Home Blog Page 565

ગુજરાત કોર્ટે 3 અલ-કાયદા આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી

બે વર્ષ પહેલાં અમદાવાદ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાજકોટના સોની બજારમાંથી ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી. તેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ હતો. ત્રણેય આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હતા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીના સંકેતો મળ્યા હતા. કોર્ટે હવે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી છે. અમદાવાદ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની શંકા કોર્ટમાં સાચી સાબિત થઈ હતી. રાજકોટની એક સ્થાનિક કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્રણેય મૂળ પશ્ચિમ બંગાળના છે.

પોલીસને પુરાવા મળ્યા

બે વર્ષ પહેલાં, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ને ગુપ્ત માહિતી મળી હતી કે પશ્ચિમ બંગાળના ત્રણ યુવાનો રાજકોટના સોની બજારમાં હાજર છે. તેઓ મજૂરોના વેશમાં ભયાનક આતંકવાદી સંગઠન અલ-કાયદાને પ્રોત્સાહન આપી રહ્યા હતા. માહિતી મળતાં, ATS એ 31 જુલાઈ, 2023 ના રોજ સોની બજારમાં દરોડો પાડ્યો અને રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી ત્રણેયની ધરપકડ કરી.

કોર્ટમાં ગુનો સાબિત થયો

ત્રણ આરોપીઓની ઓળખ અમન સિરાજ મલિક, અબ્દુલ શકુલ અલી શેખ અને શફનવાઝ અબુશાહિદ તરીકે થઈ હતી. દરોડા દરમિયાન પોલીસે પિસ્તોલ અને કારતૂસ સહિત અનેક પુરાવા જપ્ત કર્યા. અમન સિરાજના ફોન પરથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રાહે-એ-હિદાયત નામના જૂથને શોધી કાઢવામાં આવ્યું.

આજીવન કેદ અને 10,000 રૂપિયાનો દંડ

પોલીસે ત્રણેય આરોપીઓને જેલમાં મોકલીને તપાસ પૂર્ણ કરી, અને રાજકોટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ટ્રાયલ દરમિયાન, એ સ્પષ્ટ થયું કે ત્રણેય આરોપીઓ વોટ્સએપ ચેટ દ્વારા ઘણા મુસ્લિમોને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા હતા અને તેમને સંગઠનમાં ભરતી કરવાનું કામ પણ કરી રહ્યા હતા. બે વર્ષની ટ્રાયલ બાદ, કોર્ટે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે દરેકને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો.

Filmfare Awards: શાહરૂખ ખાન 70મો ફિલ્મફેર એવોર્ડ્સ કરશે હોસ્ટ

શાહરૂખ ખાન 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરીને ફરી એકવાર પોતાની હાજરીથી દર્શકોને ચકિત કરવા માટે તૈયાર છે.

બોલિવૂડના બાદશાહ, અભિનેતા શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. તેઓ ટૂંક સમયમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરતા જોવા મળશે. 70મા વાર્ષિક ફિલ્મફેર એવોર્ડ્સ 11 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આ કાર્યક્રમની દરેક ક્ષણ ઐતિહાસિક બનવાની છે, કારણ કે શાહરૂખ ખાન સ્ટેજ પર હશે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

શાહરૂખ ખાન ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું, “મેં પહેલી વાર જયારે બ્લેક લેડીને હાથમાં લીધી હતી, ત્યારથી લઈ અત્યાર સુધી મેં વર્ષોથી મારા સાથીદારો અને ચાહકો સાથે અસંખ્ય યાદો શેર કરી છે. આ પ્રેમ, સિનેમા અને જાદુની સફર રહી છે. 70મા વર્ષે સહ-યજમાન તરીકે પાછા ફરવું ખરેખર ખાસ છે. હું વચન આપું છું કે અમે તેને એક યાદગાર રાત બનાવીશું. તે હાસ્ય, યાદો અને આપણે બધાને ગમતી ફિલ્મોની ઉજવણીથી ભરપૂર હશે.”

મોહસિન નકવીએ માગી માફી, પણ ટ્રોફી અને મેડલ આપવાનો ઇનકાર

દુબઈઃ દુબઈમાં યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના એશિયા કપ ટ્રોફી વિવાદ નવો વળાંક લઈ ગયો. એ બેઠકમાં PCB અને ACCના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્વીકાર્યું હતું કે જે કંઈ બન્યું તે યોગ્ય નહોતું. પરંતુ છતાં તેમણે BCCIને એશિયા કપની ટ્રોફી અને મેડલ આપવાનો સીધો ઇનકાર કરી દીધો. આ બેઠકમાં આ મુદ્દે બંને પક્ષ વચ્ચે તીવ્ર ચર્ચાવિચારણા થઈ હતી અને સૂત્રોના જણાવ્યા મુજબ વાતાવરણ ખૂબ જ તંગ બન્યું હતું.

નકવીએ BCCIને કહ્યું હતું કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દુબઈ આવીને જાતે ટ્રોફી લેવી પડશે. BCCIએ સવાલ કર્યો હતા જ્યારે તમે ત્યાં હતા ત્યારે તેમણે ટ્રોફી ન લીધી, હવે તમે માનો છો કે તેઓ પોતે આવીને ટ્રોફી લેશે?

આ બેઠકમાં ખુલાસો થતાં નકવીએ માફી તો માગી, પરંતુ ટ્રોફી અને મેડલ પરત આપવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આને કારણે ક્રિકેટ જગતમાં એશિયા કપ 2025ની ટ્રોફી વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે. મોહસિન નકવી આજે લાહોર જવાના છે, પરંતુ આ વિવાદનો પ્રભાવ અને પ્રતિક્રિયા કેટલાક દિવસો સુધી મિડિયા અને ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ACCની અંદર પણ આ મુદ્દે મતભેદ હતા અને બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓએ બંને પક્ષોને શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા.

એશિયા કપ 2025ના ફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. પરંતુ મેચ પછીનું દૃશ્ય સૌને ચોંકાવનારું રહ્યું હતું.

 

મહિલા વર્લ્ડ કપ સમારોહમાં શ્રેયાએ ઝુબીન ગર્ગને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી

મંગળવારે ગુવાહાટીના ACA બરસાપારા સ્ટેડિયમ ખાતે 14મા મહિલા વર્લ્ડ કપની ભવ્ય શરૂઆત થઈ. શ્રેયા ઘોષાલે સ્વર્ગસ્થ આસામી ગાયિકા ઝુબીન ગર્ગને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી.

મહિલા વર્લ્ડ કપમાં ભારત-શ્રીલંકા મેચના વિરામ દરમિયાન, બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલે સ્વર્ગસ્થ ગાયિકા ઝુબીનને 13 મિનિટની સંગીતમય શ્રદ્ધાંજલિ આપી. સ્ટેડિયમમાં આશરે 25,000 દર્શકો હાજર હતા. શ્રેયાએ ઝુબીનના હિટ ગીતો રજૂ કર્યા, જેમાં વર્લ્ડ કપ થીમ ગીત “બ્રિંગ ઇટ હોમ”નો પણ સમાવેશ થાય છે. ઘોષાલે ઝુબીનનું પ્રખ્યાત ગીત પણ ગાયું, જેણે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા.

શ્રેયાએ ઝુબીનનું પ્રખ્યાત ગીત ગાયું

પીટીઆઈ અનુસાર સ્ટેડિયમ ‘જોય ઝુબીન દા’ના નારાઓથી ગુંજી ઉઠ્યું. ચાહકોએ સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ આપતા બેનરો લહેરાવ્યા. મહિલા વર્લ્ડ કપમાં, શ્રેયાએ ઝુબીન ગર્ગનું પ્રખ્યાત ગીત ‘માયાબિની રાતીર બુકુટ’ગાયું, જે સમારંભનું સમાપન હતું. ઝુબીને પણ તેમના અવસાન પછી ચાહકો આ ગીત ગણગણાવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ગીતથી ક્રિકેટ સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. નોંધનીય છે કે 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં તેમના અકાળ અવસાનથી આસામમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી.

10,000 મફત પાસ આપવામાં આવ્યા

આસામ ક્રિકેટ એસોસિએશને ઝુબીન ગર્ગના માનમાં ઉદ્ઘાટન સમારોહની થીમ રાખી હતી. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, ‘આ મેચ બે પરિસ્થિતિઓ વચ્ચે યોજાઈ રહી છે: ઝુબીન ગર્ગ માટે શોક અને દુર્ગા પૂજાની આત્યંતિક ઉજવણી. અમે ઇચ્છતા હતા કે ઉદ્ઘાટન સમારોહ આ ધરતીના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,’ઝુબીન ગર્ગ ફેન ક્લબના સભ્યો માટે પાંચ હજાર ટિકિટ ખાસ અનામત રાખવામાં આવી હતી, જ્યારે ઝુબીનના ચાહકો આ ખાસ ક્ષણનો ભાગ બની શકે તે માટે 10,000 મફત પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.’

ચાહકોએ કહ્યું, “ઝુબિન દા હંમેશા અમારા આઇકોન રહેશે.” 23 વર્ષીય હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીએ કહ્યું, “ઝુબિન દા હંમેશા અમારી સાથે રહેશે. તેઓ આસામના નંબર વન આઇકોન છે. આપણે ભલે ભૂપેન હજારિકાને જોયા ન હોય, પરંતુ ઝુબિન અમારામાંથી એક હતા. તેઓ અમારા હૃદયની ખૂબ નજીક હતા અને અમારી સાથે જોડાયેલા હતા.” સ્ટેડિયમમાં પણ, શ્રેયા ઘોષાલે ઝુબિનનું ગીત ગાયું ત્યારે ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

RSSનો શતાબ્દી સમારોહઃ પીએમ મોદી, ટપાલ ટિકિટ, સિક્કો કર્યા જાહેર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ડો. અંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ અવસરે વડા પ્રધાને RSSના રાષ્ટ્ર પ્રત્યેના 100 વર્ષના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરાયેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જાહેર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આવતી કાલે વિજયાદશમી છે, એ એવો તહેવાર છે જે દુષ્ટ પર સદ્ગુણની જીત, અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીત અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતિક છે. 100 વર્ષ પહેલાં આ જ પવિત્ર દિવસે RSSની સ્થાપના થઈ, એ કોઈ સંયોગ નહોતો.

RSSના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાને કહ્યું હતું કે આ 100 રૂપિયાનો સિક્કો એક તરફ રાષ્ટ્રીય પ્રતીક છે અને બીજી તરફ ભારત માતાની છબી છે, જે સિંહ પર વિરાજમાન છે અને સ્વયંસેવકો સમર્પણ ભાવથી તેમની આગળ નમન કરી રહ્યા છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે અમારી કરન્સી પર ભારત માતાની છબી દર્શાવવામાં આવી છે. આજે જાહેર કરાયેલા વિશેષ ટપાલ ટિકિટનું પણ પોતાનું મહત્વ છે. 1963માં, RSS સ્વયંસેવકોએ પણ ગણતંત્ર દિવસની પરેડમાં ગર્વપૂર્વક ભાગ લીધો હતો. આ ટપાલ ટિકિટ પર એ ઐતિહાસિક ક્ષણની છબી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આરએસએસની 100 વર્ષની ગૌરવશાળી યાત્રા ત્યાગ, નિસ્વાર્થી સેવા, રાષ્ટ્ર નિર્માણ અને અનુશાસનનું એક અદભૂત ઉદાહરણ છે. તેમણે કહ્યું કે અમારા સ્વયંસેવકો એ સદ્દભાગ્યે એપેઢીના છે જેમને આરએસએસના શતાબ્દી વર્ષની સાક્ષી બનવાની તક મળી છે.

તેમણે કહ્યું હતું કે સંઘે લાખો સ્વયંસેવકોને તૈયાર કર્યા છે, સેવા અને રાષ્ટ્ર ઉત્કર્ષની સાધનામાં સંઘે પોતાને ઝોકી દીધું છે અને સતત સંઘર્ષ કરતો રહ્યો છે. આઝાદીની લડતમાં સંઘના કાર્યકર્તાઓએ લડત આપી હતી. આઝાદી પછી પણ નિઝામના અત્યાચાર સામે સંઘ લડ્યો હતો અને અનેક લોકોએ બલિદાન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભાવ સ્પષ્ટ છે – રાષ્ટ્ર પ્રથમ, એક જ લક્ષ્ય છે ભારત શ્રેષ્ઠ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ

મલ્લિકાર્જુન ખડગે 7 ઓક્ટોબરના રોજ નાગાલેન્ડના કોહિમાની મુલાકાતે આવનાર છે, જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેર સભામાં 10,000 લોકો આવવાની અપેક્ષા છે, પરંતુ ખડગેના સ્વાસ્થ્યને કારણે હવે તેમની નાગાલેન્ડ મુલાકાત પર શંકા ઉભી થઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત બગડતી હોવાના સમાચાર સામે આવ્યા છે. ખડગેને બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 83 વર્ષીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બેંગલુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ખડગેને મંગળવારે તાવ અને પગમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

કોંગ્રેસ પ્રમુખની તબિયત સ્થિર

કોંગ્રેસના નેતાઓ કહે છે કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી હવે કોંગ્રેસ પ્રમુખની તબિયત સ્થિર છે. મલ્લિકાર્જુન ખડગેને આજે ભારતીય રાજકારણમાં સૌથી અગ્રણી નેતાઓમાંના એક માનવામાં આવે છે. તેઓ ઓક્ટોબર 2022 માં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

મલ્લિકાર્જુન ખડગે 7 ઓક્ટોબરે નાગાલેન્ડના કોહિમાની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેર સભામાં દસ હજાર લોકો હાજર રહે તેવી અપેક્ષા છે, પરંતુ હવે, ખડગેના બગડતા સ્વાસ્થ્યને કારણે, તેમની નાગાલેન્ડની મુલાકાત શંકાના ઘેરામાં આવી ગઈ છે.

અમેરિકામાં છ વર્ષમાં સૌપ્રથમ વાર શટડાઉન

વોશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ સરકારનું સત્તાવાર રીતે શટડાઉન થઈ ગયું છે. ટ્રમ્પ સરકારના ફંડ પર હવે તાળું લાગી ગયું છે, કારણ કે સંસદમાંથી તેને જરૂરી મંજૂરી મળી શકી નથી. સરકાર પોતાનાં સ્પેન્ડિંગ બિલ સંસદમાંથી પાસ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. ત્યાર બાદ મધરાત પડતાં જ સરકારી ફંડિંગ સમાપ્ત થઈ ગયાં છે. આ છેલ્લાં છ વર્ષમાં સૌપ્રથમ વાર છે કે સરકારનું શટડાઉન થયું છે.

શટડાઉનનો અર્થ એ છે કે અમેરિકા ભરની સરકારી એજન્સીઓ તાત્કાલિક બંધ થઈ જશે. શટડાઉન હેઠળ, બિનઆવશ્યક માનવામાં આવતા ફેડરલ (કેન્દ્રીય) કર્મચારીઓને બિનવેતન રજામાં મૂકવામાં આવશે. સૈન્ય કર્મચારીઓ સહિત જરૂરી કર્મચારીઓને બિનવેતન કામ કરવું પડશે.

શટડાઉનનો શી અસર થશે?

અમેરિકામાં પહેલી ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ લાગુ પડે છે. પરંતુ આ વખતે ટ્રમ્પ સરકારનું સ્પેન્ડિંગ બિલ પાસ ન થતાં રાતે 12.01 વાગ્યે શટડાઉન શરૂ થઈ ગયું. આ વખતે કુલ સરકારી કર્મચારીઓમાંથી 40 ટકા એટલે કે લગભગ આઠ લાખ લોકોને બિનવેતન તાત્કાલિક રજા પર મોકલવામાં આવી શકે છે. જોકે કાનૂન વ્યવસ્થા, સરહદ સુરક્ષા, મેડિકલ અને હવાઈ સેવાઓ જેવી જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ફૂડ સહાયતા કાર્યક્રમો, ખાદ્ય પદાર્થોની તપાસ, કેન્દ્ર સંચાલિત શાળાઓ, સ્ટુડન્ટ લોન જેવી સેવાઓને મર્યાદિત અથવા બંધ કરવાની શકયતા છે.

એ સિવાય શટડાઉનની અસર ટ્રાન્સપોર્ટ સેવાઓ પર દેખાશે. ઘણી એરલાઇન્સે સેવાઓ પર અસર થવાની આશંકા વ્યક્ત કરી છે. ફ્લાઇટો મોડી પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે શટડાઉન જેટલો લાંબો ચાલશે, તેની પ્રતિકૂળ અસર એટલી જ વધારે થશે. તેઓ ચેતવણી આપી રહ્યા છે કે જો શટડાઉન લાંબો સમય ચાલશે તો બજારો પર તેની અસર પડી શકે છે અને અર્થતંત્ર પર પણ આંચકો આવી શકે છે.

શટડાઉન રોકવાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ

અમેરિકામાં શટડાઉન ટાળવાના અંતિમ પ્રયાસરૂપે ટ્રમ્પ સરકારના ફંડિંગને સાત અઠવાડિયા વધારવા માટે મંગળવારે સેનેટમાં એક બિલ રજૂ થયું હતું. તેના પક્ષમાં 55 મત પડ્યા જ્યારે વિરોધમાં 45 મત પડ્યા. આ બિલ પાસ થવા માટે ઓછામાં ઓછા 60 મત જરૂરી હતા,પરંતુ એવું નથી થયું. વિરોધી ડેમોક્રેટિક પાર્ટીએ આરોપ મૂક્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી આરોગ્ય સંભાળ સંબંધિત તેમની માગણીઓ સ્વીકારી રહી નથી અને એવા સંજોગોમાં તેઓ સ્પેન્ડિંગ બિલને મંજૂરી ન આપીને સરકારનાં ફંડ પર તાળું મારી રહ્યા છે.

RBIએ ધિરાણ દરો યથાવત્ રાખ્યાઃ રેપો રેટ 5.5 ટકા

નવી દિલ્હીઃ RBI ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટને 5.5 ટકાએ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે છેલ્લે જૂન, 2025માં રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો, પરંતુ ઓગસ્ટમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જોકે આ વર્ષે અત્યાર સુધી કુલ એક ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે નીતિગત વલણને  ન્યુટ્રલ (Neutral) રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે GDP વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત बनी રહી છે. તેનું શ્રેય અનુકૂળ ચોમાસું, ઘટતી મોંઘવારી અને નાણાકીય ઢીલને જાય છે.

રેપો રેટ એ તે વ્યાજ દર છે જેના પર RBI બેન્કોને રૂપિયા ઉછીના આપે છે. રેપો રેટ વધે ત્યારે બેંકોની લોન મોંઘા થઈ જાય છે, જેને કારણે હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોનના EMI વધી જાય છે. જ્યારે રેપો રેટ ઘટે ત્યારે સસ્તી થઈ શકે છે, પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત પર વ્યાજ પણ ઘટી શકે છે.

મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ અંદાજ લગાવ્યો હતો કે RBI હાલની પરિસ્થિતિ જાળવી રાખશે. જોકે કેટલાકને ઘટાડાની શક્યતા પણ વ્યક્ત  કરી હતી. એક સર્વેમાં મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ હાલની પરિસ્થિતિ જાળવી રાખવાનો અંદાજ લગાવ્યો હતો,. પરંતુ, કેટલાક નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો હતો કે સમિતિ ધિરાણ દરમાં 25 બેસિસ પોઇન્ટ (bps)નો વધુ ઘટાડો કરે એવી શક્યતા છે.

દૂધી ઢોકળીનું શાક

દૂધી ન ભાવતી હોય તો  દૂધી ઢોકળીનું શાક બનાવીને દૂધીનો શાકમાં ઉપયોગ કરી શકાય છે.

સામગ્રીઃ ઢોકળી માટેઃ

  • દૂધી 250 ગ્રા.
  • ગાજર 1
  • કોબી 100 ગ્રા.
  • ધોઈને સમારેલી પાલક 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • 2-3 ચપટી હીંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • હળદર 2-3 ચપટી
  • તેલ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • ટામેટાં 4
  • આમચૂર પાઉડર
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • આખા લાલ મરચાં 2
  • કળીપત્તાના પાન 6-7
  • તેલ વઘાર માટે

 

રીતઃ દૂધી, ગાજર, કોબીને અલગ અલગ ખમણીને એમાંનું પાણી નિચોવીને એક વાટકીમાં કાઢીને બાજુએ રાખવું.

શાકની ખમણેલી છીણ એક મોટા વાસણમાં લઈ તેમાં સમારેલી પાલક તેમજ કોથમીર લો. હવે તેમાં 2-3 ચપટી હીંગ, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, 1 ટી.સ્પૂન તેલ તેમજ 2-3 ચપટી હળદર મેળવીને મિશ્રણનો લોટ બાંધો. જરૂર મુજબ તેમાં પાણી ઉમેરો. ઢોકળીનો લોટ બંધાઈ જાય એટલે તેમાંથી અડધા ઈંચના નાના ચપટા ગોળા વાળી લો.

આ ગોળાને મુઠીયાની જેમ 10 મિનિટ માટે બાફવા મૂકો.

વઘાર કરવા માટે આદુ-મરચાં-લસણની પેસ્ટ સાથે કોથમીર પણ વાટીને પેસ્ટ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી રાઈ તતડે એટલે જીરૂનો વઘાર કરી, લાલ મરચાં બે ટુકડામાં તોડીને વઘારી લો. ત્યારબાદ હીંગ ઉમેરીને વાટેલાં આદુ-મરચાં-લસણ-કોથમીર એકાદ મિનિટ સાંતળી લીધા બાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ તેમજ થોડો ગરમ મસાલો સાંતળો. હવે ટામેટાંને ખમણીને ઉમેરી, કઢાઈ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ આ વઘારમાં ખમણેલાં શાકમાંથી નિતારેલું પાણી તેમાં મેળવી દો. એકાદ કપ પાણી બીજું ઉમેરી દીધા બાદ દૂધીની બાફેલી ઢોકળી તેમાં મેળવીને ગેસની ધીમી આચે 10-15 મિનિટ શાક ચઢવા દો.

ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ગરમાગરમ રોટલી સાથે પીરસો.

૦૧ ઑક્ટોબર ૨૦૨૫