Home Blog Page 574

વડા પ્રધાન મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્ક લોન્ચ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે BSNL 4G નેટવર્ક લોન્ચ કર્યું છે. તેમણે દેશભરની 98,000 સાઇટ પરથી 4G નેટવર્ક શરૂ કર્યું. BSNL 4G શરૂ થયા બાદ હવે દેશની બધી ટેલિકોમ કંપનીઓ 4G ટેકનોલોજીથી સજ્જ થઈ ગઈ છે. સરકારી કંપની 4G ટેકનોલોજી સાથે સજ્જ થતાં તેનો સીધો લાભ દેશભરના કરોડો મોબાઇલ યુઝર્સને થશે.

ગ્રામ્ય વિસ્તારોમાં મળશે હાઈ-સ્પીડ કનેક્ટિવિટી

આ લોન્ચના અવસર પર તેમણે 100 ટકા 4G સેચ્યુરેશન નેટવર્કની પણ શરૂઆત કરી. આ યોજના હેઠળ અંદાજે 29,000થી 30,000 ગામોને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે જોડવામાં આવશે. આ પહેલનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ઝડપી ઈન્ટરનેટ સુવિધા સાથે સરકારી યોજનાઓ, આરોગ્ય સેવાઓ, ઓનલાઇન શિક્ષણ અને રોજગારના નવા અવસરો સુધી સરળ પહોંચી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પગલું માત્ર ડિજિટલ ઈન્ડિયા અભિયાનને નવી ગતિ આપશે નહિ, પણ આત્મનિર્ભર ભારતની દિશામાં પણ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

વિશ્વનો 5મો દેશ

BSNL 4G નેટવર્કની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. કંપનીએ પોતાના 4G નેટવર્કને એ રીતે ડિઝાઇન કર્યું છે કે તેને સહેલાઈથી 5Gમાં અપગ્રેડ કરી શકાય. BSNLની આ સિદ્ધિ બાદ ભારત વિશ્વનું 5મો દેશ બની ગયું છે, જેણે પોતાની ક્ષમતાથી 4G નેટવર્ક માટે જરૂરી સોફ્ટવેર અને હાર્ડવેર તૈયાર કર્યું છે. આ યાદીમાં સ્વીડન, ડેન્માર્ક, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પહેલેથી સામેલ હતા. સરકારી કંપનીએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તે ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં 5G કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરાવશે.

રાજ્યની કાયદો-વ્યવસ્થાને બગાડનારને કચડી નાખશે સરકારઃ CM યોગી

લખનૌઃ UPનાં બરેલીમાં શુક્રવારની જુમાની નમાઝ પછી ભારે બબાલ થઈ હતી. આ મામલે UPના CM યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કાલે બરેલીમાં એક મૌલાના ભૂલી ગયા કે રાજ્યમાં સત્તા કોની છે. તેને લાગ્યું કે તે જ્યારે ઇચ્છે ત્યારે વ્યવસ્થાને રોકી શકે છે, પરંતુ અમે સ્પષ્ટ કરીએ છીએ કે ન તો નાકાબંધી થશે અને ન જ કર્ફ્યુ લાગશે.

તેમણે કહ્યું હતું કે અમે જે પાઠ શીખવ્યો છે, તેનાથી આવતી પેઢીઓ તોફાન કરવા પહેલાં બે વાર વિચારશે. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે વ્યવસ્થાને રોકવાનો આ કેવી રીત છે? 2017 પહેલાં યુપીમાં આ જ ચાલતું હતું, પરંતુ 2017 પછી અમે કર્ફ્યુ પણ લાગવા દીધો નથી. ઉત્તર પ્રદેશના વિકાસની ગાથા અહીંથી શરૂ થાય છે.

અગાઉની સરકારોમાં તોફાની તત્ત્વોને CM આવાસમાં બોલાવીને સન્માનિત કરવામાં આવતા હતા. તેમની આવભગત થતી હતી અને વ્યાવસાયિક ગુનેગારો તથા માફિયાઓ સામે સત્તા સેલ્યુટ કરતી હતી. સત્તાધારી લોકો તેમના કૂતરા સાથે હાથ મિલાવતા હતા. તમે એવા ઘણાં દ્રશ્યો જોયાં હશે કે કેવી રીતે સત્તાની મુખ્ય વ્યક્તિ એક માફિયાના કૂતરા સાથે હાથ મિલાવીને પોતે ગૌરવ અનુભવે છે.

મૌલાના તૌકીર રઝાને પોલીસે કસ્ટડીમાં લીધો

બરેલીમાં જુમાની નમાઝ પછી થયેલા હિંસક પ્રદર્શનના કેસમાં ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) પ્રમુખ મૌલાના તૌકીર રઝાને પોલીસે કસ્ટડીમાં લીધો છે. આ હિંસા ‘આઇ લવ મોહમ્મદ’ને લઈને થયેલા પ્રદર્શન દરમિયાન ભભૂકી હતી, જેમાં તોડફોડ, પથ્થરમારો અને પોલીસે પર ફાયરિંગ થયું. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 1700 અજ્ઞાત અને કેટલાક લોકો સામે 10  FIR નોંધ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોને અટકાયત કરી છે. તેમણે શુક્રવાર રાત્રે વિડિયો કોન્ફરન્સિંગમાં અધિકારીઓને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા.

માધુરીનું ‘બડા દુ:ખ દિના’ ગીત બીજીવાર તૈયાર કરવામાં આવ્યું હતું!

સુભાષ ઘઈએ બહુ કપરા સંજોગોમાં ફિલ્મ ‘રામ લખન’ (1989) શરૂ કરી હતી. પણ એમને સફળતા મળી હતી. ‘રામ લખન’ ની સ્ક્રિપ્ટ અને ગીત સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. ‘કર્મા’ (1986) ની સફળતા પછી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘દેવા’ (1987) શરૂ કરી હતી. એનું એક ગીત સાથે દસ દિવસનું શુટિંગ થયા પછી અમિતાભ સાથેના મતભેદને કારણે બંધ થઈ ગઈ હતી. ત્યારે 15 દિવસમાં ફિલ્મ ‘રામ લખન’ શરૂ કરવાનો પડકાર આવી ગયો હતો. એમની પાસે ફિલ્મ માટે વાર્તાનો માત્ર એક વિચાર હતો.

મુખ્ય ભૂમિકા માટે અનિલ કપૂર અને જેકી શ્રોફને વાત કરી હતી. કેમ કે બંને સાથે ફિલ્મો કરી હતી. પરંતુ એ સમય પર બંનેની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી. તેથી તેમણે કહ્યું હતું કે તમારે તો સ્ટાર્સ જોઈએ છે. અમે સફળ નથી. સુભાષ ઘઈએ એમ કહીને બંનેને લીધા કે તમે બંને મારી ‘મુક્તા આર્ટ્સ’ના સભ્ય છો અને મારે 15 દિવસમાં ફિલ્મ શરૂ કરવાની છે. એમણે ફિલ્મની વાર્તા વિશે પૂછ્યું ત્યારે એટલું જ કહ્યું કે બે પુત્ર હોય છે એમાં એક પ્રામાણિક અને બીજો ભ્રષ્ટ હોય છે. એમને સમજ ના પડી પણ હા પાડી દીધી.

રાખીને માની ભૂમિકા માટે કહ્યું. એમણે પણ વાર્તા પૂછી ત્યારે એમને પણ કહ્યું કે એક મા હોય છે. એમના બે પુત્ર પોલીસમાં છે. એક પ્રામાણિક છે અને બીજો ભ્રષ્ટાચારી છે. એમણે હા પાડ્યા પછી તે ખંડાલા ગયા અને બે અઠવાડિયામાં સ્ક્રિપ્ટ તૈયાર કરી. એ વાર્તા કલાકારોને સંભળાવી. એમને પસંદ આવી પણ સ્ક્રિપ્ટ સંપૂર્ણ ન હતી. સેટ પર જ એમાં સુધારા વધારા કરવા પડે એમ હતા.

ફિલ્મ શરૂ થયા પછી અનેક વિતરકોએ એમ કહીને ના પાડી દીધી હતી કે એમાં ફ્લોપ કલાકારો હોવાથી તે ખરીદશે નહીં. આ સંજોગોમાં એમણે હિંમત ના હારી. સ્ક્રિપ્ટ બાબતે પણ પડકાર હતો. ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો હતા જે સેટ પર જ લખાયા હતા. અનુપમ ખેરનું ઈંડાવાળું દ્રશ્ય શુટિંગ વખતે જ લખાયું હતું. અને ‘બડા દુ:ખ દિના ઓ રામજી’ ગીતના શુટિંગ વખતે સુભાષ ઘઈને સરોજ ખાન સાથે ઘણી મગજમારી થઈ હતી. જ્યારે સરોજ ખાને માધુરી સાથે નવ દિવસ શુટિંગ કરીને સુભાષ ઘઈને બતાવ્યું ત્યારે એમણે એને એમ કહીને રદ કરી દીધું કે એ વાર્તા સાથે મેળ ખાતું નથી. મારે એને બદલવું પડશે. એ વાતનું સરોજને બહુ દુખ લાગ્યું. એમણે બહુ મહેનત કરી હતી.

સુભાષ ઘઈનું કહેવું હતું કે સરોજે નૃત્યની દ્રષ્ટિથી ગીત તૈયાર કર્યું હતું પણ એ વાર્તાની દ્રષ્ટિએ તૈયાર કરવા માંગતા હતા. એમણે પોતાની રીતે ગીતનું શુટિંગ શરૂ કર્યું. ‘બડા દુ:ખ દિના ઓ રામજી’ નું પહેલું દ્રશ્ય માધુરી ઘાઘરો ફેલાવીને બેઠી હોય એનું કર્યું. પછી બે મિનિટ સુધીનું ગીત બેસીને જ ગાતી રહે છે. ત્રણ દિવસ સુધી એ શુટિંગ ચાલ્યું. એ પછી સુભાષ ઘઈએ બાકીના ગીતનું નૃત્ય નિર્દેશન કરવાનું સરોજને સોંપી દીધું. પણ એટલા દિવસ નારાજગીને કારણે સરોજ સેટ પર રહેવાને બદલે કેન્ટીનમાં બેસી રહ્યાં હતાં. ગીત તૈયાર થયા પછી એમણે સરોજને બતાવ્યું ત્યારે એમને સુભાષ ઘઈનો નિર્ણય યોગ્ય લાગ્યો હતો અને કહ્યું હતું કે હવે પછી હું તમારા નિર્ણય સામે દલીલ કરીશ નહીં. તમે ગીતમાં વાર્તા પ્રમાણે ઇમોશન રાખ્યા છે.

UNGAમાં પાકિસ્તાની PM શરીફને ભારતનો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનને આકરી ફટકાર લગાવી હતી. પાકિસ્તાની PM શહબાઝ શરીફ આતંકવાદનાં ગાણાં ગાઈ રહ્યાં હતાં, જે બદલ ભારતે તેમને આડે હાથ લીધા હતા અને વૈશ્વિક મંચ પર ખોટો પ્રચાર કરવાનો આરોપ મૂક્યો હતો. શરીફે જ્યારે UNGAના 80મા સત્રમાં પોતાના ભાષણમાં જૂઠાણાં રજૂ કર્યાં ત્યારે ભારતે તેમના દાવાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ હકીકતોને તોડીમરોડી રજૂ કરે છે અને આતંકવાદી સંગઠનોને ઢાલ પૂરી પાડે છે, જેની નિંદા કરવી જરૂરી છે.

પાકિસ્તાનના PMનો દાવો

શરીફે કહ્યું હતું કે મે, 2025માં અમારી પૂર્વીય સરહદ પર બિનજરૂરી હુમલો થયો. અમે બચાવમાં પૂરેપૂરી તાકાતથી લડ્યા અને અમારી વાયુસેનાએ સાત ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યા. અમે દુશ્મનને હરાવ્યો અને પાછા ધકેલી દીધા. ભારતે મામલાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમે કહ્યું હતું કે પહેલગામ હુમલાની તપાસ થવી જોઈએ.

ભારતે બતાવ્યું દર્પણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાંથી બોલતા ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે શરીફના ભાષણને બકવાસ નાટક ગણાવ્યું હતું. એ સાથે સાથે પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાનો જે લાંબા સમયથી ઈતિહાસ ધરાવે છે તે બધાની સમક્ષ મૂક્યો હતો. ગહલોતે પાકિસ્તાની વડા પ્રધાન પર તીખો હુમલો કરતાં કહ્યું હતું કે આ સભાએ પાકિસ્તાનના PMનું બકવાસ નાટક જોયું, જેમણે ફરી એક વાર આતંકવાદનાં ગાણાં ગાયાં, જે તેમની વિદેશ નીતિનો અભિન્ન ભાગ છે.

એક એવું દેશ જે લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો અને તેને નિકાસ કરવાનો પરંપરાગત ઈતિહાસ ધરાવે છે, તેને આ હેતુ માટે સૌથી હાસ્યાસ્પદ વાર્તાઓ ઘડી કાઢવામાં કોઈ શરમ નથી, એમ તેમણે કહ્યું હતું.

150 કરોડ રૂપિયાના બિટકોઈન કૌભાંડ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ 150 કરોડ રૂપિયાના બિટકોઈન માલિકી કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

શુક્રવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બિટકોઈન કૌભાંડમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. એજન્સીનો દાવો છે કે કુન્દ્રા માત્ર એક વચેટિયા જ નહોતા પરંતુ 285 બિટકોઈનના વાસ્તવિક લાભાર્થી હતા, જેની કિંમત હાલમાં ₹150 કરોડથી વધુ છે.

આ કેસમાં ક્રિપ્ટો જગતના કુખ્યાત વ્યક્તિ અને ગેઈન બિટકોઈન પોન્ઝી કૌભાંડના માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજનો સમાવેશ થાય છે. EDનો આરોપ છે કે રાજ કુન્દ્રાને ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા. આ બિટકોઈનનો ઉપયોગ યુક્રેનમાં ખાણકામ ફાર્મ સ્થાપવા માટે થવાનો હતો, પરંતુ સોદો સફળ થયો નહીં. આમ છતાં, કુન્દ્રાએ આજ સુધી આ બિટકોઈન પોતાના હાથમાં રાખ્યા છે. એજન્સીના જણાવ્યા અનુસાર કુન્દ્રાએ સતત તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાના બિટકોઈન વોલેટના સરનામા પણ શેર કર્યા ન હતા અને પુરાવા છુપાવવા માટે પોતાનો ફોન ખરાબ હોવાના બહાનાનો ઉપયોગ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી સાથેના વ્યવહારો પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા

ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કુન્દ્રાએ તેની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વ્યવહાર કર્યો હતો, જેમાં બજાર મૂલ્ય કરતાં ઘણી ઓછી કિંમતે વ્યવહાર દર્શાવવામાં આવ્યો હતો. ED અનુસાર, આ પદ્ધતિ કાળા નાણાંને ધોળા કરવા અને ગેરકાયદેસર કમાણીને કાયદેસર બતાવવા માટે અપનાવવામાં આવી હતી.

માત્ર મધ્યસ્થી નહીં, પરંતુ માલિક

રાજ કુન્દ્રાએ દલીલ કરી હતી કે તે ફક્ત મધ્યસ્થી હતો અને તેની કોઈ સીધી માલિકી નહોતી. જોકે, ED કહે છે કે કરારની શરતો અને વ્યવહારો અંગેનું તેમનું સતત જ્ઞાન સ્પષ્ટપણે દર્શાવે છે કે કુન્દ્રા વાસ્તવિક લાભાર્થી હતા. વધુમાં, સાત વર્ષ જૂના વ્યવહાર અંગેનો તેમનો સ્પષ્ટ ખુલાસો સાબિત કરે છે કે તે બિટકોઇનના માલિક હતા.

બિટકોઈન કૌભાંડ મેળવો

આ કૌભાંડમાં હજારો રોકાણકારો પાસેથી પૈસા એકઠા કરવામાં આવ્યા હતા. તેમને બિટકોઈન માઈનિંગમાંથી નોંધપાત્ર નફો મેળવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેના બદલે, રોકાણકારોના પૈસા ઉડાડી દેવામાં આવ્યા હતા અને બિટકોઈન ગુપ્ત વોલેટમાં છુપાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસે આ છેતરપિંડીના સંદર્ભમાં અનેક FIR દાખલ કરી હતી, જેના આધારે EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

ચાર્જશીટમાં બીજા કોનો સમાવેશ થાય છે?

રાજ કુન્દ્રા ઉપરાંત, ઉદ્યોગપતિ રાજેશ સતીજાનું પણ આ કેસમાં નામ આપવામાં આવ્યું છે. બંને સામે ખાસ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

નાસા–ઇસરોએ રચ્યો ઇતિહાસ રચ્યોઃ NISAR થકી કુદરતી આફતોમાં મળશે મદદ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાની સંયુક્ત અંતરિક્ષ યોજના નિસાર (NISAR – NASA-ISRO Synthetic Aperture Radar) એ પૃથ્વીની સપાટીની પ્રથમ રડાર તસવીરો મોકલી છે. જુલાઈમાં ઇસરો દ્વારા લોન્ચ કરાયેલા આ ઉપગ્રહથી મળેલી શરૂઆતની તસવીરો સાબિત કરે છે કે બંને દેશોનું સંયુક્ત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર ભવિષ્ય માટે કેટલી મોટી શક્યતાઓ ખોલી રહ્યો છે.

નાસાના કાર્યકારી પ્રશાસક સીન ડફીએ કહ્યું હતું કે નિસારની પ્રથમ તસવીરો એનો પુરાવો છે કે જ્યારે આપણે નવીનતા અને શોધની સંયુક્ત દ્રષ્ટિ સાથે આગળ વધીએ છીએ ત્યારે દુનિયા માટે અદભુત સિદ્ધિઓ શક્ય બને છે. આ તો માત્ર શરૂઆત છે.

 કેટલી મહત્વની છે આ ટેક્નિક?

નિસારની રડાર ઈમેજિંગ ટેક્નોલોજી પૂરની, ભૂકંપ, જ્વાળામુખી, જંગલોનો નાશ, કૃષિ અને અવસંરચના જેવા પડકારોની દેખરેખમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. 21 ઓગસ્ટે નાસાના JPL દ્વારા વિકસિત L-બેન્ડ રડારે અમેરિકાના મેઈન રાજ્યના માઉન્ટ ડિઝર્ટ આઇલેન્ડની તસવીરો લીધી. પાણી, જંગલો અને બનેલી રચનાઓ અલગ–અલગ રંગોમાં સ્પષ્ટ દેખાયા. આ જ રીતે 23 ઓગસ્ટે નોર્થ ડકોટાની તસવીરોમાં ખેતરો, પાકો અને સિંચાઈના નકશા સ્પષ્ટ દેખાયા.

ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા S-બેન્ડ રડાર અને નાસાના L-બેન્ડ રડાર સાથે આ પહેલો ઉપગ્રહ છે જેમાં બંને પ્રકારનાં સેન્સર એકસાથે હાજર છે. તે દર 12 દિવસે પૃથ્વીની જમીન અને હિમખંડોની સપાટીનું મેપિંગ કરશે. વૈજ્ઞાનિકોને મતે આ ટેક્નોલોજી જમીનની ભેજ, પાકની પ્રગતિ, હિમખંડોની હલચલ અને કુદરતી આપત્તિ પહેલાં–પછી જમીનની ગતિવિધિઓ પણ રેકોર્ડ કરી શકશે.

 બે ખંડો વચ્ચેના સહકારનું અદભુત ઉદાહરણ છે નિસાર: નાસા

નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર અમિત ક્ષત્રિયાએ કહ્યું હતું  કે નિસાર માત્ર વિજ્ઞાનની સિદ્ધિ નથી, પરંતુ બે ખંડો વચ્ચેના સહકારનું અદભુત ઉદાહરણ છે. ભારત અને અમેરિકાની ભાગીદારી માત્ર આપણા ગ્રહને વધુ સારી રીતે સમજવામાં મદદ નહીં કરે, પરંતુ ચંદ્ર અને મંગળ મિશનની દિશા પણ મજબૂત કરશે.

ભારત તરફથી આ મિશનમાં મહત્વપૂર્ણ ફાળો ઇસરોના *સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર અને યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટરે આપ્યો છે. જ્યારે નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) અને ગોડર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર અમેરિકી જવાબદારી સંભાળી રહ્યા છે.

રતાળુની ખિચડી

રતાળુ કે શક્કરીયા ઘરમાં ઉપલબ્ધ હોય તો ઉપવાસમાં ફરાળ માટે તેની ખિચડી બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • રતાળુ અડધો કિલો
  • બટેટા 1-2
  • લીલા મરચાં તેમજ આદુની પેસ્ટ 3 ટે.સ્પૂન
  • તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • શેકેલા શીંગદાણાનો અધકચરો ભૂકો 2 ટે.સ્પૂન
  • લીલા નાળિયેરની છીણ 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • દાડમના દાણા 2 ટે.સ્પૂન,

રીતઃ રતાળુને ધોઈને છોલી લો. ત્યારબાદ એક છીણી લઈ તેમાં રતાળુ છીણી લો. તે જ રીતે બટેટાને પણ છોલીને છીણી લો.

રતાળુ તેમજ બટેટાની છીણ લઈ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સ્વાદ મુજબ સિંધવ મીઠું તેમજ શેકેલા શીંગદાણાનો ભૂકો મેળવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કર્યા બાદ રતાળુ-બટેટાની છીણને એમાં મિક્સ કરીને કઢાઈ ઢાંકીને 10 મિનિટ ગેસની ધીમી આંચે થવા દો.

10 મિનિટ બાદ ખિચડીની ઉપર નાળિયેરની છીણ, તેમજ દાડમના દાણા અને સમારેલી કોથમીર ભભરાવી દો. ફરીથી કઢાઈ ઢાંકીને 3-4 મિનિટ રાખ્યા બાદ ગેસ બંધ કરી દો. ત્યારબાદ ખિચડી પીરસો.

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫

પંચાંગ 27/09/2025

IND vs SL: ભારતનો વિજયી છગ્ગો, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું

એશિયા કપ 2025 ના સુપર 4 તબક્કાની અંતિમ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચ સુપર ઓવરમાં પરિણમી. ભારતે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 202 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જવાબમાં, શ્રીલંકાએ ઉત્તમ બેટિંગ દર્શાવી, પરંતુ લક્ષ્યથી 1 રન ઓછો રહ્યો, જેના કારણે મેચ ટાઈ થઈ ગઈ. ત્યારબાદ સુપર ઓવર રમાઈ.

ભારતે આ મેચ માટે જસપ્રીત બુમરાહ અને શિવમ દુબે જેવા ખેલાડીઓને આરામ આપ્યો હતો, જેના કારણે અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા બોલિંગ કરવા માટે છોડી દીધા હતા. અભિષેક શર્માએ ફરી એકવાર 22 બોલમાં 61 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ તિલક વર્માએ 34 બોલમાં અણનમ 49 રન બનાવીને સ્કોર મજબૂત બનાવ્યો, પરંતુ અડધી સદીથી એક રન ઓછો રહ્યો. સંજુ સેમસને પણ 39 રનનું યોગદાન આપ્યું, જેનાથી ભારતને 202 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી. બીજી તરફ, શ્રીલંકાએ આ ઇનિંગમાં છ બોલ ફેંક્યા અને તેમાંથી પાંચ વિકેટ લીધી. ચારિથ અસલંકા, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, દુષ્મન્થા ચમીરા અને મહિષ થિક્ષનાએ એક-એક વિકેટ લીધી.

પથુમ નિસાન્કાનો સદી મોંઘો સાબિત થયો

203 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત નબળી રહી. તેઓએ માત્ર સાત રનમાં એક વિકેટ ગુમાવી દીધી. કુસલ મેન્ડિસ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. ત્યારબાદ પથુમ નિસાન્કા અને કુસલ પરેરા વચ્ચે મેચ વિજેતા ભાગીદારી થઈ. બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 127 રન ઉમેર્યા. કુસલ પરેરા 32 બોલમાં 58 રન બનાવ્યા બાદ આઉટ થયો. પરંતુ પથુમ નિસાન્કા એક છેડો પકડીને 52 બોલમાં પોતાની સદી પૂરી કરી. તે અંતિમ ઓવરમાં 58 બોલમાં 107 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકાને તે ઓવરમાં જીતવા માટે ૧૨ રનની જરૂર હતી, પરંતુ તે ફક્ત ૧૧ રન જ બનાવી શક્યું. ત્યારબાદ સુપર ઓવર રમાઈ.

ટીમ ઈન્ડિયા સુપર ઓવર જીતી ગઈ

શ્રીલંકાએ સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરી, પરંતુ તેઓ ફક્ત ૫ બોલમાં જ ૨ રન બનાવી શક્યા અને ૨ વિકેટ ગુમાવી દીધી. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ પહેલા જ બોલ પર લક્ષ્ય હાંસલ કરી લીધું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી. બીજી તરફ, શ્રીલંકાને પણ તેમની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો.