને કારણે અનેક વહીવટી કામો હવે દૂરસ્થ રીતે સરળતાથી સંભવ બની રહ્યા છે. કોરોના કાળ દરમિયાન મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ મોડલને પ્રોત્સાહન આપવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે.

ધાર ભોજશાળા મંદિર છેઃ  હાઇકોર્ટે વિવાદિત સ્થળને મંદિર જાહેર કર્યું

ઇન્દોરઃ ધાર ભોજશાળા મામલે ઇંદોર હાઇકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભોજશાળા પરિસર એક મંદિર છે. કોર્ટે જણાવ્યું હતું કે ભોજશાળા પરિસર-કમાલ મસ્જિદનો વિવાદિત વિસ્તાર એક મંદિર અને સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર છે. કેન્દ્ર સરકાર દેવી સરસ્વતીની મૂર્તિ લાવી શકે છે. જોકે અહીં ASIનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

ભોજશાળામાં હવે માત્ર પૂજા જ થશે

ઇંદોર હાઇકોર્ટના આદેશ અનુસાર હવે અહીં માત્ર પૂજા જ થઈ શકશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને  જણાવ્યું હતું કે કોર્ટે સરકારને આ પરિસરની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. હવે આ પરિસરમાં માત્ર પૂજા જ થઈ શકશે. અહીં સરસ્વતી મંદિર છે. આ મામલે કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું છે કે આ પરિસર પર તેમનો કોઈ અધિકાર નથી. જોકે કમાલ મસ્જિદ માટે મુસ્લિમ પક્ષ સરકાર પાસે અલગ જગ્યા માગી શકે છે.

 હિંદુ પક્ષના વકીલે શું કહ્યું?

વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે ભોજશાળાની સંપૂર્ણ ઇમારત રાજા ભોજ દ્વારા બનાવવામાં આવી હતી. કોર્ટે પૂજા-પાઠનો અધિકાર આપ્યો છે. હવે આ પરિસરમાં માત્ર પૂજા થશે, નમાજની મંજૂરી નહીં હોય. કોર્ટે પણ કહ્યું કે આ કમાલ મૌલા મસ્જિદ નથી. મુસ્લિમ સમાજ સરકાર સમક્ષ પોતાની માગ મૂકી શકે છે અને સરકાર તેમને વૈકલ્પિક જમીન આપી શકે છે.

 ‘મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ જશે’

હાઇકોર્ટના આ નિર્ણય પર ધારના શહેરના કાજીએ જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું હતું કે અમે હાઇકોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. સલમાન ખુરશીદે મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરી હતી. હવે અમે ચુકાદાનો અભ્યાસ કરીશું અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટથી ન્યાયની આશા છે.

ઇંદોર હાઇકોર્ટે ASIની રિપોર્ટ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ રિપોર્ટને આધારે ભોજશાળા એક મંદિર છે. હિંદુ પક્ષની માગ સ્વીકારીને કોર્ટે મુસ્લિમોને નમાજની મંજૂરી આપતો ASIનો અગાઉનો આદેશ રદ કર્યો છે.

 શું છે ભોજશાળા વિવાદ?

ભોજશાળાનો ઇતિહાસ 11મી સદીથી શરૂ થાય છે. માનવામાં આવે છે કે અહીં દેવી સરસ્વતીનું મંદિર હતું. 12મી અને 13મી સદી દરમિયાન આ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ અહીં એક મકબરો બનાવાયો તથા નજીકમાં મસ્જિદનું નિર્માણ થયું હતું.

ભારતમાં પાંચ અબજ ડોલરનું રોકાણ કરશે UAE: PM મોદીનું એલાન  

દુબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં UAEના પ્રવાસે છે. તેમણે અબુ ધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન UAEએ ભારતમાં પાંચ અબજ અમેરિકી ડોલરના મૂડીરોકાણની જાહેરાત કરી. આ મૂડીરોકાણ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સમ્માન કેપિટલમાં કરવામાં આવશે. ભારત અને UAE વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પણ થયા હતા.

 પીએમ મોદીના UAE પ્રવાસ દરમિયાન અનેક મોટા એલાન

પીએમ મોદીના UAE પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. ભારત અને UAE વચ્ચે વ્યૂહાત્મક રક્ષા ભાગીદારી માટે ફ્રેમવર્ક પર સમજૂતી થઈ. આ ઉપરાંત બંને દેશોએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અંગે MoU પર હસ્તાક્ષર કર્યા છે. એલપીજી (LPG) સપ્લાય અને વાડીનારમાં જહાજ મરામત ક્લસ્ટર સ્થાપવા અંગે પણ MoU કરવામાં આવ્યા. એ સાથે જ UAEએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પાંચ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં UAEના અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબી પહોંચતાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને UAE એરફોર્સના લડાકુ વિમાનો દ્વારા તેમના વિમાનને એસ્કોર્ટ પણ આપવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ તેને ભારતના લોકો માટે સન્માન ગણાવ્યું. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા દરમિયાન પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા – પીએમ મોદી

વડા પ્રધાન મોદીએ તાજેતરમાં ભારતમાં આવેલી કુદરતી આપત્તિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે UAEના રાષ્ટ્રપતિએ આપત્તિગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, જેના માટે તેઓ તેમનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં UAEનો સહયોગ બંને દેશોની ગાઢ મિત્રતાનું પ્રતીક છે.

ભારત અને UAE વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંબંધો સતત મજબૂત બન્યા છે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ ખુલ્લું રહેવું અમારી પ્રાથમિકતા છે. અમે UAE પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. ભારત UAE સાથે મળીને આગળ વધશે અને ભારત UAEની સાથે મજબૂતીથી ઊભું છે.

પશ્ચિમ બંગાળમાં લાગુ થયું ‘યોગી મોડેલ’

સિલિગુડી: પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ વહીવટી તંત્ર હવે સતત આકરા નિર્ણયો લઈ રહ્યું છે. આ જ ક્રમમાં સિલીગુડીમાં ગેરકાયદે કબજો અને ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ છે. દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામો પર જલદી જ બુલડોઝર ચલાવવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશમાંથી આશરે બે ડઝન બુલડોઝર મગાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. ગુરુવારે સિલિગુડી મહકમા શાસક કચેરીમાં યોજાયેલી મહત્વપૂર્ણ વહીવટી બેઠકમાં આ મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાંથી બે ડઝન બુલડોઝર મગાવવામાં આવી રહ્યા છે

આ બેઠકમાં મહકમા શાસક, પોલીસ કમિશનર, દાર્જિલિંગ જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી, ગેરકાયદે કબજો દૂર કરવો, માદક પદાર્થોની હેરાફેરી રોકવી તેમ જ ગેરકાયદે દારૂની દુકાનો, બાર અને પબ સામે કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ સાંસદ રાજુ બિસ્તાએ મિડિયાને જણાવ્યું હતું કે સિલિગુડીમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો થયાં છે અને તેને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ઉત્તર પ્રદેશમાંથી બે ડઝન બુલડોઝર મગાવવામાં આવી રહ્યા છે, જેથી અભિયાન ઝડપથી ચલાવી શકાય.

નગર નિગમ ગેરકાયદે બાંધકામો રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ

રાજુ બિસ્તાએ સિલિગુડી નગર નિગમની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે નગર નિગમ ગેરકાયદે બાંધકામો રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જલદી જ નગર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરીને આ મુદ્દે જવાબ માગશે. ભાજપ નેતાએ ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારી જમીન, નદી કિનારા અને શહેરના અન્ય વિસ્તારોમાં થયેલા તમામ ગેરકાયદે કબજાઓ જલદી દૂર કરવામાં આવે, નહીં તો પ્રશાસન બુલડોઝર ચલાવી આ બાંધકામોને ધરાશાયી કરશે. સાંસદે વધુમાં કહ્યું હતું કે શહેરમાં માદક પદાર્થોના વેપાર, ગેરકાયદે નદી ખનન, ગેરકાયદે ટોલ વસૂલી અને જમીન દલાલી જેવા મામલાઓમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ હતી ‘યોગી મોડલ’ લાગુ કરવાની વાત

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ અનેક વખત રાજ્યમાં ‘યોગી મોડલ’ લાગુ કરવાની વાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગીના કાર્યકાળ દરમિયાન ગુનેગારો અને ગેરકાયદે કબજેદારો સામે બુલડોઝર કાર્યવાહી ખૂબ ચર્ચામાં રહી હતી.

NEET UG 2026ની 21 જૂને ફરી લેવાશે પરીક્ષા

નવી દિલ્હીઃ NEET UG 2026ની પરીક્ષા દેશભરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઇન મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાય તેવી શક્યતા છે. પરીક્ષા પહેલાં સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ અગાઉ કરતાં વધુ કડક બનાવવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની ગરબડ ફરી ન બને. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency)એ સ્પષ્ટ કર્યું છે કે જે ઉમેદવારોએ અગાઉ આ પરીક્ષા માટે અરજી કરી હતી, તેમને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ઉમેદવારોની જૂની અરજી, એક્ઝામ સિટી અને અન્ય વિગતો પહેલાંની જ માન્ય રહેશે. માત્ર 21 જૂને યોજાનારી પરીક્ષા માટે ટૂંક સમયમાં નવી સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

 પરીક્ષા કેવી રીતે અને ક્યારે યોજાશે?

NEET UG 2026ની પરીક્ષા દેશભરનાં વિવિધ કેન્દ્રોમાં પેન-પેપર મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે તેવી શક્યતા છે. પરીક્ષા પહેલાં સુરક્ષા અને મોનિટરિંગ વધુ કડક કરવામાં આવશે, જેથી કોઈ પણ ગેરરીતિ ફરી ન બને.

પેપર લીક મામલાની તપાસ ચાલુ

પેપર લીક મામલાની તપાસ હાલ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ચાલી રહી છે. આ મામલે અનેક રાજ્યોમાં તપાસ તેજ બની છે અને કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી

* ઉમેદવારોને ફરીથી અરજી કરવાની જરૂર નથી.

* નવા એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થશે.

* પરીક્ષાની તારીખ 21 જૂન 2026 રાખવામાં આવી છે.

* પરીક્ષા પેન-પેપર મોડમાં યોજાશે.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર વેબસાઇટ અને NTA દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે.

મોંઘવારીનો મારઃ સોના, દૂધ પછી પેટ્રોલ-ડીઝલ અને CNGમાં ભાવવધારો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 48 કલાકમાં એક પછી એક અનેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને સામાન્ય જનતા પર મોંઘવારીનો ચારેય બાજુથી હુમલો થયો છે. વડા પ્રધાન મોદીની અપીલ બાદ સરકારે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી, જેને કારણે સોના-ચાંદીના ભાવમાં અચાનક જોરદાર ઉછાળો આવ્યો હતો. માત્ર સોનું જ નહીં, ત્યાર બાદ દેશમાં દૂધના ભાવ વધ્યા, CNGના દરોમાં વધારો થયો અને હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘાં થઈ ગયાં છે. શુક્રવાર, 15 મેથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને તે પ્રતિ લિટર ત્રણ રૂપિયા સુધી મોંઘાં થયાં છે.

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

ગયા રવિવારે પ્રથમ વખત વડા પ્રધાન મોદીએ વિદેશી ચલણ બચાવવા માટે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. ત્યાર બાદ સરકારે અચાનક સોનાં પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી, જેને કારણે MCXથી લઈને સ્થાનિક બજારો સુધી સોના-ચાંદીના ભાવમાં ભારે વધારો થયો હતો.

દૂધના ભાવ વધ્યા

સોના-ચાંદી બાદ મોંઘવારીનો બીજો આંચકો દૂધ પર પડ્યો. અમૂલથી લઈને મધર ડેરી સુધી અનેક કંપનીઓએ પેકેટ દૂધના ભાવમાં વધારો કર્યો. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો, ત્યાર બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયા વધારો જાહેર કર્યો. નવી કિંમતો 14 મેથી દેશભરમાં અમલમાં આવી ગઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

દૂધ મોંઘું થયા બાદ હવે પેટ્રોલ-ડીઝલ પર મોંઘવારીનો હુમલો થયો છે. શુક્રવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો કર્યો અને નવી કિંમતો 15 મેથી દેશભરમાં અમલમાં આવી ગઈ છે.

 CNG પણ મોંઘો

માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, CNG ગ્રાહકોને પણ મોટો આંચકો લાગ્યો છે. મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ 15 મેથી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેની કિંમત પ્રતિ કિલો બે રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ વધારા બાદ દિલ્હીમાં CNGનો ભાવ 79.09 રૂપિયા પ્રતિ કિલો થયો છે. મુંબઈમાં પણ એક દિવસ પહેલા CNG બે રૂપિયા મોંઘી કરવામાં આવી હતી અને તેનો ભાવ 82 રૂપિયાથી વધીને 84 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો