Home Blog Page 561

વિશ્વ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હીઃ દેશની સ્ટાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં ચાલી રહેલી વિશ્વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે રજત પદક જીતી લીધો છે. આ સ્પર્ધાના ઇતિહાસમાં તેમનો આ ત્રીજો પદક છે. કુંજરાણી દેવી (7) અને કરણમ મલ્લેશ્વરી (4) પછી બે કરતાં વધારે વિશ્વ ચેમ્પિયનશિપ પદક જીતનાર તે ત્રીજી ભારતીય વેઇટલિફ્ટર બની ગઈ છે.

ચીનની વેઇટલિફ્ટર સાથે કાંટેની ટક્કર

48 કિલોગ્રામ વર્ગમાં મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 84 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોગ્રામ સહિત કુલ 199 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજું સ્થાન મેળવ્યું હતું. તે ઉત્તર કોરિયાની રી સોંગ ગુમથી પાછળ રહી ગઈ અને સુવર્ણ પદક જીતતાં ચૂકી હતી. રી સોંગે કુલ 213 કિલોગ્રામ ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ચીનની થાન્યાથને કાંસ્ય પદક જીત્યો. સ્નેચ રાઉન્ડ બાદ ચીનની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુથી ચાર કિલોગ્રામ આગળ ચાલી રહી હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં મીરાબાઈએ કમાલ કરીને કુલ એક કિલોગ્રામની લીડથી ભારતની ઝોળીમાં રજત પદક મૂકી દીધો છે.

છેલ્લે ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ 115 કિલોગ્રામ વજન ક્લીન એન્ડ જર્કમાં ઉઠાવ્યું હતું. ત્યાં પણ તેણે રજત પદક જીત્યો હતો. ત્યાર બાદ છેલ્લા ચાર વર્ષોમાં તેઓ સતત ઇજાઓ અને સર્જરીમાંથી પસાર થઈ છે. જોકે 2022ની વિશ્વ ચેમ્પિયનશિપમાં પણ તેણે રજત પદક જીત્યો હતો. વિશ્વ ચેમ્પિયનશિપના મંચ પર રજત પદક જીત્યા પછી તે સીધી પોતાના કોચ વિજય શર્મા પાસે જઈને તેમનો આભાર માન્યો હતો. પેરિસ ઓલિમ્પિક પછી પહેલી વાર મીરાબાઈ ચાનુએ કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ પહેલાં મીરાબાઈ ચાનુએ ઓગસ્ટમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેણે માત્ર 193 કિલોગ્રામ (84 કિલોગ્રામ સ્નેચ અને 109 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્ક) ઉઠાવીને જ સુવર્ણ પદક જીત્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ વજન ઓછું ગણાતું હતું, પરંતુ હવે 31 વર્ષીય મીરાબાઈ ચાનુએ કમબેક કરતાં પોતાનો ટોક્યો ઓલિમ્પિકનું જ પ્રદર્શન ફરી કર્યું છએ અને ભારત માટે એક વધુ આંતરરાષ્ટ્રીય પદક જીત્યો છે.

RBI લાવશે નવો નિયમઃ EMI ન ચૂકવાતાં ફોન-ટીવી થશે બંધ

નવી દિલ્હીઃ લોકો EMI પર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદી લે છે, પરંતુ તેનો લોન ચૂકવતા નથી. જેને કારણે લોન વસૂલી માટે બેંક કર્મચારીઓને મુશ્કેલી ઊભી થાય છે. આને ધ્યાનમાં રાખીને RBI એક નવો અને કડક નિયમ લાવશે. તેનો હેતુ મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટ્સ માટેની નાની લોનની વસૂલીને સરળ બનાવવાનો છે. આ વિષયને લઈને RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ચર્ચા પણ કરી છે.

ફાઈનાન્સ એક્સપર્ટ આદિલ શેટ્ટીએ કહ્યું હતું કે ફોન, લેપટોપ કે આવી અન્ય વસ્તુઓ ખરીદવા માટે મળતો લોન કોલેટરલ-ફ્રી હોય છે, એટલે કે ગ્રાહકને કોઈ સંપત્તિ ગિરવી રાખવાની જરૂર નથી પડતી. આ લોન પર વ્યાજ દર 14-16 ટકા સુધી હોય છે. આવી સ્થિતિમાં જો નવી વ્યવસ્થા લાગુ થાય છે તો આ લોન સુરક્ષિત લોન (જેમ કે હોમ લોન, ઓટો લોન)ની શ્રેણીમાં આવશે. એટલે બેંકોને આ અધિકાર આપતાં પહેલાં આ લોનની શ્રેણી બદલવી પડશે અને વ્યાજ દર પણ ઘટાડવા પડશે.

અમેરિકા સહિત અનેક દેશોમાં આવી વ્યવસ્થા છે કે EMI ન ચૂકવાતાં કાર સ્ટાર્ટ નથી થતી. કેનેડા, આફ્રિકા, કેન્યા અને નાઇજિરિયા સહિત અનેક દેશોમાં આ પદ્ધતિ લાગુ છે.

દેશમાં એક તૃતીયાંશથી વધુ ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ- ખાસ કરીને મોબાઇલ ફોન EMI પર ખરીદે છે. હાલ દેશમાં 1.16 અબજથી વધુ મોબાઇલ કનેક્શન છે. CRIF હાઇમાર્કના જણાવ્યાનુસાર રૂ. એક લાખથી ઓછી કિંમતના ફોનની લોનમાં ડિફોલ્ટ દર સૌથી વધુ છે.

 અહીં કેવી રીતે લાગુ થશે?

RBI જે વ્યવસ્થા પર વિચાર કરી રહી છે તે મુખ્યત્વે નાના ઉપભોક્તા લોન (જેમ કે મોબાઈલ, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ) પર લાગુ થશે. આ નવી વ્યવસ્થા હેઠળ EMI પર લેવાયેલા પ્રોડક્ટમાં પહેલેથી એવી એપ અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રહેશે કે જો ગ્રાહક હપતા ન ભરે તો તે સોફ્ટવેર દ્વારા પ્રોડક્ટને દૂરથી જ લોક કરી દેવામાં આવશે.

World Smile Day: હસવું એ ફક્ત ચહેરાના હાવભાવ નથી, તે એક કુદરતી દવા છે

દર વર્ષે ઓક્ટોબરના પહેલા શુક્રવારે વિશ્વ સ્મિત દિવસ (World Smile Day) ઉજવવામાં આવે છે. આ વર્ષે, તે 2 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. તેની શરૂઆત 1999 માં અમેરિકન કલાકાર હાર્વે બોલ દ્વારા કરવામાં આવી હતી, જેમણે પ્રખ્યાત સ્મિત ચહેરો ડિઝાઇન કર્યો હતો. તેઓ માનતા હતા કે સ્મિત એ વ્યક્તિની સૌથી મોટી શક્તિ છે અને તેને સમગ્ર વિશ્વમાં ફેલાવવી જોઈએ. આ વિચારને કારણે વિશ્વ સ્મિત દિવસની સ્થાપના થઈ, જેથી લોકો ઓછામાં ઓછા એક દિવસ માટે ખુલ્લેઆમ સ્મિત કરે અને અન્ય લોકોને પણ સ્મિત કરવાની તક આપે.

આજના ભાગદોડભર્યા જીવનમાં, તણાવ, ચિંતા અને થાક દરેકના સાથી બની ગયા છે. આવા વાતાવરણમાં હસવું વધુ મહત્વનું બની જાય છે. હસવાથી આપણને સારું લાગે છે, પરંતુ તે આપણા શરીર અને મન બંને માટે ઉપચાર તરીકે પણ કામ કરે છે. ફક્ત પાંચ મિનિટનું દિલથી હાસ્ય શરીર અને મનને અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે. ચાલો જાણીએ હસવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે…

તણાવથી રાહત

વૈજ્ઞાનિક સંશોધન સૂચવે છે કે સ્મિત મગજમાં એન્ડોર્ફિન નામના ખુશ હોર્મોન્સ મુક્ત કરે છે. આ તણાવ ઘટાડે છે અને તરત જ મૂડ સુધારે છે.

માનસિક સ્વાસ્થ્યમાં સુધારો

ન્યુરોસાયન્સ મુજબ, જ્યારે આપણે સ્મિત કરીએ છીએ ત્યારે મગજ ડોપામાઇન, એન્ડોર્ફિન અને સેરોટોનિન મુક્ત કરે છે. આ કુદરતી મૂડ બૂસ્ટર છે જે ચિંતા ઘટાડે છે અને તમને સકારાત્મક વિચારવામાં મદદ કરે છે.

સ્નાયુ સક્રિયકરણ

જ્યારે આપણે સાચું સ્મિત (જેને ડ્યુચેન સ્મિત કહેવાય છે) સ્મિત કરીએ છીએ, ત્યારે ચહેરાના ઘણા સ્નાયુઓ સક્રિય થાય છે, ખાસ કરીને ઝાયગોમેટિક મેજર અને ઓર્બિક્યુલરિસ ઓક્યુલી સ્નાયુઓ. આ જ કારણ છે કે સાચું સ્મિત ફક્ત હોઠ જ નહીં પણ આંખોને પણ તેજ બનાવે છે.

લાંબા આયુષ્યનું રહસ્ય

2010 ના વેન સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધુ સ્મિત કરે છે તેઓ સરેરાશ સાત વર્ષ વધુ જીવે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી

આ બધા ઉપરાંત, હસવાની આદત આપણી રોગપ્રતિકારક શક્તિને પણ સક્રિય રાખે છે. આ શરીરને રોગો સામે લડવા માટે વધુ સક્ષમ બનાવે છે.

હસવું એ ફક્ત ચહેરાના હાવભાવ નથી; તે એક કુદરતી દવા છે જે આપણા મન અને શરીરને સ્વસ્થ રાખે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો દરરોજ ઓછામાં ઓછી થોડી મિનિટો માટે દિલથી હસવાની ભલામણ કરે છે.

(નોંધ: આ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લેવી)

 

લદ્દાખ હિંસાઃ વાંગચુકની મુક્તિ માટે પત્નીએ ‘સુપ્રીમ’ દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની મુક્તિની માગ કરતાં તેમનાં પત્ની ગીતાંજલી આંગમોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવ્યાં છે. વાંગચુકને લદ્દાખમાં થયેલાં પ્રદર્શનોના બે દિવસ બાદ 26 સપ્ટેમ્બરે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (રાસુકા) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે થયેલા વિરોધ પ્રદર્શનોમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને 90 લોકો ઘાયલ થયા હતા. વાંગચુક હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. આંગમોએ વકીલ સર્વમ રીતમ ખરે મારફતે દાખલ કરેલી પોતાની અરજીમાં વાંગચુકની કસ્ટડીને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માગ કરી છે. આ અરજીમાં વાંગચુક પર રાસુકા લગાડવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

આંગમોએ આરોપ લગાવ્યો છે કે તેમને હજી સુધી કસ્ટડીના આદેશની નકલ આપવામાં આવી નથી, જે નિયમોનો ભંગ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હજી સુધી તેમનો વાંગચુક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તાજેતરમાં લદ્દાખ પ્રશાસને વાંગચુકને ફસાવવાના કે ગુપ્ત રીતે કાર્યવાહીના દાવાઓને નકારી કાઢ્યા હતા.

વાંગચુકને 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ગીતાંજલીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ પત્ર લખ્યો હતો. તેમણે પતિને બિનશરતી મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે.

લદ્દાખમાં 24 સપ્ટેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન

લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગને લઈને 24 સપ્ટેમ્બરે લેહમાં હિંસક પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શનમાં ચાર લોકોનાં મોત થયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આરોપ છે કે વાંગચુકની વાતોથી લોકોને હિંસા માટે ઉશ્કેરાયા હતા. વાંગચુકે કહેવાય છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં થયેલા જેનજી પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો.

વ્હાઇટ હાઉસમાંથી હજારો ફેડરલ કર્મચારીઓની છટણીની શક્યતા

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ કર્મચારીઓની છટણી અને પોતાના વિરોધીઓને સજા આપવા માટે સરકારી શટડાઉનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે બજેટ નિર્દેશક રસ વોટ સાથે મુલાકાત કરી તાત્કાલિક અથવા કાયમી ખર્ચમાં કાપ મૂકવા અંગે ચર્ચા કરી હતી, જેને કારણે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ટ્રમ્પે જાહેર કર્યું હતું કે તેઓ અને રસ વોટ મળીને નક્કી કરશે કે કઈ-કઈ ડેમોક્રેટ સમર્થિત યોજનાઓમાં કાપ મૂકવામાં આવશે.

અમેરિકી સરકાર બંધ થવાના બીજા જ દિવસે હજારો ફેડરલ કર્મચારીઓ માટે અનિશ્ચિતતાનું વાતાવરણ બની ગયું છે, જેમને રજા પર મોકલવામાં આવવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની શક્યતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ હજારો ફેડરલ કર્મચારીઓની છટણી પર વિચાર કરી રહ્યું છે.

આ છટણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં લેવિટે કહ્યું હતું કે જો ડેમોક્રેટ્સે સરકારને ખુલ્લી રાખવા માટે મતદાન કર્યું હોત તો આવું ન થયું હોત.વોટે આગળ દલીલ કરી હતી કે ડેમોક્રેટ્સ શટડાઉન સાથે રાજકારણ કરી રહ્યા છે અને તેના માટે કોઈ યોગ્ય કારણ નથી. તેમણે કહ્યું હતું કે તે લોકો રાજકીય કારણોથી આવું કરી રહ્યા છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેઓ કરદાતાના પૈસાથી મળતા આરોગ્ય સેવાના લાભ ગેરકાયદે વિદેશીઓને આપવા માગે છે, જેને અમેરિકી જનતાએ ગયા વર્ષે ચૂંટણી પહેલાં જ પૂરેપૂરું નકારી દીધું હતું.

અમેરિકામાં શટડાઉનની શી થશે અસર

ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી શટડાઉનનો ઉપયોગ ડેમોક્રેટિક સાંસદો પર રાજકીય દબાણ વધારવા માટે કર્યો છે. તેમણે કહ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ, જાતિ સમાનતા અને ગરીબી સામે કામ કરતી એજન્સીઓ, અન્ય બાબતો ઉપરાંત, નાણાંની અછતને કારણે બંધ થઈ શકે છે.

૦૩ ઑક્ટોબર ૨૦૨૫

વાસ્તુ: સમાજ અને સંસ્કૃતિની દિશા

સત્ય વ્યક્તિગત ન હોઈ શકે. બની શકે કે વ્યક્તિની એના માટેની સમજણ અલગ હોય. જેમ સૂર્યની આગળ વાદળ આવે તો એ સૂર્યનું અસ્તિત્વ મિટાવી નથી શકતા એ જ રીતે સત્યની આડે ઉભા થયેલા આવરણો પણ સત્યને બદલી નથી શકતા. સતત અસત્યને જ સત્ય માનનાર વ્યક્તિને જયારે સત્ય સમજાવા લાગે છે ત્યારે તેનામાં આક્રમક બદલાવ આવે છે. અને અચાનક તેનું વ્યક્તિત્વ બદલાય છે. તે સતત સત્યને પામવા ઝંખે છે. આ પ્રક્રિયામાં તેનું વર્તન ક્યારેક અત્યંત સકારાત્મક તો ક્યારેક અત્યંત નકારાત્મક હોઈ શકે છે. યુગોથી માણસ સનાતન સત્યને પામવા મથી રહ્યો છે. અને આ પ્રક્રિયામાંથી જ વિજ્ઞાનના નિયમો ઉદભવ્યા છે.

મિત્રો, આ વિભાગ આપનો છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શરદ પૂનમ સાથે જોડાયેલા ઉર્જા સિદ્ધાંતો સમજાવવા વિનંતી.

જવાબ: શરદ પૂનમ વિષે આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી છે. વરસમાં અમુક સમયે ચંદ્રની શ્રેષ્ઠ ઉર્જાનો આપણને લાભ મળે છે. શરદ પૂનમ એમાંનો એક દિવસ છે. આ દિવસે રાત્રીના પ્રથમ પ્રહરમાં ચંદ્રની શ્રેષ્ઠ ઉર્જા મળે છે. તેથી ચંદ્રોદય બાદ થોડા સમય સુધી ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ. સાકર, દૂધ જેવા દ્રવ્યો ચંદ્રની ઉર્જાની સકારાત્મકતાને પોતાનામાં સંગ્રહિત કરી શકે છે. તેથી તેને ચંદ્ર પ્રકાશમાં રાખીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. ક્ષીર એટલે દૂધ. એના પરથી ખીર શબ્દ આવ્યો. ચોખાની ખીર, પૌવાની ખીર એ એની સાથે જોડાયેલ દ્રવ્ય દર્શાવે છે. ચોખા અને દુધને અમુક તાપમાને ઉકાળવામાં આવે તો તે શક્તિ વર્ધક બને છે. વળી ચંદ્રની ઉર્જા સાથે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આથી દૂધ પૌવા અથવા પૌવાની ખીર આ દિવસે ખાવાનો રીવાજ છે. રાત્રે 12 વાગ્યા પછી ચંદ્રના પ્રકાશમાં ન રહેવું જોઈએ.

સવાલ: એક તરફ બગડતી અર્થ વ્યવસ્થા. બીજી તરફ ઠેર ઠેર આંદોલનો અને યુદ્ધની સ્થિતિ અને ત્રીજી તરફ ગરબાના નામે બિભત્સતા જોવા મળે છે ત્યારે વિચાર આવે છે કે દુનિયા કઈ દિશા તરફ જઈ રહી છે? આપણી સંસ્કૃતિને કોરાણે મુકીને આવી અર્થ વ્યવસ્થામાં પણ ઉત્સવો મનાવતી પ્રજા પ્રત્યે ધ્રુણા ઉદ્ભવે છે. માતાજીના ગરબાના બદલે જાહેરમાં બીભત્સ નૃત્યો, જુગુત્સા પ્રેરક ગીતો અને સિસકારા મારતા ખેલૈયાઓ કઈ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે એ સમજાતું નથી. શું આપણે આવા દ્રશ્યો દ્વારા વિશ્વ ને સમજાવીશું કે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ ભારતમાં હતી.

આખી રાત ચાલતી આવી પ્રવૃત્તિ દ્વારા જો દેશની આર્થિક સ્થિતિ સુધારતી હોય તો પણ આ તો ન જ ચલાવી લેવાય. એક તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે કે દેશ માટે કશું કરે અને બીજી તરફ આવા નિમ્ન કક્ષાના લોકો છે જે સતત ગંદકી ફેલાવી રહ્યા છે. ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ પ્રવૃત્તિ માટે કડક કાયદો બનાવવો જરૂરી છે. અને એ કાયદાના પાલનમાં કોઈ બાંધછોડ ન થાય એ પણ જરૂરી છે. શું આપણા દેશમાં આ શક્ય છે?

જવાબ: આપણે એ જ દેશની વાત કરીએ છીએ જ્યાં ધર્મ અને સંસ્કૃતિ માટે અનેક યુદ્ધ થયા છે. આપણી પ્રજા મનોરંજન પ્રિય અને દેખાડા પ્રિય બની રહી છે એ સાચે જ કરુણ સ્થિતિ છે. વળી આપણા દેશની વિસ્ફોટક વસ્તી, અનુશાશનનો અભાવ, ભ્રષ્ટાચાર, ઓછી લાયકાત વાળી વ્યક્તિને મદદ જેવી ઘણી બધી બાબતો આપણા દેશ માટે ઘાતક બની રહી છે. વળી નવી પેઢી દિશાહીન બની રહી છે. આઝદીની ચળવળમાં પણ યુવાનોનો સિંહ ફાળો હતો. પણ એમનું એક ધ્યેય હતું. યુવાનો જ ઈતિહાસ બદલી શકે છે. જો આ યુવાનોને દિશા નહિ આપવામાં આવે તો એ એક ટોળું બની જશે. અને ટોળાની કોઈ વિચારધારા નથી હોતી.

ગરબાના નામે વિવિધ ડાન્સ ક્લાસ ચાલતા હોય અને લોકો માત્ર આધુનિક દેખાવાની હોડમાં એને ગરબા સમજીને શીખતા હોય ત્યારે એનું પ્રદર્શન ગરબા તરીકે જ થવાનું છે. ભીગી ભીગી રાતોમે.., જુમ્મા ચુમ્મા દે દે …, પ્યાર દો પ્યાર લો માં ગરબાનો તાલ દેખાતો હોય તો પણ એને ગરબા ન જ કહેવાય. જો આવી સભાનતા હશે તો જ સમજમાં અનુશાશન સચવાઈ રહેશે. એક વાર પાણી માથા પરથી જતું રહે પછી કશું બચતું નથી.

જાહેરમાં બિભત્સ હરકતો થાય ત્યારે આસપાસના હજારો લોકો એનો વિરીધ નથી કરતા એ પણ અત્યંત કફોડી સ્થતિ છે. આ માનસિકતા પણ દેશની એકતા માટે યોગ્ય નથી. દેશપ્રેમ આવી જગ્યાએ પણ દેખાડી શકાય. જો સંસ્કૃતિ જેવું જ કશું નહિ રહે તો ગુફાના માનવ અને આપણી વચ્ચે કોઈ ભેદ ન રહે. જો કે આના માટે સરકારે તો કડક કાયદા લાવવા જ જોઈએ પણ સમાજે પણ સજાગતા દેખાડવી જરૂરી છે. લોકો આવી વાતનો વિરોધ કરશે તો તે આપોઆપ અટકી જશે.

સુચન: દારૂ એ સોમરસ નથી. સોમરસને સમજવા માટે સાચી માહિતી લેવી જરૂરી છે.  

(આપના સવાલ મોકલી આપો Email : vastunirmaan@gmail.com )                                     

Chitralekha Gujarati – 13 October, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

સમસ્યા વજન વધવાની… ને ન વધવાની!

પ્રશ્ન: હું મોટા ભાગનો સમય ઘરથી બહાર એકલો રહું છું. મને રોજ વૉકિંગની આદત છે, પણ મારું વજન વધતું જાય છે, મારે ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ?

– વિવેક ગાંધી (વડોદરા)

ઉત્તર: આદર્શ રીતે તમારો આહાર હાઈ પ્રોટીન, લો ફૅટ તથા મધ્યમ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ ધરાવતો હોવો જોઈએ. અગર તમે શુદ્ધ શાકાહારી છો તો ઓછા ફૅટવાળા દૂધ અને દહીંનો ઉપયોગ કરવો. ભૂખ સંતોષવા માટે પ્રોટીનયુક્ત પદાર્થો લો. રાત્રે મગ કે ચણા પાણીમાં પલાળી દો, સવારે એ નાસ્તામાં લઈ શકો. આ હેલ્ધી બ્રેકફાસ્ટ છે એટલે બીજું કંઈ બનાવવાની પણ જરૂર ન રહે. તમે ઈંડાં ખાતા હો તો એને પણ બૉઈલ કરીને લઈ શકો. સ્કિમ્ડ મિલ્કમાં કૉર્નફ્લેક્સ અથવા ગ્રેનોલા ઉમેરીને લઈ શકાય. આ થઈ વાત હેલ્ધી નાસ્તાની, જે તમે જ્યાં રહેતા હો ત્યાં તૈયાર કરી શકો.

બપોરના જમવામાં વધુ તેલવાળું શાક હોય તો એનું પ્રમાણ ઓછું રાખવું. એની જગ્યાએ સલાહભર્યું છે કે બહાર તમે રોટલી-શાક ઓછાં અને દાળ-ભાતનો વધુ ઉપયોગ કરો, જેમાં તેલનું પ્રમાણ શાકની સરખામણીએ ઓછું હશે. સૅલડ, દહીં કે છાશ આ સમયે સાથે લઈ શકાય. સાંજના સમયે ઘરેથી લાવેલ સૂકો નાસ્તો સાથે રાખવો, જેથી બહારના અનહેલ્ધી નાસ્તાનો ઉપયોગ ટાળી શકો. ખાખરા, મમરા, શીંગ-દાળિયા કે ઘરમાં બનાવેલો પૌંઆનો ચેવડો આ સમયે લઈ શકાય. રાત્રે હળવું જમવું. મોડેથી ભૂખ લાગે તો મિલ્ક સ્મૂધી અથવા ફ્રૂટ સ્મૂધી રૂમ પર જ બનાવીને લઈ શકશો. આમ, બહાર રહેવા છતાંય અને કિચનની વ્યવસ્થા ન હોવા છતાંય અને રસોઈ બનાવતાં ન આવડતી હોય તો પણ તમે હેલ્ધી આહાર લઈ શકશો.

પ્રશ્ન: મારી ઉંમર 25 વર્ષ છે અને વજન 48 કિલો છે. ઘણા પ્રયત્નો કરવા છતાંય વજન વધી રહ્યું નથી. એના માટે શું કરી શકાય?

– ભૂમિ મારડિયા (અમદાવાદ)

ઉત્તર: ઘણી વખત અપૂરતું પોષણ, માનસિક તણાવ, વધુપડતો શારીરિક પરિશ્રમ, આનુવંશિક અસર અથવા તો શારીરિક બીમારી એ વજન ઓછું હોવાનાં કારણ હોઈ શકે છે. આ કારણમાં તમને શું અસર કરે છે એ તમારે શોધવું પડે, જેથી એ મુજબ તમે વજન વધારવા માટે પ્રવૃત્ત થઈ શકો.

વજન વધારવા માટે વધુ કૅલરીવાળા ખોરાક ઉપરાંત જરૂરી છે તન અને મનની સુખાકારી. કોઈ શારીરિક બીમારી હોય તો એની સારવાર કરાવવી જરૂરી છે. એ જ રીતે મન પ્રફુલ્લિત રહે એ પણ જરૂરી છે. તમારા આહારમાં વધુ કૅલરી ધરાવતા સૂકા મેવા, શીંગ, ગોળ, ખજૂર, ઘી, બટર, ચીઝ, શીરો, રાબ, કોપરું, કેળાં-કેરી, આઈસક્રીમ, સ્મૂધી, વગેરેનો સમાવેશ કરો. આ પદાર્થોનો ઉપયોગ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ઉપરાંત કરવાનો રહેશે, જેથી શરીરને નિયમિત ખાદ્યો ઉપરાંત વધારાની કૅલરી મળી શકે. સાથે યોગ કે કસરત ચોક્કસ કરવી, કારણ કે આ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ ફક્ત વજન ઘટાડવા માટે જ નહીં, પરંતુ વજન વધારવા માટે પણ એટલી જ જરૂરી છે.

પ્રશ્ન: મને પીસીઓડી છે, જેને કારણે મારું માસિક ચક્ર અનિયમિત થઈ ગયું છે અને મારું વજન પણ વધી રહ્યું છે. કયા પ્રકારનો આહાર પીસીઓડીમાં મદદરૂપ થઈ શકે?

– કીર્તિ પાઠક (અમદાવાદ)

ઉત્તર: પીસીઓડી એ એક મેડિકલ પરિસ્થિતિ છે, જેમાં અંડાશય અપરિપક્વ ઈંડાં ઉત્પ્ન્ન કરે છે. આ પ્રકારનું હોર્મોનનું અસંતુલન અંડાશયમાં સોજો ઉત્પ્ન્ન કરી શકે છે, એને પોલિસિસ્ટિક ઓવરી (અંડાશયના રોગ) તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો સામાન્ય હોર્મોનલ ડિસઑર્ડર છે, જે સ્ત્રીઓને એમનાં પ્રજનનનાં વર્ષોમાં અસર કરે છે. ખાસ તો શહેરી વિસ્તારોમાં ખરાબ આહાર, શારીરિક નિષ્ક્રિયતા અને તણાવ જેવાં પરિબળોને કારણે આ તકલીફ દિવસે દિવસે વધતી જાય છે. પીસીઓડીને કારણે અનિયમિત માસિકસ્ત્રાવ, ગર્ભધારણ કરવામાં મુશ્કેલી, ખીલ અથવા તૈલી ત્વચા, વજન વધવું, વગેરે અસર જોવા મળે છે. યોગ્ય રીતનો ઉપચાર ગાયનેકોલૉજિસ્ટ દ્વારા કરાવવામાં આવે તો એ સામાન્ય બની શકે છે.

આ પ્રકારના ડિસઑર્ડરમાં પહેલાં તો તમારી જીવનશૈલી અનિયમિત હોય તો એ નિયમિત બનાવવી જરૂરી છે. વજન વધતું અટકાવવા માટે ઓછી કૅલરીવાળો આહાર લેવો જોઈએ. તેલ, માખણ, ચીઝ, વગેરેનો ઉપયોગ ન્યૂનતમ થાય એની કાળજી રાખવી. પ્રવૃત્તિમય રહેવું. સવાર અને સાંજના સમયે ૨૦ મિનિટ ચાલવું, સવારના સમયે યોગ, ધ્યાન, પ્રાણાયામ, વગેરે અસરકારક બની શકશે. ડૉક્ટરની સારવાર સમયસર લેવાય એ જરૂરી છે. આ સિવાય સીડ્સ સાઈકલનો ઉપયોગ પીસીઓડીમાં અકસીર ઈલાજ સમાન છે, જેમાં દર અઠવાડિયે એક ચમચી અલગ અલગ સીડ્સ લેવાનાં હોય છે, જેમ કે પ્રથમ અઠવાડિયે રોજ એક ચમચી ફ્લેક્સ સીડ્સ લેવાં. એવી રીતે બીજા અઠવાડિયે પમ્પકીન સીડ્સ, ત્રીજા અઠવાડિયે સનફ્લાવર સીડ્સ તો ચોથા અઠવાડિયે સીસમ (તલ) સીડ્સનો ઉપયોગ કરવો. આ પ્રકારની સાઈકલ હોર્મોન્સને બૅલેન્સ કરવા માટે સારું પરિણામ આપે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

પંચાંગ 03/10/2025