Home Blog Page 577

યાદગાર યર ઓફ ધ બોલિવૂડ…

સમાચાર આવે છે કે ઓસ્ટ્રેલિયામાં 9 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિડનીમાં ‘શોલે’ નવી અથવા મૂળ ક્લાઈમેક્સ સાથે રિલીઝ થશે. આપણે જે ‘શોલે’ જોઈ છે તેની પરાકાષ્ઠામાં ખાખી વર્દીવાળા પુલીસ અફ્સરો (બધું પતી ગયા બાદ) પહાડોની વચ્ચે આવેલા ગબ્બરસિંહના અડ્ડા પર પહોંચીને એને અરેસ્ટ કરે છે. સર્વવીદિત છે કે દિગ્દર્શક રમેશ સિપ્પીએ શૂટ કરેલી મૂળ પરાકાષ્ઠામાં ઠાકૂર બલદેવસિંહ પોતાની ધારદાર ખીલીવાળી મોજડીથી ગબ્બરને લોહીલુહાણ કરીને મારી નાખે છે, પણ સેન્સરમાં વાંધા પડતા ગબ્બરની ધરપકડ બતાવવી પડી.

હશે. ‘શોલે’ની તો બહુ વાત થઈ. આપણે વાત કરવી છે, જે વર્ષે ‘શોલે’ રિલીઝ થઈ તેની. 1975ની. 1975માં કેટલીક સારી ફિલ્મો રજૂ થઈ, જથ્થાબંધ સારી ફિલ્મો રિલીઝ થઈ. બન્ને રીતેઃ કમાણીની રીતે સારી અને કૃતિ તરીકે પણ સારી. આ સાથે બીજી પણ એક નોંધનીય ઘટના ઘટી, જેની વાત પછી. પહેલાં આ યાદી જુઓઃ

ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી એ 1975માં ‘શોલે’, ‘દીવાર’, ‘ફરાર’, ‘ધર્માત્મા’, મિલી’, ‘ચૈતાલી’, ‘ચૂપકે ચૂપકે’, ‘આંધી’, ‘ખુશ્બૂ’, ‘મૌસમ’,’ છોટી સી બાત’, ‘જુલી’, ‘જય સંતોષી મા’, ‘ગીત ગાતા ચલ’, ‘પ્રતિજ્ઞા’, ‘ખેલ ખેલ મેં’, ‘‘સંન્યાસી,’ ‘પ્રેમ કહાની’, ‘જખ્મી’, ‘ઝમીર’,  શ્યામ બેનગલની ‘નિશાંત’, વગેરે રિલીઝ થઈ.

 

-અને નોંધનીય ઘટના તે એ કે આજકાલ ઘણા ફિલ્મમેકર ત્રણ વર્ષમાં એક સારી ફિલ્મ પણ આપી શકતા નથી, પરંતુ ગુલઝાર સાહેબે એક જ વર્ષમાં (1975માં) ત્રણ સ-રસ ફિલ્મો આપીઃ ‘આંધી’, ‘ખુશ્બૂ’ અને ‘મૌસમ’. ત્રણેય ફિલ્મનાં કથાવસ્તુ-અભિનય-ગીત-સંગીત આજેય ડોલાવે એવાં છે. ત્રણમાંથી બેમાં પંચમદા, જ્યારે ‘મૌસમ’માં મદનમોહન અને સલીલ ચૌધરીનાં ગીત-સંગીત. શ્રેય અહીં સંજીવ કુમારને પણ આપવું ઘટે. ત્રણમાંથી બે ફિલ્મ પોલિટિકલ લવસ્ટોરી ‘આંધી’ અને રોમાન્સ ડ્રામા ‘મૌસમ’માં સંજીવકુમાર હતા. સંજીવકુમાર સર્વકાલીન શ્રેષ્ઠ હતા. દુર્ભાગ્યે બહુ વહેલા ચાલી ગયા. મને એવી ફીલિંગ આવ્યા કરે છે કે સંજીવકુમારની એક્ટર તરીકે અને ગુલઝારની ડિરેક્ટર તરીકે જોઈએ એવી કદર થઈ નથી. નિઃશંકપણે લેખક-ગીતકાર તરીકે ગુલઝારને પૂરાં આદરસમ્માન મળ્યાં.

તો 1975માં જ રિષિકેશ મુખર્જીએ આપીઃ ‘મિલી,’ ‘ચૂપકે ચૂપકે’ અને ‘ચૈતાલી’.

બીજી એક રસપ્રદ વાત તે એ કે 1975ની સુપરહિટ ફિલ્મોમાંથી અડધો ડઝન ફિલ્મ (‘શોલે’-‘દીવાર’-‘ફરાર’-‘ચુપકે ચુપકે’-‘ઝમીર’)માં અમિતાભ બચ્ચન હતા. 1975થી જ બચ્ચન નંબર વન હીરો તરીકે ઊભરી આવ્યા, અને આગામી બે દાયકા સુધી એન્ગ્રી યંગ મેન અથવા હીરો તરીકે એકચક્રી શાસન કર્યું. આજે પણ એમના સુપર સ્ટારડમ અને ફેનબેઝ જળવાયેલાં છે. ફરારની વાત નીકળતાં આ વાત યાદ આવી ગઈ. ૧૯૭૫માં જ રિલીઝ થયેલી બાસુ ચેટર્જીની ‘છોટી સી બાત’માં અમિતાભ બચ્ચન ‘ફરાર’ના શૂટિંગમાંથી સમય કાઢીને અશોકકુમારને મળવા આવે છે. એવું દશ્ય છે. એક ખૂણામાં ઊભેલા અમોલ પાલેકર બન્નેને ખાનગી વાત કરતા અહોભાવથી જોતા રહે છે.

તો વસ્તુ એવી કે આ એક જ વર્ષમાં અમિતાભ પાંચ ફિલ્મોમાં, જ્યારે ધર્મેન્દ્ર ચાર ફિલ્મોમાં દેખાયા. ‘ચૂપકે ચૂપકે’ની વાત કરીએ તો, અમિતાભ-જયા ભાદુરીને ખબર હતી કે આ ફિલ્મનાં હીરો-હીરોઈન ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોર છે, પોતે તો નંબર-ટુ છે. આમ છતાં હૃષિદા માટે પ્રેમાદરના કારણે એમણે કામ કરવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, તેમણે પૈસા પણ લીધેલા નહીં. ભઈ, આ પૈસા ન લીધાની વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્રોત પાસેથી સાંભળેલી છે. સાચું-ખોટું તો દ્વારિકાધીશ જાણે.

-અને હૃષિદાએ કોઈને નિરાશ કર્યા નહીં. ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, બચ્ચન સાહેબ, જયાજી જ નહીં, પણ ઓમ પ્રકાશ, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખર્જી, અસરાની આજે પણ યાદ છે. ગુલઝાર સાહેબે લખેલી ચૂપકે ચૂપકે’ કલ્ટ કોમેડી બની ગઈ.

આનાં બે વર્ષ બાદ, 1977માં મનમોહન દેસાઈએ, એક જ વર્ષમાં, ‘પરવરિશ’, ‘અમર અક્બર એન્થની’, ‘ધર્મવીર’ અને ‘ચાચા ભતીજા’ એમ ચાર-ચાર ફિલ્મો આપી, જેની વાત ફરી ક્યારેક.

કોણ છે શેખર જ્યોતિ ગોસ્વામી? જેમને ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં SIT એ કસ્ટડીમાં લીધા

આસામ સરકાર આસામી ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરી રહી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે શેખર ગોસ્વામી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. શેખર કોણ છે અને તે ઝુબીનના મૃત્યુ સાથે કેવી રીતે જોડાયેલ છે તે જાણો.

આસામ સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરી રહી છે. આ તપાસના ભાગ રૂપે સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. જે દિવસે SIT એ નોર્થઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત અને તેમના મેનેજર સિદ્ધાર્થ શર્માના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા તે જ દિવસે શેખર જ્યોતિ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. શેખર જ્યોતિ ગોસ્વામી કોણ છે તે જાણો.

શેખર જ્યોતિ ગોસ્વામી એક ડ્રમર છે. શેખર જ્યોતિ ગોસ્વામી એક ડ્રમર હોવાનું કહેવાય છે જે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે ઝુબીન ગર્ગના અંતિમ ક્ષણો દરમિયાન તેની સાથે હતો. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ શેખર જ્યોતિ ગોસ્વામી ઝુબીન ગર્ગના લાંબા સમયથી બેન્ડમેટ હતા. જો કે, તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તેણે પોતાને સાઉન્ડ એન્જિનિયર, મ્યુઝિક પ્રોડ્યુસર, એરેન્જર, કમ્પોઝર અને કોમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયર ગણાવ્યા છે. જો કે, અધિકારીઓએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે સંગીતકારને કેમ અટકાયતમાં લેવામાં આવ્યા.

જુબીનના મેનેજરની ધરપકડની માંગણીઓ તીવ્ર બની

બીજી તરફ, શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ શર્માની ધરપકડની માંગણીઓ વધી રહી છે, કારણ કે SIT એ તેમના ઘરો પર અલગથી દરોડા પાડ્યા ત્યારે બંને હાજર નહોતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે જુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્માના ઘરની બહાર ઘણા લોકો એકઠા થયા હતા અને પોલીસ SIT ટીમને તેમના ઘરે લઈ જતી વખતે પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ મેનેજરની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી અને ગાયકના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. ભીડને ઉશ્કેરવા અને હોબાળો મચાવવા બદલ બે લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.

સ્કુબા ડાઇવિંગ કરતી વખતે મૃત્યુ

સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે 52 વર્ષીય સિંગર ઝુબીન ગર્ગનું મોત થયું. તેઓ ઉત્તરપૂર્વ ભારત મહોત્સવમાં ભાગ લેવા માટે સિંગાપોર ગયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું. સિંગાપોરની એક હોસ્પિટલમાંથી મળેલા ઝુબીનના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ડૂબી જવાને દર્શાવવામાં આવ્યું છે. જોકે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આશા વ્યક્ત કરી હતી કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વધુ માહિતી બહાર આવશે. મુખ્યમંત્રીએ એ પણ ખાતરી આપી હતી કે જો SIT તપાસ સંતોષકારક નહીં હોય, તો આસામ સરકાર CBI તપાસની ભલામણ કરશે.

વાસ્તુ: દિવાળીની સફાઈ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય ખરા?

માનવીનો અવતાર આનંદમય જીવન જીવવા માટે છે. આનંદ અને મોજશોખ એ અલગ વિષય છે. આજે જયારે સત્સંગ જેવા વિષયને પણ લોકો વ્યસનની પ્રક્રિયા સાથે જોડી રહ્યા હોય ત્યારે પરમ આનંદ સમજાવવાનું લગભગ અશક્ય છે. માણસ એટલે સહનશક્તિનું પ્રતિક એ વિષય ખબર નહિ ક્યાંથી આવ્યો છે. જો દુખ સહન કરીને જ જીવવાનું હોય તો પછી અન્ય જીવ અને માણસ વચ્ચે ફર્ક શું હોઈ શકે? જે જીવ નિર્ણય લઇ શકે છે. જે પોતાના વિકાસ માટે કાર્ય કરી શકે છે તે માત્ર સહન કર્યા કરે એ વાત મૂળભૂત રીતે જ ખોટી લાગે છે. આંનંદ એ આંતરિક ભાવના છે. જયારે એની સમજણ મળે ત્યારે વ્યક્તિ સુખી થઇ શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: દિવાળીની સફાઈ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય ખરા?

જવાબ: જી. દિવાળીની સફાઈ પાછળના કારણો આપણે ઘણી વાર ચર્ચ્યા છે. તેથી આજે નિયમોની જ વાત કરીએ. સફાઈની શરૂઆત ઈશાનથી કરવી જોઈએ. સામાન્ય રીતે આપણે એક જગ્યાએથી વસ્તુઓ ખસેડીને ત્યાં પછી મૂકી દઈએ છીએ. આ ખોટી રીત છે. કોઈ પણ વસ્તુને એની જગ્યાએથી ખસેડ્યા બાદ એની પુરતી સફાઈ જરૂરી છે. આ ઉપરાંત એ વસ્તુ વાસ્તુ નિયમ મુજબ ત્યાં મુકાય કે નહિ તેના માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ઘરમાં એવી વસ્તુઓ હોય કે જે લાંબા સમયથી ન વપરાઈ હોય એને ઘરમાંથી યોગ્ય જગ્યાએ જવા દેવી જોઈએ. દેવસ્થાનની આસપાસ કોઈ પણ વજન વાળી કે ઉંચી વસ્તુ ન રાખવી જોઈએ. ઘરમાં નૈરુત્ય તરફની સફાઈ છેલ્લે કરવી જોઈએ. પરંતુ વસ્તુઓ મુકવાનું નૈરુત્ય દિશાથી શરુ કરવું હિતાવહ છે. આ સફાઈ કરતી વખતે ઘરની દીવાલો ન ધોવાય. એનાથી ઘરમાં બરકત ઘટે છે. ઘરમાં ફર્શ ધોવાની થાય તો તે નૈરુત્યથી ઇશાન તરફ ધોઈ શકાય.

ઘરની સફાઈ પોતાના કાયમના માણસો અથવાતો ઘરની વ્યક્તિઓએ જ કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ અચાનક સફાઈ કરે તો તેની નકારાત્મક ઉર્જાની અસર ઘરની ઉર્જાને નુકશાન કરી શકે છે. દિવાળીની સફાઈ કરતી વખતે કેમિકલ વધારે હોય એવા દ્રવ્યોનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગુરુવારે દિવાળી માટેની ઘરની સફાઈ ન કરાય. ઘર ધોતી વખતે જો પાણી ઘરની બહાર ઉડે તો તે ઘરની આર્થિક વ્યવસ્થાને નુકશાન કરે છે.

સવાલ: અમે વરસોથી તમારા લેખ વાંચ્યા છે, તમારા દરેક ટીવી કાર્યક્રમો પણ જોયા છે અને તમારા રેડીઓ શો પણ સાંભળ્યા છે. અમને તમે કાયમ એક ગુરુતુલ્ય વ્યક્તિ લાગ્યા છો. કોઈ આડંબર નહિ અને કોઈ દેખાડો નહિ. તમે કાયમ સીધી વાત જ કરો છો. એક સવાલ અમને સતાવી રહ્યો છે કે જો દુનિયાની ઈકોનોમી ખરાબ હોય, વિશ્વયુદ્ધ થવાની વાતો ચાલતી હોય અને માર્કેટમાં પૈસાના લીધે તકલીફ હોય તો લોકો નવરાત્રી, દિવાળીની ખરીદી અને મોજશોખ પાછળ ધુમાડા કેમ કરે છે? ઉત્તર ભારતમાં વાદળો ફાટે છે, રસ્તાઓ ધોવાઈ જાય છે તો પણ લોકો જાત્રાના નામે ફરવા જાય છે. શું આ બધું રોકી ન શકાય? કે પછી આ સમાચારો માત્ર ડરાવવા માટે જ હોય છે?

જવાબ: કોવીડ પછી માણસને કુદરતનો પણ ડર નથી રહ્યો. જે છે તે વાપરી નાખવાનો વિચાર વધી રહ્યો છે. વળી નવી પેઢી દિશાહીન બની રહી છે. સમગ્ર વિશ્વમાં સ્થિતિ કાબુમાં નથી એ એક હકીકત છે અને લોકો નફિકરા થયા છે અથવાતો માત્ર મોજશોખ કરવા ઈચ્છે છે એ બીજી હકીકત છે. રોજબરોજની ઘટનાઓ અંગે કદાચ એમની સહિષ્ણુતા જતી રહી છે. પણ જો ભવિષ્યનો વિચાર નહિ કર્યો હોય તો આવનાર સમય સાચેજ ખરાબ હશે એ પણ હકીકત છે. સમય સહુથી મુલ્યવાન છે. અને એનો વેડફાટ સતત થઇ રહ્યો છે. કોઈને એકબીજા માટે સમય નથી પણ ન કરવાની બાબત માટે પુષ્કળ સમય છે. બધાજ ભાગી રહ્યા છે પણ કોઈ કશે પહોંચતું નથી.

આવા સમયે પોતાના ભવિષ્યનો વિચાર ચોક્કસ કરવો જોઈએ. કોઈ દેવસ્થાનમાં વિચાર્યા વિના દાન કરવા કરતા કે યાત્રાઓ કરવા કરતા પોતાની પેઢી માટે બચત કરવી જોઈએ. પ્રલોભનોમાં ન જ આવવું જોઈએ.

સુચન: સુપાત્રને દાન જરૂરી છે. આપણા પૈસાનો કોઈ અન્ય પણ દુરુપયોગ કરે તો એ આપણી ઉર્જા ઓછી કરે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

PM મોદીએ બિહારમાં લોન્ચ કરી ‘મુખ્‍ય મંત્રી મહિલા રોજગાર યોજના’

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDA ગઠબંધને મહિલા મતદારોને લક્ષ્ય બનાવીને મોટું પગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં ‘મુખ્‍ય મંત્રી મહિલા રોજગાર યોજના’ નો શુભારંભ કરશે. આ કાર્યક્રમમાં તેઓ બિહારની 75 લાખ મહિલાઓનાં બેંક ખાતાંમાં સીધા 10,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. કેન્દ્રની મોદી સરકાર અને બિહારની નીતિશ સરકારના નેતૃત્વમાં ‘મુખ્‍ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ત્યાર બાદ મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની વધારાની મદદ પણ આપવામાં આવશે.

‘મુખ્‍યમંત્રી મહિલા રોજગાર યોજના’ થી બિહારની મહિલાઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શુક્રવારે એટલે કે 26 સપ્ટેમ્બરે ‘મુખ્‍યમંત્રી મહિલા રોજગાર યોજના’ નો પ્રથમ હપતાના પૈસા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે સરકાર તરફથી વિશાળ કાર્યક્રમનું આયોજન થવાનું છે. એ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમ સાથે ઓનલાઈન જોડાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક અનુદાન 10,000 રૂપિયાનું રહેશે.

અધિકારીઓએ જણાવ્યું કે રોજગાર શરૂ કર્યા પછી મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની વધારાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. PM મોદી અને બિહારના CM નીતીશકુમારની હાજરીમાં 75 લાખ મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જન પ્રતિનિધિઓ સિવાય જિલ્લા સ્તરના અધિકારીઓ અને સ્વયં સહાયતા જૂથ સાથે જોડાયેલી આશરે 1000થી વધુ મહિલાઓ ભાગ લેશે.

‘મુખ્‍ય મંત્રી મહિલા રોજગાર યોજના’ નો હેતુ શું?

સરકારની આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવો અને સ્વરોજગાર તથા આજીવિકાના અવસરો દ્વારા તેમના સશક્તીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક પરિવારની એક મહિલાને આર્થિક સહાય આપવામાં આવશે. જેથી તેઓ પોતાની પસંદગીનો રોજગાર અથવા આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરી શકે. જેને કારણે તેઓ ખેતી, પશુપાલન, હસ્તકલા, સીલાઈ અને અન્ય લઘુ ઉદ્યોગોમાં પોતાનું કાર્ય શરૂ કરી શકે.

લોકગીતોમાં છલકાતી સંસ્કૃતિની ગાથા

નવરાત્રી અને લોક ગરબી કે ગરબાનું આપણાં શાસ્ત્રોમા જેટલું આધ્યાત્મિક મહત્વ છે એટલું જ મહત્વ એની લોક વાયકાઓ, લોકલાગણીઓ સાથે છે. સમયે સમયે યુગ પરિવર્તન થતાં લોકબોલી, અને એના ભાવો સાથે ગરબીના તાલ અને બોલ પણ બદલાયા છે.’પાવલી લઈને હું તો પાવાગઢ ગઇતી ‘ થી ‘ચાર ચાર બંગડી વાળી ગાડી ‘ સુધી, લોકોના મનનાં ઉભાર ગરબામાં પીરસાતા ગયાં.

આપણી સંસ્કૃતિ એક અમૂલ્ય સાહિત્ય સંપન્ન વારસો ધરાવે છે. એ વરસો,આપણને આપણાં સુઘી જીવંત, અને એના ખરા સ્વરૂપે એજ રીતે આપણને જો મળી શક્યો છે અને આપણે આપણાં લોકસાહિત્યના હાર્દને જો જાણી શક્યા હોય તો એનો શ્રેય સાહિત્યકાર, કવિઓને જાય છે, જેમણે એમની કલમ અને વ્યક્તવ્ય દ્વારા આજે ગુજરાતી સાહિત્યને આપણાં હ્રદયમાં ધબકતું રાખ્યું છે. બાકી દુનિયાનું દરેક એઆઈ, મેટા કે ગુગલ,ગુજરાતી પરંપરાગત લોકગીત કે પ્રાચીન ગરબીના અર્થ સમજાવવા હજુ પણ અસમર્થ છે.

એક ખૂબ લોકપ્રિય ગરબો છે ‘દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાડ રે…’એનો અર્થ કદી જાણ્યો હોય તો ખરેખર આપણાં રોમ રોમ ખીલી ઉઠે. દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય એ શક્ય નથી, તો પછી વાત શુ છે? એ છે સોરઠી ગરબાની દંતકથા. કહેવાય છે કે સોરઠમાં એકવાર જ્યારે માતાજીનું આઠમું નોરતું હતું ત્યારે એક સોરઠી બાઈને પણ ગરબે ઘુમવાનું મન થયું. પરંતુ એના ખોળામાં છએક માસનો દિકરો હતો. ગરબામાં જવા માટે એ જલ્દી જલ્દી ઘરનું કામકાજ પતાવી, છોકરાને ખવડાવી અને સુવડાવીને સહેલીઓ સાથે ગરબે ઘૂમવા જાય છે… એનો પતિ તો આંગણામાં જ હોય છે. બેએક કલાક પછી પેલો બાળ રડવા માંડે છે અને આ બાજુ માતૃત્વને એના ભણકારા વાગતાં જ એ હાંફળી-ફાંફળી દોડતી ઘરે આવે છે અને ઘરમાં જઈને રડતા બાળકને છાતીએ વળગાડે છે. એને આમ અચાનક દોડતી આવેલી જોઈને એનો પતિ પણ એની પાછળ ઘરમાં આવે છે. માતૃત્વથી નીતરતી અને પોતાના બાળકમાં સંપૂર્ણપણે તન્મય થઈ ગયેલી એ બાઈ ઉતાવળમાં બાળકને ધવડાવતી વખતે પોતાની છાતી ઢાંકવાનું ભૂલી જાય છે. અને આ દૃશ્ય એનો પતિ જોઈ રહે છે. માતૃત્વથી તરબતર પોતાના બાળકને માત્ર દૂધ જ નહીં, પરંતુ જાણે સાક્ષાત પ્રેમ અને મમતાનું અમૃતપાન કરાવી રહેલી પત્નિનાં ગળામાંની મોતીની માળા એ ધાવતાં બાળકનાં મોં સુધી સ્પર્શતી રહે છે. મા-બાળકનાં વ્હાલનું એ અદભૂત દૃશ્ય જોઈને એનાં પતિનાં મ્હોંમાંથી સહજ શબ્દો સરી પડે છે કે,“દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…”.

રમેશપારેખનુ ‘વ્હાલ બાવરી’નુ ગીત ‘સાંવરિયા રે મારો સાંવરિયો’…એનો લૌકિક અર્થ કરો તો આજે પણ રુંવાડા ઉભા થઇ જાય. એક નારી, પ્રેમ વિહવળ બનીને જે વ્યથા રજૂ કરે છે, એના શબ્દો જો તમે ધ્યાનથી સાંભળો તો એમાં ઓતપ્રોત થઇ જવાનું મન થાય. Jv પ્લાનેટમા એ રમેશ પારેખના ગીતનું ઘણી સરસ રીતે અર્થઘટન કર્યું છે. એ કહે છે કે પ્રેમ ઘેલી નારીઓની કલ્પના રજૂ કરતું આ ગીત અદ્ભૂત છે, ‘ધરું ખોબો ને દઈ દે દરિયો, મને પૂછો કે ઘર મારું કેવડું, મારા વ્હાલમજી બાથ ભરે એવડું..’ એના વ્હાલમના પ્રેમથી તરબરતાં આલિંગનની વિશાળતાને શબ્દોથી શણગારવામાં આવી છે. ભાગ દોડ વાળા જીવનમાં પોતાનાઓને સાંભળવાનો સમય નથી મળતો તો પુસ્તકો શોધીને વાંચવાનો સમય ક્યાંથી મળે, પણ આવાં ઇતિહાસના રૂપલા હીરા મોતીઓ આપણને પીરસી રહ્યા છે, આપણાં ચાહિતા લેખકો, સાહિત્યકારો, અને કવિઓ, અને એ પણ આપણાં યુવાઓના માધ્યમો સોશિયલ મીડિયા દ્વારા…

એક એવો સમય હતો જયારે દીકરીઓ પરણીને સાસરે જતી, મોટા ઘૂંઘટની અંદર ઘૂંટાતી જીંદગીની પરીકલ્પના આજે કરવી અશક્ય છે, જ્યાં ઘરની વહુઆરુને ખોંખારો ખાવાની પણ પરવાનગી ના હોય ત્યાં રાસ રમઝટની વાત તો બહુ દૂરની હોય છે. દીકરી સાસરિયે છે અને વર્ષો પછી ફરી એજ કુળમા બીજી દીકરીનું સગપણ નકી કરવા દાદા આવે છે, પણ કોઈ સંજોગોમા, દાદા અને દીકરી વચ્ચે વાતચીત શક્ય નથી કેમકે એ સમયમાં મર્યાદાની કિંમત ખૂબ વધુ હતી, દાદા એ જ કુળમાં પોતાની બીજી દીકરીને વળાવવાનુ વિચારે છે, ત્યારે પહેલી દીકરી એમના દાદાને ના પાડવા ઘૂંઘટમાંથી આ ગીત લલકારે છે, દાદા હોં દીકરી,વાગડમા ના દેજો હોં સહી, વાગડની વઢીયાળી સાસુ દોહલી રે લોલ’…. આ ગરબો ગવાય રહ્યો છે ચોકમાં, આટલી ઘૂંઘટા તાણેલી દીકરીઓમાંથી દાદા તેમની દીકરીનો અવાજ સાંભળીને એને ઓળખી જાય છે. અને આ ગીત ત્યારે સંવાદ બની જાય છે. સાસરીમાં માત્ર વહુનો હોંકારો સાંભળનારા કોઈ એને ઓળખી શકતા નથી, આમ એ લહેકો એની મર્યાદા સાચવી ગયો છે.

આપણી સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે, જ્યાં આજની તારીખે પણ દરેક રીતો અને રિવાજોના બોલ છે, ગીત છે અને સંગીત છે. લલણીના, પ્રેમના ગીત, વિદાયના ગીત, પરોઢીયા થી લઈને નિંદરણીના ગીત,.. ગણેશ સ્થાપનાથી લઈને અરૂંધતીના તારો જોવાના ગીત… અને એવા ગીત આજની તારીખે પણ ગજરાતમા બને છે,જેને માત્ર ગુજરાત કે ભારતમાંજ નહીં પરંતુ ગ્લોબલ લેવલે વિશ્વના સૌથી પ્રસિદ્ધ મ્યુઝિક એવોર્ડસમા સ્થાન મળેલ છે, એવા આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલ ‘અલબેલી મતવાળી મૈયા’ને ગ્રેમિએવોર્ડની પર્ફોમન્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. એ ગુજરાતીઓ માટે ખરેખર ગર્વની વાત છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

ફાર્મા સેક્ટર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે 100 ટકા ટેરિફ બોમ્બ ઝીંક્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે કયો નિર્ણય લઈ લે તે કહેવું મુશ્કેલ છે. હવે તેમણે પહેલી ઓક્ટોબરથી ફાર્મા ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી બ્રાન્ડેડ અને પેટન્ટ મેડિસિન પ્રોડક્ટ્સ પર 100 ટકા ભારે ટેરિફ લગાવવાનો જાહેર કર્યો છે. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું છે કે પહેલી ઓક્ટોબર, 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવા પર 100 ટકા ટેરિફ લગાવીશું. આ ભારે ટેરિફથી છૂટ મેળવવા માટે કંપનીઓએ અમેરિકા અંદર જ ઉત્પાદન શરૂ કરવું પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયની પ્રતિકૂળ અસર ભારતીય કંપનીઓ પર પણ થશે, કારણ કે અમેરિકા માટે દવાઓના સૌથી મોટા સપ્લાયર્સમાં ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.

હાલ ભારતીય દવા પર કેટલો ટેક્સ?

હાલ અમેરિકાથી ભારત આવતી દવાઓ પર 10.91 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેક્સ લગાવતું નથી. જોકે બીજી એપ્રિલ, 2025ના ટેરિફ જાહેરાત વખતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું હતું, પરંતુ હવે 100 ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે.

મેડ ઇન અમેરિકા પર ઝીરો ટેરિફ

ટ્રમ્પે લખ્યું છે કે જો કંપનીઓ અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી ન રહી હોય. તેમણે છૂટની કડક શરતો પણ સ્પષ્ટ કરી હતી “કન્સ્ટ્રક્શન અન્ડર પ્રોસેસ” એટલે કે નિર્માણ કાર્ય શરૂ થવું અથવા ચાલુ હોવું એટલે કે જો પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ ગયું છે તો આ દવાઓ પર કોઈ ટેરિફ લાગશે નહીં.

આ ઉત્પાદનો પર પણ ટેરિફ લાગશે

એ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલી ઓક્ટોબરથી કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા, ફર્નિચર પર 30 ટકા અને ભારે ટ્રકો પર 25 ટકા શુલ્ક વસૂલવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની પણ મોટો અસર પડશે.

અમેરિકન જનતા પર વધશે ખર્ચનો બોજ

વર્ષ 2024માં અમેરિકાએ લગભગ 233 અબજ ડોલરની દવાઓ અને ઔષધીય ઉત્પાદનોની આયાત કરી હતી. દવાઓ પર ભારે ટેરિફથી અમેરિકામાં દવાઓના ભાવમાં મોટો વધારો થશે, જેનો બોજ સીધો જનતાને સહન કરવો પડશે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન જનતા પર બુમરેંગ સાબિત થશે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫

Chitralekha Gujarati – 06 October, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 26/09/2025